બાઈના માથે પોટલું
ને કેડે બાળક
ધણીના ખભે ય ભાર
ને જોડાજોડ ચાલતો
પાંચેક વરસનો છોરો.
ગાઉના ગાઉ લંબાતા જાય
આંખ આગળ ને આગળ
મેં મનોમન એમની જોડે ચાલવા માંડ્યું
મનમાં હતું કે સમજાવીને
મારી સાથે લઈ આવીને
આ રસ્તેથી પાછા વાળીને
કંઈક રસ્તો કાઢીશ
થોડે લગી ચાલ્યો ય
ને થાક લાગતાં ઝાડ તળે બેઠો
આંખ ઢળી પડી
જાગ્યો ત્યારે,
એ ક્યાંથી દેખાય?
હવે દોડીને એમનો સંગાથ કરવાની
હામ ક્યાંથી લાવું?
પાછળ ફરી જોઉં છું તો
હું જ મને સંભળાયો
"કોરોનાની આ વસમી વેળાએ
જોઈ તેં તારી સંવેદનશીલતા?"
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 12 મે 2020