વંદન, આજે (ચોથી ઓક્ટોબરે) એમના 166મા જયંતી પર્વે.
સરસ માન તો શ્યામજી કૃષ્ણવર્માને. સનદ 2015માં પરત કરતાં ઇનર ટેમ્પલે આપ્યું. એના પદાધિકારીએ કહ્યું કે અમારો આ સર્વાનુમત નિર્ણય છે. શ્યામજી રાષ્ટ્રવાદી હશે, ટેરરિસ્ટ નહોતા. એમને બારમાંથી કમી કરવાપણું નહોતું. કેમ કે એમણે કોઇ ક્રિમિનલ કામગીરી કરી નહોતી. હકીકતે, એ સમયે એમને કોઇએ ધોરણસર સાંભળ્યા જ નહોતા.

પ્રકાશ ન. શાહ
વચ્ચે વાતવાતમાં અમદાવામાં સેકન્ડહેન્ડ પાઠ્યપુસ્તકોની દુકાન, મહાજન બુક ડીપોનું સ્મરણ કરવાનું બન્યું હતું. એ રીચી રોડ (ગાંધી માર્ગ) પર ફર્નાન્ડીઝ પુલ નીચે હતી. સાઠ-સિત્તેર વરસ પાછળ જઇને સંભારું છું તો રિલીફ રોડ (તિલક માર્ગ) પર પથ્થર કૂવાથી શરૂ થતો ટુકડો સાંભરે છે. પોપ્યુલર? અને પીપલ્સ બે મજેનાં પુસ્તકઠેકાણાં હતાં. ત્યાં ‘એન્કાઉન્ટર’નું વાર્ષિક લવાજમ (આખું અઢાર રૂપિયા) ભર્યાનું યાદ છે. આ જ ફૂટપાયરી પર જૂનાંનવાં અંગ્રેજી પુસ્તકો પણ મળતાં. એમાં એકવાર ધનવંત ઓઝાનું ‘વિલ્કીઝ વન વર્લ્ડ’ અને ઇન્દુલાલ યાજ્ઞિકનું ‘શ્યામજી કૃષ્ણવર્મા’ જોવાનાં બન્યાં. ઇન્દુચાચાની ઠીક ઠીક પૃષ્ઠસમૃદ્ધ વિગતખચીત પાકા પૂંઠાની ચોપડી પડી પડી વણખપી ત્યારે રૂપિયે રૂપિયે મળતી. પછી તો રસ પડ્યો અને અમે મિત્રોએ ઇન્દુચાચાને અમારી યુવા પ્રવૃત્તિ અન્વયે શ્યામજી વિશે વાર્તાલાપ સારું નિમંત્ર્યા. એ તારીખનાં ઓસાણ છૂટી ગયાં હતાં, પણ આ લખવા બેઠો ત્યારે એમની આત્મકથાના છઠ્ઠા ભાગમાં ડાયરીનાં પાનાં જોતાં જડ્યું કે 1961ની 18મી ઓક્ટોબરે પ્રેમાભાઇ હોલમાં એમણે આ વાર્તાલાપ આપ્યો હતો. એમના વાર્તાલાપમાં જ એમણે આ પુસ્તક લેખનની જવાબદારી ભણાવનાર સરદાર સિંહ રાણાના ક્રાંતિકાર્યનોયે ખયાલ આવ્યો હતો. અલબત્ત, આજે 2003ની વીરાંજલિ યાત્રાની મોદીપહેલ અને પૂર્વસાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ સરદારસિંહની વેબસાઇટ સુલભ કરી તે પછી આ નામો સ્વાભાવિક જ પરિચિત થયેલાં છે. (જો કે, સરદારસિંહ રાણાએ ઇન્દુલાલને બોમ્બ-તાલીમ સારુ રશિયા મોકલ્યાની વાત ઇતિહાસ સમ્મત જણાતી નથી.)
ખાસ કરીને લંડનના ‘ઇન્ડિયા હાઉસ’થી અને ‘ધ ઇન્ડિયન સોશ્યોલોજિસ્ટ’ પત્રથી, વિદેશની ધરતી પર જંગે આઝાદીના એક કર્મી ને કલમી તરીકે શ્યામજી સુપ્રતિષ્ઠ છે. દેશની એમની કામગીરી રિયાસતી દીવાન તરીકેની તેમ આર્ય સમાજના અગ્રણી અને પંડિત તરીકેની રહી. કાશીના પંડિતોએ કોઇ બ્રાહ્મણ નહીં એવી પ્રતિભાને ‘પંડિત’ તરીકે વિધિવત્ પોંખી હોય તે શ્યામજી હતા. સ્વાતંત્ર્યસંગ્રામ સાથે આ કચ્છીમાડુનું આગળ પડતું સંધાન અલબત્ત એમના વિદેશવાસ પછીનું છે. એમણે ઊભું કરેલું ‘ઇન્ડિયા હાઉસ’ મેડમ કામાથી માંડી વિનાયક દામોદર સાવરકર સહિતનો હિંદવી જોવનાઇનું આંગનથાણું હતું. વતનમાં દયાનંદે સંમાર્જેલ શ્યામજીની બ્રિટનવાસની વિચારમાનવજત ઠીક ઠીક પ્રમાણમાં હર્બર્ટ સ્પેન્સરને આભારી છે. ‘આક્રમણનો પ્રતિકાર’, શ્યામજી સ્પેન્સરને ટાંકીને કહેતા, ‘વાજબી છે એટલું જ નહીં અનિવાર્ય આદેશવત્ છે.’ બાય ધ વે, એમણે લંડનના જે વિસ્તારમાં ‘ઇન્ડિયા હાઉસ’ ખડું કર્યું એની બરાબર સામે હાઇગેટ સિમેટ્રી છે જેમાં સ્પેન્સર ને માર્ક્સ સહિતના વીરલાઓ પોઢેલા છે.
1905માં વતનઆંગણે બંગભંગના દિવસોમાં ને દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનાં ઊગું ઊગું કિરણોના ગાળામાં જ લંડનમાં ‘ઇન્ડિયા હાઉસ’ ઊભું થયું. મદનલાલ ઢીંગરાના વીરકર્મથી માંડી સ્ટુટગાર્ટમાં પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની વાત હોય કે 1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામની પચાસીનો અવસર હોય, બધાંનું પગેરું તમને ‘ઇન્ડિયા હાઉસ’માં મળશે. ભારત બહાર સાવરકર જે કોળ્યા તે તિલકની ભલામણે શ્યામજીદીધી સ્કોલરશિપને કારણે.
‘ધ ઇન્ડિયન સોશ્યોલોજિસ્ટ’ પત્ર 1905માં, શરૂ શરૂમાં માસિક રૂપે લંડનથી, પછી પેરિસથી, અનિયમિત થતે થતે છેલ્લે છેલ્લે જીનીવાથી એમ 1922 સુધી પ્રગટ થતું રહ્યું.
આ પત્ર પોતાને સ્વાતંત્ર્યના તેમ જ રાજકીય, સામાજિક ને ધાર્મિક સુધારાના પત્ર (ઓર્ગન) તરીકે ઓળખાવતું. ક્રાંતિકારી હત્યાઓનું એ બેધડક સમર્થન કરતું. અલબત્ત, શ્યામજીનું પોતાનું (જેમ સાવરકર વગેરેનું હશે, તેવું) કોઇ સીધું સંધાન એમાં નહોતું. જીનીવામાં એમનાં છેલ્લાં વર્ષો સ્વાસ્થ્યવશ સ્વાભાવિક જ ખાસ સક્રિય નહોતાં. વતનપ્રેમમાં ઝૂરતા આ જીવે જીનીવાની એક સંસ્થામાં સ્વખર્ચે પોતાનાં ને પત્ની ભાનુમતીનાં અસ્થિ સચવાય એવી વ્યવસ્થા કરી હતી અને સૂચના આપી હતી કે હિંદ આઝાદ બને ત્યારે ત્યાં તે મોકલવાં. 2003ની વીરાંજલિ યાત્રાની આ પૃષ્ઠભૂ છે. હવે તો કચ્છમાં યુનિવર્સિટીનું નામ અપાયેલું છે અને ક્રાંતિતીર્થનુંયે નિર્માણ થયેલું છે. વળી ભારત સરકારે ખાસ ટપાલ ટિકિટ તો છેક 1989માં પ્રગટ કરી હતી.
સન્માન્ય શ્યામજીના મહિમામંડનની જોડે જોડે આઝાદીના ઓછા જાણીતા લડવૈયાઓને સંભારવાનો આવકાર્ય ઉપક્રમ છે તો કંઇક અતિરંજની રજૂઆતથી બાકીનાં ઠીક ઠીક સ્થાપિત વ્યક્તિત્વો કરતાં આગળ ધરવાની આ ઐતિહાસિક ગણતરી પણ જણાય છે. એમને માટે 2003માં ખાસ આગળ કરાયેલો પ્રયોગ ‘ક્રાન્તિગુરુ’ આ સંદર્ભમાં જોવાતપાસવા જેવો છે. પૂર્વ સાવરકરની ક્રાંતિકારી પ્રતિભા લંડન પહોંચ્યા પહેલાની અંકે થયેલી છે. ઉત્તર સાવરકરના હિંદુત્વ થીસિસને અને શ્યામજીની વૈચારિક ભૂમિકાને છત્રીસનો સંબંધ છે. 1930ના માર્ચની 30મીએ જીનીવામાં શ્યામજીને દેહ છોડ્યો તે પછીની એક નોંધપાત્ર અંજલિ બેઠક ભગતસિંહ અને સાથી કેદીઓએ લાહોર જેલમાં યોજી હતી, પણ ભગતસિંહની જેલ નોટબુક્સ જોતાં તેના પર શ્યામજીના ચિંતનનો કોઇ ખાસ પ્રભાવ જણાતો નથી.
‘ક્રાન્તિગુરુ’ કહેતાં જો સશસ્ત્ર ક્રાન્તિના કોઇ એકાન્તિક સમર્થનનો ખયાલ હોય તો તે દુરસ્ત નથી; કેમ કે અસહકારનો વિશાળ પાયા પરનો પ્રયોગ પણ શ્યામજીના અભિગમમાં સ્વીકાર્ય હતો. 1920-21ના વિરાટ ઘટનાક્રમ પછી શ્યામજી ઇચ્છતા હતા કે એમની યોજના અન્વયે લંડન મોકલવાના વક્તાઓ ગાંધીજી સૂચવે. 1930ના દાંડીકૂચના લોકજુવાળે એમને અતિશે આંદોલિત-ઉલ્લસિત કર્યા હોત. પણ એ ઝંઝાવાતી એટલી જ ઠંડી તાકાતના દિવસોમાં શ્યામજી બહારની દુનિયાથી બેખબર એવી બિલકુલ મરણોન્મુખ અવસ્થામાં હતા.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 04 ઑક્ટોબર 2023
![]()


આજે જેમને વિશે હું વાત કરવાનો છું તે પૂજ્ય જુગતરામકાકાને હું પુણ્યશ્લોક પુરુષ તરીકે ઓળખાવું છું. આ શબ્દ જાણીતો છે, પણ એનો અર્થ ગહન છે. શ્લોક એટલે વર્ણન કરવું, સમજાવવું અને જેમની વાત કરવાથી આપણે પુણ્યશાળી થઈએ તે પુણ્યશ્લોક. જુ.કાકા એવા પુણ્યશ્લોક પુરુષ છે. એમનું ચિંતન કરવું, એમનાં કાર્યોને સમજવાં, એમનાં જીવનનાં મૂલ્યોને ફરી ફરી સમજવાં જેથી વ્યક્તિ તરીકે આ સઘળાંનું આપણામાં ઉમેરણ થઈ શકે. મુરબ્બી ઘણા હોય છે પણ પુણ્યશ્લોક બહુ ઓછા હોય છે. જુ.કાકાના જીવનનો મહિમા સમજવા જેવો છે. તેમણે પોતાની આત્મકથા લખી છે. એનું નામ એમના જેવું જ સાદું છે – ‘મારી જીવનકથા.’ સૌએ વાંચવા જેવી આ અસામાન્ય આત્મકથા છે. કાકાસાહેબ કાલેલકરે કહ્યું છે કે, ‘આ આત્મકથાનું હિંદી અને અંગ્રેજી થવું જોઈએ. આ આત્મકથા ભારતના બધા પ્રદેશોમાં પહોંચવી જોઈએ.’
(૧) આર્થિક રીતે માણસ પગભર થવો જોઈએ, સ્વનિર્ભર થવો જોઈએ.
કોઈ પણ સમાજમાં પાયામાંથી પરિવર્તન કરવું હોય તો તે સમાજને જ્ઞાનવાન બનાવવો જોઈએ. જે સમાજ જ્ઞાનવાન ન હોય તે ટકી ન શકે. જ્ઞાનનો અર્થ કેવળ ચોપડીઓ નહોતો. અનેક રીતે મનોઘડતર કરવું પડે છે. તે કાળે આદિવાસીનું બાળક ભણે એ ખ્યાલ જ નહોતો. આ ક્ષેત્ર સાવ કોરુંકટાક હતું. શિક્ષણ મેળવવાની કોઈ તક જ નહોતી. આદિવાસીઓ શિક્ષણથી વંચિત રહે તો જ સ્થાપિત વ્યવસ્થા જળવાઈ રહે એમ મનાતું હતું. એની વચ્ચે સુરત-વલસાડ-ડાંગમાં કેટકેટલી બાલવાડીઓ-આશ્રમશાળાઓ-ઉત્તર બુનિયાદી શાળાઓ સ્થપાઈ છે ? હવે તો ગાંધી-વિદ્યાપીઠ પણ સ્થપાઈ છે. સ્થાપિત હિતોએ પ્રતિકૂળતાઓ પણ ઊભી કરી. અનેક વિઘ્નો નાખ્યાં. કારણ કે તેઓ આદિવાસીઓની ગુલામી દશા ચાલુ રાખવા ઇચ્છતા હતા. આજે જેને સાવ નગણ્ય કહેવાય તેવો કાર્યક્રમ તેમણે ઉપાડ્યો. ઠેરઠેર બાલવાડીઓ સ્થાપી. તેમાં ઝાઝી સગવડ કરવાની નહિ. એક ફળિયાનાં બાળકો હોય. તેમને હાથપગ ધોવડાવવાના, નખ કાપવાના, ગીતો ગવડાવવાનાં, વાર્તા કહેવાની, રમતો રમાડવાની, નાસ્તો કરાવવાનો. સ્થાનિક વ્યક્તિ ભણાવે. (એવી બહેનોની તાલીમ માટે તેમણે બાલવાડી તાલીમ શિબિરો શરૂ કર્યા).
આ વિસ્તારની પરિસ્થિતિ જ વિશિષ્ટ હતી. એક વર્ગ શોષણ કરનારો, અન્યાય કરનારો હતો. બીજો વર્ગ શોષિત અને અન્યાય વેઠનારો હતો. એની વચ્ચે મારકાપ કે હિંસક સંઘર્ષ નથી કરવાનો એ સ્પષ્ટતા હતી. પ્રદેશ મોટો, વસ્તી મોટી છતાં નક્સલવાદ ન આવ્યો એનું કારણ આ પ્રદેશનું વેડછીકરણ છે. આ વેડછી રચનાનો પ્રતાપ છે. નક્સલવાદને બદલે ગાંધીમાર્ગે ઉત્થાન થયું એનું કેન્દ્રસ્થ વ્યક્તિત્વ જુ.કાકા છે. જે કોઈ પણ અહીં આવ્યા તેમને જુ.કાકાએ કહ્યું કે ‘સંગઠન કરો, સંસ્થા ઊભી કરો.’
આ વેડછીકરણના, આ તપોમય વારસાના વારસદાર તરીકે આપણે આનું રહસ્ય સમજવું અનિવાર્ય છે. આદિવાસીઓ ડૉક્ટર થાય, ઈજનેર થાય, ઊંચા હોદ્દાઓ સુધી પહોંચે તેટલું પૂરતું નહિ થાય. એ માટે જુગતરામકાકાના દર્શનને આપણી અંદર ઉતારીએ તે જરૂરી છે. એ સમજવાનો આ દિવસ છે. સેવા દિને જુગતરામકાકાનું સ્મરણ કરવું એટલે આ આખી પરંપરાનું સ્મરણ કરવું, એનાં જીવનમૂલ્યોને સમજવાં, આ કાર્યપદ્ધતિ વિશે સ્પષ્ટ થવું અને દૃઢ થવું.