
Photo Courtesy : www.ameamericanamdavadi.com
![]()
આનું નામ સ્પિન ડૉક્ટરું. મતદાનનો ત્રીજો દોર નજીકમાં હતો અને અરુણ શૌરીએ ગુજરાતની મુલાકાત દરમ્યાન નરેન્દ્ર મોદીનું નામ ભાવિ વડાપ્રધાન તરીકે ઉછાળ્યું. આમ તો, મોદી-અડવાણી દ્વંદ્વ (બંને કે બેઉ અર્થમાં) જાણીતું છે. બીજી બાજુ, 2009ની ચૂંટણીમાં વડાપ્રધાનપદ માટેના સત્તાવાર ઉમેદવાર તરીકે ભાજપે અડવાણીનું નામ કયારનુંયે જાહેર કરેલું છે. બલકે, વારે વારે ‘તમારા ઉમેદવાર કોણ’ એવો ગોકીરો કરીને એણે કૉંગ્રેસને મનમોહનસિંહનું નામ વિધિસર આગળ ધરવાની ફરજ પણ પાડી છે. સાથે સાથે, મનમોહનસિંહને ‘સૌથી નબળા વડાપ્રધાન’ લેખે નવાજવામાં કોઈ કસર પણ છોડી નથી.
આ સંજોગોમાં અરુણ શૌરીએ વચમાં મોદીનું નામ દાખલ કરવાની મરોડ માસ્તરી ખેલવાનું કોઈ કારણ ખરું ? એનો જવાબ કદાચ ગુજરાતના શહેરી મધ્યમવર્ગના એ સંભવિત મનોવલણમાં રહેલો છે જે ગુજરાતમાં તો મોદીથી આકૃષ્ટ અને આશ્વસ્ત છે પણ રાષ્ટ્રીય સ્તરે એને આક્રમક અડવાણી કરતાં અર્થશાસ્ત્રી મનમોહનસિંહ સવિશેષ શ્રદ્ધાભાજન લાગે છે. ગુજરાતનો શહેરી મધ્યમવર્ગ મનમોહનસિંહને ધોરણે કૉંગ્રેસ ભણી કંઈક અભિમુખ થઈ રહ્યો હોય ત્યારે અડવાણીને બદલે મોદીનું નામ આગળ ધરવામાં આવે તો, બને કે, ‘ગુજરાત અને દિલ્હી બેઉમાં મોદી’ – ને ધોરણે શહેરી મધ્યમવર્ગ કૉંગ્રેસ ભણી ઢળતો અટકે.
શહેરી મધ્યમવર્ગનાં આ સંમિશ્ર વલણો વિશે વધુ નુક્તેચીની ઘડીક રહીને. પણ ઓણ જે વસ્તુ સાફ સમજાય છે તે એ કે આપણી રાષ્ટ્રીય ચૂંટણીઓને, કેમ જાણે આપણે સંસદીય નહીં પણ પ્રમુખીય લોકશાહી હોઈએ એ રીતે ચોક્કસ વ્યક્તિઓ વચ્ચે પસંદગીનું સ્વરૂપ અપાઈ રહ્યું છે. દેખીતી રીતે જ, અડવાણીને આગળ કરી (એમને મુકાબલે) મનમોહનસિંહને ઝાંખા દર્શાવી ભાજપ કૉંગ્રેસને શેહ આપવા માંગે છે. એમાં વળી કેટલાક વર્ગમાં મનમોહનસિંહ-મોદી એવું નવી દિલ્હી-ગાંધીનગર યુગ્મ બનતું જોઈ એને મોદી-મોદી વળ આપવાની શૌરી ચેષ્ટાનો આ સંદર્ભમાં હમણાં જ ઉલ્લેખ કર્યો પણ છે. ચૂંટણીમાં વ્યક્તિગત પ્રક્ષેપણ (પ્રોજેક્શન) એ કદાચ ઈંદિરા ગાંધીના રાજકારણની કમાણી છે. જવાહરલાલ નેહરુએ વડાપ્રધાનપદે સત્તર વરસનો વિક્રમ સ્થાપ્યો, પણ લાંબા સમય સુધી તેઓ રાષ્ટ્રીય એકંદરમતીના નેતા રહ્યા હતા. નેહરુ પછી કોણ એવી ચર્ચા કૉંગ્રેસ અને કૉંગ્રેસેતર પક્ષોમાંની પ્રતિભાઓની આસપાસ જરૂર ચાલી હતી, પણ નેહરુના વિકલ્પે (સામે) કોણ એવો સંસદીય ચૂંટણીને પ્રમુખીય ચૂંટણીમાં ફેરવી નાખતો પડકાર દેશજનતાએ જોયો નહોતો. એ જ રીતે ઈંદિરા ગાંધી સામે પણ આવો કોઈ વ્યક્તિગત વિકલ્પ નહોતો. પક્ષમાં જરૂર મોરારજી દેસાઈ જેવાનો પડકાર હશે, પણ અસરકારક વિપક્ષ અને છાયા વડાપ્રધાન જેવું કશું નહોતું. અલબત્ત, નેહરુથી ઈંદિરા લગીની સંક્રાંતિમાં જે એક મોટું પરિવર્તન આવ્યું તે એ હતું કે રાષ્ટ્રીય ચળવળ અને લોકભાગીદારીની વડી સંસ્થા તરીકેનું કૉંગ્રેસનું પોત ફિસ્સું પડ્યું તેમજ સંગઠન તૂટ્યું તે સાથે ઈંદિરાજીની વ્યક્તિગત અપીલ પર રોડવવાપણું અનિવાર્ય બનવા લાગ્યું હતું.
ગમે તેમ પણ, વ્યક્તિ-આરતી-વાદ (પર્સનાલિટી કલ્ટ) નો અહોરાત્ર વિરોધ કરવા છતાં ભાજપે વાજપેયીને આગળ ધરવામાં અને એમના નેતૃત્વમાં રંગપૂરણી કરવામાં સલામતી શોધી હતી એ હજુ ખાસ જૂની વાત નથી. વલણોમાં કંઈક-વ્યાપકતા, પ્રકૃતિમાં કંઈક- ખુલ્લાપણું, કવેતાઈ સહજ સહૃદયતા અને આકર્ષક વક્તૃતા, આ બધાં કારણોસર વાજપેયીની સ્વીકૃતિ પક્ષના સીમાડાની ક્યાંય બહાર નીકળી ગઈ હતી. ભાજપે ચોક્કસ સંજોગોમાં વાજપેયીને એમની ખુદની શરતોએ સાચવવા પડે એવો ઘાટ એક તબક્કે હતો. જેણે સામાન્ય સંજોગોમાં ભાજપને મત ન આપ્યો હોત એવા મતદારે સુદ્ધાં વાજપેયીવશાત્ ભાજપને મત આપ્યાનું પ્રમાણ ઓછું નહોતું.
પ્રમુખીય ચૂંટણી જેવા રંગઢંગ આજે આપણું દુર્દૈવ (કે સુદૈવ) વાસ્તવ બની રહ્યું છે એમાં અમેરિકામાં જેમ કેનેડીની ચૂંટણી વખતથી ઈલેકટ્રૉનિક મીડિયાનું પરિમાણ દાખલ થવા લાગ્યું હતું એવા સમયસંજોગનોયે ફાળો સવિશેષ છે. દિવસના ત્રણ સફારીપલટે શિવરાજ પાટિલ નવી દિલ્હીથી મુંબઈ ભેગા થઈ ગયા, પણ નરેન્દ્ર મોદીનીયે સ્ટુડિયો સાધના ઓછી નથી. બીજી પણ એવી પ્રતિભાઓ હશે સ્તો. હશે ભાઈ, રિયલ-સરરિયલ માર્યાં ફરે અને વર્ચુઅલ વિલસે !
જોવાનું જોકે એ છે કે વ્યક્તિ-પ્રક્ષેપણ વાટે વૈતરણી તરવા ચાહતા પક્ષો , પક્ષખાંઓ અને એમના મરોડ માહેરોને પક્ષબાહ્ય સ્વતંત્ર વ્યક્તિત્વોનો ખપ નથી. આ સ્વતંત્ર વ્યક્તિત્વો ચિત્રમાં કેમ આવે છે એનુંયે એક તર્કશાસ્ત્ર તો એક મનોવિજ્ઞાન પણ છે . મુખ્ય પક્ષોએ મળીને એટલી બધી ભોં ખંડી લીધેલી છે કે સ્વતંત્ર અવાજ વાસ્તે તસુ ભોંય પણ શોધવી રહે છે. જે શહેરી મધ્યમવર્ગ એક સાથે મનમોહન અને મોદી બેઉને અલગ અલગ સ્તરે ઈચ્છી શકે છે એ જ વર્ગની મર્યાદા કે નિયતિ પાછી એ પણ છે કે રાજકીય પ્રક્રિયામાં પ્રવેશતા નવા વર્ગોને તે ખુલ્લા દિલે અંગીકારી આત્મસાત કરી શકતો નથી. કૉંગ્રેસની સર્વજન પરંપરા સામસામા મતબેંકવાદો સાથે તૂટી અને જે અવકાશ ઊભો થયો તેમાં બધા સ્થાપિત રાષ્ટ્રીય પક્ષો વચ્ચે એકદમ બહુજન સમાજ પક્ષ ગજું કરી ગયો ! જો નવજાગ્રત દલિત અસ્મિતાને વિશે ચાલુ રાષ્ટ્રીય પક્ષો પૂરતા સમાવેશકારી હોત તો , બને કે , બહુજનસમાજ પક્ષને સારુ અવકાશ ન હોત. અલબત, આ પક્ષે પણ કાઠું કાઢ્યા પછી અને છતાં વ્યાપની દૃષ્ટિએ સર્વજન ફોર્મ્યુલા અજમાવવી પડે છે એ બીનામાંથી લોકશાહી રાજકારણની સંભાવનાઓની શ્રી અને સુષમા ફોરે છે.
દરમ્યાન, બીજે છેડે, એવુંયે બનતું માલૂમ પડે છે કે ભલે કોઈ પ્રતિભાને આગળ કરીને પણ આપણા પક્ષો એવાં ઈલેક્શન એંજિન અને મતવખારી થતાં ચાલેલાં છે કે એમાં મધ્યમવર્ગમાંથી આવતા સ્વતંત્ર અવાજોને સારુ અવકાશ રહેતો નથી. હાલનાં પક્ષમાળખાં અને એમના એકંદર રંગઢંગ , આ વર્ગમાંથી સક્રિય સહભાગિતા ઝંખતાં તત્ત્વોને પાછાં પાડી ઊલટાનાં વિમુખ પણ કરે છે. ચાલુ ચૂંટણીમાં મીરા સન્યાલ, મોના શાહ, મલ્લિકા સારાભાઈ, જી. આર. ગોપીનાથ વગેરેની ઉમેદવારી બહુધા આ પ્રકારની છે. તેઓ ચાલુ રાજકીય પક્ષોથી વિમુખતા અનુભવતાં હશે, પણ રાજકીય પ્રક્રિયાઓ પરત્વે સક્રિય સહભાગિતાનું એમનું વલણ પણ છે . કેટલીક વાર જે તબકા ઉપર ઉદાસીનતાનું આળ ચડતું હોય છે – અને એમાં સચ્ચાઈ ન જ હોય એવું તો કેમ કહી શકાય -એ વર્ગ આમ ભાગ લેવા ચહે એથી રૂડું શું. પક્ષોએ, કદાચ જુદી રીતે વિચારવાની જરૂર છે -આપણે કેમ આવી પ્રતિભાઓને આકર્ષી અને સમાવી શકતા નથી. અલબત્ત, આ પ્રતિભાઓ કેવળ સેલિબ્રિટી નથી પણ પ્રજાપરક સક્રિયતા ધરાવે છે એવું અહીં અભિપ્રેત છે.
હમણાં જે તરેહની ઉમેદવારીઓનો ઉલ્લેખ કર્યો એમને સમજવાની દૃષ્ટિએ કદાચ બીજો એક મુદ્દો પણ મહત્ત્વનો બની રહે છે. કૉંગ્રેસ – ભાજપ સહિતના એકંદર રાજકીય વર્ગ સમગ્ર સાથે (જે તે પક્ષમાંનાં કોઈક વર્તુળો કે સીમાંત પક્ષો સાથે અનુભવાતી નિકટતા છતાં) એમનો તાલ બેસતો નથી અને સૂર મળતો નથી. નવનિર્માણ – બિહાર આંદોલનો જુઓ , એને માટેની પહેલ ચાલુ પક્ષમાળખાંની બહારથી આવી હતી અને એક તબક્કે એમણે આપણા રાજકારણની સૂરત અને સિરત ઠીક ઠીક બદલી કાઢી હતી . પહેલો ધક્કો એકંદર રાજકીય વર્ગ સમગ્ર સામેનો હતો. તે પછીના તબક્કે રાજકીય વર્ગ સાથે સંઘર્ષ છતાં સમાયોજનનો પડકાર સ્વાભાવિક જ ઊભો થયો હતો.
આપણા મરોડ માસ્તરો સંસદીય ચૂંટણીને પ્રમુખીય શો વળ તો આપી શકે છે, પણ જેમની કને કાંક કહેવાકરવાપણું છે એ તબકાને આકર્ષતો અને સમાયોજતો અભિગમ ક્યાં છે આપણાં પક્ષમાળખાં અને ઈલેક્શન એંજિનો કને.
![]()
દસ મે … અઢાર સો સત્તાવનનો દિવસ ! પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆતનો એ દિવસ જરૂર હંમેશ હંમેશ યાદ રહેશે. પણ અહીં આ ક્ષણે કંઈ સ્વાતંત્ર્યસંગ્રામની વાત નથી કરવી. દસ મેના રોજ ગુજરાતે એના પનોતા પુત્ર, ધારાશાસ્ત્રી ગિરીશ પટેલને પંચોતેરમે સન્માન્યા. અને માહિતી અધિકારથી સુપ્રતિષ્ઠ અરુણા રોય એ માટે ખાસ આવ્યાં એની થોડી વાત જરૂર કરવા ધારું છું.
હમણાં મેં કહ્યું કે સ્વાતંત્ર્યસંગ્રામની વાત નથી કરવી ; પણ મને લાગે છે કે મારે મારું આ વિધાન તરત જ પાછું ખેંચી લેવું જોઈએ. ક્યારેક લૉ કૉલેજના આચાર્યપદે કે પછી ગુજરાત લૉ કમિશનના સભ્યપદે રહેલ ગિરીશભાઈનું નામ એક એવું નામ છે જે છેલ્લા દસકાઓમાં હક્ક અને ન્યાયની લડાઈની સાથે પર્યાયની જેમ સંકળાઈ ગયું છે. તરફેણમાં જનહિત યાચિકા (પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન)નો એક આખો દાયકો એમનો હતો. ખાસ કરીને હાંસિયામાં મુકાઈ ગયેલા લોકો અને આમ આદમીની એ અર્થમાં જોઈએ તો ગિરીશ પટેલ હોય કે પછી અરુણા રોય, આ સૌ પોતપોતાની રીતે સ્વરાજની બાકી લડાઈ લડી રહ્યાં છે.
લડાઈની તો આ દેશને ક્યાં નવાઈ છે, ભાઈ ! હમણાં ચૂંટણી જંગ ચાલી જ રહ્યો છે ને. પહેલાં-બીજા દોરમાં જેઓ સાથે અને સામે હતા તે બધા બાકી દોરમાં નક્કી નથી કરી શકતા કે કોણ ક્યાં છે. ચોક્કસ કહી અને કળી પણ શકાતું નથી કે હોલનું રહસ્ય શું છે? આચાર્ય કૃપાલાણીજી સાથે આ લેખકને ત્રણેક દાયકા પર થયેલી એક વાતચીતમાં એનો ઉત્તર કેટલેક અંશે સાંપડે છે. એમણે વાતવાતમાં કહ્યું હતું કે ત્યારે (સ્વરાજની લડાઈમાં) અમે સૌ દેશભક્તો હતા, અત્યારે (સ્વરાજ પછી) અમે સૌ રાજકારણી બની ગયા છીએ.
બેશક, એ લડવૈયાઓમાં પણ એવી એક ધારા જરૂર રહી જેને સત્તાનો મેદ કે કાટ ન ચડ્યો. ગાંધી પાસે વરસો હોત તો, બને કે, એમનું રાજકારણ નેહરુપટેલથી ઉફરું લોહિયા-જયપ્રકાશ સાથે વિલસ્યું હોત. ચાલુ ચૂંટણીઓમાં એ મુદ્દા ક્યાંથી લાવવા જે લોહિયાના સપ્ત ક્રાંતિ આંદોલન કે જયપ્રકાશના સંપૂર્ણ ક્રાંતિ આંદોલન કને હોઈ શકતા હતા ? અફરાતફરીના આ માહોલમાં દેશમાં કોઈ આશાસ્થાન હોય તો તે આજના ચૂંટણીકારણમાં જેમનો પાટલો પડતો નથી અને આજના રાજકારણને જેમની તમા પણ નથી એવાં કેટલાંક વ્યક્તિત્વ અને એવા કેટલાક સંઘર્ષો છે.
સ્વરાજની બાકી લડાઈનો એક મોરચો તમે જુઓ કે છત્તીસગઢમાં રાયપુર સત્યાગ્રહરૂપે ખૂલેલો છે. દાક્તર વિનાયક સેનની મુક્તિ માટે ત્યાં સત્યાગ્રહ ચાલી રહ્યો છે. સેન આમ તો તબીબી તાલીમ પ્રાપ્ત પ્રતિભા છે. લોકોના આરોગ્યની સંભાળ લેતાં એમને સમજાયું કે શોષણ અને કુપોષણ અગર અપોષણને જારી રાખતી જે વ્યવસ્થા છે એની સામે લડ્યા વિના લોકોનું ઠેકાણું પડવાનું નથી. જ્યાં સુધી સ્વાસ્થ્યસેવામાં સીમિત હતા, સરકારને વાંધો નહોતો. પણ જેવો વ્યવસ્થાનો સવાલ ઊઠ્યો, શોષણ અને શાસન વચ્ચેના સંબંધનો સવાલ ઊઠ્યો – ભળતાસળતા આરોપમાં નાખ્યા જેલમાં.
જે બધા આ ચૂંટણી જંગમાં પડ્યા છે, એમાંથી મુખ્ય ધારાના પક્ષોને – આપણે ત્યાં ભાજપ અને કૉંગ્રેસને – દાક્તર વિનાયક સેનને ગોંધ્યાને ચાલુ અઠવાડિયે બે વરસ થશે, એ વાતની લગારે દરકાર હોય તો આપણે જાણતા નથી. કૉંગ્રેસના વડપણ હેઠળની ગઠબંધન સરકારમાં જે બે મોટી વાત બની, માહિતીના અધિકારની અને રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાની, એ અરુણા રોય જેવાઓની હિલચાલને આભારી છે. ન તો આપણા મોટા પક્ષોને એની કશી સૂઝ છે, ન તો કશી કદરબૂજ પણ છે.
વાત એમ છે કે સામાન્ય જનતા એક બાજુ અને રાજકીય શાસકીય અગ્રવર્ગ બીજી બાજુ, એવો ઘાટ છે. વચ્ચે, ગુજરાતી ભાષા બચાવો રેલી વખતે એક માર્કાની વાત કહી હતી ગિરીશભાઈએ કે હાઈકોર્ટનું કામ પણ જે તે પ્રદેશની ભાષામાં ચાલે એય સ્વરાજનો જ તકાજો છે. એમણે દાખલો આપ્યો હતો કે કામદાર બહેનોના નિવૃત્તિવેતનનો પ્રશ્ન અદાલત સમક્ષ આવ્યો ત્યારે એ બહેનો બચાડી મોં વકાસીને, અધ્ધરજીવે ઉચાટમાં બેસી રહી હતી. ગુજરાતી ન્યાયમૂર્તિ અને ગુજરાતી વકીલો અંગ્રેજીમાં ગબડાવતા હતા, અને જેમનું ભાગ્ય લખાઈ રહ્યું એ બહેનો માટે આખો મામલો સમજની બહારનો હતો.
ગમે તેમ પણ, ચૂંટણીઓ તો આવશે અને જશે. સોળ મે પછી સરકાર રચાશે, વળી બદલાશે ; મુદતવહેલેરી ચૂંટણી પણ આવી પડશે, અને એમ કાલચક્ર ફર્યા કરશે. ગાંધીયુગમાં જે એક મેળ પડી શકતો હતો, રચનાકાર્ય અને રાજનીતિનો ; એવું કંઈક જો નહીં બને તો જનતાના વાસ્તવિક પ્રશ્નોથી આપણું રાજકારણ ઉત્તરોત્તર વધુ દૂર, વધુ વિમુખ થતું રહેશે.
ગાંધીયુગ સાથે નવા સંદર્ભમાં સંધાન શક્ય બને એવો એક જોગસંજોગ 1977માં જરૂર ઊભો થયો હતો. ત્યારે કટોકટીવિરોધી જનાદેશને પગલે સત્તારૂઢ થયેલાઓ પૈકી ઠીક ઠીક લોક એવા હતા જે લોકહિલચાલને વિધાયક પ્રતિસાદ આપી શકે. સ્વૈચ્છિક કર્મશીલો અને એનજીઓ ત્યારે ચિત્રમાં હતા, અને એમની કને પણ ચોક્કસ અપેક્ષાઓ હતી. પણ કેવળ સત્તૈકલક્ષી અને ઇલેક્શન એન્જિન જેવા પક્ષો તેમજ રાજકીય પ્રક્રિયાથી છેટા રહેતા એનજીઓ, દેખીતી રીતે જ રચનાકાર્ય અને રાજનીતિના સાર્થક સંધાનને રોળી નાખતું આ દુર્દૈવ વાસ્તવ હતું અને છે.
રોજગાર અધિકાર અને માહિતી અધિકાર, માનો કે, એકાદ અનુકૂળ નેતા અને એકાદ સમર્પિત પ્રતિભા વચ્ચે મેળથી આવતા આવી ગયા. પણ લોકઆંદોલનના બળ વિના આ અધિકારો પણ ધાર્યા અસરકરક ક્યાંથી બની શકવાના હતા.
ધરતીના લૂણ જેવી પ્રતિભાઓને ભલે પોંખીએ. જરૂર પોંખીએ. કૃતજ્ઞતા વ્યક્ત કરવામાંથી ન જઈએ. પણ આવાં એકત્રીકરણો કદાચ એક જુદો પડકાર અવસર લઈને આવે છે. પ્રજાની બૅટરી આવાં આયોજનોથી કંઈક ચાર્જ થતી રહે એ ઠીક જ છે. પણ ચાલુ રાજકારણ જો આવી લોકપહેલોને અંગીકાર ન કરી શકે અને લોકપહેલો જો રાજકારણથી સલામત અંતર શોધે તો વાત કેમ બનશે ?
1977નું વરસ એ દેશની સ્વાતંત્ર્યોત્તર તવારીખમાં એક જળથાળ વરસ હતું. જયપ્રકાશના આંદોલન વાટે ત્યારે લોકશાહીની પુનઃપ્રતિષ્ઠા શક્ય બની હતી. એ ચોક્કસ જ એક જરૂરી ડગલું હતું. પણ એથી આગળનું ડગલું, લોકશાહી રાહે સત્તા ઉપરાંતના પરિવર્તનનું પગલું, રાહ જુએ છે. સ્વરાજની બાકી લડાઈનું એ એક અગ્રચરણ હશે
ઉપરનીચે ચિક્કાર ટાઉન હૉલમાં, સન્માનનો પ્રત્યુત્તર આપનાં ગિરીશભાઈએ ન્યાયી સમાજને ધોરણે એકવીસમી સદીમાં પ્રવેશવાની આજીવન મથામણની જિકર કરતાં કહેલી એક વાતમાં કદાચ આ અગ્રચરણ વાસ્તે ગુરુચાવી રહેલી છે. એમણે કહ્યું કે સફળ જનહિત યાચિકાઓના દોરમાં લોકાઅંદોલન સાથેનો તંતુ છૂટતો ગયો એ ખોટું થયું. કદાચ, એ એમ ઉમેરવાની ધાર પર પણ હતા કે એક હદથી આગળ રાજકીય પ્રક્રિયા બાબતે લૂગડાંસંકોર પેશ આવતો એનજીઓ અભિગમ (એનજીઓ વાસ્તે કદરબૂજ અકબંધ રાખીને ય) પુનર્વિચાર માગે છે. અરુણા રોયે આ અવસરે લગારે સેલિબ્રિટી શૃંગાર વિના સરળસોંસરી જે પણ વાતો કરી એમાંયે લોકતાંત્રિક ઢાંચામાં જ્યાં પણ શક્ય હોય ત્યાં ‘ઘૂસવાની’ કહેતાં ‘ડેન્ટ’ અને ‘ઇન્ટરવીન’ કરવાની વાત કરી હતી તે, ગિરીશભાઈના સંકેત સાથે મળીને અગ્રચરણનો એજન્ડા કહો તો એજન્ડા અને રોડ મેપ કહો તો રોડ મેપ જરૂર બની રહે છે.
![]()

