= = = = હીરોડૉટસ એવું કહેતા કે પ્લેગ તો ભગવાનની ઇચ્છાથી આવ્યો છે. પરન્તુ ત્હુસ્સિડિડેસે એ વાતનો સાફ ઇનકાર કરેલો = = = =
= = = = કેટલાક લોકો ડરના માર્યા એકબીજાને મળતા ન્હૉતા, તે, એમ એકલા પડી જવાથી મરેલા. કેટલાક લોકો સાહસપૂર્વક હળવા-મળવાનું કરતા’તા, સારવારો કરતા’તા. પણ, તેઓ તેમ કરવાથી મરેલા = = = =
કોરોના જેવી મહામારી બાબતે બે બાબતો સ્પષ્ટ છે : એક તો એ કે સંસારમાં આવી મહામારીઓ આવ્યા જ કરી છે : બીજું એ કે કોઈપણ મહામારી કાયમી નથી હોતી; એક સમયે તો, નષ્ટ થઈ જ જાય છે.
આ લેખ-શ્રેણીમાં હું કામૂ-રચિત ‘પ્લેગ’ નવલકથાની વાત કરી ચૂક્યો છું. પણ પ્રાચીનકાળે પણ પ્લેગની મહામારી વિશે લેખકોએ, ચિન્તકોએ કે ઇતિહાસકારોએ પણ લખ્યું છે.
પ્રાચીન ગ્રીક ઇતિહાસકાર Thucydidesનો – ત્હુસ્સિડિડેસનો – સમય છે : c. 460 – c. 400 BC. એમનો એક જાણીતો ગ્રન્થ છે, ‘હિસ્ટરી ઑફ ધ પેલ્પનેશિયન વૉર’. એ, ઈ.પૂ. પાંચમી સદીમાં સ્પાર્ટા અને ઍથેન્સ વચ્ચે થયેલા યુદ્ધનો ઇતિહાસ છે. યુદ્ધ ઈ.પૂ. 411 લગી ચાલેલું.
ગ્રન્થમાં એમણે ઍથેન્સવાસીઓ પર થયેલા પ્લેગના ભયાનક અને વ્યાપક હુમલા વિશે વિસ્તારથી લખ્યું છે. કહે છે કે, ત્યારે ઍથેન્સની વસતીના ત્રીજા ભાગના લોકોનાં મૉત થયેલાં.
ત્હુસ્સિડિડેસના વડીલ સમકાલીન હતા પ્રાચીન ગ્રીક ઇતિહાસકાર હીરોડૉટસ. એ એવું કહેતા કે પ્લેગ તો ભગવાનની ઇચ્છાથી આવ્યો છે. પરન્તુ ત્હુસ્સિડિડેસે એ વાતનો સાફ ઇનકાર કરેલો.
Thucydides and Hirodotus
Courtesy : Science Photo library
બધી મહામારીઓના સમયમાં આટલી બાબતો સમાન હોય છે : મૉત, શારીરિક યાતના, દર્દ, બેબાકળાપણું. અફરાતફરી મચે, એકબીજા પર આક્ષેપો કરાય, મૉતના આંકડા ઘટે એની રોજે રોજ રાહ જોવાય, ચિન્તા સતાવે કે આ ક્યારે ટળશે અને કે દા’ડે બધું હતું તેવું થઈ જશે. વગેરે.
જોઈ શકાય છે કે ત્હુસ્સિડિડેસે મુખ્યત્વે પ્લેગનું ક્લીનિકલ – ચિકિત્સાપરક – વર્ણન કર્યું છે, પ્લેગનાં કારણોની મીમાંસામાં નથી પડ્યા. યુદ્ધ અને પ્લેગને જોડીને એમણે કશી ટીકાટિપ્પણી પણ નથી કરી. એમણે પોતે જ જણાવ્યું છે કે :
આ મહામારીનાં મૂળ કારણોનો ઘટસ્ફોટ કરી આપે એવાં અનુમાનો કરવાનું કામ હું અન્ય લેખકો પર છોડું છું – તેઓ તદ્વિદ હોય કે ન હોય, ભલે ! હું તો માત્ર પ્લેગનું સ્વરૂપ અને તેનાં ચિહ્નોની જ વાત કરીશ જેથી પ્લેગ કદી જો ફરીથી ફાટી નીકળે તો એને ઓળખી શકાય. કેમ કે મને આ રોગની જાણ છે અને મેં ધ્યાનથી જોયું છે કે અન્યોમાં એ કેવી રીતે ફેલાય છે.
લેખના વાચકો ત્હુસ્સિડિડેસે પીરસેલી વીગતો સાથે પ્રવર્તમાન કોરોના-પરિસ્થતિને ખુશીથી સરખાવી શકશે.
તેઓ જણાવે છે કે —
ઍથેન્સ પર પ્લેગ અચાનક જ તૂટી પડ્યો. સૌ પહેલાં તો ઈથીયોપિયાના કેટલાક સંવિભાગોમાં, ને પછી ઇજીપ્ત અને લિબિયામાં પ્રસરેલો. ઍથેન્સમાં સૌ પહેલાં પાઇરેસ બંદરગાહમાં ફેલાયો. એમ કહેવાવા લાગ્યું કે પેલ્પનેશિયનો પાસે કૂવા ન્હૉતા ને તેથી જળાશયોને તેઓએ દૂષિત કરેલાં, આ તેનું ફળ છે. એ પછી, પ્લેગ નગરના ઉપલા સંવિભાગોમાં પ્રસરેલો અને ત્યારે મૃત્યુ પણ વધી ગયેલાં.
તંદુરસ્ત લોકોને એકાએક જ માથામાં અતિ ગરમી લાગવા લાગેલી; આંખો બળવા માંડેલી, લાલ થઈ ગયેલી; જીભ કે ગળું આવી ગયેલાં; શ્વાસ ભરાઈ ગયેલા ને તેમાંથી દુર્ગન્ધ આવતી’તી. આ ચિહ્નો પ્રગટે પછી, છીંકો આવે, અવાજ બેસી જાય, ને છેવટે છાતીમાં દુખાવો અને સખત ઉધરસ શરૂ થાય. એ પછી, પ્લેગ જો પેટમાં જામી જાય, તો પિત્તસ્રાવ પણ થાય, વેદના ખૂબ જ વધી જાય.
કેટલાંક મૃત્યુ બેદરકારીને કારણે, તો કેટલાંક, સારવાર દરમ્યાન થયાં હતાં. ચૉક્કસપણે અસરકારક નીવડે એવી એક પણ દવા મળી આવી ન્હૉતી. કોઈ દવાથી કોઈને સારું થતું, તો બીજીથી કોઈને ઘણી જ તકલીફો થતી.
દાક્તરો ખાસ ખપમાં નહીં આવેલા કેમ કે એમને સારવાર કેમ કરવી તેની કશી ગતાગમ ન્હૉતી. દરદીઓને વારંવાર જોવા-તપાસવાને કારણે ચેપ લાગવાથી ઘણા દાક્તરો પોતે જ મરી ગયેલા. એકે ય માનવીય કીમિયો કારગત નહીં નીવડેલો. દેવળોમાં આજીજીપૂર્વકની પ્રાર્થનાઓ થયેલી, પણ વ્યર્થ. અટકળો અને આગાહીઓ પણ નિરર્થક નીવડેલી. મહામારી એવી વકરેલી કે એ બધું એની મૅળે જ બંધ થઈ ગયેલું.
કેટલાક લોકો ડરના માર્યા એકબીજાને મળતા ન્હૉતા, તે, એમ એકલા પડી જવાથી મરેલા. ઘણાં ઘર સ્વજન વિનાનાં ખાલી થઈ ગયેલાં, કેમ કે સારવાર કરનારી નર્સો ન્હૉતી મળતી. કેટલાક લોકો સાહસપૂર્વક હળવા-મળવાનું કરતા’તા, સારવારો કરતા’તા. પણ, તેઓ તેમ કરવાથી મરેલા.
પ્લેગ પહેલાં પુરુષો અમુક કામ ખૂણામાં કરતા’તા તે હવે ખુલ્લેઆમ કરવા લાગેલા. મિલકતોના ઝડપી વારાફેરા શરૂ થયેલા. મિલકતવાળા ફનાફાતિયા થઈ ગયેલા અને જેમની પાસે કશું ન્હૉતું તે તાલેવંત થઈ ગયેલા. એ લોકોએ નક્કી કરેલું કે જલ્દી જલ્દી વાપરો, મૉજમજા કરી લો, કાલ કોને દીઠી છે ! કોઈમાં પણ આદરભાવ કે સન્માનને વિશેની કશી દૃઢતા રહી ન્હૉતી. ચાલુ આનન્દપ્રમોદમાં ને જલસામાં ઉમેરા કરનારાઓ સન્માનનીય અને ઉપકારક લેખાતા. અને ત્યારે, કોઈને પણ ઈશ્વરનો કે કાયદાનો ડર નડતો નહીં.
બચી ગયેલી વ્યક્તિઓથી રોગગ્રસ્ત તેમ જ મરણાસન્ન લોકો અનુકમ્પા અનુભવતા. પણ મરણશરણ વ્યક્તિઓ તેમ જ અર્ધમૃતો તરસના માર્યા ફુવારા પાસે કે શેરીઓમાં અહીંતહીં અથડાતાં. ઘણાઓએ ધર્મસ્થાનોમાં આશરો કરેલો, પણ ત્યાંયે, ત્યાં મરેલાંનાં શબ પડેલાં ! ક્યાં ય આશરો નહીં મેળવી શકેલા લોકો ગૂંગળામણ થાય એવી કૅબિનોમાં રહેતા. અને ત્યાં મૃત્યુદર કશાપણ અવરોધ વિના ભભૂકી ઊઠતો.
મહામારી હદપારની ફેલાઈ ગયેલી એટલે લોકો પણ, જે થવું હોય તે થાય કરીને, સાવ બેતમા થઈ ગયેલા. અન્ત્યેષ્ટિનાં વિધિવિધાન ઊંધાં વળી ગયેલાં. દફન જેમની રીતે થાય, કરી લેવાતાં’તાં.
સ્પાર્ટાવાસીઓ હવે અગાઉના જમાનાની ભવિષ્યવાણી યાદ કરવા લાગેલા : એમણે દેવને પૂછેલું કે યુદ્ધમાં જોડાઇએ કે કેમ, તો જવાબ મળેલો કે શૌર્ય દાખવશો તો વિજયી થશો. ભવિષ્યવાણી સાચી પડેલી કેમ કે જેવો પ્લેગ ફાટી નીકળ્યો, પેલ્પનેશિયનોએ ઍટિકા પર ચડાઈ કરેલી. અને ઍથેન્સને તેમ જ અન્ય નગરોને ઘણાં ઘણાં નુક્સાન પ્હૉંચાડેલાં…
ત્હુસ્સિડિડેસ કહે છે, આવો હતો પ્લેગનો ઇતિહાસ.
= = =
(May 13, 2020 : Ahmedabad)