Opinion Magazine
Number of visits: 9667429
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કર્ણાટકની ખિસકોલીઓ : છેતરપીંડી તારસ્વરે થાય, પરિવર્તન મંદસ્વરે

રમેશ ઓઝા|Opinion - Opinion|21 May 2023

રમેશ ઓઝા

ભારતીય સંસદીય રાજકારણના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાયું છે. આ ઘટના નવી છે, પણ અપૂર્વ નથી. રાષ્ટ્રજીવનમાં કેટલીકવાર એવું બનતું હોય છે કે રાજકીય સમજ ધરાવનારા, ખુલ્લા સમાજનું મૂલ્ય સમજનારા અને માટે પ્રતિબદ્ધતા ધરાવનારા, કાયદાના રાજની કિંમત સમજનારા, મૂલ્યનિષ્ઠ જાહેરજીવન ઇચ્છનારા, સત્તાનું રાજકારણ કરનારા કોઈ પણ પક્ષ સાથે સીધો સંબંધ નહીં ધરાવનારા અર્થાત્ સ્પષ્ટ રાજકીય ભૂમિકા ધરાવનારા, પણ નિર્દલીય નાગરિકો ચૂંટણીમાં સીધો હસ્તક્ષેપ કરે છે. ભારતમાં ૧૯૭૭માં આવું બન્યું હતું, જ્યારે ઇન્દિરા ગાંધીએ ઈમરજન્સી પછી સામાન્ય ચૂંટણી જાહેર કરી હતી. કેટલીક પળ અસ્તિત્વની પળ હોય છે.

૧૯૭૭માં આ લખનાર જેવા હજારો યુવકો દેશ પર ઈમરજન્સી લાદનાર અને એ દ્વારા નાગરિકની આઝાદીને કુંઠિત કરનાર કાઁગ્રેસને પરાજીત કરવા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા જેઓ એકબીજાને ઓળખતા નહોતા કે કોઈ સંગઠન સાથે સંકળાયેલા નહોતા. દરેકની એક જ નિસ્બત હતી; લોકતાંત્રિક ભારતીય રાષ્ટ્રને બચાવી લેવું જોઈએ. ચૂંટણી જાહેર થયા પછી મુંબઈમાં પાંચ ગાર્ડનમાં યોજાયેલી વિરોધ પક્ષોની એ પહેલી સભા હતી. જયપ્રકાશ નારાયણે લોકફાળા માટે અપીલ કરી હતી. હું એક ડબામાં લોકો પાસેથી ફાળો ઉઘરાવતો હતો ત્યાં એક બી.ઇ.એસ.ટી.ની બસ આવી. ડ્રાઈવરે બસ ઊભી રાખી અને મારા ડબ્બામાં થોડાક પૈસા નાખ્યા. આવા અનુભવ મારા જેવા બીજા અનેક યુવકોને ત્યારે થયા હશે. એ પછી જે બન્યું એ ઇતિહાસ છે.

દરેક યુગ જુદો હોય છે, દરેક યુગના રાજકીય પ્રશ્નોનું સ્વરૂપ જુદું હોય છે એટલે હસ્તક્ષેપનું સ્વરૂપ પણ જુદું હોય છે. ઈમરજન્સી એ ઇન્દિરા ગાંધીની ઊઘાડી તાનાશાહી હતી જ્યારે અત્યારે લોકશાહી માર્ગે લોકશાહીને ક્ષીણ કરવામાં આવી રહી છે. આખું જગત કહે છે કે ભારતીય લોકતંત્ર ચૂંટણીકીય લોકતંત્ર (ઈલેક્ટોરલ ડેમોક્રસી) છે, જેમાં નિયમિત ચૂંટણીઓ તો યોજાય છે, પરંતુ પ્રતિપક્ષોને મુકાબલો કરવા માટે એક સમાન અનુકૂળતા (લેવલ પ્લેઇંગ ફિલ્ડ) આપવામાં આવતી નથી. વિરોધ પક્ષોને મળતા પૈસાના સ્રોતને સૂકવી નાખવામાં આવે છે. પોતાને મબલખ પૈસા મળે એવી વ્યવસ્થા કરવામાં આવે છે. પૈસા અને સત્તાના જોરે મીડિયા, ચૂંટણીપંચ, ભાડૂતી ફિલ્મ નિર્માતાઓ એમ દરેકને ખરીદવામાં આવે છે. આ રીતે વિરોધ પક્ષો સામે અનૂકુળતાની પ્રચંડ અસામનતા પેદા કરીને અથવા પ્રચંડ પ્રતિકૂળતા પેદા કરીને તેમની લોકતાંત્રિક જમીન આંચકી લેવામાં આવે છે.

આ સિવાય ચૂંટણીકીય લોકતંત્ર (ઈલેક્ટોરલ ડેમોક્રસી) અને ઉદારતાયુક્ત લોકતંત્ર (લિબરલ ડેમોક્રસી) વચ્ચે ફરક છે. એ નાગરિકના અધિકારોને પણ કુંઠિત કરે છે. બીજા પ્રકારનું ઉદારતાવાળું લોકતંત્ર સાચું લોકતંત્ર છે. પ્રાણવાન લોકતંત્ર છે. એમાં નાગરિકોને ડરાવવામાં નથી આવતા. ધર્મ, પરંપરા, સંસ્કૃતિ અને રિવાજોને નામે નાગરિકોને સતાવવામાં નથી આવતા. વિરોધીઓની પાછળ ટ્રોલિંગ કરનારા શ્વાનોને છોડી મૂકવામાં નથી આવતા. ઇતિહાસ સાથે અને કોઈના ભણતર સાથે ચેડાં કરવામાં નથી આવતા. ચૂંટણીકીય લોકતંત્ર માત્ર લોકતંત્રનું બાહરી કલેવર હોય છે એમાં અસ્થી, મજ્જા અને પ્રાણ નથી હોતાં. દેખીતી વાત છે કે ઉપર કહ્યા એવા નાગરિકોને આ ફરક પણ સમજાતો હોય. તેઓ બુદ્ધિમાન છે, જાતવફાઇ ધરાવે છે અને ઉપરથી સમાજ માટે નિસ્બત ધરાવે છે. તેમને ખબર છે કે આવી સ્થિતિ તેમની આવનારી પેઢીનું અને દેશનું નખ્ખોદ વાળશે.

દેખીતી રીતે ઊઘાડી તાનાશાહી કરતાં આ છૂપી તાનાશાહી વધારે ખતરનાક હોય છે. ઊઘાડી તાનાશાહી બંદૂકના જોરે ટકી રહે છે, જ્યારે છૂપી તાનાશાહી પ્રજાના એક વર્ગના મસ્તિષ્ક પર કબજો કરીને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. પ્રજાનો એક વર્ગ હોંશેહોંશે પોતાનું અહિત કરીને તેમને ટેકો આપે છે.

આવી સ્થિતિમાં હવે જ્યારે પ્રજા સામે પ્રજા હોય ત્યારે સુજાણ નાગરિકે હસ્તક્ષેપ કરવામાં સાવધાની રાખવી પડે છે. અને સાવધાની તેમ જ સંયમ ન રાખી શકે તો સુજાણ શેનો!

૧૯૭૭ પછી પહેલીવાર સુજાણ નાગરિક સમાજે કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો. અત્યંત ગણતરીપૂર્વક અને અસરકારકપણે. તેમની નિસબત હતી પ્રાણવાન લોકતંત્રને પાછું ધબકતું કરવું. મબલખ પૈસા, ગોદી મીડિયા, પ્રચારાત્મક ફિલ્મો, આંગળિયાત ચૂંટણીપંચ વગેરેએ પેદા કરેલી પ્રતિકૂળતાઓ વચ્ચે વિરોધ પક્ષોને અનુકૂળતા પેદા કરી આપવી. એ એટલા માટે કે સત્તાપરિવર્તન સિવાય લોકતંત્ર બચવાનું નથી અને સત્તાપરિવર્તન માટે રાજકીય પક્ષોનું હોવું અને જીતવું જરૂરી છે. આ કામ પ્રબોધન દ્વારા કરવાનું હતું, પ્રજાની વચ્ચે વિગ્રહ પેદા કરીને નહીં.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે દેશનાં અને કર્ણાટકના ૧૨૦ જેટલાં નાગરિક સમાજનાં સંગઠનોએ ભેગા મળીને ઇડેલુ નામનાં પ્લેટફોર્મની રચના કરી. ઈડેલુનો અર્થ થાય છે, જાગો. વેક અપ, કર્ણાટક. આની શરૂઆત ચૂંટણી જાહેર થઈ એના છ મહિના પહેલાં કરવામાં આવી હતી. એમાં હજારોની સંખ્યામાં યુવક યુવતીઓ જોડાયાં હતાં અને તેમણે તેમની ક્ષમતા અનુસાર કામની વહેંચણી કરી લીધી હતી. દેશ સામે જોખમ કઈ વાતનું છે એ વાત ગામડિયો પણ સમજી શકે એટલી સરળ ભાષામાં સમજાવતું આજની પરિભાષામાં નેરેટિવ્ઝ તૈયાર કરવામાં આવ્યું હતું અને એ પણ દૃશ્ય શ્રાવ્યનાં અનેક માધ્યમોમાં. ૫૫૦ પોસ્ટર, ૮૦ વીડિયોઝ અને લોકસંગીતના ઢાળમાં ગીતોનાં સાત આલ્બમ. તેની દસ લાખ કોપીઝ તૈયાર કરવામાં આવી હતી અને હાથોહાથ કોપીની કોપી કરવાનું અને વહેંચવાનું કહેવામાં આવ્યું હતું. લોકોને છેતરપિંડીનાં સ્વરૂપ વીશે પણ જાણકારી આપવામાં આવી હતી. તેઓ તમારી સમક્ષ મુસલમાનો વિષે, ટીપુ સુલતાન વિષે, કેરળ વિષે શું કહેશે એ પણ કહેવામાં આવ્યું હતું. તેમને એમ પણ કહેવામાં આવ્યું હતું કે બરાબર ચૂંટણી વખતે કેરળ વિષે તમને એક ફિલ્મ બતાવવામાં આવશે.

તેમણે ૨૫૦ વર્કશોપ કર્યાં હતાં. ૧૦૩ મતદારક્ષેત્રોમાં વિશેષ ઘ્યાન કેન્દ્રિત કરવાનો નિણર્ય લેવામાં આવ્યો હતો. પૂરો સમય આપનારા પાંચ હજાર યુવક યુવતીઓ વચ્ચે આ મતદારક્ષેત્રો વહેંચી આપવામાં આવ્યા હતા. આ સિવાય પોતાની અનુકૂળતાએ સમય આપનારાઓ અલગ. ૧૯૨ ટીમ બનાવવામાં આવી હતી. ચાર જથ્થાની રચના કરવામાં આવી હતી જેણે કર્ણાટકમાં સંગીત, ફિલ્મ, નુક્કડનાટક વગેરે પ્રબોધનનાં માધ્યમો સાથે યાત્રા કરી હતી. મત તોડનારા અગંભીર રાજકીય પક્ષોને કહેવામાં આવ્યું હતું કે તેઓ ઉમેદવાર ઊભા ન રાખે અને જો રાખશે તો તેઓ લોકોને જણાવશે કે તેઓ કોના માટે કામ કરે છે. ૪૯ અગંભીર ઉમેદવારોએ ઈડેનુના કહેવાથી ઉમેદવારી પાછી લીધી હતી.

તમને આ વાતની જાણ હતી? ક્યાંથી હોય! જાણ કરવાની મનાઈ છે. તમને કદાચ ખબર નહીં હોય કે ઈડેનુએ ચૂંટણીપૂર્વે સર્વે કર્યો હતો અને તેનો સર્વે ૯૫ ટકા સાચો ઠર્યો છે, જ્યારે કે બીજા માતબર અખબારોનાં એક્ઝીટ પોલ પણ ખોટા સાબિત થયા હતા. બીજું ઈડેનુના કોઈ માણસને તમે ટી.વી. પરની ચર્ચમાં નહીં જોયો હોય. છેતરપીંડી તારસ્વરે થાય, પરિવર્તન મંદસ્વરે થાય.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 21 મે 2023

Loading

ધર્માંધતાઃ સામાજિક સ્થિરતા અને શાંતિને પાંગળી કરવા રાજકરાણીઓને ગમતું શસ્ત્ર

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|21 May 2023

હિંદુત્વની ફિલસૂફી એક રાજકીય ઊપજ છે જે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં પેદા થઇ હતી. તેને પ્રાચીન ભારતીય પરંપરાઓ સાથે કંઇ લેવાદેવા નથી

ચિરંતના ભટ્ટ

જ્યારે ભારતના ભાગલા થયા, ત્યારે દેશમાં માહોલ ભયંકર હતો. આ હકીકત નવી નથી, અજાણી નથી. કોમવાદ એક લોકશાહી રાષ્ટ્રને હચમચાવી શકે છે એ ખબર હોવા છતાં એને પૂરી રીતે દૂર રાખવાનું પણ શક્ય નથી. ઇતિહાસની એક વાસ્તવિકતા એ છે કે જ્યારે અંગ્રેજોના સંકજામાંથી ભારતને છોડાવવાનો હતો ત્યારે સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ બન્ને એમ માનતા હતા કે આ લોકોને અહીંથી કાઢવા હશે તો ભાગલા સ્વીકારવા સિવાય કોઇ બીજો રસ્તો નથી. 1947નો ભારત દેશ બહુ જુદા જ સંજોગોમાંથી પસાર થઇ રહ્યો હતો અને 2023માં ભારત સાત દાયકાથી વધુ સમયથી આઝાદ દેશ હોવા છતાં કોમવાદની ગુલામીમાં લોકશાહીની પીઠે કોરડા ફટકારાઇ રહ્યા છે. ત્યારે પણ કટ્ટરવાદીઓએ કોમવાદની આગ પર પોતાની રોટલી શેકી હતી, પણ ત્યારે આપણા રાજકારણીઓની માનસિકતા તદ્દન જુદી હતી, તેમને સત્તાનો મોહ નહોતો પણ એક સ્થિર, સશક્ત રાષ્ટ્ર ખડું થાય તેમા રસ હતો. સરદાર પટેલે કંઇક આવા અર્થની વાત કરી હતી કે, “અમારો હેતુ લઘુમતીઓને કોઇ ચોક્કસ પદમાં બાંધી દઇ પ્રતિબદ્ધ કરી દેવાનો નથી. બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર ખરા અર્થમાં રચાય તે બધાના જ હિતમાં છે અને માટે જ લઘુમતીએ પણ બહુમતીની નિષ્પક્ષતામાં વિશ્વાસ મૂકવો જોઇએ. લાંબા ગાળે એ ભૂલી જવું જ ઠીક રહેશે કે આ દેશમાં બહુમતી અને લઘુમતી જેવું કંઇ છે અને ભારતમાં માત્ર એક જ સમુદાય છે એ વાત મનમાં રાખવી.” સરદાર પટેલનું તોસ્તાન જેવું બાવલું બનાવનારાઓ સરદાર પટેલના આ વિચારોથી કદાચ અજાણ હશે અથવા તો તેમને સગવડિયો સ્મૃતિભ્રમ થયો હશે. ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મની સમજને નેવે મૂકી દઇને હિંદુવાદનો દેકારો અત્યારે જે રીતે ચાલી રહ્યો છે,  તે ખરેખર ચિંતાજનક છે. વિવિધતામાં એકતાની વાતનો જ્યાં ગૌરવ લેવાતું હતું એ જ દેશમાં અત્યારે કોઇ જુદો જ સૂર આલાપાઇ રહ્યો છે. છેલ્લા દોઢ દાયકામાં હવાનું પ્રદૂષણ તો વધ્યું જ છે પણ વૈચારિક ધુમ્મસે લોકોની સમજને રૂંધી છે, મર્યાદિત કરી દીધી છે. ભાગલા પડ્યા ત્યારે જે તંગ માહોલ હતો તે એક બહુ મોટા સ્થળાંતરને કારણે હતો. એ બદલાવનાં વર્ષોમાં પ્રગતિવાદી સાહિત્યકારો, પ્રગતિવાદી નાટ્યકારોનો અવાજ લોકો સુધી પહોંચવામાં કશું પણ આડે નહોતું આવતું. પાકિસ્તાન ભારતથી છૂટું પડ્યું એ એક ભાગલા અને આજે એક ધર્મના લોકો જ્યાં રહેતા હોય ત્યાં બીજા ધર્મના લોકોને ઘર ન મળે એ આપણા ઘર આંગણે થતા ભાગલા અને તેમાં સતત નાના નાના ટૂકડા થતા જ રહે છે. એક રાષ્ટ્રમાં અલગ અલગ ધર્મના ખાના બની રહ્યા છે, જેમાં ઝનૂન છે, ગુસ્સો છે, ધિક્કાર છે, બહુમતી ધર્મના વાદની સરમુખત્યારશાહી છે. ધર્મ આધારિત આતંકવાદનો ફેલાવો પણ એક સત્ય છે અને એ કારણે વૈશ્વિક રાજકારણમાં બહુ મોટા પરિવર્તન આવ્યા, ઇસ્લામોફોબિયા પણ ફેલાયો. પણ આતંકવાદને કોઇ ધર્મ નથી હોતો. વાડાબંધી સમાજમાં થાય ત્યારે આતંકીઓ નહીં પણ આમ આદમી પીસાતો હોય છે. ધર્મ કોઇ પણ હોય તેનો ઉપયોગ માનસિક શાંતિ માટે થવો જોઇએ, આતંક કે અરાજકતા ફેલાવવા નહીં.

વિશ્વના કોઇપણ દેશની માફક ભારત પણ અનેક બદલાવોમાંથી પસાર થયો છે. વૈદિક સંસ્કૃતિ, હૂણોનું અહીં આવવું, મુગલોનું દેશને પોતાનો કરીને રહેવું અને પછી અંગ્રેજોનો સામ્રાજ્યવાદ – આ બધામાંથી પસાર થયેલો દેશ વિખેરાયો, જોડાયો એવું ઘણું ય થયું. શાસકો બદલાયા અને રાજકીય પરિવર્તનના પ્રવાહોએ દેશને બદલવાનું ચાલુ રાખ્યું, ક્યાંક બધું ય એક તાંતણે બંધાયેલું રહેતું પણ આંતરિક વૈમનસ્યના રાજકારણે ભારતનો મિજાજ બદલ્યો છે. એક સમયે ધૂલ કા ફૂલ નામની ફિલ્મમાં ગીત આવતું, ‘તું હિંદુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા’ – સાહિલ લુધિયાનવીના આ શબ્દોમાં ભારતની બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર હોવાની ઓળખ ઘૂંટાતી. હવે ‘કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ધી કેરાલા સ્ટોરી’ જેવી ફિલ્મોમાં જાણે દર્શકોના મનમાં સૌહાર્દના નહીં, પણ ધિક્કારનાં બીજ વાવવાના સીધા અથવા આડકતરા પ્રયાસો થાય છે. સરદાર પટેલ અને નહેરુ જેવા નેતાઓએ લધુમતીને સલામતી આપી, વિશ્વાસ કેળવીને એક થવાની વાત કરી હતી, જ્યારે આજે શાસકોનો આડકતરો સૂર છે હિંદુવાદનો વાવટો ફરકાવો, બીજા ધર્મોને નીચા બતાડો. ધર્માંધતા વર્તમાન રાજકારણીઓને માટે જાણે હુકમનું પાનું છે. ધર્માંધતાની તલવાર ફરે ત્યારે સ્ટેન સ્વામી જેવા કેટલાયના જીવ હોમાય છે અને વિરોધ દર્શાવવા સાંતા ક્લોઝના પૂતળાં બાળવામાં આવે છે તો મસ્જિદની બહાર જય શ્રી રામની નારેબાજી પણ થાય છે. હિંદુત્વવાદીઓ પોતાને ભારતીય પરંપરાનો હિસ્સો ગણાવવા સજ્જન સંભાષણો પણ કરે છે પણ વાસ્તવિકતા તો એ છે કે હિંદુત્વની ફિલસૂફી એક રાજકીય ઊપજ છે જે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં પેદા થઇ હતી. તેને પ્રાચીન ભારતીય પરંપરાઓ સાથે કંઇ લેવાદેવા નથી. ભારતીય ઉપખંડનો ઇતિહાસ સમૃદ્ધ છે પણ ભારતીય રાષ્ટ્રએ તો હજી હમણાં જ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો છે – આ બન્ને અંગે જેમને સ્પષ્ટતા નથી એ લોકોને જેણે તાજમહેલ બનાવડાવ્યો છે એ શાહજહાં સામે એવો વાંધો પડે છે કે એ દેશદ્રોહી હતો – પણ સવાલ એ થાય કે ભારતની એક રાષ્ટ્ર તરીકે રચના થઇ તેના ૩૦૦ વર્ષ પહેલાં થઇ ગયેલો આ બાદશાહએ કયા રાષ્ટ્રનો દ્રોહ કર્યો હશે, ભલા!?

વિવાદો, તોડફોડ, હિંસા અને બીજા ધર્મો કે ધર્મ ગુરુઓ પ્રત્યે અપમાનજક વિધાનો કરવા કંઇ નવી વાત નથી. ૧૯૨૪માં મહંમદ પૈયગંબર વિશે રાજ પાલે ઉર્દૂ ચોપાનિયા રંગીલા રસૂલમાં લખ્યું ત્યારે પણ વિવાદ થયો તો ૮૦ના દાયકામાં સલમાન રશ્દીના સેતાનિક વર્સિઝનો વિરોધ થયો અને ગયા વર્ષે લેખકે એક હુમલામાં એક આંખ ગુમાવી, તો ૨૦૦૮માં એમ.એફ. હુસૈનના પેઇન્ટિંગનો વિરોધ થયો હતો. બહુમતી ધર્માંધતાએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં અન્ય ધર્મ પ્રત્યેના, ખાસ કરીને મુસ્લિમ ધર્મ પ્રત્યેના ધિક્કારની ધાર કાઢવામાં કંઇ બાકી નથી રાખ્યું. લવ જિહાદ, ગૌહત્યા, ધર્માંતરણ જેવા મુદ્દે ‘લિંચિંગ’નો ભોગ બનેલા મુસલમાનોના ઘણા કિસ્સા છે. વળી સાવરકરના ચાહકોની પીઠ થાબડવાથી માંડીને ‘સિલેબસ’ બદલવાના ખેલ જેવું ઘણું બધું ચાલી રહ્યું છે. દરેક પક્ષનો પોતાનો એજન્ડા હોય છે અને એજન્ડાના ખેલમાં જીતવા માટે તેઓ માનવાધિકાર, લોકશાહી, સહિષ્ણુતા અને બિનસાંપ્રદાયિકતા જેવી આપણા રાષ્ટ્રની ઓળખને કોમવાદની આગમાં એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના હોમી દે છે.

બિનસાંપ્રદાયિક ભારતમાં ફેલાઇ રહેલી ધર્માંધતા ખતરાની ઘંટી છે. અગ્રણીઓ અને સશક્ત બહુમતીએ ધર્માંધતા સામે અવાજ ઉઠાવવો જરૂરી છે પણ બહુમતીઓ જો વાદ અને ધર્મનો તફાવત સમજ્યા વિના રાજકારણીઓની વાતોના ચક્રવ્યૂહમાં ફસાશે તો તેઓ પોતાની સ્વતંત્રતા ક્યારે ગુમાવી બેસશે તે તેમને પોતાને પણ નહીં ખબર પડે. વર્તમાન શાસક પક્ષને ધર્માંધતાની બાજી ખેલવાનું ગમે છે પણ એનાથી રાષ્ટ્ર બૌદ્ધિક, આર્થિક, સામાજિક દૃષ્ટિએ પાંગળું બનશે એવું ભવિષ્ય તેમને કાં તો દેખાતું નથી અથવા તેમને તેની પરવા નથી. દરેક ધર્મના નાગરિકે પોતાના ધર્મનો દુરુપયોગ ન થાય, તે માનસિક શાંતિ માટે વપરાય ન કે વૈમન્યનું ઝેર ફેલાવવા તેની તકેદારી રાખવાની અંગત જવાબદારી લેવી જોઇએ.

ભારતના નાગરિક તરીકે સંપ અને પ્રેમથી રહેવાની ચાહ જો દર્શાવી શકીશું તો રાજકારણીઓ પાસે બીજા કોઇ રસ્તા નહીં બચે. સોશ્યલ મીડિયાથી સમાજમાં પ્રસરતા ધિક્કારને ધક્કો મારી વાસ્તવિકતામાં ઐક્ય દેખાડવાની હિંમત ભારતીયોએ કરવી પડશે.

તાજેતરમાં એક્ટર આશુતોષ રાણાએ કરેલું એક કાવ્યપઠન વાઇરલ થયું છે, એમાંથી પણ આપણે કંઇ શીખીશું – સમજીશું તો લેખે લાગશે …

બાંટ દિયા ઇસ ધરતી કો, ચાંદ સિતારો કા ક્યા હોગા?

નદિયોં કે કુછ નામ રખે, બહતી ધારોં કા ક્યા હોગા?

શિવ કી ગંગા ભી પાની હૈ, આબે ઝમઝમ ભી પાની,

મુલ્લા ભી પિએ, પંડિત ભી પિએ, પાની કા મઝબહ ક્યા હોગા?

ઇન ફિરકાપરસ્તોં સે પૂછો ક્યા સૂરજ અલગ બનાઓગે?
એક હવા મેં સાસ હૈં સબ કી, ક્યા હવા ભી નઇ ચલાઓગે?

નસ્લોં કા કરેં જો બંટવારા, રહબહ વો કૌમ કા ઢોંગી હૈ,

ક્યા ખુદા ને મંદિર તોડા થા યા રામ ને મસ્જિદ તોડી હૈ?

બાય ધી વેઃ

‘ધી કેરલા સ્ટોરી’ ફિલ્મની એક પ્રેસ કોન્ફરન્સ થઇ જેમાં ધર્માંતરણનો ભોગ બનેલી ૨૬ છોકરીઓ જેમને ફરી પાછી હિંદુ ધર્મમાં લવાઇ છે તેમને પણ હાજર રખાઇ. આ ‘ઇવેન્ટ’માં જે પણ વાત થઇ એમાં વારંવાર આર્ષ વિદ્યા સમાજમ્‌ નામના સનાતન ધર્મ શીખવતા આશ્રમની તરફેણમાં વાત કરાઇ, ત્યાં ડોનેશન આપવાની અપીલ પણ કરાઇ કારણ કે તે આશ્રમ ધર્માંતરણના ચુંગાલમાં ફસાયેલા લોકોને પોતાના ધર્મ તરફ પાછા વાળે છે. આ જ આશ્રમ ભૂતકાળમાં વિવાદમાં સપડાઇ ચૂક્યો છે કારણ કે પોતાની ઇચ્છાથી કોઇ બીજા ધર્મમાં – ખ્રિસ્તી કે મુસલમાન ધર્મમાં પરણેલી છોકરીઓને અહીં બળજબરીથી લવાતી હોવાની ફરિયાદો પોલીસમાં નોંધાઇ ચૂકી છે. જે છોકરીએ ફરિયાદ નોંધાવી હતી તેણે પોલીસને એમ કહ્યું હતું કે અહીં બીજા ધર્મમાં શું બૂરું છે એ વિશે જ વાત કરવામાં આવે છે, તેમની પર સી.સી.ટી.વી. કેમેરાથી નજર રખાય છે, વાતો રેકોર્ડ કરાય છે, જાજરૂ જાય તો દરવાજા બંધ કરવાની છૂટ નથી અપાતી અને આટલું ઓછું હોય તેમ છોકરીઓને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવે છે જેથી તેઓ ડરીને જ બીજા ધર્મના સાથી સાથે છેડા ફાડી નાખે. આ પણ ‘ધી કેરલા સ્ટોરી પાર્ટ – ૨’ બની શકે. જો તમે ‘ધી કેરલા સ્ટોરી’ જોઇ હોય તો સુધીર મિશ્રાએ બનાવેલી ફિલ્મ ‘અફવા’ જોવાનું પણ ચૂકતા નહીં, ઘણું બધું સમજી શકાશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 મે 2023

Loading

છે ને ટાઈટ સ્પોટ ? માથાભરેપણું અને પ્રતિષ્ઠા બન્ને એક સાથે ન ચાલે

રમેશ ઓઝા|Opinion - Opinion|21 May 2023

રમેશ ઓઝા

નવ વર્ષમાં પહેલીવાર નરેદ્ર મોદીની સરકાર અંગ્રેજી શબ્દપ્રયોગ વાપરીએ તો ટાઇટ સ્પોટમાં મૂકાઈ ગઈ છે. ડાબે કે જમણે કે આગળ કે પાછળ એક ઈંચ પણ ખસવામાં જોખમ છે. નરેંદ્ર મોદી મનોરથ સેવે છે કે તેઓ વિશ્વનાં એક મહત્ત્વના નેતાનું સ્થાન પામે. આર્થિક અને જાગતિક સિક્યુરિટીનાં સમીકરણો જોતાં એ શક્ય પણ છે, પરંતુ એ ભારતનાં કારણે. સાત દાયકા પહેલાં જે સ્થિતિ હતી એનાથી ઊલટી સ્થિતિ છે. ત્યારે વિશ્વ રાજકારણમાં જવાહરાલ નેહરુનો અંગત દબદબો હતો, ભારત તો મદદ કરવી પડે એવો ગરીબ દેશ હતો. આજે ભારતનો ખપ છે એટલે વડા પ્રધાન માટે વિશ્વ રાજકારણમાં સ્થાન મેળવવું સહેલું છે.

પણ સમસ્યા એવી જટિલ છે કે કયો રસ્તો અપનાવવો એ સમજાતું નથી. એક તો રશિયા અને ચીન વચ્ચે ધરી રચાઈ નથી રહી, રચાઈ ચૂકી છે. ભારત ચીનથી રક્ષણ મેળવવા રશિયાનો હાથ ઝાલવા માગે છે પણ રશિયાએ અમેરિકા અને નાટો દેશોથી બચવા ચીનનો હાથ ઝાલી લીધો છે. દેખીતી રીતે રશિયા ચીનની ધરીમાં ભારત સ્થાન ન પામી શકે. આ બાજુ ચીને ભારતની ભૂમિ ઉપર કબજો કર્યો છે અને સરકાર ઊંહ કે આંહ કરતી નથી. ગોદી મીડિયા લોકોનું ઘ્યાન બીજે દોરે એનો અર્થ એવો નથી કે જગતને ભારતની સંકડામણની જાણ નથી. લદાખમાં ૬૭માંથી ૨૪ થાણાં ચીને ભારત પાસેથી છીનવી લીધાં છે એની કબૂલાત સરકારે હમણાં કરવી પડી હતી. આનો અર્થ એ થયો કે ભારતીય લશ્કર ભારતનાં કબજા હેઠળની ભૂમિમાં પેટ્રોલિંગ કરી શકતું નથી. અરુણાચલ પ્રદેશમાં પણ ચીન આવીને બેઠું છે. ચીને એક પક્ષીય રીતે અરુણાચલ પ્રદેશનું અને તેનાં સ્થાનોનાં નામ બદલી નાખ્યાં છે. ભારત અને ચીન વચ્ચે ૧૮ રાઉન્ડની ચર્ચા પછી પણ કાંઈ નિષ્પન્ન થયું નથી. બે દેશના સંરક્ષણ પ્રધાન અને વિદેશ પ્રધાન વચ્ચે પણ વાટાઘાટો થઈ છે પણ ચીન ટસનું મસ થતું નથી.

ભારત પાસે વિકલ્પ બચે છે અમેરિકા અને પશ્ચિમના દેશોનો. જપાન અને ઓસ્ટ્રેલિયાનો. પણ આ બધા દેશો ભારતથી ભૌગોલિક રીતે દૂર છે. જો યુક્રેન યુરોપનો હિસ્સો હોવા છતાં અને નાટોનું સભ્ય હોવા છતાં જોઈએ એવી મદદ ન મળે તો ચીન સામે ભારતને શું મદદ મળવાની! આ સિવાય અમેરિકા ભરોસાપાત્ર નથી. અમેરિકા ચીન સામે ભારતનો ઉપયોગ કરવા માગે છે. આમ અમેરિકા અને બીજા લોકતાંત્રિક દેશોની પાંખમાં બેસવાથી ફાયદો થશે જ તેની કોઈ ખાતરી નથી.

હવે આ પાછા લોકશાહી દેશો. તેની પાંખમાં જવાથી ફાયદો થશે કે નહીં એની કોઇ ગેરંટી નહીં પણ એ દેશો ભારતના શાસકો પાસેથી લોકતાંત્રિક મર્યાદા જાળવવાનો આગ્રહ રાખે છે. વર્ગમાં તોફાન કરવાનું નથી. માનમર્યાદા જાળવીને વર્તવાનું છે. શિસ્ત જાળવી રાખવાની છે. તોફાનો કરવાનાં નથી. અને આ બધું કર્યા પછી ફાયદો શું થશે? ભગવાન જાણે.

એક તરફ ચીન અને રશિયાની ધરી, બીજી તરફ ભારતની ભૂમિ ઉપર ચીનનો કબજો અને ચીનની દાદાગીરી, ત્રીજી તરફ બિનભરોસાપાત્ર અમેરિકા અને બીજા લોકતાંત્રિક દેશો, પાંચમી તરફ એ લોકશાહી દેશોનો ભારતના શાસકો પાસેથી લોકતાંત્રિક મર્યાદા જાળવવાનો આગ્રહ.

પણ લોકતાંત્રિક માન મર્યાદા જાળવે તો ઘર આંગણે વિરોધનો સામનો કરવો પડે અને કોઈ વિરોધી જોઈતો નથી. લોકોને જવાબ આપવો પડે અને કોઇને જવાબ આપવો નથી. લોકતાંત્રિક સંસ્થાઓનું ગળું રુંધ્યા વિના તેને સ્વતંત્ર રીતે કામ કરવા દેવી પડે અને એ પરવડે એમ નથી. આખરે વિરોધીઓને અને વિરોધપક્ષોને ખતમ કરીને એકપક્ષીય શાસન લાદવું છે. પ્રતિપક્ષોને ચૂંટણી લડવામાં એક સમાન તક (લેવલ પ્લેયિંગ ફિલ્ડ) આપવી પડે અને એ આપવી નથી. નાગરિકોના અધિકારોનો આદર કરવો પડે અને એ કરવો નથી. વખતે સત્તા ગુમાવવી પડે અને એ ગુમાવવી નથી. એમાં વળી કર્ણાટકનાં પરિણામો ધક્કાદાયક આવ્યાં. રાહુલ ગાંધીની ઈમેજ સુધરી છે, કાઁગ્રેસની તાકાત વધી રહી છે, કાઁગ્રેસમાંથી જે જવા માગતા હતા એ જતા રહ્યા છે, વિરોધ પક્ષો સામૂહિક રણનીતિ બનાવી રહ્યા છે અને ઉપરથી નાગરિક સમાજ લોકશાહી તેમ જ સહિયારા ભારતને બચાવવા મેદાનમાં ઉતર્યો છે. ટૂંકમાં સ્થિતિ એવી પ્રતિકૂળ બની રહી છે કે હજુ વધુ માથાભારે થવું પડે એમ છે.

માથાભારે થવાથી ઘર આંગણે અઢળક સત્તાકીય ફાયદાઓ છે પણ વિશ્વનેતા બનવામાં તે બાધારૂપ છે. ચીન સામે લોકશાહી દેશોનો ટેકો જોઈતો હોય તો તેમાં માથાભારેપણું બાધારૂપ છે. ચીન અને રશિયા નામના બે માથાભારે દેશોએ ધરી રચી લીધી છે એટલે ત્યાં જગ્યા નથી. જ્યાં સ્વાભાવિક જગ્યા હોવી જોઈએ ત્યાં જગ્યા નથી.

તો કરવું શું? રસ્તો જડતો નથી. આને કહેવાય ટાઇટ સ્પોટ. બી.બી.સી.ની ડોક્યુમેન્ટરી ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો અને બી.બી.સી.ની ઑફિસો પર રેઇડ પાડી તો એનાં પડઘા બ્રિટનમાં સંસદમાં પડ્યા. ‘ગાર્ડિયન’ નામનાં લંડનના અખબારે નરેંદ્ર મોદીની સરખામણી પુતિન સાથે કરી. પુતિન ઇન મેકિંગ. અમેરિકાના ગૃહ મંત્રાલયે બહાર પાડેલા વાર્ષિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતનાં વર્તમાન શાસકો લઘુમતિ કોમના વિરોધી છે, લઘુમતિ કોમ સાથે ભેદભાવ કરે છે, સતાવે છે અને લઘુમતિ કોમના લોકોની કતલેઆમ (માસ કિલિંગ) થાય એવી શક્યતા પણ છે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમમાં ભારત ૧૮૦ દેશોમાં ૧૬૧મું સ્થાન ધરાવે છે. ગામનાં ઉતાર હોવાની ખ્યાતિ ધરાવતા દેશો કરતાં પણ પાછળ. જગતભરના મીડિયા નરેંદ્ર મોદીને તાનાશાહ અથવા બની રહેલા તાનાશાહ તરીકે ઓળખાવી રહ્યા છે. એમાં આવતા સપ્ટેમ્બર મહિનામાં ભારત ‘જી ૨૦’ દેશોની શિખર પરિષદનું યજમાન બનવાનું છે. સપ્ટેમ્બર મહિનો હવે દૂર પણ નથી. નરેંદ્ર મોદી ઇચ્છે છે કે ‘જી ૨૦’માં તેમનાં ઓવારણાં લેવાય પણ ઓવારણા લેવડાવવા હોય તો મર્યાદામાં રહેવું પડે. બીજી બાજુ આ વરસમાં ત્રણ મહત્ત્વનાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે અને આવતાં વરસે લોકસભાની. મર્યાદામાં રહેવું પોસાય એમ નથી. સભ્યતા એ લોકોને પોસાય જે પરાજય સ્વીકારવા તૈયાર હોય.

છે ને ટાઇટ સ્પોટ? માથાભારેપણું અને પ્રતિષ્ઠા બન્ને એક સાથે ન ચાલે. ઘર આંગણે કોઈ પણ સંજોગોમાં સત્તા ગુમાવવી નથી એટલે માથાભારે બનવું જરૂરી છે અને ચીન સામે વિશ્વદેશોનો ટેકો જોઈતો હોય અને જગતમાં પ્રતિષ્ઠા રળવી હોય તો માન મર્યાદા જાળવનાર ડાહ્યા બનવું પડે.

આના એક ઉપાય તરીકે કિરણ રીજીજુની પાસેથી કાયદા મંત્રાલય આંચકી લેવામાં આવ્યું કારણ કે તેઓ સર્વોચ્ચ અદાલત અને ન્યાયતંત્ર સાથે બાખડતા હતા. જગતમાં ઊહાપોહ મચ્યો કે ભારતમાં સ્વતંત્ર ન્યાયતંત્રનું કાસળ કાઢવામાં આવી રહ્યું છે. પણ આટલું પૂરતું નથી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 મે 2023

Loading

...102030...1,1321,1331,1341,135...1,1401,1501,160...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved