Opinion Magazine
Number of visits: 9458893
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—146

દીપક મહેતા|Opinion - Opinion|21 May 2022

મે મહિનો એટલે કેરીગાળો, મુસાફરીગાળો, અને લગનગાળો 

કંકુ છાંટી કંકોતરી મોકલો લગન આવ્યાં ઢૂંકડાં

કંકુ છાંટી કંકોતરી મોકલો
એમાં લખજો અમીબેનનાં નામ રે લગન આવ્યાં ઢૂંકડાં
બેનના દાદા આવ્યા ને દાદી આવશે
બેનનાં માતાનો હરખ ન માય રે લગન આવ્યાં ઢૂંકડાં

મે મહિનો એટલે કેરીગાળો, મુસાફરીગાળો, અને લગનગાળો. આજે તો લગ્નની ઉજવણી એ ધીખતો ધંધો બની ગયો છે. પણ આપણે વાત કરવી છે આજથી સાત-આઠ દાયકા પહેલાંના લગનગાળાની. જુવાન હૈયાંને પ્રેમ તો એ વખતે પણ થઈ જતો. પણ એનું પરિણામ લગ્નમાં ભાગ્યે જ આવતું. કારણ એ વખતે લગ્ન બે વ્યક્તિનાં નહિ, બે કુટુંબનાં થતાં. એટલે વડીલો નક્કી કરે ત્યાં આંખ મીંચીને પરણી જવાનું. પછી આંખ ખૂલે તો ખૂલે.

૧૯૦૯માં જન્મેલા આપણા પ્રતિષ્ઠિત સર્જક ગુલાબદાસ બ્રોકરનાં લગ્ન ૧૯ વરસની ઉંમરે ૧૭ વરસની છોકરી સુમન સાથે થયેલાં. વર્ષો પછી આ અંગે ગુલાબદાસભાઈ લખે છે : “એ દિવસોમાં પરણ્યા પહેલાં માણસથી પોતાની પત્ની બનનાર કન્યા સાથે વાતચીત પણ ન કરાય. તો એને મળાય તો ક્યાંથી? … ત્યારે ધોળા જંકશન પર પોરબંદરથી મુંબઈ જતી ગાડી બદલવી પડતી. ત્યાં ખાસ્સો સમય રોકાવું પણ પડતું. હું ધોળાના પ્લેટફોર્મ પર આંટા મારી રહ્યો હતો ત્યાં મારી ઓચિંતી નજર ગઈ. પ્લેટફોર્મ પરના નળ પર સુમન પાણી ભરી રહી હતી. મારી નજર ઓચિંતી જ ગઈ. એની પણ ઓચિંતી જ ઊંચી થઈ. એની એ નજરમાં, મને જોતાંવેંત, જે આનંદ ઊભરાયો! આજુબાજુ જોઈ, કોઈ નથી તેની ખાતરી કરી લઈ, તેણે મારી સામે જોયે રાખ્યું, મેં તેની સામે. બોલવાની હિંમત ન ચાલી. પણ એ બે પળ જે નિર્બાધ રીતે એકબીજાંની સામે જોવાઈ ગયું!”

નવદંપતી સુમન અને ગુલાબદાસ બ્રોકર

એ વખતે લગ્નની બધી તૈયારીના કોન્ટ્રેક્ટ અપાતા નહિ. એવું થઈ શકે એવું કોઈએ વિચાર્યું ય નહોતું. બધું કામ ઘરે થાય, બને ત્યાં સુધી ઘરનાં દ્વારા જ થાય. ત્રણ-ચાર મહિના પહેલાંથી તૈયારી શરૂ થઈ જાય. વડી-પાપડ કરવામાં અડોશ-પડોશની બધી સ્ત્રીઓ સાથે જ હોય. મધ્યમ વર્ગના ઘરમાં ભલે થોડુંઘણું, પણ વારસાગત સોનું હોય. ત્યારે આજ જેવાં રોકાણનાં સાધનો નહિ, અને જે હતાં તેમાં લોકોને ઝાઝો વિશ્વાસ નહિ. એટલે બચતનું રોકાણ સોના-ચાંદીમાં. મોતીમાં નહિ, કારણ કહેવત પ્રચલિત હતી : ‘મોતીની મા રોતી.’ વિશ્વાસુ સોનીને ઘરે બોલાવીને જૂના દાગીના ભાંગીને તેમાંથી નવા બનાવવાની વર્દી અપાય. ૧૯૨૨થી ૧૯૩૦ સુધી ૨૪ કેરેટના એક તોલો (૧૧.૬૬ ગ્રામ) સોનાનો ભાવ ૨૦-૨૧ રૂપિયાનો રહ્યો હતો. એટલે જરૂર પડ્યે મધ્યમ વર્ગનું કુટુંબ પણ બે-પાંચ તોલા સોનું ખરીદી શકતું.

પછી આવે કપડાંલત્તાનો વારો. ફરી જૂનો ને જાણીતો દરજી ઘરે બેસે. સ્ત્રી, પુરુષ, બાળકો, બધાંનાં કપડાં સીવી આપે. સાડીઓ માટે દુકાનદારનો માણસ સાડીનાં પોટલાં લઈને ઘરે આવે. એક પછી એક સાડી બતાવે. ભાવ પૂછાય. રકઝક થાય. લેવાની સાડીઓની થપ્પી બાજુએ મૂકાતી જાય. અગાઉની સારી, પહેરી શકાય એવી સાડીઓ ‘રોલિંગ’ માટે અપાય. જતાં જતાં એકાદ સાડી હાથમાં મૂકીને કહે : ‘આ સાડી બહેનને અમારા તરફથી ભેટ આપજો.’

પછી ઘર ધોળાવાય. આજના જેવા જાતભાતના મોંઘાદાટ રંગો ત્યારે નહિ. જાડા ઝાડુ જેવા કૂચડાથી દિવાલો પર ધોળો કે પીળો રંગ થાય. ધોળા રંગ માટે ચૂનો વપરાય. તેમાં થોડી પીળી માટી ઉમેરો એટલે રંગ પીળો. બારસાખ લીલા ઓઈલ પેન્ટથી રંગીને તેના પર રાતા-ધોળા ફૂલની ડિઝાઈન કરાય. જમવા માટેના લાકડાના પાટલા લાલ રંગે રંગાય. એ વખતે બીજો એક રિવાજ. દિવાલો રંગ્યા પછી તેના નીચેના અઢી-ત્રણ ફૂટના ભાગ પર સળંગ ઓઈલ પેન્ટનો અલગ રંગનો પટ્ટો રંગાય. જેને ડેડો કહેતા. શોભા તો વધે, પણ સાધારણ રીતે નીચલો ભાગ જલદી મેલો થાય તે ઓઈલ પેન્ટ હોવાથી ભીના કપડાથી સાફ કરી શકાય.

પછી વારો આવે લાકડાના ફર્નીચરનો. એને માટે પણ વહોરાજી પોલીશનાં ડબલાં લઈને ઘરે આવે. કાળો, લાલ, બ્રાઉન એવા ગણતરીના રંગ. પહેલાં સેન્ડ પેપરથી ઘસીને ફર્નિચર પરનો જૂનો પોલીશ કાઢી નખાય. પછી નવા પોલીશનું પોતું ફેરવાય. સૂકાય પછી બીજો હાથ ફેરવાય. પ્રાઈમસ સળગાવવા માટે વપરાતો તેવો કાકડો સળગાવી તાજા પોલીશ પર જરા દૂરથી ફેરવાય. એમ કરવાથી ચમક વધુ આવે એમ કહેવાતું.

મુંબઈની અનેક વાડીઓમાંની એક વાડી

એ વખતે એક તો ફાઈવ સ્ટાર હોટેલો મુંબઈમાં પણ આંગળીને વેઢે ગણાય એટલી. પણ લગ્ન હોટેલમાં થઈ શકે એવો તો કોઈને વિચાર સુધ્ધાં ન આવે. ઘરની બહાર માંડવો બંધાય એટલી જગ્યા મુંબઈમાં એ વખતે પણ ભાગ્યે જ હોય. એટલે લગ્ન માટે વાડી નોંધાવવાનું કામ કુટુંબના મોટેરાને સોંપાય. એ વખતે ઘણી જ્ઞાતિઓની વાડી હતી મુંબઈમાં. મોટા ઓરડા અને ખુલ્લી જગ્યા તો ખરી જ. પણ સાથે પાંચ-દસ રૂમ પણ હોય, બહારગામનાં મહેમાનોને ઉતારો આપવા માટે. તેમાં ગાદલાં-ગોદડાં પણ હોય. પાણી ભરવા માટે, રસોઈ કરવા માટે, વાસણો હોય. આજની ભાષામાં સેલ્ફ-સફીશિયન્ટ વ્યવસ્થા. ભાડું એકદમ માફકસરનું, મધ્યમ વર્ગને પોસાય એવું. ઘણી વાડીમાં બે ભાગ હોય: એક નાનો, બીજો મોટો. મોટો ભાગ હંમેશાં કન્યા પક્ષને ભાડે અપાય. વર પક્ષને અપાય નાનો ભાગ. કારણ ઘણીખરી વિધિ તો કન્યાવાળાને ત્યાં થાય. જાન આવે ત્યારે ઘણા લોકોને બેસવાની વ્યવસ્થા પણ કરવી પડે. એ માટે લાઈનબંધ ગાદલાં મૂકી ઉપર સફેદ ચાદરો પાથરી દેવાય. બન્ને પક્ષ જુદી જુદી વાડી નોંધાવે એવું પણ બને. એ વખતે ‘કેટરર્સ’નું નામ કોઈએ સાંભળ્યું નહોતું. જ્ઞાતિના જે પાંચ-સાત રસોઇયા કે ‘મહારાજ’ હોય તેમને ખાવાપીવાની વ્યવસ્થા સોંપાય. સીધામાં શું શું જોઈશે, કેટલું જોઈશે, એ નક્કી થાય અને દાણાવાળા અને શાકવાળાને ઓર્ડર આપી દેવાય.

વીસમી સદીની શરૂઆત : કુટુંબની સ્ત્રીઓ સાથે વરરાજા

વાડી પછી વરઘોડાની તૈયારી. તેમાં વર કરતાં ય વધુ મહત્ત્વનો ઘોડો. એટલે પહેલાં ઘોડો ‘બુક’ કરવો પડે. વરઘોડાના ‘ટેમ’ પહેલાં દોઢ-બે કલાકની વર્દી અપાય. એ વખતે મુંબઈમાં મોટરો તો માલેતુજારના ઘરે જ હોય. અને ભાડાની મોટર કરતાં ઘોડો વાપરવાનું વલણ. પછી વારો બેન્ડ-વાજાંનો. બ્રાસ બેન્ડનો જમાનો. લાલ યુનિફોર્મ પહેરેલા બેન્ડવાળા. સૌથી આગળ પિત્તળનાં ભૂંગળાવાળા બે બજવૈયા. પછી મોટું પડઘમ, ફ્લૂટ કે ક્લેરિયોનેટ. પિત્તળના ચમકતા ઝાંઝવાળા. પાંચ, સાત, અગિયાર, પંદર બજવૈયા – જેટલો ગોળ નાખો એટલું વધુ ગળ્યું. જેને બેન્ડનો ખરચ ન પોસાય તે ‘તડતળિયાં’વાળાને બોલાવે. ચાર-પાંચ જણ જુદી જુદી જાતનાં ઢોલ-ત્રાંસા, નગારાં લઈને આવે અને તાલની ધમધમાટી બોલાવી દે.

વરઘોડો મોટે ભાગે સાંજે જ નીકળે. એટલે સાથે ‘કિટસન’ લાઈટ જરૂરી. એમાં કેરોસીન વપરાય અને એક હજારથી બે હજાર કેન્ડલ જેટલું લાઈટ આપે. એનાં નાનાં નાનાં ઝુમ્મર માથે મૂકીને મજૂરણ બાઈઓ વરઘોડાની બંને બાજુ ચાલે, પરસેવે રેબઝેબ. વરઘોડાને અંતે આવી જ લાઈટનો રંગબેરંગી કળા કરતો મોર હોય, જે માથે ઉપાડવા માટે ત્રણ-ચાર બાઈઓની જરૂર પડે. બધી તૈયારી પૂરી થવા આવે એટલે ઘરની કોઈ જવાબદાર વ્યક્તિ નજીકના પોલીસ સ્ટેશને જઈને વરઘોડો કાઢવા માટેની પરમિશન માટે અરજી આપી આવે.

આ બધી તૈયારીની સાથોસાથ કંકોતરી લખવાની તૈયારી શરૂ થાય. પોતાને બહુ ભણેલા માનતા હોય તેઓ ‘કુમકુમ પત્રિકા’ શબ્દો વાપરે. એ વખતે મોટાં સંયુક્ત કુટુંબો. દર બે-પાંચ વરસે કોઈ ને કોઈનાં લગ્ન લેવાય. એટલે એક મોટો ચોપડો ઘણાખરા ઘરમાં હોય. તેમાં જેમને જેમને કંકોતરી મોકલવાની તેમનાં નામ સરનામાં તો હોય જ, પણ સાથે લગ્નમાં કેટલો ચાંદલો કરેલો તે પણ નોંધ્યું હોય. નામ-સરનામાંની યાદીની જેમ કંકોતરીના લખાણનો ખરડો (ડ્રાફ્ટ) પણ તૈયાર જ હોય. વર-વધૂનાં નામ બદલવાનાં હોય. કંકોતરી છપાવવાનો ચાલ તો પછી આવ્યો. પહેલાં તો દરેક કંકોતરી હાથે લખાતી. એ માટે બજારમાંથી લાલ શાહીનો ખડિયો, ટાંકવાળાં ત્રણ-ચાર હોલ્ડર, સફેદ કે આછા ગુલાબી કાગળનું પેકેટ, બ્લોટિંગ પેપર, વગેરે સારો દિવસ જોઈ ખરીદાતું. રાતે જમીપરવારીને કુટુંબના ત્રણ-ચાર જણ કંકોતરી લખવા બેસે : ‘જત લખવાનું કે શ્રી રણછોડરાયની (કે જે કોઈ કુટુંબના ઇષ્ટદેવ હોય તેની) કૃપાથી અમારી દીકરી સૌભાગ્યકાંક્ષીણી ચિ. રમાનાં લગ્ન’ … મુખ્ય લખાણ પછી જુદા જુદા માંગલિક પ્રસંગોની વિગતો હોય. અને પછી હોય કુટુંબનાં વડીલોનાં નામનો લાંબો હારડો. મા-બાપ, ભાઈ-બહેન ઉપરાંત કાકાકાકી, મામામામી, માસામાસી, ફોઈફુઆ, જમાઈઓ, વગેરેનાં નામ લાઈનબંધ લખ્યાં હોય. જેમને કંકોતરી ટપાલમાં મોકલવાની હોય તેમની કંકોતરીમાં છેલ્લું વાક્ય ઉમેરવામાં આવે : ‘આ કંકોતરીને રૂબરૂ મળ્યાતુલ્ય માનીને મંગળ પ્રસંગોએ ઉપસ્થિત રહેવા આગ્રહભરી વિનંતી છે.’ પછી કંકોતરી છપાવવાનો ચાલ શરૂ થયો. પણ આજના જેવી જાતભાતની નહિ. જાડા સફેદ કાર્ડ પર છાપેલું લખાણ. પ્રેસ પાસે સ્વસ્તિક, ગણેશ, રાધાકૃષ્ણ, વગેરેના તૈયાર બ્લોક હોય તેમાંથી એક મૂકીને નીચે લખાણ છપાય.

અને હા, ચાંદલો કે ભેટ લેવામાં નહિ આવે એવા મતલબની સૂચના ક્યારે ય લખાતી નહિ. ચાંદલો કે ભેટની લેવડદેવડ સ્વાભાવિક ગણાતી. હા, ચાંદલો કરવાનો હોય બે, પાંચ, સાત, કે અગિયાર રૂપિયાનો. કોઈ પચીસ રૂપિયા કરે તો તો અધધધ ચાંદલો કર્યો એમ કહેવાતું. નજીકનાં સગાં કુટુંબના વડીલને પૂછીને વરવહુને જરૂરી હોય તેવી કોઈ વસ્તુ ભેટ આપતાં. પણ સાથોસાથ ‘શુકનનો’ ચાંદલો પણ આપતા. રોકડા રૂપિયા કવરમાં મૂકીને આપવાનો ચાલ હજી આવ્યો નહોતો. લગ્ન વખતે બંને પક્ષના ‘ચાંદલો લખવાવાળા’ મંડપમાં બેઠા હોય. તેમની પાસે જઈને રૂપિયા આપીને નામ લખાવાતું.

આવતે અઠવાડિયે ફરી મળશું ચાંદલામાં આપવા માટે કડકડતી નવી નોટો સાથે.  

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 21 મે 2022

Loading

ભણાવવામાં તો સરકાર ઊઠાં જ ભણાવે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 May 2022

આમ તો આંકનો ઘડિયો કે આંકનો પાડો કે આંક કોઈ સ્કૂલમાં હવે ગોખાવતું હોય એમ લાગતું નથી. એટલે ઊઠાં ભણાવવાનું પણ ઘણાંને ન સમજાય એમ બને. ઊઠાં ભણાવવાનો અહીં અપેક્ષિત અર્થ છેતરવા સંબંધે છે. આ પ્રયોગ એક સમયે જાણીતો હતો એટલે એને તાજો કર્યો છે. જો કે, છેતરપિંડી એ આજનો બહુ પ્રચલિત ધંધો છે એટલે માત્ર સરકારને જ દોષી ઠેરવવાનો અર્થ નથી, પણ સરકાર જ ઊઠીને છેતરે છે તે વધારે કઠે છે.

બિહારના કટિહારની એક શાળાનું વીડિયો દૃશ્ય જોઈએ. શાળાનું નામ છે, ઉર્દૂ પ્રાથમિક વિદ્યાલય. 1956માં સ્થપાયેલી આ શાળાના એક વર્ગમાં ત્રણ શિક્ષકો છે. એમાં એક શિક્ષિકા ટેબલ પર લાકડી પછાડી પછાડીને બાળકોને શાંત કરવા મથી રહી છે. બીજી એક શિક્ષિકા અડધા બ્લેક બોર્ડ પર હિન્દી ભણાવે છે ને તેણે ચાકથી આકાશ, કાજલ, ઈનામ જેવા શબ્દો હિન્દીમાં લખ્યા છે. બીજા અડધા બોર્ડ પર એક શિક્ષક ઉર્દૂમાં કશુંક લખીને ભણાવવાની કોશિશ કરે છે. બાળકોના ઘોંઘાટ પરથી વર્ગ ઠાંસીને ભરેલો છે તે દેખાય છે. હા,  ચોક્કસ સંખ્યા નક્કી થઈ શકતી નથી. આ એક જ વર્ગમાં એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે. શિક્ષકો બોર્ડ પર લખ્યા કરે છે, શિક્ષિકા લાકડી પછાડી પછાડીને બાળકોને શાંત કરવા મથે છે ને બાળકો એમની ધૂનમાં ભણવા સિવાય બધું જ કરી રહ્યાં છે. વીડિયો મનિહારીની પ્રાથમિક શાળાનો છે. ગંગા નદીનાં ધોવાણથી 29 શાળાઓ વિસ્થાપિત થતાં અન્યત્ર ખસેડાઇ. આ શાળા એમાંની એક છે. જિલ્લામાં આવી 271 શાળાઓ છે જેને મકાન કે અન્ય સાધનો નથી ને બિહારની સરકાર કહે છે કે છેલ્લાં 17-18વર્ષમાં શિક્ષણ વ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. ક્રાંતિકારી તો ખરું જ ને ! મકાન કે સાધનો વગર શાળાઓ ચાલે તે ક્રાંતિ નહીં તો બીજું શું છે? જિલ્લા શિક્ષણાધિકારી કહે છે કે આવી બિલ્ડિંગ વિનાની શાળાઓને મિડલ સ્કૂલ સાથે ટેગ કરવામાં આવી છે. મકાન માટેના પ્રયત્નો ચાલે છે ને તે ચાલ્યા જ કરશે એમાં શંકા નથી.

આ વિગતો પરથી લાગે છે કે ન તો પ્રજા કે ન તો સરકાર, શિક્ષણ બાબતે ગંભીર છે. બાળકોમાં ને ઘેટાંબકરાંમાં કોઈ ફરક જ નથી. તે જેમ ડબ્બામાં કે પાંજરાપોળમાં હોય તેમ બાળકો વર્ગખંડમાં છે. એકથી પાંચ ધોરણ સુધીમાં ભણવામાં કોઈ જ ફરક ન હોય તેમ બધાંને એક જ ખંડમાં ઠાંસવામાં આવ્યાં છે. નથી પાઠ્યપુસ્તકમાં કોઈ ફરક કે નથી ભણાવવામાં કોઈ ફરક ! વારુ, જે ભણાવાઈ રહ્યું છે તે કયાં ધોરણ માટે છે તેની પણ કશી સ્પષ્ટતા નથી કે બધું બધાં માટે જ છે તે ય નથી ખબર. જો આ શિક્ષણ કોઈ એક ધોરણ માટે જ છે તો બાકીના બાળકો માટે શું છે? તેમણે કૈં કરવાનું છે કે કોઈ વાંક ગુના વગર આ બધું સહન કર્યા કરવાનું છે? સૌથી આઘાતજનક બાબત તો એ વર્ગના ત્રણ શિક્ષકોની, રોબોટ જેવી કામગીરી છે. એક લાકડી પછાડ્યા કરે છે તો બીજો ઉર્દૂ લખીને બોલ્યા કરે છે ને ત્રીજી શિક્ષિકા હિન્દી શબ્દો લખે, બોલે છે. એક સાથે એક શિક્ષક ઉર્દૂ બોલે ને એ જ સમયે હિન્દી શિક્ષિકા હિન્દી ભણાવે એ બંને અવાજ, પેલા ઘોંઘાટિયા બાળકોએ સાંભળવાના ને એમાંથી હિંદીવાળાએ હિન્દી ભણી લેવાનું ને ઉર્દૂવાળાએ ઉર્દૂ તારવી લેવાનું. આ 1થી 5 ધોરણનાં બાળકો માટે શક્ય છે? એક બાળક એક સાથે હિન્દી અને ઉર્દૂ ગ્રહણ કરે એ શક્ય છે? એક જ બોર્ડ પર બે શિક્ષકો, બે વિષયો, એકથી પાંચ ધોરણનાં બાળકોને ભણાવે ને બાળકો ભણે પણ, એ ચમત્કાર જ છે ને ! ખરી ક્રાંતિ તો આ છે કે કોઈ પણ પાર્ટીશન વગર એક ખંડમાં, ત્રણ શિક્ષકો, બે વિષય, પાંચ પાંચ ધોરણને એક સાથે ભણાવે છે.

શિક્ષણની આ ક્રૂર રાક્ષસી મજાક છે, બાળકોનાં ભવિષ્ય સાથે થતાં બેશરમ ચેડાં છે. આમાં શિક્ષણ સિવાય બધું જ છે. 17-18 વર્ષમાં બાળકોને જે તે ધોરણ મુજબ જગ્યા ફાળવાય કે વર્ગ દીઠ શિક્ષકો શીખવે એટલું પ્રાથમિક કામ પણ થઈ ન શકતું હોય તો આ આખી શિક્ષણ વ્યવસ્થા મરવા પડી છે એ સિવાય બીજું કોઈ આશ્વાસન લઈ શકાય એમ નથી. સરકારની નફફટાઈની ને નિર્લજ્જતાની આ અવધિ છે. આવું આ એકાદ રાજ્યમાં જ છે એવું નથી. અનેક પ્રકારે ને રીતે બીજે પણ સ્થિતિ આનાથી બહુ જુદી નથી.

ગુજરાતની જ વાત કરીએ તો આ રાજ્ય શિક્ષણની પ્રયોગશાળા છે. એમાં અખતરા, ખતરાની હદે થાય છે. સારી વાત એ છે કે શિક્ષકોની કેટલીક સમસ્યાઓનો સરકારે નિકાલ આણ્યો છે. સરકાર એ મામલે ગંભીર થઈ તેનો આનંદ છે, પણ પ્રયોગો કરવાની કુટેવ જતી નથી એનું દુ:ખ પણ છે. કાલે જ શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી છે કે શિક્ષકોએ હવેથી આઠ કલાકની નોકરી કરવાની રહેશે. આ વાત ગયે વર્ષે, તે વખતના શિક્ષણ મંત્રીએ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત, ત્રીજી સપ્ટેમ્બરે પરિપત્રમાં જાહેર કરેલી, પણ તેનો સખત વિરોધ થયો હતો એટલે પરિપત્ર પાછો ખેંચી લેવો પડ્યો હતો. જો સરકારના અન્ય વિભાગોમાં નોકરીના કલાકો 8 હોય, તો શિક્ષકો 11થી 5 જ આવે એ તો કેમ ચાલે? એટલે આઠ કલાકનું ભૂત હાલના શિક્ષણ મંત્રીએ ફરી ધૂણાવ્યું છે. સરકારની વાત અમલમાં મુકાય તો શિક્ષકોએ શાળા છૂટયા બાદ બે કલાક વધુ શિક્ષણ બાળકોને આપવું પડે એમ બને. વાત આટલેથી જ અટકતી નથી. શિક્ષણ મંત્રી ઈચ્છે છે કે જરૂર પડ્યે શિક્ષકો રજાના દિવસોએ પણ શાળામાં આવે અને ભણાવે. એ અંગેની નીતિ રીતિ ઘડવાની વાત પણ શિક્ષણ મંત્રીએ કરી છે.

આમ તો આ સારી વાત છે. શિક્ષકો છને બદલે આઠ કલાક શાળામાં રોકાય ને વધુ બે કલાક શિક્ષણ વિદ્યાર્થીઓને આપે તો આનંદ જ થાય. કોરોનામાં આમ પણ શિક્ષણ આશરે જ ચાલ્યું છે. ઓનલાઈન ભણાવાયું ને પરીક્ષાઓ પણ ઓનલાઈન જ લેવાઈ છે. ઓફલાઇન શિક્ષણ વચ્ચે શરૂ તો થયું, પણ કોરોના વકર્યો એટલે વળી ગાડું ઘોંચમાં પડ્યું, પરીક્ષાઓ લીધાં વગર જ પાસ કરવાનો કીમિયો પણ અજમાવાયો, આ બધાંમાં શિક્ષણ અધૂરું રહ્યું છે એવી લાગણી ઘણાંની હતી ને છે. પહેલાં ધોરણનો વિદ્યાર્થી કૈં પણ કર્યા વગર ત્રીજા ધોરણમાં આવી ગયો છે. ત્રીજામાં આવ્યો તો ખરો, પણ એકડો પડતો નથી. એવી જ સ્થિતિ વત્તે ઓછે અંશે બધાં ધોરણની છે. આવી પરિસ્થિતિમાં સરકાર વધારાના કલાક શિક્ષકોને શાળામાં રોકે ને વિદ્યાર્થીઓને શિક્ષણ પાકું કરાવવાનું વિચારે એનાથી રૂડું બીજું શું હોય? પણ એ વાસ્તવિક કેટલું છે તે વિચારવાનું રહે. સ્કૂલના સમયે વિદ્યાર્થીઓનું આવવાનું જ મરજિયાત હોય ત્યાં રજાને દિવસે વિદ્યાર્થીઓ શાળાએ આવશે એવું સરકારને કઇ રીતે લાગે છે તે નથી સમજાતું. વારુ, ઘણી સ્કૂલો બે પાળીમાં ચાલે છે, એ બંને પાળીમાં કુલ ચાર કલાક વિદ્યાર્થીઓ ને શિક્ષકો ફાળવે ને ભણે-ભણાવે એ વ્યવહારુ લાગે છે? સવારની ને બપોરની સ્કૂલ અંદાજે 12 કલાક ચાલતી હોય ને તેમાં ચાર કલાક બીજા ઉમેરાય તો સ્કૂલ રોજ 16 કલાક ચલાવવી પડે. આટલો સમય ફાળવવા ભાગ્યે જ કોઈ સ્કૂલ તૈયાર થાય. આમ પણ ગયે વર્ષે શિક્ષકોને આઠ કલાક સ્કૂલે હાજર રહેવાનો પરિપત્ર બહાર પડેલો ત્યારે જ તેનો તીવ્ર વિરોધ થયેલો, તો હવે સરકારને એવું કેવી રીતે લાગે છે કે શિક્ષકો ને વિદ્યાર્થીઓ નવા પરિપત્રને સ્વીકારી લેશે?

આમાં સ્કૂલોને દબાણ હેઠળ લાવવામાં આવે તો કદાચ સ્કૂલો તૈયાર થાય પણ ખરી, પણ એમાં ભલીવાર નહીં હોય. સમય બધા આપે તો પણ ભણવા-ભણાવવાનું થાય જ એની કશી ખાતરી નથી. ખરેખર તો શિક્ષણ વિભાગે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. શિક્ષકો જેટલા કલાક સ્કૂલમાં આવે છે, એટલામાં જ પૂરતું શિક્ષણ આપી શકાય, જો સરકાર તેને ખરેખર વર્ગમાં ભણાવવા દે ! સાચી વાત તો એ છે કે સરકાર જ શિક્ષકોને ભણાવવા નથી દેતી. સરકારે પોતે યાદી કરવા જેવી છે કે શિક્ષણ ઉપરાંત કેટલાં વધારાના કામમાં તે શિક્ષકોને જોતરે છે? તીડ ઉડાડવાના છે, તો શિક્ષકને સોંપો. કોરોનાનો સર્વે કરાવવાનો છે, તો બોલાવો શિક્ષકને ! વસતિ ગણતરી કરવાની છે, તો તેડાવો માસ્તરને, મતદાન કરાવવાનું છે, તો ગોઠવો માસ્તરને મતદાન મથકે, મંત્રી આવે છે ને ટોળું બતાવવાનું છે, તો બોલાવો સાહેબને, તે વિદ્યાર્થીઓ ખડકીને ભીડ કરી દેશે … આ બધાંમાં ભણાવવાનું થાય તો પણ કેટલુંક? આ ઉપરાંત શિક્ષકોને પત્રકો ભરવામાં, જાતભાતના દિવસો ને તહેવારોની ઉજવણી-ભજવણીમાં જ રોકી રખાય તો શિક્ષક પાસે ભણાવવાનો સમય જ કેટલો બચે? વધારે યોગ્ય તો એ છે કે શિક્ષકને વધારાના કલાક બોલાવવા કરતાં, તેને સોંપવામાં આવેલી ઈતર પ્રવૃત્તિઓ પર કાપ મુકાય ને તેને શાંત ચિત્તે ભણાવી શકે તેવું વાતાવરણ અપાય. એટલું થશે તો શિક્ષકને પણ લાગશે કે પોતે ક્લાર્ક નથી, પણ દેશનું ભવિષ્ય ઘડનાર ભાગ્યવિધાતા છે.

થશે, આટલું?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 મે 2022

Loading

નાટક ‘बस, घर ही तो जाना है ’ : સ્થળાંતરિત શ્રમજીવીઓનું યાતનાસત્ર

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|20 May 2022

ગયા રવિવારે જોયેલું ‘બસ, ઘર હી તો જાના હૈ’ ઉદાસ બનાવી દેનારો અનુભવ હતો.

સ્વકેન્દ્રી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રભુત્વ હેઠળની કેન્દ્ર સરકારે કોવિડ દરમિયાન આપખુદ અને અવિચારી રીતે આખા દેશ પર ક્રૂર અને લાંબું લૉકડાઉન લાદ્યું. તેને કારણે દેશના લાખો શ્રમજીવીઓને ભૂખમરાથી બચવા માટે શહેરોમાંથી તેમના વતન ચાલી જવાની ફરજ પડી. હજારો કિલોમીટર ચાલીને સ્થળાંતર કરનાર શ્રમજીવીઓનો migrant labourersનો યાતનાલોક ‘બસ ઘર હી તો જાના હૈ’  નાટકનો વિષય છે.

શ્રમજીવીઓએ પગે ચાલીને કે સાયકલ પર માઇલોના માઇલો ખૂંદ્યા, તેમને અમાનવીય શારીરિક શ્રમ, ભૂખ, તરસ, પોલીસનો ત્રાસ વેઠવાં પડ્યાં. તેમાંથી કેટલાક માણસો ભૂખ, થાક કે અકસ્માતથી રસ્તે મરી ગયા.

સ્થળાંતરિત શ્રમજીવીઓના સેંકડો દર્દનાક કિસ્સા છે, જેમાંથી હાથમાંના મોબાઇલમાં ટેલિવિઝનમાંના રામાયણ-મહાભારતમાં અને મશગૂલ દેશે બહુ ઓછા જાણ્યા છે. 

સ્થાળાંતરિત શ્રમિકોની આ દુર્દશા યુવા લેખક આદિત્ય ત્રિવેદીને સ્પર્શી ગઈ. તેમણે સંવેદન અને સમજ સાથે આ નાટક લખ્યું. તેના પડકારજનક મંચનનું સૂઝથી દિગ્દર્શન પણ તેમણે જ કર્યું છે. આ સવા કલાકનું નાટક ‘બસ ઘર હી તો જાના હૈ’ વીસ કલાકારો અને કસબીઓની ‘ઇન્ડિ પ્રોડક્શન’ મંડળીએ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ત્રણ અલગ અલગ પ્રયોગો તરીકે રવિવારે સાંજે સાતથી અગિયાર કલાક દરમિયાન ભજવ્યું. ખુદ નાટક ઉપરાંત તેની આવી ભજવણી પણ અનેક દૃષ્ટિએ નોંધપાત્ર કહેવાય. બિનવ્યાવસાયિક રંગભૂમિના એક સ્થાન તરીકે વિકસી રહેલા ‘પ્રયોગશાલા’ના મંચ પર આ નાટકના અત્યાર સુધી કુલ નવ પ્રયોગો થયા છે.

નાટકમાં યુવાન દીકરી જ્યોતિ (કલાકાર ચાર્મી ઘેલૈયા) અને ઘરડા પિતા દિવ્યનાથ પાંડે (અમીત અગ્રવાલ) છે. બંગલુરુમાં ઘરઘાટી તરીકે પેટિયું રળતી દીકરી પિતાને બાવીસો કિલોમીટર પર બિહારમાં આવેલાં તેમના વતન સમસ્તીપુર ગામે સાયકલ પર બેસાડીને નીકળી છે. લૉકડાઉનની ઘરબંધીના એકાંતને કારણે દિવ્યનાથ માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. રોજેરોજ વતન તરફ ડગ માંડતા  સંખ્યાબંધ મહેનતકશોને જોતાં તેમને પોતાની પાંચ વર્ષની ઉંમરે જોયેલાં ભારત-પાકિસ્તાનના ભાગલા યાદ આવે છે. તે આઝાદીની લડત વખતના ભારતમાં જીવતાં હોવાની ભ્રમણામાં સરી પડે છે અને ‘સારે જહાં સે અચ્છા’ કે ‘સરફરોશી કી  તમન્ના’ જેવાં ગીતો ગાયાં કરે છે.આ માર્મિક પાત્રનું સર્જન લેખકનો એક ફાઇન સ્ટ્રોક છે. બધાં સ્થળાંતરિત શ્રમજીવીઓ જે યાતનાસત્રમાંથી પસાર થયા તે લેખકે જ્યોતિનાં વીતક દ્વારા બતાવ્યું છે. બાપ-દીકરીને સમાંતરે છે મુંબઈની એક ખોલીમાં રહેતો  રોજમદાર લક્ષ્મણપ્રસાદ (રિષભ શુક્લા). તે બે હજાર કિલોમીટર ચાલીને વતન દરભંગા જવા નીકળ્યો છે, તેના ઘરે તેની પત્ની છે. આ મજેદાર યુવાન દરરોજની ડાયરી લખે છે, કવિતા પણ લખે છે. માઇગ્રન્ટસ માટેની આસ્થા સાથે રસ્તા પર સ્ટોરી કરવા નીકળેલો એક ચૅનલ-પત્રકાર ઓમપ્રકાશ (તુષાર શર્મા) લક્ષ્મણને લઈને લાઇવ ટેલિકાસ્ટ પણ કરે છે.એ પત્રકારની પીડાની એક વાત છે, તેમ જ લક્ષ્મણપ્રસાદને ભાડુઆત તરીકે ઘરમાંથી કાઢી મૂકનારા તેના મિત્ર જેવા મકાનમાલિક પંચાલભાઈ(નરેન્દ્ર સિંગ)ની મજબૂરીની પણ બીજી વાત છે. જ્યોતિની કહાણી સાંભળીને મનમાં રામ જાગતા મદદ કરનારો આમ તો લાંચિયો જુલમી પોલીસ ચૌબેજી (અનુજ પુરાણી) છે, અને હિજરતી  મહેનતકશોને  હાઇવે પરના પોતાના ધાબા પર પૈસા લીધા વિના જમાડનાર, આશરો આપનાર દિલદાર સરદારજી પિન્ટુ પાજી (ક્ષિતિજ કપૂર) પણ છે.

નાટક માઇગ્રન્ટ લેબરર્સ સાથે સંકળાયેલી અન્ય કેટલીક બાબતોને સંવાદો કે વાર્તાના ભાગ તરીકે  આવરી લે છે. જેમ કે બેકારી, પોલીસ, શાસકો, ભ્રષ્ટાચાર, પત્રકારિતા. શ્રમજીવીઓની સખત રિબામણી, જિદ, આશા, હિમ્મત અને હતાશાને પણ લેખક-દિગ્દર્શકે મોટે ભાગે એક કે બે પાત્રોના દૃશ્યોમાં વણી લીધાં છે. લેખક પીડાના પ્રસંગમાં પણ ક્યારેક સરળ હાસ્ય કે ક્યારેક બ્લૅક હ્યૂમર જગવે છે.

‘પ્રયોગશાળા’ના મર્યાદિત મંચઅવકાશમાં પણ દિગ્દર્શક સ્થળાંતરની તસવીર સૂઝથી ઊભી કરી છે. લગભગ દરેક દૃશ્યપલટાની વચ્ચે સ્ટેજના કે છેડેથી બીજા છેડે જતા ચાર થાક્યાપાક્યા શ્રમજીવીઓ (ઉમેશ, જિજ્ઞેશ, માનવ અને ફુરકન જે બધા નેપથ્યે પણ છે), પિતાને સાયકલ બેસાડીને જતી છોકરીની દૃશ્યરચના, પ્રકાશ આયોજન (રાહુલ અને માનવ) અને સંગીત( પ્રતીક સોલંકી)ના સુમેળથી એક માહોલ સર્જાય છે, જળવાય છે. શહેરી શ્રમિકોના વતનઝુરાપાનો ભાવ લગભગ આખા નાટકમાં જાગતો રહે તે એક  સફળતા છે.

બધાં જ કલાકારોએ પોતાની ભૂમિકા ભજવવામાં મહેનત કરી છે. પણ કેટલાંક તેમને ભાગે આવેલાં પાત્ર અને તેમની પોતાની આંતરિક ક્ષમતાને કારણે વધુ ધ્યાન ખેંચે એ સ્વાભાવિક છે.

માઇલસ્ટોન, સાયકલ, વજનદાર થેલા, ડાયરી, કાપડની બે નાની દીવાલો જેવી પ્રૉપ્સનો નોંધપાત્ર ઉપયોગ અને એકંદર મંચસજ્જા(નિશ્મા)નો નાટ્યનિર્માણની ગુણવત્તામાં મોટો ફાળો છે.

અચાનક જાહેર કરવામાં આવેલ અવિચારી, લાંબા અને જડ લૉકડાઉનને કારણે માઇગ્રન્ટ લેબરર્સની આઝાદ ભારતમાં ક્યારે ય ન થઈ હોય તેવી દુર્દશા થઈ. પણ આ સ્થળાંતરની શોકાંતિકા તેના મૅગ્નિટ્યૂડના પ્રમાણમાં તો આપણી સરકારો અને આપણા સમાજને સ્પર્શી જ નથી એમ કહેવાનું થાય.

જૂજ અપવાદો બાદ કરતાં મોટા ભાગનાં માધ્યમો અને સર્જકો પણ આ સંવેદનહીનાતામાંથી બાકાત નથી.

આવા માહોલમાં ગુજરાતમાં આદિત્યએ સર્જેલું નાટક, અને તેને સારી રીતે તખ્તા પર મૂકનાર નાટ્યવૃંદ  ઘણાં ધન્યવાદને પાત્ર છે. તેમણે જાણકારોની પાસેથી આ નાટકની મર્યાદાઓને સમજી, નાટકને જરૂરિયાત  મુજબ મઠારીને  તેનાં ઘણાં  પ્રયોગો રાજ્ય અને દેશમાં લઈ જવા જોઈએ.

19 મે 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,3841,3851,3861,387...1,3901,4001,410...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved