Opinion Magazine
Number of visits: 9743189
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘આવો આવો’ : સુચિ વ્યાસ લિખિત પુસ્તકનો પરિચય 

બકુલા ઘાસવાલા|Diaspora - Reviews|22 July 2023

સુચિબહેન લિખિત ઇન્ડો-અમેરિકન ડાયસ્પોરિક વ્યક્તિચરિત્રો વાંચતાં-વાંચતાં પહેલો વિચાર એ આવ્યો કે આ પુસ્તકનું નામ ‘સુચિનો શંભુમેળો’ રાખવા જેવું હતું . જો કે એમણે તો સમજીવિચારીને ‘આવો આવો’ રાખ્યું છે કારણ કે ગાંધીજીના અંતેવાસી છગનભાઈ અને રમાબહેનની ગાંધીવિચારને વરેલી દીકરી તો દુનિયાના કોઈપણ ખૂણે મોકલો તો ત્યાં આમ ‘આવો આવો’ કરીને જ જીવે. એ તો સારું કે પતિદેવ ગિરીશચંદ્ર અને બન્ને સંતાનો ડોલી અને ભેરુ (એમણે આ જ નામે ઉલ્લેખ કર્યો છે) ક્યારે ય મા સુચિ સાથે એ સંઘર્ષમાં ન ઉતર્યાં કે આ ઘર છે કે ધરમશાળા ! અમેરિકામાં આવીને ધરમધક્કે ચડેલાં કેટલાયે જીવોને પોતાની પાંખમાં લીધાં તેનો તો હિસાબ એમને ન રહ્યો હોય પરંતુ એમાં બરાબર યાદ રહી ગયેલાં પાત્રોની કરમકહાણીની સાથે એમણે એકસો સત્તાવીસ પાનાંના ફલક પર પથરાયેલા પોતાનાં સંસ્મરણોની બિછાત કરી દીધી છે. સુચિબહેનને ટેરવેથી ઝરેલાં એ ત્રેવીસ કથાનકો વાસ્તવમાં તો લાંબી લેખણ માટે શબ્દાંકનનો અવકાશ માંગે છે કારણ કે દરેક પાસે નવલકથાની ભરપેટ સામગ્રી છે.  ત્રેવીસમાંથી બે પ્રકરણો પોતાનાં માતાપિતા માટે લખાયાં છે.

સોનલ શુકલ, ઉત્કર્ષ મજુમદાર, પન્ના નાયક કે ઉષા ઉપાધ્યાય જેવાં નામોનો ઉલ્લેખ થતો હોય તો મારું કુતૂહલ એમાં ડોકિયું કરવા જાગી જ ઊઠે એમાં મીનમેખ ફેર નહીં; વળી અહીં તો ગાંધી આશ્રમની વાતો, બાબલાભાઈ, બધેકા પરિવાર, કિશોરભાઈ અને મધુ રાય સહિતના નામો અલપઝલપ કે ક્યાંક વધારે ઝળકે છે એટલે પુસ્તક હાથમાં લીધું તો લાગ્યું કે આ સામગ્રી દમદાર તો હશે. સુચિબહેનની લેખણ મને ઝુબિન મહેતાની સ્ટિક જેવી લાગી કે એમણે સાચેસાચ ઓરકેસ્ટ્રાને સૂર-તાલ-લયમાં બજાવી તો છે!

છગનલાલ નથુભાઈ જોષી યાને કે ગાંધીજીના અંતેવાસી : “જીવનભર લડેંગે યા મરેંગે, હિંદ છોડો”ના નારા બોલાવતા અનેક મહાનુભાવો અને લોહીના ટીપેટીપે સ્વરાજ મેળવનાર લોકો સાબરમતી નદીના પટમાં સાવ ભુંસાઈ ગયા છે. એ જ છગનલાલ જોષી બાપુની હારોહાર દાંડીકૂચમાં પહેલાં સત્યાગ્રહી તરીકે આજે ઇતિહાસમાં દાંડીકૂચના ફોટા અને શબ્દાંકનમાં સોનેરી અક્ષરે અમર છે. હરિજન સેવક સંઘ, ગૂજરાત વિદ્યાપીઠની પ્રવૃત્તિઓ, પિતા ફક્ત પોતાના નહીં પણ દેશના (પાનું: ૧૦૮) હોય તેવું લાગતું.

સુચિ વ્યાસ

મારી બા : ગાંધી આશ્રમની કાદુ મકરાણી : માતા-પિતા તેર વર્ષ ગાંધી આશ્રમમાં રહેલાં. રમાબાની દિનચર્યાનું વર્ણન રોચક અને ધ્યાનાકર્ષક છે. દુર્ગાશંકર અને સંતોકબહેન જોશીની ત્રીજી દીકરી તે કાશી ઉર્ફે રમા. માતાપિતા વગરની ત્રણ વરસની દીકરી મોસાળમાં ઉછરી ને દસ વર્ષની વયે દસ વર્ષ મોટા વર સાથે પરણાવી દેવાઈ. મૂળ નામ કાશી લગ્ન પછી રમા. ચૌદ વર્ષની વયે દોમ દોમ સાહ્યબીવાળી શ્રીમંતાઈ છોડી પતિ અને એમના મિત્ર ભણસાળીભાઈ સાથે આઝાદીની લડતમાં ગાંધીજી પાસે હાલી નીકળી. આશ્રમના રસોડાનું કામ અતથી ઈતિ સુધી કરવાનું અને પીરસતી વખતે કાનમાં ગુંજતું રહેતું કે ધર દો બીસ-પચીસ રોટી! એમને સાઈકલ સવારી, તરણ, ભાષાઓ, સંગીત અને ગીતાજ્ઞાન જેવી વિવિધ પ્રકારની કેળવણી મળી અને ખરું ઘડતર અહીં થયું. ગાંધીજીએ આપેલું પત્રનું સંબોધન – બિરૂદ હતું રમા – મારી કાદુ મકરાણી. બાને કામ કરતી જોવી એટલે સહજ સમાધિમાં લીન સાધક. જેનાં મૂળ ઊંડાં. આશ્રમની સખીઓ સાથેની અતૂટ દોસ્તી બાએ જીવનભર જાળવી.

૬૦-૭૦-૮૦ના દાયકામાં ઘટમાં થનગનતાં ઘોડાની હણહણાટીને વશ થઈ અમેરિકાની ભોંય પર મીટ માંડીને જેઓ દેશમાંથી ઊડ્યા અને પછી ત્યાં જઈને સૂચિના ‘આવો આવો’ના હોંકારામાં આશ્વસ્ત રહ્યા એમના સંઘર્ષ, આકરી મહેનત, ઝિંદાદિલી, દિલદારીની રોચક વાતો સુચિબહેનની રસઝરતી કલમેથી વરસી છે. એમાં એમનો છાંયડો મેળવનારાંની પછીતે રહેલી સુચિબહેન અને ગિરીશભાઈ તથા એમનાં બન્ને સંતાનોની લાગણીઓ, સૌને સમાવવાની દિલદારી અને પોતાનાં માનવાનું  પારિવારિક ભાવનાનું વલણ તો જેટલી દાદ આપીએ તેટલી ઓછી પડે એટલું ઉત્કૃષ્ટ લાગે.

આગળ શંભુમેળો લખ્યું તે બરાબર જ છે એ તો જેમ જેમ વિવિધ પાત્રોથી પરિચિત થતાં જઈએ તેમતેમ સમજાતું જ જાય. કંઈકેટલા તો ખાયા-પીયા-મઝા કીયા અને જલસામાં તરબોળ રહીને જીયા એવા જ મિજાજના બાંકેબિહારી ટાઈપના તોયે સૂચિનાં વહાલા અને એ જ પાત્રો એમનાં ગમતાં એટલે એ બધાને તો એમણે કાંઈ મલાવ્યા છે કે ન પૂછો વાત! પ્રકાશ, લાખાણી, મહાવીર, ઉત્કર્ષ, રાજુ, રિયાઝ, સનત જોષી, સુઘોષ, અંતુલે, નિશીથ, જયેન્દ્ર, દેવાંશુ ….. તો બીજી બાજુ બીનાબહેન, બિનકુ, સ્મિતા (કુકુ), જય, પુષ્પાબહેન, સુશીલાબહેન, બેનાબહેન …. વિશે સુચિબહેન લખે ત્યારે ચડતી હોય કે ઢળતી ઉંમરે સંઘર્ષ કરવા પરદેશ ઊડાઊડ કરતી આપણી આસપાસની અનેક બા-બહેનો પણ યાદ આવી જ જાય! ગોહેલબાપુ, કોઠારીકાકા, બિરેન શાહ, સનત જોષી, સચીન-ધ બર્ડમેન જેવા અલગ પ્રકૃતિના પાત્રો કે એમનાં માતાપિતા છગનભાઈ-રમાબહેન વિશે કરેલી અભિવ્યક્તિમાંથી પસાર થઈએ ત્યારે વાચક તરીકે પ્રતિભાવ માટે નિ:શબ્દ થઈ જવાઈ છે ! પાત્રોનાં તન-મન-ધનની મૂડીનું લાજવાબ વર્ણન તો એમને સહજ સાધ્ય. ઘર અને ઘરેલુ વ્યવસ્થાની વાતો પર એમની નજર તરત દોડે. કલાકારો-ગાયકો-નાટ્યકારો માટેનો પક્ષપાત અને અભિભૂત થવાની ગુજ્જુ માનસિકતાનો આબેહૂબ ખ્યાલ તો પોતાની વાત કરીને જ આપે એ સુચિબહેન જ હોય. કોઈની નિર્દોષ ખિલ્લી ઉડાવવામાં શબ્દચોરી ન કરતા, ક્યારેક કલમ કથળી ગઈ હોય એવું લાગે તો તેની પરવા કર્યા વગર મનમાં છે તે જ લખતા કે બોલતા સુચિબહેન સોનલબહેનની બહેનપણી હોઈ જ શકે. 

“હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં, હું ય બહુ ધોધમાર જીવ્યો છું.” ઘાયલ સાહેબની પંક્તિઓ સુચિબહેનને બેનાબહેન સંદર્ભે  યાદ આવે છે બાકી તો એ એમને ખુદને જ લાગુ પડે છે.

એવું લાગે કે જાણે નકારાત્મક લાગણીઓ અને સુચિબહેનને બાર ગાઉનું છેટું હોય. સોનલબહેનની સખીનું ઘર તો ‘જલસા ઘર’ જ હોઈ શકે એ તો સમજાઈ જ જાય. પન્ના નાયક અને મધુ રાય એમના દોસ્તો હોય અને શરાબ, શબાબ, નાયગ્રાનો વ્હાલ ધોધ એવા એવા શબ્દો સુચિબહેન ફરતે કેમ ઘૂમે એ પણ પુસ્તકમાંથી પસાર થતા સમજી શકાયું, અનાવિલ કિશોર દેસાઈ પુસ્તક પ્રકાશિત કરવા તૈયાર હોય એનું પણ આશ્ચર્ય ન હોય તો ય સામા છેડાનાં કહી શકાય તેવાં ઉષા ઉપાધ્યાય પ્રેમાળબાનીમાં, સરસ, સાહિત્યિક પ્રશંસનીય મીઠું લખાણ કરે એની નવાઈ પ્રથમ નજરે લાગે પણ અંતે સમજાઈ જાય કે આજ તો સુચિ વ્યાસની ખૂબી છે કારણ કે એ સર્વસમાવેશક ગાંધીવિચારનું ફરજંદ છે !

ઘરમાં બેઠાં છીએ અને સામે બહેન કે બહેનપણી પોતાની સ્મરણકથાનું પોટલું ખોલીને રસલ્હાણ કરે તેવું પુસ્તક વાંચતાં લાગે. પરદેશ તરફ તેમાંયે ખાસ કરીને અમેરિકા તરફ હડી કાઢી ઊડતાં સ્વજનો-મિત્રો- સખીઓની ફોજ તો મારી આસપાસ પણ ખરી, હું તો ક્યારય પરદેશ ગઈ નથી ફક્ત સગાંવહાલાં-મિત્રોની અહીં આવીને ત્યાંના અનુભવોની વાતો કરે તે સાંભળી છે, ત્યારે ઉદ્ભવેલી કેટલીક સારીનરસી લાગણીઓ માટે ફેરવિચારણા કરી, ત્યાં જઈને તનતોડ-મનતોડ મહેનત કરીને સ્થિર થયેલાં અને સુચિબહેને શબ્દસ્થ કરેલ પાત્રો માટે માનની લાગણી જાગી છે, તે ચોક્કસ જેથી વતનઝુરાપો અને સ્વજનઝુરાપો વેઠતાં સગાંવહાલાં કે મિત્રો માટે પણ લાગણીનું ઝરણું પુન:જીવિત થતું હોય તેવું અનુભવાય છે, એ સુચિબહેન કલમને આભારી …..  

માનવપ્રાણીથી લઈ શ્વાનકથાને આવરી લેતા જલસાઘરના ‘આવો આવો …’ ના હોંકારાને આવકાર .

પ્રગટ : “ગુર્જરી ડાયજેસ્ટ”; જુલાઈ ૨૦૨૩; પૃ. 36-37

Loading

ચાલો, હરારી પાસે – 6 

સુમન શાહ|Opinion - Opinion|21 July 2023

સુમન શાહ

હરારી જણાવે છે કે રાજકીય હુંસાતુંસી કરનારા ભેજાંબાજો વચ્ચે એક જાતની અંતરંગતા હોય એ બહુ જરૂરી ગણાય છે, કેમ કે એ જ એમનું કાર્યકર શસ્ત્ર હોય છે. હવે ‘એ.આઈ.’ મોટા પાયે અંતરંગ સમ્બન્ધો ઊભા કરી શકે છે. ‘એ.આઈ.’-ના સામર્થ્યને પ્રતાપે વર્તમાનમાં લાખો લોકો એકબીજા સાથે જોડાયા છે.

છેલ્લા દસકામાં સોશ્યલ મીડિયા એવી હુંસાતુંસીનું મેદાન બની ગયું છે, ખાસ તો, એણે માણસોની ધ્યાનશક્તિને કાબૂમાં લઈ લીધી છે. પરન્તુ ‘એ.આઈ.’-ની ન્યૂ જનરેશને હવે ધ્યાનને બદલે અંતરંગતાને લક્ષમાં લીધી છે. હરારી તીવ્ર સવાલ કરે છે કે ભ્રાન્ત અંતરંગતા – ફેક ઇન્ટિમસી – બાબતે ‘એ.આઈ.’ અને ‘એ.આઈ.’ વચ્ચે હુંસાતુંસી થશે ત્યારે માનવસમાજ, માનવમન અને માનસિકતાનું શું થશે?

એવી ભ્રાન્ત અંતરંગતાનાં કેટલાંક દૃષ્ટાન્તો મને આવાં આવાં જણાય છે :

સૌથી પહેલું દૃષ્ટાન્ત છે, ‘એ.આઈ.’-એ સરજેલાં ચૅટબોટ્સનું. એ માણસોની જેમ વાતચીત કરી શકે છે. એના વડે મનુષ્યો જાણે કે ખરેખરા સમયમાં વાતો કરી રહ્યા છે એવી ભ્રાન્તિ સરજી શકાય છે. હકીકત એ છે કે ઑલ્ગોરીધમ્સથી, પ્રક્રિયાઓથ, વિશેષ એ કંઈ નથી. (ગણતરીઓ કરવા કે કશા કોયડાના ઉકેલ માટે જેનું પાલન કરવું જરૂરી હોય એ પ્રક્રિયાને અથવા નિયમોની હારમાળાને ઑલ્ગોરીધમ કહેવાય.) એ પ્રક્રિયાઓ અમુક પ્રૉમ્ટ્સને, પ્રેરકોને, પ્રતિભાવ આપતી હોય છે.

બીજું દૃષ્ટાન્ત છે, વર્ચ્યુઅલ આસિસ્ટન્સનું – આભાસી મદદનીશોનું. એઓશ્રીઓ માણસોને પ્રેરણાઓ સમર્થનો ભાવનાવિષયક ટેકા પૂરા પાડે છે. એમની રચના જ એ પ્રકારે થઈ હોય છે. એઓને વપરાશ કરનારાના સાચકલા ભાવજગતની કશી જ ખબર હોતી નથી. એવું જ દૃષ્ટાન્ત છે, ડેટિન્ગ ઍપ્પ્સ માટે અમેરિકામાં સવિશેષે વપરાતાં ઑલ્ગોરીધમ્સનું. રસરુચિની વીગતો દર્શાવનારાંઓના એ મૅચમેકર્સ હોય છે. બધું એકદમનું આવકાર્ય કહી બતાવે છે. બન્ને વચ્ચે અંતરંગતાનો આભાસ પણ રચી આપે છે. ભલે ને પેલાં બે કદીયે રૂ-બ-રૂ ન થયાં હોય !

ત્રીજું દૃષ્ટાન્ત છે, વર્ચ્યુઅલ ગેમ્સનું. એ ગેમર્સ માટે કૃત્રિમ વાતાવરણ રચાયું હોય છે. એમાં તેઓ ક્રિયા-પ્રતિક્રિયા દાખવે ને રમે. આમાં પણ એક અંતરંગતા ઊભી થવાની કેમ કે ગેમર્સ એકબીજાને પોતાના અનુભવો ને લાગણીઓની આપ-લે કરવાના. પરન્તુ એ લાગણીઓ તેમ જ એ અંતરંગતાઓ સાચી નથી હોતી. કેમ કે એની જનની હોય છે, ઑલ્ગોરીધમ્સ.

ઓરેકલ આર્કિટાઇપ. ઓરેકલ ડેટાબેઝ

હરારી કહે છે કે ભ્રાન્ત અંતરંગતા ન સરજે તો પણ ‘એ.આઈ.’-નાં નૂતન ઉપકરણો આપણાં મન્તવ્યો અને વિશ્વને વિશેની આપણી સમજદારીને જરૂર પ્રભાવિત કરશે. સંભવ છે કે લોકો ઓરેકલ જેવો સર્વજ્ઞ ‘એ.આઈ.’ સલાહકાર રાખી લે. એથી ગૂગલ ગભરાઈ જાય તો નવાઈ નહીં. (ઓરેકલ એક ડેટાબેઝ છે, ઓરેકલ પ્રાચીન ગ્રીક દેવી છે, આર્કિટાઇપ પણ ગણાય છે). હરારી કહે છે, હું જો સર્વજ્ઞ ઓરેકલને પૂછી શકતો હોઉં તો બીજે ખાંખાંખૉળા શું કામ કરું? સમચારો અને જાહેરખબરોના ઉદ્યોગો પણ ગભરાઈ જાય. જો હું ઓરેકલને તાજાખબર શું છે એમ પૂછી શકું તો છાપું વાંચવા શું કામ જઉં? મારે શું ખરીદવું એ જો હું ઓરેકલને પૂછી શકતો હોઉં તો જાહેરખબરોની શી જરૂરત છે?

હરારી જણાવે છે કે આ પરિદૃશ્યો ભલે કશી મોટી વાત નથી કરતાં. બાકી, આપણે જેની ભરી ભરી વાત કરી રહ્યા છીએ એ છે માનવ ઇતિહાસના અન્તની. ઇતિહાસનો અન્ત નહીં પણ માનુષ્યિક વર્ચસ્ ધરાવતા એના સંવિભાગનો અન્ત !

હરારી શરીર અને સંસ્કૃતિ વચ્ચે થતી રહેતી ક્રિયાપ્રતિક્રિયાને ઇતિહાસ કહે છે. એમના મતે, ખોરાક વાસના જેવી શારીરિક જરૂરિયાતો અને ધર્મો તેમ જ કાયદા જેવી સાંસ્કૃતિક સરજતો વચ્ચે થતી રહેતી ક્રિયાપ્રતિક્રિયાઓ ઇતિહાસ છે. જેના દ્વારા કાયદા અને ધર્મો ખોરાક અને વાસનાના ઘાટ ઘડી શકે છે એ પ્રક્રિયાનું નામ ઇતિહાસ છે.

હરારી પૂછે છે : ’એ.આઈ.’ જ્યારે સંસ્કૃતિને ટપી જશે, સ્ટોરીઝ મેલડીઝ કાયદા અને ધર્મો સરજી આપશે, ત્યારે, ઇતિહાસની ધારાનું શું થશે? પ્રિન્ટિન્ગ પ્રેસ અને રેડીઓ જેવાં અગાઉનાં ઉપકરણોએ મનુષ્યના સાંસ્કૃતિક ખયાલોના પ્રસરણમાં મોટો ભાગ ભજવેલો પરન્તુ પોતે કશા સાંસ્કૃતિક ખયાલો સરજેલા નહીં, કદી નહીં ! ‘એ.આઈ.’ મૂળથી જ જુદું છે. ‘એ.આઈ.’ સાવ જ નવા વિચારો સરજી જાણે છે, સાવ જ નૂતન સંસ્કૃતિ સરજી શકે છે.

એના શૈશવકાળે ‘એ.આઈ.’-ને એટલું જ શીખવાડવામાં આવેલું કે મનુષ્યના પાયાના ઘાટઘૂંટ જાણી લે અને તેની નકલ કર. પરન્તુ દરેક વરસે ‘એ.આઈ.’-સંસ્કૃતિ માણસ ન પ્હૉંચી શકે ત્યાં જોશભેર પ્હૉંચી ગઈ. હરારી ઉમેરે છે કે હજારો વર્ષ લગી મનુષ્યજીવો એકબીજાંનાં સ્વપ્નોમાં જીવતા હતા, પણ આવનારા દસકાઓમાં આપણે કોઇ પરાઈ બુદ્ધિએ સરજેલાં સ્વપ્નોમાં જીવતા હોઈશું.

= = =

(20/07/23: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભારતીય સમાજમાં પરિવારનું બદલાતું સ્વરૂપ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|21 July 2023

ચંદુ મહેરિયા

કેટલીક વખત અખબારોમાં ત્રણ ચાર પેઢી સાથે રહેતી હોય તેવા કુટુંબની ફોટોસ્ટોરી જોવા મળે છે. આવા બહોળા પરિવારો સમાચાર બને તેનો અર્થ એ કે વસુધૈવ કુટુંબકમ્‌ની ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ ગણાયેલા સંયુક્ત કુટુંબો હવે અપવાદરૂપ બની ગયા છે. ભારતીય સમાજની સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં મોટું પરિવર્તન આવ્યું છે. વિભક્ત કે એકલ કુટુંબોનું પ્રમાણ વધી રહ્યું છે.

લેટિન શબ્દ ફૈમુલસનું આંગ્લ ભાષાના ફેમિલીમાં રૂપાંતર થયું છે. ગુજરાતીમાં તેના માટે કુટુંબ કે પરિવાર શબ્દ છે. લેટિન ફૈમુલસ શબ્દનો અર્થ એક એવો સમૂહ જેમાં માતા-પિતા, સંતાનો, નોકર અને દાસનો સમાવેશ થાય છે. ગુજરાતીમાં પણ આ શબ્દનો અર્થ એક બાપનો પરિવાર કે કુટુંબકબીલો થાય છે. એટલે પરિવાર મતલબ મોટું, બહોળું કે સંયુક્ત કુટુંબ. તે માનવ સમાજનું પૂર્ણત: મૌલિક, સાર્વભૌમિક અને સૌથી પાયાનું એકમ છે. પરિવાર વ્યક્તિના સમાજજીવનની પહેલી પાઠશાળા પણ છે.

વિસ્તૃત, સંયુક્ત, વિભક્ત કે એકલ કુટુંબવ્યવસ્થાનું સ્વરૂપ દુનિયાભરમાં તેજ ગતિએ બદલાઈ રહ્યું છે. પહેલા પશ્ચિમના અમીર દેશોમાં તેમાં મોટા ફેરફારો આવ્યા અને પછી વિકાસશીલ દેશોમાં પણ પરિવર્તન થયું છે. લગ્ન સંબંધો કુટુંબનો પાયો છે અને તે ઝડપથી બદલાઈ રહ્યા છે કે તૂટી રહ્યા છે તેની મોટી અસર કુટુંબ પર પડવી સહજ છે. ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ ઓછું છે એટલે માત્ર તે જ કારણે સંયુક્ત કુટુંબોમાં બદલાવ આવ્યો નથી. પરંતુ વિશ્વમાં છેલ્લા છ દાયકામાં છૂટાછેડામાં જે અતિશય વધારો થયો છે તેણે કુટુંબ વ્યવસ્થાને છિન્નભિન્ન કરી નાંખી છે.

આપણે ત્યાં ઔદ્યોગિકરણ, શહેરીકરણ, આધુનિકીકરણ અને ઉદારીકરણે કુટુંબ વ્યવસ્થામાં ફેરફાર આણ્યા છે. ગામડાઓમાં રોજગારીના અભાવને લીધે લોકોનું શહેરોમાં સ્થળાંતર પણ કુટુંબોમાં વિઘટનનું કારણ છે. વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા અને સ્વાર્થ, સ્ત્રીની સ્વતંત્રતા અને આર્થિક પગભરતા, એકાકી જીવનની ખુશી, વિસ્થાપન, બદલાતી જીવનશૈલી, બેરોજગારી, મોંઘવારી, કુટુંબના સભ્યોની અસમાન આવક, બે પેઢીઓ વચ્ચેનું અંતર જેવાં કારણોથી સંયુક્ત કુટુંબને બદલે વિભક્ત કુટુંબનું ચલણ વધ્યું છે.

વૃદ્ધો અને મહિલાઓની સામાજિક સુરક્ષા યોજનાઓનો અભાવ, કુટુંબમાં એકાદ ભાઈની નબળી આર્થિક સ્થિતિ, પુત્રોની માતૃ-પિતૃ ભક્તિ હજુ સંયુક્ત કુટુંબોને ટકાવી રાખે છે. ઘરની એકાદ નબળી વ્યક્તિ કે ઘરડા માબાપની સારસંભાળ સંયુક્ત કુટુંબમાં લઈ શકાય છે. બાળકોનો ઉછેર બધાની સંયુક્ત જવાબદારી હોઈ પતિ-પત્ની બંને નોકરી કરી શકે છે.

સંયુક્ત કુટુંબ સામંતી સમાજની દેન મનાય છે તો એકલ કુટુંબ આધુનિકતાની. સંયુક્ત કુટુંબનું તૂટવું આધુનિકતાની દૃષ્ટિએ પ્રગતિ છે. આધુનિકતા વ્યક્તિને અધિકારસંપન્ન કરે છે, પારિવારીકતા અધિકારોને સીમિત કરે છે. એટલે ઘણા લોકો સંયુક્ત કુટુંબને વ્યક્તિની પ્રગતિમાં કે સ્વતંત્ર વ્યક્તિ વિકાસમાં બાધક માને છે. સંયુક્ત પરિવારમાં સ્વતંત્રતા અને સમાનતા, ખાસ તો મહિલાઓની, અશક્ય છે. જ્યારે વિભક્ત કુટુંબમાં તે ભારોભાર જોવા મળે છે. સંયુક્ત કુટુંબમાં ઘરના વડીલનું નિયંત્રણ હુકમ, જોહુકમી, વડીલશાહી કે તાનાશાહીની કક્ષાનું હોય છે. જ્યાં મોટી ઉમ્મરના પુત્રનો જ અવાજ વડીલો ના સાંભળતા હોય ત્યાં ઘરની મહિલાઓ અને બાળકોના અભિપ્રાયનો તો સવાલ જ ના રહે એવી સ્થિતિ પણ જોવા મળી છે. સંયુક્ત કુટુંબમાં વ્યક્તિની આવક આખા કુટુંબની આવક ગણાય છે. એટલે સહિયારી આવક અને ખર્ચમાં વધુ કમાતી વ્યક્તિનું શોષણ થાય છે. માબાપ પોતાના બાળકોનું તેમની ઈચ્છાનુસાર લાલન-પાલન કે શિક્ષણ કરી શકતાં નથી. કુટુંબના અન્ય બાળકોની સમકક્ષ તેમને પણ ગણવામાં આવે છે. એટલે બાળકોના વિકાસમાં માબાપનો અવાજ હોતો નથી. ગતિશીલતાનો પણ સંયુક્ત કુટુંબમાં અભાવ જોવા મળે છે. શિક્ષણ અને રોજગાર માટે બહાર જવું શક્ય ના હોય તો પ્રવાસ-પર્યટનનો તો પ્રશ્ન જ ઉઠતો નથી. આ બધાં કારણોથી પણ ભારતમાં પરિવારનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે.

જેટલી સંયુક્ત કુટુંબની વાહવાહી ભારતીય સમાજમાં જોવા મળે છે તેના કરતાં વાસ્તવિકતા જુદી છે તેવું ૨૦૧૧ના વસ્તીગણતરીના આંકડા દર્શાવે છે. ત્રણ પેઢી (દાદા-દાદી, માતા-પિતા, પુત્ર-પુત્રવધૂ અને તેમના સંતાનો) સાથે રહેતી હોય તેવાં ઘર શહેરી ભારતમાં ૨થી ૪ ટકા જ છે. માતા-પિતા અને દીકરા-વહુનું કુંટુબ સાથે રહેતું હોય તેવાં ઘર ૮થી ૧૨ ટકા છે. જ્યારે જેને ન્યૂક્લિયર કે એકલ કુટુંબ કહેવાય તેવાં પતિ-પત્ની અને તેમનાં બાળકો(અમે બે અને અમારા બે કે હવે તો એક)વાળાં ઘર સૌથી વધુ ૭૦થી ૭૫ ટકા છે. આ હકીકત દર્શાવે છે કે ભારતમાં હવે સંયુક્ત કુટુંબોનું પ્રમાણ અતિ અલ્પ છે અને દેશના પોણા ભાગનાં ઘર વિભક્ત કુટુંબનાં છે.

એક તરફ સંયુકતને બદલે વિભક્ત કુટુંબો વધ્યા છે, તો બીજી તરફ તાજેતરના અદાલતી ચુકાદા  પરિવારના  દાયરાને વિસ્તૃત કરે છે. કુટુંબ કોઈ સ્થિર કે અપરિવર્તનીય સંરચના નથી કે બધી જ કુટુંબ વ્યવસ્થા સમાન હોતી નથી. તેમાં ફેરફારો થાય છે તે સર્વોચ્ચ અદાલતના ૨૦૨૨ના ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું. નોકરી કરતાં એક મહિલાએ પતિના પ્રથમ લગ્નના બાળકોની સંભાળ માટે રજાઓ લીધી હોઈ, તેમની પ્રેગન્સી વખતે માતૃત્વની રજાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે તેમના મેટરનિટી લીવના અધિકારને માન્ય રાખ્યો હતો. આ ચુકાદાથી અદાલતે  અસામાન્ય પારિવારિક એકમોની વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો હતો અને તેને વૈધાનિક સુરક્ષાને પાત્ર માન્યા હતા.

પરિવારનાં પરિવર્તનીય સ્વરૂપને બહાલ રાખતા સુપ્રીમના માનવીય અને પ્રગતિશીલ ચુકાદા જેવો બીજો ચુકાદા આ વરસે મુંબઈ હાઈકોર્ટે આપ્યો છે. જિલ્લા અદાલતે નોકરી કરતી એકલ સ્ત્રી દત્તક બાળકની યોગ્ય સારસંભાળ લઈ શકે નહીં તેમ કહીને દત્તક લેવાના તેના અધિકારનો ઈન્કાર કર્યો હતો. પરંતુ વડી અદાલતે પતિ-પત્ની અને બાળકોનું બનેલું કુટુંબ એવી પરિવારની વ્યાખ્યાને પૂર્વગ્રહયુક્ત ગણાવી હતી. તે પરિવારનું માન્ય અને લોકપ્રિય સ્વરૂપ હોઈ શકે છે પરંતુ એકમાત્ર નથી. સભ્યોની સંખ્યા એ કુટુંબ નથી પણ પરસ્પરની ચિંતા, સહયોગ કુટુંબ છે તેમ પણ અદાલતે કહ્યું હતું. આ અદાલતી ચુકાદા પરિવાર એટલે કાં સંયુક્ત, કાં વિભક્ત એથી આગળની દિશાના છે.

એકલ પરિવારને જીવનનો હિસ્સો બનાવવા માંગતા અને તે પ્રમાણે જીવતા લોકોની સંખ્યા ઘણી મોટી છે. તો તેઓ ગામ-ઘર-માબાપ સાથે જોડાયેલા રહે છે અને વાર-તહેવાર, સાજે-માંદે કે લગ્ન-મરણ જેવા સામાજિક પ્રસંગોએ પરિવાર સાથે હોય છે. તેના પરથી ભારતમાં ફેરફારો છતાં કુટુંબવ્યવસ્થા સાવ પડી ભાંગી નથી, તેમ કહી શકાય.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,0901,0911,0921,093...1,1001,1101,120...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved