પુસ્તક પરિચય
‘અનુવચન’ દલિત વિષયના જાણીતા અભ્યાસી નટુભાઈ પરમારનું દસમું પુસ્તક ત્રીસમી માર્ચે પ્રસિદ્ધ થયું.
સંગ્રહના કુલ ચૌદ લાંબા લેખોમાં પહેલાં પાંચ સમકાલીન દલિત સર્જકો દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી, સાહિલ પરમાર, કિસન સોસા અને જયંત પરમાર વિશેના છે.
ગુજરાતી દલિત સાહિત્યના વિકાસ અને વિસ્તાર માટે પ્રયત્નશીલ સંસ્થાઓ ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી અને ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનનો પરિચય આપતા લેખો છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના પત્રકારત્વ અને તેમના ‘આફ્રિકા સંદર્ભ’ પરના લેખો પણ છે.
‘માનવસમાનતાના પુરસ્કર્તા કબીર’ પછી ‘સૌરાષ્ટ્રના સીદીઓ’ વિશે વાંચવા મળે છે. ‘દક્ષિણ આફ્રિકાના અખબારોમાં એક ડોકિયું’માં લેખકે 2014ના સપ્ટેમ્બરના પંદર દિવસ દરમિયાન એ દેશમાં કરેલા નિવાસ દરમિયાન કરેલા અભ્યાસની ફલશ્રુતિ છે.
કૅલિગ્રાફી અને એક ચિત્ર સહિત પુસ્તકનું સુંદર મુખપૃષ્ઠ ‘કવિ-ચિત્રકાર અને એક માત્ર ઉર્દૂ દલિત કવિ’ જયંત પરમારે કર્યું છે.
પુસ્તકના લેખો ગુજરાત સરકારના ‘ગુજરાત’ માસિકના 2006થી 2022નાં વર્ષોના દીપોત્સવી અંકોમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. તેમાંથી ઘણાં લેખોની વિગતો લેખકે આ પુસ્તકમાં સમાવતા પહેલાં અપડેટ કરી હોવાનું લેખોમાં જ નોંધાયું છે.
રાજ્યના માહિતી ખાતાના સંયુક્ત નિયામક તરીકે નિવૃત્ત થનાર નટુભાઈએ પુસ્તકના આરંભે પોતાની કેફિયતમાં રસપ્રદ વાત નીડર નિખાલસતાથી નોંધી છે.
તેઓ જણાવે છે કે ‘આજીવિકાના આધારસમી સરકારી નોકરીને કારણે’ તેમનું લેખન બે પ્રકારમાં વહેંચાયેલું રહ્યું. સરકારી ધોરણે ફરજના ભાગરૂપે લખવું પડતું લખાણ અને આંબેડકરી વિચારધારામાંની શ્રદ્ધા સાથે સામાજિક નિસબતવાળું લેખન. આ બીજા પ્રકારના લેખનના દસ પુસ્તકો થયાં છે.
બીજી બાજુ, ‘સરકારોની સ્તુતિવંદના કરતાં – તેની યશગાથા ગાતાં (મારા દ્વારા કે મારા વડપણ હેઠળ લખાયેલા પુસ્તકો / પ્રકાશનોની સંખ્યા કદાચ ત્રીસથી વધુ છે).’ આગળ તેઓ લખે છે કે તેમની નોકરીના સમય દરમિયાન જુદાં જુદાં પક્ષોના બારેક મુખ્યમંત્રીઓ આવ્યા ને ગયા ‘પણ માહિતી ખાતું અને અમારા જેવા એના પ્રચારકો એના એ!’
નટુભાઈ એ રૂઢ માન્યતાથી સભાન છે કે ‘મહિતી ખાતું એટલે સરકારનું થાળીવાજું ને તેનું ભાટચારણ !’ તેઓ ધારણા કરે છે કે ‘કદાચ એટલે જ ગુજરાતના આજ સુધીના બધા જ મુખ્ય મંત્રીઓએ આ ખાતાનો હવાલો પોતાની છાતીએ બાંધી રાખેલો !’
વધુ સ્પષ્ટ થતાં લેખક નોંધે છે : ‘સ્વીકારવું જોઈએ કે, એક મુખ્ય મંત્રીના શાસન વખતે માહિતી ખાતાએ પ્રજાના કરોડો રૂપિયા ખરચીને તૈયાર કરેલું પ્રચારસાહિત્ય (પોસ્ટર્સ, બૅનર્સ, ચોપાનિયાં, પુસ્તિકાઓ, પ્રકાશનો વગેરે) બીજી કોઈ રાજકીય વિચારધારાને વરેલા મુખ્ય મંત્રીના આવતા સઘળું ધૂળ થઈ જતું, પણ એથી સરકારને કે માહિતી ખાતાને યાને અમને કોઈ ફરક પડતો ન હતો.
‘જો કે આજના વિશિષ્ટ રાજકીય વાતાવરણમાં સરકારના માહિતી ખાતાનો બોજ કદાચ હળવો થયો છે, કારણ મોટા ભાગના પ્રિન્ટ અને ઇલેકટ્રૉનિક મીડિયાએ સરકારોની સોડમાં બેસીને તેના પ્રચાર-પ્રસારનું કામ પોતે જ ઉપાડી લીધું છે.’
‘અનુવચન’માં સાહિત્યકારો પરના જે લેખો છે તેમાં માહિતી, અન્યોએ કરેલી સમીક્ષાનું સંકલન અને થોડાંક મૌલિક નિરીક્ષણો મળે છે.
ડૉ. આંબેડકરના આફ્રિકા સંદર્ભ વિશેના લેખમાં ભારતમાં અસ્પૃશ્યોના અધિકાર માટે જીવન સમર્પિત કરનારા બાબાસાહેબ ‘આફ્રિકાના બ્લૅક કે નીગ્રોના પ્રશ્ને વાકેફ હતા કે કેમ એ મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે.
આ લેખની જેમ ‘દક્ષિણ આફ્રિકાના અખબારોમાં એક ડોકિયું’ લેખ પણ મૌલિક છે. નટુભાઈ રસિલાબહેનની સાથે ‘સમાજમિત્ર’ માસિકનું અઢાર વર્ષ સંપાદન કર્યું હતું.
±±±±±±±±±±±±±±
‘અનુવચન’ : લેખક અને પ્રકાશક : નટુભાઈ પરમાર, સંપર્ક 98256 32838, natubhaip56@gmail.com : પાનાં 240, : રૂ. 300/-
[15 મે 2023]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()





૧૯૭૮ની સાલમાં ત્યાંથી જ તો તેને કેન્યામાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં કામ કરવાની તક મળી ગઈ. નરેન્દ્ર નૈરોબી પહોંચી ગયો અને મહિને ૫૦/- $ ના માતબર પગારના જોર પર અડધા પાંદડે થયો! બે ત્રણ વર્ષે વતનની યાદ આવતાં તે દેશ પાછો ફર્યો, પણ મંદિરની નોકરી તો છૂટી જ ગઈ. ૧૯૮૧ની સાલમાં નસીબ અજમાવવા તેણે ફરીથી આફ્રિકા ગમન કર્યું અને નૈરોબીની નજીક આવેલ નકૂરુ ગામમાં સ્વામીનારાયણ મંદિરમાં પૂજા અને જ્યોતિષના સહારે રોજની ભૂખ ભાંગતો થયો. આ જ અરસામાં તેને કાશ્મીરી બ્રાહ્મણ કન્યા નીતા પંડિત સાથે પરિચય થયો જે પ્રણય અને ૧૯૮૨ માં લગ્નમાં પાંગર્યો.
૧૯૯૨માં જૂના ઘરાકો અને મિત્રો પાસેથી ઉછીની મૂડી અને બેંકમાંથી લોન લઈ નરેન્દ્રે એક ઔદ્યિગિક શેડ ભાડે રાખ્યો અને પતરાં રોલ કરવાનું એક સેકન્ડ હેન્ડ મશીન લોન પર લઈ આવ્યો. એ જ શેડના એક નાના રૂમમાં પતિ પત્ની રહેવા લાગ્યાં અને થોડાક કારીગરો રાખી પતરાં રોલ કરવાનું શરૂ કર્યું. શરૂઆતના છ મહિના તો તેમને પગાર પણ આપી શકાતો ન હતો, પણ એક પ્રામાણિક માણસ અને ગુરુ તરીકે તેની શાખના કારણે માણસો ટકી રહ્યા. નીતા ટ્રક ચલાવીને પેદા થયેલો માલ વેપારીઓના ગોદામમાં પહોંચાડવાનું અને હિસાબ કિતાબ રાખવાનું કામ કરતી હતી. પહેલા છ મહિના તો મોટી કંપનીઓ સાથે હરીફાઈમાં ઊતરવું સહેલું ન હતું . માલ ખાસ વેચાતો જ ન હતો અને ગોદામમાં માલનો ભરાવો થતો જતો હતો.
બસ … એ ઘડી અને નરેન્દ્રે પાછું વાળીને જોયું નથી. દેવકી સ્ટીલ ઇન્ડસ્ટૃી અત્યારે કેન્યામાં સિમેન્ટ અને સ્ટીલનું ઉત્પાદન કરતી અગ્રગણ્ય કંપની ગણાય છે. યુગાન્ડા, ઇથિયોપિયા અને કોન્ગોમાં પણ એનાં કારખાનાં ધમધમે છે. એના આ ઔદ્યોગિક સામ્રાજ્યમાં ૪,૦૦૦ લોકો કામ કરે છે. નિવૃત્ત થયેલા એના એક સાથીએ એની સહાયથી સ્ટીલનો વેપાર પણ શરૂ કર્યો છે. સામાજિક સેવાના કામોમાં નરેન્દ્રે લાખો ડોલરનાં દાન કર્યાં છે. નરેન્દ્ર એના જૂના સાથીઓને ભૂલી ગયો નથી. એમાંના ઘણા પણ હજુ એની સાથે છે. એમનાં બાળકોને નરેન્દ્રે શિક્ષણ અપાવ્યું છે. એ બધા એના કુટુંબીજનો જેવા બની ગયા છે.