Opinion Magazine
Number of visits: 9446244
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચંદ્રનામા: મૂનથી મંડે અને સોમથી સોમવાર સુધી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 July 2023

રાજ ગોસ્વામી

દેશમાં અત્યારે ભારતની ચંદ્રયાત્રાની ચર્ચા છે. ઈસરોનું ચંદ્રયાન-3 ચંદ્રની સફર પર છે. ગઈ 14મી જુલાઈએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં, સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી, સફળતાપૂર્વક અવકાશમાં છૂટ્યું હતું. તે સંભવત: 23-24 ઓગસ્ટના રોજ ચંદ્રની ભૂમિ પર પગ મુકશે. ઈસરોનું આ ત્રીજું ચંદ્રયાન છે. 2019માં, બીજા ચંદ્રયાન વખતે, રોબોટિક સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર ઉતરતી વખતે ઊથલી ગયું હતું. ચંદ્રયાન-3 એનું જ ફોલો-અપ છે.

આશરે 450 કરોડ વર્ષ પહેલાં, મંગળ ગ્રહના આકારનો ‘થેઈયા’ નામનો એક ખગોળીય પિંડ, તાજી અને તરલ પૃથ્વીમાં અથડાયો હતો અને લગભગ તેને ચકનાચૂર કરી નાખી હતી. એના કાટમાળમાંથી નવી પૃથ્વી અને ચંદ્રનો જન્મ થયો હતો.

પૃથ્વી પર જ્યારે માનવ પ્રજાતિનું આગમન થયું, ત્યારે ચંદ્ર તેની જિજ્ઞાસાનું કેન્દ્ર બની ગયો હતો. સૂર્ય તરફ તો નજર નાખવી અઘરી હતી અને તે તો સ્થિર જ હતો, પરંતુ ચંદ્ર તેનું સ્થાન બદલતો રહેતો હતો અને ઘણો શીતળ હતો, એટલે મનુષ્યોને તેને લઈને એટલું વિસ્મય થતું હતું કે તે માનવજીવન અને સંસ્કૃતિમાં વણાઈ ગયો હતો. ભારતના ચંદ્રમાથી લઈને ગ્રીક દેવી સેલેના અને ચીનની દેવી ચાંગ સુધી માનવ ઇતિહાસમાં એક દિવ્ય આત્મા તરીકે ચંદ્રની હાજરી કાયમ રહી છે. ચંદ્ર ગ્રહની માફક, એ નામોની કહાનીઓ પણ દિલચસ્પ છે.

ચંદ્રનો શબ્દશઃ અર્થ થાય છે ચમકદાર, તેજ, દીપ્તિમાન. સંસ્કૃતમાં ચંદ્ર માટે બીજાં પણ નામો છે. જેમ કે – સોમ (આસવ), ઇન્દુ (ઉજ્વળ), અત્રિસુતા (અત્રિનો પુત્ર), શશિન અથવા શચિન (સસલાથી ચિન્હિત), તારાધિપ (તારાઓનો સ્વામી), નિશાકર (રાત બનાવનાર), નક્ષત્રપતિ (નક્ષત્રનો સ્વામી) ઔષધિપતિ (જડી-બુટ્ટીઓનો સ્વામી) ઉડુરાજ અથવા ઉડુપતિ (જળ સ્વામી), કુમુદનાથ (કમળનો સ્વામી) અને ઉડુપા (નાવ).

પ્રાચીન લોકો ચંદ્રને વ્યવહારિક રીતે ઉપયોગી ગ્રહ ગણતા હતા. સૂર્ય ઊગે અને આથમે તે એક દિવસ ગણાતો હતો, પરંતુ ચંદ્રમાનું ચક્ર 29.5 દિવસ ચાલતું હતું એટલે તે સમયની ગતિ માપવાનું અગત્યનું સાધન હતો. ઘણી સંસ્કૃતિઓમાં દરેક પૂર્ણિમાને કૃષિ સાથે જોડીને અલગ-અલગ નામ આપ્યાં હતાં. આજે પણ ખેતીકામનો મોટાભાગની પ્રવૃત્તિઓ સાથે ચંદ્ર જોડાયેલો છે.

આમાં ચંદ્રનું ‘સોમ’ નામ બહુ રસપ્રદ છે. વેદોમાં સોમ દેવનો ઉલ્લેખ છે. સોમ શબ્દનો પ્રયોગ પીડાશામક નશીલા અને ઉપચારમાં કામ આવતા છોડ માટે કરવામાં આવતો હતો. તેના પરથી સોમરસ શબ્દ છે. એવું તથ્યાત્મક રીતે માનવામાં આવે છે કે ચંદ્રની અવસ્થાની માણસોના મૂડ પર અસર પડતી હતી એટલે વેદકકાળના લોકોએ તેને સોમ કહેવાનું શરૂ કર્યું હતું.

એક આડ વાત; માણસોના સંદર્ભે એવો જ એક શબ્દ “લુનાટિક” છે. જે ગાંડો હોય તે લુનાટિક કહેવાય. લેટિનમાં, ચંદ્ર માટે લુના શબ્દ છે. પાગલખાના માટે અંગ્રેજીમાં લુનાટિક અસાઈલમ શબ્દ છે. મૂનના પ્રભાવ પરથી અંગ્રેજીમાં મૂનસ્ટ્રક શબ્દ છે, અર્થ થાય છે જે પ્રેમમાં પાગલ છે તે. ઇટાલિય ભાષામાં સોમવાર માટે લુનેડિ શબ્દ છે. ફેન્ચમાં લુંડી છે. સ્પેનિશમાં લુનેસ અને જર્મનમાં મોન્ટેજ છે. પંદર વર્ષ પહેલાં, ચન્દ્રયાન-1 ચંદ્ર પર ગયું હતું અને ત્યાં ઉત્તર ધ્રુવ પર પાણી છે તેવી શોધ કરી હતી. એવી જ શોધ માટે, ચંદ્ર પર ઉતરનારું માણસે બનાવેલું પ્રથમ વાહન સોવિયત સંઘનું હતું. તેનું નામ લુના-2 મિશન હતું.

ખેર, સોમને લઈને વિદ્વાનોમાં વિવાદ પણ છે. અમુક વિદ્વાનોનો દાવો છે કે વેદોમાં જ ચંદ્રમા માટે સોમ શબ્દનો પ્રયોગ થયો છે. અમુક વિદ્વાનોના મતે વેદ પછીના સાહિત્યમાં આ શબ્દ વપરાયો છે. વૈદિક વિજ્ઞાનમાં સોમનું મહત્ત્વ ઘણું છે. સોમને અમૃત પણ કહેવાય છે કારણ કે તે નષ્ટ થતું નથી. સોમ ઉર્જા પણ છે. વૈદિક લોકો માનતા હતા કે સૂર્ય ચંદ્રમાની ઉર્જાથી પોષિત છે અને પ્રકાશના રૂપમાં આપણા સુધી આવે છે. ગાયના દૂધને પણ અમૃત કહેવાય છે કારણ કે તે પણ સોમની જેમ ચીકણું અને તરલ છે. દૂધમાંથી ઘી બને છે અને એ ઘીને હવનમાં હોમવામાં આવે તો તે સોમ કહેવાય.

સપ્તાહના પહેલા દિવસનું નામ સોમવાર સોમ પરથી આવ્યુ છે. વાર એટલે વારો. મારો વારો, તારો વારો. એવી રીતે દિવસના સાત વારાને સાત ગ્રહોનાં નામ આપવામાં આવ્યાં હતાં. આજે પણ ગ્રહોની પૂજા કરવા માટે જે તે દિવસ પસંદ કરવામાં આવે છે. એમાં પહેલો સોમ-વાર, ચંદ્રનો દિવસ. સોમવારને શિવનો વાર પણ કહેવાય છે અને શિવજીની સોમદેવ પણ કહે છે. સંસ્કૃતમાં સોમવાર માટે ચંદ્રવાર શબ્દ છે અને મરાઠીમાં આજે પણ તે વપરાય છે. આપણે ત્યાં અમુક ગોત્રોને સોમવંશી કહે છે. તે જ રીતે સૂર્યવંશી ગોત્ર પણ હોય છે.

આપણા સોમવાર અને અંગ્રેજી મંડે વચ્ચે પણ સંબંધ છે. જેમ સોમ ચંદ્રનું નામ છે, તેવી રીતે મંડેમાં પણ ચંદ્ર છે; મૂનડે. મંડે શબ્દ રોમન સામ્રાજ્ય વખતે ગ્રીક અને લેટિન ભાષામાંથી આવ્યો હતો. મૂન શબ્દ ઇન્ડો-યુરોપિયન ભાષાના ‘મેન્સિસ’ શબ્દ પરથી આવે પરથી આવે છે, જેનો અર્થ થાય છે ‘મહિનો,’ એટલે કે મંથ. સ્ત્રીઓનું મેન્સિસ પણ અહીંથી જ આવે છે. જૂના જમાનામાં સ્ત્રીઓમાં એવું માન્યતા હતી (જે ખોટી હતી) કે તેમનો માસિક ધર્મ ચંદ્રના ચક્કરથી પ્રભાવિત થાય છે.

જગતના સાહિત્યમાં પણ ચંદ્રનો બહુ પ્રભાવ છે. હકીકતમાં, માણસે વિજ્ઞાન શોધ્યું તે પહેલાં સાહિત્યમાં કલ્પનાઓના માધ્યમથી તેણે ચંદ્રનું રહસ્ય પામવા માટે પ્રયાસ કર્યો હતો. તેના પરથી જ ‘જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ’ કહેવત આવી હતી (રવિ એટલે સૂર્ય, અર્થાત, સૂર્યનો પ્રકાશ ન પહોંચે ત્યાં). સાહિત્યમાં સૂર્ય પૌરુષિક ઉર્જાનું પ્રતિક છે, જ્યારે ચંદ્ર સ્ત્રૈણ ઉર્જાનું. કળા-સાહિત્યમાં ચંદ્ર શીતળતા, શાંતિ અને સૌન્દર્યનો પ્રતિનિધિ છે.

ચંદ્ર એક જમાનામાં કલ્પનાનો વિષય હતો. હવે વિજ્ઞાનની પ્રગતિ સાથે તે ‘હાથ વેંત’માં આવી ગયો છે. વિજ્ઞાન ચંદ્ર પર પાણીની શોધ કરી રહ્યું છે, જેથી એ સાબિત થાય કે ત્યાં જીવન શક્ય છે. પરગ્રહ પર જીવન શોધીને માણસ વૈકલ્પિક ઘર બનાવાની ફિરાકમાં છે. પ્રોફેસર સ્ટિફન હોકિંગે અનુમાન કર્યું છે કે આપણે જે રીતે પૃથ્વીની વાટ લગાડી છે તે જોતાં 600 વર્ષમાં માણસે અહીંથી ઉચાળા ભરવા પડશે.

ઇઝરાયેલી ઇતિહાસકાર યુવલ નોઆ હરારીએ તેમના પુસ્તક ‘સેપિયન્સ’માં આના પર એક રમૂજ પણ કરી હતી :

ચંદ્ર મિશન પહેલાં, નિલ આર્મસ્ટ્રોંગ અને બીજા અંતરિક્ષ યાત્રીઓ પશ્ચિમ અમેરિકાના ચંદ્ર જેવા ઉજ્જડ પ્રદેશમાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા. ત્યાં અમુક આદિવાસીઓ રહેતા હતા. એમાંથી કોઈકે પૂછ્યું કે, આ શું થઈ રહ્યું છે?

વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આ મૂન મિશન છે, અમે ચન્દ્ર પર જઈશું. પેલો આદિવાસી વિચારમાં પડીને ચૂપ થઈ ગયો, પછી બોલ્યો, “એક મહેરબાની કરશો?”

“શું?”

“અમારો સમુદાય એમ માને છે કે ચંદ્ર પર પવિત્ર આત્મા વસે છે. તમે જો અમારો એક સંદેશો ત્યાં પહોંચાડો તો મહેરબાની,” અદિવાસીએ કહ્યું.

“સંદેશો શું છે?” અંતરિક્ષ યાત્રીએ પૂછ્યું.

અદિવાસીએ એની ભાષામાં સંદેશ લખાવ્યો. યાત્રીને સમજ ના પડી તો અદિવાસીએ કહ્યું કે ખાલી યાદ રાખીને ત્યાં બોલી જજો, એને સમજાઈ જશે.

યાત્રીઓ ટ્રેનિંગમાંથી પાછા આવ્યા પછી કોઈક ભાષાશાસ્ત્રીને શોધીને પેલો સંદેશો સમજવાની કોશિશ કરી. સંદેશો વાંચીને ભાષાશાસ્ત્રી જોર જોરથી હસવા લાગ્યો. એ શાંત થયો એટલે યાત્રીઓએ ફરી પૂછ્યું કે, સંદેશો શું છે?

પેલાએ વાંચ્યું, “આ જે લોકો ત્યાં આવ્યા છે, એમનો જરા ય વિશ્વાસ નહીં કરતા. એ તમારી જમીનો બથાવી પાડવા આવ્યા છે.”

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 23 જુલાઈ 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

25 July 2023 Vipool Kalyani
← જૂનાગઢનો અલગારી ફકીર કવિ 
કરસનદાસ જે કરી શક્યા તે આજે કેમ કોઈ કરી શકતું નથી? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved