યુવાનો અને બાળકોને વૈજ્ઞાનિક અભિગમ તથા સામાજિક નિસબત ચીંધવામાં તેમનો મહત્ત્વનો ફાળો હતો.
જાણીતા રેશનલિસ્ટ-કર્મશીલ અને બૌદ્ધિક બાબુભાઈ દેસાઈએ 2015ના ઓગસ્ટની 26મી તારીખે પંચોતેરમાં વરસમાં પ્રવેશ કર્યો એ નિમિત્તે સુરતમાં રંગેચંગે એમનો અમૃત મહોત્સવ ઉજવાયો. તે પ્રસંગે સહુએ બાબુભાઈના વયસહજ સારા સ્વાસ્થ્યની જીકર કરી હતી. ત્યાં જ લિવર કેન્સરની અચાનક આવી પડેલી જીવલેણ બીમારીથી 27મી ડિસેમ્બર, 2016ના રોજ બાબુભાઈની જીવનલીલા સંકેલાઈ ગઈ. ઊર્જા અને ઉષ્માસભર, તરવરાટ અને ઉત્સાહથી છલકાતું એક વ્યક્તિત્વ વિલાઈ ગયું.
સુરતની ‘સત્યશોધક સભા’ના સ્થાપક મંત્રી એવા બાબુભાઈ દેસાઈનું ગુજરાતના, ખાસ કરીને સુરતના જાહેર જીવનમાં મોટું પ્રદાન છે. યુવા વયથી વિદ્રોહી રહેલા બાબુભાઈએ અનાવિલ જ્ઞાતિના કુરિવાજ વાંકડાના વિરોધી મંડળના સભ્ય બની પોતાની સામાજિક સક્રિયતાનો આરંભ કર્યો હતો. આ બંડખોરી તેમના સ્વભાવનું સ્થાયી લક્ષણ બની રહી. પદ અને પ્રતિષ્ઠાની લાલચમાં સપડાયા વિના તે કાયમ પોતાના ધ્યેયને વળગી રહ્યા.
અંગ્રેજીના અનુસ્નાતક બાબુભાઈ દેસાઈ સુરતની સર કે.પી. કોમર્સ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક હતા, પરંતુ સામાજિક-રાજકીય વિષયો પરનું તેમનું લેખન,વાચન, ચિંતન વિશેષ રહ્યું. એમણે અનુદિત-સંપાદિત કરેલાં પુસ્તકો કે સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ સાથે મળીને કરેલાં સંશોધનો આ વાતની ગવાહી છે. અધ્યાપક બાબુભાઈએ પોતાના વિદ્યાર્થીઓના મૂલ્યઘડતરમાં કચાશ ન રાખી, જેનું આજે ય ઘણા વિદ્યાર્થીઓને સ્મરણ છે.
કૉલેજકાળથી જ તેઓ સમાજવાદ-સામ્યવાદથી આકર્ષાયેલા હતા. ગ્રાહક પ્રવૃત્તિ-કામદાર પ્રવૃત્તિની સાથે જ તે કૉલેજ અધ્યાપક મંડળમાં પણ સક્રિય હતા. 1972-73થી તેઓ સુરતમાં સમાજવાદના પદ્ધતિસરના અભ્યાસ અને પ્રચારને વરેલું ‘સોશ્યાલિસ્ટ સ્ટડી સેન્ટર’ ચલાવતા હતા. તેની સાપ્તાહિક ચર્ચા બેઠકો ઉપરાંત મહત્ત્વના વિષયો પર પુસ્તિકા પ્રકાશન કરીને તેઓ યુવાનોને સમાજવાદના પાઠ શીખવતા હતા. જાણીતા સમાજશાસ્ત્રીઓ જાન બ્રેમન અને ડૉ. અક્ષયકુમાર દેસાઈની પુસ્તિકાઓ તો ખરી જ, ખુદ બાબુભાઈએ લખેલી ‘ભારતની સમસ્યાઓ અને સાચો સમાજવાદ’ તથા ‘ભારતની સંસદીય લોકશાહીની ભીતરમાં’ સેન્ટરનાં મુખ્ય પ્રકાશનો હતાં.
1979-80ના વરસમાં સુરતમાં લાખોના ખર્ચે એક યજ્ઞ થવાનો હતો. એક તરફ ગરીબી અને અભાવોમાં જીવતા લોકો અને બીજી તરફ આ લાખો રૂપિયાનો ધુમાડો. બાબુભાઈ તેના વિરોધમાં મચી પડ્યા. આ ગાળામાં યજ્ઞનો વિરોધ કરી રહેલા ડૉ. બી.એ. પરીખનો તેમને ઘનિષ્ટ પરિચય થયો. યજ્ઞવિરોધી વાતાવરણને કાયમ કરવા, તેને અંધશ્રદ્ધાવિરોધી અને વૈજ્ઞાનિક વિચારના પ્રચારપ્રસાર માટેનું બનાવવા સત્યશોધક સભાની રચનાનું બીજ રોપાયું. 1979-80માં સ્થાપાયેલી સત્યશોધક સભાને અગ્રણી રેશનલિસ્ટ રમણ પાઠકનું સમર્થન અને સહયોગ મળ્યા.
બી.એ. પરીખનું ખાતર અને બાબુભાઈનાં પાણીથી સિંચાયેલી આ રેશનલિસ્ટ સંસ્થાએ આજે જે સ્વરૂપ ધારણ કર્યું છે, તેમાં ‘બાપા-બાબુની જોડી’નો સિંહફાળો છે. બાબુભાઈની વૈજ્ઞાનિક વિચારોના પ્રસારની પ્રતિબદ્ધતા અને અણથક ધગશને કારણે દક્ષિણ ગુજરાતમાં અંધશ્રદ્ધા અને ચમત્કારોનો પર્દાફાશ કરતાં જાહેર નિદર્શનો દ્વારા સારું વાતાવરણ નિર્માણ કરવામાં આવ્યું હતું.
રેશનલિસ્ટ તરીકે બાબુભાઈ ‘નિરીક્ષણ કરો, સવાલ કરો અને તારણ કાઢો’ની પદ્ધતિમાં માનતા હતા. રેશનલ વિચારોના આ બોદ્ધિક કર્મશીલ પોતાના વિચારો થોપવામાં નહીં પણ તર્કબદ્ધ દલીલોથી સામેની વ્યક્તિને સમજાવવામાં માનતા હતા. તેમના દોહિત્ર માલવ લખે છે, ‘વિજ્ઞાનના અટપટા સિદ્ધાંત સાવ સહજ રીતે તેઓ સમજાવી દેતા. એક દડાની મદદથી ચંદ્રની કળાઓ સમજાવતા. લોકોને કહેવાતા ચમત્કારો બતાવી તેની પાછળનું વિજ્ઞાન બતાવવામાં એમને ખૂબ મઝા પડતી.’ પ્રો. યશપાલના નેતૃત્વ હેઠળની જનવિજ્ઞાન જાથા અને નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કૉંગ્રેસની પ્રવૃત્તિઓમાં બાબુભાઈનું મહત્ત્વનું પ્રદાન છે. બાળકોને તેના દ્વારા તેમણે વૈજ્ઞાનિક અભિગમ તરફ અભિમુખ કર્યા હતા.
બાબુભાઈ દેસાઈ એક અનોખા રેશનલિસ્ટ હતા. અન્ય રેશનલિસ્ટની જેમ તેમના રેશનલિઝમનો પાયો પણ ઈશ્વરનો ઇન્કાર હતો. પણ તે એટલેથી અટકી જતા નહોતા. તેઓ દેશની સામાજિક-આર્થિક સમસ્યાઓ, ખાસ કરીને વર્ણવ્યવસ્થા અને જાતિપ્રથા, સામાજિક આર્થિક અસમાનતા, કોમી વિસંવાદ, સ્ત્રી સશક્તિકરણ, સેક્યુલરિઝમ, લોકશાહી અને સ્વતંત્રતા જેવા મુદ્દે સ્પષ્ટ ભૂમિકા લેનારા હતા. 1981 અને 1985નાં અનામતવિરોધી રમખાણો વખતે તેઓ ખૂલીને અનામતની તરફેણમાં બહાર આવેલા. દલિત-આદિવાસી અત્યાચારો કે સુરત સહિત ગુજરાતનાં કોમી રમખાણોના તે કાયમ વિરોધી અને કોમી એકતા માટે મથનારા રહ્યા.
પોતાની બંને દીકરીઓના અને પોતાના વિદ્યાર્થીઓનાં આંતરજ્ઞાતીય-આંતરધર્મિય લગ્નોના તે હંમેશાં પુરસ્કર્તા રહ્યા હતા. અમૃત મહોત્સવ સમારંભમાં બાબુભાઈએ, પોતે ડાબેરી જ થવા માંગતા હતા, પણ સુરતમાં તે માટેનું યોગ્ય વાતાવરણ ન હોઈ તે દિશામાં સક્રિય ન થઈ શક્યાનો રંજ વ્યક્ત કરી, રેશનલિઝમ અને તેની પ્રવૃત્તિ કરતી સત્યશોધક સભાને પોતાનો વિસામો ગણી તેનો સંતોષ વ્યક્ત કર્યો હતો, પરંતુ આ રંજ અને સંતોષની પછવાડે રહેલો બાબુભાઈનો અસંતોષ અને મંથન પરખાય છે.
જાણીતા કૉંગ્રેસી આગેવાન ઝીણાભાઈ દરજી સાથે પણ બાબુભાઈનો પરિચય હતો. દલિત-આદિવાસી-ગરીબોના સવાલો ઉકેલવા માટે તેમની સક્રિયતા રહેતી. તે માટે તે કશા છોછ સિવાય ઘણી બધી વ્યક્તિ-સંસ્થાઓ સાથે જોડાતા રહેતા. એટલે 1974થી 1979ના પાંચ વરસ માર્ક્સવાદી ટ્રોટસ્કીવાદી વિચારધારામાં સક્રિય રહેલા બાબુભાઈ ગાંધીવિચારને વરેલા હરિજન સેવક સંઘ, સુરતના પણ પ્રમુખ થયેલા.
2001માં સંયુક્ત રાષ્ટ્રસંઘની વંશવાદ વિરોધી વિશ્વ પરિષદ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં યોજાઈ હતી. આ પરિષદમાં દલિતોનો સવાલ રજૂ કરવા ડરબન ગયેલા ગુજરાતના દલિત પ્રતિનિધિ મંડળના એકમાત્ર બિનદલિત સભ્ય બાબુભાઈ દેસાઈ હતા. છેક 1981માં ભાનુભાઈ અધ્વર્યુની પુસ્તિકા ‘અગ્નિગર્ભ વાલિયા’ પ્રગટ કરી, આદિવાસીઓ પરના અત્યાચારને વાચા આપી બાબુભાઈએ તેમની આદિવાસીઓ પ્રત્યેની નિસબત, સમજ અને પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.
કોમી રમખાણો વખતે તેઓ ભારે ચિંતિત રહેતા. 2014માં કેન્દ્રમાં સત્તા પલટા પછીની સ્થિતિ અંગે બાબુભાઈએ જાહેર પત્ર દ્વારા પોતાની ચિંતા અને હતાશા વ્યક્ત કરી હતી. તે પછી જ તેમણે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કૉંગ્રેસની ગુજરાતની જવાબદારીમાંથી મુક્ત થવાનું શાણપણ દાખવ્યું હતું. પત્ની ઉર્મિલાબહેનના અવસાન પછી ખુરશીદ પંથકી સાથે મૈત્રીકરારથી જોડાઈને સાથે રહેવાની હિંમત દાખવી હતી. સતત પ્રવૃત્તિશીલ, આનંદી અને ઉતાવળા એવા આ કર્મશીલ બૌદ્ધિકનું આમ ચાલ્યા જવાનું દુ:ખ અને ખોટ ઘણાં મોટાં છે.
સૌજન્ય : ‘બાબુભાઈ દેસાઈ’, “દિવ્ય ભાસ્કર”, 09 ફેબ્રુઆરી 2017
![]()


વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો વિરોધ કરવા માટે નવમી જાન્યુઆરીએ પોલીસે જેઓની ધરપકડ કરી તેમાં ખેડૂત આગેવાન સાગર રબારી પણ હતા. પ્રસિદ્ધિની પાછળ નહીં પડનારા સાગરભાઈએ તેમની ધરપકડના એક જ અઠવાડિયા પૂર્વે ખેડૂતો માટે એક મોટું કામ કર્યું હતું. તેમણે ચારસો પચાસ કિલોમીટરની ‘ખેડૂત વેદના યાત્રા’ કરી હતી. ‘વીસે વીસ દિવસ એકેએક પગલું ચાલીને’ કરેલી આ યાત્રા ચૌદમી ડિસેમ્બરે સોમનાથના મંદિરેથી નીકળી હતી. તે બીજી જાન્યુઆરીએ ગાંધીનગરની બાજુમાં આવેલા તારાપુર ગામે ખેડૂતોની સમસ્યાઓ અને માગણીઓ અંગે મામલતદારને આવેદનપત્ર આપીને પૂરી થઈ હતી. એ વખતે સાગરભાઈ અને તેમની સાથેના દોઢ-બે હજાર પદયાત્રીઓને પોલીસે ગાંધીનગરમાં પ્રવેશવા દીધા ન હતા. મુખ્યમંત્રીનો સમય ઘણો અગાઉ માગ્યો હતો. પણ તેઓશ્રી વડા પ્રધાનશ્રીની સાથે વાઇબ્રન્ટમાં વ્યસ્ત હોવાને કારણે ખેડૂતો માટે વખત ફાળવી શક્યા ન હતા.