લંડનમાં અાવી તેમને લાગ્યું કે અહીં માંધાતા મંડળ સ્થપાવું જોઇએ જેથી પરદેશમાં અને ભારતમાં વસતા પોતાના સમાજને મદદ થઈ શકે
આજે ભલે આખી વાત બદલાઈ ગઈ હોય અને વિદેશ જનારામાં શહેરી લોકો વધુ હોય, પરંતુ વિદેશ જવાનું પ્રથમ સાહસ કરનારા લોકો દરિયાકાંઠે વસનારા હતા. તેઓ કાયમ દરિયા ખેડતા હોય એટલે દરિયાથી પરિચિત હોય અને સાહસ કરી અન્ય દેશમાં પહોંચી જતા. કોઈપણ પ્રકારના સંઘર્ષ માટે તેઓ તૈયાર હોય. પોતે બહુ મોટા જ્ઞાતિ-સમાજ, ઉચ્ચ જ્ઞાતિ-સમાજમાં ગયા ન હોય એટલે અમુક પ્રકારની વર્તણૂક પણ તેઓ વેઠી શકે અને આગળ જતાં પોતાની દિશા તરફ આગળ વધે.
નવસારી કાંઠા વિભાગના અનેક લોકો આજે દક્ષિણ આફ્રિકા, પૂર્વ આફ્રિકાથી માંડી ઇંગ્લૅન્ડ, ન્યૂઝીલેન્ડ, બ્રાઝિલ, વેસ્ટ ઇન્ડિઝ સહિતના દેશોમાં વસે છે. તેઓ મૂળ તો કોળી સમાજના છે. મૂળ આ સમાજ સિંધુ પ્રદેશથી ઉચાળા ભરીને આવેલો અને આજે પણ તેમના કુળદેવીનું નામ સિંધવા માતા છે. પૂર્ણા નદીના કાંઠે તેમણે આ દેવીની સ્થાપના કરી અને જે ગામ વસ્યું તે આજે સિંધવાઈ તરીકે ઓળખાય છે.
૧૮૬૦માં આ કાંઠા વિસ્તારના પ્રથમ કોળી દક્ષિણ આફ્રિકા ગયેલા અને તેનું કારણ એ હતું કે અંગ્રેજોએ રેલવે લાઈન નાખતા તેમનો દરિયાઈ ધંધો ભાંગવા માંડેલો. જો કે એ રેલવે લાઈન નાખવામાં તેઓ ખુદ પણ જોતરાયા અને ફીજી, ન્યૂઝીલેન્ડમાં રસ્તા, રેલવે માર્ગ બનાવવામાં તેઓ જોડાયેલા. આજે આ સમાજના ૪૦,૦૦૦થી વધુ લોકો તો માત્ર યુનાઈટેડ કિંગડમમાં છે.
ગાંધીજી ૧૮૯૩માં પહેલી વાર દક્ષિણ આફ્રિકા ગયા તે પહેલાં જે ગુજરાતીઓ ત્યાં પહોંચેલા હતા તેમાં આ કોળીઓ પણ હતા. ઠેઠ ૧૯૧૬માં તેમણે ‘ટ્રાન્સવાલ’ કોળી હિતવર્ધક મંડળની સ્થાપના જોહાનિસબર્ગમાં કરેલી. એ બધાએ પટેલ અટક અપનાવી અને પછી તો કોળી નહીં ‘માંધાતા’ ઓળખ અપનાવી.
બ્રિટનમાં જે માંધાતા સમાજ વસે છે તે ૧૯૬૦ પછી આફ્રિકાથી સ્થળાંતર કરી ગયેલો સમાજ છે. આમાં એક છે કેશવલાલ જે. પટેલ. ૧૯૩૬માં મટવાડમાં જન્મેલા આ કેશવભાઈની કહાણી રસપ્રદ છે. દરિયાકાંઠાના લોકો આમ તો નાનાં નાનાં કામો કરતા હોય અને મોટા વ્યવસાયી આયોજન પાર પાડતા ન હોય. મોટા વેપાર અને ઉદ્યોગની દૃષ્ટિ તેમની પાસે તો ક્યાંથી હોય? આ બધાની તૈયારી માટે વધારે ભણતર પણ તેઓને ન હોય.
કેશવભાઈ જેમ તેમ કરી પાંચમી સુધી ભણ્યા ત્યાં ૧૯૪૮માં મોમ્બાસા પહોંચી ગયા. ઉંમર માત્ર ૧૨ વર્ષ. ત્યાં નાઈરોબીની ગવર્મેન્ટ ઈન્ડિયન પ્રાઈમરી સ્કૂલમાં સાતમી પાસ થયા પછી ટેક્નિકલ હાઈસ્કૂલમાં દાખલ થઈ બુક કીપિંગ શીખ્યા.
ઘણા લોકોની જિંદગીમાં ઘણાં વર્ષ નોકરી-ધંધા શોધવામાં જ જતાં હોય છે. કેશવભાઈએ ત્રણેક મહિના વ્હીકલ રજિસ્ટ્રેશન વિભાગમાં કામ કર્યું. પછી વળી મેરીટાઈમ એશ્યોરન્સ કંપનીમાં જોડાયા. વળી ત્યાંથી ઊભા થયા અને ઇસ્ટ આફ્રિકન રેલવમાં સ્ટોર ક્લાર્ક તરીકે જોડાયા. આમ કરતા કરતા ૧૯૬૦માં તેમણે યુનાઈટેડ કિંગડમમાં અન્ય સાથે અકાઉન્ટ ઈન્સ્ટિટયૂટ શરૂ કરી પણ પોતે ત્યાં ન ગયા. પોતાના નાના ભાઈને અને પછી માતા-પિતા અને બહેનને યુનાઇટેડ કિંગ્ડમ મોકલ્યા. ૧૯૭૦માં તેમણે રેલવેની નોકરી છોડી અને ઇસ્ટ આફ્રિકા છોડવાનો ય નિર્ણય કર્યો ત્યારે કેન્યા પોલિટેક્નિકમાં તેઓ બુક કીપિંગ અને કોસ્ટિંગ શીખવતા હતા.
૧૯૭૧માં યુનાઇટેડ કિંગડમ આવ્યા તો ખરા પણ ભાઈ સાથે જ્યાં રહ્યા ત્યાં ફેક્ટરીમાં જ કામ મળે એટલે લંડન ચાલી ગયા અને ઓળખીતાને ત્યાં રહી લંડન ટ્રાન્સપોર્ટમાં બજેટ અધિકારી તરીકે નોકરી કરવા લાગ્યા. અહીં આવ્યા બાદ તેમને થયું કે માંધાતા મંડળ સ્થપાવું જોઈએ જેથી પરદેશમાં વસતા પોતાના સમાજને અને સમાજના ભારત (ગુજરાત)માં વસતા લોકોને મદદ થઈ શકે.
આ પ્રકારના જ્ઞાતિ-સમાજ સંગઠનોની જ્ઞાતિ-સમાજના વિકાસમાં મોટી ભૂમિકા હોય છે. તેમણે સમાજના અનેક ઘરોમાં ફરી આ સમાજની સ્થાપના કરી. પોતે તેના ખજાનચી થયા અને એ સમાજ વડે ગુજરાતી શાળા પણ શરૂ કરી. “નવસર્જન” નામનું સામયિક પણ શરૂ કર્યંુ. તેમણે ‘સ્ટોરી ઓફ ઈન્ડિયાઝ હિસ્ટોરિક પીપલ ધ કોળીઝ’ નામે પુસ્તિકા ય પ્રગટ કરી. કેટલાક લોકો એવા હોય છે જે વ્યક્તિગત વિકાસમાં જ શ્રેય જોતા હોય છે, જ્યારે કેટલાક લોકો સમાજના વિકાસને અપનાવે છે. કેશવભાઈ પટેલ આ વર્ગના કહી શકાય. પોતે કરેલો સંઘર્ષ સમાજની બીજી-ત્રીજી પેઢી સુધી ન વિસ્તરે તે માટે આ પ્રયત્ન હોય છે.
કેશવભાઈના દાદાએ ૧૯૦૮માં મટવાડ છોડેલું અને ઈસ્ટ આફ્રિકા ગયેલા. તેમની પાછળ તેમના પુત્ર જેરામભાઈ ગયેલા અને જેરામભાઈ પાછળ કેશવભાઈ ગયેલા જેમણે સામાજિક કાર્યકરની ઓળખ બનાવી. ૧૯૮૩માં તેમણે કાંઠા વિભાગ ફ્રેન્ડશિપ ટ્રસ્ટ બનાવ્યું જેણે નવસારી નજીકના દાંડી-મટવાડ વગેરે ગામોના વિકાસમાં મોટું કામ કર્યું. ચીકુ, આંબા, જામફળ જેવાં ફળાઉ વૃક્ષોની ખેતી તરફ સહુને દોરવ્યા અને આર્થિક મદદ કરી. મોટી ઈન્ડસ્ટ્રી કરનાર એન.આર.આઈ.ને મહત્ત્વ મળે તે બરાબર પણ આ કેશવભાઈ પ્રકારના લોકો સમાજવિકાસનું કામ કરે તે પણ મહત્ત્વનું છે.
(સૌજન્ય : 'દેશી-પરદેશી ગુજરાતી' સ્થંભ, ‘ઉત્સવ’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 03 નવેમ્બર 2013)
![]()


એ 1985ના અરસાની વાત હશે. ચંદરિયા પરિવારના એક નબીરા કપૂરચંદભાઈને ક્યારેક ક્યારેક મળવા જવાનું બનતું. અને દિવંગત દેવચંદભાઈ ચંદરિયાને ય તે પહેલાં મળવા હળવાના અવસરો થયેલા. અા મુલાકાતોના સિલસિલામાં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નાં વિધવિધ કામો કેન્દ્રસ્થ રહેતાં. એક દિવસે, કપૂરભાઈની સાથે હતો અને રતિભાઈ અાવી ચડ્યા. કહે : તમારું કામ પતે, તે પછી, થોડોક વખત મને મળી શકશો ? અને અામ હું મળવા ગયો.
પણ તેરમી જાન્યુઆરી, 2006ના રોજ મુંબઇમાં, અને ત્યાર પછી નવમી જુલાઈ, 2006ના રોજ, યુનાઇટેડ કિંગ્ડમના વેમ્બલી ખાતે, બે અભૂતપૂર્વ સમારંભો યોજાઈ ગયા, જેમાં આવી તમામ આશંકાઓનો સમૂળો છેદ ઊડી ગયો. આ સમારંભમાં ગુજરાતીની સૌ પ્રથમ ડિજીટલ ડિક્શનેરી ‘ગુજરાતી લૅક્સિકોન ડૉટ કૉમ’ની વેબસાઈટનું લોકાર્પણ થયું અને આ અનોખા પ્રોજેક્ટના સ્વપ્નદ્રષ્ટા રતિલાલ ચંદરયાનું અભિવાદન પણ કરવામાં આવ્યું. રતિલાલ ચંદરયા એટલે સાચા અર્થમાં વિશ્વવ્યાપી એવા ચંદરયા પરિવારના મોભી. ચંદરયા પરિવારના ઉદ્યોગો પાંસઠેક દેશોમાં ફેલાયેલા છે અને એલ્યુિમનિયમ, સ્ટીલ, પ્લાસ્ટિક, ઇલેકટ્રોનિક્સ જેવા બહુવિધ ક્ષેત્રોમાં તેમનો વ્યાપ છે. આજે સત્યાંશી વટાવી ચૂકેલા રતિલાલ ચંદરયાની, માતૃભાષા માટે આવું અનોખું કામ પાર પાડવા સુધીની સફરની વાતો પણ; એમની જીવનસફર જેવી જ રસપ્રદ છે. પણ પોતાના વિશે નહીં જ લખવા માટેનો તેમનો આગ્રહ એટલો પ્રબળ કે અનેક વાતો તેમણે ખુલ્લા દિલે કરી હોવા છતાં; અહીં તેનો ઉલ્લેખ માત્ર કરીને, લૅક્સિકોનના સંદર્ભે જ તેમની વાત લખવાનો ઉપક્રમ રાખ્યો છે. તેમના આ આગ્રહમાં જ તેમના ઉમદા અને કર્મઠ વ્યક્તિત્વનો અંદાજ આવી શકે એમ છે. એક કામ લીધા પછી તે સંપન્ન ન થાય ત્યાં સુધી મચ્યા રહેવું એ ચંદરયા પરિવારનો મંત્ર છે.
પ્રેમચંદ પોપટ ચંદરયા જામનગર નજીક ખેતીનું કૌટુંબિક કામ સંભાળતા હતા. એ સમયે વેપાર માટે સૌરાષ્ટ્રમાંથી ઘણા લોકો વહાણવટું ખેડતા અને મુખ્યત્વે મોમ્બાસા, ઝાંઝીબાર, માજુંગા જેવા બંદરો સાથે વહેવાર રાખતા. ખોજા, મેમણ, લોહાણા જેવી જ્ઞાતિઓના ઘણા લોકો વેપાર અર્થે આ સ્થળોએ સ્થાયી પણ થયા હતા. પ્રેમચંદભાઈ પણ 1916માં ઊપડ્યા નાઇરોબી. ત્યાં જઈને તેમણે થોડો સમય નોકરી કરી અને છએક મહિનામાં જ પોતાનો છૂટક વેચાણનો વ્યવસાય શરૂ કર્યો. તેઓ નાઇરોબીમાં જ સ્થાયી થઈ ગયા. ધીમે ધીમે તેમણે પત્ની, બાળકો તથા ભાઈ ભાંડુઓને પણ બોલાવી લીધાં અને અહીં જ તેમનો પરિવાર વિસ્તર્યો. પ્રેમચંદ અને પૂંજીબહેનનાં કુલ આઠ સંતાનો – દેવચંદ, રતિલાલ, કેશવલાલ, મણિલાલ, કસ્તૂરબહેન, મંજુબહેન, સુષ્માબહેન તેમ જ રમિલાબહેન, જેમાંના રતિલાલનો જન્મ પણ નાઇરોબીમાં જ 24મી ઓક્ટોબર, 1922ના દિવસે થયો.
આ શોધયાત્રા દરમ્યાન તેમને હૃદયની બાયપાસ સર્જરી પણ કરાવવી પડી, પણ તેઓ પાછા પડ્યા નહીં. ગુજરાતી લિપિ કમ્પ્યૂટર પર લખાય એટલું પૂરતું નથી; તેના શબ્દો, સાચી જોડણીઓ, રૂઢિપ્રયોગો જેવી અનેક સામગ્રીઓ પણ કમ્પ્યૂટર પર આસાનીથી ઉપલબ્ધ થાય તો જ ગુજરાતી ભાષાનો વ્યાપ કમ્પ્યૂટર પર વિસ્તરી શકે અને વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતીઓ તેનો આસાનીથી ઉપયોગ કરી શકે. સાચી ગુજરાતી લખવાની રતિકાકાની પોતાની મૂંઝવણ તો તેમના પરમ મિત્ર બનેલા સુરતના ઉત્તમ ગજ્જરને કારણે ઊકલી ગઈ, કેમ કે ઉત્તમભાઈ થકી તેમને પરિચય થયો એક જ ‘ઉ’ અને એક જ ‘ઈ’ ધરાવતી ઉંઝા જોડણીનો.
ઉંમરને કારણે શ્રવણશક્તિ તેમ જ દૃષ્ટિ ક્ષીણ થઈ હોવા છતાં, તેમના જુસ્સામાં જરા ય ઓટ આવી નથી. ટેલિફોનને બદલે લેપટૉપના સ્ક્રીન પાસે કાનનું કામ લેવાનું એમને ફાવી ગયું છે. મુંબઇમાં હોય ત્યારે જયેશભાઈ તેમની જરૂરતોનું ધ્યાન રાખે છે. સાદગીના પ્રતીક જેવા રતિકાકા અનેક દેશોમાંના પોતાનાં નિવાસસ્થાનોમાંથી ક્યાં ય પણ રહેતા હોય, આજે પણ પોતાનો મોટા ભાગનો સમય કમ્પ્યૂટર પર ગાળે છે અને ઇ-મેઇલના માધ્યમ થકી પોતાના પરિવારજનોના તેમ જ ઉત્તમ ગજ્જર, તુષાર ભટ્ટ, બળવંત પટેલ, વિપુલ કલ્યાણી, મનસુખલાલ શાહ જેવા અનેક સાથીમિત્રોના જીવંત સંપર્કમાં રહે છે.