વૈખરી છુટાં વિધાનો & હસવા પૂરતું ઠીક માનો તોપણ એમાંથી ડોકાતી માનસિકતા બેલાશક ચિંતાજનક છે
બોલવાની ફાવટ, રજૂઆતની છટા અને ભીડનો પ્રતિસાદ ! ચૂંટણીસભાઓમાં અને ગર્જનતર્જનની રાજનીતિમાં આવાં વૈખરીછુટાં વિધાનોની નવાઈ નથી, પણ કેટલીક વાર એ ધાયું નિશાન પાડે છે તો કેટલીક વાર કંઈક અણચિંતવ્યું બની આવે છે. ગઇ સદીના બ્રિટનમાં મજૂર પક્ષના નેતા બેવનની ‘વર્મિન સ્પીચ’ બહુ ગાજી હતી જેમ આપણે ત્યાં થોડાં વરસ ઉપર સોનિયા ગાંધીએ ‘મોતના સોદાગર’ જેવા પ્રયોગથી લગભગ એક કચ જ આપી દીધો હતો.
વૈખરીછુટાં વિધાનો ચર્ચવાનું તત્કાળ નિમિત્ત અલબત્ત મુખ્યમંત્રી મોદીના હિમાચલ પ્રદેશની ચૂંટણીઝુંબેશમાં શશી થરુરનાં પત્ની (અને આઈપીએલ વિવાદકાળે વાગ્દત્તા) સુનંદા પુષ્કર વિષયક ‘પચાસ કરોડ રૂપિયાની ગર્લફ્રેન્ડ’ એ ઉદ્દગારનું છે. તે વખતે ક્રિકેટ મેચોની ફાળવણીમાં જે રકમોની હેરાફેરી થયાનું મનાતું હતું, એ આ ઉદ્દગારના મૂળમાં હતું. પાકિસ્તાનમાં, જેમ કે, બેનઝીરના વડાપ્રધાનકાળે એમના પતિ ઝરદારી ‘મિસ્ટર ટેન પરસેન્ટ’ તરીકે ઓળખાતા હતા. પણ ઝરદારીના કિસ્સામાં સહજ હતું એ ધોરણ સુનંદા પુષ્કરના કિસ્સામાં આ પ્રયોગને કેવળ સંભવિત ભ્રષ્ટાચાર નિર્દેશક તરીકે જ ખતવી શકાય એમ નથી. મરદજાત બાઈમાણસને પૈસા ખરચીને ફેરવી શકે છે, એવો જ કિસ્સો આ પણ છે એવી બૂ એમાંથી સોડાય છે.
૧૯૭૭-૭૮નાં વરસોનું એક સ્મરણ આ સંદર્ભમાં થઈ આવે છે. કટોકટી હળવી કરાઈ અને ચૂંટણી અપાઈ એમાં ઇન્દિરાજી ગયાં તે પછી આ નજીકના ઇતિહાસને અનુલક્ષીને જે બધી ખાટી-મીઠી-કડવી ચોપડીઓ બહાર આવી એ પૈકી ત્યારે ખાસી ગાજેલી કિતાબ જનાર્દન ઠાકુર કૃત ‘ઓલ ધ પ્રાઇમ મિનસ્ટિર્સ મેન’ હતી. (ચેનલો પરની ચર્ચામાં અને કટારલેખનમાં કવચિત ઝળકતા સંકર્ષણ ઠાકુર, આ જનાર્દનના પુત્ર છે.) જનાર્દન ઠાકુરને એ વરસોમાં એક વાર મળવાનું થયું ત્યારે એમણે કહેલું કે વડાપ્રધાન ઇન્દિરાજીની આસપાસના ખાસખાસ માણસોને નિરૂપતી આ કિતાબનું મૂળ નામ મે ‘ઓલ હર મેન’ વિચારેલું; પણ પછી લાગ્યું કે ‘તેણીનાં માણસો’ કહેતાં એક એવો સ્ત્રીપુરુષ સંબંધોનો સંકેત જશે જે મને અભીષ્ટ નથી.
જનાર્દન ઠાકુરની ચિંતા (બલકે નિસબત) લક્ષમાં રાખી ચોક્કસ વૈખરીછુટા વિધાનની ચર્ચા કરીએ તો ઊપસી રહેતો મુદ્દો પુરુષપ્રધાન માનસિકતાની સામાજિક અભિવ્યક્તિનો છે અને ચૂંટણી જો લોકશાહીનું પર્વ હોય તો વ્યાપક જનમત જાગરણ અને લોકશિક્ષણની દ્રષ્ટિએ તે તલાવગાહી તપાસ માંગી લે છે. હકીકતે, થોડા વખત પર એક વિદેશી પત્રકાર સાથેની સત્તાવાર મુલાકાતમાં મોદીએ જે કહ્યું હતું કે તે પણ આ સંદર્ભમાં સાથે મૂકીને જોવા જેવું છે. ગુજરાતી કન્યાઓના કુપોષણ અને અપોષણની પરિસ્થિતિ વિષયક હોઈ શકતી સહાનુભૂતિયુકત અને ચોક્કસ કારવાઈની અપેક્ષાયુકત ચર્ચામાં કોણ જાણે ક્યાંથી પણ મોદીમુખે આવી પડેલો પ્રતિભાવ એ હતો સૌંદર્યસભાન (ફગિર-કોન્શ્ય્સ) કન્યકાઓ જાણીકરીને ઓછું ખાયપીએ છે.
અધૂરામાં પૂરુ, ગુજરાતમાં માંસાહાર પૂરતો ચલણી નથી એ વાતે પણ એમણે ફરિયાદલાગણી પ્રગટ કરી હતી. શાકાહારમાંથી પોષણ ન જ મળે એ અલબત્ત સુવાંગ એમનું સંશોધન હશે. પણ સૌંદર્યભાને કરીને ઓછું ખાતીપીતી ફિગર કોન્શ્યસ કન્યકાઓ તો હોય તોપણ છ કરોડ ગુજરાતીઓ પૈકી સુખી ઉપલા મધ્યમ વર્ગની અગર કથિત હાઈ સોસાયટીની કન્યકાઓ હોઈ હોઈને કેટલી હોઈ શકે? લઘુમતી તો શું અણુમતીમાં હોય તોપણ હાંઉં.
પ્રશ્ર એ છે કે નરેન્દ્ર મોદીનું ગુજરાત શું કથિત ‘હાઈ સોસાયટી’નું જ બનેલું છે! ભંયકર ટીવી સિરિયલોએ જે એક મેટ્રોસેકયુઅલ સ્ત્રીપુરુષ સૃષ્ટિ પરબારી ઊભી કરી છે એને ધોરણે આપણે શશી-સુનંદાને જોવાનાં છે ? સ્ત્રી વિષયક પુરુષપ્રધાન માનસિકતા જો ગુજરાતમાં સત્તાપક્ષને અપેક્ષિત હોય તો ચૂંટણીમાં જગોજગ ઠામોઠામ આ સંદર્ભમાં પ્રજાએ શા માટે પ્રશ્ર ઉપસ્થિત ન કરવો જોઈએ, કહો જોઉં.
૧૯૮૪માં એમસીપી કહેતાં મોસ્ટ ચામિગ પરસન તરીકે ઉભરેલા રાજીવ ગાંધીની બાબાલોગ સરકાર એમના સ્વયંનિયુકત સલાહકારોની કૃપાએ શાહબાનુ મુદ્દે કેવી બચકાના હરક્ત કરી બેઠી હતી, એ સાંભરે છે ? રાજીવ ગાંધી ત્યારે ‘મેલ શોવિનસ્ટિ પિગ’ ખાનામાં એમસીપી તરીકે મુકાઈ ગયા હતાં. આ બધી ચર્ચા પાછળનો આશય અલબત્ત આ ચૂંટણીમાં સંબંધિત પક્ષો એમની મહિલા નીતિ વિશે અસંદિગ્ધ શબ્દોમાં પેશ આવે એ છે.
જ્યાં સુધી મહિલા છેડેથી વિચારવાનો સવાલ છે, સાંભરે છે કે ગઈ સદીના ઉપાન્ત્ય દાયકાનો અંતભાગમાં ગુજરાતનાં અગ્રણી મહિલા મંડળોએ રાજકીય પક્ષો પાસે પચાસ ટકા બેઠકો માગી હતી. પક્ષો અલબત્ત આ મુદ્દે નામકર જવા સારુ જાણીતા છે.
રાષ્ટ્રીયસ્તરે મહિલા અનામત વિધેયકના સતત જે હાલહવાલ થતા રહે છે તે આનો જ નાદર નમૂનો છે. પણ આ પ્રશ્નને એક બીજી રીતે પણ જોવા જોઈએ; માત્ર મહિલા પ્રતિનિધિત્વથી શું વળે ? હા, ચોક્કસ નીતિ વિષયક નિર્ણયો અને કાર્યાન્વોયનની ખોળાધરી હોય તો વાત બને. એ રીતે ગુજરાત મહિલા ફેડરેશને આ વખતે ભાજપ અને કાંગ્રેસ સહિત વિવિધ પક્ષોને નિમંત્રીને રાજ્યસ્તરે અપેક્ષિત મહિલા નીતિ વિશે નક્કર પગલાંનાં સૂચનોની ચર્ચાનો ઉપક્રમ હાથ ધર્યો એ રૂડું થયું. જોકે, સત્તાપક્ષે આ ચર્ચામાં સામેલ થવાપણું જોયું નહોતું. શું કહીશું આને? મહિલા મતો ગજવામાં છે એવો ખયાલ કે પછી સત્તારૂઢ હોવાને નાતે બેતમા માનસ!
(સદ્દભાવ : "દિવ્ય ભાસ્કર" 02.11.2012)