Opinion Magazine
Number of visits: 9743157
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વન નેશન, વન ઇલેક્શન’…નો હેતુ ‘વન નેશન, વન સિલેક્શન’નો તો નથીને?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 September 2023

રવીન્દ્ર પારેખ

થોડે થોડે વખતે ‘વન નેશન …’ને લગતાં સૂત્રો આ દેશ, આદેશની રીતે આપતો રહે છે. જેમ કે, ‘વન નેશન, વન રેશનકાર્ડ’, ‘વન નેશન, વન પેન્શન’, ‘વન નેશન, વન લૉ’, ‘વન નેશન, વન ટેક્સ’, ‘વન નેશન, વન કોનસ્ટિટ્યુશન’… જેવાં અનેક સૂત્રો ટોચથી તળિયાં સુધી વહેતાં રહે છે, એમાં કેટલાંક જ અમલમાં આવે છે. એનો ઇરાદો તો સારો જ હોય છે, પણ મોટે ભાગનાં સૂત્રો પ્રચારને લગતાં કે ધાક જમાવવા કે છાપ પાડવા આવે છે ને તે ભાગ્યે જ વ્યવહારુ હોય છે. એમાં ભક્ત મંડળી તો સંકીર્તન કરતી રહે છે, પણ જે સમજે છે એને ‘વન નેશન, વન ટેન્શન’ ન રહેતાં, ટેન્શન અનેકગણાં વધી જાય છે ને સમજુને અનુભૂતિ તો છેતરાયાની જ થાય છે. જ્યારે જી.એસ.ટી. લાગુ થયેલો ત્યારે એક જ ટેક્સ લાગુ થશે એવી જાહેરાતો મોટે ઉપાડે થયેલી, પણ અત્યારે એ એક ટેક્સ તો લાગુ થયો જ છે, ઉપરાંત, બીજા ટેક્સની અસરોમાંથી પણ આ દેશ મુક્ત થઈ શક્યો નથી, પરિણામે ચીજવસ્તુઓ તો મોંઘી થાય જ છે, પણ પેકિંગમાંથી માલમસાલો પણ ઘટતો આવે છે. બિસ્કિટ, તેલ જેવામાં વજન એકસ્ટ્રા પણ મળે છે, પણ સરવાળે તો અનુભવ છેતરાવામાં જ આવે છે. મોટા ઉપાડે સૂત્રોની જાહેરાતો થાય છે, પણ તે લાગુ થાય ત્યારે કે લાગુ ન થાય ત્યારે પણ, જે સમજે છે એને સરકારનો ઇરાદો પ્રમાણિક ઓછો જ લાગે છે. મોટે ભાગનાં સૂત્રો થોડા વખતમાં હવા થવા લાગે છે ને નવું સૂત્ર આવે ત્યારે આગલું સૂત્ર ભૂંસાવા પર હોય છે.

અત્યારે ‘વન નેશન, વન ઇલેશન’નું સૂત્ર વહેતું થયું છે ને તેની સારી એવી ચર્ચા પણ છે, પણ સરકાર તે લાગુ કરવામાં અને વિપક્ષ તે લાગુ ન કરવામાં ‘એડી ચોટીનું જોર’ લગાવે એમ બને. જો કે, તટસ્થતાથી જોનારને આ સૂત્ર વ્યવહારુ ઓછું જ લાગે છે. બધું ‘વન, વન’ કે ‘એક, એક’ કરવાની વાત આકર્ષક છે, પણ લાગે છે એવું કે ‘એક દેશ, એક પક્ષ’ના પ્રભાવને બદલે ‘વન નેશન, વન અપોઝિશન’વધુ પ્રભાવક જણાય છે. છેલ્લે મુંબઈ ખાતે મળેલી વિપક્ષોની બેઠકોએ તથા વિપક્ષી એકતાના પ્રયત્નોને કારણે ભા.જ.પ.ની સરકાર ચિંતામાં પડી છે અને અજંપાને કારણે રોજ જ કૈં ને કૈં ગતકડું કરતી રહે છે. એમાંનું એક તે ‘વન નેશન, વન ઇલેશન’ છે. એને માટે સંસદનું વિશેષ સત્ર 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે. એમાં જે અન્ય કાર્યો થવાનાં છે તેમાંનું એક ‘વન નેશન, વન ઇલેશન’ છે. એ કઇ હદે શક્ય છે એની શક્યતા તપાસવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કાઁગ્રેસી નેતા અધીર રંજન ચૌધરી સહિત સાત સન્માનનીય સભ્યો નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રના કાનૂન મંત્રી અર્જુનરામ મેઘવાલ પણ એમાં ખાસ નિમંત્રિત છે. આ સમિતિ જુદા જુદા પક્ષોથી માંડીને સામાન્ય જનતાનો આ અંગે અભિપ્રાય મેળવશે. એ પછી એક ડ્રાફ્ટ, સમિતિ તૈયાર કરશે અને એનો પછી કાયદો ઘડવા સરકાર સંસદમાં બિલ લાવશે. જો કે, અધીર રંજને આ સમિતિમાં રહેવા બાબતે અસંમતિ દર્શાવી છે તે પણ સૂચક છે.

‘વન નેશન, વન ઇલેક્શન’ એટલે શું એવો પ્રશ્ન ઘણાંને છે, પણ એનો સાદો અર્થ એ છે કે ચૂંટણીઓ દર પાંચ વર્ષે જ થશે, એ પહેલાં નહીં થાય. આ સૂત્ર પોકારવા પાછળનો સરકારનો મુખ્ય તર્ક ખર્ચ બચાવવાનો છે ને એમાં ઘણું તથ્ય પણ છે. એ ય ખરું કે દેશમાં ક્યાંકને ક્યાંક તો ચૂંટણી ચાલ્યા જ કરતી હોય છે. વડા પ્રધાન પોતે ‘વન નેશન, વન ઇલેક્શન’ની હિમાયત કરી ચૂક્યા છે ને ખર્ચ બચાવવાની વાત તેમણે પણ કરી છે. લોકસભાની પહેલી ચૂંટણી 1951-‘52માં યોજાયેલી ત્યારે 11 કરોડનો ખર્ચ થયેલો, જ્યારે 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીનો ખર્ચ 60 હજાર કરોડ થયેલો. સરકારનું માનવું છે કે લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજાય તો ઘણો સમય અને ખર્ચ બચે. એ રકમ અન્ય વિકાસ કાર્યોમાં વાપરી શકાય, વિકાસનાં કામો પર વધુ ધ્યાન આપી શકાય. એ પણ ખરું કે જુદે જુદે સમયે ચૂંટણી આવતાં, આચારસંહિતા પણ અલગ અલગ સમયે લાગુ થાય છે, એટલે પણ ઘણાં કાર્યો અટકી પડે છે. બીજું, ઇલેક્શન જાહેર થતાં જે તે પ્રદેશમાં બહારના અધિકારીઓની નિમણૂક થાય છે, એટલે એ જ્યાંથી આવે છે, તે વિસ્તારનાં કામો પણ ખોરંભે ચડે છે. જો કે, ખર્ચ બચાવવા સરકાર ‘વન નેશન, વન ઇલેક્શન’નો પ્રયત્ન કરે એ ગળે એટલે ઊતરે એમ નથી, કારણ સરકાર પોતે જ જો એકનાં એક મોઢાં બતાવતી જાહેરખબરો બંધ કરે તો પણ વર્ષે અબજો રૂપિયા બચે એમ છે, પણ એનું બજેટ ઘટતું નથી. એ સ્થિતિમાં ખર્ચ બચાવવાની વાત મશ્કરી જેવી લાગે છે. એની સામે વિપક્ષો ભાગ્યે જ ‘વન નેશન, વન ઇલેશન’ માટે તૈયાર થાય એ પણ ખરું.

ઇલેક્શનની આ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે તો એક જ પક્ષને 77 ટકા મત મળે એવું એક તારણ છે. જો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી વચ્ચે 6 મહિનાનું અંતર રાખવામાં આવે તો 77 ટકાને બદલે 61 ટકા મત એક જ પક્ષમાં પડે. એ જ રીતે જો બે ચૂંટણીઓ વચ્ચેનું અંતર વધે તો એક જ પક્ષમાં મત પડવાની ટકાવારી ઘટતી આવે. આ વાત ભા.જ.પ.ની કેન્દ્ર સરકાર ન વિચારે એવું તો બને નહીં. જો વિપક્ષો આ ગણિત સમજે તો તે એકસાથે ચૂંટણીઓ કરાવવા ભાગ્યે જ તૈયાર થાય. નિયમોમાં ફેરફાર કરીને લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવી તો શકાય, પણ તે લોકતંત્રની વિરુદ્ધ હશે એવો મત વિપક્ષોનો છે. કોઈક સંજોગોમાં કોઈ પક્ષનો બહુમત ખતમ થઈ જાય તો ત્યાં પાંચ વર્ષ પહેલાં પણ ચૂંટણી યોજી શકાય, પણ ‘વન નેશન, વન ઇલેક્શન’ લાગુ થાય તો એમ કરવાનું શક્ય ન રહે. બીજું, એક તબક્કે કેન્દ્ર સરકારે લોકસભા અને હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડની ચૂંટણીઓ સાથે કરાવવાની કોશિશો કરેલી, પણ એ રાજ્યોમાં ભા.જ.પ.ની સરકાર હતી, છતાં કોઈ રાજ્ય સમય પહેલાં પોતાની વિધાનસભા ભંગ કરવા તૈયાર ન હતું. જો આમ વિધાનસભા ભંગ થાય ને નવી ચૂંટણી આવી પડે તો જે નવો ખર્ચ આવી પડે તે, ખર્ચ બચાવવાની વાતનો છેદ ઉરાડે. બંધારણમાં ફેરફાર થાય તો 2024માં લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવી તો શકાય, પણ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, પંજાબ, ગુજરાત, ગોવા, જેવાં રાજ્યોમાં મુદ્દતથી ઘણી વહેલી, સરકારો બરખાસ્ત કરવી પડે અને કરેલો ખર્ચ ફરી કરવા જેવું જ થાય. લોકસભાની 543 અને વિધાનસભાની 4,126 બેઠકો માટે ચૂંટણીઓ યોજવાની થાય. એમાં ઘણી વિધાનસભા આવતે વર્ષે મુદ્દત પૂરી કરવાની હોય તો તેને પણ ભંગ કરવી પડે. જે ખર્ચ પાછળથી કરવાનો છે તે વહેલો આવી પડે. તો, કેટલીકનો કાર્યકાળ લંબાવવો પણ પડે. કેટલાંક રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાદવું પડે, જે સામાન્ય સંજોગોમાં જરૂરી ન ગણાય. જ્યાં હમણાં જ સરકારો બની હોય, જે ભા.જ.પ.ની હોય તો પણ, તરત જ વિદાય થવા તૈયાર નહીં થાય. આવો આફરો વડા પ્રધાનને અનેક રીતે ને અનેક પ્રસંગે વારંવાર ચડે છે, એમાં કોઈકને કોઈક રીતે પ્રજાનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો હેતુ મુખ્યત્વે હોય છે, એ સિવાય બીજી વાતો ગૌણ ગણવાની રહે.

ખર્ચ બચાવવાની વાત કહીને મધ્યમવર્ગીય લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકાય એવું લાગતાં વડા પ્રધાને ખર્ચનો મુદ્દો આગળ કર્યો, પણ જે સંજોગો ઊભા થાય એમાં ખર્ચ કેટલો બચે તે વિચારવાનું રહે. 2019ની લોકસભા વખતે 91 કરોડ મતદાતાઓ હતા, જે હવે 101 કરોડ જેટલા હશે. આટલા મતદારો માટે એક સાથે ચૂંટણીની વ્યવસ્થાઓ કરવાનું કેટલું શક્ય છે તેનો પણ વિચાર કરવો પડે. હવે જો ભા.જ.પ.માં જ આ મુદ્દે મતભેદ હોય તો વિપક્ષો એક સાથે ચૂંટણી યોજવા સંમત થાય એવી શક્યતાઓ ઓછી જ રહે.

આમ તો એકસાથે ચૂંટણીઓ યોજવાની વાત 1983થી ચાલે છે. એ પછી 1999માં કાયદાપંચે વળી આ વિચાર વહેતો મૂકેલો, 2015ની સંસદની સ્થાયી સમિતિને પણ આ વિચાર ગમેલો ને 2018માં કાયદાપંચે લોકોનો અભિપ્રાય પણ માંગેલો, પણ સર્વસંમતિના અભાવમાં વાત આગળ ગઈ નથી. એક વાત બહુ સ્પષ્ટ છે કે એક સાથે ચૂંટણી યોજવાનો વિચાર હાલની કેન્દ્ર સરકારને આવ્યો છે, તે પણ વિપક્ષો એક થઈ રહ્યા હોય ત્યારે, તો તે વિપક્ષોના હિતમાં વિચારે એવું તો કેમ બને? ભા.જ.પ. સરકાર લાભ વિના લોટે નહીં ને એમાં વિપક્ષોએ લોટે જવું પડે તો તે અચૂક લોટે એમાં શંકા નહીં. વિપક્ષોએ જો સામનો કરવાનું નક્કી કર્યું જ હોય તો તેમને માટે આ છેલ્લી તક છે. અહીં વિપક્ષની ફેવરની કે શાસકોની ટીકાની કોઈ સ્વપ્ને ય કલ્પના ન કરે, કારણ ચિંતા અહીં લોકશાહીની છે અને એ જે પાણીએ ચડતી હોય એ પાણીએ ચડાવવાની જ વાત મુખ્ય છે, કારણ લોકશાહીને વિકલ્પે પણ, ભારતને તો લોકશાહી જ ખપે છે, એવું ખરું કે કેમ?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 સપ્ટેમ્બર 2023

Loading

ગદ્યસ્વામીના પુન:પ્રકાશનનો આનંદોત્સવ 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|4 September 2023

 પુસ્તક પરિચય 

નવજીવન પ્રકાશન દ્વારા સ્વામી આનંદના પાંચ પુસ્તકોની આવૃત્તિ

‘સાધુ એટલે દો રોટી, એક લંગોટીનો હકદાર’ એવા સનાતન સત્ય સમી ચોટડુક વ્યાખ્યા આપનાર ગુજરાતી ભાષાના અજોડ ગદ્યકાર અને નોખા સંન્યાસી તે સ્વામી આનંદ (1887-1976).

ગાંધીજી પાસે ‘માગણી’ કરીને આત્મકથા લખાવનાર આ ગદ્યસ્વામીનાં પાંચ પુસ્તકો ઘણાં વર્ષે તાજેતરમાં ‘નવજીવને’ સમર્પક સમારંભ સાથે ફરીથી પ્રકાશિત કર્યાં તે આપણા સાહિત્યમાં આનંદોત્સવ ગણાય.

સ્વામી આનંદ ‘નવજીવનના પાયાના પથ્થર સમા’ હતા. તેમણે ગાંધીજીની પત્રિકાનું કામ ચીવટ અને નિષ્ઠાપૂર્વક સંભાળ્યું હતું. નવજીવન પ્રકાશન અત્યારે સ્વામીનાં પુસ્તકોનું પુન:પ્રકાશન એમની રુચિ અને એમના આગ્રહને નજર સમક્ષ રાખીને’ કરે તે ઋણની અદાયગી ગણાય.

સ્વામી દાદાનાં પચીસ જેટલાં પુસ્તકોમાંથી સાઠેક વર્ષ પછી, પહેલી વાર, તેના મૂળ ઘાટ-આકારમાં ‘નવજીવને’ પ્રગટ કરેલાં આ પુસ્તકો છે : ‘અનંતકળા’, ‘કુળકથાઓ’, ‘મોતને હંફાવનારા’, ‘ધરતીનું લૂણ’ અને ‘નઘરોળ’.

માત્ર સ્વામી જ સાધી શકે તેવી કેટલી ય ભાષાઓ-બોલીઓના અબિલ-ગુલાલ ઉછળતી શૈલી, જગજુદા વિષયો અને વ્યાપક જીવનદર્શનથી ઝળાહળાં કરી દેનાર આ હિમાલય પરિવ્રાજક સર્જકના સાહિત્યવૈભવની ઘણી  લાક્ષણિકતાઓની ઉપરોક્ત પાંચ પુસ્તકોમાં ઝલક મળે છે.

સ્વામી દાદાનું જીવન પણ અફલાતૂન, હરફનમૌલા. સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામે જન્મ, મુંબઈના ગિરગામમાં ઉછેર. બાર વર્ષની ઉંમરે ‘ચાલ બચ્ચા તને ભગવાન દેખાડું’ કહેનાર સાધુની પાછળ ચાલી નીકળ્યા. એકાદ દાયકાથી વધુ સમય ‘સારા-નરસા સાધુબાવાઓ’ની સાથે રખડ્યા’.

પહેલાં રામકૃષ્ણ મિશન અને પછી ગાંધીજીના પ્રભાવ હેઠળ આવ્યા. ગંધીકાર્યના ભાગરૂપે ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા’ ખાંખતથી ચલાવ્યાં. ચળવળોમાં જોડાયા, રચનાત્મક કાર્યક્રમોમાં કામગીરી બજાવી.

‘ઉંમર આખી કંઈને કંઈ આછુંપાતળું લખ્યું, પણ ગ્રંથસ્થ થવા ન દીધું.’ આખરે ‘મનનું ગાણું ગાવાની સ્ફુરણા’ અને ‘વગર મૂડીના વૅપલા’ સમાં પોતાના લખાણોને, જીવનના છેલ્લા દાયકે મનની કંઈક એકાકી અને વિકળ અવસ્થામાં સન્મિત્રોના આગ્રહથી, મુદ્રણ અને નિર્માણની પોતાની શરતોએ સંમતિ આપી. એ શરતો પુન: પ્રકાશનમાં એકંદરે જળવાઈ છે જે પ્રશંસનીય છે.

‘અનંતકળા(1967)ની સામગ્રીને લેખકે ‘ચિંતન નિરીક્ષણ વિષયક લેખો’ કહ્યા છે. તેમાં ‘કિરતારની કળા’ અર્થાત ઇશ્વરના સર્જનનું ગાન છે. સમાજસેવા, દેશભક્તિ અને શરીશ્રમ ઓવારણાં છે. ડૉ. વ્રજલાલ મેઘાણી અને નાનાભાઈ ભટ્ટનાં પુસ્તકોનો દીર્ઘ પરિચય છે. સ્વામીએ પુસ્તક ‘ગુરુવર્ય નાનાભાઈને’ અર્પણ કર્યું છે. ‘રાત વીતી’માં શંકરાચાર્ય અને ‘હિંદુ સંસ્કૃતિનો પાયો?’માં વેદો વિશેનો ટીકાત્મક, રૅડીકલ દૃષ્ટિકોણ છે. ‘ગુરુસંસ્થા અને ભક્તિ’ને પણ તેઓ જુદા નજરિયાથી મૂલવે છે.

‘કુળકથાઓ’(1966)ઓમાં કચ્છ-કાઠિયાવાડથી મુંબઈમાં વસીને તેના વેપારવણજ દ્વારા શહેરના વિકાસમાં ફાળો આપનાર કર્તૃત્વશાળી ભાટિયા ઘરાણાંનાં સ્ત્રી-પુરુષોના શબ્દચિત્રો છે. તેમાં તેમની બાળપણની સાંભરણોનો કૃતજ્ઞતાપૂર્ણ સમાવેશ છે.

‘રાણી વિક્ટોરિયાની બોન’ સમાં જાજરમાન શ્રેષ્ઠીપત્ની ધનીમા અને ચીનાબાગના તેમના આવાસનો ‘દેવતાઈ ઘોડો મનાતો’ મોરુના શબ્દચિત્રો ગુજરાતી ભાષાનાં ઘરેણાં છે.

એવું જ ‘ધરતીનું લૂણ’ના શબ્દચિત્રોનું છે. અહીં ‘અંજલિઓ’ તરીકે લખાયેલા ચૌદ નાનામોટા ચરિત્રલેખો છે. સંગ્રહનો મોટા હિસ્સામાં લેખકે પુસ્તક જેને અર્પણ કર્યું છે તે ‘મહાદેવથી મોટેરા’ છોટુભાઈ દેસાઈ વ્યાપેલા છે.

ગાંધીજીના સચિવ મહાદેવાભાઈથી થોડા મોટેરા છોટુભાઈ રેલવે અધિકારી અને સમાજસેવક હતા. લેખકે અત્યંત રસાળ શૈલીમાં તેમના નીડર, સેવાપરાયણ, શક્તિશાળી, યુક્તિબાજ વ્યક્તિત્વને આલેખ્યું છે. એમના જ કુળના ‘મૉનજી રુદર’ અને તેમના પત્ની ભીખીબાઈ. તેમણે પોતાની વિધવા દીકરીના પુનર્લગ્ન કરાવ્યા. એટલે નાતીલાઓએ તેમનો સખત બહિષ્કાર કર્યો જેનો દંપતીએ  ગજબના ધૈર્ય અને ધીરજથી સામનો કર્યો.

‘ઝાકળ જેવા અણદીઠ’માં સૂરતના સાધુચરિત સજ્જન નંદલાલ મહેતા છે. બે ભાગના ‘મૂંગુ બળમાં’ ગર્ભશ્રીમંત નબીરા ચંદુભાઈ નાણાવટીના કલ્પનાતીત પ્રામાણિકતાભર્યા વ્ય્કતિગત તેમ જ વ્યાવસાયિક જીવનનો આલેખ મળે છે.

ચિત્રવિચિત્ર માણસો વિશેના પુસ્તક ‘નઘરોળ’ની ‘ઉગમકથા’માં સ્વામી નઘરોળ શબ્દનો અર્થ લખે છે : ‘ફુવાડિયો, ડટ્ઠર, નીંભર, હાડોહાડનો બેપરવા, નઠોર, રીઢો, અઘોરી, ઑઘરાળો, દીર્ઘસૂત્રી’.

પછી તેઓ ઉમેરે છે : ‘આવા આવા તરેહવાર થોડા નમૂના, જાત અનુભવમાંથી તેમ જ હડફટે ચડેલા તે અહીં સંઘર્યા છે.’ આ ઉપરાંત સમાજમાં રહેલા દંભ-પાખંડ, નઠોરતા, ધર્મજડતાને બતાવતા પાત્રો-પ્રસંગો પણ સ્વામી અહીં સમાવે છે. ‘હીરોશીમાનો હત્યારો?’ નામે બે લેખો કુતૂહલપ્રેરક છે.

‘મૉતને હંફાવનારા’ અંગ્રેજ પર્વતારોહી વિલફ્રિડ નૉઇસના They Survived પર આધારિત છે. સ્વામી લખે છે : ‘આ પુસ્તક મૂળ લેખકે આપેલી કથાઓ તેમ મંતવ્યોમાંથી મહત્ત્વના અંશોની મુક્તપણે કરેલી રજૂઆતોનું છે.’

ભયંકર આપત્તિમાંથી ‘શરીરના ગુણો ઉપરાંત ધૈર્ય, શૌર્ય, સંતુલ, શ્રદ્ધા-પ્રાર્થના, હૈયાસૂઝ વગેરે આંતરિક ગુણોના સુમેળથી’ ઉગરી જનારા દેશવિદેશનાં સ્ત્રી-પુરુષોએ મોતને કેવી રીતે હંફાવ્યું તેની કહાણીઓ અહીં બાર પ્રકરણોમાં છે. બીજાં ત્રણ પ્રકરણો સ્વાનુભવ પર આધારિત છે.

‘પ્રકાશકીય’ નોંધે છે : ‘પોતાનાં પુસ્તકોના પ્રકાશનમાં જોડણી, વિરામચિહ્નો, ટાઇપોગ્રાફી તથા મુદ્રણ માટે સ્વામીના કડક નિયમો હતા. અને તેના પાલનના તેઓ ચુસ્ત આગ્રહી હતા.’ નવજીવને તેમના આગ્રહોને યથાતથ રાખીને પ્રકાશન કર્યું છે તેમાં અપૂર્વ આશરની દૃષ્ટિ છે. રાખોડી રંગનાં આવરણ, તેની પર કથ્થઈ રંગના અક્ષરો અને વિશિષ્ટ કદનાં પુન:મુદ્રણોને મૂળ આવૃત્તિઓ સાથે સરખાવવી આનંદદાયક બને છે.

આવરણ પર ઊપરના ડાબા ખૂણા પરની આકૃતિનો ખુદ સ્વામીએ અર્થ આપ્યો છે : ‘આ  ગ્રંથમાળાનાં મુખપૃષ્ઠો પરની પ્રતીક આકૃતિમાં ચાર નાના ચૉરસ અને એને બાંધતી રેખા વડે  બનતો વચલો ચૉરસ, ચોમેરના મુક્ત આકાશમાંથી આવનારાં હવાપ્રકાશને લઈ પચાવી આત્મસાત કરનારી નરવાઈ સૂચવે છે; અને તેની બહારના ચાર દિશા ચીંધતા ચાર ત્રિકોણ ઈશ્વરદત્ત બક્ષીસો દ્વારા જીવનમાં થતી અનુભૂતિનું ફળ ચારે દિશામાં વસી રહેલી જનતાને અને તેના સરજનહારને અર્ઘ્ય રૂપે પાછું અર્પણ કરવાની મનોવૃત્તિ’. ‘અનંતકળા’ અને ‘કુળકથાઓ’ના આવરણચિત્રો વિશે પણ તેમણે નોંધ લખી છે.

સ્વામીએ વિશ્વવિખ્યાત ચિંતક બર્ટ્રાન્ડ રસેલના અણુશસ્ત્રમુક્તિ વિચારો, અને રેચેલ કાર્સનનાં પર્યાવરણ વિષય પરના ક્રાન્તિકારી આદ્ય પુસ્તક ‘ધ સાઇલન્ટ સ્પ્રિન્ગ’નો સાર ‘માનવતાના વેરી’ પુસ્તકમાં સમાવ્યો છે. તેમણે આઠ અનુવાદ/સંપાદનો પણ આપ્યા છે.

ગીતામાંથી તારવેલાં એકસો આઠ શ્લોકમાંથી ‘બને એટલી સહેલી ભાષામાં’ ‘લોકગીતા’ રચી છે. બાઇબલના કેટલાંક અંશોની તેમણે ‘ઈશુ ભાગવત’ નામે તળપદી કાઠિયાવાડી બોલીમાં કરેલી રજૂઆત તો ઝગઝોળી દેનારી છે. એ નજીકના ભવિષ્યમાં વાંચવા મળશે.

પ્રકાશકે ‘આ પહેલાં તબક્કામાં’ પ્રસિદ્ધ કરેલાં પુસ્તકોનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે : ‘અન્ય પુસ્તકો, સંપાદનો અને ગ્રન્થાવલી વગેરે સાહિત્ય હવે પછી ક્રમશ: પ્રગટ થશે.’ વળી ‘નવજીવને’ એ પણ લખ્યું છે કે : ‘એ જીવનમરમી સ્વામીના આશીર્વાદ આ પ્રકાશન પર ઊતરો એવી પ્રાર્થના’. એ આશીર્વાદ ઊતરશે.

‌‌‌‌‌‌–‌‌‌‌‌‌‌‌———

પ્રાપ્તિસ્થાનો : 

●‘હૃદયકુંજ’ પુસ્તક ભંડાર, નવજીવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ. સંપર્ક : 079-27540635 અને 27540635. ઉપરોક્ત દરેક પુસ્તકની કિંમત રૂ. 200/-, અને અહીં 15 સપ્ટેમ્બર 2023 સુધી દરેક પુસ્તક પર 20% વળતર.

● ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ, ફોન 079-26587949 અને 9898762263  

પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 03 સપ્ટેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘એક યાત્રા બે વૃત્તાંત’: સ્વામી આનંદ અને કાકાસાહેબનાં હિમાલયનો પ્રવાસ એક સાથે …

કિરણ કાપૂરે|Opinion - Opinion|3 September 2023

સ્વામી આનંદ અને કાકા કાલેલકર ગુજરાતી ભાષાના બે ગદ્યસ્વામી છે. ગુજરાતીમાં આ બંને ગદ્યસ્વામીનાં વિપુલ લખાણો છે. અડધી સદી પૂર્વે લખાયેલાં આ લખાણો આજે ય રસપૂર્વક વંચાય છે અને તેથી નવાંનવાં સ્વરૂપે તેમનાં લખાણો મૂકાતાં રહ્યા છે. હાલમાં ‘નવજીવન’ Navajivan Trust દ્વારા આ બંનેનાં લખાણો સાંકળીને ‘એક યાત્રા બે વૃત્તાંત’ નામનું પુસ્તક પ્રકાશિત થયું છે. પુસ્તકના સંપાદક અપૂર્વ આશર છે અને તેમણે આ બંને મહાનુભાવોના હિમાલયના લખાણોને એક સાથે મૂકી આપ્યા છે. આવું કરવાનું કારણ એટલું કે આ બંનેએ એક સાથે હિમાલયનો પ્રવાસ કર્યો અને પછી અલગ-અલગ સમયે પોતાના પ્રવાસ અનુભવ લખ્યાં હતાં. ‘એક યાત્રા બે વૃત્તાંત’માં કાકાસાહેબ અને સ્વામીનો હિમાલય પ્રવાસ એક સાથે વાંચવા મળશે. સંપાદક અપૂર્વ આશર હિમાલયના આ બે વૃત્તાંતને એકમેકના પૂરક ગણે છે અને એટલે જ તેમણે બંનેનો પ્રવાસ એકસાથે કેવી રીતે ચાલે છે અને ક્યાં તેમના પ્રવાસ અનુભવમાં ભેદ છે ‘ક્રોસ રેફરન્સ’થી મૂકી આપ્યા છે.

કાકાસાહેબનું ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તક જાણીતું છે અને તેમણે આ પ્રવાસને અદ્વિતિય રીતે શબ્દોમાં ઉતાર્યો છે. હિમાલયનું તેઓ એક ઠેકાણે વર્ણન કરતાં લખે છે કે, “હિમાલય આર્યોનું આદ્યસ્થાન, તપસ્વીઓની આ તપોભૂમિ, પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યાંપાક્યાંનો વિસામો, નિરાશ થયેલાઓનું સાંત્વન, ધર્મનું પિયર, મુમૂર્ષુઓની અંતિમ દિશા, સાધકોનું મોસાળ, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે. માણસોને તો શું, પશુપક્ષીઓને પણ હિમાલયનો આધાર અપૂર્વ છે. સાગરને મળનારી અનેક નદીઓનો એ પિતા છે. એ જ સાગરમાંથી ઉદ્ભવેલાં વાદળોનું એ તીર્થસ્થાન છે. એ ભૂલોકનું સ્વર્ગ, યક્ષકિન્નરનું વસતિસ્થાન છે. જગતનાં સર્વે દુઃખોને સમાવી લે એવડો તે વિશાળ છે, સર્વ ચિંતાગ્નિને શમાવી દે એટલો એ ઠંડો છે, કુબેરને પણ આશ્રય આપી શકે એવડો એ ધનાઢ્ય છે અને મોક્ષની સીડી બની શકે એવડો એ ઊંચો છે.”

કાકાનાં ગદ્યનો આ પરથી અંદાજ લગાવી શકાય. કાકાસાહેબની જેમ સ્વામી હિમાલય માટે પુસ્તકની પ્રસ્તાવનામાં આમ લખે છે : “હિમાલય – નિસર્ગદેવતાનું ક્રીડાસ્થાન, મંત્રદૃષ્ટા ઋષિઓની એ અજરામર તપોભૂમિ, ભારતવર્ષના પ્રાચીન ગૌરવનો એ સાક્ષી– ઝળહળતા સ્ફટિકશુભ્ર બરફથી હજુ પણ એવો ને એવો છવાયેલો છે. માનવી પાદસ્પર્શના દૂષણથી નિરંતર મુક્ત રહેતાં એનાં હિમશિખરો બાલસૂર્યનાં કોમલ કિરણોમાં પ્રભાતે સોનાનાં હોય એવાં ચમકે છે અને વિશ્વના હિત ખાતર પોતાનું સ્વાતંત્ર્ય જતું કરી, યાંત્રિક આયુષ્યક્રમ સ્વીકારી આખા દિવસ દરમિયાન અર્ધખગોળનો પ્રવાસ કરી શ્રાંતચિત્તે આથમી જતા ભગવાન સવિતાનાં આરક્ત કિરણોની પ્રભામાં એ શિખરો સાંજે પણ સોનેમઢ્યાં હોય એવાં જ લાગે છે.”

સહયાત્રીઓના આ અનુભવ વિશે ‘એક યાત્રા બે વૃત્તાંત’નાં સંપાદક પુસ્તકના ઉપક્રમ વિશે લખે છે કે, “હિમાલયનો કોઈ યાત્રી એક સવારે ઊઠીને જુએ કે કાલે રાત્રે ધુમ્મસ અને વાદળોથી ઢંકાયેલું એક શિખર ધુમ્મસ હઠવાથી હવે દૃશ્યમાન થયું છે. કાલે જ્યાં શિખર દેખાતું હતું ત્યાં હવે બે શિખરોનાં દર્શન થઈ રહ્યાં છે. તો ત્યારે એ ભાગ્યશાળી બે શિખરોની તુલના કરવા બેસે કે આંખ ભરીને એ સૌંદર્યને માણવાનું પસંદ કરે? બસ આટલી જ વાત ‘આ સંયુક્ત આવૃત્તિ શા માટે?’ના કારણરૂપે…” એ પછી સંપાદકીયમાં અપૂર્વભાઈ આ સંપાદનની યાત્રા કેવી રીતે આરંભાઈ તે વિશે લખે છે કે, “1912માં થયેલી આ યાત્રા(હા, બંને યાત્રીઓએ એમનાં બયાનોમાં યાત્રા જ શબ્દ પ્રયોજ્યો છે)નું વૃત્તાંત સ્વામી આનંદે તે જ વર્ષે લખવાનું શરૂ કરી ક્રમશ: 1916 સુધીમાં પૂરું કર્યું. પણ એ જ ગ્રંથસ્વરૂપે પ્રગટ થયું 72 વર્ષ પછી 1984માં. એના સંપાદકીયમાં મૂળશંકરભાઈ લખે છે, ‘આ બંને પ્રવાસવર્ણનોને સાથે રાખીને માણવા જેવાં છે.’ એ બંને પુસ્તકોમાંથી થોડાં ઉદાહરણો પણ ટાંકે છે. બસ, ત્યાંથી શરૂ થઈ આ સંપાદનની યાત્રા. જેમ જેમ એમની સાથે આ યાત્રામાં જોડાતો ગયો એમ એમ સમજાતું ગયું કે આ બે અનન્ય ગદ્યસ્વામીઓના ગદ્યની સરખામણી માત્ર નથી, આ બે વૃત્તાંતો ઘણે અંશે એકમેકના પૂરક છે.”

હવે તે પૂરકે કેમ છે તેનાં ઉદાહરણ અહીં સંપાદક મૂકતાં લખે છે કે, “કાકાસાહેબે એક ઠેકાણે વર્ણવ્યું છે કે, સાંજ પડતાં મુકામે પહોંચવામાં સ્વામી પહેલાં હોય અને પોતે છેલ્લા. એ જ રીતે આ યાત્રાનાં કોઈ વર્ણનોમાં પણ બંને ક્યાંક ક્યાંક આગળ પાછળ થયા છે. કોઈ વર્ણન એકે છોડી દીધાં છે તે બીજાએ બહેલાવીને લખ્યાં છે. સ્વામીએ કોઈ પ્રસંગો બે-ત્રણ વાક્યોમાં નિપટાવ્યા છે જેને કાકાસાહેબે આખા પ્રકરણમાં બહેલાવ્યાં છે. ઉદા. ‘ખાખીબાવા.’ જમનોત્રીનું આખું પ્રકરણ કાકાની ‘વિસ્મૃતિના ધૂમસ પાછળ ભૂંસાઈ’ ગયું છે જે સ્વામીના વૃત્તાંતમાં વિગતે વાંચવા મળે છે.”

સ્વામી અને કાકાસાહેબના હિમાલયના પ્રવાસને સાથે મૂકવાનો વિચાર જાણીતાં સાહિત્યકાર મૂળશંકર મો. ભટ્ટને આવ્યો હતો, તેને સાકાર અપૂર્વ આશરે કર્યો છે. સ્વામી આનંદનું ‘હિમાલયનાં તીર્થસ્થાનો’ પુસ્તક પ્રકાશિત થયું હતું ત્યારે તેના સંપાદકીયમાં મૂળશંકર મો. ભટ્ટ લખે છે કે, “હિમાલયનાં તીર્થસ્થાનો એ નામે મરાઠીમાં લખાયેલી લેખમાળા એ સ્વામીજી, કાકાસાહેબ અને તેમના મિત્ર બુવા મરઢેકરે સાથે કરેલ પ્રવાસનું વર્ણન કરતી લેખમાળા છે. આ જ પ્રવાસની કથા કાકાસાહેબે હિમાલયનો પ્રવાસ એ નામે લખેલી છે અને તે તો આજે ગુજરાતના પ્રવાસરસિક અને સાહિત્યરસિક લોકોનું પ્રિય વાચન થઈ પડ્યું છે. તેમણે આ પ્રવાસવર્ણન 1919માં સત્યાગ્રહ આશ્રમનાં બાળકોના માસિકમાં લેખમાળારૂપે લખેલું. આમાં એક સુખદ ઘટના એ છે કે ગુજરાતીમાં પોતાની પ્રવાસકથા મરાઠીમાં લખે ને એક મહારાષ્ટ્રી એ જ પ્રવાસની કથા પોતાની ઢબે ગુજરાતમાં લખે છે. આ રીતે આ બંને પ્રવાસવર્ણનોને સાથે રાખીને માણવા જેવાં છે. એ બંને કથાઓમાં બંને યાત્રાળુઓની પ્રતિભા, મિજાજ, રુચિ, ભાષાવૈભવ, અવલોકન, ચિંતનના સ્થાનોની લાક્ષણિકતાઓ ઊપસી આવે છે.”

તે પછી મૂળશંકર ભટ્ટ લખે છે કે, ‘હિમાલયનો પ્રવાસ’ અને ‘હિમાલયનાં તીર્થસ્થાનો’માં કેટલીક ઘટનાઓના ઉલ્લેખ સમાનપણે મળી આવે છે, પણ તેમના નિરૂપણમાં બંનેની સ્વતંત્ર પ્રતિભાના દર્શન થાય છે.’ કેટલાંક ઉદાહરણ મૂળશંકરભાઈ મૂકે છે, જેમાં એક ઘટના છે ‘બે પત્નીનો ધણી યાત્રિક જે રીતે પોતાની પહેલી પત્ની પર જુલમ કરે છે.’ તેનું વર્ણન છે. આ ઘટના વિશે સ્વામી લખે છે : “પતિસેવા એ સ્ત્રીનું કર્તવ્ય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે, પણ પત્ની પાસેથી સેવા લેવાનો પતિનો હક્ક છે, એવો નિર્દેશ કોઈ જગ્યાએ નથી, અને ગડદાપાટુ મારી એને જોરે પત્નીને કર્તવ્યતત્પર બનાવવાનો માર્ગ તો કોઈએ પણ સૂચવેલો નથી. પુરુષનું અનુકરણ કરી એમની પદ્ધતિ સ્વીકારી પોતાના અર્ધાંગ જેવા પતિરાજને કર્તવ્યતત્પર બનાવવાનું જો અમારા સમાજની સ્ત્રીઓ યોજે, અને યોજના પ્રત્યક્ષમાં મૂકવા જેટલી શક્તિ એમને મળે, તો હિંદુસ્તાનમાં મતાભિલાષિ સ્ત્રી-આંદોલન કરતાં પણ વધારે ઉગ્ર આંદોલન જાગે”

આ ઘટનાને કાકાસાહેબ જ્યારે શબ્દમાં ઉતારે છે ત્યારે : “આર્ય કુટુંબના ઝઘડામાં બહારના માણસથી પડાય નહીં, એટલે અમે આ બધું સહન કર્યું. આજે અમારી એ કાયરતા પર તિરસ્કાર છૂટે છે. પણ તે વખતે જ મનમાં વિચાર આવ્યો, શું આ જ આપણો આર્ય ધર્મ છે? મનુએ જ્યારે ‘यत्र नार्यस्तु पूज्यन्ते’ લખ્યું ત્યારે આ જ જાતની પૂજા એણે કલ્પી હશે? પતિ એ પત્નીનું દૈવત છે એ ખરું. પણ શું સ્ત્રી પતિની ગુલામ છે કે ઢોર છે? કોઈ સનાતની શાસ્ત્રીને પૂછીએ તો આને માટે પણ એ શાસ્ત્રાધાર જરૂર કાઢી આપે. માણસ એ દેવોનો પશુ છે એમ ઉપનિષદમાં લખ્યું છે. પતિ એ દેવ છે, એટલે પત્ની એનું ઢોર ખરી જ ને? ઉપનિષત્કાલીન ઋષિ આ તર્કશાસ્ત્ર સાંભળશે ત્યારે પોતાના નિર્દોષ કાવ્ય માટે અસંખ્ય વાર પસ્તાશે.”

સંપાદક અપૂર્વભાઈ સંપાદકીયમાં પુસ્તકને ‘DIPTYCH PHOTOGRAPHY’ સાથે સરખાવતાં લખે છે : ‘એમાં બે સ્વતંત્ર ફોટોગ્રાફ્સને બાજુબાજુમાં ગોઠવીને એક નવી જ કલાકૃતિ ઊભી કરવામાં આવે છે. બંને કૃતિઓ પોતપોતાની રીતે સર્વાંગસુંદર અને પૂર્ણ જ હોય છે પણ એ જોડાઈને બનતી દ્વયંગી કૃતિ અનન્ય હોય છે.’

‘એક યાત્રા બે વૃત્તાંત’: સ્વામી આનંદ અને કાકાસાહેબનાં હિમાલયનો પ્રવાસ એક સાથે…

Loading

...102030...1,0341,0351,0361,037...1,0401,0501,060...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved