સારું છે કે આપણે
સંબંધોની ભૂગોળમાં
ક્ષણેક, ક્યારેક ક્યારેક
સાન્નિધ્યના ગુલાબમાં
સાથે સાથે સુગંધ છીએ
ક્ષણે ક્ષણે મળું છું
ક્ષણે ક્ષણે અલગ થવા
તેથી જ તો બીજી ક્ષણે
મિત્રો, ફરી ફરી
મળવાનો આનંદ છે !
![]()
સારું છે કે આપણે
સંબંધોની ભૂગોળમાં
ક્ષણેક, ક્યારેક ક્યારેક
સાન્નિધ્યના ગુલાબમાં
સાથે સાથે સુગંધ છીએ
ક્ષણે ક્ષણે મળું છું
ક્ષણે ક્ષણે અલગ થવા
તેથી જ તો બીજી ક્ષણે
મિત્રો, ફરી ફરી
મળવાનો આનંદ છે !
![]()
‘એક સ્વપ્ન’
‘મેં અને તે એક સપનું જોયું,
ને સપનામાં એક મહેલ,
જેમાં અનેક ઓરડાઓ છે
બેડ રૂમ, ગેસ્ટ રૂમ, કિચન, લાઈબ્રેરી, હોલ,
ને વિશાળ બગીચો પણ ખરો !
તુ રાત દિવસ સંઘર્ષ કરે છે
આપણાં એ સપનાંને સાકાર કરવાં,
ને હું નિરાતે ઊંઘું છું ….
હા, ઊંઘું છું કેમ કે હું વિચારું છું કે,
અાપણો આ નાનકડો રૂમ જેમાં હું અને તું એક સાથે રહીએ છીએ,
હું જ્યારે રસોઈ બનાવું છું, છાપા વાચું છું, કે વોટ્સએપ જોઉં છું ત્યારે,
તું મારી નજર સામે રહે છે,
હું ઘરકામમાં વ્યસ્ત હોઉં છું તો પણ
તું મને નવલકથાઓ વાચીને સંભળાવે છે,
જે મને હંમેશાં તું મારી નજીક હોવાની પ્રતીતિ કરાવે છે.
મેં અને તેં આ નાનકડા રૂમની ચાર દિવાલોની વચ્ચે,
ચારે ય ખૂણાઓને કિચન, બેડ રૂમ, રિડીંગ રૂમ,
ને બેઠક રૂમમાં ગોઠવી ને,
એક મોટો મહેલ ઊભો કર્યો છે.
બસ, એક વિચાર માત્રથી હું,
નિરસ બની જાઉં છું
કે આપણે જોયેલાં એ સપનાનાં મહેલમાં,
આટલી બધી ખુશીઓ મળશે ખરી !!
e.mail : anjaliparmar@ymail.com
![]()
કરસનદાસ માણેક સાથે થોડી પળો
(1)
હરિનાં લોચનિયાં
સારંગ
એક દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !
પચરંગી ઓચ્છવ ઊછળ્યો’તો અન્નકૂટની વેળા :
ચાંદીની ચાખડીઓએ ચડી ભક્ત થયા’તા ભેળા !
શંખ ઘોરતા, ઘંટ ગુંજતા, ઝાલરું ઝણઝણતી :
શતશગ કંચન આરતી હરિવર સન્મુખ નર્તન્તી.
દરિદ્ર, દુર્બળ, દીન અછૂતો અન્ન વિના અડવડતા,
દેવદ્વારની બ્હાર ભટકતા ટુકડા કાજ ટટળતા,
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !
લગ્નવેદિપાવક પ્રજળ્યો’તો વિપ્ર વેદ ઉચ્ચરતા,
સાજન મ્હાજન મૂછ મરડતા પોરસફૂલ્યા ફરતા !
જીર્ણ, અજીઠું, પામર, ફિક્કું, માનવપ્રેતસમાણું,
કૃપણ કલેવર કોડભર્યું જ્યાં માંડવડે ખડકાણું !
’બ્રાહ્મણવચને સૂરજસાખે’ કોમળકળી ત્યાં આણી :
ભાવિની મનહર પ્રતિમાની જે દિન ઘોર ખોદાણી !
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !
ભય થરથરતા ખેડૂત ફરતા શરીફ ડાકુ વીંટાયા :
વરુનાં ધાડાં મૃત ઘેટાંની માંસ—લાલચે ધાયા !
થેલી, ખડિયા, ઝોળી, તિજોરી : સૌ ભરચક્ક ભરાણાં :
કાળી મજૂરીના કરતલને બે ટંક પૂગ્યા ન દાણા !
ધીંગા ઢગલા ધાન્ય તણા સૌ સુસ્તોમાંહિ તણાણા :
રંક ખેડૂનાં રુધિર ખરડ્યાં જે દિન ખળાં ખવાણાં !
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !
હૂંફાળાં રાજવીભવનોથી મમતઅઘોર નશામાં
ખુદમતલબિયા મુત્સદીઓએ દીધા જુદ્ધ—દદામા !
જલથલનભ સૌ ઘોરઅગનની ઝાળમહિં ઝડપાયા :
માનવી માનવીનાં ખૂન પીવા ધાયા થઈ હડકાયા !
નવસર્જનના સ્વપ્નસંગી ઉર ઉછરંગે ઉભરાણાં :
લખલખ નિર્મલ નવલકિશોરો ખાઈઓમાં ખોવાણા !
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !
ખીલું ખીલું કરતાં માસુમ ગુલ સૂમ શિક્ષકને સોંપાણાં :
કારાગાર સમી શાળાના કાઠ ઉપર ખડકાણાં !
વસંત, વર્ષા ગ્રીષ્મ શરદના ભેદ બધા ય ભુલાણા :
જીવનમોદ તણા લઘુતમમાં પ્રગતિપાદ છેદાણા !
હર્ષઝરણ લાખો હૈયાનાં ઝબક્યાં ત્યાં જ ઝલાણા :
લાખ ગુલાબી સ્મિત ભાવિનાં વણવિકસ્યાં જ સુકાણાં :
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !
30-05-1933
(‘આલબેલ’માંથી)
***********************************************
(2)
મને એ જ સમજાતું નથી
મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે :
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !
ટળવળે તરશ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે !
ઘર—હીણાં ઘૂમે હઝારો ઠોકરાતાં ઠેર ઠેર :
ને ગગનચુમ્બી મ્હાલો જનસૂનાં રહી જાય છે !
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના :
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !
કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !
છે ગરીબોના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું :
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !
(‘મધ્યાહ્ન’માંથી)
==============================
(3)
જાનારાને …
જાનારાને જાવા દેજે :
એકલવાયું અંતર તારું
ચૂપ રહી ચીરવા દેજે !
જાનારાને જાવા દેજે !
લાવજે ના લોચનમાં પાણી;
ધ્રુજવા દેજે લેશ ન વાણી,
પ્રાણના પુષ્પની પાંખડી પાંખડી
છાનોમાનો છેદાવા દેજે !
જાનારાને જાવા દેજે !
નીરવ જીરવી લેજે ઝુરાપા,
છોને પડે તારે કાળજે કાપા :
હૈયાની ધરતી તરસી, તારાં
શોણિતથી સીંચાવા દેજે !
જાનારાને જાવા દેજે !
ઝંખનાની કાળી ઘોર ગુલામી;
વહોરજે ના વેદનાઓ નકામી.
સપનાની તારી વાડી રૂપાળીને
સામે ચાલી વેડાવા દેજે !
જાનારાને જાવા દેજે !
*********************************************
(4)
હરિ, હું તો એવું જ માગું મોત
એવું જ માગું મોત,
હરિ, હું તો એવું જ માગું મોત !
આ થયું હોત ને તે થયું હોત, ને જો પેલું થયું હોત,
અંત સમે એવા ઓરતડાની હોય ન ગોતાગોત !
હરિ, હું તો એવું જ માગું મોત !
અંતિમ શ્વાસ લગી આતમની અવિચત ચલવું ગોત :
ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે ઊડે પ્રાણકપોત !
હરિ, હું તો એવું જ માગું મોત !
કાયાની કણીકણીથી પ્રગટે એક જ શાન્ત સરોદ :
જોજે રખે કદી પાતળું પડતું આતમ કેરું પોત !
હરિ, હું તો એવું જ માગું મોત !
ગિરિગણ ચઢતાં, ઘનવન વીંધતાં, તરતાં સરિતાસ્રોત,
સન્મુખ સાથી જનમજનમનો : અંતર ઝળહળ જ્યોત !
હરિ, હું તો એવું જ માંગુ મોત !
![]()

