ન્યૂઝક્લિક પર તવાઈ
શાસનનાં શીલ અને શૈલી, અખબારી આઝાદી તેમ જ ધોરણસરનો નાણાંવહેવાર બધું જ અત્યારે વમળમાં છે.

પ્રકાશ ન. શાહ
આ પહેલીવાર તો નથી બન્યું કે ‘ન્યૂઝક્લિક’ પર પોલીસ ધોંસ આવી હોય. મંગળવારની દિલ્હી-મુંબઈ રેડ પછી બુધવારના સમાચાર પ્રમાણે ક્લિક વડા પ્રબીર પુરકાયસ્થ અને આ પોર્ટલના માનવ સંસાધન વડા અમિય ચક્રવર્તી, બેઉ એક અઠવાડિયા માટે પોલીસ રિમાન્ડ હેઠળ લેવાયા છે. 2021ના ફેબ્રુઆરીમાં ઇડી કહેતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પ્રબીર પુરકાયસ્થને પૂરા પાંચ દિવસ ઘરબંધ રાખી તપાસ કરી હતી. પણ આર્થિક ગુના સબબ તપાસ કરતી એજન્સી અને આવકવેરા ખાતા તરફથી થયેલી તપાસમાં કશું જ પકડવાલાયક પ્રાપ્ત થયું નહોતું.
કેન્દ્ર સરકાર જે રીતે ઇ.ડી.ને પોતાના રાજકીય હથિયાર તરીકે (અને નહીં કે ગેરરીતિઓની પ્રજાકીય તપાસ એજન્સી તરીકે) વાપરી રહી છે તે ચોક્કસ જ એક ચિંતાજનક બાબત છે. એક બાજુ બુધવારનાં અખબારો ‘ન્યૂઝક્લિક’ પરની કારવાઈના સમાચાર પ્રકાશિત કરી રહ્યાં હતાં તો બીજી બાજુ આ જ છાપાંમાં સુપ્રીમ કોર્ટ ઈ.ડી.ની કાર્યપદ્ધતિ વિશે સખત નારાજગી પ્રગટ કરતી માલૂમ પડી હતી. સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને કહ્યું હતું કે તમે કોઈ આતંકતંત્ર નથી. તમારી કાર્યપદ્ધતિ પારદર્શક હોવી જોઈએ. તમે કોઈને મનમુરાદ ગિરફ્તાર કરી લો એ ન ચાલે. જે તે કારવાઈ માટે, ખાસ તો કોઈને પકડવા માટે તમારે લેખી કારણ આપવાં જરૂરી છે.

Founder and editor-in-chief of NewsClick, Prabir Purkayastha, is brought to Delhi Police Special Cell in New Delhi [Dinesh Joshi/AP Photo]
ન્યૂઝક્લિક પોર્ટલ સાથે સંકળાયેલા આશરે પચાસ જેટલા લોકો જોડે દિવસભર સઘન પૂછપરછ કરવામાં આવ્યાના હેવાલો છે. ખાસ કરીને આ પોર્ટલ સાથે સંકળાયેલા પત્રકારોને તમે કઈ કઈ બાબતો પર લખો છો એ પ્રશ્ન કરવામાં આવ્યો હતો. દિલ્હીનાં (પ્રેરિત-પ્રાયોજિત મનાતાં) હુલ્લડ, સી.એ.એ. સામેનો વિરોધ તેમ જ ખેડૂતોના વિરોધ દેખાવો જેવી બાબતો એમાં મુખ્ય હતી. જે પ્રકારની બાબતો પૂછપરછ માટે અલગ તારવવામાં આવી હતી તે જોતાં સ્પષ્ટ થાય છે કે સરકારી ધોંસ વિરોધમત પરત્વે ચોક્કસ એજન્ડા સાથે કાર્યરત હતી અને છે.
અહીં એ યાદ કરવું લાજિમ થઈ પડશે કે થોડા વખત પર પ્રેસની આઝાદી વિશે વિશ્વ સ્તરે 180 દેશોનો એક સરવે આવ્યો હતો તે પ્રમાણે આપણે છેક નીચલા ક્રમે, એકસો એડસઠમે હતા. છેલ્લે એન.ડી.ટી.વી., અદાણી પ્રકરણથી ફરી એક વાર સાફ સમજાઈ રહ્યું હતું તેમ આપણે ત્યાં સ્વતંત્ર પત્રકારિતા માટેનો અવકાશ ઉત્તરોત્તર સીમિત થતો જાય છે. જો ભિન્નમત કે વિરોધીમત માટે અવકાશ ન હોય – હમણાં ‘ઇન્ડિયા’ પક્ષોએ સંખ્યાબંધ એન્કરોની એકતરફી નીતિ જોઈ જેમ એમનો બહિષ્કાર પોકાર્યો – એવી નોબત વચ્ચે પત્રકારની કારકિર્દી ને કામગીરી કરમાઈ ન જાય તો બીજું શું થાય ?
અહીં વાતનો બંધ વાળતાં પૂર્વે એક ગંભીર મુદ્દો ભલે કંઈક અધકચરો પણ ચર્ચવો રહે છે, અને તે ફોરેન ફન્ડિંગનો છે. અત્યારે ખુલ્લા બજારની સત્તાવાર નીતિ તરીકે આર્થિક વ્યવહાર પહેલાં કરતાં દેશ દેશ વચ્ચે વિશેષ મુક્તતાને ધોરણે ચાલે છે. પરદેશથી આવતાં દાન વગેરે (‘એન.જી.ઓ.’માં કદાચ વિશ્વહિન્દુ પરિષદ એમાં મોખરે પણ હોય) ચોક્કસ કાનૂની જોગવાઈ થકી સરકારી ચેનલમાંથી પસાર થઈ આવતાં હોય છે. આ ચર્ચામાં જવાનો આશય એ છે કે ન્યૂઝક્લિક પર ફોરેન ફન્ડિંગનો ખાસ કરીને ચીની પ્રચારસ્રોતનો, ગંભીર આક્ષેપ છે. પ્રબીર પુરકાયસ્થે પકડાતાં પહેલાં કહ્યું છે કે અમારા પરના આવા આક્ષેપ પહેલીવારનાં નથી. અમે યોગ્ય ફોરમમાં એટલે કે અદાલતમાં એનો જવાબ આપીશું, કેમ કે, આ બાબત સબજ્યુડિસ છે.
પુરકાયસ્થ એક ભુક્તભોગી જોધ્ધા જેવા છે. કટોકટીમાં કુખ્યાત ડી.આઈ.જી. ભીંડરે એમને બીજા કોઈને બદલે પકડી લઈ ક્યાં ય લગી એ ‘બીજા’ તરીકે જ આગળ કરી પોતાની ‘ઇજ્જત’ સાચવી લીધી હતી. આજે ન્યૂઝક્લિકના વડા તરીકે પ્રબીર પુરકાયસ્થ તપાસના દાયરામાં છે ત્યારે અખબારી સ્વાતંત્ર્ય અને ધોરણસરના નાણાં વહેવારના વ્યાપક સંદર્ભમાં કોઈ શેહશરમમાં આવ્યા વગરની ને એટલી જ કિન્નાખોરી વગરની ખરી ને પૂરી તપાસની અપેક્ષા રહે છે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 04 ઑક્ટોબર 2023
![]()




ભલે ગમે તે કારણસર, પણ સરસ્વતીચંદ્રમાં ગોવર્ધનરામ વિધવાવિવાહનો પુરસ્કાર કરતા નથી. એક માન્યતા એવી પણ છે કે આપણી નવલકથામાં વિધવાવિવાહ પહેલી વાર કરાવનાર કનૈયાલાલ મુનશી હતા. પણ હકીકતમાં ગોવર્ધનરામની નવલકથા સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ ૧૮૮૭માં પ્રગટ થયો તે પહેલાં ૧૮૮૧માં પ્રગટ થયેલી એક નવલકથામાં વિધવાવિવાહનો પુરસ્કાર કરવાનું સાહસ થયું હતું. એ નવલકથા તે ‘કમળા કુમારી’ અને તેના લેખક તે ભવાનીશંકર નરસિંહરાવ કવિ. જન્મ ૧૮૪૮માં. લીમડીના દેશી રાજ્યના વતની. અભ્યાસ અંગ્રેજી બે ધોરણ સુધીનો. ૧૯મી સદીના પ્રખર સમાજ સુધારક અને અગ્રણી પત્રકાર કરસનદાસ મૂળજી ૧૮૬૭માં એડમિનિસ્ટ્રેટર તરીકે લીમડી ગયા ત્યારે ભવાનીશંકર તેમના અનુયાયી બની રહ્યા. કરસનદાસના પ્રભાવ નીચે જ તેમણે સમાજ સુધારા વિષે લખવા માંડ્યું. તેમણે ચાર સામયિક જુદે જુદે વખતે શરૂ કરીને ચલાવેલાં : ૧૮૮૨માં ‘ગુજરાત માસિક પત્ર’, ૧૮૮૩માં ‘ત્રિમાસિક ટીકાકાર’, ૧૮૮૮માં ‘કાઠિયાવાડી’, અને ૧૯૦૦માં ‘વિદ્યાવિનોદ’. આ ઉપરાંત તેઓ જુદાં જુદાં અખબારો અને સામયિકોમાં નિયમિત રીતે લખતા. તેમનું અવસાન ૧૯૨૧ના મે મહિનાની ત્રીજી તારીખે લીમડીમાં થયું હતું.