Opinion Magazine
Number of visits: 9745200
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કે.કે. નાની ઉંમરમાં કેવી રીતે યુવા દિલોની ધડકન બની ગયો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 June 2022

કૃષ્ણકુમાર કુન્નથ ઉર્ફે કે.કે., “પ્રેમના અવાજ” તરીકે ભારતની નવી પેઢીનો સૌથી પસંદીદા ગાયક હતો. સ્વાભાવિક રીતે જ, ૩૧મી મેના રોજ, કોલકત્તામાં એક લાઈવ પરફોર્મન્સ આપીને હોટેલ પર પાછા ફરતી વખતે કાર્ડિયાક એરેસ્ટમાં તેનું અવસાન થતાં, દેશના લાખો યુવાનો-યુવતીઓએ એક સાથે સામૂહિક નિસાસો નાખ્યો. તેની ઉંમર માત્ર ૫૩ વર્ષની હતી. આટલી નાની ઉંમરમાં તેણે ગાયિકીમાં જે મુકામ હાંસલ કર્યો હતો, તે જોતાં તેનું ભવિષ્ય ઘણું આશાસ્પદ અને અનેક સંભાવનાઓથી ભરેલું હતું. માત્ર ૩૧ વર્ષની વયે, 1999માં, તેના ડેબ્યુ આલ્બમ “પલ”થી કે.કે. યુવા દિલો પર છવાઈ ગયો હતો. તે આલ્બમનાં ગીતો આજે પણ સ્કૂલોની ફેરવેલ પાર્ટીઓમાં ગવાય છે.

કે.કે.એ બહુ ટૂંકા સમયમાં, હિન્દી ફિલ્મ સંગીતમાં લાજવાબ ગીતો આપ્યાં હતાં. જેમ કે, તડપ તડપ કે ઇસ દિલ કો (હમ દિલ દે ચૂકે સનમ), ડોલા રે ડોલા રે (દેવદાસ), ક્યા મુજે પ્યાર હૈ (વોહ લમ્હે), આંખો મેં તેરી (ઓમ શાંતિ ઓમ), ખુદા જાને (બચના યે હસીનો), પિયા આયે ના (આશિકી), મત આઝમા રે (મર્ડર-2), ઇન્ડિયા વાલે ( હેપ્પી ન્યૂ યર) અને તુ જો મિલા (બજરંગી ભાઈજાન).

“ધ હિંદુ” સમાચારપત્રના સિનિયર આસિસ્ટન્ટ એડિટર અનુજ કુમાર, કે.કે.ને શ્રદ્ધાંજલિ આપતાં લખે છે કે કે.કે.નો અવાજ, કિશોર કુમારની જેમ, વૈવિધ્યપૂર્ણ હતો. તેના અવાજમાં પ્રેમનો ઉલ્લાસ જેટલી દિલકશીથી છલકાતો હતો, એ જ રીતે પ્રેમની ઉદાસી પણ છવાતી હતી. જ્યારે પણ સ્ટેજ પરથી તેનો અવાજ માઈકમાં ગુંજતો, શ્રોતાઓનાં રૂવાંડા ઊભાં થઇ જતાં. અનુજ કુમાર પછી એક મહત્ત્વનું નિરીક્ષણ આપે છે, “આ પેઢીના જે પણ લોકો યૌવનની દહેલીજ પરથી પસાર થયા હશે, તેમના દિલોમાં કે.કે.નું કોઈ એક ગીત સચવાયેલું પડેલું હશે.”

કે.કે.ની (ઇન ફેક્ટ, કોઈ પણ ગાયક કલાકારની) લોકપ્રિયતાનું રહસ્ય, તેનો અવાજ કઈ ઉંમરના શ્રોતાઓને અપીલ કરે છે તેના પર છે. અનુજ કુમારના નિરીક્ષણમાં વૈજ્ઞાનિક તથ્ય છે. કૌમાર્યવસ્થા અને સંગીતની અભિરુચિ વચ્ચે ગહેરો સંબંધ છે. આપણે જ્યારે જવાન થતા હતા, ત્યારે આપણે જે ગીતો સંભાળતાં હતા, તેનો પ્રભાવ આપણા દિલોદિમાગ પર જેટલો ગહેરો હોય છે, તેટલો ગહેરો પ્રભાવ પાછળની ઉંમરમાં સાંભળેલાં ગીતોનો નથી હોતો.

ન્યુરોસાયન્સની ભાષામાં તેને ન્યુરલ નોસ્ટેલ્જિયા કહે છે; મજ્જાતંતુઓમાં સંગ્રહિત અતીતની યાદો. નોસ્ટેલ્જિયાને અતીતવિયોગ પણ કહે છે. એનો અર્થ એ કે અતીતની અમુક યાદો આપણને ઉદાસ કરી મૂકે, કારણ કે એ યાદો મજેદાર હતી, પણ હવે એ અતીત બની ગઈ છે અને તેને આપણે ફરી જીવી શકતા નથી. આમાં માત્ર સ્મૃતિ જ કામ નથી કરતી. આપણે સંભાળવાની, સુંઘવાની ઇન્દ્રિય પણ ભૂમિકા ભજવે છે. દાખલા તરીકે, પહેલો વરસાદ પડે ત્યારે ભીની માટીની સુંગંધ આપણને બાળપણમાં લઇ જાય છે અથવા આપણું પસંદીદા ગીત વાગે તો આપણો સ્કૂલ-કોલેજનો સમય જીવતો થઇ જાય છે.

ધારો કે તમે સંજય લીલા ભણસાલીની “ગલિયોં કી રાસલીલા” ફિલ્મ જોવા બેઠા છો અને તેમાં “નગાડા સંગ ઢોલ બાજે” ગીત આવે ત્યારે તે તમારી અંદર તમારી કોઈ જૂની યાદ તાજી કરી દે છે. એ ગીત કે ગરબા સાથે જોડાયેલી કોઈ ઘટના કે વ્યક્તિ તમને ઉદાસ કરી મૂકે છે. તમારામાં અચનાક એક મિસિંગની ભાવના જાગી જાય છે. તમે કોઈક દિવસ રાતે આકાશમાં જુઓ અને અચાનક તમને બાળપણમાં તમે કેવી રીતે તારા જોતા હતા તે યાદ આવી જાય. એક ઉર્દૂ શાયર જમાલ એહસાનીએ બહુ સરસ રીતે આ વાત લખી હતી :

‘જમાલ’ હર શહર સે પ્યારા વો શહર મુજ કો
જહાં સે દેખા થા પહલી બાર આસમાન મૈં ને

મગજના વિજ્ઞાનીઓ હવે સ્વીકારે છે કે સંગીતની જૂની યાદો બહુ મજબૂત રીતે માણસોને નોસ્ટેલ્જિક બનાવી દે છે. તેને મ્યુઝિકલ નોસ્ટેલ્જિયા કહે છે. માર્ક જોસેફ સ્ટર્ન નામના એક મનોવિજ્ઞાની, ‘સ્લેટ’ નામના સામાયિકમાં એક અનોખી વાત કરે છે. તેમના સંશોધન અનુસાર, 12થી 22 વર્ષની ઉંમર વચ્ચે આપણું  મગજ બહુ ઝડપી ન્યુરોલોજીકલ વિકાસ કરે છે અને એ સમય દરમિયાન આપણે જે સંગીત સાંભળ્યું હોય, તે મગજના ચાર લોબ્સ(ફ્રન્ટલ, પારીએટલ, ટેમ્પોરલ અને ઓસ્સીપિટલ)માં વણાઈ જાય છે. આને ગીત સાથેનું ન્યુરલ કનેક્શન કહે છે. તે વખતે આપણા તન-મનમાં કૌમાર્યવસ્થાનાં ગ્રોથ હોર્મોન્સ અધિક માત્રામાં હોય છે, જે આપણા અનુભવો અને અહેસસોની તીવ્ર ભાવનાત્મક સ્મૃતિઓ બનાવે છે. એ ગીતો કાયમ માટે આપણી અંદર એક સંમોહન પેદા કરે છે કારણ કે એની સાથે ગ્રોથ હોર્મોન્સ જોડાયેલાં હોય છે.

માર્ક જોસેફ સ્ટર્ન લખે છે, “આપણે કોઈ ગીત સાંભાળીએ છીએ ત્યારે તે આપણા ઓડિટરી (શ્રવણ) કોર્ટેક્સને ઉત્તેજિત કરે છે અને તેમાં ગીતના લય, તાલ અને રાગની જુગલબંધી સર્જાય છે. એ પછી આપણે એ ગીત સાથે શું કરીએ છીએ તેના પર આપણા મગજના રિએકશન નિર્ભર કરે છે. તમે જો સાથે સાથે એ ગીતને ગણગણવા લાગો, તો પ્રીમોટર કોર્ટેક્સ સક્રિય થાય, જેથી તમે ગાયનની મુવમેન્ટસનું સંકલન કરી શકો. તમે ગીતની સાથે ડાન્સ કરવા લાગો, તો મગજના ન્યુરોન્સ સંગીતની ધૂન સાથે સુમેળ સાધે. તમે જો ગીતના શબ્દો અને વાદ્યો પર ફોકસ કરો, તો પારીએટલ કોર્ટેક્સ સક્રિય થાય, જે અલગ-અલગ પ્રકારની ઉત્તેજનાઓ (સ્ટિમ્યુલી) પર ફોકસ રાખવામાં મદદ કરે છે. આપણી અંગત યાદોને જીવંત કરે તેવું ગીત આપણે સાંભળીએ, ત્યારે આપણા સંબંધો અને અંગત જીવનની ઇન્ફોર્મેશન જેમાં સંગ્રહિત હોય છે તે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ સક્રિય થાય છે.

જેમ આપણી આંખ કોઈ વસ્તુની છબી બનાવે છે, તેવી રીતે અવાજ એ મગજની છબી છે. કોઈ વાદ્ય અથવા ગળાનો તાર સાઉન્ડ વેવ પેદા કરે છે અને તે હવાની ચીરીને આપણા કાનના પડદાને એટલી જ ફ્રિકવન્સીથી ધ્રુજાવે છે. બાળપણમાં મગજના ન્યુરલ વિકાસ વખતે, આવા અનેક અવાજોનાં ન્યુરલ કનેક્શન્સ સરજાય છે અને આપણે કૌમાર્યવસ્થામાં પહોંચીએ ત્યારે આપણે એ જ કનેક્શનન્સ જાળવી રાખીએ છીએ જે આપણે નિયમિત વાપરતા હોઈએ. એમાંથી એક ન્યુરલ મેપ સરજાય છે જે આપણા સંગીતની પસંદનો આજીવન આધાર બને છે.

અલબત્ત, મોટા થયા પછી આપણે નવાં ગીતોને પણ ગમાડી શકીએ છીએ, પરંતુ જેની સાથે આપણો અંતરંગ નાતો બંધાય છે, જેની સાથે આપણી આઇડેન્ટિટી જોડાયેલી હોય છે, જેની સાથે આપણો ગહેરો ભાવનાત્મક લગાવ હોય છે તે 12થી 22 વર્ષની ઉંમર વચ્ચે આપણે સાંભળેલું સંગીત હોય છે. આપણે મગજની ફિઝીઓલોજીને જે વાત કરી, તેનો આધાર લઈને કહીએ તો, તરુણાવસ્થામાં આપણે “બહાર”થી આવતાં ગીતને સાંભળતા નથી, ગીત આપણી “અંદર”થી વાગતું હોય છે. એને જ આપણે “દિલનું સંગીત” કહીએ છીએ.

કે.કે.ના કસમયના અવસાનથી, ભારતના કરોડો યુવા દિલોને જે આઘાત લાગ્યો છે તે આપણે ઉપર વાત કરી તેનાથી સમજી શકાય છે. કોલકત્તામાં જે કોન્સર્ટ પછી તેનું અવસાન થયું, તે જ કોન્સર્ટમાં તેનું છેલ્લું ગીત પણ એવું જ હતું :

હમ રહેં યા ન રહેં કલ,
કલ યાદ આયેંગે યે પલ
પલ યે હૈ પ્યાર કે પલ

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 12 જૂન 2022

Loading

ચલ મન મુંબઈ નગરી—149

દીપક મહેતા|Opinion - Opinion|11 June 2022

આ પણ હતો ગુજરાતી લગ્ન ગીતોનો એક રંગ

જ્યારે આખા ઘરનું ફર્નિચર ૫૫૧ રૂપિયામાં મળતું!

લખી કંકોતરી પૂરા પ્રેમથી,
મારે અમુલખ લગ્ન પ્રસંગ,
ગાંધીજી પધારજો!
સાથે કસ્તૂરબાને લાવજો!
લઇ રામ અને દેવીદાસ,
બાપુજી પધારજો.
જો જો ભૂલતા શ્રી ગોપાળદાસને
એ તો સૌરાષ્ટ્રના શિરદાર, ગાંધીજી …
મહંમદ અને શૌકત સાથમાં,
બી અમ્માને લાવે નિર્ધાર,
વૃદ્ધ અબ્બાસને ન વિસારશો,
સૌ સત્યાગ્રહી સાથ,
બાપુજી પધારજો!  

હા જી, આ પણ હતો ગુજરાતી લગ્ન ગીતોનો એક રંગ. ગાંધીજીની આગેવાની નીચેની આઝાદી માટેની લડતની અસર આપણા સમાજજીવન પર ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે થઈ હતી! એ લડતના નેતાઓ વિષે, લડત દરમ્યાનની નાની-મોટી ઘટનાઓ વિષે તો થોકબંધ પુસ્તકો લખાયાં છે. આપણા સાહિત્યના એક કાળખંડને ‘ગાંધીયુગ’ એવું નામ અપાયું છે. પણ એ લડતનો પ્રવાહ લગ્ન જેવા માંગલિક પ્રસંગ સુધી આવાં ગીતો દ્વારા કેવી રીતે પહોંચ્યો હતો, તેના તરફ બહુ ઓછું ધ્યાન ગયું છે. પૂરાં પચાસ પાનાનું લગ્નગીતોનું પુસ્તક ‘લગ્નગીત મણિમાળા’. લેખક મણિલાલ મોહનલાલ પાદરાકર. ૧૯૨૪માં આ પુસ્તકની પહેલી આવૃત્તિની બે હજાર નકલ છપાયેલી. કિંમત પાંચ આના (આજના ત્રીસ પૈસા). છપાવી પ્રસિદ્ધ કરનાર હતા નડિયાદના બુકસેલર જદુલાલ નારણદાસ ચોક્સી. એક વાત નોંધી? ગીતમાં ગાંધીજી, કસ્તૂરબા, તેમના પુત્રો રામદાસ અને દેવદાસ વગેરેને આમંત્રણ તો છે જ, પણ સાથે મહંમદ અલી, શૌકત અલી, બી અમ્મા, અબ્બાસસાહેબ વગેરેને પણ નોતર્યાં છે. આજે કોઈ આવું ગીત લખે તો … જવા દો વાત.

પણ આ પાદરાકર હતા કોણ? ૧૯૮૭ના એપ્રિલની પહેલી તારીખે પાદરામાં જન્મ. અવસાન ક્યારે થયું તે જાણવા મળતું નથી. પાદરા, વડોદરા, અને મુંબઈમાં ભણીને મેટ્રિક થયા. સંસ્કૃતના અભ્યાસ માટે મુંબઈ ઉપરાંત અમદાવાદ અને વિજાપુર રહેલા. પછી મુંબઈમાં ઝવેરાતનો ધંધો કરતા. સાથોસાથ એક શ્રીમંત શેઠના એસ્ટેટ મેનેજર તરીકે પણ કામ કરતા. તેઓ પ્રભાવી વક્તા હતા તેમ કહેવાય છે. પાદરાકારે આઝાદી માટેની લડતમાં પ્રત્યક્ષ ભાગ લીધો હતો કે કેમ એ તો ખબર નથી, પણ તેમનાં ઘણાં પુસ્તકો રાષ્ટ્રીય ભાવનાથી રંગાયેલાં છે. જેમ કે, રાષ્ટ્રીય રાસકુંજ (૧૯૩૦), રાષ્ટ્રીય રાસમંદિર (૧૯૩૧), રાષ્ટ્રીય નવરાત્ર (૧૯૩૦). આ ઉપરાંત નવજીવન નામનો નિબંધ સંગ્રહ, સાકી નામની નવલકથા અને પ્રણય મંજરી નામનો કાવ્યસંગ્રહ પણ તેમણે પ્રગટ કર્યાં હતાં. આ ઉપરાંત ‘બુદ્ધિપ્રભા’, ‘ખેતી અને સહકાર’, ‘અંગબળ અને આરોગ્ય’, જેવાં સામયિકોના તેઓ તંત્રી હતા.

૧૯૨૪માં જ આવું બીજું એક પુસ્તક પ્રગટ થયું હતું અને તે પણ નડિયાદથી. નામ હતું ‘રાષ્ટ્રીય લગ્ન ગીત સંગ્રહ.’છપાયું હતું અમદાવાદમાં. પુસ્તકમાં છાપ્યું છે : “સંગ્રહ કરી છપાવનાર ને વેચનાર મણિલાલ મોહનલાલ માતરિયા, સાહિત્ય મંદિર, નડિયાદ.” આ પુસ્તક સંપાદન છે. પણ કેટલાક કાવ્યોના કર્તાનાં નામ આપ્યાં છે, ઘણાંનાં આપ્યાં નથી. કેટલાંક કાવ્યો નીચે માત્ર ‘માતરિયા’ એટલું છાપ્યું છે. એટલે મણિલાલ પોતે પદ્યરચના પણ કરતા હોવા જોઈએ. આ પુસ્તકની પણ ૨૦૦૦ નકલ છપાયેલી.

આ પુસ્તકની એક ખાસ બાબત છે ફટાણાં સાથે પણ રાષ્ટ્રીયતાને જોડી દેવાનું વલણ. જુઓ :

વેવાઈ તમે સાજન લઈ ભલે આવ્યા રે,
આવી અમને ભૂંડા વેશે શરમાવ્યા રે.
ટોપી પહેરી બન્યા ગોકુલની ગોપી રે,
વેવાઈ તમે પહેર્યા વિલાયતી જામા રે,
જામા પહેરી જાંગલાના બન્યા સાળા રે.
વેવાઈ તમે પહેરી વિલાયતી ધોતી રે,
ધોતી પહેરી માતાની કૂખ લજાવી રે.
વેવાઈ તમે પહેર્યા લેધરના બૂટ રે,
બૂટ પહેરી બન્યા સાહેબના પૂત રે.
વેવાઈ તમે બાળો વિલાયતી વેશ રે,
ખાદી પહેરી શોભાવો તમારો દેશ રે.

તો પ્રભુદાસ ઠક્કરનું આ સંવાદ કાવ્ય પણ જોવા જેવું છે:

છોકરો : બાપુ, વિદેશી વસ્ત્ર અંગે નહિ ધરું,
      વાળ્યું વિદેશીએ સત્યાનાશ રે.
બાપ : ભાઈ, ઊંચ કુટુંબ કહે આપણું
પહેરે વિદેશી જામા-સુરવાળ રે.
      લગ્ને ખાદી રે શોભે નહિ.
છોકરો :     બાપુ, ખાનદાની ખાદીમાં બધી,
      મૂકો વિદેશી વસ્ત્રમાં આગ રે.
બાપુ :       ભાઈ, સાસુ રે મહેણાં દેશે આપણી,
      કરશે જ્ઞાતિમાં સૌ ફિટકાર,
      લગ્ને ખાદી શોભે નહિ રે.
છોકરો : બાપુ, સહેવાશે ફિટકારો નાતના,
      નહિ સહેવાશે પ્રભુ ફિટકાર,
      લાવો લગનમાં ખાદી સૌ માટે.
સૂણી શબ્દો બાપુ ને સસરો ચેતીઆ,
લાવ્યા શુદ્ધ ખાદીનાં સૌ વસ્ત્રો
ખાદી વિના રે લગ્ન ના કરો.

એક જમાનામાં મુંબઈમાં ‘ગોળવાળાના ક્લાસ’ની વિદ્યાર્થીઓમાં બોલબાલા હતી. આ ક્લાસના માલિક-પ્રિન્સિપાલ હતા એરચ રુસ્તમજી ગોળવાળા. તેમણે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવાં પુસ્તકોની સાથોસાથ પારસી ધર્મ અને તેના વિધિવિધાન અંગે પણ પુસ્તકો લખ્યાં હતાં. ૧૯૨૯માં પ્રગટ થયેલું તેમનું પુસ્તક તે ‘પારસી લગ્ન : તેની બુલંદી અને તેના આશીર્વાદ.’ કિંમત એક રૂપિયો. કરિયાવરનો રિવાજ આપણે ત્યાં આજે પણ વ્યાપક છે. પણ અગાઉ પારસી સમાજમાં અને નાગર જ્ઞાતિમાં આ રિવાજ બિલકુલ નહોતો. બલકે આ બંને સમાજમાં છોકરાનાં માં-બાપ તરફથી છોકરીને ઘરેણાં તથા રોકડ પૈસા અપાતા. પણ આ પુસ્તક છપાયું ત્યાં સુધીમાં પારસીઓમાં ‘પલ્લું’ દાખલ થઈ ગયું હતું. લેખકે પ્રસ્તાવનામાં આ રિવાજનો ઉગ્ર વિરોધ કર્યો છે. પારસીઓ લગ્નની ધાર્મિક વિધિને ‘આશીરવાદ’ તરીકે ઓળખે છે. આ પુસ્તકમાં મૂળ ‘આશીરવાદ’ સાથે તેનો ગુજરાતી તરજુમો આપ્યો છે.

પણ આપણને વધારે રસ પડે તેવી તો છે આ પુસ્તકમાં છપાયેલી કેટલીક જાહેર ખબરો. જેમ કે મીનોચહેર હોરમસજી મિસ્ત્રીની આ જાહેર ખબર. એવણની દુકાનનું એડ્રેસ હુતું : ૧૦૩, ગનબાવ સ્ટ્રીટ, માણેકજી શેઠની વાડી પાસે, કોટ, મુંબઈ. અટક પ્રમાણે ધંધો સુતારી કામનો. એ વખતે પારસીઓમાં લગ્ન વખતે ‘પદ’ આપવાનો રિવાજ. તેમાં અપાય ઘરમાં વપરાય તેવી જણસો. આ દુકાનની એ માટે ‘પેકેજ ડિલ.’ તેમાં હોય બે બારણાંની સુંદર કાચની કબાટ, સુંદર ડિઝાઈનનો ડબલ બેડ, ઇઝીચેર, સુંદર ગાદી જડેલી બે ખુરસી, રાઉન્ડ માર્બલ ટોપની ટેબલ, કપડાં નાખવાનું પીંજરું, ટોવેલ હોર્સ, જરથોસ્ત સાહેબની આરસી, સુંદર લેમ્પ, બોર્ડરવાળું ગોદડું, બે તકિયા, બે ફ્રિલવાળા ગલેફ, ચારસો, મચ્છરદાની. અને પોલીશ થાય એ પહેલાં લાકડાની ક્વોલિટીની ખાતરી કરવા ગ્રાહક પોતાના મિસ્ત્રીને લઈને બધું ફર્નિચર જોઈ શકે. જાહેર ખબરમાં લખ્યું છે : “અલબેલી મુંબઈ નગરીની ફર્નિચર માર્કિટમાં અમો આજે બી બિનહરીફ છીએ.’ અને આવા સોજ્જા લાકડાના આટલા ફર્નિચરની કુલ કિંમત કેટલી? રૂપિયા પાંચ સો એકાવન ફક્ત! તો બીજી એક જાહેર ખબર આ પ્રમાણે છે : આ પુસ્તકમાંથી ‘લગ્નની બુલંદી’ વિષે વાંચી જલદી જલદી લગન કરો અને વાગો અમારી જાનીતી ને લોકમાનીતી ફેન્સી કાપડની દુકાનેથી ખરીદો.

૧૯૪૩માં પ્રગટ થયેલું ‘આપણાં લગ્નગીતો’ તેના સચિત્ર, સુઘડ છાપકામથી ધ્યાન ખેંચે તેવું છે.

આ પુસ્તકની એક વિશિષ્ટતા એ છે કે તે ચાર મહિલાઓની મહેનતનું પરિણામ છે. પુસ્તકના સંપાદકો છે ધનિષ્ઠાબહેન મજમુદાર, નિર્મળાબહેન ભટ્ટ, અને શ્રીદેવી બુદ્ધ. અને ચિત્રો કર્યાં છે લાઠીનાં પ્રવીણકુંવરબાએ. દિવાળીબહેન ભટ્ટે લખેલી પ્રસ્તાવનામાં કહ્યું છે : “આ સંગ્રહમાં પ્રસંગો પ્રમાણેનાં લોકપ્રિય લગ્નગીતોની ગૂંથણી ચૂંટણીથી કરવામાં આવી છે. લગ્નના એકેએક પ્રસંગને સમજી તેને અનુરૂપ કાવ્યોનું સંપાદન ખૂબ જ સફળતાપૂર્વક કર્યું છે અને ‘ઈશ્વરવિવાહ’, ‘સીતા સ્વયમવર’, ‘રૂક્ષ્મણી વિવાહ’ સમાં મહાગીતોને પણ આ સંગ્રહમાં પ્રગટ કરીને સંપાદિકાઓએ આપણા સાહિત્યનું લોકધન સાચવવાની જરૂર હતી તેને મૂર્ત સ્વરૂપ આપ્યું છે.” અહીં સંગ્રહાયેલાં લગ્ન ગીતોને શ્રી ગણેશ, કંકોતરી, સાંજી, મંડપ, ચાક, પ્રભાતિયાં, માતાની સ્થાપના, ગૃહશાંતિ, જનોઈ, સામૈયું, વરઘોડો, માયરૂં, ચોરી, વળામણું, ગૃહલક્ષ્મીના ગરબા જેવા વિભાગોમાં વહેચ્યાં છે. પુસ્તકના લગભગ દરેક પાના પર સુંદર રેખાંકનો મૂક્યાં છે, જે ખાસ આ પુસ્તક માટે તૈયાર કરેલાં છે. પુસ્તક પ્રગટ કર્યું હતું લાઠીના ગુર્જર સાહિત્ય ભંડારે, અને ૧૭૮ પાનાંના આ પુસ્તકની કિંમત હતી ત્રણ રૂપિયા.

  

પ્રખ્યાત ચિત્રકાર કનુ દેસાઈનું એક ચિત્ર

આ છેલ્લા ચાર અઠવાડિયાથી આપણે મુંબઈ નગરીમાં લગનનો માંડવો બાંધ્યો છે તે છોડતાં પહેલાં વરઘોડિયાંને કાંઈ ભેટ-બેટ આપવાની કે નહિ? આપીએ, એક જમાનામાં ખૂબ અપાતી ભેટ, કનુ દેસાઈનાં ચિત્રોનું આલ્બમ ‘લગ્નોત્સવ.’ એમાં હતાં ‘દાંપત્યજીવનના પ્રારંભકાળની મંગળ ભાવનાઓ, આશાઓ, અને આકાંક્ષાઓનાં આઠ ચિત્રો.’ અને ચિત્રો સાથે છોગામાં હતા કાકાસાહેબ કાલેલકર અને ડોલરરાય માંકડ જેવા પ્રતિષ્ઠિત લેખકોના લેખો. કાકાસાહેબ તેમના લેખમાં લખે છે : “નર અને નારી જ્યાં સુધી એકાકી છે ત્યાં સુધી તેઓ અપૂર્ણ છે. પોતાના જીવનમાં બંને તત્ત્વોને એ ઓતપ્રોત કરશે ત્યારે તેઓ સંપૂર્ણ થશે.” એક જમાનામાં કાકાસાહેબ ગુજરાતી લિપિમાં અમુક અક્ષરો દેવાનાગરીના વાપરવાના હિમાયતી હતા. એટલે તેમનો લેખ એ રીતે છપાયો છે, જે આજે આપણને વાંચતાં થોડી તકલીફ થાય. જ્યારે નોર્મલ ગુજરાતી લિપિમાં છપાયેલા લેખમાં ડોલરરાય માંકડે લગ્નવિધિ અને ખાસ કરીને સપ્તપદીનું મહત્ત્વ સમજાવ્યું છે. અને આટઆટલું ભેગું કરીને જાડા પૂંઠાના ફોલ્ડરમાં મૂકેલું તેની કિંમત કેટલી હતી, ૧૯૪૧માં? રોકડો સવા રૂપિયો, એટલે કે આજના એક રૂપિયો ૨૫ પૈસા! પ્રખ્યાત ચિત્રકાર કનુ દેસાઈનો જન્મ ૧૯૦૭ના માર્ચની ૧૨મી તારીખે. અવસાન ૧૯૮૦ના ડિસેમ્બરની નવમી તારીખે. તેમણે ચિત્રોનાં આવાં ઘણાં આલ્બમ પ્રગટ કરેલાં. તેઓ ઘણા નામાંકિત લેખકોના પુસ્તકોના કવરની ડિઝાઈન તૈયાર કરી આપતા. ૧૯૪૫માં ‘રામ રાજ્ય’ ફિલ્મ માટે પ્લાસ્ટર ઓફ પેરિસનાં પૂતળાં બનાવી આપ્યાં ત્યારથી તેઓ ફિલ્મો સાથે સંકળાયા. બૈજુ બાવરા, નવરંગ, ભરત મિલાપ, અને ઝનક ઝનક પાયલ બાજે જેવી ફિલ્મોમાં તેમણે આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરેલું. ઝનક ઝનક પાયલ બાજે માટે ૧૯૫૭માં તેમને બેસ્ટ આર્ટ ડિરેક્શન માટેનો ફિલ્મફેર એવોર્ડ મળેલો.

ઇતિ લગ્નકથા સમાપ્તમ્! લગ્ન પછી કુટુંબ. આવતા શનિવારે અથ શ્રી કુટુંબ માહાત્મ્યમ્!

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 11 જૂન 2022

Loading

‘ગાંધી સ્મૃતિ ભવન’ બંધ છે, પણ નાટક ચાલે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 June 2022

‘ગાંધી સ્મૃતિ ભવન’ સુરતનું સાંસ્કૃતિક કેન્દ્ર હતું, પણ તે 2019માં રિપેરિંગ માટે બંધ કરાયું. 12 જુલાઇ, 2019ના રોજ કોઈ શો ન હતો એવા સમયમાં પ્રેક્ષક ગેલરીના પી.ઓ.પી.નો પોપડો તૂટી પડ્યો હતો. આ બનાવ પછી ભવન બંધ કરીને તેને ઉતારી પાડવાનું નક્કી કરાયું હતું. હવે તો બાજુનું મલ્ટિલેવલ પાર્કિંગ પણ જમીન દોસ્ત કરાયું છે. આમ તો 2019ની આ વાત, પણ 2022 સુધી કોરોનાને કારણે ખેંચાઈ હોય એમ બને. સરકારી કામ કોને કહ્યું છે ! ગાંધી સ્મૃતિ ભવન 1980માં ખુલ્લું મુકાયું હતું. એ વાતને ય 41 વર્ષ થયાં. 2011ની આસપાસ મોટું રિપેરિંગ નીકળ્યું હતું, ત્યારે પણ તે થોડો સમય માટે બંધ રહ્યું હતું એવો ખ્યાલ છે. એ ઉપરાંત ચોમાસામાં નાનાંમોટાં રિપેરિંગ તો નીકળ્યાં જ છે, પણ ત્યારે ભવન બંધ રહ્યું નથી. ટેકનોલોજીના આટલાં વિકાસ પછી બાંધકામ બાબતે આપણે ખરેખર ઘણો વિકાસ કર્યો છે. આપણાં સેંકડો વર્ષોથી ઊભેલાં સ્થાપત્યો જોઈએ છીએ ત્યારે થાય છે કે એ સમયના લોકો ટેકનોલોજીના અભાવમાં મૂરખ જ જણાય છે. કેવી રીતે આવું હજારેક વર્ષ ચાલે એવું તકલાદી બાંધકામ તેમણે કર્યું તે નથી સમજાતું. એ આજના બાંધકામની સામે તો કૈં જ નથી. આ ગાંધી સ્મૃતિ ભવન 41 વર્ષમાં નવું કરવું પડે એવી આધુનિક સગવડોનો લાભ એ પૂર્વજોના નસીબમાં ન હતો. ક્યાં આ આજનું 41 વર્ષનું મજબૂત બાંધકામ ને ક્યાં પેલાં સેંકડો વર્ષ જૂનાં તકલાદી સ્થાપત્યો !

જો કે, હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને નવું ઓડિટોરિયમ હેરિટેજ થીમ પર બનાવવાનું નક્કી કર્યું છે. હેરિટેજ થીમ એટલે આજથી જ તેને હેરિટેજ ગણવું એવું નહીં, પણ એનો લુક હેરિટેજનો હોય એટલું જ ! એનો અર્થ એવો તો નહીં જ કે બાંધ્યા પછી એને હેરિટેજમાં ખપાવવું પડે. 41 વર્ષમાં ગાંધી સ્મૃતિ ભવન ખાસું ધમધમ્યું જ છે. જો બંધાશે તો ફરી ધમધમશે જ એમાં શંકા નથી. બાકી, હેરિટેજનું માન આપવા ઇમારત પણ તો સામે હોવી જોઈએને ! એટલું ખરું કે ઇમારત બાંધવાની વિધિવત જાહેરાત બુધવારની સભામાં થઈ છે. આમ તો 2019થી ભવન બંધ પડ્યું છે ને હવે તે બાંધવાની વાત પાકે પાયે બહાર આવી છે એટલે એ બંધાશે કે કેમ એવી શંકા હવે રહેતી નથી. એ વાત જુદી છે કે ભવનનાં બાંધકામની જાહેરાત કરતાં ત્રણ વર્ષ લાગ્યાં, પણ સારી વાત એ છે કે જાહેર બાંધકામ સમિતિમાં ભવન બાંધવાનું મંજૂર થયું છે, એટલે હવે ટેન્ડરો બહાર પડાશે, તે મંજૂર થશે ને બાંધકામ શરૂ થશે ને શક્ય છે કે થોડાં જ વર્ષોમાં હેરિટેજ થીમ સાકાર થાય. બંધાતાં બંધાતાં જ હેરિટેજ ન બનતું જાય તેની કાળજી પણ કોર્પોરેશન લેશે એવી શ્રદ્ધા છે. જો કે, બંધાઈને તૈયાર થશે ત્યારે તેની આભા જુદી જ હશે, કારણ આ આખી ઇમારત માટે 24 મહાનુભાવોની સમિતિ બનાવાઇ છે ને તેનાં માર્ગદર્શનમાં આ સ્થાપત્ય તૈયાર થવાનું છે. આ ઈમારતનું નિર્માણ હેરિટેજ લુક ગ્રેહા રેટિંગ સાથે થવાનું છે તે તેની વિશેષતા છે. તેને માટે 46 કરોડથી વધુ રકમ ફાળવવાનું સભામાં નક્કી કરાયું છે. આ રકમ વધશે પણ ખરી, કારણ કે આ ઇમારત કૈં રાતોરાત તો બંધાઈ જવાની નથી. એ બંધાઈ રહે ત્યાં સુધીમાં ભાવો ડબલ ન થાય તો જ નવાઈ ! તેનો અંદાજ અત્યારથી તો કેમ આવે? ભાવો ડબલથી ય વધે તો થોડો જ કૈં કોઈનો હાથ પકડાવાનો હતો ! જો કે, કોર્પોરેશન સજાગ છે એટલે આનો વિચાર પણ તેણે કર્યો જ હશે તે નક્કી છે.

એની વે, ઇન્ટિરિયર પાછળ 5.58 કરોડ, વીજળિક કામો માટે 5.79 કરોડ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ માટે 1.65 કરોડ, ઓડિટોરિયમ સિસ્ટમ સંદર્ભે 2 કરોડ, સ્ટેજ લાઇટિંગ્સ, પડદા વગેરે માટે 1.48 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. વીસેક કરોડ સિવિલ વર્કના અંદાજાયા છે. ટૂંકમાં, ગાંધી સ્મૃતિ ભવન થશે કે કેમ તેની દહેશત હતી, તે હવે દૂર થઈ છે ને એવી આશા બંધાઈ છે કે કરોડોને ખર્ચે પણ તે થશે તો ખરું જ !

આ ભવન થવું જ જોઈએ, કારણ અહીં નાટક, સાહિત્ય, સંગીત, નૃત્ય … વગેરે કાર્યક્રમો હજારોની સંખ્યામાં થયા છે. એ અત્યારે બંધ છે. એમાં હાલનું કારણ કોરોનાનું તો ખરું જ ! અન્ય પ્રવૃત્તિઓની જેમ, કોરોનાએ કળાકીય પ્રવૃતિઓને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે ને માંડ બધું થાળે પડ્યું છે ત્યારે આ ભવન હવે વહેલી તકે સજીવ થવું જોઈએ. અહીં સપ્તર્ષિ, ઓર્બિટ, રાષ્ટ્રીય કલાકેન્દ્ર, આવિષ્કાર જેવી અનેક સ્થાનિક સંસ્થાઓએ સંગીત, નાટક, નૃત્યના ઢગલો કાર્યક્રમો કર્યાં છે ને સુરતની પ્રજાએ તેને મન ભરીને માણ્યા પણ છે. અહીં જ ગુલામ અલી, શિવકુમાર શર્મા, હરિપ્રસાદ ચૌરસિયા, ઝાકિર હુસેન જેવા અનેક રાષ્ટ્રીય, આંતર રાષ્ટ્રીય સ્તરના કલાકારો રજૂ થયા છે. મધર ટેરેસા, ગુણવંત શાહ, ભગવતીકુમાર શર્મા જેવાં અનેકોનાં અહીં વ્યાખ્યાનો થયાં છે. આમાંના કેટલાક કાર્યક્રમો તો કોર્પોરેશનની વ્યાખ્યાનમાળાઓ અંતર્ગત થયા છે. આ ઉપરાંત બહારથી આઈ.એન.ટી., કાંતિ મડિયા જેવાનાં નાટકોએ અનેક પ્રેક્ષકોને હસાવ્યા, રડાવ્યા છે. આ ભવન સાથે સુરતી પ્રજાની આત્મીયતા બંધાયેલી છે ને એ અત્યારે આથમી જવા પર છે, ત્યારે થાય છે કે ગાંધી સ્મૃતિ ભવને કોઈ વરદાનની જેમ વહેલી તકે પ્રગટ થવું જોઈએ.

વિશ્વમાં કોઈ નગર પાલિકા 45થી વધુ વર્ષથી પૂર્ણ કદનાં નાટકોની સ્પર્ધા કરતી હોવાનું જાણમાં નથી. એ સ્પર્ધા સાડા ચાર દાયકાથી ય વધુ સમયથી સુરત મહાનગર પાલિકા કરતી આવી છે. એ સ્પર્ધાઓ કોરોના પહેલાંથી બંધ પડી છે. એમાં જીવ આવવો જ જોઈએ. વિશ્વ રંગભૂમિ દિને આ શહેર સળંગ ત્રણ દિવસ પરફોર્મિંગ આર્ટ્સ સેન્ટરમાં ‘રંગહોત્ર’ને નામે 65થી વધુ નાટકો કરીને રંગદેવતાનું અનુષ્ઠાન કરે છે. આવું  જગતમાં બીજે ક્યાં થતું હશે? સાચું તો એ છે કે આ શહેરનાં લોહીમાં કળા છે. આમ તો નાટય સ્પર્ધા કૈં કોર્પોરેશનનું કામ નથી, પણ ગટર, પાણી ને રસ્તાની સાથોસાથ જ કોર્પોરેશને સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ કરી. અનેક મહાનુભાવોનાં વ્યાખ્યાનો, સન્માનો થયાં. એ બધું વર્ષોથી બંધ છે. ઘણાં નહીં જાણતા હોય, પણ આ જ કોર્પોરેશને એકાંકી અને પૂર્ણકદનાં નાટકોની લેખન સ્પર્ધાઓ પણ વર્ષો સુધી કરી. એ વર્ષોથી બંધ છે. જો સાંસ્કૃતિક સમિતિ જીવંત હોય તો આ બધું પણ જીવંત થવું જોઈએ. કોર્પોરેશન આગલાં પાનાં ફેરવશે તો તેને આ બધું થયું છે એની ને હવે કેમ નથી થતું એની પણ ખબર પડશે. કોર્પોરેશન પાસે ભજવણી અને લેખનની સ્પર્ધાઓ નિમિત્તે દર વર્ષે ઓછામાં ઓછી પચાસેક સ્ક્રિપ્ટ જમા હશે. એ સ્ક્રિપ્ટ જો ગેરવલ્લે ન ગઈ હોય તો સેંકડો સ્ક્રિપ્ટ એકાંકીની, દ્વિઅંકી-ત્રિઅંકીની, મૌલિક કે રૂપાંતરની ભેગી થઈ હશે. એ ધારે તો સ્ક્રિપ્ટ બેન્ક તૈયાર કરી શકે. યાદ રહે, આ ખજાનો જગતની કોઈ કોર્પોરેશન પાસે નથી. આ સ્ક્રિપ્ટ હોય તો તેની જાળવણી અંગે કોર્પોરેશને ગંભીરતાથી વિચારવું જોઈએ.

કોર્પોરેશનને એ પણ ખબર હશે જ કે અહીંની સ્પર્ધાઓને કારણે જ કેટલા ય લેખકો, દિગ્દર્શકો, અભિનેતાઓ, અભિનેત્રીઓ સક્રિય થયાં ને રાજ્યમાં ને રાજ્યની બહાર પણ, તેમણે સુરતનું નામ ઉજાળ્યું. કેટલી ય નવી સંસ્થાઓ ઊભી થઈ અને એને પ્રાણવાયુ કોર્પોરેશનની સ્પર્ધાઓએ પૂરો પાડ્યો. ગાંધી સ્મૃતિ ભવનને કારણે આ શહેરની સાંસ્કૃતિક આબોહવા ઊભી થઈ હતી, એ હવે કેવળ સ્મૃતિઓ રૂપે તો નહીં રહી જાયને એવો પ્રશ્ન થાય છે.

આજે છુટીછવાઈ પ્રવૃત્તિઓ તો થાય છે, પણ તેને સાંસ્કૃતિક જળ છંટકાવની જરૂર છે. તે થોડો વખત ખીલીને મુરઝાઈ જાય તે બરાબર નથી. આજની સ્થિતિ એવી છે કે આ શહેર સાહિત્યિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે નિર્જીવ થવા પર છે. એક સમયે અહીં કવિઓ, લેખકો, કળાકારોની કદી ખોટ ન હતી, પણ આજે એક સારો વાર્તાકાર, સારો નિબંધકાર, સારો નવલકથાકાર, સારો વિવેચક ખોળવો પડે એ સ્થિતિ છે. નર્મદ, નંદશંકર, નવલરામ, જ્યોતીન્દ્ર દવે, ચં.ચી., ‘ગની’ દહીંવાલા, રતિલાલ ‘અનિલ’, જયંત પાઠક, મનહરલાલ ચોક્સી, ભગવતીકુમાર શર્મા, સરોજ પાઠક, રમણ પાઠક, જ્યોતિ વૈદ્ય, વસંત ઘાસવાલા જેવાં અનેક સાહિત્યકારો, નાટ્યકારો આ શહેરે આપ્યાં છે. યાદ રહે, અર્વાચીન ગુજરાતી સાહિત્યનો એકડો સુરતમાં ઘૂંટાયો છે ને આજે આ શહેરનો સાહિત્યિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે નાભિ શ્વાસ ચાલતો હોય એવી સ્થિતિ છે. એ કમનસીબી છે કે બહુ જ ટૂંકી દૃષ્ટિના, અંગત લાભ શોધનારા ને સૂંઠને ગાંગડે સાહિત્યકાર થઈ જનારાઓની ચોમેર ભીડ ફેલાયેલી છે. પોતાની આરતી ઉતરાવવા થોડું ઘણું થતું પણ હશે, પણ ગુણવત્તા હવે આઉટ ડેટેડ થઈ ગઈ છે. ઘણાંને માથે વેચાણ કિંમતની ટેગ લાગેલી છે ને બધાં જ વેચાવાની રાહ જોઈને ઊભાં હોય એવો સીનારિયો છે. એમાં સાહિત્ય ને શરમ સિવાય બધું જ છે.

આવી સ્થિતિમાં ગાંધી સ્મૃતિ ભવન એક સીમા સ્થંભને સ્થાને હતું. આ શહેર ભલે મેટ્રો કે વર્લ્ડ ક્લાસ વિકાસમાં ગમે તેટલો રસ લે, પણ તેની સાંસ્કૃતિક, સાહિત્યિક ધરોહરને ન ભૂલે. એના પર બુલડોઝર ન ફરે તેટલું અનિવાર્યપણે જોવાવું જોઈએ. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એ બધી જ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરે જે તેણે અગાઉ કરી જ છે ને આ શહેરને સાંસ્કૃતિક ખંડેરમાંથી બહાર કાઢી નવપલ્લવિત કરે તો તેનો આ શહેર પર ઉપકાર જ હશે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 જૂન 2022

Loading

...102030...1,5221,5231,5241,525...1,5301,5401,550...

Search by

Opinion

  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved