Opinion Magazine
Number of visits: 9570054
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘હિંદુ’ એટલે?

ડૉ. એમ.એમ. ભમગરા|Opinion - Opinion|17 April 2022

૧. ‘હિંદુ’ એટલે?

“ગર્વ સે કહો હમ હિંદુ હૈં!”

આ સૂત્ર અમુક રાજકીય પક્ષે પ્રચલિત કર્યું ત્યારથી એની તરફેણમાં અને વિરોધમાં જોરશોરથી વાદવિવાદ શરૂ થઈ ગયો છે. બીજા રાજકીય પક્ષો “હિંદુ”ના કોમવાદની વિરુદ્ધમાં “હમ હિંદુસ્તાની પ્રથમ હૈં, ઔર હિંદુ યા મુસ્લિમ યા શીખ યા ઈસાઈ બાદમેં” એવા પ્રચારમાં સંલગ્ન છે. હિંદુત્વનાં ગુણગાન ગાનારાઓમાંથી ભાગ્યે જ કોઈને “હિંદુ”નો અર્થ ખબર છે. કોઈ પણ વિવાદમાં સંવાદ તો શક્ય હોતો જ નથી; વિવાદથી ગરમી પેદા થાય છે, પ્રકાશ નહીં, આપણે અહીં ગરમી પેદા ન થાય એ રીતે પ્રકાશ પ્રકટાવવા પ્રયત્ન કરીશું.

પહેલાં જ એક ચોખવટ કરી લેવી છે કે, આ લેખક કોઈ ધર્મ-અભ્યાસી નથી. એણે જાણી લીધું છે કે, ધર્મ તો ધારણ કરવાનો હોય છે, એ તો જીવવાનો છે. એનો અભ્યાસ કે વિશ્લેષણ કરવાથી કે એ વિષે વાંચન કે શ્રવણ કરવાથી જ કોઈ ધાર્મિક થયું નથી, કે થનાર નથી. હવે મૂળ મુદ્દા પર આવીએ.

તાજેતરમાં ભારતીય શાકાહારી કાઁગ્રેસના મદ્રાસથી નીકળતા ત્રિમાસિકમાં ઉદેપુર, રાજસ્થાનની એક સંસ્થા વિષે વાંચ્યા પછી આ પ્રશ્નમાં રસ જાગ્યો છે. આ સંસ્થાનું નામ ‘ગીતા-રામાયણ સેવા સંઘ’ છે. એના સંચાલક છે, બ્રહ્મજ્ઞઋષિ વિશ્વાત્મા બાવરા; જે અશોકનગરમાં રહે છે. આ સંઘ કહે છે કે, ‘હિંદુ’ શબ્દ બે ધાતુઓના સંયોજનથી બન્યો છે. “હિં” હિંસામાંથી આવ્યો છે અને “દુ”નો અર્થ છે “વેદના અનુભવવી.” હકીકતમાં “હિન્દુ” શબ્દ એ “હિંસયા દૂયતે” એ આખા શબ્દનું ટૂંકું સ્વરૂપ છે,  અને એનો ખરો અર્થ એ છે કે, જેનું હૃદય કોઈના પર થતી હિંસાથી દ્રવી ઊઠે તે હિંદુ! બ્રહ્મજ્ઞઋષિ બાવરા હિંસાની વ્યાખ્યા આપતાં કહે છે કે, કોઈ પણ જીવને શાબ્દિક, માનસિક કે શારીરિક ત્રાસ આપવો, અને એમાંથી પોતે લાભ કે આનંદ મેળવવો એ હિંસા છે.

શ્રી બાવરા એમ પણ કહે છે કે, હિંસક તે છે કે જે અજ્ઞાની છે; કારણ કે, અજ્ઞાની માને છે કે દુનિયામાં જે કાંઈ જીવિત કે અજીવિત છે, તે બધું માનવીનાં સુખચેન માટે બનેલું છે. એટલે માનવી તેને કોઈ પણ રીતે ભોગવે તેમાં કશું ખોટું નથી. એથી ઊલટું, જ્ઞાની વ્યક્તિ અહિંસક હોય છે; પોતાના રંજન ખાતર એ કોઈ પણ જીવને રંજ પહોંચાડતી નથી. શ્રી બાવરા એમ પણ કહે છે કે, જ્ઞાની યાને અહિંસક વ્યક્તિની ફરજ આટલેથી જ સમાપ્ત થતી નથી. નબળા જીવો, મૂક પ્રાણીઓ, કચડાયેલા માનવીઓ, અબળાઓ વગેરેનું રક્ષણ કરવાની પણ એની ફરજ બને છે. માત્ર ભક્ષણ જ હિંસા છે, એમ ન માનતાં, જ્ઞાની વ્યક્તિ કહે છે કે, શોષણ પણ હિંસા છે; અને જેને રક્ષણ આપવું જોઈએ તેને રક્ષણ ન આપવું એ પણ હિંસા છે. જ્ઞાની માનવીનો ધર્મ માનવધર્મ છે, જેને કરુણાધર્મ પણ કહી શકાય. તુલસીદાસજી કહી ગયા છે કે, “દયા ધરમ કા મૂલ હૈ” તે વાત જ્ઞાનીને જચે છે.

છેવટે … બ્રહ્મજ્ઞઋષિ બાવરા કહે છે કે, હિન્દુ તે છે કે જે આક્રમક નથી. હિન્દુ તે છે જેના આચાર, વિચાર અને વહેવાર સાત્ત્વિક છે. હિન્દુ કોઈ માન્યતાઓ માનતા સમૂહ પર ચોંટાડેલું લેબલ ભલે હોય; વાસ્તવમાં હિન્દુત્વ કોઈ અમુક ભગવાનને માનવા સાથે, અમુક મંદિરમાં પૂજા-પાઠ કરવા સાથે, કે અમુક તીર્થની યાત્રા કરવા સાથે સંબંધિત નથી. હિન્દુત્વ તો અહિંસા અને કરુણા સાથે જોડાયેલી સાત્ત્વિક જીવન-પ્રણાલી માત્ર છે.

“હિંદુ” કોણ? : જે અજ્ઞાની છે તે સામાન્ય રીતે લડાયક વૃત્તિવાળા હોય છે. એ લોકોને અહિંસાની વાતો નથી ખપતી. એ લોકો તો “હિન્દુ ધર્મ તો ખતરે મેં હૈ”નો હાઉ ઊભો કરી ખંજર, ભાલા, તલવાર કે બંદૂક ચલાવવા હંમેશાં તત્પર જ રહેવાના. એ લોકોનાં મગજમાં કદી એ વાત નહિ ઊતરે કે, ધર્મને કદી કોઈ ખતરો પહોંચતો જ નથી! ખતરો ફક્ત માન્યતાઓને પહોંચે છે; અને માન્યતાઓને ધર્મ સાથે કોઈ લેવા-દેવા હોતી નથી. માન્યતાઓ ધાર્મિક હોય તો પણ એને ધર્મ સાથે કોઈ સ્નાનસૂતક હોતું નથી. ધર્મને વ્યક્તિનાં અંગત જીવન, આચાર, વિચાર અને વહેવાર-માત્ર સાથે સંબંધ છે. કોઈ મંદિર કે મસ્જિદ જવા સાથે, કોઈ ગીતા કે કુરાનનું પઠન કરવા સાથે, કોઈ જનોઈ કે પાઘડી પહેરવા સાથે, કે દાઢી વધારવા સાથે કે મુંડન કરાવવા સાથે કે જટા રાખવા સાથે, કે યાત્રા કે હજ કરવા સાથે ધર્મને સાચા અર્થમાં કોઈ લેવાદેવા નથી! માનવી ધાર્મિક બનવા લાગે એટલે પોતાની અંદરની યાત્રા શરૂ કરે. પોતાના ગુણદોષ જોતાં શીખે; પોતાનું સ્વરૂપ જાણવા પ્રયત્ન કરે; વિચાર અને આચારને શુદ્ધ કરે, ક્ષમા, ઉદારતા, કરુણા અને અહિંસા અપનાવે અને પોતાના વિચારોનું પરીક્ષણ, નિરીક્ષણ સતત સજાગ રહીને કરતો રહે. ધાર્મિક મનુષ્ય એટલે અંદરથી સુંદર માનવી.

૨. ‘હિંદુ’ એટલે?

નવેમ્બર ૧૧, ૧૯૮૯ના “ટાઇમ્સ ઑફ ઇન્ડિયા”માં ચતુર્વેદી બદ્રીનાથ “હિંદુઝ ઍન્ડ હિંદુઇઝમ” વિષે લખતાં જણાવે છે કે, ““હિન્દુ” શબ્દ તો આપણાં શાસ્ત્રોમાં શોધ્યો જડતો નથી. ભારતની સંસ્કૃતિના મૂળમાં ધર્મ શબ્દ જ ચાલુ વપરાયો છે. “હિંદુ” શબ્દ કદાચ ઈ.સ. ૮૯૦ આસપાસ આરબ હુમલાખોરોએ આપણા માટે વાપર્યો હશે. સિંધુ નદીની આ પાર રહેનારા લોકોને હિંદુ કહ્યા હોય એમ લાગે છે. મહાભારતમાં ધર્મના દસ પાયા માનવીને અપાયા છે; અને જીવનમાં પંચશીલ આવશ્યક ગણ્યાં છે, જેમાં અહિંસા, સમદૃષ્ટિ, શાંતિ, અક્રોધ, અને અ-ઈર્ષા માટે આગ્રહ રખાયો છે. “મહાભારત”માં હિંદુ શબ્દ આવતો જ નથી!”

અરબી આક્રમણ સાથે હિંદુ શબ્દ આયાત થયો, એ માન્યતાના અનુમોદનમાં આ લેખકને એના નિશાળના દિવસો યાદ આવે છે, જ્યારે એની બીજી ભાષા ફારસી હતી. એક કાવ્યમાં એક કવિ પોતાની પ્રેયસી વિષે જે કહે છે તે આપણા સંદર્ભમાં ઉપયોગી છે. એક પંક્તિ છે : “બખાલે હિંદુ યશ બક્ષમ સમરકંદો બુખારા રા” મતલબ કે, “હે પ્રિયતમા! તારી ઘઉંવર્ણી ત્વચા પર તો હું સમરકંદ અને બુખારા પણ વારી જાઉં!” સમરકંદ અને બુખારા તે જમાનામાં અતિ સમૃદ્ધ શહેરો હતાં. તે કવિનાં બાપદાદાની કે એની પોતાની જાગીર નહોતાં. પરંતુ પ્રેમની ખુમારીમાં કવિએ પોતાની પ્રિયતમા પર આ બે શહેરો ન્યોચ્છાવર કરવાની શેખચલ્લી જેવી વાત કરી હતી. ભલે કરે! કવિઓ આસમાનથી સિતારાઓ તોડી લાવવાની વાતો પણ કરે છે, તો બે શહેરો પ્રેયસીને ચરણે ધરવાની વાત તો સાવ નાની ગણાય! પરંતુ અહીં ફારસીમાં “હિંદુ” શબ્દ જે અર્થ ધરાવતો હતો તે આપણું ધ્યાન ખેંચે છે. હિંદુનો અર્થ હતો “ઘેરા રંગનો.” અંગ્રેજીમાં કહીએ તો “DARK-COLOURED.” મતલબ કે, જે ઘેરી ચામડીનાં – ગોરી ચામડીનાં નહિ – તે “હિંદુ!” એમાં કૃષ્ણ રંગ કે શ્યામ રંગ સમાઈ જતો હશે એમ માની શકાય. આપણા દેશમાં લગભગ ૨૦૦ વર્ષ સુધી મોગલ રાજ્યમાં, તેમ જ હિંદુ રાજ્યોમાં પણ, ફારસી દરબારી ભાષા હતી. એ આપણે જાણીએ છીએ કે, આપણને હિંદુનું લેબલ તે લોકોએ ચોંટાડ્યું; અને આપણા દેશને હિંદુસ્તાન એ લોકોએ કહ્યો, તેમ માન્યા વિના ચાલે તેમ નથી.

“હિંદુ શબ્દને રંગ સાથે સંબંધ છે – માનવીની ત્વચાના રંગ સાથે સંબંધ છે. ધર્મનો તો કોઈ રંગ હોઈ જ ન શકે. એટલે જ સમજુ માણસો કહે છે કે, હિંદુ ધર્મ નથી; હિંદુ લોકો છે; હિંદુ કોમ છે. ધર્મ તો સનાતન ધર્મ છે; શાશ્વત ધર્મ છે; માનવ ધર્મ છે. અલગ અલગ માનવીના અલગ અલગ ધર્મ હોઈ જ ન શકે. માનવીનો માનવધર્મ જ હોય. પરંતુ એ વાત સ્વીકારવા અને એને માટે પોતાના અહમ્‌ને બાજુએ મૂકવા સુધી આમ-જનતા તૈયાર ન થાય, ત્યાં સુધી કહેવાતા અલગ અલગ “ધર્મ”ના લોકો સુધી આપણો સંદેશો લઈ જવા કાજે, આપણે એમ કહી શકીએ કે, તમને હિંદુ, મુસ્લિમ, ઈસાઈ વગેરે નામો સાથે પ્રેમ બંધાઈ ગયો હોય તો એ લેબલ ભલે ચોંટાડેલું રાખો; ભલે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચમાં જવાનું ચાલુ રાખો અને પૂજાપાઠ, ક્રિયાકાંડ કરતા રહો; પરંતુ આ ભિન્ન ભિન્ન માનતા ધર્મો કે મજહબો મૂળ તો માનવતાવાદી છે એ હકીકત સ્વીકારો. કોઈ પણ ધર્મના મૂળ સ્થાપકે બીજા ધર્મને નીચો બતાવ્યો હોય, કે એની નિંદા કરી હોય, એવું બન્યું નથી, અને બની શકે પણ નહીં. “મજહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના” એ વિચાર બધા ધર્મોનાં મૂળમાં વ્યક્ત કે અવ્યક્ત મોજૂદ છે જ.

૩. ‘મુસ્લિમ’ એટલે?

હવે થોડો મુસ્લિમ ‘ધર્મ’ વિષે વિચાર કરીએ. કેટલાંક મુસ્લિમ ભાઈ-બહેનો, કેટલાક મુલ્લાઓ અને મૌલવીઓના ભ્રામક પ્રચારને કારણે માને છે કે, ‘ધર્મ’ માટે ઝનૂન હોય એ દુરસ્ત યાને યથાર્થ છે. બીજા સંપ્રદાયના લોકોમાં એ કારણે માન્યતા ફેલાઈ છે કે, મુસ્લિમો ધર્માંધ છે. આ ગલત-ફહેમીમાં રાચનાર એ વાત જ ભૂલી જાય છે કે, ધર્મ કોઈને અંધ બનાવતો નથી! ઊલટું અંધ હોય તેને દૃષ્ટિ આપે છે. વાસ્તવમાં જે મુસ્લિમ પોતાના મજહબને બરાબર સમજે છે, એ ઝનૂની હોઈ શકે જ નહિ. ઇસ્લામમાં બીજા “ધર્મ”, પંથ કે ફિરકાના લોકો સાથે ઝઘડો, મારામારી કે લડાઈ કરવાની સખત મનાઈ છે. મહમદ પયગમ્બર સાહેબ પોતે તો અહિંસામાં જ માનતા, એ કારણે જ એમના ઉપરથી ધર્મ “ઇસ્લામ” કહેવાયો. ઇસ્લામ શબ્દ શાંતિનો પર્યાયવાચી છે. આપણે કોઈને સલામ કરીએ છીએ ત્યારે તેની શાંતિ – PEACE ઇચ્છીએ છીએ. જે મજહબમાં “અસલામો આલેકુમ” યાને તમારા પર શાંતિ છવાયેલી રહે (PEACE BE ON YOU) એવા વચનથી સામી વ્યક્તિનું અભિવાદન થતું હોય, અને “વાલે કુમો સલામ” યાને તમારા પર પણ એવી દિવ્ય શાંતિ બનેલી રહે, એવો તેનો પ્રતિસાદ કરાતો હોય, ત્યાં લડાઈ-ઝઘડા હોઈ શકે? શાંતિની શુભેચ્છા આદાન-પ્રદાન થતી હોય તે મજહબના લોકો ટંટાફિસાદ કરનાર હોઈ શકે? જવાબ નકારાત્મક જ હોવાનો!

ઇસ્લામ ધર્મના મૂળ સિદ્ધાંતો વિષે ચર્ચા કરતાં મૌલાનાસાહેબ જનાબ એમ. અલી પોતાના પુસ્તક “THE RELIGION OF MAN”માં કહે છે કે, ઇસ્લામ તો બીજા ફિરકા કે સંપ્રદાયોના પયગમ્બરો, નબીઆો જેવા કે મોઝીસ, જિસસ ક્રાઈસ્ટ, કૃષ્ણ, રામ, બુદ્ધ, મહાવીર વગેરેનાં વચનો માટે આદર રાખવા અને એમનો અભ્યાસ કરવા પણ કહે છે. કુરાને શરીફ કહે છે કે, દુનિયાના બધા માનવીઓ ભાઈ-ભાઈ છે, આપણે અલગ અલગ મુલ્કમાં રહેતા હોઈએ તો પણ ભ્રાતૃભાવ માનવમાત્ર સાથે રાખવાનો જ છે. વળી જનાબ અલી એમ પણ કહે છે કે, ગીતા જ્ઞાનેશ્વરી અને કુરાને શરીફ બંને એક જ ઈશ્વરની વાત કરે છે, ભલે એ ઈશ્વરની અભિવ્યક્તિ અલગ પૃથક્‌ સ્વરૂપે કે આકારે કે પ્રકારે થતી હોય. ઇસ્લામને બરાબર સમજનાર સૂફીઓને તો કોઈ ભેદભાવ કોઈની પણ સાથે હોતો જ નથી.

૪. ‘ધર્મ’ એક જ છે

કહેવાનું તાત્પર્ય એટલું જ કે ધર્મ એક જ છે; ઉપનામો અનેક છે. કહેવાતા ભિન્ન ભિન્ન ધર્મ, પછી ઈસાઈ હોય, શીખ હોય, બહાઈ હોય, જરથોસ્તી હોય કે બીજા કોઈ પણ ઉપનામથી જાણીતા હોય, બધાંના ઊંડાણમાં માનવ-માનવ વચ્ચે ભાઈચારા, પ્રેમ, સહયોગની વાતો જ મોજૂદ છે. અગર હિંદુ એટલે અહિંસક વ્યક્તિ, બીજું કાંઈ નહીં, એમ કોઈને સમજાઈ જાય, તો એ શા માટે ગર્વથી પોતાને હિંદુ ન કહેવડાવે? ભલે એનો જન્મ તથા-કથિત મુસ્લિમ માબાપને ત્યાં થયો હોય! એ જ પ્રમાણે અગર કોઈ હિંદુ કહેવાતા પરિવારમાં જન્મેલ વ્યક્તિની આંખો ઊઘડે, એની સંકુચિત મનોવૃત્તિ દૂર થાય અને એને એમ સમજાય કે મુસ્લિમનો અર્થ એટલો જ થાય છે કે એક શાંતિપ્રિય વ્યક્તિ, તો શા માટે એ પોતાને મુસ્લિમ ન કહેવડાવે? અગર ક્રિશ્ચિયન એટલે પ્રેમ-પૂજારી, બીજું કાંઈ નહિ, એમ એને સાફ દેખાઈ આવે, તો એ પોતાને ઈસાઈ કેમ ન કહેવડાવે?

જો પ્રત્યેક માનવીને એટલું સમજાઈ જાય કે માનવીને માનવી સાથે જોડે એ ધર્મ, અને માનવીને માનવીથી છૂટો પાડે તે અધર્મ, તો માનવીની ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આવી જાય. માનવીનાં આધ્યાત્મિક અને આર્થિક દારિદ્રયને દૂર કરવા માટે દરેક HUMAN BEING એક HUMANE BEING બને તે અતિ આવશ્યક છે.

ઉપલી હકીકત ન સમજાય, યા તો સમજાય પરંતુ જીવનમાં એનો અમલ ન થાય, તો એ અજ્ઞાન અને એ કાયરતા આપણા રાષ્ટ્ર માટે જ નહિ, દુનિયાનાં બધાં રાષ્ટ્રો માટે આત્મઘાતી નીવડશે, એ ચોક્કસ છે. બર્લિનની દીવાલોની જેમ ધર્મોના વાડાઓની દીવાલો તોડી પાડવાનો સમય પાકી ગયો છે.

[‘હિંદુ કોણ ?’ નામક, નવજીવન પ્રકાશિત ચોપાનિયામાંથી સાભાર]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2022; પૃ. 06-07

Loading

ઋષિ સુનકઃ આંખોના તારામાંથી ખૂંચતો કણો બની ગયેલા રાજકારણીની વાત

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|17 April 2022

ગ્રીક માયથોલોજીમાં ઇકારસની વાર્તા છે. એક માણસ જે જમીન પર ધડામ દઇને પછડાયો પણ તેને આટલે ઊંચે ઉડવા દેવાની જરૂર જ નહોતી. ઋષિ સુનકને મામલે આ વાર્તા કદાચ સારી પેઠે બંધ બેસે છે.

આમ તો આપણે બધાં આલિયા રણબીરનાં લગ્ન પતાવીને બેઠાં બેઠાં કોમવાદ અને કટ્ટરવાદની ચર્ચા કરવામાં બિઝી હોઇશું, પણ ઋષિ સુનક નામ તમને સાંભળેલું લાગી શકે છે. આમે ય આપણને ભારતીયોને વિદેશ જઇને મોટા માણસ બની ગયેલા ભારતીયો વિશે જાણવા સાંભળવાનું બહુ ગમે છે. પહેલું તો એ કે ઋષિ સુનક ભારતમાં જન્મ્યા નથી, એટલે એ વિદેશી નાગિરક છે. આપણે તેમનાં મૂળને લઇને ખુશ થવું હોય તો છૂટ છે, પણ તેનો કોઇ અર્થ નથી સરતો. બ્રિટિશ રાજકારણી ઋષિ સુનક 2020થી એક્સચેકરના ચાન્સેલર છે અને આ પહેલાં ટ્રેઝરીના ચિફ સેક્રેટરી રહી ચૂક્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટીના ઋષિ સુનક રિચમન્ડ [યૉર્કશર] બેઠકથી 2015થી બ્રિટશ સંસદના સભ્ય રહ્યા છે. ઋષિ સુનક આજકાલ ચર્ચામાં છે, એ શા માટે છે તે પહેલાં સમજીએ.

આમ તો ગણતરીના દિવસો પહેલાં એમ હતું કે બોરિસ જ્હોનસન જો બ્રિટનના વડા પ્રધાન તરીકે જાય તો તેમના પછીના ઉમેદવાર તરીકે લોકો ઋષિ સુનક પર મદાર રાખીને બેઠા હતા. પણ આ શક્યતા પત્તાના મહેલની માફક પડી ભાંગી છે. આ તરફ બ્રિટનમાં સામાન્ય જીવનશૈલી મેનેજ કરવાની કિંમત આસમાને પહોંચી છે, તેવામાં ઋષિ સુનકે ટેક્સમાં ધરખમ વધારો કર્યો. પોતે એક્સચેકરના ચાન્સેલર (નાણાં મંત્રીને મળતું આવતું પદ) છે, લાખોપતિ છે અને અને સામાન્ય લોકોની હાલાકીને ગણતરીમાં લેતા ચૂકી ગયા એમાં સુનકની પૉપ્યુલારિટીની પારો ધમ દઇને નીચે પછડાયો. એમાં પાછું એ વાત પણ ઉઘાડી થઇ કે ઋષિ સુનકની પત્ની અક્ષતા મૂર્તિ કરચોરી કરે છે અને ટ્રેઝરીના પેમેન્ટ્સ પર લાખો પાઉન્ડ્ઝ બચાવે છે, તે પોતાની વિદેશી કમાણી પર યુ.કે.માં ટેક્સ નથી ભરતી. જો કે તે યુ.કે.માં નોન ડોમિસાઇલ સ્ટેટસ પર રહે છે, અને માટે તે ત્યાં ટેક્સ નથી ભરતી તેવું બ્રિટિશ અખબારોમાં કહેવાયું છે જેમાં કશું ખોટું નથી. એક બાજુ પતિ નાગરિકો પર કરનો બોજો નાખે છે તો બીજી બાજુ પત્ની પોતાની ટેક્સ ભરવાની જવાબદારીમાંથી છટકે છે એવા આક્ષેપો યુગલ પર મુકાયા છે. બ્રિટનના રાજકીય માહોલમાં ઋષિની છબી ખરડાઇ છે અને વિરોધ પક્ષનાં તેને દંભી ગણાવી રહ્યાં છે. જો કે સુનક પોતે અખબારમાં એવી વાત કરી કે તેની પત્નીએ કંઇ ખોટું નથી કર્યું.

Cartoon courtesy : “The Independent”, 04 March 2021

ઋષિ સુનકની ભવ્યતા, તેમની પહોંચ, તેમની આવડત તમામને ખોબલે ખોબલા વખાણ મળ્યા હતાં, તે કોઇ સેલિબ્રિટીથી કમ દરજ્જો નહોતા માણતા. પણ છેલ્લા એક મહિનાથી લોકોએ તેમની પર ઓળઘોળ થવાનું બંધ કરી દીધું છે અને તેમની સામે સતત સવાલો થઇ રહ્યા છે. પત્નીની કર ચોરી, ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેતા હોવા છતાં ઋષિ પાસે યુ.એસ.એ.નું ગ્રીન કાર્ડ છે. વળી બ્રિટન જ્યારે કોવિડમાં આકરા બંધનો પાળતો હતો ત્યારે ઋષિ સુનક બોરિસ જ્હોન્સનની ચર્ચાસ્પદ અને વખોડાયેલી પાર્ટીમાં પણ હાજર હતા. વળી આ પાર્ટીમાં હાજરી અંગે જ્યારે તેમને સવાલ કરાયા ત્યારે તેણે આરામથી જૂઠાણું ચલાવ્યું કે તે કોઇ પાર્ટીમાં હાજર રહ્યા જ નહોતા. બોરિસ જ્હોન્સનની માફક તેમણે પણ ગપગોળા ચલાવ્યા. તેમાં પણ ઋષિની કિંમત થઇ ગઇ.  ડાઉન્ડિંગ સ્ટ્રીટ નંબર ૧૦ માટેના ઉમેદવાર તરીકે ઋષિ સુનકને જોવા હવે ત્યાંના નાગરિકો માટે શક્ય નથી.

ઋષિ સુનકે શેડો બેંકિંગમા સારું એવું કામ કર્યું છે, તેના ૧૦ મિલિયન પાઉન્ડ પોર્ટફોલિયો ઑફ હાઉસિઝ, એન્ટિ લૉકડાઉન નીતિઓ આ બધી બાબતો પર લોકોએ પ્રશ્ન નહોતા ઉઠાવ્યા. નારાયણ મૂર્તિની દીકરીને પરણેલા ઋષિના આવા દમદાર અને દળદાર પરિવારમાં લગ્ન અંગે પણ બ્રિટિશ પ્રેસમાં ચર્ચાઓ નહોતી થઇ. પરંતુ બીજા માટેના નિયમોને વખારે નાખ્યા, અને ઋષિ સુનકે કાયદા તોડવામાં પાછું વળીને ન જોયું. એમાં પાછું તેમનાં પત્ની અક્ષતા મૂર્તિ તો ઇંગ્લેંડનાં રાણી કરતાં ય વધુ તવંગર છે,-ના સમાચાર પછી તો ઋષિ પ્રત્યેનો અણગમો વધતો ચાલ્યો. એક સમયે મતદારોના લાડકા સુનક હવે આંખના કણાની જેમ લોકોને ત્યાં ખૂંચે છે. ઋષિ પોતાની પબ્લિક ઇમેજને લઇને બહુ જ તકેદારી રાખે છે, તે ઇન્સ્ટાગ્રામ પોલિટિશ્યન તરીકે જાણીતા છે.

જો કે કહેવાવાળા એમ પણ કહે છે કે ઋષિ સુનક એવો પહેલો માણસ હતો જે નોન-વ્હાઇટ હોવા છતાં બ્રિટનનો વડા પ્રધાન બની શકત, તેની આવડત અને તેની પહોંચ બ્રિટિશરોને ખૂંચી ગઇ અને માટે દૂધમાંથી પોરા કાઢવામાં આવ્યા. સુનક તવંગર છે તેની ના નહીં, પણ તે કંઇ બ્રિટનના સૌથી ધનિક સાંસદ નથી. જનરલ પ્રેક્ટિશનર પિતા અને ફાર્માસિસ્ટ માતાના દીકરા સુનકે પોતાને બ્રિટિશ રાજકીય તંત્રમાં ટોચ પર પહોંચાડવા માટે ખાસ્સી મહેનત કરી છે. ઋષિ જ્યારે વિન્ચેસ્ટરમાં ભણતા ત્યારે પહેલીવાર એક ભારતીય મૂળનો છોકરો ત્યાં હેડ બૉય બન્યો હતો. તેમણે ઑક્સફર્ડ અને સ્ટેનફોર્ડમાં ઉચ્ચ શિક્ષણ લીધું છે અને હેજ ફંડ મેનેજર તરીકે ભારે સફળતા મેળવી છે. આ ઉચ્ચ સંસ્થાનોમાં તેમને ભણવા મળ્યું તે પહેલાં તેમણે લંડનની હૉટલમાં વેઇટર તરીકે પણ કામ કર્યું છે. ઋષિની સફળતા અંગ્રેજોને પચી નથી એવો પણ એક મત છે. આ મામલે આપણે દ્વારકાનાથ ટાગોર જેને અંગ્રેજો પ્રિન્સ ઑફ બેંગાલ કહેતા તેમને યાદ કરવા પડે. અંગ્રેજો સાથે ધંધાની ભાગીદારી કર્યા બાદ પણ તેમને બ્રિટિશ કૉલોની એવા કલકત્તાની બેંગાલ ક્લબમાં મેમ્બરશીપ નહોતી મળી. સુનક પોતાને બ્રિટિશ તરીકે જ ઓળખાવે છે, તે ભારતીય ઓછા, બ્રિટિશ વધારે છે અને આ વાત તેમણે ઘણીવાર લંબાણથી સમજાવવાનો પ્રયાસ પણ કર્યો છે.  રંગભેદ અને સામ્રાજ્યવાદને કારણે આકરી ઓળખાણ બનાવનારા બ્રિટનમાં ઋષિએ કાઠું કાઢ્યું છે તે બદલાયેલા બ્રિટનની સાબિતિ પણ છે.

જો કે ઋષિ સુનકનું રેટિંગ અત્યારે ભોંય તળિયે છે, તેમણે અનરિઝર્વર્ડ માફી પણ જાહેર કરી છે અને સ્કોટલેન્ડ યાર્ડે (બ્રિટિશ પોલીસ) તેમની પર પાર્ટી અટેન્ડ કરવા બદલ ફટકારેલો દંડ પણ ભર્યો છે. ઋષિ સુનકે પોતાની સત્તાનો ગેરલાભ લીધો છે તે પ્રત્યે અંગ્રેજોનો રોષ સાચો કે પછી રંગભેદી માનસિકતા અહીં પણ વાતનું વતેસર કરે છે, તે વખત આવ્યે ખબર પડશે. આપણે અહીં બેઠા, “ઋષિ તો આપણો કહેવાય” કરવાની લાલચ ટાળવી રહી.

બાય ધી વેઃ

ગ્રીક માયથોલોજીમાં ઇકારસની વાર્તા છે. એક માણસ જે જમીન પર ધડામ દઇને પછડાયો પણ તેને આટલે ઊંચે ઉડવા દેવાની જરૂર જ નહોતી. ઋષિ સુનકને મામલે આ વાર્તા કદાચ સારી પેઠે બંધ બેસે છે. આ ચાલી રહ્યું છે તે દરમિયાન સૉફ્ટવેર જાયન્ટ ઇન્ફોસિસે રશિયામાં કામગીરી બંધ કરી છે. બ્રિટનની હાલની સરકારના વર્તન અંગે લોકોના મનમાં એક ચોક્કસ વાત છે કે આ સરકાર પોતાના લાભ પહેલા ખાટે છે અને તેમાં બીજાઓને થતા નુકસાન કે બીજાઓએ આપવા પડતા બલિદાનની તેમને કોઇ પરવા નથી હોતી. સ્વકેન્દ્રી સરકાર કોઇ પણ નાગિરકોને પચે નહીં તે સ્વાભાવિક છે, જો કે અંગ્રેજોની ગુલામી વેઠનારા આપણા દેશને પણ આ હકીકત પોતાના મામલે હજી ગળે ઊતરતી નથી. પરંતુ ઋષિ સુનકના મામલે અંગ્રેજોની માનસિકતા રંગભેદને લઇને બદલાઇ હશે તેવું માની લેવું પણ માફક આવે તેમ નથી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  17 ઍપ્રિલ 2022

Loading

લૂઝ કનેક્શન શ્રેણી (30)

સુમન શાહ|Opinion - Opinion|16 April 2022

બે મનુષ્યજીવો -સ્ત્રીઓ પુરુષો – ઘણી નિકટતાથી જીવતાં હોય. મીઠા સમ્બન્ધથી જોડાયેલાં હોય. પણ એઓ જ એક દિવસ સમ્બન્ધને છેહ દઇને છૂટાં પડી જાય છે. સમ્બન્ધનું ઘણું સુખ હતું પણ સમ્બન્ધછેહનું એથી યે મોટું દુ:ખ ઊભું થઈ જાય છે. જીવન ખારું ખારું લાગે છે. આમ કેમ? કેમ કે માનવજીવન ઍબ્સર્ડ છે, અસંગત, અર્થહીન. પુનરાવર્તનનો દોષ વ્હૉરીને પણ હું આ જ વિધાન કર્યા કરું છું; કર્યા જ કરીશ.

પણ માણસ માણસ વચ્ચે સમ્બન્ધ એક પ્રાણસભર રસાયણ છે. માણસ પોતાના પ્રાણથી જીવતો હોય છે પણ સમ્બન્ધથી બીજા સાથે જોડાય એટલે તેના પ્રાણ સાથે પણ જોડાતો હોય છે. બેવડી પ્રાણશક્તિથી જીવતો થઈ જાય છે. સ્ત્રી અને પુરુષ, સ્ત્રી અને સ્ત્રી, પુરુષ અને પુરુષ, પ્રિયા અને પ્રિય, મિત્ર અને મિત્ર, મિત્ર અને મિત્રાણી, મિત્રાણી અને મિત્રાણી – કોઇ પણ સમ્બન્ધથી જોડાયેલાં, સૌ કોઈ !

કહે છે, પરદેશમાં ગામનું કૂતરું મળે તો પણ હેત ઉભરાય છે. જો કે અમુક ગુજરાતીની સામો અમુક ભટકાય તો નજરો નથી મેળવતા, ડોકું સ્હૅજ ઊંચું કરી આકાશ ભણી જોવા લાગે છે. એક જ દેશપ્રદેશના, ઘણી વાર તો એક જ શ્હૅરના કે ગામના હોય, છતાં બે મનુષ્ય વચ્ચે આવી લુખ્ખાસ શા માટે? આપણે જોતા આવ્યા છીએ કે ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા ને કંકાસ થાય છે. પતિ-પત્ની લડી પડે છે, એ જુદી વાત છે કે રાતે એક થઈ જાય છે. બે મિત્ર કે બે બેનપણી વચ્ચે અણબનાવ થાય છે ને કાયમ માટે છૂટાં પડે છે. પ્રૅમલા-પ્રૅમલી વચ્ચેના બ્રેક-અપની વાતો આપણે જાણીએ છીએ. પૅચ-અપની પણ જાણીએ છીએ કેમ કે બ્રેક-અપની જાણતા હોઈએ છીએ. મનુષ્યજીવનમાં ઓળખીતા ઓળખીતા વચ્ચેનો કે પરિચિત પરિચિત વચ્ચેનો એવો દુખદ અલગાવ વિચાર માગી લે છે.

એ અલગાવ કે એ સમ્બન્ધછેહ અનેક રીતે થાય છે :

બે મિત્રને એકબીજાનો પરિચય થાય તે પછી એ સમ્બન્ધ ઠીક ઠીક વિકસે. બને કે વિકાસ દરમ્યાન સમ્બન્ધ ‘અતિ’ થઇ જાય. કોઇ એક મિત્ર ઑચાઈ જાય. કોઇ એક બેનપણી મૉં મચકોડતી થઈ જાય. મૈત્રી ભાંગી પડે. કહેવાયું જ છે કે ‘અતિ પરિચયાત્ અવજ્ઞા’, પણ અવજ્ઞાથી ય આગળ, સમ્બન્ધનાશ થાય છે.

મોટાભાગનાં પ્રેમીઓનું જીવન પ્રારમ્ભે ધમધમાટ હોય છે. વ્હૉટ્સઍપિન્ગ – ફોન વિડીઓફોન ચૅટિન્ગ મૅસેજીસ; કે ઇમેઇલ્સ, પાર વગરનાં. ન સમયની દરકાર કે ન સ્થળનું ભાન. સમ્બન્ધ પ્રેમનો હોવાછતાં ક્રમે ક્રમે ટેવ બનીને રહી જાય છે. એ જ સમયે એ જ સ્થળે એ જ મિજાજ સાથે મળવું ને એ-ની-એ જ વાતો કરવી, એ જ લટ સંવારવી, એ જ રીતનાં ચૂમી કે ચુમ્બન કરવાં, વગેરે ટેવવશ જિવાવા લાગે છે. એટલે પછી એક દિવસ માણસને સમ્બન્ધનો કંટાળો આવવા લાગે છે, બેપરવાઇ આવી જાય છે. કોઇ કમનસીબ ઘડીએ બન્ને એકબીજાંને અજાણ્યાં કે પરાયાં પણ લાગવા માંડે છે. રાતદિવસનો પ્રેમ પળવારમાં અલોપ થઇ જાય છે.

સંસ્કૃત કાવ્યશાસ્ત્રી રાજશેખરે (૧૦મી સદી) કાવ્યના કે સાહિત્યકલાના ભાવકોના પ્રકાર પાડ્યા છે. એમાં એમણે એક પ્રકાર ‘અરોચકી ભાવક’-નો કલ્પ્યો છે. અરોચકતાનું કારણ એ ભાવકની રુચિ કે સુરુચિ નહીં પણ સાહિત્યિક અરુચિ હોય છે. અમુક સાહિત્યરચના જોઇને મૉં બગાડીને એ આઘો ખસી જાય છે. દુનિયામાં આ અરોચકીઓના જેવા અરોચકી મનુષ્યો પણ હોય છે, ઘણા મળી આવે છે. એઓ હઠીલા હોય છે. રાજશેખરે અરોચકી ભાવકોમાં અકાટ્ય એવી ‘સ્વાભાવિકી અરોચકતા’ પણ જોઇ છે. કહ્યું છે કે અનેક ‘સંસ્કારો’ કરો તો પણ એ નષ્ટ નથી થતી. હઠીલાઓનું પણ એવું જ હોય છે – પથ્થર પર પાણી.

Pic courtesy : Pinckney Well Drilling

પૃથ્વી પર લગભગ ૭.૯ બિલિયન મનુષ્યો જીવે છે. માણસે વિચારવું જોઇએ કે એમાં પોતાના કેટલા -? કદાચ ૭ ! એમાં ખરેખરા કેટલા -? સરવાળા બાદબાકી પછી ૧ કે ૨ જ જડશે. જો એટલા ૧ કે ૨-ને પણ ન સાચવી શકાય, તો? તો હું એને જીવનની મહા મોટી નિષ્ફળતા ગણું છું.

આત્મા પરમાત્મામાં ભળી જાય એ તો જ્યારે થાય ત્યારે, પણ નજીકમાં, બાજુમાં કે સૉડમાં વસતા સ્વજનના આત્મા જોડે જોડાવાનું તો સરળ છે; તે બને કે નહીં? વિશ્વમાનવી બનવાનું ભાખી શકાય છે પણ નિકટતમ જીવતી વ્યક્તિ જોડે માનવી નથી થઈ શકાતું; એવું કેમ? અસ્તિત્વાદીઓ તો એમ કહીને છૂટી પડવાના કે સામાની સ્વતન્ત્રતા વિશે વ્યક્તિ જવાબદાર નહીં રહી હોય. કેમ કે માણસથી સ્વની તન્ત્રતાનો ઝાઝો ખરચો બીજાને માટે નથી કરી શકાતો. એ ગમે ત્યારે સ્વમાં પાછો ફરીને જંપે છે. વળી, એ ભૂમિકાએ એ લોકો તો એમ પણ કહેવાના કે પ્રેમસમ્બન્ધ એક અશક્યતા છે. આ તો જો કે તત્ત્વનું વર્ણન થયું; જ્ઞાન થયું એમ પણ કહેવાય.

પુનરાવર્તનનો દોષ વ્હૉરીને કહ્યા કરું છું કે જીવન અર્થહીન છે, પણ એ જ દોષ વ્હૉરીને એમ પણ કહ્યા કરું છું કે માણસે પોતાના જીવનને હર પળે અર્થવતું કરવું જોઈશે. જેઓ પોતાની નિકટે બચી ગયેલાં વહાલાંને પ્રેમ નથી કરી શકતાં તેઓ જાણ્યે અજાણ્યે જીવનનો દ્રોહ કરે છે. જીવનદ્રોહીને કોઈ ઉગારી શકતું નથી.

અસ્તિત્વવાદીઓએ જનમાવેલા જ્ઞાનથી એકમેકમાં ભળી જવાતું નથી, ત્યાંના ત્યાં જ રહેવાય છે. ભળી જવા માટેના પ્રયાસો આદરવા બાકી રહે છે. એ જ્ઞાનની વિરુદ્ધ જઇને કહું કે ભળી જવા માટેનું મહા રસાયણ પ્રેમ છે. પોલી કે ખોખલી હરેક ક્ષણને પ્રેમથી ખરી કે સાચી કરી શકાય છે. એ કામ અઘરું જરૂર છે, પણ અશક્ય નથી.

બાકી, સમ્બન્ધછેહ માણસને એકલો પાડી દે છે. ઘરના ખૂણે એકલો એકલો પોતાની એકલતા જોડે વાતો કર્યા કરે છે. અહમ્-ના કૂવામાં પડ્યો રહે છે ને એ પ્રકારે ખતમ થઈ જાય છે.

= = =

(April 16, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,5251,5261,5271,528...1,5401,5501,560...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved