એ શિયાળુ સાંજની વેળાએ મલબાર હિલ પર શું બન્યું?
શિયાળુ સાંજની વેળ છે થોડી,
હાલને સાજન ભમીએ આપણ, નિંદરું આવશે મોડી.
ભર ઉનાળે રાજેન્દ્ર શાહના આ શિયાળુ શબ્દો તે યાદ કરવાના હોય? કાંઈ કારણ? હા, કારણ છે, આજે જે વાત માંડવાની છે તે. આ એ જમાનાની વાત છે જ્યારે મુંબઈમાં શિયાળો બે-પાંચ દિવસમાં આટોપાઈ જતો નહિ. ખાસ્સો દોઢ-બે મહિના સુધી લંબાતો. તો ધૂવાધાર ગરમીમાં અકળાતા વાચક બંધુ-ભગિનીનો, ચાલો આજે જઈએ સો વરસ પહેલાંની મુંબઈની એક શિયાળુ સાંજે, ભમવા. પણ ક્યાં?
સ્થળ : મલબાર હિલ, યાને હેન્ગિંગ ગાર્ડન્સ, યાને સર ફિરોઝશાહ મહેતા ગાર્ડન.
તારીખ : સોમવાર, ૧૨ જાન્યુઆરી ૧૯૨૫
સમય : સાંજના સાડા સાત
રસ્તો સૂમસામ. શિયાળાના દિવસોમાં અંધારું વહેલું થઈ ગયું છે. લોકો વહેલા ઘરે જઈને વહેલા જમીને, રજાઈ ઓઢીને વહેલા વહેલા પોઢી જવાની તૈયારી કરી રહ્યા છે. એવે વખતે, સાંજના સાડા સાતને સુમારે છ સિલિન્ડરવાળી કાળા રંગની સ્ટુડબેકર મોટર મલબાર હિલ તરફ જઈ રહી છે. એ વખતે હિન્દુસ્તાનમાં મોટર બનતી નહિ. એટલે જેમની પાસે મોટર હોય તે બધી ઈમ્પોર્ટેડ મોટરો જ હોય. અને એટલે મુંબઈ જેવા મુંબઈના રસ્તાઓ પર પણ ઘણી ઓછી મોટર જોવા મળતી. અમેરિકાની સ્ટુડબેકર કંપનીની સ્થાપના ૧૮૫૨ના ફેબ્રુઆરીમાં. ૧૯૬૮ના ફેબ્રુઆરીમાં એ કંપનીના સ્વતંત્ર અસ્તિત્વનો અંત આવ્યો. ૧૯૧૮થી ૧૯૨૭ સુધી તેણે છ સિલિન્ડરવાળી મોટરો બનાવી. તેમાંની એક મોટર સાંજના સાડા સાતના સુમારે મલબાર હિલ તરફ જઈ રહી હતી.
સિક્સ સિલિન્ડર સ્ટુડબેકર
મહમ્મદ શફી નામનો ડ્રાઈવર મોટર ચલાવી રહ્યો હતો. તેમાં બે જણ બેઠા હતા : એક લક્ષાધિપતિ વેપારી યુવક, જે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘બી’ વોર્ડની માંડવીની સીટ પરથી ચૂંટાયો હતો. અને બીજી એક યુવતી. યુવકનું નામ અબ્દુલ કાદર બાવલા. એક મિલનો માલિક. બીજા પણ ઘણા ધંધા. ચોપાટી પરના એક બંગલામાં રહે. એના ઘરમાં પાંચ મોટર. કોઈ પણ કંપનીનું નવું મોડેલ બજારમાં આવે કે તરત એ મોટર બાવલાના ગેરેજમાં આવી જ હોય. પણ જેવો એક મોટર ખરીદે કે તરત અગાઉની મોટરોમાંથી એક મોટર વેચી નાખે. એટલે મોટરની સંખ્યા પાંચની પાંચ! હજી માંડ ચાર મહિના પહેલાં જ આ નવા મોડેલની સ્ટુડબેકર ખરીદેલી.
એ દિવસે સવારે બાવલા શેઠ પહેલાં મસ્જિદ બંદર નજીક આવેલી પોતાની ઓફિસે ગયેલા. ત્યાંથી કેટલાંક સગાઓને મળવા. બપોરે એક મીટિંગમાં હાજરી આપવા બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન ગયેલા. બીજાં બે-ચાર નાનાં કામ પતાવી સાંજે ચોપાટીને બંગલે. તેમને થયું કે સાંજે મુંબઈ શહેરમાં ફરવા જઈએ તો આખા દિવસના કામનો થાક જરા ઊતરે. સાથે લીધી ઘરમાં રહેતી એક યુવતીને. એ યુવતીનું નામ મુમતાઝ બેગમ. ગુલાબની ખીલતી કળી જોઈ લો. બાવલાએ ડાર્ક બ્લુ રંગનો સૂટ, મેચિંગ ટાઈ, અને કોલર પહેરેલાં. મુમતાઝે પિંક સાડી. અંગે આછાં, પણ કિંમતી ઘરેણાં.
અબ્દુલ કાદર બાવલા
લગભગ સાડા છએ ઘરેથી નીકળીને બંને પહેલાં પાલવા કહેતાં એપોલો બંદર ગયાં. ત્યાંથી કોલાબા અને મહાલક્ષ્મી જઈને ચોપાટી તરફ પાછાં આવ્યાં. ત્યાં વિલ્સન કોલેજ પાસે બાવલાના સેક્રેટરી અને મિલકતના મેનેજર મેથ્યુસ તેમની સાથે જોડાયા. હવે મોટરની પાછલી સીટ પર વચ્ચે બાવલા બેઠા હતા. તેમની ડાબી બાજુએ મુમતાઝ અને જમણી બાજુએ મેથ્યુસ. અને બધાં પેલી છ સિલિન્ડરવાળી સ્ટુડબેકરમાં મલબાર હિલ તરફ જવા નીકળ્યાં. ડ્રાઈવરની બાજુમાં અહમદ મહમદ નામનો ક્લીનર બેઠો હતો. વાલકેશ્વરનો ઢોળાવવાળો રસ્તો ચડી, તીન બત્તી આગળથી મલબાર હિલનો ઢાળ ચડવાનું શરૂ કર્યું. થોડી વાર પછી મલબાર હિલ પહોંચવામાં જ હતાં ત્યાં પાછળથી એક મોટર સતત હોર્ન વગાડતી આવી. લાલ રંગની મેકસવેલ મોટર. આ મેકસવેલ કંપની પણ અમેરિકન. પણ તેનું આયુષ્ય બહુ ટૂંકુ. ૧૯૦૪માં સ્થાપના થઈ. જોતજોતામાં અમેરિકાની ત્રણ ટોચની કંપનીઓમાં સ્થાન મેળવી લીધું. બીજી બે તે જનરલ મોટર્સ અને ફોર્ડ. પણ એ બે સાથેની ચડસાચડસીમાં મોટરોનું ઉત્પાદન ખૂબ વધારી દીધું. પણ મોટરોની ગુણવત્તા બગડતી ગઈ. પરિણામે લગભગ અડધોઅડધ મોટરો વેચાયા વગરની પડી રહી. એટલે દેવાનો બોજ અસહ્ય બન્યો. અને છેવટે ક્રાઈસલર કંપનીએ ખરીદી લીધી. પણ પછી તેણે મેકસવેલનાં બધાં મોડેલની મોટરો બનાવવાનું બંધ કર્યું. અને ૧૯૨૫માં તો મેકસવેલ નામ ભૂતકાળ બની ગયું.
લાલ મેક્સવેલ
આપણે અમેરિકાથી પાછા મુંબઈ, મલબાર હિલ આવીએ. પાછળ આવતી મોટરમાંથી બૂમો અને ગાળો સંભળાતી હતી. સાધારણ રીતે આવા સંજોગોમાં ડ્રાઈવર બને તેટલી ઝડપે મોટર હાંકીને આગળ નીકળી જવાની મહેનત કરે. પણ તેને બદલે બાવલા શેઠના ડ્રાઈવરે તો ઝડપ ધીમી કરી નાખી અને પછી મુંબઈના બિશપના બંગલા પાસે મોટરને રસ્તાની એક બાજુએ ઊભી રાખી દીધી! પાછળથી આવતી મોટર પહેલાં બાવલાની મોટરની જમણી બાજુ સાથે ભટકાઈ, છતાં આગળ વધી, અને પછી બાવલાની મોટરનો રસ્તો રોકીને ઊભી રહી. એ મોટર ભટકાવાથી બાવલાની મોટરની હેડ લાઈટ બંધ થઈ ગઈ. ઊભી રહેલી મોટરમાંથી સાત-આઠ માણસો નીચે કૂદી પડ્યા અને પછી ‘બાઈ કો ઉતારો, બાઈ કો ઉતારો’ એવી બૂમો પાડતા બાવલાની મોટરમાં ચડી ગયા. પેલા માણસોમાંથી એકે બાવલાને પૂછ્યું: ‘હમારી બાઈકુ તૂ કહાં લે જાતા હૈ?’ અને જવાબની રાહ જોયા વગર એક માણસે તેની એફ-એન નામની પિસ્તોલમાંથી બાવલા પર ત્રણ ગોળી છોડી. બાવલા ગંભીર રીતે ઘાયલ થયો. બીજા ચાર-પાંચ માણસોએ મુમતાઝ બેગમને પકડીને મોટરમાંથી નીચે ઢસડી. તેણે સામનો કર્યો એટલે તેના મોઢા-માથા પર ચપ્પુના ઘા કર્યા.
મુમતાઝ બેગમ
પણ કહેવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે? આ બધી ઝપાઝપી ચાલતી હતી એ જ વખતે ત્યાં એક ઓવરલેન્ડ કાર આવી પહોંચી. અને એમાં હતા લશ્કરના કેટલાક ગોરા સૈનિકો. લેફ્ટનન્ટ જોન સેગર્ટ તેના ત્રણ મિત્રોને મહાલક્ષ્મી પાસે આવેલી વિલિંગડન ક્લબમાં ગોલ્ફ રમવા લઈ ગયા હતા. લગભગ સાડા સાતે તેઓ તાજ મહાલ હોટેલ જવા નીકળ્યા. સેગર્ટ મોટર ચલાવતા હતા. પણ મુંબઈના નહિ, એટલે રસ્તાઓથી પૂરેપૂરા જાણકાર નહિ. મોટર કેમ્પ્સ કોર્નર આગળ આવી ત્યારે તેમણે ભૂલમાં મોટર ખોટી દિશામાં વાળી. હ્યુજીસ રોડને બદલે મોટર ગીબ્સ રોડ પર લીધી. (પેડર રોડ ફ્લાઈ ઓવર બંધાયો તે પહેલાં ગીબ્સ રોડ વન-વે નહોતો.) અને એટલે એ બધા આવી પહોચ્યા મલબાર હિલ. પણ આ નાનકડી ભૂલ બાવલા અને મુમતાઝ બેગમ માટે તો આશીર્વાદરૂપ પુરવાર થઈ. બે મોટર, તેમાં બેઠેલા માણસો, તેમાંનો એક ગંભીર રીતે ઘવાયેલો, એક સ્ત્રીને બળજબરીથી લઈ જવાની મહેનત – આ બધું જોતાંવેંત સમજી ગયા કે મામલો શો છે. સેગર્ટે મોટર તરત ઊભી રાખી. આ બધા હતા તો સૈનિકો, પણ અત્યારે ગોલ્ફ રમીને પાછા આવતા હતા. એટલે તેમણે નહોતા પહેર્યા યુનિફોર્મ કે નહોતાં તેમની પાસે હથિયાર. પણ હા, હોકી સ્ટિક હતી. બધા સૈનિકો મુમતાઝ પાસે દોડીને પહોંચી ગયા. તેમણે જોયું કે સ્ત્રી ઘાયલ થઈ ચૂકી હતી. આ બધાને આવતા જોઈ પેલા ગુંડાઓ તેમની ઉપર તૂટી પડ્યા. સેગર્ટને પહેલાં છરી મારી અને પછી પિસ્તોલમાંથી ગોળી. પણ સેગર્ટ તલવારની જેમ ચારે બાજુ હોકી સ્ટિક વિંઝવા લાગ્યો. બે અફસરોએ મહામહેનતે મુમતાઝને બચાવી. બીજા સૈનિકે ગુંડાઓનાં કાંડાં પર હોકી સ્ટિકના ઘા કરી તેમની પિસ્તોલ પાડી નાખી. હવે બાજી હાથથી ગઈ છે એની ખાતરી થતાં ગુંડાઓ ભાગ્યા. એક હુમલાખોરને સૈનિકોએ પકડી પાડ્યો. પણ બાકીના ભાગી છૂટ્યા.
થોડી વાર પછી હબર્ટ સેમ્યુઅલ વોટકિન્સ નામનો પોલીસ ઓફિસર તેની મોટર લઈને આવી પહોંચ્યો. બાવલા, મુમતાઝ, અને બીજા ઘવાયેલાને બાવલાની મોટરમાં બેસાડ્યા. જે એક હુમલાખોર પકડાયો હતો તેના હાથપગ બાંધી તેને પણ મોટરમાં સાથે લીધો. જે.જે. હોસ્પિટલના કેઝ્યુઅલ્ટી વોર્ડના દરવાજા પાસે વોટકિન્સની મોટર આવીને ઊભી રહી ત્યારે રાતના સવા આઠ વાગ્યા હતા. હોસ્પિટલના આસિસ્ટન્ટ સર્જન રિચર્ડ એલેક્ઝાન્ડર લેસ્લી હડસને બાવલાની દશા જોતાંવેંત તેને ઓપરેશન થિયેટરમાં લઈ લીધો.
બાવલા શેઠ પરનું ઓપરેશન સફળ થયું? ન થયું? ભાગી છૂટેલા હુમલાખોરો પકડાયા કે નહિ? મુમતાઝ બેગમનું શું થયું? – એ બધી વાતો હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 05 એપ્રિલ 2025