Opinion Magazine
Number of visits: 9570054
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બે દૃશ્યો ….

નારણ મકવાણા|Poetry|18 April 2022

ભર બજારમાં
ધોળા દિવસે
નબળા માણસ પર
શેતાન જેવા માણસનો વાર
લોહીઝાણ મારામારી, ગુંડાગર્દી
ને
આપણે
અવાચક, બબૂચક બની
નિહાળી રહ્યાં છીએ

થઈ રહ્યો છે
યુક્રેન પર
રશિયાનો સતત
અત્યાચાર, હિંસક બળાત્કાર, 
ને
વિશ્વના બધા દેશો
મૂક પ્રેક્ષકો બની
નિહાળી રહ્યાં છે … 

(યુનો ત્રાજવું લઈ બેઠો છે વાંદરો થઈ.) 

એક જેવું નથી લાગતું?? 
આપણામાં 
ને
વિશ્વના દેશોમાં 
ફરક કેટલો?

17/4/2022

e.mail : naranmakwana20@gmail.com

Loading

નાગરિક સમાજમાં સાહિત્યની ભૂમિકા

અશોક વાજપેયી|Opinion - Literature|18 April 2022

અશોક વાજપેયી સનદી અધિકારી, હિંદી કવિ, વિવેચક, નિબંધકાર, અનુવાદક તરીકે પ્રસિદ્ધ છે. ભારતીય સંસ્કૃતિના ફેલાવા અને વિકાસમાં એઓ ખૂબ સક્રિય રહ્યા છે. તેમણે ઘણી સાંસ્કૃતિક સંસ્થાઓનાં નિર્માણમાં અને એને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે, જેમાં ભોપાલ સ્થિત મલ્ટિઆર્ટ સેન્ટર, ભારત ભવન સૌથી વધુ પ્રસિદ્ધ છે. તેમણે કળા અને સંસ્કૃતિનાં ક્ષેત્રમાં પ્રચુર પ્રદાન કર્યું છે. અને આ દરમિયાન તેમણે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની રાષ્ટ્રીય કલા અકાદમી, લલિત કલા અકાદમીના અધ્યક્ષ, ભારત ભવન ટ્રસ્ટના અધ્યક્ષ, ઇંદિરા ગાંધી નૅશનલ સેન્ટર ઑફ આર્ટ્‌સના ટ્રસ્ટી, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ કલ્ચરલ રિલેશન્સના સભ્ય તેમ જ સંગીત-નાટ્ય અકાદમીના બોર્ડના સભ્ય તરીકે સેવાઓ આપી છે.

તેમણે ૩૮ પુસ્તકો લખ્યાં છે અને ૮ સામયિકોના તેઓ સ્થાપક તંત્રી છે. તેમના કેટલાક જાણીતા કાવ્યસંગ્રહોમાં ‘તત્પુરુષ બહુરી અકેલા’, ‘ઉમ્મીદ કા દૂસરા નામ વિવિક્ષા’ વગેરે છે. એ જ રીતે તેમનાં કલાવિવેચનનાં પુસ્તકોમાં ‘સમય સે બાહર’, ‘કવિતા કા ગલ્પ’, ‘કુછ પૂર્વાગ્રહ’ વગેરે પ્રસિદ્ધ છે. તેમણે પોલૅન્ડના ચાર મોટા કવિઓની કવિતાઓનો હિંદીમાં તરજુમો કર્યો છે. તેમનાં સાહિત્ય, કળા અને સંસ્કૃતિનાં ક્ષેત્રોમાં નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ પ્રદાનને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ બિરદાવ્યું છે. અનેક રાષ્ટ્રીય ઍવૉર્ડ ઉપરાંત એમને પોલૅન્ડ તરફથી ઑફિસર્સ ક્રૉસ ઑફ મેરીટ (૨૦૦૪) અને ફ્રાંસમાંથી L’ordre des art et des Lettres (2005) ઍવૉર્ડ મળ્યો છે.

તેમણે મહાત્મા ગાંધી ઇન્ટરનૅશનલ હિંદી યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્ચેલર તરીકે પણ સેવાઓ આપી હતી, જેની સ્થાપના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે હિંદીને વિકસાવવા માટે થઈ હતી.

— 'નિરીક્ષક' સંપાદક (પુસ્તકમાંથી)

આ વ્યાખ્યાનમાળામાં તમે મને આમંત્રિત કર્યો એ બદલ હું આપ સૌનો આભારી છું. અગાઉ આ વ્યાખ્યાનમાળામાં અનેક પ્રસિદ્ધ લોકોએ પોતપોતાના વિચારો રજૂ કર્યા છે એટલે સ્વાભાવિક છે કે તમે આજે મારું વ્યાખ્યાન સાંભળવા પણ આતુર હશો.

હું રામલાલ પરીખજીના પરિચયમાં હતો. અમે બે-ચાર વાર મળ્યા પણ હતા. જે હિંદી વિશ્વવિદ્યાલયનો હું પ્રથમ કુલપતિ બન્યો હતો, એની સ્થાપના માટે સક્રિય રહેલા લોકોમાં રામલાલભાઈ પણ હતા. તેઓ હિંદી ભાષાના પ્રેમી હતા. વળી તેઓ દેશના જાણીતા શિક્ષણવિદોમાં સામેલ હતા. એ દિવસોમાં હું મધ્ય પ્રદેશમાં શિક્ષણસચિવ હતો અને શિક્ષણ સંબંધિત કામ પણ કરતો હતો. આ દરમિયાન એમની સાથે મુલાકાતો થતી હતી.

મને આજે પણ એમની સાથે જોડાયેલી બે બાબતો યાદ છે – એક, તેમની વિચારસરણી નવીન હતી. તેઓ હંમેશાં નવી ઢબે વિચારતા હતા. બીજું, તેઓ બહુ કર્મઠ હતા. જ્યારે તેઓ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ હતા, ત્યારે હું એક વાર અહીં આવ્યો હતો. મેં એ સમયે જોયું હતું કે તેઓ મારી સાથે વાત કરતાં કરતાં તેમનું કામ પણ કરતા. તેઓ ભારતને ‘વિવિધ ભાષાઓની પ્રયોગશાળા’ કહેતા. આ બહુ રસપ્રદ વાત છે. ૨૧મી સદીની આ કમનસીબી છે કે આપણને આપણી ભાષાઓ પર ગર્વ રહ્યો નથી. આપણે આપણી માતૃભાષાને વીસરી રહ્યા છીએ. એટલે મારે તમને કહેવું જોઈએ કે આપણી વચ્ચે એ સમયે રામલાલ પરીખ જેવા મહાનુભાવો હતા, જેઓ વારંવાર યાદ અપાવતા કે ભારત ભાષાઓની વિવિધતા ધરાવતો દેશ છે અને એના પર આપણને ગર્વ હોવો જોઈએ.

શહેરીકરણના યુગમાં સમાજની ઉપેક્ષા

જ્યારે મને વ્યાખ્યાનમાળા માટે વિષય સૂચવવા માટે કહેવામાં આવ્યું હતું, ત્યારે એ જ દિવસે અખબારમાં સ્માર્ટ સિટીના સમાચાર આવ્યા હતા. એટલે મેં વિચાર્યું કે અત્યારે આપણા દેશમાં નાગરિકતામાં અને આપણાં નગરો કે શહેરોની સ્થિતિમાં જે પરિવર્તન થઈ રહ્યું છે, શહેરના લોકોની માનસિકતામાં જે ફેરફાર થઈ રહ્યો છે, આપણાં શહેરોની માળખાગત સુવિધાઓ જે રીતે બેહાલ છે એ જોતાં એના વિશે વાત કરવી જોઈએ. સ્માર્ટ સિટીઝ ક્યારે અને કેવાં બનશે એ વાત છોડો. આપણે પોતે ક્યારે સ્માર્ટ બનીશું એ સવાલ છે! થોડા દિવસો અગાઉ, આપણા દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ભારે વરસાદ થયો હતો અને મહાનગર જળબંબાકાર થઈ ગયું હતું. મહાનગરના જુદા જુદા વિસ્તારો ટાપુમાં ફેરવાઈ ગયા હતા. મુંબઈમાં મારા એક અભિનેતામિત્ર છે. તેમને ૪૮ કલાક સુધી તેમની કારમાં બેસી રહેવું પડ્યું હતું. હજુ હમણાં ચેન્નાઈમાં આવી જ સ્થિતિ ઊભી થઈ હતી. આપણા દેશમાં શહેરીકરણ ઝડપથી થઈ રહ્યું છે. લોકો ગામડાં છોડીને શહેરો તરફ આંધળી દોટ મૂકી રહ્યા છે. એનું એક પરિણામ એ આવ્યું છે કે આપણાં શહેરોમાં વિવિધ પ્રકારના અપરાધોમાં મોટો વધારો થયો છે. વળી બીજી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે માનવસર્જિત કે કુદરતી આફતોના સમયે આપણાં શહેરોમાં ભારતીયોની બે પ્રકારની માનસિકતા એક સાથે પ્રકટ થાય છે. ચેન્નાઈમાં આવેલા પૂરનું જ ઉદાહરણ આપું. એક તરફ, ચેન્નાઈમાં પૂર સમયે આપણામાં પૂરગ્રસ્તોને મદદ કરવાની ઉદાર ભાવના પ્રકટ થઈ હતી અને બીજી તરફ, એ જ સમયે ચેન્નાઈમાં દૂધનો ભાવ વધીને ૨૦૦ રૂપિયા થઈ ગયો હતો. આ પ્રકારની સ્થિતિમાં આપણાં શહેરો આપણી ઉદારતા અને નીચતા એમ બંને પ્રકારની માનસિકતાનાં મંચ બની ગયાં છે.

હું મધ્ય પ્રદેશના નાના શહેર સાગરનો વતની છું. નગરમાં એક સમયે મારા વિસ્તારમાં બેથી ત્રણ દુકાનો હતી અને અમારાં બધાંનું કામ એનાથી ચાલી જતું હતું. મહોલ્લાના તમામ લોકોને જે જોઈએ એ આ દુકાનોમાંથી મળી જતું હતું. થોડા સમય અગાઉ હું ફરી મારા નગરમાં, મારા વિસ્તારમાં ગયો હતો. ત્યાં જઈને જોયું તો ચોંકી ગયો. બધાં મકાનોમાં દુકાનો બની ગઈ છે. એટલે મને નવાઈ લાગી અને મેં પૂછ્યું કે જો બધાં મકાનોમાં દુકાનો બની ગઈ છે, તો પછી ખરીદી કોણ કરે છે!? મને જવાબ મળ્યો કે અહીં જે લોકો રહેતા હતા તેઓ પાછળના ભાગમાં રહે છે. વૈશ્વિકીકરણના આ યુગમાં દરેક દેશ, દરેક મહાનગર, દરેક નગર અને નગરનું દરેક મકાન – બધાં વેપારવાણિજ્યનાં માધ્યમ બની ગયાં છે. મકાનની જગ્યાએ દુકાનો બની ગઈ. સમાજની ઇમારતનો પાયો ઘર છે. જ્યારે ઘર જ દુકાન બની જાય તો સમાજ જેવું કેવી રીતે રહે? વૈશ્વિકીકરણ કે ઉદારીકરણના આ યુગમાં સમાજ અને સામૂહિકતાની પ્રાથમિકતા નથી. સમાજની ઉપેક્ષા થઈ રહી છે. આપણે સમાજની હસ્તી કે એના અસ્તિત્વનો નાશ કરી રહ્યા છીએ, જાણે એનો કોઈ અર્થ જ નથી. એનું અસ્તિત્વ હોય કે ન હોય – જાણે કશો ફરક જ પડતો નથી!

ભ્રષ્ટાચાર હવે શિષ્ટાચાર

શહેરીકરણમાં સમાજની ઉપેક્ષા થઈ છે. એનાં બે સીધાં નુકસાનકારક પરિણામો આપણે વેઠી રહ્યા છીએ. એક, શહેરીકરણમાં વધારો થવાની સાથે આપણાં શહેરોમાં સ્ત્રીઓ પર, દલિતો પર અને લઘુમતીઓ પર સૌથી વધુ અત્યાચાર થઈ રહ્યા છે. આ વરવી વાસ્તવિકતા છે. પણ આપણે ધર્મ, પંથ, જાતિ અને જ્ઞાતિઓમાં વહેંચાઈ રહ્યા હોવાથી આ સમસ્યાઓ પ્રત્યે આપણને વિચાર કરવાની જરૂર લાગતી નથી. વળી, આપણાં શહેરોમાં ખૂબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તેઓ ભ્રષ્ટાચારનાં ધમધમતાં કેન્દ્રો બની ગયાં છે. અત્યારે આપણા દેશનાં શહેરોમાં બહુમાળી ઇમારતો બનાવવાની હોડ જામી છે. બહુમાળી ઇમારતો બનાવતા લોકોનું એક રાષ્ટ્રવ્યાપી માફિયાતંત્ર સ્થપાઈ ગયું છે. તેમણે ભ્રષ્ટાચારને વધારવામાં સિંહફાળો આપ્યો છે. અગાઉ ભ્રષ્ટાચાર કરતાં લોકોમાં શરમ હતી. ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિનો આત્મા ડંખતો હતો. વ્યક્તિ પોતાની ભ્રષ્ટ સંપત્તિનો ભપકો કરે એટલી હદે નિર્લજ્જ થતી નહોતી કે થઈ શકતી નહોતી. પણ અત્યારે આપણા સમાજમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. હવે ભ્રષ્ટાચાર કરવામાં કોઈ શરમ રહી નથી! આપણા સમાજની સ્થિતિ કે માનસિકતા એટલી બદલાઈ ગઈ છે કે એ ભ્રષ્ટાચાર કરનારને લોકો સભ્ય માને છે, વ્યાવહારિક માને છે. ભ્રષ્ટાચારી પોતાની સંપત્તિનો નિર્લજ્જતા સાથે દેખાડો કરે છે. તમે બધા જાણો છો કે અત્યારે આપણા સમાજમાં નાગરિકતાનું આ જે સ્વરૂપ વિકસી રહ્યું છે એનાથી વિપરીત નાગરિકતાનો સૂત્રપાત આપણા બંધારણમાં બંધારણના ઘડવૈયાઓએ કર્યો હતો. એમાં ત્રણ તત્ત્વ કેન્દ્રમાં હતાં. એક, દરેક નાગરિકની સ્વતંત્રતા. એમાં અનેક પ્રકારની સ્વતંત્રતા સામેલ હતી – ધર્મની, આચારવ્યવહારની, અભિવ્યક્તિની વગેરે. બીજું તત્ત્વ હતું – સમાનતા. સ્ત્રી-પુરુષની સમાનતા, ન્યાયની સમક્ષ દરેક નાગરિકમાં સમાનતા, રાજ્ય સમક્ષ દરેક નાગરિકમાં સમાનતા. અને ત્રીજું તત્ત્વ હતું – ન્યાય. દરેકને ન્યાયનો અધિકાર છે. દરેકને ન્યાય મળવો જોઈએ. આપણે આઝાદી મળ્યાના સાત દાયકામાં આ ત્રણ મૂળભૂત મૂલ્યોને વિકૃત કર્યાં છે, પણ આજે એ ચર્ચાનો વિષય નથી.

નાગરિકતાનો અર્થ

અત્યારે આપણે નાગરિકતાના મૂળ અર્થ વિશે વાત કરીએ. નાગરિકતાનો મૂળ અર્થ છે – સમુદાય, સહકાર, સંબંધ, સંવાદ પ્રત્યે સંવેદનશીલતા અને ઉત્સુકતા. જે વ્યક્તિમાં આ ગુણો હોય, એને જ પોતાને નાગરિક ગણાવવાનો અધિકાર છે. તમે પણ એને જ નાગરિક કહી શકો. બીજું, સમાજમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, પંથથી આપણા કરતાં જુદા લોકો કે ‘બીજા લોકો’ના મતોનો સ્વીકાર કરવાની ક્ષમતા. આપણે પોતાને ગમે તેટલા આત્મકેન્દ્રિત અને આત્મનિષ્ઠ માનીએ, પણ જો આપણે સમાજમાં રહેવું હોય, નગરમાં રહેવું હોય, તો આપણે આ કહેવાતા ‘બીજા લોકો’ સાથે રહેવું પડશે. હકીકતમાં, આપણા જીવનમાં વધારે હિસ્સો આ ‘બીજા લોકો’નો છે. આપણી સાથે ‘બીજા લોકો’ પણ કામ કરે છે, આપણા કરતાં વધારે કામ કરે છે. એટલે ‘બીજા લોકો’ પર કે સમાજના અન્ય સમુદાયો પર આપણી નિર્ભરતા ક્યારે ય ઓછી નથી થતી. આપણે ક્યારે ય એકલા ન રહી શકીએ. છતાં જોવાની ખૂબી એ છે કે સમાજના આ ‘બીજા લોકો’ જ આપણી સમસ્યા છે. એટલે પ્રશ્ન એ છે કે આ ‘બીજા લોકો’નું શું કરવું? આ ‘બીજા લોકો’ આપણાથી ધાર્મિક રીતે, જાતિગત રીતે, વૈચારિક રીતે, સાંસ્કૃતિક રીતે જુદા છે. અત્યારે સંસારમાં જે હિંસા થઈ રહી છે, જે યુદ્ધો થઈ રહ્યાં છે, બાઁબ ફેંકાઈ રહ્યા છે એનું મૂળ આપણી દૃષ્ટિએ આ ‘બીજા લોકો’ જ છે. આ ‘બીજા લોકો’નું શું કરવું એનું સમાધાન આપણને એમને નેસ્તનાબૂદ કરવામાં જણાય છે. એટલે ચારે તરફ હિંસાનો માહોલ છે. આથી આપણે બીજા લોકોનો વિનાશ કરવામાં જ લાગ્યા રહીએ છીએ. તમે તો ચતુર સુજાણ છો એટલે તમે ગુજરાતમાં ‘બીજા લોકો’ને કેવી રીતે બોધપાઠ ભણાવવામાં આવે છે એ સારી રીતે જાણો છો. હિંદી ભાષાના પ્રસિદ્ધ સર્જક અજ્ઞેયજીએ સમાજમાં એક લોકો ‘બીજા લોકો’ને કેવી રીતે ડંખે છે એના પર બહુ અસરકારક પંક્તિ લખી છે.

साँप !


तुम सभ्य तो हुए नहीं


नगर में बसना
भी तुम्हें नहीं आया।


एक बात पूछूँ — (उत्तर दोगे?)


तब कैसे सीखा डँसना —


विष कहाँ पाया?

નાગરિકતામાં સમાનતા

નાગરિકમાં સમાનતાની ભાવના બહુ મહત્ત્વપૂર્ણ છે. આપણે સમાનતાને તો સમજીએ છીએ. અહીં સમાનતાની વાત એટલે સ્ત્રી-પુરુષ સમાનતા પૂરતી મર્યાદિત નથી, પણ દરેક ક્ષેત્રમાં દરેક સ્તરે સમાનતાની વાત છે. આપણે વિવિધતામાં એકતાનો પણ સ્વીકાર કરીએ છીએ. એટલે આપણે કેટલી સમાન દૃષ્ટિ ધરાવીએ છીએ એનો વિચાર કરીએ. સાધારણ જીવનમાં સમાનતા અને વિવિધતાનું ગણિત જુદું જુદું હોય છે. એનું એક ઉદાહરણ મારા જીવનમાંથી જ આપું. બાળપણમાં હું જે શેરીમાં રહેતો હતો, એમાં એક દરજી હતા. એમનું નામ રહેમાનચાચા હતું. મારી માતા બહુ ધાર્મિક વૃત્તિનાં હતાં. પૂજા-અર્ચના કરતાં નહોતાં, પણ રામચરિતમાનસના પાઠ દરરોજ કરતાં હતાં. જ્યારે રહેમાનચાચા અમારા ઘરે આવતા, ત્યારે એમનો કપ અલગ રાખવામાં આવતો હતો. એ સમયે મારી ઉંમર નવ વર્ષ હતી. મને થયું કે જેનો કપ અલગ રાખવામાં આવે છે, એને મારે ચાચા કેવી રીતે કહેવા. એટલે મેં મારી માતાની સામે એને રહેમાન કહ્યું. એ સમયે મારી માતા કશું ન બોલ્યાં. પણ એ ગયા પછી મારા પર ગુસ્સે થયાં. એમણે મને ધમકાવ્યો કે હું આટલો અસભ્ય કેવી રીતે થઈ ગયો. હું શાંતિથી તેમની વાત સાંભળતો રહ્યો. પછી મેં તર્ક આપીને કહ્યું કે જો તમે એનો કપ અલગ રાખો છો, તો એને મારે ચાચા કેવી રીતે કહેવા ત્યારે તેમણે મને કહ્યું કે એ આપણાથી અલગ છે, પણ એમના આદરમાં ઓછપ ન આવવી જોઈએ. સાધારણ જીવનમાં, આ ભિન્નતા અને સમાનતાનું ગણિત હતું. જે વિષમતા પેદા કરતું નહોતું, નીરસતા પેદા કરતું નહોતું. આપણે ભિન્નતાના સ્વીકાર સાથે વિવિધતામાં એકતા જાળવવાની પરંપરા ધરાવીએ છીએ. એટલે જે સમુદાયમાં આપણે રહીએ છીએ, એમાં આપણે સહભાગી નહીં થઈએ, તો આપણને આપણી મર્યાદાઓનું પાલન અને રક્ષણ કરવાનું કેવી રીતે આવડશે!

નાગરિકતા અને સમાજમાં વિવિધ સમુદાયોની ભાગીદારી

નાગરિકતાનો એક અર્થ એ પણ છે કે, સમાજમાં ભાષા, પર્વ, રીતરિવાજ, પરંપરાઓ અને અનુષ્ઠાનોમાં આપણી ભાગીદારી. જ્યારે હું મધ્ય પ્રદેશમાં શિક્ષણસચિવ હતો, ત્યારે અમે ભોપાલમાં રાષ્ટ્રીય રામલીલાની શરૂઆત કરી. એમાં અમે રામલીલા કરવા માટે વિવિધ મંડળને બોલાવતા હતા. એક મંડળ બનારસથી આવ્યું હતું. કહેવાય છે કે તુલસીદાસે બનારસમાં પહેલી વાર રામલીલાની શરૂઆત કરી હતી. બનારસથી રામલીલા કરવા ભોપાલ આવેલા મંડળમાં મુકુટ અને પોશાકની કળા બહુ વિશિષ્ટ હતી. હું યોજનામાં માનું છું, એટલે મને વિચાર આવ્યો કે રામલીલાનું એક સંગ્રહાલય બનાવવું જોઈએ. એટલે મેં મારા એક અધિકારીને મળીને પૂછતાં કહ્યું કે ‘આ મુકુટ અને અન્ય સામગ્રી વેચવા તૈયાર છે કે કેમ? જો તૈયાર હોય તો અમે એને ખરીદવા તૈયાર છીએ.’ તેઓ તૈયાર ન થયા અને રામલીલા પતાવીને જતા રહ્યા. બીજા વર્ષે મેં એમને ફરી બોલાવ્યા. આ દરમિયાન તેમની અંદર લાલચ જાગી ગઈ. એટલે મેં મારા હાથ નીચે કામ કરતા અધિકારીને વિગતો લખવાનું જણાવ્યું – જેમ કે, આ મુકુટ અને પોશાક કોણે બનાવ્યા છે, ક્યારે બનાવ્યા છે, કઈ સામગ્રીમાંથી બનાવ્યા છે વગેરે. તમને જાણીને નવાઈ લાગશે કે બનારસ મંડળની રામલીલામાં ઉપયોગ થતા મુકુટ અને પોશાક મુસલમાનોએ બનાવ્યા હતા. કોઈ કારીગરનું નામ ગ્યાસુદ્દીન, ઝહીરુદ્દીન વગેરે હતું. આને કહેવાય સમાજમાં રહેતા સમુદાયોની ભાગીદારી.

એક બીજું ઉદાહરણ આપું. જ્યારે હું ગ્વાલિયર ગયો હતો, ત્યારે ત્યાંના મહેલને જોવા ગયો હતો. મહેલમાં એક જૂના તાજિયાને રાખવામાં આવ્યો હતો. ગ્વાલિયરના મહારાજા દર વર્ષે તાજિયા કાઢતા હતા. અયોધ્યામાં હનુમાનગઢી નામનું એક મંદિર છે. જો તમારે અયોધ્યામાં રામનાં દર્શન કરવાં હોય, તો હનુમાનગઢીમાં હનુમાનજીનાં દર્શન પહેલાં કરવાં પડે. આશ્ચર્યકારક એ છે કે એનો દરવાન મુસ્લિમ હતો. જ્યાં સુધી આ મુસ્લિમ દરવાન દરવાજા ન ખોલે, ત્યાં સુધી હનુમાનજી મહારાજ દર્શન ન આપે. આપણી આ પરંપરાઓ હતી, જેમાં વિવિધ સમુદાયના લોકો એકબીજાનાં રીતરિવાજો અને ઉત્સવોમાં સામેલ થતા હતા. એકબીજાનાં આસ્થાનાં કેન્દ્રોમાં ફરજ બજાવતા હતા.

પડોશ પ્રથા લુપ્ત થઈ અને કૉલોનીઓ બની

જ્યારે આપણો દેશ આઝાદ થયો, ત્યારે આપણા પડોશમાં વિવિધ ધર્મ, જાતિ, જ્ઞાતિના લોકો રહેતા હતા. એ પણ હળીમળીને. પણ છેલ્લા બેથી ત્રણ દાયકાથી શહેરીકરણમાં વધારો થવાની સાથે પડોશપ્રથા લુપ્ત થઈ રહી છે. આપણી હળીમળીને રહેવાની સંસ્કૃતિ જ લુપ્ત થઈ રહી છે. હવે આપણે કૉલોનીઓમાં રહીએ છીએ. કમનસીબે આ પહેલ ગુજરાતે કરી હતી. દુર્ભાગ્યે ગુજરાતમાં જ પડોશપ્રથાને, પડોશીઓને નષ્ટ કરવામાં આવ્યા હતા. હું એની વિસ્તારપૂર્વક વાત નહીં કરું. તમે લોકો સમજદાર છો અને સારી રીતે સમજો છો, એટલે ધીમે ધીમે પડોશપ્રથા ગાયબ થતી જાય છે. આપણે બધા કૉલોનીમાં રહેવા લાગ્યા છીએ, દરેકની પોતાની અલગ દુનિયા છે, દરેકની પોતાની અલગ ગુફા છે. પણ ઉત્સવ દરમિયાન અને મુશ્કેલીના સમયમાં આપણને પડોશીની કે આપણા સમુદાયની જરૂર પડે છે. જો ઘરમાં આગ લાગી જાય, કોઈ બીમાર પડી જાય, હૉસ્પિટલ જવું પડે, આપણી પાસે કાર ન હોય, તો સૌપ્રથમ પડોશીની જ મદદ લેવી પડે છે એ વાત આપણે યાદ રાખવાની જરૂર છે. પણ આપણે એને ભૂલી જવાનું વધારે પસંદ કરીએ છીએ!

નાગરિકતા અને જાહેર સંપત્તિઓનું સંરક્ષણ

નાગરિકતાની સાથે જાહેર સંપત્તિ, ઐતિહાસિક સંકુલો, જૂની હવેલીઓ, સાંસ્કૃતિક વારસા, સરકારી સંપત્તિઓનું સંરક્ષણ કરવાની જવાબદારી પણ આપણી છે. આ જવાબદારી સરકારની સાથે સાથે સભ્ય સમાજની પણ છે. દુર્ભાગ્યની વાત એ છે કે અમારા ઉત્તર ભારતમાં આ કામ બે ભરોસા પર ચાલે છે. એક, રામભરોસે અને બીજું, સરકારભરોસે. રામ પાસે ઘણાં કામ છે અને સરકાર શું કરે છે એનાથી કોઈ અજાણ નથી. આપણે સરકાર પર દોષનો ટોપલો બહુ સરળતાપૂર્વક ઢોળી દઈએ છીએ. પણ આપણે જ આપણા ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાઓના સંરક્ષણની જવાબદારી પ્રત્યે આંખ આડા કાન કરીએ છીએ એનું શું! આપણી પાસે તો સમય જ નથી, અને જેમની પાસે સમય છે એમને એમાં રસ નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે જો તમે કોઈ નગરમાં રહો છો અને એની સુખસુવિધાનો ઉપયોગ કે ઉપભોગ કરો છો, તો એનાથી તમે નાગરિક બની શકતા નથી. નાગરિક બનવા માટે તમારે તમારી જવાબદારીઓ સમજવા કેટલાક પ્રયાસો કરવા પડશે. શહેરી નાગરિક બનવા, સભ્ય સમાજના નાગરિક બનવા માટે તમે સ્વચ્છ, સુઘડ વસ્ત્રો પહેરો, સારું સારું બોલવાનું શીખો એટલું પર્યાપ્ત નથી. સભ્ય સમાજના નાગરિક પર કટાક્ષ કરતી એક બહુ સરસ કવિતા ભવાનીપ્રસાદ મિશ્રએ લખી છે. એમાં ગામડાનો નાગરિક સભ્ય સમાજ પર આકરા પ્રહાર કરે છે.

मैं असभ्य हूँ क्योंकि खुले नंगे पाँवों चलता हूँ

मैं असभ्य हूँ क्योंकि धूल की गोदी में पलता हूँ

मैं असभ्य हूँ क्योंकि चीरकर धरती धान उगाता हूँ

मैं असभ्य हूँ क्योंकि ढोल पर बहुत ज़ोर से गाता हूँ

 

आप सभ्य हैं क्योंकि हवा में उड़ जाते हैं ऊपर
आप सभ्य हैं क्योंकि आग बरसा देते हैं भू पर
आप सभ्य हैं क्योंकि धान से भरी आपकी कोठी
आप सभ्य हैं क्योंकि ज़ोर से पढ़ पाते हैं पोथी
आप सभ्य हैं क्योंकि आपके कपड़े स्वयं बने हैं
आप सभ्य हैं क्योंकि जबड़े ख़ून सने हैं

आप बड़े चिंतित हैं मेरे पिछड़ेपन के मारे
आप सोचते हैं कि सीखता यह भी ढँग हमारे
मैं उतारना नहीं चाहता जाहिल अपने बाने
धोती–कुरता बहुत ज़ोर से लिपटाए हूँ याने!

સાહિત્યની નાગરિક સમાજમાં ભૂમિકા

અત્યાર સુધી આપણે નાગરિક બનવા, સભ્ય સમાજના બનવા માટે વિવિધ મૂલ્યોની જરૂર છે, એની ચર્ચા કરી. આજનો મારો વિષય છે – સાહિત્યની નાગરિક સમાજમાં ભૂમિકા. જો તમને યાદ હોય, તો સાહિત્યની શરૂઆત અરણ્ય કે જંગલમાં થઈ હતી. આપણે વેદોને આદિકાવ્ય ગણીએ છીએ, એનું સર્જન જંગલમાં ઋષિમુનિઓએ કર્યું હતું એવું કહેવાય છે. વેદોમાં નગર કરતાં જંગલોની વાતો વધારે છે. જો તમે સંસ્કૃત સાહિત્યથી પરિચિત હો, તો એમાં નગર અને જંગલ વચ્ચે એક તણાવ જોવા મળશે. કાલિદાસના ‘અભિજ્ઞાનશાકુન્તલમ્‌’ને યાદ કરો. એમાં અરણ્યની યુવતી અને નગરના રાજાની વાત છે. એટલે અરણ્ય અને નગર વચ્ચે જે તણાવ છે, જે દ્વંદ્વ છે, સમજણનો અભાવ છે અને નગરનો અરણ્ય પર અતિક્રમણ કરવાનો આગ્રહ છે આ બધું એ સમયે સાહિત્યમાં હતું. પરંતુ ધીમે ધીમે આપણા સાહિત્યનું કેન્દ્ર અરણ્યને બદલે નગર બનતું ગયું. અત્યારે કોઈ કોઈ સાહિત્યિક કૃતિમાં અરણ્યની વાત કરવામાં આવે છે. પણ સંપૂર્ણપણે જોઈએ તો મોટા ભાગનું સાહિત્ય શહેરીજનોની આસપાસ, શહેરી સમાજની આસપાસ કેન્દ્રિત થતું ગયું છે. આ નાગરિક સાહિત્ય છે, જેનું સર્જન મોટા ભાગે નગરવાસીઓએ કર્યું છે.

અમેરિકનો માને છે કે દુનિયામાં બે જ પ્રકારના લોકો વસે છે – એક, અમેરિકનો અને બીજા, બિનઅમેરિકનો. બિનઅમેરિકન હોવાનું ઔચિત્ય એ છે કે તેઓ વહેલામોડા અમેરિકન બનવાની આકાંક્ષા રાખે છે, એ માટે પ્રયાસ કરે છે. નગરમાં રહેતા લોકોની માનસિકતા પણ અમેરિકનો જેવી જ છે. તેઓ માને છે કે દુનિયામાં બે જ પ્રકારના લોકો છે – શહેરી લોકો અને બિનશહેરી લોકો એટલે કે ગામડિયા. જ્યાં સુધી શહેરો ગામડાં સુધી પહોંચી ન જાય અને એના પર અતિક્રમણ ન કરે, ત્યાં સુધી બિનશહેરી કે ગ્રામીણ વિસ્તારનું અસ્તિત્વ રહેશે. દિલ્હી એનું સૌથી આદર્શ ઉદાહરણ છે અને અમદાવાદ પણ એનું ઉદાહરણ હશે જ. અગાઉ આપણા પડોશમાં દરેકના ઘરમાં અલગ પ્રકારની રસોઈ બનતી હતી, એમાંથી જુદી જુદી સુગંધ આવતી હતી. હવે બધા એક જ પ્રકારનું ભોજન કરે છે, બધા એક જ પ્રકારનું મનોરંજન માણે છે, એક જ પ્રકારની ફિલ્મો જુએ છે –બધી ચીજો એકસમાન. આ શહેરીકરણ અને અમેરિકન સંસ્કૃતિની નકલનું સીધું પરિણામ છે – જીવનમાં એકવિધતા, એકરૂપતા. પણ સાહિત્ય તમને આ એકવિધતામાંથી મુક્ત કરે છે. કમ સે કમ થોડા સમય માટે. સાહિત્ય તમને જણાવે છે કે સંસારમાં ઘણી વિવિધતા અને બહુલતા છે, એને ભૂલશો નહીં.

સાહિત્ય તમને સામાજિક સંબંધ, માનવીય વ્યવહારોની આંટીઘૂંટી, માનવીય આચરણ, માનવસ્વભાવની સૂક્ષ્મતાઓ, જટિલતાઓ – આ તમામથી વાકેફ કરાવે છે. સાહિત્ય આ રીતે તમારી રચનાત્મકતા અને કલ્પનાશક્તિને જગાવવા માટે ઉદ્દીપકનું કામ કરે છે. આપણને અવારનવાર કહેવામાં આવે છે કે વૈશ્વિકીકરણે આખી દુનિયાને બજારમાં બદલી નાંખી છે. વૈશ્વિકીકરણનો કોઈ વિકલ્પ નથી અને આ જ દુનિયા છે. આ અર્થમાં સાહિત્ય સત્યાગ્રહ કરે છે. સાહિત્ય તમારી કલ્પનાશીલતા અને વૈકલ્પિક દુનિયાની શોધને સ્થગિત થવા દેતું નથી. સાહિત્ય તમને વારંવાર જણાવે છે કે આ દુનિયાથી અલગ દુનિયા પણ સંભવ છે. જ્યારે ગાંધીજીએ અંગ્રેજો સામે સત્યાગ્રહ શરૂ કર્યો હતો, ત્યારે અંગ્રેજો પણ ગર્વ સાથે કહેતા હતા કે ભારત પર ફક્ત બ્રિટિશરો જ રાજ કરી શકે. બ્રિટિશરો સિવાયના ભારતની કલ્પના કરવી અશક્ય છે. પણ ગાંધીજીએ તેમનો પડકાર ઝીલી લીધો અને બ્રિટિશરો સિવાયનું, ભારતીયોનું ભારત પણ શક્ય છે એ કામ કરી દેખાડ્યું. આપણે એ જ ભારતના નાગરિકો છીએ, પણ આજે કદાચ આપણે ઉપભોક્તા બની ગયા છીએ.

અત્યારે દુનિયામાં ઉદારીકરણ કે વૈશ્વિકીકરણને પગલે સામાજિક, આર્થિક અને રાજકીય સ્તરે મોટા પાયે પરિવર્તનો આકાર લઈ રહ્યાં છે. આ પ્રકારનાં પરિવર્તનો થઈ રહ્યાં છે, ત્યારે નાગરિક સમાજમાં સાહિત્યની ભૂમિકા શી છે? સાહિત્ય કેવી રીતે નાગરિકતાને પ્રસ્થાપિત કરવામાં ભૂમિકા ભજવી શકે છે?

સૌપ્રથમ, સાહિત્યની ભૂમિકા છે પ્રાદેશિક ભાષાઓ, બોલીઓને જાળવવાની અને એમાં સાહિત્યનું સર્જન કરવાની. નાગરિકતા માટે એક સ્વચ્છ ભાષા જોઈએ. જેની પાસે સ્વચ્છ ભાષા નથી, એની પાસે સ્પષ્ટ માનસિકતા નથી. જેમની પાસે શબ્દો ઓછા હશે, એમની પાસે માનવીયતા પણ ઓછી હશે. શબ્દ આપણી માનવીયતાની સૌથી ટકાઉ, સૌથી સ્પષ્ટ અભિવ્યક્તિ છે. શબ્દ મનુષ્યનો સૌથી મોટો આવિષ્કાર છે. જો ભાષા ન હોત, તો કશું સંભવ ન હોત. મનુષ્ય અને બીજાં પ્રાણીઓ વચ્ચેનું અંતર ભાષા છે. આપણી પાસે ભાષા છે, એકબીજા સાથે સંવાદ સાધવાનું માધ્યમ છે, જે અન્ય પ્રાણીઓ પાસે નથી. પશુપંખીઓ અને અન્ય પ્રાણીઓ માટે પૃથ્વી ફક્ત પૃથ્વી છે, જ્યારે ભાષા થકી મનુષ્યએ પૃથ્વી પર સંસારનું સર્જન કર્યું છે. જો ભાષા ન હોત, તો મનુષ્ય પણ અન્ય પ્રાણીઓની જેમ પ્રાણી બનીને રહી જાત. ભાષાએ ક્રાંતિકારી પરિવર્તન કર્યું. આપણું પૃથ્વી પર અસ્તિત્વ ટકાવી રાખ્યું અને વિવિધતાથી સંપન્ન સંસારનું સર્જન કર્યું. સાહિત્ય ભાષાઓનું રક્ષણ કરે છે, એની રચના પણ કરે છે, એને સૂક્ષ્મતા અને જટિલતામાં ઊતરવા માટે પ્રેરે કરે છે. અત્યારે ભાષાઓ સતત વિકૃત થઈ રહી છે. એમાં પ્રાદેશિક ભાષાના મીડિયાની ભૂમિકા નિંદનીય છે. એનાથી સૌથી વધુ નુકસાન આપણી ભાષાઓને થઈ રહ્યું છે અને પરિણામે આપણી નાગરિક તરીકેની જવાબદારીની સમજણ ઓછી થઈ રહી છે. ભાષામાં પરિવર્તન થાય છે. એમાં પરિવર્તન માટે સ્વાભાવિક ખુલ્લાપણું કે મોકળાશ હોય છે, પણ મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને ભાષાને બદલવાનો પ્રયાસ ન કરવો જોઈએ. ભાષાની મર્યાદા જળવાઈ રહેવી જોઈએ અને સાહિત્યનું કામ આ મર્યાદાઓ હોવા છતાં એના પરિવર્તનને જાળવવાનું છે.

સાહિત્યનું બીજું કામ ‘સમાજબોધ’નું છે. અહીં પ્રશ્ન એ છે કે સમાજને પોતે સમાજ હોવાનો બોધ કઈ બાબતોથી થાય છે? જે ચીજો કે બાબતોથી સમાજ પોતાને એક માને છે તે ચીજોમાં એક સાહિત્ય પણ હોય છે. દરેક સમાજમાં સારી અને નરસી બાબતો રહેલી છે, સાહિત્ય એનો પરિચય સમાજને કરાવે છે. આ અર્થમાં સાહિત્ય સમાજમાં જાગૃતિ લાવે છે, એને સશક્ત બનાવે છે અને કોઈ પણ સમાજ સાહિત્યના માધ્યમથી પોતાની સમાજ હોવાની ઓળખને અનુભવે છે. જો ગુજરાતી ભાષા ન હોય, ગુજરાતી સાહિત્ય ન હોય, તો ગુજરાતી સમાજ પોતાને ઓળખશે કેવી રીતે? એટલે સાહિત્ય સમાજનો અનિવાર્ય હિસ્સો છે. એક તરફ, સાહિત્ય સમાજબોધ જગાવે છે, તો બીજી તરફ, વ્યક્તિની સ્વતંત્રતા અને ગરિમાનો આગ્રહ પણ રાખે છે. સમાજ બધાને પોતાનામાં સમાવી લે, પોતાના દાયરામાં સમેટી લે અને વ્યક્તિનું અસ્તિત્વ જ જળવાઈ ન રહે, તો એવું સાહિત્ય સમાજબોધ ન લાવી શકે. કહેવાનો અર્થ એ છે કે, વ્યક્તિ પણ મહત્ત્વપૂર્ણ છે, એની સ્વતંત્રતા અને ગરિમા પણ મહત્ત્વપૂર્ણ છે. સાહિત્ય સાહસ અને અતિક્રમણ વચ્ચે સંતુલન સ્થાપિત કરે છે. સાહસ અને અતિક્રમણ બંને જરૂરી છે, પણ બંને વચ્ચે સંતુલન સ્થપાવું જોઈએ.

ત્રીજું કામ સાહિત્યનું બહુ મોટું કામ છે. આપણે ‘અમે’ અને ‘બીજા’ વચ્ચેનો જે ફરક પેદા કર્યો છે એને સાહિત્ય દૂર કરે છે. સાહિત્ય આપણને સમજણ આપે છે કે, આપણે મનુષ્ય છીએ અને ‘બીજા લોકો’ પણ મનુષ્ય છે. આપણે જે છીએ એ જ તેઓ છે અને તેઓ જે છે એ જ આપણે છીએ. આપણે બધા સમાન છીએ. આપણી વચ્ચે કોઈ ફરક નથી. આપણે એવા લોકો માટે રડીએ છીએ કે એમના પર હસીએ છીએ, જે આપણા છે. સાહિત્ય આપણને આ ‘બીજા લોકો’ માટે વ્યથિત થવાનું શીખવે છે, એમના માટે સંવેદનશીલતા જગાવે છે, એમના પર હસવાનું પણ શીખવે છે. સાહિત્ય એ શક્તિ પેદા કરે છે કે ‘આપણે’ અને ‘બીજા લોકો’ વચ્ચેનો દ્વૈત અવાસ્તવિક લાગે છે. સાહિત્ય ઘણી વાર નવી નૈતિકતા પેદા કરે છે, જૂની નૈતિકતા સામે પ્રશ્નો ઉઠાવે છે અને બદલાતા સમય સાથે સમાજને નવી નૈતિકતા તરફ દોરી જાય છે. દાખલા તરીકે, સ્ત્રી અને પુરુષની સમાનતા. આ ધર્મગ્રંથોમાં નથી. ધર્મગ્રંથોએ સ્ત્રી-પુરુષની સમાનતાનું ક્યારે ય સમર્થન કર્યું નથી. જ્યારે નિર્ભયાકાંડ થયો હતો, ત્યારે મેં મારી કટારમાં લખ્યું હતું કે તમામ ધર્મોએ સ્ત્રી-પુરુષની સમાનતા પર વિચાર કરવો જોઈએ. એમના કોઈ ગ્રંથોમાં, કોઈ સંહિતામાં, એમનાં કોઈ શાસ્ત્રોમાં સ્ત્રી-પુરુષસમાનતા વિરુદ્ધ કશું લખવામાં આવ્યું હોય તો એ ગ્રંથ, સંહિતા કે શાસ્ત્રનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે લોકશાહીમાં આપણો ધર્મગ્રંથ આપણું બંધારણ છે અને આપણાં બંધારણે સ્ત્રી-પુરુષ સમાનતાનો અધિકાર આપ્યો છે. એટલે હવે સ્ત્રી-પુરુષસમાનતા સિવાય બીજું કશું સંભવિત નથી. સમાજમાં વાસ્તવિક ધોરણે આ સમાનતા કેટલી હદે આવે છે એ અલગ વાત છે.

છેલ્લે, એક કવિતા હું મારી પણ સંભળાવી દઉં છું અને પછી મારી વાણીને વિરામ આપું છું …

करो प्रार्थना

करो प्रार्थना की हरी पत्तियाँ कुछ दिन और हरी रहें, 
पक्षियों की आयु कुछ लंबी हो, 
बहोतो के घर जीवन में इतनी देर अंधेरा न रहे, 
सुरक्षित चकाचौंध में न रह सके आततायी और अत्याचारी, 
बच्चों में चीज़ों का लालच बहुत ना बढ़े, 
विचारों के गलियारे इस कदर सूने ना रहे, 
इतने पथारे न हो स्वप्नद्रष्टा के, 
बूढ़े न हो इस कदर निःसहाय,
और युवान स्त्रियाँ न हो इस तरह बेबस, 
करो प्रार्थना।
प्रार्थना करो कि शब्दों पर भरोसा बना रहे, 
और किसी भी हालात में वे कम ना पड़े, 
सहायता की हर पुकार का तुम उत्तर दे सको, 
साधन भले कम पड़ जाय, 
देने की इच्छा में कमी ना आये, 
दुनिया के तेज रफ्तार से भले, 
हमकदम न रह सके, 
पर चलने का संकल्प न घटे, 
करो प्रार्थना।
टुचके लोगों से भले न बच सको,
अपने टुच्चेपन से बचे रहो, 
कि जीवन की तरह 
मृत्यु में भी कुछ गरिमा हो, 
करो प्रार्थना।

(વક્તવ્ય આપ્યા તા. ૦૭-૧૨-૨૦૧૫)

[ભારતીય સમુદાય શિક્ષણ સંઘ યોજિત ‘પ્રાધ્યાપક રામલાલ પરીખ વ્યાખ્યાનમાળા’ અંતર્ગત 2015માં અપાયેલું વ્યાખ્યાન, ‘વિચારવ્યોમના મેઘધનુષ’માંથી. સંપાદક – ડૉ. મંદા પરીખ – ડૉ. પુનિતા અરુણ હર્ણે : પ્રકાશક : નવજીવન – સાંપ્રત, પ્રથમ આવૃત્તિ – 2022]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2022; પૃ. 08-12 

Loading

ભાષા પ્રજા દ્વારા સ્વીકૃત થાય પછી વધારે સમૃદ્ધ બને

રમેશ ઓઝા|Opinion - Opinion|17 April 2022

કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે ભારતીય નાગરિકોને, ખાસ કરીને યુવાનોને સલાહ આપી છે કે તેમણે અંગ્રેજીની જગ્યાએ હિન્દી ભાષામાં વાતચીત કરવી જોઈએ. તેઓ સંઘસુત છે એટલે એક દેશ એક ભાષા વગેરે એક એક એકનું વળગણ ધરાવે છે. આ સિવાય આ ઘેટાંઓને સમયે સમયે નીરવામાં આવતો ચારો પણ છે કે જેથી મોંઘવારી, બેરોગારી, સંતાનોનું ભવિષ્ય વગેરે વિષે વિચારીને આડુંઅવળું વિચારે નહીં અને અન્યત્ર તો જરા ય જુએ નહીં. તેમણે વળી ફ્રાંસ, જર્મની અને જપાનના દાખલા પણ આપ્યા છે અને કહ્યું છે કે જુઓ તેઓ કેવી રીતે પોતાની જ ભાષામાં વાત કરે છે.

અહીં ત્રણ વિકલ્પોની વાત કરીએ :

૧. એક દેશ એક ભાષા.

૨. એક ભાષા એક દેશ.

૩. એક દેશ અનેક ભાષા. અને માત્ર ભાષા જ શા માટે? અનેક ધર્મ, અનેક વંશ, અનેક જાતિ, અનેક વ્યંજન, અનેક પહેરવેશ, અનેક રીતિરિવાજ વગેરે અનેક પ્રકારનાં અનેક.

આ ત્રણ વિકલ્પોમાંથી કયો વિકલ્પ રૂડો કહેવાય? કયો વિકલ્પ તમારી પ્રતિષ્ઠા વધારનારો છે? કયો વિકલ્પ બીજા માટે અનુકરણીય સાબિત થાય? શાંતિથી વિચારજો પણ અહીંયા ચર્ચા આગળ વધારીએ.

પહેલો વિકલ્પ આકર્ષક છે, પણ દાદાગીરીવાળો છે. આ સિવાય હિન્દી-અંગ્રેજીની બાબતે વ્યાવહારિકતાનાં પણ પ્રશ્નો છે અને જમીન પરની વ્યાવહારિક જરૂરિયાત અને સ્વાર્થ સામે કોઈના બાપનું કશું ચાલતું નથી. ચીનનો જ દાખલો લો. લડાખમાં ગાલ્વાનની ઘટના બની એ પછી રાષ્ટ્રવાદ અને દેશપ્રેમનો ઊભાર આવ્યો હતો. ચીનના માલનો બહિષ્કાર કરવો જોઈએ, વગેરે. પરિણામ તમારી સામે છે. ૧૩મી એપ્રિલે ભારત અને ચીન વચ્ચેના વ્યાપારના આંકડા બહાર પડ્યા છે જે એમ કહે છે કે આ વરસની પહેલી ત્રિમાસીમાં બે દેશો વચ્ચેના ધંધામાં આગલી ત્રિમાસિની તુલનામાં ૧૫ ટકાનો વધારો થયો છે. આમાં ભારતે ચીનથી ૨૭.૧ અબજ ડોલરની કિંમતના માલ-સામાનની આયાત કરી છે અને નિકાસ માત્ર ૪.૮૭ અબજ ડોલરની કિંમતના માલ-સામાનની કરી છે. કુલ ધંધામાં ૮૫ ટકાની આયાત અને ૧૫ ટકાની નિકાસ. ક્યાં ગયો દેશપ્રેમ? ક્યાં ગયો રાષ્ટ્રવાદ? ના, ચીનથી આયાત કરનારા વેપારીઓ દેશદ્રોહી મુસલમાન નથી, દેશપ્રેમી હિંદુઓ છે. જો મુસલમાન સામે હોય તો નસેનસમાં દેશદાઝ વહે છે, પણ અંગત સ્વાર્થ આવે ત્યારે દેશપ્રેમ પાતળો પડી જાય છે. આ લેખનો વિષય ચીન સાથેના વેપારનો નથી એટલે આટલેથી પૂરું કરીએ, પણ ‘ધ ડિપ્લોમેટ’ નામની વિદેશવ્યવહાર માટેની થીંકટેંકમાં ક્રિઝસ્ટોફ ઇવાનેક નામના દક્ષિણ એશિયાની બાબતોના નિષ્ણાતે ૨૮મી માર્ચના તેમના લેખમાં લખ્યું છે કે જો ચીન-ભારત વચ્ચેની ૮૫:૧૫ ટકાની વેપારખાઈ ચાલુ રહેશે તો એક દિવસ ચીન ભારતમાં કરવામાં આવતી નિકાસ ઉપર પ્રતિબંધો મૂકીને ભારતનું નાક દબાવશે. ઊંધું થશે. દેશપ્રેમનું શીર્ષાસન થશે.

જે ચીન સાથે વેપારની બાબતે બની રહ્યું છે એ દેશમાં હિન્દીની બાબતે બની રહ્યું છે. દેશ આઝાદ થયો ત્યારે લાભો લેવામાં પહેલી પંક્તિમાં ગોઠવાઈ ગયેલા લોકોને અંગ્રેજી ભાષા છોડવી નહોતી. અંગ્રેજી થકી આ લાભો મળી રહ્યા છે, લાભોનું ભાષાઆધારિત એક તંત્ર ગોઠવાઈ ગયું છે અને આપણે એ તંત્ર બરાબર અપનાવી લીધું છે અને ગોઠવાઈ ગયા છીએ તેમાં નવી ભાષા ક્યાં અપનાવવી! નવેસરથી હિન્દી ભાષામાં તંત્ર ગોઠવવું પડે અને તેમાં ગોઠવાવું પડે. આ ભવે આ થઈ શકે એમ નથી અને આપણાં સંતાનો પણ ગોઠવાઈ શકશે કે કેમ એ સવાલ છે, માટે અંગ્રેજી ભાષા ટકી રહેવી જોઈએ. કનૈયાલાલ મુનશી અને બીજા દેશપ્રેમી રાષ્ટ્રવાદીઓ હિન્દી ભાષાની વકીલાત અંગ્રેજી ભાષામાં કરતા હતા. ચીન સાથેના વેપાર જેવું જ દેશપ્રેમનું શીર્ષાસન! શાણીવાણી હિન્દીનો હું વકીલ છું, પણ વકીલાત અંગ્રેજીમાં કરું છું. હિન્દી ભાષા રાષ્ટ્રભાષા બનવી જોઈએ, હિન્દી ભારતની પ્રજાને જોડનારી ભાષા બનવી જોઈએ એવી બધી ભલામણ કરતા સેંકડો અહેવાલો અને લેખો અંગ્રેજીમાં મળે છે. હિન્દીમાં ભાગ્યે જ કોઈ અહેવાલ મળશે.

આમ હિન્દીની સ્વીકૃતિ આડે એક વ્યવહાર પક્ષ છે અને અંગત સ્વાર્થ આવે ત્યારે કોઈનું કશું ચાલતું નથી. બીજો પક્ષ દુરાગ્રહ છે. હમણાં કહ્યું એમ હિન્દીની વકીલાત કરતો અભ્યાસપૂર્ણ અહેવાલ હિન્દીમાં ભાગ્યે જ જોવા મળશે અને જો જોવા મળશે તો એવી હિન્દીમાં લખાયેલો હશે કે તેને વાંચતા આંખમાંથી લોહી નીકળે. હિન્દી ભાષા એટલી સંસ્કૃતનિષ્ઠ હોવી જોઈએ કે એમાં અરેબીક, ફારસી કે તુર્કી ભાષાનો એક શબ્દ નહીં જોઈએ, પછી ભલે એ લોકજીભે ચલણી હોય. અંગ્રેજી ભાષાના શબ્દો પણ ન હોવા જોઈએ. કેટલાક હિન્દી વિદ્વાનો દેશીય (લોકભાષામાં સામાન્ય પ્રજા દ્વારા વપરાતા શબ્દો) શબ્દો પરત્વે પણ છોછ અનુભવે છે. આ સિવાય ધાતુપાઠ ઉપલબ્ધ છે અને ધાતુમાંથી શબ્દ બનાવવાની પાણિનીય વ્યાકરણ પ્રક્રિયા ઉપલબ્ધ છે એટલે જરૂર પડે ત્યારે શબ્દ બનાવી લેવાનો. હિન્દી ભાષાના વિદ્વાનોએ ચલણી શબ્દોને નકારીને અને અજાણ્યા શબ્દોનું ઉત્પાદન કરીને હિન્દીને (ખાસ કરીને સરકારી હિન્દીને) એવી ક્લિષ્ટ કરી મૂકી છે કે વાંચનાર હાંફી જાય.

આનું પરિણામ શું આવ્યું છે એ જાણો છો? હવે હિન્દી પ્રદેશના લોકો હિન્દીને નકારવા લાગ્યા છે. અવધી, મગધી, બુન્દેલી, ભોજપુરી, મૈથિલી, વ્રજ વગેરે ભાષા બોલનારા લોકો કહેવા લાગ્યા છે કે આવી કૃત્રિમ હિન્દી કરતાં અમારી સહજ, સરળ અને મીઠી ભાષા શું ખોટી? જે ભાષામાં તુલસી, કબીર અને સુરદાસ થયા હોય એ ભાષાને અવિકસિત કેમ કહેવાય?

અને ત્રીજો પક્ષ છે ગેરહિન્દીભાષિક પ્રદેશનો હિન્દી સામેનો વિરોધ, ખાસ કરીને દક્ષિણ ભારતનો. એક તો હિન્દી માથે મારવામાં આવે અને એ પણ વાંચનાર હાંફી જાય એવી અઘરી. જ્યાં હિન્દી ભાષિક હિન્દી ન સમજી શકતો હોય ત્યાં તમિલ હિન્દી સમજે અને સ્વીકારે એ બહુ દૂરની વાત છે. જો ગાંધીજીએ કહ્યું હતું એવી હિન્દુસ્તાનીને ભારતની ભાષા તરીકે સ્વીકારી હોત તો કદાચ દક્ષિણ ભારતે સ્વીકારી પણ હોત. હિન્દુસ્તાની પ્રચાર સભાને દક્ષિણ ભારતમાં સારો પ્રતિસાદ મળવા પણ લાગ્યો હતો. પણ સમસ્યા એ હતી કે હિન્દુસ્તાનીમાં દેશીય શબ્દો છે, અરેબીક-ફારસી જેવા ગેરસંસ્કૃત ભાષાના શબ્દો છે, તે મુસલમાન પણ બોલે છે અને હિંદુઓ પણ બોલે છે, તેનું વ્યાકરણ લચીલું છે અને એ બધું હિંદુ માનસ ધરાવતા હિન્દી વિદ્વાનોને સ્વીકાર્ય નહોતું. તેમણે હિન્દુસ્તાન માટે હિન્દુસ્તાનીને નકારીને હિંદુઓ માટે હિન્દી ભાષા વિકસાવી હતી. આમ હિન્દી ભાષા હિંદુ કોમવાદીઓનું રમકડું બની ગઈ.

તો પહેલા વિકલ્પને તપાસ્યા પછી સાર એટલો નીકળે છે કે એક દેશ એક ભાષાના પ્રયોગને નિષ્ફળ બનાવવામાં હિંદુ માનસ ધરાવનારાઓનો મોટો હાથ છે.

બીજો વિકલ્પ છે એક ભાષા એક દેશ, જેનો ગૃહ પ્રધાન અમિત શાહે ફ્રાંસ અને જર્મનીનો દાખલો આપીને અનાવધાને બહુ મહિમા કર્યો છે. એશિયા ખંડના દેશોથી ઊલટું યુરોપમાં એક ભાષા એક દેશ છે. વિનોબા ભાવેએ બહુ સરસ વાત કરી છે. તેમણે કહ્યું છે કે યુરોપમાં એક ડઝન દેશો એવા છે જે એક જ ધર્મી છે, વંશની વાત કરીએ તો ભલે એક નહીં, પણ માત્ર બે-ત્રણ વંશની પ્રજા છે, તેમની ભાષાનું કુળ એક જ લેટીન છે એટલે કે યુરોપની ભાષાઓ ગુજરાતી-મરાઠીની જેમ ભગિની ભાષાઓ છે અને છતાં જેટલી ભાષા એટલા દેશ છે. બીજી બાજુ ભારતમાં અનેક ધર્મની પ્રજા વસે છે, અનેક વંશની પ્રજા વસે છે, ભાષાઓનાં એક કરતાં વધુ કુળ છે, લોકો સેંકડો ભાષાઓ બોલે છે અને છતાં ય એક દેશમાં સાથે રહે છે. મહિમા કોનો વધારે? ભાષાવાર અલગ ઘર માંડાનારાઓનો કે અનેક ભાષા બોલવા છતાં એક જ ઘરમાં રહેનારાઓનો?

સમસ્યા દેશની નથી, હિન્દુત્વવાદીઓની છે. માત્ર હિન્દુત્વવાદીઓની નહીં દરેક પ્રકારના અસ્મિતાવાદીઓની છે. તેઓ સાથે જીવી શકતા નથી. સહિયારાપણું તેમને માફક આવતું નથી. અન્યોથી તેઓ ગભરાય છે. અન્ય હકીકતમાં અન્ય છે જ નહીં, આપણો પોતાનો ભારતીય જ છે, પણ તેઓ લઘુતાગ્રંથિ ધરાવે છે એટલે ગભરાય છે. સાથે જીવવું નથી એટલે “અન્ય” ઉપર અને “પોતાના” ઉપર ઓળખોના આવરણો ચડાવે છે અને લપેડા કરે છે. આ તેમની માનસિક બીમારી છે જેને રાષ્ટ્ર સાથે કોઈ લેવાદેવા નથી. તેમને સાથે જીવવું નથી એટલે એક દેશ અનેક ભાષા અને બીજું બધુંવાળો વિકલ્પ માફક આવતો નથી. જો કૃત્રિમ હિન્દીની જગ્યાએ હિન્દુસ્તાનીને ભારતની જોડનારી ભાષા તરીકે અપનાવવામાં આવે તો તે ધીરેધીરે આખા દેશમાં સ્વીકાર્ય બની શકે એમ છે. હિન્દી સિનેમાની ભાષા હિન્દુસ્તાની છે અને આખા દેશમાં હિન્દી ફિલ્મો જોવામાં આવે છે. ભાષા પ્રજા દ્વારા સ્વીકૃત થાય એ પછી એમાં સાહિત્યિક ખેડાણ થાય અને ભાષા વધારે સમૃદ્ધ બને. એ પછી એ વહીવટી ભાષા બની શકે અને છેવટે અદાલતની ભાષા પણ બને. પણ આ બધું ત્યારે થાય જ્યારે ભાષાને ઊગવા દેવામાં આવે, તેનું વાવેતર કરવાથી ન થાય.

દેશમાં હિંદુ-હિન્દી અસ્મિતાવાદીઓ ધાતુપાઠ અને પાણિનીય વ્યાકરણ દ્વારા હિન્દીનું વાવેતર કરે છે અને ફસલ ઊગતી નથી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 ઍપ્રિલ 2022

Loading

...102030...1,5241,5251,5261,527...1,5301,5401,550...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved