Opinion Magazine
Number of visits: 9458203
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નેતાઓને સત્તા ભલે આપીએ, રાજ્યના સ્વરૂપ સાથે ચેડાં કરવાનો અધિકાર ન અપાય

રમેશ ઓઝા|Opinion - Opinion|19 January 2023

રમેશ ઓઝા

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનકરે ગયા અઠવાડિયાના બુધવારે જયપુરમાં કહ્યું હતું કે ૧૯૭૩ના કેશાવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતનો બહુમતી ચુકાદો જોતાં પ્રશ્ન થાય છે કે શું આપણે લોકતાંત્રિક નથી? ગયા અઠવાડિયે આપણે જોયું એમ કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતની ૧૩ ન્યાયમૂર્તિઓની બેન્ચમાંથી સાત ન્યાયમૂર્તિઓએ ચુકાદો આવ્યો હતો કે સંસદને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર છે, પણ બંધારણના મૂળભૂત માળખામાં (બેઝિક સ્ટ્રકચર) ફેરફાર કરવાનો અધિકાર નથી. મૂળભૂત માળખામાં શું આવે છે એ પણ આ શ્રેણીમાં જણાવવામાં આવ્યું હતું.

લોકશાહી દેશમાં અંતિમ પ્રભુસત્તા (સોવરેન્ટી) નાગરિક ધરાવે છે અને નાગરિક જેને પોતાનો બહુમૂલ્ય મત આપીને બહુમતી સાથે પસંદ કરે એ લોકપ્રતિનિધિઓ તેમ જ શાસકો આપોઆપ નાગરિકોની પ્રભુસત્તાના અધિકારી બને છે. જગદીપ ધનકરની દલીલ આ છે. જો લોકોના પ્રતિનિધિઓ લોકોએ આપેલા કૉલનું પાલન ન કરી શકે તો એ લોક્શાહી કહેવાય? જયદીપ ધનકર સવાલ કરે છે.

હવે ધનકર સાહેબને તો જાણ છે, પણ તમને કદાચ જાણ નહીં હોય કે ૧૯૭૦ના દાયકામાં ઇન્દિરા ગાંધી અને તેમના ધનકરો બરાબર આ જ દલીલ કરતા હતા જે આજે કરવામાં આવી રહી છે પણ ત્યારે બી.જે.પી.ના પૂર્વાવતાર ભારતીય જનસંઘે તેનો વિરોધ કર્યો હતો. રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘે પણ તેનો વિરોધ કર્યો હતો. ખાતરી કરવી હોય તો જનસંઘના એ સમયના ઠરાવો અને સંઘના મુખપત્રોમાં છપાયેલા સંપાદકીયો અને લેખો જોઈ જાવ. સંઘ અને જનસંઘના નેતાઓએ ત્યારે કાઁગ્રેસના ધનકરોને સમર્થન આપવું જોઈતું હતું, પણ નહોતું આપ્યું. સાચા લોક્શાહીવાદી છો ને? હજુ એક હકીકત તરફ ધ્યાન ખેંચું? એ સમયે સંઘ પરિવારના નેતાઓ બંધારણના બેઝીક સ્ટ્રક્ચરની વ્યાખ્યા કરનારા ન્યાયમૂર્તિ એચ.આર. ખન્નાને માથે લઈને નાચતા હતા. 

લોકશાહી દેશોમાં હંમેશાં ફાસીવાદી સરમુખત્યાર શાસકો લોક્શાહી માર્ગે સત્તા સુધી પહોંચે છે અને પછી લોક્શાહીનું ગળું પીસી નાંખે છે કે જેથી તેમને કોઈ પડકારી ન શકે અને સત્તા પરથી હટાવવાની તો કોઈ જગ્યા જ ન બચે. જર્મનીમાં હિટલર આ રીતે લોક્શાહી માર્ગે જ સત્તા સુધી પહોંચ્યો હતો અને પછી તેણે શું કર્યુ એ ઇતિહાસ છે. હિટલર પણ પોતાને સાચો અને સવાયો લોક્શાહી પ્રેમી અને લોક્શાહીનો રક્ષક ગણાવતો હતો.

ધનકર સાહેબ જેને બંધારણના મૂળભૂત માળખામાં પણ સુધારા કરવાનો અધિકાર આપવા માગે છે એ લોકપ્રતિનધિઓ દેશનાં અને પ્રજાનાં હિતોને વરેલા હોય એ જરૂરી નથી. તેઓ બંધારણને સમજતા હોય અને તેને વરેલા હોય એ જરૂરી નથી. તેઓ સત્તાકીય લાભ માટે પક્ષના શક્તિશાળી નેતાઓની ગુલામી કરતા હોય છે એ તો આપણને રોજ જોવા મળે છે. એકાદ દસકામાં એકાદ લોકપ્રતિનિધિ માંડ મળશે જેણે અંતરાત્માને વફાદાર રહીને મોઢું ખોલ્યું હોય અને પક્ષના નેતાઓ સામે અસંમતિ જાહેર કરી હોય. મોટા ભાગે તો ગામના ઉતાર જેવા લોકો રાજકારણમાં જાય છે અને ખોટા માર્ગે એકઠું કરેલું ધન ખરચીને તેમ જ પક્ષના નેતાઓની ખુશામત કરીને ટિકિટ મેળવે છે અને લોકપ્રતિનિધિ બને છે. જે પોતાનાં અંતરાત્માને વફાદાર નથી એ દેશનાં અંતરાત્માની રખેવાળી કરે? અને જેની બૌદ્ધિક ક્ષમતા દેશના સરેરાશ નાગરિકની સરેરાશ બૌદ્ધિક ક્ષમતા કરતાં પણ ઓછી છે એ શું લાબું જોઈ શકાવાનો! આવા ભ્રષ્ટ અને અલ્પબુદ્ધિ નેતાઓને સત્તા ભલે આપીએ, રાજ્યના સ્વરૂપ સાથે ચેડાં કરવાનો અધિકાર ન અપાય.

માટે સર્વોચ્ચ અદાલતે કેશવાનંદ ભારતી કેસમાં કહ્યું હતું કે લોકપ્રતિનિધિઓને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર ખરો, પણ બંધારણનાં મૂળભૂત માળખાની બાબતે નહીં. લોકો દ્વારા ચુંટાઈને લોકપ્રતિનિધિ બન્યો એનો અર્થ એવો નથી કે એ આખા દેશનો અવાજ છે. અને અવાજ છે તો એ એક અવાજ છે અને તેની સામે બીજા ઘણા અવાજો છે. જો એ લોકોનો અવાજ છે તો એ આજનો અવાજ છે, સર્વકાલીન અવાજ નથી. માટે આ લખનારે ઇન્દિરા ગાંધીના વખતમાં પણ લોકપ્રતિનિધિના અબાધિત અધિકારની દલીલનો વિરોધ કર્યો હતો અને આજે પણ કરે છે. હા, કેટલાંક ગોદી ગલૂડિયાંઓએ ૧૯૭૦ના દાયકાને ભૂલી જઇને આજે સૂર બદલ્યો છે અથવા ચૂપ રહે છે. જ્યાં બૌદ્ધિકોને ખરીદવામાં આવતા હોય અને જ્યાં બૌદ્ધિકો વેચાતા હોય ત્યાં લોકતંત્રની સલામતી કેટલી?

અહીં એક પ્રસંગની યાદ અપાવવી યોગ્ય રહેશે. ૧૯૫૯-૬૦ના વરસમાં નાણાવટી ખૂન કેસ બહુ ગાજ્યો હતો. એ કેસ ગાજ્યો એનું કારણ જ્યુરી હતું. એ જમાનામાં અદાલતને મદદરૂપ થવા ખટલાની સુનાવણી વખતે આમ નાગરિકોની બનેલી જયુરીને બેસાડવામાં આવતી. જ્યુરીના સભ્યો જજની સાથે સાથે સુનાવણી વખતે બન્ને પક્ષની દલિલો સાંભળતા અને પછી પોતપોતાનો અભિપ્રાય જજને આપતા. હેતુ એવો હતો કે એક કરતાં વધુ કાન સાંભળતા હોય અને એક કરતાં વધુ ચિત્ત છણાવટ કરતાં હોય તો ન્યાયદાનની પવિત્ર ભૂમિમાં નિર્દોષને અન્યાય ન થાય. પણ નાણાવટી ખૂન કેસમાં કેવો અનુભવ થયો? ખૂનના આરોપી કમાન્ડર કે.એમ. નાણાવટીનું મોહક વ્યક્તિત્વ અને તેમના વકીલ કાર્લ ખંડાલાવાલાની હાવભાવયુક્ત નાટ્યપૂર્ણ (થિયેટ્રિકલ) અસ્ખલિત અને ધુંવાધાર દલીલો સાંભળીને અદાલતની જ્યુરીના સભ્યો અને અદાલતમાં ઉપસ્થિત લોકો મેસ્મેરાઈઝ્ડ થઈ ગયા. એમાં પાછી આરોપી સ્ત્રી હોય અને ઉપરથી બેવફા પત્ની હોય તો પૂછવું જ શું? અદાલતમાં પ્રેક્ષકોને ભાવવિભોર કરી મૂકે એવું નાટક ભજવાયું અને ખૂનીની જગ્યાએ બેવફા સ્ત્રી વિરુદ્ધ અને તેનાં પ્રેમી વિરુદ્ધ જ્યુરીનો મત બન્યો. બાય ધ વે, વાચકોને હું ‘એક રુકા હુઆ ફેંસલા’ નામની ફિલ્મ જોવાની ભલામણ કરું છું.

જ્યુરીના સભ્યો એરે ગેરે નથુ ખેરે નહોતા. સમાજમાં થોડીઘણી પ્રતિષ્ઠા ધરાવનારા લોકો હતા. કાયદાનું ભલે ઊંડું નહીં, પણ પ્રાથમિક જ્ઞાન ધરાવતા હતા. તેમની પાસે દોરવાયા વિના નીરક્ષિર વિવેકની અપેક્ષા હતી પણ તેઓ ભાન ભૂલી ગયા અને કાંઠો છોડીને વહી ગયા. એ ખટલા પછી જયુરીની સિસ્ટમ ખતમ કરી નાખવામાં આવી.

જો જયુરીના સભ્યો ભાન ભૂલી જાય તો સામાન્ય નાગરિક ભાન ભૂલે એમાં કોઈ નવાઈ ખરી! ઘણીવાર કોઈ નેતાની પાછળ લોકો ભાન ભૂલી જતા હોય છે. ઍડૉલ્ફ હિટલરે તેની આત્મકથામાં લખ્યું છે કે પ્રજામાં સ્ત્રીનાં લક્ષણો હોય છે એટલે તેની અંદર કોઇને વરવાની એક પ્રકારની તડપ હોય છે. નેતાને માત્ર પ્રજાની અંદર તેના પ્રતિ વરવા માટેની તડપ પેદા કરતા આવડવું જોઇએ. પછી જુઓ શું થાય છે! નેતા એ પછી પ્રજાનાં સમર્થન દ્વારા ધારે એવી મનમાની કરી શકે છે.

પ્રજાનો સાથ અને પ્રજાનો અવાજ એ જ લોકતંત્ર એવો એક ખોટો ખ્યાલ લોકોમાં તો શું, વિદ્વાનોમાં પણ પ્રવર્તે છે. ૧૯૬૭માં ગોલખનાથ કેસમાં સર્વોચ્ચ અદાલતે બંધારણમાં મૂળભૂત અધિકારોની બાબતે સુધારા કરવાનો સંસદને અધિકાર નથી એવો ચુકાદો આપ્યો ત્યારે સમાજવાદી સંસદસભ્ય બેરિસ્ટર (પ્લીઝ નોટ, બેરિસ્ટર) નાથ પૈએ લોકસભામાં ખરડો રજૂ કર્યો હતો. ખરડામાં એવી જોગવાઈ હતી કે બંધારણમાં કોઈ પણ પ્રકારના સુધારા કરવાના સંસદના અધિકારને રોકવાના સર્વોચ્ચ અદાલતના અધિકારને મર્યાદિત કરવો જોઇએ. કારણ? કારણ કે લોકસભાના સભ્યોને લોકોએ ચૂંટ્યા છે, તેઓ લોકોનાં અવાજનું પ્રતિનિધિત્વ કરે છે, તેને વાચા આપે છે, વગેરે. પ્રજાના અને દેશનાં હિતમાં કઈ નીતિ અપનાવવી એ શાસકોએ નક્કી કરવાનું છે અને એમાં અદાલત અવરોધ પેદા ન કરી શકે. એ નીતિ માટે પ્રજાની સંમતિ મળી ગઈ એટલે પત્યું. એ સમયે બીજા એક સમાજવાદી નેતા અને સંસદસભ્ય મધુ લિમયેએ નાથ પૈને ટોણો મારતાં કહ્યું હતું કે તમે જો કાયદા સાથે ઇતિહાસનો પણ અભ્યાસ કર્યો હોત તો સારું થાત.

જો નાથ પૈં જેવો માણસ મુગ્ધતામાં વહી જાય તો ભારતીય રાજ્યને કોના ભરોસે મુકવું? ભારતીય રાજ્યને બંધારણને ભરોસે જ મુકાય, કારણ કે રાજ્યની કલ્પના બંધારણમાં છે અને બંધારણે દરેક પક્ષકારને વિવેકની મર્યાદામાં બાંધ્યા છે. ટકાઉ સંતુલન રચીને આપ્યું છે અને એ સંતુલનને ખેરવવાનો કોઈને અધિકાર નથી. પ્રજાનો અવાજ, પ્રજાની સર્વોપરિતા વગેરે વાતો છેતરામણી છે. પોતાનાં પક્ષે સંતુલન ખોરવવાની રમત છે.

ઇન્દિરા ગાંધીનો હેતુ સમાજવાદી ભારતનાં નિર્માણનો હતો. એમાં વિચારધારા ઉપરાંત રાજકારણ પણ હતું. પોતાની ગરીબ તરફી ઈમેજ વિકસાવવાનો ઈરાદો હતો અને તેમાં ન્યાયતંત્ર આડું આવતું હતું. અત્યારના શાસકોનો ઈરાદો હિંદુરાષ્ટ્ર સ્થાપવાનો છે અને તેમાં ન્યાયતંત્ર આડું આવી શકે છે. આ જે ઉધામા છે એ હિંદુ રાષ્ટ્ર માટે બંધારણ પર ધાડ પાડવા માટેના છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 19 જાન્યુઆરી 2023

Loading

જૈનો અને મુસ્લિમો સહિત સૌ ધર્મીઓ સુધરશે ખરા? સાધુ કઈ ઉંમરે થવાય? લગ્ન કઈ ઉંમરે થાય?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|18 January 2023

હેમંતકુમાર શાહ

આજે ‘ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ની અમદાવાદ આવૃત્તિમાં ફોટા સાથે એક સમાચાર છે કે સુરતમાં આઠ વર્ષની દેવાંશી સંઘવી નામની એક છોકરીએ જૈન સાધ્વી થવા માટે દીક્ષા ગ્રહણ કરી. આવું થયા જ કરે છે, વારંવાર. જે પુખ્ત ઉંમરની વ્યક્તિઓ સંપૂર્ણ સંસાર ભોગવ્યા પછી પણ સાધુ થતી નથી, તેઓ પાછા આવાં બાળકોના ત્યાગ પર ગૌરવ લે છે!

આવાં નાની ઉંમરનાં બાળકો કોઈ પણ ધર્મમાં દીક્ષા લઈને સાધુ બને તે યોગ્ય કેવી રીતે કહેવાય?

હિન્દુ ધર્મમાં આટલી નાની ઉંમરે સાધુ કે સાધ્વી થતા હોય કે ખ્રિસ્તી ધર્મમાં પાદરી કે ફાધર કે મધર થતા હોય તો તે જાણમાં નથી. એમ એમનામાં પણ થતું હોય તો તે સદંતર ખોટું જ છે.

બાળક ૮-૧૦ વર્ષનું થાય ત્યાં સુધી રાહ પણ શું કરવા જોવાની? બાળક જન્મે કે તરત જ આપી દો સાધુ કે સાધ્વીને, તેઓ જ એને ઉછેરે અને એને સાધુ બનાવે! હદ થઈ રહી છે આ તો ધર્મને નામે. 

૮-૧૦ વર્ષનાં છોકરા કે છોકરીને શી સમજણ પડે કે સાધુ થવું એટલે શું? “ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના” એવું નિષ્કુળાનંદ સ્વામીનું એક ભજન છે. આ ત્યાગ અને વૈરાગ્ય એટલે શું એનો ખ્યાલ કેવી રીતે આવે આટલી નાની ઉંમરના બાળકને?

બાળક ૧૮ વર્ષની ઉંમરનું થાય તો જ તે લગ્ન માટે લાયક ગણાય એમ બાળ લગ્ન પ્રતિબંધ ધારો કહે છે. તો પછી ૧૮ વર્ષથી ઓછી વયનું  કોઈ બાળક સાધુ કેવી રીતે થઈ શકે? સંસારમાં પ્રવેશ માટેની ઉંમર કાયદાથી નક્કી થાય તો સંસાર છોડવાની ઉંમર પણ કાયદાથી નક્કી થવી જોઈએ. એક ધર્મનિરપેક્ષ દેશમાં એમાં વચ્ચે ધર્મ આવવો જોઈએ જ નહિ.

અમારા ધર્મમાં તો આમ થતું આવ્યું છે કે અમારા ધર્મગ્રંથોમાં આમ લખેલું છે માટે અમે તો એમ જ કરીએ, સરકાર કે કોઈ કાયદો એમાં વચ્ચે ના આવે એવી દલીલ એક ધર્મનિરપેક્ષ ભારત દેશમાં લઘુમતીઓ કર્યા કરે એ તદ્દન વાહિયાત છે.

હમણાં પંજાબ અને હરિયાણાની વડી અદાલતે ૧૫ વર્ષની વયની એક મુસ્લિમ છોકરીનું લગ્ન કાયદેસર ઠરાવ્યું કારણ કે મુસ્લિમ પર્સનલ લો હેઠળ એ શક્ય અને માન્ય છે. પણ બાળ લગ્ન પ્રતિબંધ ધારો-૨૦૦૬ તો ધર્મનિરપેક્ષ કાયદો છે. એમાં ૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિના લગ્ન પર પ્રતિબંધ છે. એ તો મુસ્લિમો સહિત બધાને લાગુ પડવો જ જોઈએ. આ મુદ્દો અત્યારે સર્વોચ્ચ અદાલતમાં પડ્યો છે. જો સર્વોચ્ચ અદાલત એમ કહે કે મુસ્લિમ પર્સનલ લો બરાબર છે આ બાબતમાં, તો સંસદે બાળ લગ્ન પ્રતિબંધ ધારો મુસ્લિમોને પણ લાગુ પડે તેવો કાયદો કરવાની હિંમત કરવી જોઈએ.

શા માટે ધર્મનિરપેક્ષ મુસ્લિમો એમ કહેતા નથી કે ઇસ્લામ ધર્મ ગમે તે કહેતો હોય, કુરાન, શરિયત કે હદીસ ગમે તે કહેતા હોય, પણ ધર્મનિરપેક્ષ ભારત દેશનો કાયદો જ મહત્ત્વનો છે અને તેનું જ પાલન થવું જોઈએ? મુલ્લા, મૌલવીઓ કે આયતોલ્લાહો તો એવું ના જ કહે, પણ જેઓ પોતાને ધર્મનિરપેક્ષ મુસ્લિમ કહે છે તેઓ શા માટે મૌન છે આ બાબતે? શું તેમને અંધ રૂઢિચુસ્ત મૌલવીઓનો અને મુસ્લિમોનો ડર લાગે છે?

બાળ લગ્નો તો હિન્દુઓમાં કાયદો હોવા છતાં પણ મોટા પાયે થાય છે જ. પણ એ ગેરકાયદે છે એ મહત્ત્વનું છે. જે હિંદુઓ કાયદાનો ભંગ કરે તેમને સજા થાય એ પણ એટલું જ આવશ્યક છે. એને જ કાયદાનું શાસન કહેવાય.

જૈનો અને મુસ્લિમો બંને લઘુમતી છે. પણ ભારતમાં ધર્મનિરપેક્ષ થવાની કે ધર્મનિરપેક્ષ કાયદાનું પાલન આ બાબતોમાં કરવાની જવાબદારી માત્ર બહુમતી હિન્દુઓની જ છે એવી માનસિકતા જોખમી છે એ સમજવું જરૂરી છે. જે સમાન નાગરિક ધારો (UCC) લાવવાની વાત બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કલમ-૪૪માં લખવામાં આવી છે તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ બધાને સામાજિક બાબતોમાં પણ સમાન ગણવાનો છે, સામાજિક સમાનતા લાવવાનો છે.

માટે :

(૧) બાળ લગ્ન પ્રતિબંધ ધારો બધા નાગરિકોને કોઈ પણ ભેદભાવ વિના લાગુ પડવો જોઇએ.

(૨) ૧૮ વર્ષથી ઓછી વયની વ્યક્તિ કોઈ પણ ધર્મમાં સાધુ બની શકે નહિ તે પ્રકારનો કાયદો સંસદે કરવો જોઈએ. 

તા.૧૮-૧-૨૦૨૩
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કન્હૈયાલાલ : કર ભલા તો હો ભલા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 January 2023

રાજ ગોસ્વામી

ઓ.ટી.ટી. પ્લેટફોર્મ એમ એક્સ પ્લેયર પર ‘નામ થા કન્હૈયાલાલ’ નામની એક ડોક્યુમેન્ટરી રિલીઝ થઇ છે. તમે આજના જમાનાના કોઈ સિનેમાપ્રેમીને પૂછો કે અભિનેતા કન્હૈયાલાલ સાંભળ્યું છે? તો શકય છે કે દસમાંથી નવ લોકો વળતો સવાલ કરે કે એ વળી કોણ? તમે જો તેમને મહેબૂબ ખાન સર્જિત નરગીસની ‘મધર ઇન્ડિયા’ના દુષ્ટ વ્યાજખોર સુખીલાલાની યાદ અપાવો, તો શક્ય છે કે તેમને કન્હૈયાલાલ યાદ આવી જાય.

લગભગ 50 વર્ષ સુધી, દિલીપ કુમાર, દેવ આનંદ, અશોક કુમાર, મનોજ કુમાર, સુનીલ દત્ત, રાજેન્દ્ર કુમાર, રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, અમિતાભ બચ્ચન જેવા ટોપ સ્ટાર્સ સાથે કામ કરનારા કન્હૈયાલાલનું નામ એવા કલાકારોમાં સામેલ છે, જેમણે તેમના પરફોર્મન્સથી સિનેમા પ્રેમીઓને પ્રભાવિત તો ખૂબ કર્યા હતા, પણ કમનસીબે બહુ ઝડપથી ગુમનામીની ખીણમાં ખોવાઈ ગયા. નિર્દેશક પવન કુમારે આવા કન્હૈયાલાલને પાછા બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે. ડોક્યુમેન્ટરીમાં, અમિતાભ બચ્ચન, નસીરુદ્દીન શાહ, બોમન ઈરાની, બોની કપૂર, જાવેદ અખ્તર, રણધીર કપૂર, સલીમ ખાન, અનુપમ ખેર, જોની લીવર, પંકજ ત્રિપાઠી, બિરબલ, પેન્ટલ જેવા કલાકારોએ પોતપોતાની રીતે કન્હૈયાલાલને યાદ કર્યા છે.

કોણ હતા કન્હૈયાલાલ? આખું નામ કન્હૈયાલાલ ચતુર્વેદી. જન્મ 1910માં વારાણસી. તેમના પિતા, પંડિત ભૈરોદત્ત ચૌબે ત્યાં સનાતન ધર્મ નાટક સમાજ નામની નાટક મંડળી ચલાવતા હતા. એ મંડળી અલગ-અલગ શહેરોમાં નાટકો લઈને જતી હતી. 9 વર્ષના કન્હૈયાલાલને એમાં મજા પડી અને ભણવા-બણવાનું છોડીને પિતા સાથે જોડાઈ ગયા. એમનો મૂળ શોખ લખવાનો હતો (અને એટલે જ મુંબઈના હિન્દી ફિલ્મ  જગતમાં આવ્યા હતા), પણ પિતાનું અવસાન થયું એટલે નાટક મંડળી જાતે ચલાવાનું શરૂ કર્યું.

તેમના મોટા ભાઈ પંડિત સંકટપ્રસાદ ત્યાં સુધીમાં મુંબઈ સ્થાયી થયા હતા અને મૂંગી ફિલ્મોમાં કામ કરતા થયા હતા. વારાણસીમાં નાટક મંડળીનો શક્કરવાર વળતો નહતો, એટલે મોટાભાઈ અને માના કહેવાથી કન્હૈયાલાલ મુંબઈ આવ્યા. મુંબઈમાં એ અભિનય કરવા આવ્યા નહોતા. તેમણે વિચાર્યું હતું કે મુંબઈમાં નાટકો-ફિલ્મો લખીને પૈસા કમાઈશું. ડોક્યુમેન્ટરીમાં તો એવો ઈશારો છે કે મોટાભાઈ ક્યાં ગયા છે તે શોધવા માટે માએ કન્હૈયાલાલને મુંબઈ મોકલ્યા હતા અને તેઓ ખુદ મુંબઈના થઇને રહી ગયા.

ફિલ્મોમાં તેમની શરૂઆતને લઈને બે-ત્રણ વાતો છે. એક વાત પ્રમાણે, અરદેશર ઈરાની, ચીમનલાલ દેસાઈ અને અંબાલાલ પટેલની સાગર મૂવીટોન ફિલ્મ કંપનીની ફિલ્મ ‘સાગર કા શેર’(1937)માં એક્સ્ટ્રા કલાકાર તરીકે પહેલીવાર કામ કર્યું હતું. એ ફિલ્મમાં મહેબૂબ ખાનની પણ એક નાનકડી ભૂમિકા હતી. પાછળથી મહેબૂબ ખાન કન્હૈયાલાલને ‘સુપરસ્ટાર વિલેન’ બનાવી દેવાના હતા. સાગર મૂવીટોનમાં તેમના ભાઈની ભલામણથી કન્હૈયાલાલને કામ મળ્યું હતું અને મહેનતાણામાં ૩૫ રૂપિયા મળતા હતા.

કંપનીની બીજી એક ફિલ્મ, આપણા લેખક કનૈયાલાલ મુન્શીની વાર્તા આધારિત ‘ઝૂલ બદન’ (1938) હતી. એમાં ફિલ્મના હિરો મોતીલાલ(દિલીપ કુમારની ‘દેવદાસ’માં ચુન્ની બાબુની ભૂમિકા માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો)ના પિતાની ભૂમિકા કરતો કલાકાર શુટિંગમાં ન આવ્યો એટલે મોતીલાલે સ્ટુડીઓમાં ‘રખડતા’ કન્હૈયાલાલને કહ્યું કે તું કેમેરા સામે ઊભો થઇ જા. મોતીલાલ કન્હૈયાલાલ કરતાં 11 દિવસ મોટા હતા અને 28 વર્ષના કન્હૈયાલાલે એ ફિલ્મમાં તેમના પિતાની ભૂમિકા કરી હતી! એ જ વર્ષે ‘ગ્રામોફોન સિંગર’ નામની બીજી એક ફિલ્મ આવી, જેમાં સુરેન્દ્ર નામનો હિરો હતો. એમાં પણ કન્હૈયાલાલની નાનકડી ભૂમિકા હતી.

1939માં, કંપનીની ત્રીજી ફિલ્મ ‘સાધના’ આવી. તેમાં (કાજોલની નાની) શોભના સમર્થ અને બિબો (ઇશરત સુલતાન, જે પાછળથી પાકિસ્તાનમાં જઈને એક્ટિંગ કરતી હતી) જેવી મોટી સ્ટાર હતી. એમાં, ચીમનલાલ દેસાઈએ કન્હૈયાલાલ પાસે સંવાદો લખાવ્યા હતા, પણ તેમને સંવાદો બોલતાં સાંભળીને દેસાઈએ ફિલ્મના હિરો પ્રેમ અદિબ(ગાંધીજીએ જોયેલી એક માત્ર ફિલ્મ ‘રામ રાજ્ય’માં એ રામ બન્યો હતો)ના દાદાની ભૂમિકા માટે કન્હૈયાલાલને ઊભા કરી દીધા. ફિલ્મ સફળ નીવડી.

આ ત્રણે ફિલ્મોમાં તેમની નોંધ લેવાઈ હતી, પણ જવાનજોધ કન્હૈયાલાલ હવે ‘ડોસા’ની ભૂમિકામાં બંધાઈ ગયા હતા. વર્ષો પછી એક ઇન્ટરવ્યૂમાં મજાક કરતાં કહ્યું હતું, “સાધનામાં તેમને પિતાને બદલે દાદાની ભૂમિકા કરવાનું પ્રમોશન મળ્યું હતું.”

એમાં બાકી હતું તે મહેબૂબ ખાને પૂરું કર્યું. પાછળથી બ્લોકબસ્ટર ફિલ્મો આપનારા મૂળ ગુજરાતી મહેબૂબ ખાને કન્હૈયાલાલમાં એક દુષ્ટ વિલેન જોયો હતો. 1939માં આવેલી તેમની ફિલ્મ “એક હી રસ્તા”માં તેમણે પહેલીવાર કન્હૈયાલાલને બાંકે નામના એક દલાલની ભૂમિકામાં લીધા હતા, જે ફિલ્મની હિરોઈન માલાનું અપહરણ કરીને એક ધનવાનને વેચી દે છે.

એ જ વર્ષે, સાગર મૂવીટોનનું શટર પડી ગયું. એના પાર્ટનર ચીમનલાલ દેસાઈએ નેશનલ સ્ટુડિયોના યુસુફ ફઝાભાઈ સાથે હાથ મિલાવ્યા. આ નેશનલ સ્ટુડિયોના સહકારથી મહેબૂબ ખાને 1940માં ‘ઔરત’ ફિલ્મ બનાવી હતી. તેમાં વ્યાજખોર સુખીલાલાની ભૂમિકામાં તેમણે કન્હૈયાલાલને લીધા હતા. 17 વર્ષ પછી, 1957માં મહેબૂબ ખાને હિન્દી સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ બનાવી હતી, તે આ ‘ઔરત’ની જ રીમેક હતી. તેમાં ઉર્દૂ નાટકોમાંથી આવેલી સરદાર અખ્તરે (જેની સાથે મહેબૂબ ખાને લગ્ન કર્યા હતાં) રાધાની ભૂમિકા કરી હતી, રામુની ભૂમિકા સુરેન્દ્રએ કરી હતી અને બીરજુની ભૂમિકા યાકુબે કરી હતી. ‘મધર ઇન્ડિયા’માં આ ભૂમિકાઓ અનુક્રમે નરગીસ, રાજેન્દ્ર  કુમાર અને સુનીલ દત્તે કરી હતી.

‘મધર ઇન્ડિયા’માં મહેબૂબ ખાને ‘ઔરત’નો સ્કેલ મોટો કરી નાખ્યો હતો. વાર્તા, તેની ટ્રીટમેન્ટ, કલાકારો, લોકેશન્સ અને સિનેમેટોગ્રાફીની દૃષ્ટિએ ‘તોતિંગ’ (લાર્જર ધેન લાઈફ) ફિલ્મો બનાવાની પરંપરામાં ‘મધર ઇન્ડિયા’ લાઈનમાં પહેલી ઉભેલી ફિલ્મ છે.  

કન્હૈયાલાલની અભિનય ક્ષમતાનો જ એ પુરાવો હતો કે મહેબૂબ ખાને ‘ઔરત’ના બધા એક્ટર્સમાંથી માત્ર કન્હૈયાલાલને ‘મધર ઇન્ડિયા’માં રિપીટ કર્યા હતા. ગરીબીમાં ભૂખ્યાં છોકરાંને મોટા કરતી અને ગામના દુષ્ટ વ્યાજખોરને વશ થયા વગર સુહાગની રક્ષા કરતી નરગીસ માટે ‘મધર ઇન્ડિયા’ માઈલ સ્ટોન સાબિત થઇ, તેમ કન્હૈયાલાલ માટે પહેલાં ‘ઔરત’ અને પછી ‘મધર ઇન્ડિયા’ ટર્નિંગ પોઈન્ટ બની ગઈ. એ જમાનામાં, જ્યારે જૂની ફિલ્મોની રીમેક બનતી ન હતી ત્યારે, મહેબૂબ ખાને આવું દુ:સાહસ પહેલીવાર કર્યું એટલું જ નહીં, તેના વિલેનને પણ એ જ ભૂમિકામાં લીધો.

આનું સંપૂર્ણ શ્રેય કન્હૈયાલાલને જાય છે. એ જમાનાના નો-નોનસેન્સ ફિલ્મ વિશ્લેષક બાબુરાવ પટેલે ‘ઔરત’ ફિલ્મમાં કન્હૈયાલાલના અભિનય માટે લખ્યું હતું કે, “વ્યાજખોર સુખીલાલાની ભૂમિકામાં દર્શકોમાં ઘૃણા પેદા કરવામાં કન્હૈયાલાલ સફળ રહ્યા છે.”

કન્હૈયાલાલે એમાં એવી જાન રેડી દીધી હતી કે મહેબૂબ ખાને ‘મધર ઇન્ડિયા’માં તેમને એ જ ભૂમિકામાં રિપીટ કર્યા અને કન્હૈયાલાલે પણ તેનો ફાયદો ઉઠાવીને સુખીલાલામાં ‘ચાર ચાંદ’ લગાવી દીધા. જેમ ગબ્બર સિંહ માટે ‘શોલે’ અને અમરીશ પૂરી માટે ‘મિસ્ટર ઇન્ડિયા’ કેરિયર-બેસ્ટ સાબિત થઇ હતી, તેવી રીતે કન્હૈયાલાલ માટે ‘મધર ઇન્ડિયા’ એક ઇતિહાસ સર્જી ગઈ. એ પછી જે પણ ફિલ્મો તેમને મળી, તે સૌમાં તેમને એક યા બીજી રીતે સુખીલાલા જેવી જ દુષ્ટતા બતાવાની હતી. એમની એ સફળતા જ તેમના માટે ગાળાનો ફંદો બની ગઈ. ફિલ્મ સર્જકો તેમને બીજી કોઈ ભૂમિકામાં જોવા તૈયાર જ ન હતા, એવો સુખીલાલાનો પ્રભાવ હતો.

એ પછી, 1967માં મનોજકુમારની ‘ઉપકાર’માં લાલા ધનીરામ, 1967માં દિલીપ કુમારની ‘રામ ઔર શ્યામ’માં મુનિમજી અને 1965માં મનોજ કુમારની ‘હિમાલય કી ગોદ મેં’માં ઘોઘર બાબાની ભૂમિકામાં કન્હૈયાલાલને દર્શકોએ બહુ વધાવ્યા હતા. 1981માં, સંજીવ કુમાર, શબાના, મિથુન ચક્રવર્તી, રાજ બબ્બર અને નસરુદ્દીન શાહની ‘હમ પાંચ’ ફિલ્મમાં તેમણે લાલા નયનસુખ પ્રસાદની ભૂમિકામાં ‘સુખીલાલા’ જેવી મીઠી દુષ્ટતાનો પરચો બતાવ્યો હતો.

‘હમ પાંચ’ના શુટિંગવેળા જ તેઓ ગંભીર રીતે જખ્મી થયા હતા. લાંબો સમય સુધી પથારીવશ રહ્યા પછી એ ઊભા તો થઇ શક્યા હતા પણ એ જખ્મ જીવલેણ સાબિત થયો. એક વર્ષ પછી, 14 ઓગસ્ટ 1981ના રોજ કન્હૈયાલાલ દુનિયા છોડી ગયા.

તેમના પરની ડોક્યુમેન્ટરીમાં તેમને અનુલક્ષીને એક ગીત પણ બનાવામાં આવ્યું છે; પહન કે ધોતી કુર્તે કા જામા … સુખીલાલાથી લઈને બીજા તમામ પાત્રોમાં, કન્હૈયાલાલ તેમની ટ્રેડમાર્ક ધોતી અને કુર્તામાં દર્શકોને કાયમ માટે યાદ રહી ગયા છે. 1972માં, રાજેશ ખન્ના-મુમતાઝની ફિલ્મ ‘દુશ્મન’માં ગામના દુષ્ટ વેપારી દુર્ગા પ્રસાદની ભૂમિકા કરી હતી. તેમાં તેમનો એક સંવાદ બહુ મશહૂર થયો હતો; કર ભલા તો હો ભલા. સંવાદ સાધારણ હતો પણ કન્હૈયાલાલ તેને જે રીતે બોલતા હતા એટલે લોકોના મનમાં જડાઈ ગયો હતો. અસલ જીવનમાં પણ એ ભલા માણસ જ હતા. કદાચ એટલે જ જલદી ભુલાઈ ગયા.

પ્રગટ : ‘સુપરહિટ’ કોલમ, “સંદેશ”, 18 જાન્યુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1301,1311,1321,133...1,1401,1501,160...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved