પુસ્તક પરિચય
‘લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ’ પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમીની ‘સમગ્ર મેઘાણી સાહિત્ય’ પ્રકાશન શ્રેણીનો સોળમો ખંડ (2015, પુનર્મુદ્રણ 2022) છે. તેમાં ઝવેરચંદ મેઘાણીનાં ત્રણ પુસ્તકો એક સાથે મૂકવામાં આવ્યાં છે : ‘સૌરાષ્ટ્રના ખંડેરોમાં’ (1928), ‘સોરઠને તીરે તીરે’ (1933) અને ‘પરકમ્મા’ (1946).
મેઘાણી-ગ્રંથશ્રેણીના ખૂબ દૃષ્ટિસંપન્ન અને પરિશ્રમી સંપાદક – સંકલનકાર જયંત મેઘાણી પ્રસ્તુત ગ્રંથ વિશે નોંધે છે : ‘લોકસાહિત્યના-શોધનનાં ભ્રમણ એમને [મેઘાણીને] કાઠિયાવાડને ખૂણેખૂણે લઈ ગયા. અપરંપાર સામાન્ય અને અસામાન્ય માનવીઓનો સંપર્ક એમના જીવનમાં વણાયો. આ રઝળપાટની બહુરંગી વાતોના જેને લસરકા જ કહી શકાય એ એમનાં ત્રણ પુસ્તકોમાં આલેખાયા છે.’
પહેલાં પુસ્તક ‘સૌરાષ્ટ્રના ખંડેરોમાં’ ગીરના પરિભ્રમણનાં વર્ણનો આપે છે, જે ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના તંત્રી અમૃતલાલ શેઠના સૂચનથી લખાયાં છે. કાઠિયાવાડના પૂર્વ સાગરકાંઠે કરેલાં ભ્રમણનાં બયાન ‘સોરઠને તીરે તીરે’માં છે.
‘પરકમ્મા’ પુસ્તકમાં લોકસાહિત્યની પ્રિય કારકિર્દીના સીમાડે થોભીને ‘પોતાની સંશોધન-વાટનાં અને એ વાટે જતાં માનવીઓનાં સ્મરણો આલેખ્યાં છે.’ મેઘાણીભાઈએ પોતાનાં આ પુસ્તકને ‘લોકસાહિત્યના શોધનની આત્મકથા’ કહ્યું છે.
તેમાં તેમણે પોતે લોકસાહિત્યનું સંશોધન-સંપાદન કેવી રીતે કર્યું, એમને એની ભાળ ક્યાંથી અને કેવી રીતે મળી, પોતાની વાર્તાકળાનું ઘડતર કેવી રીતે થયું, બેખબરીમાં પોતે કેટલું ગુમાવ્યું – એ બધી વાતો માંડી છે.
બસો જેટલાં પાનાંમાં વિસ્તરેલી શોધનકથા ‘પરકમ્મા’ મેઘાણીએ તેમની ટાંચણપોથીઓના ‘બે-ત્રણ હજાર પાનાં’માંથી તારવેલી છે. તેઓ ‘સૌરાષ્ટ્ર’ના અંકનું કામ પૂરું કરીને ‘દર શુક્રવારે પરોઢની ટ્રેનમાં’ બેસીને સામગ્રી એકઠી કરવા દૂરસુદૂર નીકળી જતા.

ઝવેરચંદ મેઘાણી
સ્ટેશનનાં આછા અજવાળે, ટ્રેનના ડબ્બાની ભીડમાં, હોડકામાં અને ગાડામાં મુસાફરી કરતાં, નેસમાં તો ક્યારેક ડાયરામાં બેસીને મેઘાણી ‘પેન્સિલ અને શાહીની ગંગા-જમના’ ગૂંથતા. ‘ચારણોને, બારોટોને, વાતડાહ્યા માણસો, રાસડા ગાનારી ને કથાઓ કહેનારી માતા-બહેનો, તૂરીઓ, ભજનિકો, દરબારીઓ, મુત્સદ્દીઓ, પોલીસ-નોકરીઆતોને, ઘાંચી, મોચી, માળી, મીર, રહેખરને’ – આવા અનેકોને તેઓ મળ્યા.
લોકસાહિત્યની ભાળ આપનાર આ સહુનાં તેમણે વિગતે કે ટૂંકા શબ્દચિત્રો આપ્યા છે. દુહા, ગીતો, આખ્યાયિકાઓ, પ્રસંગો, હાલરડાં – આવું કેટલું ય વાચક સામે ક્યારેક સીધાં ટાંચણો રૂપે તો ઘણી વાર ધોરણસરના લખાણ રૂપે મળે છે.
કાઠિયાવાડના ઘોડા અને પાંચાળના ફોડા, ખાંભીઓ અને પશુધન-ઉર્મિધનનાં વર્ણનો છે. અંગ્રેજી કવિ વૉલ્ટર સ્કૉટ અને બંગાળના હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયના સંદર્ભો, તેમ જ સ્પૅનિશ લોકકવિતાનો અનુવાદ પણ છે.
‘ફીલ્ડવર્ક’ની સાથે ‘ટેબલવર્ક’ માટે મુંબઈની રૉયલ એશિયાટિક સોસાયટીના ગ્રંથાલયમાં વીતાવેલા કલાકોની વાત કહેવાઈ છે. મુંબઈમાં જ્ઞાનપ્રસારક મંડળીના નિમંત્રણથી વક્તા તરીકે કોમી હુલ્લડગ્રસ્ત વિસ્તારમાં થઈને સભાગૃહ પર પહોંચવાનો સાહસપૂર્ણ અનુભવ પણ વાંચવા મળે છે.
‘સૌરાષ્ટ્રના ખંડેરોમાં’ પુસ્તકનાં પ્રવાસવર્ણનો ‘પ્રાચીન સૌરાષ્ટ્રનાં સાચાં ખંડેરો – કવિતા, સાહિત્ય, જનતા વગેરે તમામનાં ખંડેરો તપાસીએ’ એવા મનસૂબાથી લખાયાં છે. અહીં સંશોધક ચારણમંડળી જોડે કરેલાં ભ્રમણનું સ્થળકાળની ગૌરવગાથા સંભારતું નિરૂપણ કરે છે.
તેમાં ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય, સમાજ એમ અનેક ક્ષેત્રો એકત્રિત થયાં છે. જોગી અને વાઘેર બહારવટિયા ઉપરાંત બહારવટિયાના જતિધર્મ વિશે પણ વાંચવા મળે છે. રાજુલા અને તુલસીશ્યામ જેવાં સ્થળો, સાણા ડુંગરનો હેડમ્બ મહેલ અને બૌદ્ધ ધર્માલય જેવા વાસ્તુ વિશેની નોંધો છે.
‘કાળમુખો કસુંબો’, ‘નેસડાનું જીવન’, ‘ચા-પ્રકોપ’, ‘ગીરની ભેંસો’ જેવાં ટૂંકા પ્રકરણોમાં સમાજનાં સારાં-નરસાંની ઝલક છે. દંતકથા, ઇતિહાસ અને લોકસાહિત્યના અનેક પાત્રો-પ્રસંગો વિશેની નોંધો પણ અહીં છે.
‘સોરઠને તીરે તીરે’ના આરંભે ‘પ્રવાસીઓને’ મથાળા હેઠળના લેખમાં મેઘાણી કહે છે : ‘અમુક પહાડ, ખડક, દરિયાની ગાળી, ટાપુ અથવા મેલોઘેલો ખલાસી : એને દિઠ્યે મારા જેવાનો પ્રાણ થનગની ઊઠે છે …’
પહેલું પ્રવાસ-વર્ણન ‘ચાંચની ખાડીમાં’ એક લાંબા કિનારપટ્ટાના અનેક પાસાં આવરી લે છે. કાઠિયાવાડના કિનારાના કેટલાક સ્થળોના આલેખનમાં મેઘાણી સંવાદ, ચિંતન, લોકકથા, લોકગીત ઇત્યાદિને વણી લે છે.
સાહસિક ખારવા જાતિના જીવનનું સૌહાર્દપૂર્ણ આલેખન છે. જેનું બાળક દરિયો ખેડવા ગયું છે તેવી માતાની લાગણીઓ વ્યક્ત કરતી, ઓગણીસમી સદીના અંગ્રેજી કવયિત્રી એલિઝા કૂકની, કવિતાનો ‘મા!’ નામના લેખમાં મેઘાણી આસ્વાદ કરાવે છે.
‘પરક્કમા’નું સહુથી હૃદયસ્પર્શી પ્રકરણ ‘નાવિકોના લોકગીતો’ છે. માં દરિયાની ખેપે ગયેલા ગરીબ ખારવાઓની મજૂરી કરતી સ્ત્રીઓની થતી દુર્દશા અને બદનામીનું ગીતોમાં કેવું નિરૂપણ થયું છે તે મેઘાણી ઉઘાડી આપે છે.
‘લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ’ ગ્રંથ, લોકસાહિત્ય ખાતર મેઘાણીએ બધાં જ પ્રકારના સંસાધનોની અછત વચ્ચે કરેલી અસાધારણ મહેનત અને ‘લોક’ની શ્રેષ્ઠતા માટેની તેમની પ્રેમાદરભરી આસ્થાની વંદનીય અભિવ્યક્તિ છે.
એટલે અહીં પ્રકટતા મેઘાણીનાં દર્શન, તેમને માત્ર હાકેટા-પડકારા, દુહા-ડાયરામાં ખતવી દેનારા કેટલાકે આવતી કાલની મેઘાણી જયંતીએ તો ખસૂસ કરવા જેવાં છે.
[આભાર : પાર્થ ત્રિવેદી, હંસાબહેન પટેલ]
[560 શબ્દો]
-X-X-X-X-X-
પ્રાપ્તિસ્થાન – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ પાછળ, આશ્રમ રોડ, અમદવાદ. સંપર્ક : 079 -2657949, મો. 98987 62263. રૂ.260/-
[‘દિવ્ય ભાસ્કર’માં આજે આવેલો આજનો લેખ એક વાક્યના ઉમેરણ સાથે. પુસ્તકની મોટી મહત્તા તરફ ધ્યાન દોરવાની નાનકડી કોશિશ.]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



તો હમણાં કહ્યું એમ આઝાદ ભારતનું સ્વરૂપ કેવું હશે એની કલ્પના કે રૂપરેખા અભિવ્યક્ત કરવામાં આવતી હતી અને એમાં પ્રશ્નકર્તાઓનાં સ્થાન વિષે પણ ખુલાસા કરવામાં આવતા હતા. ગાંધીજીની કલ્પનાનું ભારત જવાહરલાલ નેહરુની કલ્પનાના ભારત કરતાં થોડુંક અલગ હતું. નેહરુની કલ્પનાનું ભારત સરદાર પટેલ અને તેમના જેવા બીજા કાઁગ્રેસીઓ કરતાં એક છેડે થોડુંક અલગ હતું તો ડૉ. આંબેડકરની કલ્પનાના ભારત કરતાં બીજા છેડે થોડુંક અલગ હતું. ડૉ. રામ મનોહર લોહિયા અને સમાજવાદીઓની કલ્પનાનું ભારત સી. રાજગોપાલાચારીની કલ્પનાના ભારત કરતાં થોડુંક અલગ હતું, વગેરે.


