Opinion Magazine
Number of visits: 9743259
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહારાષ્ટ્ર રાજકીય કટોકટીઃ મહારાષ્ટ્રનો ગઢ જીતવા ભા.જ.પા.ની નીતિમાં સામ-દામ-દંડ-ભેદ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|9 July 2023

ભા.જ.પા.નો હાથ પકડનારી શિવસેનાને માટે તેમના નેતા નરેન્દ્ર મોદી નથી જ, તેમને માટે બાળ ઠાકરેનો પ્રભાવ અને મોભો મોખરે છે, વળી અજિત પવાર ભલે કંઇપણ કરે પણ કાકા શરદ પવારને મોટાભા ન બનાવવાની ભૂલ તો કોઈ ભોગે નહીં કરે

ચિરંતના ભટ્ટ

ડિજીટલ પત્રકારત્વની ભાષામાં વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોમાં એક જ કી-વર્ડ સતત ચર્ચામાં રહ્યો છે, ટ્રેન્ડમાં રહ્યો છે અને તે છે ‘મહારાષ્ટ્ર પૉલિટીકલ ક્રાઇસિસ’. પવારના પાવર પૉલિટીક્સને કારણે મહારાષ્ટ્રની રાજનીતિમાં જે પણ થઇ રહ્યું છે તે જોઇને એમ લાગે કે જાણે બિગ-બૉસનો શો ચાલી રહ્યો હોય. વિપક્ષો સાથે કામ પાર પાડવાની, તેમને તોડવાની, પોતાની તરફ કરી દેવાની ભા.જ.પા.ની નીતિ પૂર્વ-યોજિત ગેમ પ્લાન છે. વળી ભા.જ.પા.એ જ્યાં જ્યાં આ વ્યૂહરચના અમલમાં મૂકી છે ત્યાં ત્યાં હંમેશાંથી વિપક્ષમાં કોઇ એક એવો ચહેરો રહ્યો છે જેનો પ્રભાવ બહુ મજબૂત હોય એટલે ભા.જ.પા.ને ટેકો મળે કે તે ટેકો આપે છતાં ય પ્રમુખ ચહેરામાં જે તે પક્ષના મૂળમાં જે નેતા હોય એ જ રહે પછી ભલે તે સાંકેતિક હોય. 2024 લોકસભાની ચૂંટણી માથે આવીને ઊભી છે એટલે ષડયંત્રો, રાજનીતિની ચોપાટ અને કહેવાતા વિશ્વાસઘાતની મોસમ પૂરજોશમાં બેઠી છે અને એમાં ય મહારાષ્ટ્રમાં તો આ મોસમ મુંબઈના વરસાદની માફક જમાવટ કરીને બેઠી છે. 

ભા.જ.પા. માટે એક તીર બે નિશાન તો શરદ પવારને મળ્યું કર્મનું ફળ

 ભા.જ.પા.એ શિવસેના અને એન.સી.પી. બન્નેના પાયા પોકળ તો કરી જ નાખ્યા પણ હવે જોવાનું એ છે કે એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર વચ્ચે સત્તા માટે જે ધમાસાણ યુદ્ધ થવાનું છે, એ સંતુલન ભા.જ.પા. કેવી રીતે જાળવશે. લોકસભાની ચૂંટણીમાં વધારે બેઠકો જોઇતી હશે તો આ ત્રણેયને ખુશ રાખવા પણ જરૂરી છે. હવે શરદ પવારની હાલતની વાત કરીએ તો માળું આ તો હાથનાં કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ થયો છે. વસંત પાટિલનાં પત્ની શાલિની પાટિલે એવી ટિપ્પણી કરી હતી કે આ તો સમયનું ચક્કર ફર્યું છે અને 41 વર્ષ પહેલાં શરદ પવારે જે કર્યું હતું તેવું જ આજે અજિત પવારે તેમની સાથે કર્યું. શરદ પવારે જે તે સમયે વસંતરાવ પાટિલ સાથે સીધી વાત કરવાને બદલે ધારાસભ્યો તોડ્યા હતા. આજે એમના પોતાના ભત્રીજાએ પણ એ જ રસ્તો અપનાવ્યો. ભા.જ.પા.એ તો શરદ પવાર માટે એવી સ્થિતિ કરી જેમાં તેમનો પક્ષ તો તૂટ્યો જ પણ સાથે પરિવારમાં પણ નકરી કડવાશ ફેલાઈ ગઇ. 1978માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કાઁગ્રેસના બે જૂથ અલગ ચૂંટણી લડ્યા અને રાજ્યમાં જનતા પાર્ટીની સરકાર ન બને એટલે બન્નેએ સાથે મળીને સરકાર બનાવી, પણ શરદ પવારે તો પોતાની જ પાર્ટી છોડી અને ધારાસભ્યો તોડી જનતા પાર્ટીને સરકાર બનાવવા સમર્થન આપ્યું. આ રીતે માત્ર 38 વર્ષની ઉંમરે શરદ પવાર મહારાષ્ટ્રના સૌથી યુવાન મુખ્ય મંત્રી બન્યા. પણ હવે તો ઉંમર પણ શરદ પવારની પડખે નથી જે તેમણે યાદ રાખવું જરૂરી છે.

2020માં મધ્ય પ્રદેશમાં કાઁગ્રેસના 25 વધુ ધારાસભ્યો ભા.જ.પા.માં જોડાઈ ગયા હતા. આ આખો ખેલ બે અઠવાડિયાથી ઓછા સમયમાં ખેલાયો. પક્ષ છોડવાની આ શરૂઆત સિંધિયાને પગલે થઇ હતી અને 6 મંત્રીઓ પણ આ દળ-બદલમાં સામેલ હતા. આવું કરે ત્યારે ભા.જ.પા.ની ‘આકર્ષક ઑફર્સ’ હોય એ લટકામાં કારણ કે જે પણ ધારાસભ્ય કાઁગ્રેસ છોડીને ભા.જ.પા.માં આવી જાય એને કોઈ મહત્ત્વનું પદ પણ આપી દેવાય, કોઇને અધ્યક્ષ બનાવાય તો કોઇને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળે એ રીતે કોઇ પદ આપવામાં આવે. ધન અને પદના પ્રલોભનોથી રાજકારણીઓ તોડવા એ ભા.જ.પા.નો જૂનો ગેમ પ્લાન રહ્યો છે. ક્યાંક ભા.જ.પા.ને સફળતા મળી તો ક્યાંક ન મળી.

મહારાષ્ટ્રમાં સત્તા હાથમાં લેવી એ ભા.જ.પા.નું લક્ષ્ય રહ્યું છે. 2024ની ચૂંટણીની તૈયારી રૂપે મહારાષ્ટ્રમાં ભા.જ.પા.એ પોતાની વ્યૂહરચના એકથી વધારે વખત વાપરી છે. મહારાષ્ટ્રમાં ઘુસવું ભા.જ.પા. માટે ક્યારે ય સરળ નહોતું, આખરે એ ત્યારે શક્ય બન્યું જ્યારે જે તે સમયે મહારાષ્ટ્ર પર જેની પકડ હતી તેવી શિવસેના સાથે ભા.જ.પા.એ હાથ મેળવ્યા. 2014થી 2019 સુધી ભા.જ.પા. અને શિવસેનાએ મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર ચલાવી પણ 2019માં શિવસેનાને ભા.જ.પા. પાસેથી મુખ્ય મંત્રી પદ જોઇતું હતું, પણ ભા.જ.પા.એ એ વાત કંઇ ગણકારી નહીં.  આખરે ભા.જ.પા.ના દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય મંત્રી તરીકે અને એન.સી.પી.ના અજિત પવારને નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લેવડાવાયા. અજિત પવારે મસ્ત સોગઠી રમીને એન.સી.પી.માં વિભાજન કરી પોતાની સાથે ઘણા ધારાસભ્યો છે એવો દાવો કર્યો હતો પણ એ બધા ખાલી ફીફાં ખાંડેલા. શરદ પવારે બધા ધારાસભ્યોનો ક્લાસ લીધો, આ તરફ ફડણવીસની સરકાર ભાંગી પડી અને અજિત પાવર ચૂપચાપ શરદ પવાર પાસે પાછા ગયા. આ તરફ પાંચ દિવસમાં ફડણવીસ સરકારનો ખેલ ખલાસ થયો. મહારાષ્ટ્રમાં કાઁગ્રેસ અને શિવસેનાને શરદ પવારને કારણે એક કરી મહારાષ્ટ્ર વિકાસ અઘાડીનું ગઠબંધન રચ્યું. આ ગઠબંધનને પગલે ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રી બન્યા તો એન.સી.પી. તરફથી અજિત પવાર નાયબ મુખ્ય મંત્રી બન્યા અને કાઁગ્રેસને વિધાનસભા અધ્યક્ષ પદ પણ મળ્યું. અઢી વર્ષ થયા અને શિવસેનામાં બળવાખોર રાજનેતાઓએ માથાં ઉંચક્યાં. એકનાથ શિંદે સાથે 40 ધારાસભ્યોએ સરકારને પોતાનું સમર્થન પાછું ખેંચવા કહ્યું, ઠાકરેએ બહુમત સાબિત કર્યા વિના રાજીનામું આપ્યું અને એકનાથ શિંદેને ભા.જ.પે. મુખ્ય મંત્રી બનાવ્યા. આ રાજકીય સિઝનમાં શિવસેનાના બળવા પછી એન.સી.પી.માં ભાગલા પડ્યા, અને અજિત પવારે ગયા અઠવાડિયે જાહેરાત કરી કે પોતે એન.ડી.એ. સરકારમાં જોડાશે અને સાથે 40 ધારાસભ્યને લેતા જશે. અજિત પવાર સાથે પ્રફુલ્લ પટેલ, છગન ભૂજબળ પણ શરદ પવારને આવજો કહી દેશે.

આ આખા ખેલમાં એક જગ જાહેર છતાં ય સીધી રીતે ન દેખાય એવી વાસ્તવિકતા એ છે કે 2024 માટે ભા.જ.પા.ને અજિત પવારની જરૂર છે નહીં કે તેનાથી ઊલટું. ભા.જ.પા. માટે બિહાર, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સ્થિતિ સંવેદનશીલ છે. 2019થી જ એ હવા સ્પષ્ટ હતી કે આ રાજ્યોમાં ભા.જ.પા.ને સર્વોપરી થવું હશે તો એ સરળ નથી. દક્ષિણના રાજ્યોમાં ભા.જ.પા. પોતાનો આંકડો આસાનીથી નહીં જ વધારી શકે, નોર્થ ઇસ્ટમાં પણ તે હવે વધારે બેઠકો જીતી શકે તેમ નથી. શિવસેના સાથેના ભા.જ.પા.એ 2019માં 23 બેઠક જ મેળવી. હવે આ વર્ષની શરૂઆતમાં જે રાષ્ટ્ર સ્તરે પોલ થયા એમાં એવું વર્તાયું કે લોકસભામાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડી 34 બેઠક મેળવી શકે એમ છે અને ભા.જ.પા.ની ઊંઘ ઉડી ગઈ કારણ કે પછી શિવસેનાને સથવારે મહારાષ્ટ્રમાં આવેલ ભા.જ.પા.ને માંડ 14 બેઠક મળે. ભા.જ.પા. અને શિંદેવાળી શિવસેના જે 2019માં 52 ટકા વેટ શેર મેળવી શકી હતી તે ઘટીને હવે 36 જાય એવી વકી છે.

ભા.જ.પા. કોઇપણ રીતે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડીને તોડે એ જરૂરી છે. વળી પક્ષ તોડવામાં ભા.જ.પા.ને ફાવટ છે પહેલા શિવસેના સાથે તો એ થઈ જ ચુક્યું છે અને આ વખતે એન.સી.પી.નો વારો હતો. ભા.જ.પા.એ એક જ કાંકરે બે પક્ષી માર્યા એવું કહી શકાય કારણ કે એન.સી.પી.માં ફાંટા પડ્યા જેથી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી નબળો પડ્યો અને એકનાથ શિંદેની શિવસેના પણ નબળી પડી. જે અજિત પવારને એક સમયે ભા.જ.પા.એ ભ્રષ્ટાચારી ગણાવેલા અને તેમનું રાજીનામું માગેલું એને હવે પોતાની સરકારમાં સત્તા પણ આપી છે. વળી બીજી વાસ્તવિકતા એ પણ છે કે ભા.જ.પા.એ જ્યાં પણ ગઠબંધનની સરકાર કરી છે, બીજા પક્ષોને તોડ્યા છે ત્યાંની પ્રાદેશિક પાર્ટીઓ સાથે તેમણે ઘડેલી સરકાર ટકી નથી. પંજાબમાં ભા.જ.પા.ને લોકોએ ભાવ ન આપ્યો અને આપ સત્તા પર આવી. તેલંગણા, આંધ્ર અને બિહારમાં પણ એ જ ઘાટ થયો છે. હવે અત્યારે બિહારમાં એવો અવાજ ઉઠ્યો છે કે ભા.જ.પા. મહારાષ્ટ્રવાળી કરવાનો પ્રયાસ કરે છે.

આ તોડ-ફોડની રાજનીતિ છે એ તો બધા જાણે છે પણ હકીકત એ છે કે ભા.જ.પા.નો હાથ પકડનારી શિવસેનાને માટે તેમના નેતા નરેન્દ્ર મોદી નથી જ, તેમને માટે બાળ ઠાકરેનો પ્રભાવ અને મોભો મોખરે છે. વળી અજિત પવાર ભલે કંઇપણ કરે પણ કાકા શરદ પવારને મોટાભા નહીં બનાવવાની ભૂલ તો કોઈ ભોગે નહીં કરે. આવું મોટાભાગના રાજકીય પક્ષોમાં થયું છે, દક્ષિણ ભારતમાં જય લલિતાના પક્ષના લોકોએ તેમનો વિરોધ કર્યો અને છૂટા પડ્યા તો ય તેમની તસવીર, તેમને પ્રતીકાત્મક રીતે સાથે રાખવાના બધા કીમિયા તેમણે અનુસર્યા જ. કોઇને ગમે કે ન ગમે પણ સત્ય એ છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં ભા.જ.પા.નો પ્રભાવ એટલો તો નથી જ જેટલો તે ઇચ્છે છે કે હોય. કાઁગ્રેસ તૂટી એ પછી એન.સી.પી., શિવસેના, એ.એન.એસ., એમ.વી.એ. – એવું બધું ચાલતું રહ્યું છે અને ચાલતુ રહેશે. મહારાષ્ટ્રમાં રાજ્યપાલને કોઇ પૂછે નહીં તો અચાનક જ લોકો પગ ધોઈ પાણી પીએ. અહીં વાંદરા અને બિલાડીની વાર્તા જેવું થાય છે, સંતુલન કરી આપવાનો દાવો કરનારો વાંદરો બે ય રોટલી ખાઈ જાય છે, મજાની વાત એ છે કે વાંદરા અને બિલાડીઓના ચહેરા-પક્ષ બદલાયા કરે છે, જેવું જેનું નસીબ. વળી વિરોધપક્ષને નબળો પાડવો એ ફાયદાકારક અને શાલિન રાજનીતિ છે, પક્ષને તોડી નાખનારી તરીકે ભા.જ.પા.ની છબી ખડી થાય એ નુકસાનકારક ગણાય.

બાય ધી વેઃ

ભા.જ.પા.એ એક સમયે અજિત પવારને દગાબાજ ઠેરવ્યા હતા પણ 2024 માટે ભા.જ.પા.ને અજિત પવારની ગરજ છે. ભા.જ.પા.ને એમ લાગે છે કે શિવસેનાથી અલગ થઇને જે વેઠ્યું છે તેની ભરપાઈ કરવામાં અજિત પવાર મદદ કરશે. ભા.જ.પા. ઉત્તર ભારતની બહારના રાજ્યોમાં લોકસભાની બેઠકો વધારવા માટે સામ-દામ-દંડ-ભેદ અપનાવી રહી છે. ઉદ્વવની શિવસેનાનો પ્રભાવ શિંદેની શિવસેનાના વોટ શૅર પર પડશે જ એ ભા.જ.પા.ને ખબર છે. વળી અજિત પવાર સાથે પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે, નરેન્દ્ર રાઠોડ, વિજય દેશમુખ, શિવાજીરાવ ગર્જે જેવા નેતાઓ છે જેમનો પ્રભાવ પોતાની બેઠકો સિવાયના મત વિસ્તાર પર પણ છે જેનો ફાયદો ભા.જ.પા.ને લેવો છે. રાષ્ટ્રીય રાજકારણમાં પણ એન.સી.પી.માં થયેલી તોડફોડનો સીધો પ્રભાવ દેખાશે કારણ કે નિતીશ કુમારને એક ટેકો શરદ પવારનો પણ હતો પણ હવે શરદ પવારની સ્થિતિ જ ડામાડોળ લાગે તો આ વિરોધપક્ષોની મહાએકતા પર તેની સીધી અસર દેખાશે. વળી એન.સી.પી. તૂટે એટલે યુ.પી.એ. પર પણ તેના આંચકા લાગે જ. ઉદ્વવ ઠાકરેની શિવસેના યુ.પી.એ.માં જોડાઇ જાય એવી વકી છે પણ મજબૂતાઇની દૃષ્ટિએ શિંદે શિવસેના ભારે પડે એમ લાગે છે. ટૂંકમાં અજિત પવાર મહારાષ્ટ્રમાં સિક્કો જમાવવા ભા.જ.પા. માટે અનિવાર્ય અનિષ્ટ છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 જુલાઈ 2023

Loading

ભૂ-દાન એ વળી શું બલા છે ? … જમીન જોઈએ એટલે જોઈએ 

રમેશ ઓઝા|Gandhiana, Opinion - Opinion|9 July 2023

બનારસમાં હાસ્યાસ્પદ ઘટના બની રહી છે અને એમાં એટલો જ વિષાદ પણ છે. જો કે કાવ્યશાસ્ત્રીઓ તો કહે જ છે કે હાસ્ય અને વિષાદ એક જ સિક્કાની બે બાજુ છે.

રમેશ ઓઝા

તમે તો જાણો જ છો કે બનારસ (કાશી અને વારાણસી બનારસનાં જ બીજાં બે નામ છે.) વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મતદારક્ષેત્ર છે અને તેનાં વિકાસ માટે વડા પ્રધાન અને તેમના અધિકારીઓ આકાશપાતાળ એક કરી રહ્યા છે. કાશી ભારતનું પ્રાચીન શહેર છે અને જે વાચકોએ કાશીની મુલાકાત લીધી હશે તેમને જાણ હશે કે શહેરની રચના એવી છે કે તેમાં ગંગાને કિનારે એક તસુ જમીન પણ નવસર્જન માટે મળી શકે એમ નથી. અસ્સીથી લઈને રાજઘાટ સુધીનો ગંગાનો કિનારો અને કિનારે પથરાયેલું શહેર એટલું ગીચ છે કે તેમાં જગ્યા શોધવી મુશ્કેલ છે અને વડા પ્રધાનને તેમની આદત મુજબ કશુંક ભવ્ય કરીને જવું છે અને એ પણ પોતાનાં નામે. આ એવું શહેર છે જે હિંદુ, જૈન, બૌદ્ધ અને મુસલમાનો માટે પણ પવિત્ર શહેર છે અને જિંદગીમાં એકવાર બનારસ જવાનો મનોરથ બધા સેવે છે. માટે બનારસમાં રોજેરોજ ભારત ઠલવાતું રહે છે. આવા શહેરમાં ગંગાને કિનારે કશુંક ભવ્ય નિર્માણ કરીને અમર થવું કોને ન ગમે! એમાં જો માણસ આત્મમુગ્ધ હોય તો તો પૂછવું જ શું?

પણ સમસ્યા હમણાં કહી એ જગ્યાની છે. જગ્યા એવી હોવી જોઈએ જે ગંગાને કિનારે હોય અને પંચક્રોશીમાં આવતી હોય. પંચક્રોશીની બહાર હોય તો કાશીની પવિત્રતા જતી રહે અને હિંદુઓ પરિક્રમા કરે નહીં. ટૂંકમાં હિંદુઓ જ્યાં પરિક્રમા કરે છે એની અંદર હોવી જોઈએ. દરબારીઓને કહેવામાં આવ્યું કે જાવ જગ્યા શોધી આવો. જગ્યા એવી હોવી જોઈએ જ્યાં નવો ઘાટ બાંધી શકાય અને તેની સાથે આજુબાજુમાં સેંકડો એકરમાં રીવર ફ્રન્ટ, હેલીપેડ, નદીમાં ચાલતાં હોવરક્રાફ્ટને લાંગરવા માટે બર્થ, સુંદર બગીચો, પાર્કિંગસ્લોટ, ભવ્ય પૂતળાં, કોમ્યુનિટી સેન્ટર, મોલ વગેરે બાંધી શકાય. સિપાહી-સપરાંઓએ તપાસ આદરી અને એક જગ્યા શોધી કાઢી જે ગંગાને કાંઠે છે અને પંચક્રોશીની અંદર છે. વળી ત્યાં ગંગા અને વરુણા એમ બે નદીઓનો સંગમ થાય છે. આ જગ્યા પાછી શહેરને લાગીને છે. કાશીનું એક નામ વારાણસી એટલા માટે છે કે કાશી નગર વરુણા અને અસ્સી એમ બે નદીઓની વચ્ચે ગંગાકિનારે વસેલું છે. આનાથી વધારે યોગ્ય જગ્યા બીજી કોઈ ન હોઈ શકે.

તેમણે ઘાટ માટેની જગ્યા શોધી કાઢી. ત્યાં ડૉ. રામ મનોહર લોહિયાને નામે જે ઘાટ હતો તેને લોહિયાનું નામ મહેનતપૂર્વક માંડ વંચાય એટલી જગ્યા છોડીને બાકીની જગ્યા છીનવી લીધી. અહીં એક પ્રસંગ યાદ આવે છે. ૧૯૬૭માં વિનોબા ભાવેએ ભૂદાન આંદોલન વિષે મૂલ્યાંકન કરવા દરેક રાજકીય પક્ષોના નેતાઓને બોલાવ્યા હતા. તેઓ આંદોલનની કોઈ મર્યાદા હોય તો એ સમજવા માગતા હતા. એ સર્વપક્ષીય બેઠકમાં વિનોબાએ ભારતીય જનસંઘ(અત્યારના ભાજપનો પૂર્વ અવતાર)ના નેતાઓને નહોતા બોલાવ્યા. કારણ બહુ સ્પષ્ટ હતાં. ગાંધી અને સાવરકર, સહિયારું ભારત અને હિન્દુરાષ્ટ્ર, સર્વોદય અને હિન્દુત્વ, સદ્દગુણ ઉપાસના અને સદ્દગુણવિકૃતિ સાથે ન જઈ શકે. વિનોબા આ બાબતે બહુ સ્પષ્ટ હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે ડૉ લોહિયાએ એ બેઠકનો બહિષ્કાર કર્યો હતો, કારણ કે તેમાં ભારતીય જનસંઘને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. જે માણસે જનસંઘની પાલખી ઊંચકવામાં અને જનસંઘને સાથે રાખીને પ્રતિષ્ઠા કમાવી આપવા પોતાનાં ખભા છોલી નાખ્યા એના નામનાં ઘાટને ગળી જવામાં આવ્યો. છોલાયેલા ખભા ઉપર ચડવા માટે વાપરવાના હોય છે, ઋણ યાદ રાખીને ઋણ ઉતારવા માટે નથી હોતા.

હમણાં કહ્યું એમ જનસંઘને પ્રતિષ્ઠા અપાવનારા ડૉ. લોહિયાના ઘાટની જગ્યા સંકોરીને નવા ઘાટ માટે જગ્યા તો શોધી કાઢી, પણ બાકીની જગ્યાનું શું? આદેશ આપવામાં આવ્યો કે ત્યાં ઘાટ બાંધો, પછી બીજી જગ્યા માટે જોયું જશે. આમ નવો ઘાટ બાંધવામાં આવ્યો અને નામ આપવામાં આવ્યું; ‘નમો ઘાટ’. આજે આ લખાય છે ત્યારે શુક્રવારે વડા પ્રધાન દ્વારા ઘાટનું લોકાર્પણ પણ થઈ ગયું.

હવે આજુબાજુમાં સેંકડો એકર જગ્યા શોધવાની હતી. જો કશુંક ભવ્ય ન હોય તો બનારસમાં ઘાટ ક્યાં ઓછા છે! સમસ્યા એ છે કે નમો ઘાટને લાગીને પ્રાચીન કાશીનગરીનાં અવશેષ છે અને તેને હાથ ન લગાડી શકાય. એને જ લાગીને રોઝા ખાનનો મકબરો છે અને તેને પણ હાથ લગાડી ન શકાય. આ બન્ને જગ્યાઓ પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા નોટિફાઇડ છે તેના સંરક્ષણ હેઠળ છે. એની સામે સર્વ સેવા સંઘનો ૧૩ એકરનો કેમ્પસ છે અને એ કેમ્પસને લાગીને જે. કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનનો દોઢસો એકરનો કેમ્પસ છે. હજુ બીજી જમીન છે, પણ સર્વ સેવા સંઘની જમીન એક દમ સામે છે. જો સર્વ સેવા સંઘની જમીન હાથ ન લાગે તો પણ સંકુલ તો બની શકે, પણ એમાં થોડાથી સંતોષ માનવો પડે.

અધિકારીઓ એ તપાસ કરી તો જાણ થઈ કે સર્વ સેવા સંઘે ઉત્તર રેલવે પાસેથી જમીન ખરીદી છે. તેની પાસે વેચાણખત છે, સરકારની તિજોરીમાં પૈસા જમા કરાવ્યા એની પાવતીઓ છે અને સાત બારામાં સર્વ સેવા સંઘનું નામ ચડેલું છે. સર્વ સેવા સંઘ ૬૩ વરસથી એ જમીન પર પવૃત્તિ કરે છે. ૬૩ વરસ દરમ્યાન ત્યાં ભારતના પ્રથમ રાષ્ટૃપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, ચન્દ્રશેખર, વિનોબા ભાવે, જયપ્રકાશ નારાયણ, અચ્યુત પટવર્ધન અને એવા બીજાં સેંકડો ખ્યાતનામ લોકોએ કેમ્પસની મુલાકાત લીધી છે. જયપ્રકાશ નારાયણનું એ કેમ્પસમાં નિવાસસ્થાન છે. બાય ધ વે લોહિયાની જેમ જયપ્રકાશ નારાયણે પણ બિહાર આંદોલન વખતે જનસંઘને સાથે રાખીને પ્રતિષ્ઠા અપાવી હતી અને પોતાના ખભા છોલ્યા હતા. પણ કોઈનો ઉપકાર યાદ રાખવો એ સદ્દગુણ વિકૃતિ છે. કેમ્પસમાં જયપ્રકાશ નારાયણ સ્થાપિત ગાંધી વિદ્યાસંસ્થાન હતું જ્યાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો આવતા-જતા હતા. બાજુમાં જ રેલવેની કોલોની છે એટલે અધિકારીઓની નજર સામે આ પ્રવૃત્તિ ચાલતી હતી અને એ પણ ૬૩ વરસથી.

પણ આદેશનું પાલન કરવાનું હતું. નરેન્દ્ર મોદીના ખાસંખાસ કમિશનર કૌશલરાજ શર્માએ એક મુસલમાનને ઊભો કર્યો અને તેણે ફરિયાદ કરી કે સર્વ સેવા સંઘે રેલવેની જમીન પડાવી લીધી છે. ફરિયાદ પછી રેલવેને જાણ થઈ કે આપણી સાથે છેતરપીંડી થઈ છે. કોઈ વિનોબા ભાવે અને રામકૃષ્ણ બજાજ નામના સખસે આપણી જમીન નકલી દસ્તાવેજો તૈયાર કરીને પડાવી લીધી છે. રેલવેએ ફરિયાદ કરી, જજિલ્લા મેજિસ્ટ્રેટે ફરિયાદ દાખલ કરી, બન્ને પક્ષોને ત્રણ વાર સાંભળ્યા અને સર્વ સેવા સંઘના દસ્તાવેજોની ખરાઈની ચકાસણી પણ કર્યા વિના ચુકાદો આપ્યો કે હા રેલવે સાથે છેતરપીંડી કરવામાં આવી છે અને જમીન રેલવેની છે. જિલ્લા મેજીસ્ટ્રેટે ૨૭મી જૂનની સવારે ૧૧ વાગે ચુકાદો આપ્યો અને બપોરે બે વાગે રેલવેએ બપોરે બે વાગ્યે નોટિસ આપી કે ૩૦મી તારીખે સવારે જમીનનો કબજો લેવામાં આવશે અને મકાનો ઉપર બુલડોઝર ચાલશે.

બોલો, શું કહેશો આ રાજ માટે? જે માણસે ૧૩ વરસ દેશભરમાં પદયાત્રા કરી અને ૪૮ લાખ એકર જમીન ભૂમિહીનોને આપવા માટે દાનમાં મેળવી અને વહેંચી એ વિનોબા ભાવે નામનાં સખસે રેલવેની ૧૩ એકર જમીન પચાવી પાડી અને એ પણ નકલી દસ્તાવેજો તૈયાર કરીને. વેચાણખત પર જેની સહી છે એ રાધાકૃષ્ણ બજાજ નામના શખસ ઉદ્યોગપતિ જમનાલાલ બજાજના પરિવારમાંથી આવે છે. જે સર્વ સેવા સંઘ નામની સંસ્થા છે એની સ્થાપના ડૉ રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નેહરુ, મૌલાના આઝાદ, વિનોબા ભાવે, જયપ્રકાશ નારાયણ, આચાર્ય કૃપાલાની જેવા ૫૦ મહાનુભાવોએ મળીને ૧૯૪૮માં ગાંધીજીની હત્યા પછી સેવાગ્રામમાં એક બેઠક બોલાવીને કરી હતી અને રાજેન્દ્રબાબુ તેના પહેલા અધ્યક્ષ હતા. ભૂદાનયાત્રા દરમ્યાન વિનોબા બનારસ હતા ત્યારે તેમણે તે સમયના રેલવે પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને લખ્યું હતું કે રાજઘાટ નજીક પ્રાચીન કાશી નગરી અને ગંગાની નજીક રેલવેની જમીન આવેલી છે એમાંથી જો થોડીક જમીન રેલવે આપી શકે તો સર્વોદય પ્રવૃત્તિ માટે જોઈએ છે. લાલ બહાદુર શાસ્ત્રીએ કેટલીક જમીન સર્વ સેવા સંઘને આપવાનો નિર્ણય લીધો હતો. એ દરમ્યાન આંધ્ર પ્રદેશમાં મેહબૂબનગર નજીક રેલવે અકસ્માત થયો અને શાસ્ત્રીજીએ રેલવે પ્રધાન તરીકે રાજીનામું આપ્યું. તેમની જગ્યાએ જગજીવન રામ આવ્યા અને તેમણે શાસ્ત્રીજીના નિર્ણય પર અમલ કર્યો. રેલવેએ તેની જમીન સર્વ સેવા સંઘને આપી નથી, વેચી છે. કેમ્પસનું ઉદ્ઘાટન લાલ બહાદુર શાસ્ત્રીએ કર્યું હતું.

કોની સામે આરોપ કરે છે? કાં તો એ લોકો અસંસ્કારી છે અથવા બેશરમ. અમારું રાજ છે ત્યાં વળી કોઈ પૂછનાર કોણ? કોણ ગાંધી અને કોણ ગાંધીના વારસદાર? કોણ રાજેન્દ્ર પ્રસાદ, કોણ લોહિયા, કોણ જેપી અને કોણ લાલ બહાદુર શાસ્ત્રી? કોણ તપસ્વી અને કોણ ત્યાગી? અમે તો ભૂને ઓળખીએ છીએ, ભૂ-દાન એ વળી શું બલા છે. જમીન જોઈએ એટલે જોઈએ.

આ કોઈ પણ ભોગે નમો ઘાટને ભવ્ય બનાવવા માટેની આત્મમુગ્ધતાનું પરિણામ છે કે પછી ગાંધીનો વારસો મીટાવવાનો પ્રયાસ છે? કે પછી બન્ને છે? જવાબ છે; બન્ને. પ્રારંભમાં કહ્યું એમ આ વિષાદજન્ય પ્રહસન છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 જુલાઈ 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—204

દીપક મહેતા|Opinion - Opinion|8 July 2023

ગુજારે જે શિરે તારે, ‘સંશોધક’નો હાથ, તે સહેજે 

સ્થળ : ભીખા બહેરામના કૂવા પાસે 

સમય : કોઈ પણ દિવસની સવારે ચાર વાગ્યે

પાત્રો : પારસીઓનાં પૂતળાં

ભીખા શેઠ : ભલે પધાર્યા માનવંતા મહેમાનો, ભલે પધાર્યા. આય આવી લાગા સર નશરવાનજી માણેકજી પીતીત. પધારો સેઠિયા, પધારો, અને આપની દાસ્તાન કહો.

નસરવાનજી પીતીત

નશરવાનજી : દાસ્તાન કેવી, ને વાત કેવી? કબીરજીએ સાચું જ ગાયું છે :

યહ સંસાર કાગજ કી પુડિયા આગ લગે જલ જાના હૈ

મારી કને શું નહોતું? ધન-દોલત, વાડી-વજીફો. સુખી સંસાર હતો. એક દીકરો, એક દીકરી. દીકરો ચાંદીના નહિ, સુન્નાના ઘૂંઘરે રમેલો. ભણવામાં કાબિલ. અંગ્રેજી સાહિત્યનો તો ઘેલો. ઘરમાં સોજજી લાઈબ્રેરી. બોમ્બેમાં શેકસપિયરનું કે બીજા કોઈનું અંગ્રેજી નાટક ભજવાય ત્યારે પહેલા શોમાં પહેલી રોમાં બેસીને જોવાનું એટલે જોવાનું જ. અંગ્રેજી અને ગુજરાતી, બંને કડકડાટ બોલે, અને સડસડાટ વાંચે. એલ્ફિન્સ્ટન અને ઝેવિયર્સ, બંને કોલેજોનાં પગથિયાં ચડી જોયાં, પણ બેટાનું મન માન્યું નહિ. મારે માટે તો આ બગાસું ખાતાં પતાસું મોમાં પડ્યું. ઓરિયેન્ટલ મિલની સોલ સેલિંગ એજન્સી મારી પાસે. એટલે પોયરાને લગાડી દીધો કામે. થોરા વખતમાં તો સાત સાત કંપનીનો ડિરેક્ટર બની ગયો મારો પોયરો.

રઘલો : ધંધા-ધાપામાં પડ્યા પછે તો એવન પેલું વાંચવા-લખવાનું ભૂલી ગયા હશે.

નશરવાનજી : નહિ રે નહિ. સ્કૂલમાં હૂતો ત્યારથી કવિતાઓ લખતો અને જ્ઞાનવર્ધક, વિદ્યામિત્ર, ગુલ અફશાન, ફુરસદ, પખવાડિયાની મજા જેવાં ચોપાનિયાંમાં એની કવિતા છપાતી. મુને તો એમાં કઈ ગમ પડે નહિ, પણ પોયરાનું નામ છપાયેલું જોઈને રાજી થાઉં.

ભીખા શેઠ : આપના નબીરાને પ્રોવર્બ્સ કહેતાં કહેવતો એકઠી કરવાનો બી ગજબ શોખ હૂતો એમ સાંભળ્યું છે.

નશરવાનજી : અરે, હિન્દોસ્તાનની જ નહિ, દેશાવરની ભાષાઓની બી કહેવતો એકઠી કરેલી. એક સરખા માયનાવાલી કહેવતો સાથે ગોઠવે. અમારા જમાનાના આગળ પડતા ચોપાનિયા ‘વિદ્યાસાગર’માં છપાવે. પણ પોયરાની હયાતીમાં તેની એક બી ચોપરી છપાઈ નહિ. પછીથી એવનના જીગરી દોસ્ત જીજીભાઈ મિસ્ત્રીએ ‘માહારી મજેહ’ નામની કવિતાની ચોપડી અને બાર હજાર કહેવતોવાલી ‘કહેવતમાળા’ છપાવી.

ભીખા શેઠ : જમશેદજીને ફોર્ટ રીડિંગ રૂમ એન્ડ લાઈબ્રેરી માટે ખાસ લગાવ હૂતો. એટલે તેઓ બેહસ્તનશીન થયા પછી નશરવાનજી શેઠે તેને પચીસ હજાર રૂપિયાનું દાન આપ્યું અને એ લાઈબ્રેરી બની જે.એન. પીતીત લાઈબ્રેરી. બોરી બંદરથી ફાઉન્ટન જતા રસ્તા પર આજે બી તે અડીખમ ઊભી છે.

જે. એન. પીતીત લાઈબ્રેરી

નશરવાનજી : સાહેબો! મારો પોયરો નાની ઉંમરમાં આવાં ઉમદા કામ કરી ગયો. પણ આજકાલના ‘સંશોધકો’ની તો વાત જ ન્યારી! થોરા વખત પહેલાં એક ભાઈ મુંબઈનાં પુતલાંઓનો અભ્યાસ કરતા હુતા. ગોવાળિયા ટેંક નજીકના મારા પુતલા વિષે એવને લખ્યું કે ઘન્ની મહેનત કરવા છતાં એવન વિષે કાંઈ બી જાણવા મળ્યું નથી! કેમ નહિ મળે? હજાર હજાર પાનાંના ‘પારસી પ્રકાશ’નાં ત્રણ થોથાં ઉથલાવો, રતનજી ફરામજી વાછાની મોટી મસ ‘મુંબઈનો બહાર’ કિતાબ જુઓ, તો જાણવા મળે જ જ. 

અને બીજી એક ગમ્મત. એ ભાઈએ લખિયું છે કે પુતળાની નીચે જે તકતી ચોડેલી છે તે જોતાં માલમ પડે છે કે આય નસરવાનજી ૧૮૯૧ના નવેમ્બરની બીજી તારીખે બેહસ્તનશીન થયા હતા. પણ હકીકતમાં તો હું એ દિવસે હયાત હૂતો. હું ગુજરી ગયેલો ૨૧મી તારીખે. પણ કોઈ તોફાની બાર્કસે આરસની તકતી પરથી એકડો તોડી નાખ્યો હશે એટલે પેલા ભાઈએ કહી દીધું કે બીજી નવેમ્બરે એવન ગુજરિયા. પેલી એક ગઝલમાં કહ્યું છે ને :

ગુજારે જે શિરે તારે, સંશોધકનો હાથ, તે સહેજે.

ભીખા શેઠ : પધારો, પધારો, સોરાબજી શાપુરજી બંગાલી.

સોરાબજી શાપુરજી બંગાલી

રઘલો : આ શેઠ તો પાક્કા જરથોસ્તી જણાય છે. તો બી એવનની અવટંક ‘બંગાલી’?

સોરાબજી : મારે વિષે વાત કરતાં પહેલાં આ રઘુભાઈના સવાલનો જવાબ આપું. અમારું ખાનદાન અસલ તો સુરત પાસેના ઉમરગામનું વતની. એટલે અમારી અસલ સરનેમ ઉમરીગર. પણ મારા બપાવા નવરોજી ઘણો વખત કલકત્તા રહ્યા એટલે તેમણે પોતાની સરનેમ બદલીને ‘બંગાલી’ કરી. સાતેક વરસની ઉંમરે માયજી અને બાવા સાથે એવન મુંબઈ આવ્યા. પણ ઘરમાં ખાલી હાંલ્લાં કુસ્તી કરે. એટલે ન છૂટકે નવરોજીને ‘પન્તોજી’ની દેશી નિશાળમાં ભણવા મેલ્યા. એવનના બાવાને તેથી ઘણી દિલગીરી. એ જમાનામાં આખા વરસનાં દાણો-પાણી ઘેરમાં ભરી રાખવાનો ચાલ. એટલે માયજી આખું વરસ થોડા થોડા પૈસા બચાવીને ખરીદી માટે ભેગા કરે. એક દિવસે એવા એ પૈસા આપીને માટીડાને કહ્યું કે બજારમાં જઈને આખા વરસનું સીધું-સામાન લઈ આવો. પણ એવનના મનમાં કંઈ જુદો જ કીડો ચવડી આયો. ગયા સીધા પન્તુજીની નિશાળે, ત્યાંથી પોયરાને સાથે લીધો, અને ગયા અંગ્રેજી એસ્કોલમાં. ફીના પૈસા ભરી નામ નોંધાવ્યું અને કહ્યું કે આજથી જ આ છોકરાને દાખલ કરો.

બસ. પછી તો બાવાજીની ગાડી દોડવા લાગી. પહેલાં ચીન સાથે વેપાર કર્યો. પછી સર ચાર્લ્સ ફોર્બ્સે કલકત્તામાં પોતાની વેપારી પેઢી કાઢી તેમાં ભાગિયા બનાવ્યા. પૈસાની ખોટ નહિ. સુન્નાના ઘડ્યા હોય તેવા બે બેટા. પણ હજી તો માંડ ૪૫ વરસના થયા ત્યાં તો ખોદાયજીએ એવનને પોતાની પાસે બોલાવી લીધા. કલકત્તા છોડીને એમના બંને બેટાઓ પાછા મુંબઈ આવી પૂગા.

ભીખાજી શેઠ : સોરાબજી શેઠ એલ્ફિન્સ્ટન સ્કૂલમાં ભણ્યા. પછી અંગ્રેજોની બેન્કોમાં નોકરી કરી. પછી અંગ્રેજી વેપારી પેઢીમાં. પછી શેઠ વરજીવનદાસ અને નરોત્તમદાસ માધવદાસ સાથે ભાગીદારીમાં પોતીકો ધંધો કર્યો. પણ સાથોસાથ ભણતર અને સમાજ સુધારાના જબરા હિમાયતી બન્યા. છાપાંઓમાં લખ્યા પછી પોતાનાં ચોપાનિયાં શરૂ કીધાં : જગત મિત્ર, અને જગત પ્રેમી. પારસી કોમમાં સમાજ સુધારા માટે શરૂ થયેલી ‘રાહનુમાએ માજદી અસની સભા’ના એક આગેવાન બન્યા. ૧૮૫૩થી ૧૮૫૬ સુધી એ સભાના સેક્રેટરી, અને ૧૮૬૪થી ૧૮૬૯ સુધી પ્રમુખ રહ્યા. આખા હિન્દુસ્તાનનું સ્ત્રીઓ માટેનું પહેલવહેલું માસિક ‘સ્ત્રીબોધ’ ૧૮૫૭ના જાનેવારીની પહેલીએ શરૂ થયું ત્યારે તે શરૂ કરનારા ચાર પારસીઓમાંના તેઓ એક હતા. ૧૮૫૮માં તેઓ ‘રાસ્ત ગોફતાર’ ચોપાનિયાના એક માલિક બન્યા. જુદાં જુદાં અખબારો અને ચોપાનિયાંમાં લખેલા લેખોનો તેમનો સંગ્રહ બે દળદાર ભાગમાં ‘ચૂંટી કહાડેલાં લખાણો’ના નામે છપાયો. તેઓ છોકરીઓને ભણાવવાના જબરદસ્ત હિમાયતી હતા. પોતાનાં માયજીની યાદમાં કોટ વિસ્તારમાં તેમણે નિશાળ શરૂ કરી. પોતાના રહેઠાણની બાજુમાં પારસી બજાર સ્ટ્રીટ અને સર ફિરોઝશાહ મહેતા રોડના નાકા પર તેને માટે બંગલા જેવું મોટું મકાન બંધાવી આપ્યું. ૧૯૫૨માં ન્યૂ મરીન લાઈન્સ પર નવા બંધાવેલા પાંચ માળના મકાનમાં સ્કૂલ ખસેડાઈ અને બધી કોમની છોકરીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી. ૧૮૯૩ના એપ્રિલની ત્રીજી તારીખે ૬૩ વરસની ઉંમરે એવન આ ફાની દુનિયા છોડી ગયા હતા.

રઘલો : સેઠ, મને એક વિચાર આવે છે.

ભીખા શેઠ : ઓહોહો! તુને વિચાર બી આવે ચ! મુને તો એમ કે તુને પીધા પછી હીચકી આવે છ તે સિવાય બીજું કંઈ આવતું નહિ હોસે.

નસરવાનજી : સું ભીખા સેઠ! બચારાને બોલવા તો દો. બોલ રઘલા, તને સુ વિચાર આવે ચ?

રઘલો : પારસીઓ બધી બાબતોમાં આગેવાન હુતા એટલે તેમનાં આટલાં બધાં પૂતલાં આ શેરમાં છે. પણ પોલીસ ખાતામાં કામ કરતા કોઈ પારસીનું પૂતળું છે, આ શહેરમાં?

કાવસજી પેટીગરા

(દંડૂકો પછાડતા, પોલીસની વર્દીમાં, એક પારસી સજ્જન આવી પૂગે છે.)

કાવસજી : મારું નામ કાવસજી જમશેદજી પેટીગરા.

રઘલો : પણ તમારા હાથમાં તો પેટી નહિ, દંડૂકો છે!

કાવસજી : તે હોય જ ને. આય મુંબઈ શહેરનો ડેપ્યુટી પોલીસ કમિશનર હતો હું. અગાઉ આય હોદ્દા પર અંગ્રેજોની જ નિમણૂંક થતી. આ હોદ્દા પર નીમાનાર હું પહેલવહેલો દેશી હતો. ધોબી તલાવ પરના મેટ્રો સિનેમા પાસે મારું પૂતળું જોવા મળશે. મારો જનમ હુરતમાં, ૧૮૭૭ના નવેમ્બરની ૨૪મી તારીખે. ૬૩ વરસની ઉંમરે, ૧૯૪૧ના માર્ચની ૨૮મી તારીખે કરાચીમાં ગુજરી ગયો.

રઘલો : પાકિસ્તાન વાળું કરાચી?

કાવસજી : હા, રઘલા. પણ તે વારે બે દેશ જુદા નહોતા, એક દેશ હતો હિન્દુસ્તાન. 

હા, તો સાહેબો! ૧૯૨૮થી ૧૯૩૬ સુધી હું આ શહેરનો ડેપ્યુટી પોલીસ કમિશનર રહ્યો, અને સી.આઈ.ડી. વિભાગનો વડો રહ્યો. એ વખતે ગાંધીજીની સરદારી નીચે આઝાદી માટેની લડાઈ શરૂ થઈ ગઈ હતી, અને અમારા પોલીસ દળે ચોવીસ કલાક ખડે પગે રહેવું પડતું હતું. પણ આગમચ નશરવાનજી સાહેબે કહ્યું તેમ આજકાલના ‘રીસર્ચરો’ સંશોધન શક્તિ તો જવા દો, સામાન્ય બુદ્ધિનો ઉપયોગ પણ કરતા નથી. અંગ્રેજીમાં લખનાર એક ‘સંશોધક’ મારે વિષે કહે છે કે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ વખતે ગાંધીજીની ધરપકડ કરનાર આ પેટીગરા હુતા. અરે ભલા માણસ! એટલું તો વિચારો કે ૧૯૩૭ના એપ્રિલની ૧૧મી તારીખે તો હું પોલીસ ખાતાની નોકરીમાંથી રિટાયર થઈ ગયેલો. તો ૧૯૪૨માં ગાંધીજીની ધરપકડ હું કેવી રીતે કરું? પાછા એ ભાઈ તો બીજી સિક્સર મારે છે. કહે છે કે ગાંધીજીને આ પેટીગરા માટે એટલું માન હુતું કે જ્યારે જ્યારે ધરપકડ થવાની હોય ત્યારે પેટીગરા હાજર રહે તેવો એવન આગ્રહ રાખતા! ભલા માણસ! પોલીસ ખાતું તે કાંઈ હેર કટિંગ સલૂન છે કે ત્યાં જઈને કહી શકાય કે ફલાણા કારીગર પાસે જ હું મોવાળા ઉતરાવીશ! હા, ૧૯૩૨ના જાન્યુઆરીની ચોથી તારીખે સવારે ત્રણ વાગે મુંબઈના મણિભવનમાંથી ગાંધીજીની ધરપકડ થઈ ત્યારે પોલીસની જે ટીમ ગયેલી તેમાં હું શામેલ હતો. પણ અમે બધા પોલીસ કમિશનર જી.એસ. વિલ્સનની રાહબરી નીચે ગયેલા. વોરંટ વાંચી સંભળાવીને ધરપકડ પણ વિલ્સનસાહેબે જ કરેલ. એ આખી બાબત અંગે એવને લાંબો અહેવાલ લખેલો : ‘Story of My Arrest of Gandhi on 4th Jan 1942 during the Civil Disobedience Troubles in Bombay.’ આ અહેવાલની નકલ મણિભવન ગાંધી સંગ્રહાલય પાસે છે. જેમને ખાતરી કરવી હોય તેમણે જોઈ લેવી.

ભીખાજી : ચાલો સાહેબો. આજની સભા બરખાસ્ત કરીએ છીએ. અને હા, આવતા શનિવારની સભા ફ્લોરા ફાઉન્ટન પાસેના હિંદના દાદા, દાદાભાઈ નવરોજીના બાવલા પાસે મળશે.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 08 જુલાઈ 2023) 

Loading

...102030...1,1101,1111,1121,113...1,1201,1301,140...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved