Opinion Magazine
Number of visits: 9569978
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુરુ તેગ બહાદુરનો જન્મોત્સવઃ શીખોને રિઝવવા ભા.જ.પા.ની આકરી મથામણ કેટલી લેખે લાગશે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 April 2022

મોટી ઉજવણીઓ પાછળના કારણો બહુસ્તરીય હોય છે અને ઉજવણીઓમાં લોકો ખરી સમસ્યાઓ, ઇરાદાઓ અને સમસ્યાઓ ભૂલી ન જાય તે જરૂરી છે

હમણાં તો આપણા દેશમાં ઘણું બધું ચાલી રહ્યું છે. કોમી રમખાણો થયાં, સિતારાઓએ લગ્ન કર્યાં, બ્રિટિશ વડા આપણા દેશને આંગણે પધાર્યા, સાહેબ પણ આમ તેમ રાજ્યોની મુલાકાત લઇ રહ્યા છે વગેરે વગેરે. આ બધાની વચ્ચે એક મોટી ઉજવણી થઇ રહી છે જેની પૂર્ણાહુતિ આજે, રવિવારે પાણીપતમાં થશે. શીખોના ગુરુ તેગ બહાદુરની 400મી જન્મ જયંતીની બે દિવસની મોટીમસ ઉજવણીની જાહેરાત કેન્દ્ર સરકારે કરી. આ ઉજવણી કેમ આટલી મોટી અને અગત્યની? કોણ હતા આ ગુરુ તેગ બહાદુર? આ ઉજવણી મોટી એટલા માટે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આ પ્રસંગે ગુરુવારે રાત્રે સંબોધન કર્યું. મોદી દેશના એવા પહેલા વડા પ્રધાન છે જેમણે સૂર્યાસ્ત પછી આ મુગલકાળની ઇમારત પછી સંબોધન કર્યું છે. તેમણે આ સંબોધન લાલ કિલ્લાની લૉન પરથી કર્યું. ગુરુ તેગ બહાદુરની જન્મ જયંતીની ઉજવણીના પર્વ માટે લાલ કિલ્લાને પસંદ કરાયો કારણ કે અહીંથી જ મુગલ બાદશાહ ઔરંગઝેબે ઇ.સ. 1675માં શીખોના ગુરુ તેગ બહાદુરની હત્યાની હુકમ આપ્યો હતો. આ દાવો સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીઓએ  કર્યો છે. લાલ કિલ્લાની ઇમારત પર ચઢીને દેશને સંબોધવાની ઘટના માત્ર સ્વતંત્રતા દિવસ પર જ બને છે. 15 ઑગસ્ટ સિવાય લાલ કિલ્લા પરથી વડા પ્રધાનના સંબોધનો ક્યારે ય થયા નથી. આ પહેલા વડા પ્રધાન મોદીએ જ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આઝાદ હિંદ સરકાર ઘડાવાના 75મા વર્ષે, 2018માં લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવ્યો હતો અને સવારે 9.00 વાગ્યે સંબોધન કર્યું હતું. બીજી વખત શીખ ગુરુના સન્માન માટે પરંપરા અને નિયમોથી અલગ જઇને વડા પ્રધાને કાર્યક્રમ યોજ્યો.

આ તોતિંગ ઉજવણી પાછળના કારણો ઘણાં છે. તે તમામ સમજતાં પહેલાં તેગ બહાદુર વિશે થોડું જાણીએ. તેગ બહાદુરનો જન્મ અમૃતસરમાં ૨૧મી એપ્રિલે ઇ.સ. 1621માં થયો હતો. બાળપણમાં ત્યાગ મલના નામે જાણીતા તેગ બહાદુરે મોટા થતી વખતે ભાઇ ગુરદાસ સાથે સમય ગાળ્યો. તેમની પાસેથી ગુરુમુખી, હિંદી અને સંસ્કૃત ભાષાઓ, ભારતીય ધાર્મિક ફિલસૂફીની તાલીમ લીધી. તેર વર્ષની ઉંમરે મુગલ સેનાપતિ સામેની લડાઇમાં બહાદુરી દાખવી અને તેગ બહાદુરનું નામ મેળવ્યું. શીખોમાં ચોથા ધર્મગુરુ રામ દાસ પછી આ ગુરુપદ વારસામાં મળવા માંડ્યું. દંતકથા અનુસાર દેગ બહાદુરના ભત્રીજા ગુરુ પદ પર બેસવાના હતા પણ પાંચ વર્ષની વયે મરણ પથારી પરથી તેમણે બાબા બકાલાને આગલા ગુરુ બનાવવાની વાત કરી. બકાલામાં ઘણા શીખો ધર્મ આધ્યાત્મનું પાલન કરતા, તેગ બહાદુર ત્યારે બકાલામાં પોતાના ઘરના ભોંયરામાં ધ્યાન ધરતા. નવા ગુરુ કોને બનાવવાની અસમંજસ ચાલતી રહી હતી કારણ કે બકાલામાં દાવેદારોની લાઇન લાગી હતી. આ તરફ માખન શાહ નામના તવંગર શેઠિયાએ દરિયાઇ તોફાનમાં ફસાયેલું પોતાનું જહાજ બચે તો જે ગુરુ હોય તેને ૫૦૦ સોનામહોર આપવાની જાહેરાત કરી, જહાજ બચ્યું પણ ગુરુ કોણ? તેણે કહ્યું કે જે પોતાની પ્રાર્થનામાં કેટલી સોનામહોરોની વાત હતી તે કહી આપશે તે સાચો ગુરુ? તેગ બહાદુરે આ આંકડો કહી આપ્યો અને આમ તે શીખોના ગુરુ બન્યા. ઔરંગઝેબના કાળમાં તેગ બહાદુરે પીર અને ફકીરોની દરગાહ પર થતી બંદગીને વખોડી. તેગ બહાદુર ત્યારે પોતાનો ઉપદેશ આપવા પ્રવાસ પણ ખેડતા. આ દરમિયાન પંજાબમાં મુગલોનો ત્રાસ વધતા ગુરુ પાછા ફર્યા અને મુગલ વડાઓએ લોકોનું ધર્માંતરણ કરવાને બદલે પહેલા ગુરુનું ધર્માંતરણ કરવું જોઇએની હાકલ નાખી. ઔરંગઝેબને આ પોતાની સામેનો પડકાર લાગ્યો. એક પુસ્તક અનુસાર તેગ બહાદુર પોતે દિલ્હી ગયા હતા, ત્યાં તેમની ધરપકડ થઇ અને શારીરિક ત્રાસ આપ્યા બાદ ચાંદની ચોકમાં તેમના ત્રણ સાથીદારો સાથે તેમનો વધ કરાયો. આ પછી તેગ બહાદુરના ગુરુ ગોબિંદ સિંઘ શિખોના દસમા ગુરુ બન્યા.

તેગ બહાદુરે ઔરંગઝેબ સામે માથું ઉચક્યું હોવાની વાતને કેન્દ્ર સરકારે ઘૂંટી છે. ધ્રુવીકરણની રાજનીતિમાં કાબેલ સરકારે શીખોને મનાવવા માટે આકાશ પાતાળ એક કર્યા છે. પંજાબ વિધાનસભામાં ભા.જ.પા.ને માત્ર બે બેઠકો મળી છે તે બતાડે છે કે શીખો ભા.જ.પા. વિશે શું અભિપ્રાય ધરાવે છે. એક આખું વર્ષ ચાલેલા ખેડૂત આંદોલનમાં શીખોને ભારે હાલાકી વેઠવી પડી. કૃષિ કાયદા પણ કેન્દ્ર સરકારે પાછા ખેંચ્યા ત્યારે ગુરુ નાનક જયંતી હતી અને ત્યારે પણ વડા પ્રધાને રાષ્ટ્રને સંબોધીને આ જાહેરાત કરી હતી. પંજાબ વિધાનસભાની ચૂંટણીના પરિણામોના ચાર દિવસ પહેલાં મોદીએ દિલ્હીમાં પોતાના નિવાસ પર શીખ બૌદ્ધિકો સાથે ખાસ બેઠક યોજી હતી. ભગત સિંહની મૃત્યુ તિથિ ટાણે હરિયાણાની ભા.જ.પા. સરકારે બસો ભરીને યુવાનોને ભગત સિંહના માદરે વતનનો પ્રવાસ કરાવ્યો હતો. મોદીએ ગુરુ ગોબિંદ સિંઘના દીકરાઓની શહીદી ઉજવવા વીર બાળ દિવસ પણ જાહેર કર્યો.

ભા.જ.પા. પ્રત્યે શીખોનો અભિગમ ઠંડો રહ્યો છે. મોદી મેનિયાનો શીખો પર બહુ પ્રભાવ પડ્યો નથી. અકાલી દળે પણ ખેડૂતોના મામલે ભા.જ.પા.ને ટેકો આપવાનું બંધ કર્યું હતું. ભા.જ.પા. શીખોની રીઝવવા તત્પર છે. પરંતુ આ કામ ઉજવણીઓ, યાત્રાઓ, મીટિંગોથી પાર પડે તેમ નથી. આર.એસ.એસ.ના હિંદુ ઓળખ એજન્ડા સામે શીખોને વાંધો છે. ભૂતકાળમાં આર.એસ.એસ.એ જ્યારે શીખોના ધર્મને લગતી બાબતોને આગળ કરવા ઠેકડો માર્યો છે, ત્યારે અકાલ તખ્તે શીખોને સંઘથી ચેતવ્યા છે. અકલા તખ્તને લાગ્યું હતું કે સંઘને મૂળે તો શીખ માન્યતાઓ પર સંઘનો સિક્કો મારવાની ચાહ છે. ૨૦૧૯માં આર.એસ.એસ.ના વડા મોહન ભાગવતે ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરેલું ત્યારે અકાલ તખ્તે સંઘ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. અકાલ તખ્તે આર.એસ.એસ. સામે જાહેર કરેલા વાંધાઓને પગલે શીખોને ભા.જ.પા. પર પૂરેપૂરો વિશ્વાસ ક્યારે ય નથી બેસવાનો તે વાસ્તવિકતા છે, ભલેને સંઘ પોતાની પાંખ શીખ સંગત દ્વારા પ્રયત્નો કરે.

વળી જ્યારે વડા પ્રધાનની સુરક્ષાને મામલે પંજાબમાં લોચા પડ્યા હતા ત્યારે શીખો પર પણ પ્રહારો થયા હતા. સોશ્યલ મીડિયા પર ખાલિસ્તાન, કાઁગ્રેસીઓ અને પાકિસ્તાનનું પણ નામ લેવાયું હતું. આ તરફ ખેડૂત પ્રદર્શનોમાં ખેડૂતોને ખાલિસ્તાની આતંકવાદીઓનું લેબલ પણ આપવામાં આવ્યું હતું અને 1984ના રમખાણો જેવા હાલ થશેની ધમકી પણ અપાઇ હતી. ઉત્તર પ્રદેશથી ભા.જ.પા.ના એક એમ.એલ.એ. દ્વારા જ આવા વિધાનો કરાયા હતા. જમણેરી મીડિયા હાઉસિઝે શીખ નેતાઓના ઉગ્ર ભાષણોને સતત સ્ક્રીન પર ઘૂંટ્યા હતા. શીખોને વારે વારે નારાજ કરાયા હોય પછી ભા.જ.પા.એ મલમ પટ્ટા કરવા જ રહ્યા. મોટી ઉજવણીઓ પાછળનાં કારણો બહુસ્તરીય હોય છે અને ઉજવણીઓમાં લોકો ખરી સમસ્યાઓ, ઇરાદાઓ ભૂલી ન જાય તે જરૂરી છે.

બાય ધી વેઃ

હિંદુત્વ માટે શીખો કોઇ જોખમ નથી. અકાલી દળ સાથે છેડા ફાડ્યા બાદ ભા.જ.પા. પંજાબમાં એકલો પડેલો પક્ષ છે. ખેડૂત આંદોલન પણ મોદી સરકારની સત્તા સામેની લડત હતી અને તેને રાષ્ટ્ર વિરોધી ગણાવનારા ઓછા નહોતા. શીખો પોતાની તરફેણ કરે તે માટે ભા.જ.પા. બનતા બધા જ પ્રયાસ કરે છે પણ ભૂતકાળમાં થયેલી ભૂલો, આર.એસ.એસ. સામે અકાલી દળનો વિરોધ, ખેડૂતોને ખાલિસ્તાની આતંકવાદીમાં ખપાવવાની ભૂલ જેવું ઘણું બધું ભા.જ.પા.ને નડે તેમ છે. ધર્મગુરુઓને ઉજવતા સાઉન્ડ એન્ડ લાઇટ શોઝ આ કડવાશ દૂર કરવામાં કેટલા લેખે લાગશે તે તો વખત આવ્યે ખબર પડશે? અરે હા, તેગ બહાદુર પાછા મુસલમાનો સામે લડેલા એ યાદ કરાવવાનું ભા.જ.પા. નહીં ભૂલે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  24 ઍપ્રિલ 2022

Loading

બાબાસાહેબ આંબેડકર : વાચનસંસ્કાર અને પુસ્તકપ્રેમ

અશ્વિનકુમાર|Opinion - Opinion|23 April 2022

‘દિલના દરવાજે દસ્તક’ (ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં આત્મકથનાત્મક લખાણો)

અનુવાદક : ઉર્વીશ કોઠારી, ચંદુ મહેરિયા
ચૌદમું પુનઃમુદ્રણ : ૧૪ એપ્રિલ, ૨૦૨૨, ISBN : 978-93-84076-52-8
સાર્થક પ્રકાશન, ૧૪, ભગીરથ સોસાયટી, શાંતિ ટાવર સામે, વાસણા બસસ્ટેન્ડ પાછળ, અમદાવાદ-૩૮૦ ૦૦૭, કિંમત : ૮૫, કુલ પૃષ્ઠ : ૬૮

આપણે ત્યાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની મુખ્યત્વે બે ઓળખ આપવામાં આવે છે : ‘દલિતોના મસીહા’ અને ‘બંધારણના ઘડવૈયા’. આટલું કહેવા માટે વિશેષ વાચન અને સઘન અભ્યાસ અનિવાર્ય નથી! આ જ કારણે બાબાસાહેબના ભીમરાવી વ્યક્તિત્વનાં વિવિધ પાસાં ઉપર પૂરતો પ્રકાશ પહોંચતો નથી. ડૉ. આંબેડકર સામે ફેણ માંડનારા તેમ જ તરફેણ કરનારા પણ બાબાસાહેબ વિષયક વિવિધ પુસ્તકો તરફ વાચનપ્રેમ દાખવે એ સમયોચિત માગ છે. જો આવું થાય તો આપણી આંખ આગળ અજોડ આંબેડકર ઊપસી આવે. અહીં વાચનની જ વાત નીકળી છે કે જાણીજોઈને કાઢવામાં આવી છે ત્યારે, બાબાસાહેબના વાચનસંસ્કાર અને પુસ્તકપ્રેમ તરફ ધ્યાન જાય તો કેવું રૂડું? વળી, વ્યક્તિત્વને ઘડનારાં પરિબળોમાં વ્યક્તિના વાચનવારસા અને પુસ્તકસંગની નોંધ લેવી જોઈએ. ગુજરાત રાજ્યની સ્થાપનાપચાસીએ ગાંધીજીની માતૃભાષામાં પુસ્તક રૂપે અવતરેલાં ‘ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં લખાણો’માંથી પસાર થતી વખતે બાબાસાહેબની વાચનપ્રીતિ અને પુસ્તકપ્રીતિની પ્રતીતિ થાય છે. આ પુસ્તકનું નામ ‘દિલના દરવાજે દસ્તક’ (પ્રથમ આવૃત્તિ : ૧૦ એપ્રિલ, ૨૦૧૦; કિંમત : વીસ રૂપિયા; પૃષ્ઠ : ૭૮) છે. દલિત અધિકાર પ્રકાશન (બી-૭૮, ન્યૂ હીરાબાગ સોસાયટી, સી.ટી.એમ., અમદાવાદ-૩૮૦ ૦૨૬)ના આ પ્રથમ પુસ્તકના અનુવાદકો ઉર્વીશ કોઠારી અને ચંદુ મહેરિયા છે.

બુદ્ધ, કબીર, અને જોતિબાને પોતાના ગુરુ ગણાવનાર બાબાસાહેબ ઉપર શુદ્ધ શાકાહારી અને વ્યસનમુક્ત કબીરપંથી સાધુ એવા પિતાજીનો ભારે પ્રભાવ છે. આ પુસ્તકના પ્રથમ લેખ (‘જનતા’, ૬-૧૧-૧૯૫૪)માં ડૉ. આંબેડકર લખે છે : “ ઘરમાં પિતાજી ધર્મની અને શિક્ષણની ધરી જેવા હતા. ધર્મ અને વિદ્યા બન્નેના એ ભક્ત હતા. તેમણે મને બાળપણમાં ઘણી વાર ‘રામાયણ’ અને ‘મહાભારત’ વંચાવ્યાં. એ ગ્રંથોથી હું ઘણો પ્રભાવિત થયો હતો. મારા પિતાજી કહેતા, ‘આપણે ગરીબ છીએ એટલે તું કોચવાતો નહીં. તું વિદ્વાન કેમ ન બની શકે?’ ” (પૃષ્ઠ-૧૩). બાળપણમાં કોઈ પરીક્ષામાં ઉત્તીર્ણ થવા બદલ શેરીજનોએ દાદા કેલુસકરની મદદથી ભીમરાવનો સન્માન-સમારંભ ગોઠવ્યો હતો. આ સન્માન અંગે બાબાસાહેબ નોંધે છે : “દાદા કેલુસકરે ઇનામ તરીકે મને બુદ્ધનું ચરિત્ર આપ્યું. એના વાચનથી મારામાં નવી ચેતના પેદા થઈ.” (પૃષ્ઠ-૧૪) રામાયણ-મહાભારતની કેટલીક વાતો સમજી-સ્વીકારી ન શકનાર બાબાસાહેબ સ્વીકારે-સમજાવે છે કે, “બૌદ્ધ ધર્મના અભ્યાસ પછી મારી વાચનભૂખ ઊઘડી. હજુ આજે પણ મારા મન પર બોદ્ધ ધર્મનો પ્રભાવ યથાવત્ છે. હું માનું છું કે વિશ્વમાં લોકોનું ભલું કરવાનું ફક્ત બૌદ્ધ ધર્મથી શક્ય છે. વારંવાર હું કહું છું કે હિંદુઓએ પોતાના રાષ્ટ્રનું અસ્તિત્વ ટકાવી રાખવું હશે તો તેમણે બૌદ્ધ ધર્મ અપનાવવો પડશે.” (પૃષ્ઠ-૧૪) આમ, નાનપણમાં ભેટ રૂપે મળેલું બુદ્ધનું ચરિત્ર વાંચીને નવો ચેતનાસંચાર પામીને, આજીવન બૌદ્ધ ધર્મનું ચિંતન-મનન કરીને, જીવનસંધ્યાએ બાબાસાહેબ બોધિસત્ત્વ પામ્યા.

બાબાસાહેબ વિદ્યા, વિનય, અને શીલને પોતાના ત્રણ બળ ગણાવીને તેમને ત્રિદેવ રૂપે માને છે. આથી જ તેઓ કહે છે કે, “માણસને જીવવા માટે અનાજ જેટલી જ જરૂર વિદ્યાની પડે છે. જ્ઞાન વિના એ કંઈ કરી શકતો નથી.” (પૃષ્ઠ-૧૫). માણસ માટે શાંતિ મેળવવા અને વિકાસ કરવા વિદ્યા જરૂરી છે એવું દૃઢપણે માનનારા ડૉ. આંબેડકર પોતાના વિદ્યાપ્રેમ અને પુસ્તકપ્રેમ વિશે કહે છે : “અસલમાં વિદ્યા અત્યંત વ્યાપક છે. વિદ્યા પ્રત્યે મારા મનમાં અજબ લગની છે. કોઈ બ્રાહ્મણ પાસે નહીં હોય એટલાં પુસ્તકો મારી પાસે દિલ્હીમાં છે. લગભગ વીસેક હજાર પુસ્તકો હશે. કોઈ બ્રાહ્મણ પાસે હશે આટલાં પુસ્તકો? જો હોય તો બતાવે. મારે ઠાકુર ઍન્ડ કંપની(પુસ્તક-પ્રકાશક અને વિક્રેતા)ને રૂ. આઠ હજાર ચૂકવવાના છે. મને ગમે ત્યાંથી ઉધાર મળી જાય છે. ઉધારી વધી જાય તો હું મારી મોટર લેણદારના ઘેર મૂકીને આવતો રહું છું. વિદ્યા પ્રત્યે મારી આસક્તિ આ કક્ષાની છે. આ ગાંડપણ સૌમાં હોવું જોઈએ. આસક્તિ વ્યક્તિની પ્રેમિકા છે. એ બીજે ગામ રહે છે ને રાતે બાર વાગ્યે વ્યક્તિને એની યાદ આવે, એટલે તે સવારની રાહ જોયા વિના રાત્રે જ નીકળી પડે છે. રસ્તામાં નથી તે સ્મશાન જોતો કે નથી બીજું કઈ જોતો. કોઈ પણ હિસાબે તેને પ્રેમિકા પાસે પહોંચવું છે. માણસ વિદ્યાને આ હદનો પ્રેમ કરે, ત્યારે એ સાચો સાધક થઈ શકે છે. હું દિવસ-રાત વિદ્યાની સાધના કરું છું.” (પૃષ્ઠ-૧૬) જિંદગીમાં કદી કોઈની પાસે દયાની અપેક્ષા ન રાખનાર ડૉ. આંબેડકરનું લક્ષ્ય એટલું જ હતું કે એમને બે ટંકનું ભોજન મળે અને તેઓ અંત્યજ સમાજની સેવા કરે. આથી, ડૉ. પરાંજપેની વિનંતીને માન આપીને તેમણે કૉલેજમાં અર્થશાસ્ત્ર ભણાવવાનું સ્વીકાર્યું હતું. ડૉ. પરાંજપેએ તેમને અઠવાડિયે તેર વ્યાખ્યાન લેવા કહ્યું હતું. પણ ડૉ. આંબેડકરે એમને કહ્યું હતું કે તેઓ ફક્ત ચાર જ વ્યાખ્યાન લઈ શકશે. કારણ કે તેમને દલિત લોકોની સેવા કરવાની હતી અને એ માટે એમને સમય જોઈતો હતો. આ મુદ્દે ડૉ. આંબેડકર લખે છે : “મને કોઈ વ્યસન નથી. હા, પુસ્તકો અને કપડાંનો મને અજબ શોખ છે. હું ગર્વથી કહી શકું છું કે મારામાં શીલને ટકાવી રાખવાનો ગુણ મોટા પાયે મોજૂદ છે.” (પૃષ્ઠ-૧૮) આમ, ડૉ. આંબેડકર માટે વિદ્યા અને પુસ્તકો, અધ્યયન અને વાચન જીવનનું અનિવાર્ય અંગ છે.

આ પુસ્તકના ‘મારા ચારિત્ર્યના ઘડવૈયા : પિતાજી’ (‘નવયુગ’, ૧૩-૪-૧૯૪૭) એ શીર્ષક હેઠળના લેખમાં ડૉ. બાબાસાહેબ એમના શિક્ષક પિતાજીને હૃદયના હોય એટલા ખૂણેથી યાદ કરે છે. ઇસ્ટ ઇન્ડિયા કંપની સરકારની સૈન્યશાળામાં ચૌદ વર્ષ સુધી મુખ્ય શિક્ષક (હેડ માસ્તર) તરીકે ફરજ બજાવનાર અને પૂનાની શિક્ષક તાલીમ શાળામાં ભણીને શિક્ષણનો ડિપ્લોમા મેળવનાર પિતાજીની ભણાવવાની ઢબ બહુ સરસ હતી. આથી, બાબાસાહેબ કહે છે : “શિક્ષક હોવાને કારણે પિતાજીમાં શિક્ષણ પ્રત્યેની અભિરુચિ અને આસ્થા પેદા થયાં. (તેના પરિણામે) અમારા ઘરમાં બધાંને સારું લખતાં-વાંચતાં આવડતું હતું. એટલું જ નહીં, મારાં મોટાં બહેન તો પાંડવપ્રતાપ, રામાયણ જેવા ગ્રંથો વાંચીને તેનું વિવેચન કરી શકતાં હતાં. કબીરપંથી હોવાને કારણે પિતાજીને ઘણાં ભજન અને અભંગ મોઢે હતાં.” (પૃષ્ઠ-૨૨) આમ, શિસ્તપ્રેમી અને શિક્ષણપ્રેમી પિતાજીએ ઘરમાં ઊભા કરેલા વિદ્યાકીય વાતાવરણથી પણ ભીમરાવનું વાચનવિશ્વ વિસ્તર્યું. જો કે બાબાસાહેબને શાળાકીય અભ્યાસનાં પુસ્તકોને બદલે ઇતર વાચનનો શોખ હતો. તેમના પિતાજીને આ વાત પસંદ ન હોવાથી તેઓ બાળ ભીમરાવને અભ્યાસક્રમનાં પુસ્તકો જ પહેલાં વાંચવાં જોઈએ અને ત્યાર બાદ જરૂરી હોય તો જ બીજાં પુસ્તકો વાંચવાં જોઈએ એવું કહેતા. મરાઠીની જેમ અંગ્રેજી ભાષા માટે ગર્વ અનુભવનાર પિતાજી અંગ્રેજી શીખવા સારુ બાબાસાહેબને હાર્વર્ડનાં પુસ્તકો બરાબર વાંચી નાખવાનું હંમેશાં કહેતા. પિતાજીએ ભીમરાવ પાસે તિર્ખડકરની અનુવાદિત પાઠમાળાનાં ત્રણ પુસ્તકો પણ વંચાવી લીધાં હતાં. વળી, પિતાજીએ જ બાબાસાહેબને મરાઠી ભાષાના અઘરા શબ્દોના યોગ્ય અંગ્રેજી પર્યાય શબ્દો શોધવાનું શીખવ્યું હતું. જાહેર જીવનમાં ઉત્તમ અંગ્રેજી લખનાર-બોલનાર તરીકે ખ્યાતિપ્રાપ્ત ડૉ. આંબેડકરને બાળપણમાં અંગ્રેજી શબ્દો, કહેવતો, અને ભાષાશૈલીનો યોગ્ય ઉપયોગ કરવાની સઘળી તાલીમ શિક્ષક પિતાજીનાં સાંનિધ્ય અને વાચનસંસ્કાર તેમ જ તેમણે પૂરી પાડેલી પુસ્તકોની સોબત થકી મળી છે.

ડૉ. આંબેડકરનો એવો આગ્રહ હતો કે તેમની પાસે પોતાનાં ખરીદેલાં પુસ્તકો જ હોવાં જોઈએ. જેના પરિણામે સારી એવી સંખ્યામાં ખરીદીને એકત્ર કરેલાં પુસ્તકોથી એમનું અંગત ગ્રંથાલય સમૃદ્ધ થઈ શક્યું હતું. નાનપણમાં પણ તેઓ નવાં પુસ્તકો ખરીદવા માટે પિતાજી સમક્ષ જિદ્દ કરતા હતા. ભીમરાવે પિતાજી પાસે પુસ્તક માગ્યું હોય અને સાંજ સુધીમાં તેમણે લાવી ન આપ્યું હોય એવું ભાગ્યે જ બનતું હતું. જો કે એમના ઘરની આર્થિક સ્થિતિ જે પહેલાં તો સારી હતી પણ ધીરે ધીરે કથળતી ગઈ હતી. મામૂલી નિવૃત્તિ-વેતન (પેન્શન) સામે મુંબઈનું જીવન, બહોળો પરિવાર, શાળાનો ખર્ચ … છતાં તેમના પિતાજી બધી મુસીબતો વેઠીને પણ ભીમરાવની તમામ જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયાસ કરતા હતા. આ મામલે ડૉ. આંબેડકર લખે છે : “મારા પિતા દિલના બહુ ઉદાર હતા. હું તેમની પાસે કોઈ પુસ્તક માગું એટલે ખિસ્સામાં પૈસા ન હોય તો પણ તે બગલમાં પાઘડી દબાવીને તરત ઘરની બહાર નીકળી પડતા. એ સમયે મારી બન્ને બહેનો મુંબઈમાં જ રહેતી હતી. બન્નેનાં લગ્ન થઈ ગયાં હતાં. પિતાજી ઘરેથી નીકળીને સીધા નાની બહેનના ઘરે જતા અને તેની પાસેથી પુસ્તક માટે બે-ચાર રૂપિયા ઉધાર માગતા. એની પાસે પણ ક્યાંથી હોય એટલા રૂપિયા? એ દુઃખી દિલે ના પાડે તો, પિતાજી સીધા મોટી બહેનને ઘેર પહોંચી જતા. તેની પાસે રોકડ રૂપિયા ન હોય તો તેનું કોઈ ઘરેણું માગી લેતા. આમ તો બહેનને ઘરેણાં પિતાજીએ જ આપેલાં. પણ એ ઘરેણાં ગીરવે મૂકીને તે મારાં પુસ્તકો લાવી આપતા હતા. જ્યારે પેન્શન આવે ત્યારે એ ગીરવે મૂકેલાં ઘરેણાં છોડાવીને બહેનને પાછાં આપી દેતાં. એટલે બહેનો પણ પિતાજી ઘરેણાં માગે ત્યારે તરત આપી દેતી હતી.” (પૃષ્ઠ-૨૫,૨૬) જો કે ભીમરાવ બહુ નાના હતા ત્યારે માતાનું અવસાન થયું હોવાથી ફોઈએ ભીમરાવનો ઉછેર કર્યો હતો. ફોઈ પિતાજી કરતાં મોટાં હોવાથી પિતાજી પણ તેમનું માન જાળવતા હતા. વળી, ભીમરાવ ફોઈના બહુ લાડકા હોવાથી ઘરમાં ભીમરાવ સામે બોલવાની કોઈ હિંમત નહોતું કરતું. આથી ભીમરાવ માથામાં દદડતું તેલ નાખીને, પુસ્તકોનું ઓશીકું બનાવીને બેફિકરાઈથી તેની ઉપર સૂઈ જતા હતા! જો કે નાનપણમાં પુસ્તક-વાચનના લાગેલા શોખ વિશે ડૉ. આંબેડકર લખે છે : “નાની ઉંમરે મને પુસ્તકો વાંચવાનો શોખ લાગ્યો હતો. તે એટલી હદે કે કયા પુસ્તકમાં કયા પાને કઈ મહત્ત્વની વાત લખેલી છે તે હું તરત બતાવી શકતો – અને તે પણ ક્યાં ય કશું લખ્યા વિના. મારી આ આદતને કારણે મારી યાદશક્તિ બહુ તીવ્ર બની.” (પૃષ્ઠ-૨૬)

બાબાસાહેબ સતારા કૅમ્પમાં અંગ્રેજી બીજા ધોરણમાં ભણતા હતા ત્યારે નિશાળે જવાના સમયે એક દિવસ ધોધમાર વરસાદ પડ્યો. તેમના મિત્રોએ ભીમરાવને આવા વરસાદમાં શાળાએ જવાની ના પાડી. નાનપણથી બહુ જિદ્દી સ્વભાવના ભીમરાવ મિત્રોનું કહ્યું શું કામ માને?! એમના મોટા ભાઈ છત્રી લઈને નીકળ્યા એટલે ભીમરાવે એમને કહી દીધું કે, ‘તું તારે છત્રી લઈને જા. હું તો એકલો પલળતો પલળતો આવીશ.’ તેમના ભાઈએ ભીમરાવને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ તેમણે ન સાંભળ્યું! ભીમરાવ વગર છત્રીએ, વરસાદમાં ભીંજાતા ભીંજાતા નિશાળે જવા નીકળ્યા. એ અરસામાં તેઓ રેશમી ભરત ભરેલી ટોપી પહેરતા હતા. આથી, એમની એ પ્રિય ટોપી અને પુસ્તકો પલળી ન જાય એટલે એ એમણે પોતાના ભાઈને આપી દીધાં હતાં. આમ, ધોધમાર વરસાદમાં પૂરેપૂરા પલળીને નિશાળે ગયેલા બાબાસાહેબે પ્રિય ટોપી અને પુસ્તકો પલળી ન જાય એની પૂરેપૂરી દરકાર રાખી હતી!

ભીમરાવના પિતાજીની પ્રબળ ઇચ્છા હતી કે ભીમરાવ સંસ્કૃત ભાષાનું સારું શિક્ષણ મેળવે, પરંતુ એમની એ ઇચ્છા ફળી નહીં. કારણ કે અછૂત બાળકોને સંસ્કૃત નહીં જ ભણાવવાની જિદ્દ પકડી રાખનાર સંસ્કૃતના શિક્ષકે ભીમરાવને પણ સંસ્કૃત ભણાવવાનો ઇન્કાર કરી દીધો. આથી તેમણે વિવશ થઈને ફારસી ભાષા શીખવી પડી. જો કે તેઓ સ્વપ્રયત્નોથી સંસ્કૃત ભાષા કેટલેક અંશે વાંચી-સમજી શકતા હતા. આમ, સંસ્કૃત શિક્ષકની સંકુચિતતાનો ભોગ બનવા છતાં સંસ્કૃત ભાષા માટે આદર-અભિમાન ધરાવનાર અને સંસ્કૃત સાહિત્યના ગુણગાન કરનાર ડૉ. આંબેડકર લખે છે : “મેં ફારસી ભાષાનું સારું અધ્યયન કર્યું હતું અને મારા તેમાં ૧૦૦માંથી ૯૦-૯૫ માર્ક આવતા હતા. તો પણ મારે એ વાત સ્વીકારવી જ રહી કે સંસ્કૃત સાહિત્યની તુલનામાં ફારસી સાહિત્ય કશું જ નથી. સંસ્કૃત સાહિત્યમાં કાવ્યમિમાંસા છે, અલંકારશાસ્ત્ર છે, નાટક છે, રામાયણ-મહાભારત જેવાં મહાકાવ્યો છે, દર્શન છે, તર્કશાસ્ત્ર છે, ગણિત છે. આધુનિક વિદ્યાની દૃષ્ટિએ જોવા જોઈએ તો સંસ્કૃતમાં બધું જ છે. આ બધું ફારસીમાં નથી. આપણને સંસ્કૃત ભાષા પર અભિમાન હોવું જોઈએ અને તેનું જ્ઞાન પણ હોવું જોઈએ. આ બાબત મારા મનમાં બહુ સ્પષ્ટ છે, તો પણ સંસ્કૃત શિક્ષકની સંકુચિતતાને લીધે મને સંસ્કૃત ભાષા શીખવાની તક ન મળી.” (પૃષ્ઠ-૩૭)

ઘણી બધી પદવીઓ મેળવનાર અને ઘણા બધા ગ્રંથો લખનાર બાબાસાહેબ સ્નાતક થયા ત્યાં સુધી તો એક સામાન્ય વિદ્યાર્થી જેવા જ હતા. વળી, સંશોધનકાર્ય માટે જે વિશેષ પ્રકારની દૃષ્ટિ જોઈએ કે અધ્યાપકો તરફથી જે પ્રકારનાં પ્રોત્સાહન-માર્ગદર્શન મળવાં જોઈએ તેનો પણ અભાવ હતો. જેના કારણે તેમની ભીતર છુપાયેલી શક્તિને ગતિ મળી ન હતી. ડૉ. આંબેડકર સ્પષ્ટપણે માને છે કે, “વ્યક્તિમાં સ્વાભાવિક રીતે ગુણો હોય તોપણ તેમનો વિકાસ જરૂરી છે.” (પૃષ્ઠ-૩૮) અભ્યાસ માટે અમેરિકા ગયા ત્યાં સુધી તો બાબાસાહેબના ઘણા ગુણ સુષુપ્તાવસ્થામાં હતા. તેનો વિકાસ કરવાનું કામ પ્રો. સેલિગ્મન અને અન્ય વિદ્વાનોએ કર્યું. આ વિદ્વાન પ્રાધ્યાપકોના સંપર્કમાં આવ્યા બાદ જ બાબાસાહેબને લાગ્યું કે તેઓ સ્વતંત્ર રીતે વિચારી શકે છે. ડૉ. સેલિગ્મને તો આંબેડકરને સંશોધનકાર્ય સારુ એમનું પોતાનું કામ ચાલુ રાખવાનું કહ્યું. એટલે તેમને જાતે જ સમજાય કે એમણે સંશોધન કઈ રીતે કરવાનું છે! આ રીતે આંબેડકર જાતે જ વિચારવા લાગ્યા અને ખૂબ વાંચવા લાગ્યા. જેનાથી તેમને એ શીખવા મળ્યું કે તેમણે જાતે જ પોતાના પગ ઉપર ઊભા રહીને કઈ રીતે સ્વયંનું માર્ગદર્શન કરવું. જો કે આ બધાની પાછળ આંબેડકરની એક ઓર ચિંતા પણ હતી. આ અંગે તેઓ કહે છે : ‘‘ચોક્કસ સમયમાં જ જો હું મારું સંશોધનકાર્ય પૂરું ન કરું તો મને આગળના અભ્યાસ માટેની શિષ્યવૃત્તિ ન મળે અને તેને લીધે મારાં બધાં સંશોધન અટકી પડે – અભ્યાસ અધૂરો રહે. એટલા માટે મારે દૃઢ સંકલ્પ, ઉત્સાહ, અને તેજ ગતિથી કામ કરવું જરૂરી હતું. એ સમયે મેં સંશોધનકાર્ય માટે આવશ્યક કાર્ડ બનાવ્યાં હતાં. આજે પણ તે કાર્ડ મારી પાસે મોજૂદ છે. આ કાર્ડ સંશોધનકાર્ય કરનારા અધ્યાપકોના ખપમાં આવે તે માટે હું તેમને કોઈ લાઇબ્રેરીમાં રાખવાની વ્યવસ્થા કરવાનો છું. મેં એટલું જબરદસ્ત વાચન કર્યું છે કે કયા પુસ્તકના કયા પાને કયો સંદર્ભ છે, તે તરત જ મારા ધ્યાનમાં આવી જાય. આ વાચનના કારણે મારી સ્મરણશક્તિનો ખૂબ જ વિકાસ થયો છે.” (પૃષ્ઠ-૩૯)

ડૉ. ભીમરાવ આંબેડકરને વિવિધ ભાષાઓ માટે પણ બહુ લગાવ હતો. તેઓ અંગ્રેજી તો સારી રીતે જાણતા જ હતા. તેમને અંગ્રેજી ભાષા જેટલો જ મરાઠી ભાષા માટે પણ ગર્વ હતો. તેમણે વર્ષો સુધી ‘બહિષ્કૃત ભારત’, ‘જનતા’, ‘મૂકનાયક’ જેવાં સામયિકોનું સંપાદન કર્યું હતું. તેમણે મરાઠી ભાષામાં પણ ઘણું લખ્યું હતું. ‘જનતા’ના મોટા ભાગના સંપાદકીય લેખો પણ એમણે જ લખ્યા હતા. તેમણે જર્મન ભાષાનો પણ અભ્યાસ કર્યો હતો. પછીથી જર્મન ભાષાનો મહાવરો ન રહ્યો હોવા છતાં તેઓ થોડા દિવસમાં જ જર્મન ભાષા સારી રીતે વાંચી શકવાનો વિશ્વાસ ધરાવતા હતા. તેમણે ૩૦ નવેમ્બર, ૧૯૪૫ના રોજ અમદાવાદમાં ગુજરાતીમાં ભાષણ કર્યું હતું! તેમને શરૂઆતમાં મરાઠીમાં ભાષણ કરવાનો ડર લાગતો હતો. પણ પછીથી એમને લાગ્યું હતું કે તેઓ મરાઠીમાં પણ સારું બોલી શકે છે. એમ તો તેઓ ફ્રેન્ચ ભાષા પણ જાણતા હતા. અરે, બાબાસાહેબને ઉર્દૂ ભાષા પણ પાકી આવડતી હતી! એક વખત મુસાફરી દરમિયાન પાણી મેળવવા માટે, નવ વર્ષના ભીમરાવે એક ગાડાખેડુની સલાહને અનુસરીને, વેરો ઉઘરાવનાર અફસરે ‘કોણ છું?’ એવું પૂછ્યું ત્યારે, પોતે ‘મુસલમાન’ છે એવું કહ્યું હતું. કારણ કે એ અફસર હિંદુ હતા અને ભીમરાવ એમ કહે કે, “હું મહાર છું” તો પાણી ન મળે! આ ઘટના વિશે આંબેડકર લખે છે “મેં કહ્યું કે હું મુસલમાન છું. અફસરની સાથે મેં ઉર્દૂમાં વાતચીત કરી. મને ઉર્દૂ પાકી આવડતી હતી એટલે મારા મુસલમાન હોવા વિશે અફસરના મનમાં કોઈ શંકા ન રહી …” (પૃષ્ઠ-પ૦)

ડૉ. બાબાસાહેબ આંબેડકર પોતાની લેખનસાધના વિશે કહે છે : “પુસ્તકો લખતી વેળા મને સમયનું કશું ભાન રહેતું નથી. જ્યારે મારું લેખન શરૂ થતું ત્યારે મારી પૂરી શક્તિ એ જ કાર્યમાં એકાગ્ર થઈ જતી. હું ખાવા-પીવાની પણ પરવા કરતો નહીં. હું ક્યારેક તો આખી રાત લખ્યા કરતો. મને એ સમયે ક્યારેય થાક નહોતો લાગતો કે કંટાળો પણ નહોતો આવતો.” (પૃષ્ઠ-૪૦) જો કે તેઓ નિખાલસતાપૂર્વક સ્વીકારે છે કે, કામ પૂરું કરીને તેઓ મુક્ત થઈ જાય છે એટલે સાવ નિરુત્સાહી અને અસમાધાનકારી થઈ જાય છે. પરંતુ પોતાના પ્રસ્તુત-પ્રકાશન વિશે તેઓ આનંદપૂર્વક લખે છે : “મારે ચાર બાળકો થયાં ત્યારે પણ મને જેટલો આનંદ નથી થયો, એટલો આનંદ મને મારું એક પુસ્તક પ્રકાશિત થયા બાદ થાય છે.” (પૃષ્ઠ-૪૦)

આ પુસ્તકમાં ‘વેઇટિંગ ફોર વિસા’ (પરવાનાની પ્રતીક્ષામાં) અંતર્ગત ‘વડોદરામાં વાસ્તવિકતાનો સામનો’ એ મથાળા તળે ડૉ. આંબેડકરનો એક અનુભવલેખ વાચકના હૈયાને હચમચાવી મૂકવા માટે પૂરતો છે. આ લેખ વાંચ્યા પછી પણ હચમચવાનું ચૂકી ગયેલા વાચકે ‘માણસ’ હોવા અંગેના ખુદના વહેમમાંથી વેળાસર બહાર આવવું જ રહ્યું! વાત ખરેખર એમ છે કે બાબાસાહેબને વડોદરાના મહારાજાએ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલ્યા હતા. બાબાસાહેબ ઈ.સ. ૧૯૧૩થી ૧૯૧૭ સુધી ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં ભણ્યા હતા. ઈ.સ. ૧૯૧૭માં લંડન પહોંચીને તેમણે ‘લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સ’માં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ ઈ.સ. ૧૯૧૮માં તેમણે ભણતર અધૂરું મૂકીને ભારત આવતા રહેવું પડ્યું હતું. કેમ કે એમના અમેરિકાના શિક્ષણનો ખર્ચ વડોદરા રાજ્યે આપ્યો હોવાથી તેના માટે કામ કરવા તેઓ બંધાયેલા હતા. ભારત આવીને તેઓ સીધા વડોદરા પહોંચ્યા હતા. જો કે વડોદરા સરકાર તરફથી આવાસ-ફાળવણી થાય એ મતલબની આંબેડકરની અરજી તરફ વડોદરા રાજ્યના દીવાને યોગ્ય ધ્યાન આપ્યું નહોતું. આથી તેમને એ મૂંઝવણ હતી કે, ક્યાં રહેવું? વીશી તરીકે ઓળખાતી હિંદુ હોટેલ તો અછૂતોને સંઘરે નહીં. છેવટે તેઓ નોંધણીપત્રક(રજિસ્ટર)માં કોઈ પારસી નામ લખાવીને પારસી સરાઈ(ધર્મશાળા)માં રહ્યા! કારણ કે પારસી સમાજ દ્વારા સંચાલિત આ સરાઈ ફક્ત પારસીઓ માટે જ હતી.

પારસી સરાઈના પહેલા માળે નાનકડી કોટડીમાં વધારે અગવડ, અવ્યવસ્થા, અને એકાંત વચ્ચે ફસાયેલા આંબેડકર લખે છે : “મને એવું લાગ્યું, જાણે હું કાળકોટડીમાં છું. હું જેની સાથે વાત કરી શકાય એવા કોઈ માણસ માટે તલસતો, પણ એવું કોઈ ન હતું. માણસોનો અભાવ મેં પુસ્તકોથી સરભર કરવાનો પ્રયત્ન કર્યો અને એકાંત ખુટાડવા હું વાંચતો જ રહ્યો, વાંચતો જ રહ્યો. વાચનમાં મગ્ન થઈને હું મારી વાસ્તવિક સ્થિતિ ભૂલી ગયો. પણ હૉલમાં અડિંગા જમાવીને આજુબાજુ ઊડતાં – શોર મચાવતાં ચામાચીડિયાં મારી એકાગ્રતામાં ભંગ પડાવતાં હતાં અને હું જેને ભૂલવા મથતો હતો, તે સ્થિતિની યાદ તાજી કરાવતાં હતાં. હું એક વિચિત્ર જગ્યાએ વિચિત્ર સંજોગોમાં ફસાયો હતો….” (પૃષ્ઠ-૫૮) જો કે સરાઈમાં અગિયારમા દિવસે સવારે જ, જે બનવાનું હતું તે બનીને જ રહ્યું! ઉશ્કેરાયેલા, હટ્ટાકટ્ટા, લાઠીધારી બારેક નંગ પારસીઓએ તેમની સરાઈને અપવિત્ર કરવા બદલ આંબેડકર સાથે ગેરવર્તન કર્યું અને તેમને ધમકી આપી. આ કટ્ટર ટોળાએ આંબેડકરને સાંજ સુધીમાં બોરિયા-બિસ્તરા નહીં ઉપાડે તો ગંભીર પરિણામની તૈયારી રાખવાની ચેતવણી પણ આપી દીધી. છેવટે તેમણે પારસી સરાઈ અને એ રીતે વડોદરા શહેરને કાયમ માટે છોડવાની ફરજ પડી. જે દિવસે આ ટોળું આવ્યું તે દિવસે આંબેડકર હજુ ગઈ કાલે ગ્રંથાલયમાંથી લીધેલાં પુસ્તકો પાછાં આપવાં માટે ભેગાં કરતા હતા! કમનસીબે આંબેડકર વડોદરાના પુસ્તકાલયની સેવાનો વિશેષ લાભ ન લઈ શક્યા. વડોદરા પણ આંબેડકરની સેવાનો સવિશેષ લાભ ન લઈ શક્યું!

ડૉ. બાબાસાહેબ આંબેડકર જીવનનાં ચિત્ર-વિચિત્ર સંભારણાંના આધારે આત્મકથા લખવાનો વિચાર ધરાવતા હતા. આખી આત્મકથા કદાચ ન લખાય તો પણ ‘મારું બાળપણ’ જેવું એકાદ પુસ્તક તો જરૂર લખવાના હતા. આપણને એમની આત્મકથા તો ન મળી, પરંતુ ‘દિલના દરવાજે દસ્તક’ થકી ડૉ. બાબાસાહેબ આંબેડકરના આત્મકથનાત્મક લખાણો મળ્યાં. વળી, આ લખાણો વાચનજીવી અને પુસ્તકપ્રેમી મિત્રો ઉર્વીશ કોઠારી અને ચંદુ મહેરિયાના અનુવાદકર્મથી ગુજરાતીમાં સુલભ થયા, એ ‘આપણા અહોભાગ્યનો અનોખો અવસર’ છે. આ પુસ્તકનાં પાનાં ઉપર હળવે હળવે આંખો ચલાવતી વખતે ડૉ. આંબેડકરના વાચનસંસ્કાર અને પુસ્તકપ્રેમનો નિકટ અને પાકટ પરિચય થતો રહે છે. આ સમગ્ર ચર્ચાના અગ્ર મુદ્દા આ મુજબ તારવી શકાય એમ છે : (૧) ડૉ. બાબાસાહેબ આંબેડકરના સમગ્ર વ્યક્તિત્વ-ઘડતરમાં વાચનસંસ્કારિતા અને પુસ્તકસમીપતા પાયાગત છે, છાયાગત છે. (૨) શિસ્તઆગ્રહી, શિક્ષણચાહક અને સદ્ગુણસંપન્ન પિતાજીએ પરિવારમાં રોપેલા-પોષેલા વાચનસંસ્કારના કારણે નાનપણથી જ ભીમરાવ અને પુસ્તકો એકબીજાની નજીક રહ્યાં છે. (૩) પુસ્તકવાચનનાં શોખ અને આદતને કારણે બાલ્યાવસ્થાથી જ બાબાસાહેબની સ્મરણશક્તિ બહુ તીવ્ર બની છે. (૪) ડૉ. આંબેડકર તમામ પ્રકારના વ્યસનોથી જીવનભર દૂર રહ્યા છે. વાચનને ‘વ્યસન’ કહેવાય તો તેઓ વાચનના આજીવન બંધાણી રહ્યા છે! (૫) વિદ્યા વિશેની ગજબ લગનના લીધે અને પુસ્તકો ખરીદીને જ વાચનતૃપ્તિ કરવી જોઈએ એ સમજણના કારણે બાબાસાહેબ પોતાનું અંગત પુસ્તકાલય સાચા અર્થમાં સમૃદ્ધ કરી શક્યા છે. (૬) વાચનઆદત અને પુસ્તકસોબત થકી ડૉ. આંબેડકર મરાઠી, હિન્દી, સંસ્કૃત, ઉર્દૂ, ગુજરાતી તેમ જ ફારસી, અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ જેવી ભાષાઓ પામી શક્યા છે. (૭) ભીમરાવની ભીતર સંતાયેલા ઘણા ગુણને વિકસાવવાનું કાર્ય વિદ્યાવ્યાસંગી પ્રાધ્યાપકોએ કર્યું. જેના પરિણામે તેમની સ્વાધ્યાયવૃત્તિ અને સંશોધનપ્રવૃત્તિને ગતિ મળી છે. (૮) વાચનની મૂળભૂત ઇચ્છા અને લેખનની દૃઢીભૂત સાધના દ્વારા બાબાસાહેબ ઘણી બધી પદવીઓ મેળવી શક્યા અને ઘણા બધા ગ્રંથો લખી શક્યા. આ જ રીતે ડૉ. આંબેડકરની ઉત્તમ લેખક અને બોલક તરીકેની પ્રખ્યાતિ પિતાજી અને પરિવાર થકી મળેલા વાચનસંસ્કાર અને પુસ્તકપ્રેમનું પરિણામ છે. (૯) નિરંતર વાચન-લેખન અને ધારદાર ભાષા-શૈલી વાટે ડૉ. બાબાસાહેબ આંબેડકર ‘બહિષ્કૃત ભારત’, ‘જનતા’, ‘મૂકનાયક’ જેવાં સામયિકોનું સંપાદન કરીને પત્રકારત્વમાં પરિપક્વ પ્રદાન આપી શક્યા છે. (૧૦) બાબાસાહેબનો જીવન-કિનાર ઉપર બૌદ્ધ ધર્મ અંગીકાર, બચપણથી કરેલા બૌદ્ધ ધર્મના નિત્ય વાચન અને અભ્યાસને કારણે છે. (૧૧) વ્યાપક ફલકનાં વાચન-લેખન અને અધ્યયન-અધ્યાપન પછી પણ આંબેડકરનું છેવટનું લક્ષ્ય તો છેવાડાના સમાજની સેવા કરવાનું રહ્યું છે.

પ્રત્યેક વર્ષે ચૌદમી એપ્રિલે ‘આંબેડકર જયંતી’ અને ત્રેવીસમી એપ્રિલે ‘વિશ્વ પુસ્તક દિન’ ઊજવાય છે. ગુજરાતની સુવર્ણ જયંતી(ઈ.સ. ૧૯૬૦થી ઈ.સ. ૨૦૧૦)ના ઇતિહાસ નિમિત્તે 'વાંચે ગુજરાત'નો નાદ સંભળાયો છે. આ જોગ-સંજોગમાં ભીમરાવ આંબેડકરના વાચનસંસ્કાર અને પુસ્તકપ્રેમને ઉજાગર કરતા ઉપરોક્ત અગિયાર મુદ્દા આપણા સૌ માટે ખરેખર ‘ભીમએકાદશ’નું ચિંતન-વ્રત બની શકે એમ છે! ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થી-વાચક, શિક્ષક-સેવક, અને અધ્યાપક-સંશોધક માટે પુસ્તકમિત્ર અને વાચનપુરુષ ડૉ. બાબાસાહેબ આંબેડકર આંબી શકાય એવો આદર્શ બનવા પૂરતા સક્ષમ છે.

ગુજરાત, તું વાંચીશ ને?!

(લેખતારીખ : ૨૩ એપ્રિલ, ૨૦૧૦, વિશ્વ પુસ્તક દિવસ)

……….……….……….……….……….……….……….……….………………..

ડૉ. અશ્વિનકુમાર, પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ – ૩૮૦ ૦૧૪

E-mail : ashwinkumar.phd@gmail.com

Blog-link : https://ashwinningstroke.blogspot.com

Loading

માધવ તત્ત્વ

સંજય એમ. વૈદ્ય|Opinion - Opinion|23 April 2022

… તમે

હા તમે જ ..

તમે જ્યારે પણ મળો ત્યારે

પહેલા વરસાદ પછીની ચિરપરિચિત હવા જેવી હૂંફાળી ભીંસ મારી હથેળીમાં પરોવી દો છો, ત્યારે વાદળ જેવું ભીંજવી દેતું આપનું શિયાળાની સવારના કૂણાં તડકા જેવું વહાલ તમે મારી પર ઓઢાડી દો છો અને હું ગણગણતો રહું છું કે આવું અદ્દભુત હસ્તધૂનન આજ સુધી બીજે ક્યાં ય સાંપડ્યું નથી!

સહજ શ્યામવર્ણ અને પાતળા દેહ પર સદાય અડધી બાંયનો ખાદીનો ઝભ્ભો જાણે તમારા માટે જ સર્જાયો હોય એટલો સહજ. અને ચહેરા પર એ જ કાયમી અજવાળિયું સ્મિત તમારા વ્યક્તિત્વની આરપાર ઝળહળતું રેલાતું રહે … ધીમા અવાજે તમારા હોઠથી સરતા શબ્દો પણ મધુરપથી ભરપૂર …

જાણે ભાષાનો ઋજૂતમ આવિર્ભાવ!

તમે ગામડામાં જન્મ્યા, કુદરતના ખોળે ઊછર્યા, તળપદી ભાષા અને જાનપદી લાગણીઓ સાથે નગરપ્રવેશ કર્યો અને પ્રાકૃતિક પરિવેશની પારદર્શકતા જાળવીને અમારી પેઢીને સ્પર્શ્યા, પતંગિયાની પાંખને થતાં ચુંબન જેવું!

ર્ષ ૧૯૬૮. ફાઇન આર્ટ્સ કોલેજના તમારા અભ્યાસના છેલ્લા વર્ષમાં કોણાર્ક, જગન્નાથપુરી અને કલકત્તાની એક અભ્યાસ યાત્રા દરમ્યાન બંગાળમાં ઠેર ઠેર નાની નાની તલાવડીમાં ગલ નાખીને બેઠેલા માણસોને જોતાં જોતાં કદાચ તમારી પ્રથમ કવિતા પાંગરેલી :

     ગલ સંગાથે
   રમે માછલી એક
    સ્તબ્ધ પોયણાં.

… અને એ જ વર્ષે કુમાર કાર્યાલયમાં મળતી બુધસભામાં તમારી સુઘડ રીતભાત અને મધુર વ્યક્તિત્વ સાથે દાખલ થયા તમે … અને વડીલ કવિશ્રી પિનાકિન ઠાકોર નોંધે છે : "અવાજ પણ સાંભળવો ગમે એવો – બે અર્થમાં; અવાજના રણકાથી અને એક આશાસ્પદ કવિના નોખા, અનોખા અવાજમાં પ્રગટતી કવિતાના અણસારથી …."

ને એ પછી સળંગ ત્રણ વર્ષ – '૬૯, '૭૦, '૭૧ દરમ્યાનના બુધસભા અને બુધ સભાધિપતિ મુ. શ્રી બચુભાઇ રાવતના સ્મરણો આજે ય તમારા અંતરમાં અકબંધ છે. કંઈ કેટલી ય રચનાઓ કુમારમાં પ્રગટ થયા પછી ય ખાસ સ્મરણ તો એ બે કવિતાઓનું, જે બચુભાઈએ પરત કરેલી, કે જે પછીથી તરત જ 'સમર્પણ' અને 'કવિતા'માં પ્રગટ થયેલી અને આજ સુધી એ બંને ગીતો એવાં ને એવાં જ ગમતાં રહ્યાં છે ..

૧. "ગોકુળમાં કોક વાર આવો ને કાન …."

૨. "એક વાર યમુનામાં આવ્યું'તું પૂર …"

અમદાવાદથી લગભગ સોએક કિલોમીટર દૂર, જે ભાલ પ્રદેશ તરીકે ઓળખાય છે, કહેવાય છે કે ત્યાં પહેલા દરિયો હતો અને લોથલ નામે મોટું બંદર હતું, એવા ભાલ વિસ્તારમાં બે એક હજારની વસ્તીવાળું પચ્છમ નામનું ગામ ને ત્યાં તમારો જન્મ. પિતાજી વૈદ હતા. એમનું નામ ઓધવ અને તમારું નામ પાડ્યું માધવ. બાળપણમાં પિતાજી બહુ સરસ કથા વાર્તા કરતા. અને એમણે તમને શાળા પ્રવેશ પહેલાં, વાંચતા શીખવાડી દીધેલું …

ને ગામની શેરીમાં લગભગ દર ત્રણ ચાર દિવસે બધી બહેનો ભેગી થઈને ઢોલી બોલાવે, ગરબા ગાય … આમ અનાયાસે બધું મનમાં સંગ્રહાતું ગયું અને લોકગીતો, લોકવાર્તાઓ, તહેવારો વગેરે તમારા મનમાં જે સંચિત કર્યું તે આગળ જતાં કવિતા રૂપે પ્રગટ્યું!

કદાચ એટલે જ તમારી અંદર કે ઉપર સાહિત્યકાર તરીકેનો કોઈ ભાર વર્તાતો નથી. ભારેખમ ભાષાથી સામાને આંજી દેવાની કોઈ વૃત્તિ કે એનો અણસાર સુદ્ધાં નહીં! ઊલટું એવી નિતાંત સહજ સાલસતા કે સાંભળતાવેંત આપણે પણ હળવાફૂલ થઈ જઈએ.

અને એટલે જ પદ્ય અને ગદ્ય ઉપરાંત સર્જનશીલતાના વિવિધ પાસાંઓથી તમે સમૃદ્ધ થયા …

તમારા પ્રથમ કાવ્યસંગ્રહ ‘તમે'-ને રાજ્ય પારિતોષિક, ત્યાર બાદ તેમની કૃતિ 'પિંજરની આરપાર'ને અકાદમી એવોર્ડ તથા સાહિત્ય પરિષદનો એવોર્ડ પ્રાપ્ત થયેલા. શેઠ સી.એન. કૉલેજ ઑફ ફાઇન આર્ટસમાં આજીવન ચિત્રકળાના અધ્યાપક અને પછી આચાર્ય તરીકે નિવૃત્ત થયા દરમ્યાનની તમારી સર્જનયાત્રાના બહુરંગી પડાવોમાં નાટક, ભવાઈવેશ, નવલકથા, ફિલ્મ-ટી.વી., બાળ સાહિત્ય અને ચિત્રકળા આવ્યાં. પણ તમારી ભીતરનું નખશિખ કવિત્વ તમારા વ્યક્તિત્વને સતત સભર કરતું રહ્યું …

કેટલું સહજ રીતે એક વાર તમે મને સમજાવેલું કે, જન્મતાંની સાથે સંગીતનો સ્પર્શ પામીએ છીએ આપણે સૌ. નવજાત શિશુનું પ્રથમ રુદન પણ એક પ્રકારનું સંગીત છે! પણ મને લાગે છે કે માતાના હાલરડાંમાંથી આપણને સંગીતના સંસ્કાર મળે છે! સંજોગોનો સુમેળ પણ કેવો અદ્દભુત, કે મૂળે ગીતકાર એવા તમને આજીવન સંગાથ મળ્યો સંગીતકાર જીવનસાથીનો. પત્ની સંગીત વિશારદ અને પછી દીકરી પણ સંગીત વિશારદ!

બસ, આમ જ ગીત અને સંગીત બંનેમાં 'માધવ તત્ત્વ' સદાય ઝળહળતું રહ્યું તમારી આ સદાબહાર રચનાની જેમ ….

અંદર તો એવું અજવાળું, અજવાળું …
ટળવળતી હોય આંખ જેને જોવાને,
એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું ….
ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ,
ને તો ય લાગે કે સાવ અમે તરીએ
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ
ઝળહળતા શ્વાસ અમે ભરીએ
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર,
નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું …
અંદર તો એવું અજવાળું ……

અને તમારી અંદરનું અજવાળું એવું જ્યોતિર્મય રહ્યું કે આપના પૂજારી પૂર્વજો આપના જીવનકવન થકી શાતા અનુભવી રહ્યા હશે એ ચોક્કસ!

તમે ભલે કહો કે, ઓછું લખાય છે, પણ એ અર્ધસત્ય છે. લખવાનું મન થતું નથી એ વળી બીજું અર્ધસત્ય હોઈ શકે, પણ બંનેનો સરવાળો થાય તો રોકડું સત્ય ઊઘડે અને ગુજરાતી સાહિત્ય વધુ રળિયાત થાય એમ બને! ક્યારેક સુખ નાગણની જેમ ડંખે છે દુઃખ ચંદનલેપ કરે છે. કોણ શ્રાપ અને કોણ વરદાન એની ખબર નથી પડતી …. કોની ક્યારે અદલબદલ થાય છે એ અટકળનો નહીં, અનુભવનો વિષય છે. જો કે એ પણ એટલું જ સાચું છે કે લખવા સિવાય પણ પૂરેપૂરા રોકી રાખે એવું ઘણું બધું તમે વહોરી લીધું છે! અને એક વાર આપણે એવી પણ ચર્ચા થયેલી કે –

રાણાની જંજીરને
ઝાંઝરમાં ફેરવે
તે મીરાં –
કે મીરાંની કવિતા!

ઉંમરના આઠમા દાયકે અંતર કોરાય પણ ખરું અને અંતરનું એકાંત ઉભરાય પણ ખરું ….

આપની જ આ રચના જૂઓ :

ઓતપ્રોત આંસુમાં થઈએ,
ચાલો પાંપણ પાસે જઈએ.
આસપાસ ઉંમરનો દરિયો,
તળિયે જઈને મોતી લઈએ.
શૂન્ય પછીનો આંક મળે તો,
નવો દાખલો માંડી દઈએ.
હળવે હળવે નથી ચાલવું,
મંઝિલની આગળ થઈ જઈએ.
આગ ભલેને બળતી જાતે,
રાખ બની આળોટી લઈએ.

યાદ છે?

૧૯૭૮ની ત્રીસમી ઑગસ્ટે કવિ શ્રી હરિકૃષ્ણ પાઠકને તમે 'તમે'ની નકલ ભેટ ધરેલી; જેમાં એક ગીતપંક્તિ લખેલી તમે :

ઝાકળની પાંખડીઓ વેરાણી ફળિયામાં,
પગલાં ઢંકાઈ ગયા રાતના …

યાદ આવે છે ગયા વર્ષની,

૨૦૨૧ની ૨૨મી ફેબ્રુઆરી …

જ્યારે તમે મને એક નકલ ભેટ આપેલી

'અંતરના એકાંત’ની ..

આપના વ્યક્તિત્વ જેટલી જ કલાત્મક સહી સાથે આપે લખેલું :

"વ્યક્તિત્વમાં અને અંતરમાં પારદર્શી સૌંદર્યની અનુભૂતિ છે …."

અને આજે ૨૦૨૨ની ૨૨મી એપ્રીલ છે …

તમારી જ કેટલીક પંક્તિઓ,

બહુ જાણીતા રદીફ સાથે

તમારા માટે ….

ન પૂછો કશું યે, ન બોલો કશું યે
અમસ્તાં મલકાઓ, ખરાં છો તમે!
આ વિશ્વમાં ઘર એક એવુંય શોધો,
કશા કારણ વિણ જઈ શકો જ્યાં તમે.
ઢળે નેણ ને મળે આછેરો આવકાર,
થતાં એટલાથી ન્યાલ? ખરાં છો તમે!
તમે લયના ઝબકારે ધબક્યા કરો છો
એકાંતે અંતરનાં ઝળહળતા રહો, ખરાં છો તમે!

સૌજન્ય : સંજયભાઈ એમ. વૈદ્યની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,5171,5181,5191,520...1,5301,5401,550...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved