પર્યુષણ પર્વ નિમિત્તે સહુ મિત્રોને સાદર :
કમ્મગંથી ભલી અંત લગ ઊખલી,
સવ્વ સમકિત થયું ખલભલી ખલભલી.
રક્ત ને કૃષ્ણ આભા બધી ઓગલી,
આપમાં આપ નિર્મલ થઈ ઝલમલી.
દૃષ્ટિલેહા ય તે કૈંક જોજન ચલી,
ધ્યાનની ધવલિમા ધવલિમા ઝલહલી.
જર્જરિત આવરણ ઓર જર્જર થયાં,
જન્મજન્માંતરોની કથા ઊકલી.
દુંદુભિનાદ ને પુષ્પવૃષ્ટિ નભે,
કાઉસગ્ગે ઊભા શ્વાસ આ કેવલી!
27 ઓક્ટો. 1999
સૌજન્ય : "ગઝલ સંહિતા, પંચમ મંડલ ", 'ધિર આઈ ગિરનારી છાયા', પૃષ્ઠ: 88
કેટલાક પ્રાકૃત શબ્દોના મારી સમજ મુજબના અર્થ.
કમ્મગંથી : કર્મગ્રંથી
ઊખલી : ઊખળી
સવ્વ : સર્વ
સમકિત : સમ્યક
દૃષ્ટિલેહા : દૃષ્ટિરેખા
કાઉસગ્ગ : કાયોત્સર્ગ
કેવલ : અનન્ય, વિશુદ્ધ, પરિપૂર્ણ, અંતિમ
પગ-પછાડ ઘુરઘુરાટ ને છીંકોટ છીંક,
આંખ ઝીણી, પુચ્છ ઊંચું, ધારદાર ઢીંક.
ભૂત-પ્રેત, ચંડ-મુંડ ઊંધ-મૂંધ ઝીંક,
ત્રાડ પાડ ને ભગાડ બાર ગાઉ બીક.
ફરફરે શિખા, ખભે જનેઉ, હોઠ જાપ,
આ બધાં અમોઘ અસ્ત્ર કે ફકત પ્રતીક?
કર્મકાંડ, ધર્મધાડ, વેવલો વદાડ,
આત્મરાગે રત થવાનો માર્ગ ક્યાં છે ઠીક!
ડગેડગે ડગર, પસીને ન્હાય રેબઝેબ,
પંડને ચડાવી કાંધ ચાલતો પથિક!
માર્ચ/એપ્રિલ ૨૦૦૯
છંદોવિધાનઃ ગાલ ગાલ ગાલ ગાલ ગાલ ગાલ ગાલ