મુંબઈ અને ગાંધીજીના જીવનનો એક યાદગાર દિવસ : 9મી જાન્યુઆરી 1915
૧૯૧૫ના જાન્યુઆરી મહિનાની નવમી તારીખ. શનિવાર. શિયાળો હજી ગયો નહોતો, અને ઉનાળાને આવવાને વાર હતી. જો કે તે દિવસે ભાગ્યે જ કોઈને એવો ખ્યાલ હતો, પણ હિન્દુસ્તાનના ઇતિહાસમાં આ દિવસ ખૂબ મહત્ત્વનો બની રહેવાનો હતો. તે દિવસે સવારે લગભગ સાડા સાત વાગે એસ.એસ. અરેબિયા નામનું જહાજ મુંબઈના બારામાં નાંગર્યું. બે ભૂંગળાંવાળું અને વરાળથી ચાલતું આ જહાજ ૧૮૯૮માં બંધાયું હતું અને તે પી. એન્ડ ઓ. નામની કંપનીની માલિકીનું હતું. કલાકના ૧૮ દરિયાઈ માઈલની ઝડપે ચાલતું આ જહાજ એ વખતે ખૂબ ઝડપી ગણાતું હતું. એ દિવસે એ જહાજ પર એક ખાસ મુસાફર અને તેમનાં પત્ની પણ હતાં. અગાઉથી સરકારની મંજૂરી લઈને એ બે મુસાફરો બીજા મુસાફરોની જેમ ગોદી પર નહિ, પણ એપોલો બંદર પર ઊતરે એવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સાધારણ રીતે વાઈસરોય અને રાજામહારાજાઓ જ આ રીતે એપોલો બંદર પર ઉતરી શકતા. એવું અસાધારણ માન મેળવનાર એ બે મુસાફરો તે મોહનદાસ કરમચંદ ગાંધી અને તેમનાં પત્ની કસ્તૂરબા.
જેમાં ગાંધીજી અને કસ્તૂરબા મુંબઈ આવ્યાં એ એસ.એસ. અરેબિયા
આજે જ્યારે આખા દેશમાં એ બંનેની ૧૫૦મી જન્મ જયંતી ઉજવાઈ રહી છે, ત્યારે બે-ત્રણ અઠવાડિયાં આપણે ગાંધીજી અને મુંબઈ વિષે થોડી વાત કરશું. જો કે આ અંગે જેમને વિગતવાર જાણવું હોય તેમણે તો ૨૦૧૭માં પ્રગટ થયેલું પુસ્તક ‘ગાંધી ઇન મુંબઈ’ જ વાંચવું રહ્યું. પુષ્કળ સંશોધન કરીને મણિભવન ગાંધી સંગ્રહાલયના પ્રમુખ ઉષા ઠક્કરે અને એ જ સંગ્રહાલય સાથે સંકળાયેલાં સંધ્યા મહેતાએ આ પુસ્તક લખ્યું છે. અહીં જે લખ્યું છે તેનો ઘણો આધાર આ બેનમૂન પુસ્તક છે એ હકીકતનો સાભાર ઋણસ્વીકાર.
ગેટવે ઓફ ઇન્ડિયા બંધાયા પહેલાંનું એપોલો બંદર
એપોલો બંદરને એ વખતે લોકો પાલવા બંદર તરીકે ઓળખતા. પાલ એટલે શઢ. પાલવા એટલે શઢવાળું વહાણ. અગાઉ માછીમારોનાં આવાં વહાણ અહીંની જેટી પર નાંગરતાં એટલે લોકો તેને પાલવા બંદર કહેતા. અંગ્રેજોએ એ દેશી નામનું અંગ્રેજીકરણ કરીને નામ આપ્યું ‘એપોલો બંદર.’ ૧૯૧૧ના ડિસેમ્બરની બીજી તારીખે ગ્રેટ બ્રિટનના શહેનશાહ કિંગ-એમ્પરર જ્યોર્જ પાંચમા અને ક્વીન એમ્પ્રેસ મેરી અહીં જ ઉતર્યાં હતાં. હિન્દુસ્તાનની મુલાકાતે આવનાર આ પહેલાં શાહી દંપતી હતાં. એ પ્રસંગે તેમનું સ્વાગત કરવા અહીં એક દરવાજો બાંધવાનો નિર્ણય સરકારે લીધો હતો. ૧૯૧૧ના માર્ચની ૩૧મી તારીખે તેનો પાયો નખાયો હતો, પણ શાહી આગમન સુધી તે દરવાજો તૈયાર થઇ શક્યો નહોતો. એટલે પૂંઠાનો કામચલાઉ દરવાજો લગભગ રાતોરાત ઊભો કરવામાં આવ્યો હતો. ‘ગેટ વે ઓફ ઇન્ડિયા’નું બાંધકામ તો છેક ૧૯૨૪માં પૂરું થયું હતું. સરકારી બાંધકામની ગોકળગાયની ગતિ એ કાંઈ આઝાદી પછીની સરકારોનો જ ઈજારો નથી. બ્રિટિશ સરકાર પાસેથી એવી ગતિ વારસામાં મળી છે. એટલે ગાંધીજી જ્યારે એપોલો બંદર પર ઊતર્યા ત્યારે ત્યાં ગેટ વે ઓફ ઇન્ડિયા નહોતો. માત્ર જેટી હતી. પણ હા, ૧૯૦૩માં બંધાયેલી તાજ મહાલ હોટેલ ત્યારે ત્યાં ઊભી હતી.
મુંબઈ આવ્યાં ત્યારે ગાંધીજી અને કસ્તૂરબા
ગાંધીજીને આવકારવા માટે એક ખાસ સ્ટીમ લોન્ચમાં મુંબઈના કેટલાક મહાનુભાવો એસ.એસ. અરેબિયા ઉપર ગયા હતા. તેમાં શેઠ નરોત્તમ મોરારજી, જમશેદજી બી. પીતીત, સર ભાલચંદ્ર કૃષ્ણ, બી.જી. હોર્નીમેન, બહાદુરજી વગેરેનો સમાવેશ થતો હતો. તો બીજી એક સ્ટીમ લોન્ચમાં નારણદાસ ગાંધી અને રેવાશંકર જગજીવન ઝવેરી ગાંધીજીને આવકારવા ગયા હતા. ગાંધીજી અને કસ્તૂરબા જ્યારે એપોલો બંદર પર ઊતર્યાં ત્યારે તેમને આવકારવા ત્યાં સેંકડો લોકો એકઠા થયા હતા. મૂળ યોજના તો એપોલો બંદર પર ગાંધીજીનો જાહેર સત્કાર કરવાની અને પછી સરઘસ આકારે તેમને શહેરમાં લઇ જવાની હતી. પણ સરકારે તે માટે મંજૂરી આપી નહોતી. એટલે એ વાત પડતી મૂકવી પડી હતી.
નરોત્તમ મોરારજીના માનમાં બહાર પડેલી ટપાલ ટિકિટ
ગાંધીજી મુંબઈ આવ્યા તે પહેલાં જ તેમને ઉતારો ક્યાં આપવો એ અંગે ચર્ચા ચાલી હતી. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના બંગલાનું સૂચન સર ફિરોઝશાહ મહેતાએ કર્યું હતું પણ એ બંગલાને તૈયાર કરવા માટે જે સમય જોઈએ તેટલો સમય હતો નહિ. એટલે પહેલાં તો ગાંધીજીને શેઠ નરોત્તમ મોરારજીના પેડર રોડ ખાતે આવેલા શાંતિભવન નામના બંગલામાં લઇ ગયા હતા. આ નરોત્તમ મોરારજી એટલે હિન્દી વહાણવટાના આદિપુરુષ. વહાણવટાની પહેલવહેલી ‘દેશી’ કંપની સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીના ત્રણ સ્થાપકોમાંના એક. બીજાં બે સ્થાપકો તે વાલચંદ હીરાચંદ અને લલ્લુભાઈ શામળદાસ. આ બંગલામાં ગાંધીજી અને કસ્તૂરબાએ થોડાક કલાક ગાળ્યા હતા. ગાંધીજી ત્યાં ગોપાળ કૃષ્ણ ગોખલે અને શ્રીનિવાસ શાસ્ત્રીને મળ્યા હતા. પછી રેવાશંકર જગજીવન ઝવેરીના સાંતાક્રુઝ ખાતેના ઘરે ગયા હતા.
સ્વામી આનંદ
મુંબઈમાં આવતાંવેંત સભાઓ, મુલાકાતો, મિજબાનીઓ માટેની માગણીઓનો તો જાણે વરસાદ વરસ્યો હતો. ગાંધીજી મુંબઈ આવ્યા તે જ દિવસે ‘બોમ્બે ક્રોનિકલ’ નામના અખબારને તેમણે મુલાકાત આપી હતી. ૧૦મી તારીખે ગાંધીજી કેટલાક કુટુંબીજનોને મળવા બજારગેટ સ્ટ્રીટ ગયા હતા. ત્યાં તેઓ પહેલી વાર સ્વામી આનંદને મળ્યા હતા. પછીનાં વર્ષોમાં સ્વામી ગાંધીજીના નિકટના સાથી બન્યા હતા. તે જ દિવસે કોટ વિસ્તારમાં બે સત્કાર સમારંભ યોજાયા હતા. કોટ વિસ્તારના રહેવાસીઓ તરફથી પ્રભુદાસ જીવણજી કોઠારીની વાડીમાં, અને મોઢ વણિક જ્ઞાતિ તરફથી જીવણદાસ પીતાંબરદાસના બંગલે. ભણવા માટે ગાંધીજી ઇંગ્લંડ ગયા ત્યારે આ જ જ્ઞાતિએ તેમને ન્યાતબહાર મૂક્યા હતા. ભણતર પૂરું કરીને સ્વદેશ પાછા આવ્યા પછી પ્રાયશ્ચિત કરી ગાંધીજી જ્ઞાતિમાં ફરી દાખલ થયા હતા. પણ દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા ત્યારે ગાંધીજી એટલી જાણીતી વ્યક્તિ બની ગયા હતા કે એ જ જ્ઞાતિએ તેમનું સન્માન કર્યું હતું. એ વખતે ૧૭ વર્ષની ઉંમરના રઘુનાથ બ્રહ્મભટ્ટનું નાટક ‘બુદ્ધદેવ’ મુંબઈના એમ્પાયર થિયેટરમાં આશારામ મૂળજીની નાટક કંપની ભજવી રહી હતી. તેમણે પણ ગાંધીજી માટે સમારંભ યોજ્યો હતો. આ નાટકનું એક ગીત ‘સાર આ સંસારમાં ન જોયો’ આજ સુધી નાટકપ્રેમીઓની જીભ પર રમતું રહ્યું છે.
જે.બી પીતીતના બંગલે પાર્ટીમાં ગાંધીજી અને કસ્તૂરબા
૧૧મી જાન્યુઆરીએ ઘાટકોપર ખાતે સન્માન સમારંભ યોજાયો હતો. રાવબહાદુર વસનજી ખીમજી પ્રમુખસ્થાને હતા. ચાંદીના કાસ્કેટમાં તેમને માનપત્ર અપાયું ત્યારે ગાંધીજીએ ભાષણમાં કહ્યું કે જેને માથે છાપરું નથી અને જેના ઘરને બારણાં નથી તેવા માણસને તમે સોના-ચાંદી આપો તે શા ખપનું? ૧૨મી જાન્યુઆરીએ ગાંધીજી અને કસ્તૂરબાના માનમાં એક શાનદાર સમારંભ પેડર રોડ પર આવેલા જે.બી. પીતીતના ‘માઉન્ટ પીતીત’ નામના બંગલે યોજાયો હતો. ત્યારે ૬૦૦ જેટલા ‘દેશી’ તેમ જ અંગ્રેજ મહેમાનો હાજર હતા. પ્રમુખસ્થાને હતા સર ફિરોઝશાહ મહેતા. સર રિચાર્ડ લેમ્બ, સર ક્લોડ હિલ, સર દોરાબજી તાતા, મહંમદઅલી ઝીણા, સર દિનશા વાચ્છા જેવા એ જમાના અગ્રણીઓ હાજર હતા. એ સમારંભના ઠાઠ અને રૂઆબથી ગાંધીજી અકળાઈ ગયા હતા. કિંમતી ભેટો માટેનો અણગમો આ સમારંભમાં પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ સમારંભમાં જતાં પહેલાં ગાંધીજી દાદાભાઈ નવરોજી અને ડો. દાજી બરજોરજીને મળવા ગયા હતા. દક્ષિણ આફ્રિકામાં ગોરાઓએ ગાંધીજી પર હુમલો કર્યો ત્યારે આ ડોકટરે ગાંધીજીની સારવાર કરી હતી.
૧૩મી જાન્યારીએ હીરાબાગ ખાતે બોમ્બે નેશનલ યુનિયન તરફથી સભા યોજાઈ હતી. તે માટેનું આમંત્રણ ન હોવા છતાં બાળ ગંગાધર ટીળક તેમાં હાજર રહ્યા હતા એટલું જ નહિ, ભાષણ પણ કર્યું હતું. ૧૪મી તારીખે ગુજરાત સભા તરફથી ગિરગામના મંગળદાસ હાઉસ ખાતે ‘ગાર્ડન પાર્ટી’ યોજાઈ હતી. પ્રમુખસ્થાને હતા મહંમદઅલી ઝીણા. કનૈયાલાલ મુનશીએ ગાંધીજીનો પરિચય આપ્યો હતો. બંનેએ ગાંધીજીના મુક્ત કંઠે વખાણ કર્યાં હતાં. પોતાના ભાષણમાં સર સૈયદ અહમદને યાદ કરીને ગાંધીજીએ કહ્યું હતું કે હિંદુ અને મુસલમાન તો ભારત માતાની બે આંખો છે. ગાંધીજીએ નિખાલસતાથી કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં જ્યારે જ્યારે ‘ગુજરાતીઓ’ વિષે વાત થતી ત્યારે કેવળ હિંદુ ગુજરાતીઓને જ ધ્યાનમાં રાખીને વાત થતી. મુસ્લિમ અને પારસીઓની તો વાત જ નહોતી થતી. જ્યારે આ ગુજરાત સભાના પ્રમુખ સ્થાને એક મુસ્લિમ બિરાદર (ઝીણા) બિરાજે છે એ જોઈ આનંદ થાય છે.
જ્યાં સત્કાર સમારંભ યોજાયો એ હીરાબાગ
આ સમારંભમાં ઘણાંખરાં ભાષણો અંગ્રેજીમાં થયાં હતાં. ગાંધીજીએ જવાબ ગુજરાતીમાં આપ્યો હતો અને ગુજરાતીઓના મેળાવડામાં ભાષણો અંગ્રેજીમાં થયાં એ અંગે ટકોર કરી હતી. આત્મકથામાં ગાંધીજી નોંધે છે કે ગુજરાતીઓના કાર્યક્રમમાં ભાષણો અંગ્રેજીમાં થયાં એ અંગે આ રીતે ગુજરાતીમાં બોલીને મેં નાનકડો સત્યાગ્રહ કર્યો હતો. ૧૪મી તારીખે જ ગાંધીજીએ મુંબઈના ગવર્નર લોર્ડ વિલિન્ગડનની મુલાકાત પણ લીધી હતી. ૧૫મી તારીખે સાંજે મુંબઈની સ્ત્રીઓ તરફથી કસ્તૂરબાને માનપત્ર આપવામાં આવ્યું હતું. માધવ બાગમાં યોજાયેલા સમારંભમાં લેડી ફિરોઝશાહ મહેતા પ્રમુખસ્થાને હતા. તે જ દિવસે ગોપાળ કૃષ્ણ ગોખલે મુંબઈ આવતાં ગાંધીજી તેમને મળવા ગયા હતા. તે જ દિવસે રાત્રે ગાંધીજી અને કસ્તૂરબા પોરબંદર, રાજકોટ, વગેરે કાઠિયાવાડનાં શહેરોમાં જવા માટે ટ્રેનમાં નીકળ્યાં. બંનેએ થર્ડ ક્લાસમાં મુસાફરી કરી હતી. એ વખતે કાઠિયાવાડ જવા માટે વિરમગામ સ્ટેશને ટ્રેન બદલવી પડતી. એ સ્ટેશને બ્રિટિશ રાજ્યની હદ પૂરી થતી અને દેશી રાજ્યોની હદ શરૂ થતી. એટલે વિરમગામ સ્ટેશને બધા મુસાફરોનો સામાન ખોલાવીને તપાસતા અને જકાત વસૂલતા. અને જરૂર લાગે તો મુસાફરની દાક્તરી તપાસ પણ કરતા. એ વખતે પ્લેગનો રોગચાળો ફેલાયો હતો અને મુસાફરીને દિવસે ગાંધીજીને થોડો તાવ હતો. એટલે એમની દાક્તરી તપાસ થઇ હતી પણ તેમને રોકવામાં આવ્યા નહોતા.
ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હિન્દુસ્તાન પાછા આવ્યા તે પછી પચાસ વર્ષે, ૧૯૬૫માં, કનૈયાલાલ મુનશીએ લખ્યું હતું: “૧૯૧૫માં જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાંથી ભારતમાં આવ્યા ત્યારે દેશના રાજકારણમાં ઓટ આવી હતી. દેશભક્તો પાસે માત્ર બે વિકલ્પો હતા. કાં તો ગોખલેની વિચારશ્રેણીને અનુસરીને બંધારણીય આંદોલનના માર્ગે જવું અથવા તો માઈકલ કોલિન્સ અને તેમના સાથીદારોએ આયર્લેન્ડ માટે જે માર્ગે આઝાદી મેળવી તે માર્ગે હિંસા અને ત્રાસવાદને રસ્તે જનારાઓનું સમર્થન કરવું. સૌ પ્રથમ તો ગાંધીજીએ અહિંસક આંદોલન દ્વારા રામરાજ્ય સ્થાપવાની વાત કરી ત્યારે એ કાળના નેતાઓએ એને સ્વપ્નદૃષ્ટાની તરંગલીલા કહી; ઘણાએ એમની વાતને હસી કાઢી; તેઓને લાગ્યું કે અવ્યવહારુ ધર્માત્માનું આ આંધળું સાહસ છે. પરંતુ ગાંધીજીની આ નવી પદ્ધતિ એ પછી તેમની પ્રેરણામાંથી જાગેલા આંદોલનમાં અજમાવાઇ, અને તેનું સામર્થ્ય સૌને સમજાયું. ગાંધીજીનો અહિંસાનો આગ્રહ નિર્બળતામાંથી નહોતો પ્રગટ્યો. એ શક્તિમાંથી આવ્યો હતો.”
મુનશીના આ શબ્દો વાંચતાં સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજીને અંજલિ આપતાં કવિ કરસનદાસ માણેકે લખેલા લાંબા કાવ્ય ‘કલ્યાણયાત્રી’ની બે પંક્તિ યાદ આવે છે:
સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો તમે,
ઝંખતી કાવ્યને સત્યે સૃષ્ટિ આ આપને નમે.
[“ગુજરાતી મિડ-ડે”, 28 સપ્ટેમ્બર 2019ના અંકમાં પ્રગટ]
e.mail : deepakbmehta@gmail.com
Flat No. 2 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051