
રમેશ ઓઝા
૨૧મી સદીમાં અચાનક વિકાસનો રથ થંભી ગયો છે. પ્રજાને હવે આપવા માટે કાંઈ જ નથી. નવી રોજગારી પેદા થતી નથી અને રળવાની ઉંમર ધરાવનારાઓની સંખ્યા વધી રહી છે. ઓછામાં પૂરું ટેકનોલોજીએ છલાંગ ભરી છે. ૨૦મી સદી સુધી માનવીના હાથો પાસેથી કામ છીનવી લેનારી મશીન આધારિત ટેકનોલોજી વિકસતી જતી હતી, પણ હવે ૨૧મી સદીમાં કૃત્રિમ બુદ્ધિકૌશલ્ય (આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ – એ.આઈ.) ધરાવનારી ટેકનોલોજી આવી રહી છે જેણે હાથ સાથે માથાને પણ નવરું કરવાનું શરૂ કર્યું છે. જગત આખામાં બેકાર યુવાન યુવતીની સંખ્યા વધી રહી છે અને એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. જગત જ્વાળામુખીનાં મોઢાં પર આવીને બેઠું છે.
કરવું શું? કોઈની પાસે આપવા માટે કશું જ નથી, પણ પ્રજાને કશાકમાં વ્યસ્ત રાખવી જરૂરી છે. બે ઉપાય છે; એક, પ્રજાને અસ્મિતાઓનો અમલ પીવડાવો, કેફમાં રાખો, એકાદ દુ:શ્મન પકડાવી દો, પોરસાવો, ડરાવો અને રડાવો. બે, પ્રજાને સોશ્યલ મીડિયા પર વ્યસ્ત રાખો. પહેલાં લોકો દિવસના આઠ કલાક ઉત્પાદક પ્રવૃત્તિ માટે ખર્ચ કરતા હતા, અત્યારે દિવસના આઠ કલાક જે તે સ્ક્રીન સામે ખર્ચે છે જેને સ્ક્રીન ટાઈમ કહેવામાં આવે છે. આઠ કલાકના સ્ક્રીન ટાઈમમાં લોકો ઝેરનો સંગ્રહ કરવાનું અને ઝેર ઓકવાનું કામ કરે છે. આવો ભય અને લઘુતાગ્રંથિ ધરાવતી પ્રજા કોઈકની આંગળી પકડવા અને કોઈકના ખોળામાં બેસી જવા તત્પર હોય એ તો સ્વાભાવિક છે. આમ પણ માનવી સમૂહમાંથી વ્યક્તિ બન્યો અને તેને સ્વતંત્રતા તેમ જ માનવીય અધિકારો મળ્યા ત્યારથી ભયભીત છે. સ્વતંત્રતા એક જવાબદારી છે અને માનવીને તેનાથી ભાગવું છે. હમણાં કોઈકે લખ્યું હતું કે કૃત્રિમ બુદ્ધિ નૈસર્ગિક બુદ્ધિને પરાજિત કરી રહી છે.
પ્રજાને ઉત્પાદક પ્રવૃત્તિમાં પરોવી રાખવી એ સહેલું કામ છે, પણ ફાલતુ ચીજોમાં પરોવી રાખવી એ અઘરું કામ છે. ઉત્પાદક પ્રવૃત્તિ તો માનવી પોતાની જાતે કરી લેશે કારણ કે તેમાં તેને લાભ દેખાય છે, ફાલતુ પ્રવૃત્તિમાં પરોવી રાખવા માટે જહેમત કરવી પડે છે. રોજ કહેવાતા દુ:શ્મનનું એક કહેવાતું કારસ્તાન સામે લાવવાનું. પછી તેને સાયબર સેલ અને પાળીતા મીડિયા દ્વારા લોકો સુધી પહોંચાડવાનું, લોકો પર ભયની કેટલી અસર થઈ રહી છે એ માપતા રહેવાનું. જો ભયભીત કરવા માટે દુ:શ્મનનું કોઈ કારસ્તાન જલદી ન જડે તો પોરસાવવા માટે મહાનતાની સ્ટોરી વહેતી કરવાની. માનવચિત્તની ચક્કીમાં ચોવીસે કલાક દળણું ઓરતા રહેવાનું એ કોઈ મામૂલી કામ છે!
એ પ્રચંડ જહેમતનું કામ છે અને એ સાથે ખર્ચાળ પણ એટલું જ છે. એમાં પણ જે દેશોમાં લોકતંત્ર હતું અને છે એ દેશોમાં એ વધારે ખર્ચાળ છે કારણ કે ત્યાં પ્રજાની આંખ ખોલનારાઓ પણ છે. એવા લોકો છે જે ધરાર ક્લોરોફોર્મની અસર હેઠળ આવવા તૈયાર નથી અને બીજા લોકોને ક્લોરોફોર્મની અસર હેઠળ આવતા રોકે છે. એ મૂર્છિત થવા તૈયાર નથી અને બીજાને સચેત કરે છે. આવા લોકોનું જે તે બહાને દમન કરવાનું અને પ્રજા તેમની અસર હેઠળ ન આવે તેનું ધ્યાન રાખવાનું. પાછા સચેત કરનારાઓ વધારે બુદ્ધિશાળી અને વધારે કલ્પનાશક્તિ તેમ જ મૌલિકતા ધરાવે છે. કલ્પના કરો, આ આખું તંત્ર કેટલું ખર્ચાળ હશે! અને એમાંથી જન્મે છે ક્રોની કેપિટાલિઝમ, જેનો અનુભવ જગત આખાને થઈ રહ્યો છે. આજે જગતની અડધોઅડધ સંપત્તિ માત્ર એક ટકો પ્રજાના કબજામાં છે. એ એક ટકો શાસકોના આંગળિયાત છે અને આજના નવ-મૂડીવાદના યુગમાં શાસકો તેમનાં આંગળિયાત છે. અત્યારે જગતને ક્રોની કેપિટાલિસ્ટોની જગ્યાએ ક્રોની રુલર્સનો નવો અનુભવ થઈ રહ્યો છે.
આ ક્યાં સુધી ચાલશે અને ક્યાં જઇને અટકશે એ આપણે જાણતા નથી. એક. કુદરત રૂઠી છે. બે. આરોગ્યનો પ્રશ્ન વિકટ થઈ રહ્યો છે. ભારત મધુમેહની બીમારીની રાજધાની ગણાય છે. ત્રણ. રળવાની ઉંમર ધરાવતા હાથો પાસે કામ નથી અને ઉપરથી કૃત્રિમ બુદ્ધિકૌશલ્ય નૈસર્ગિક બુદ્ધિની જગ્યા લઈ રહી છે. ચાર. કુપ્રચાર દ્વારા માનવચિત્તને અભડાવવામાં આવી રહ્યું છે અને પ્રજાનું ઝેરીલું ચિત્ત ભવિષ્યમાં શું અનર્થો કરશે એની કલ્પના કરતાં પણ થરથરી જવાય છે અને પાંચ. એક ભયભીત, દાધારીંગી, લઘુતાગ્રંથિથી પીડિત પેઢી અસ્તિત્વમાં આવી રહી છે જે શેક્યો પાપડ પણ ભાંગી નહીં શકે ત્યાં પુરુષાર્થ શું કરવાની? અને એ પણ એવે વખતે જ્યારે સમાજ પરનું સંકટ અભૂતપૂર્વ છે. જગતે ક્યારે ય જોયું નથી એવું વિકટ સંકટ ક્ષિતિજે નજરે પડી રહ્યું છે અને આપણે નમાલી પ્રજા પેદા કરી રહ્યા છીએ.
આનાથી બચવાનો ઉપાય છે અને એ ઉપાય છે; ધરાર ક્લોરોફોર્મની અસર હેઠળ નહીં આવવાનો. ધરાર મૂર્છિત નહીં થવાનો. મળેલી વ્યક્તિગત સ્વતંત્રતા ધર્મ, દેશ, પ્રદેશ, જ્ઞાતિના ઠેકેદારો અને પરિવારમાં પરિવારહિતના ઠેકેદાર પુરુષને તાસક પર પાછી ધરી નહીં દેવાનો. સ્વતંત્રતાથી નહીં ડરવાનો અને બીજાની સ્વતંત્રતાનો આદર કરવાનો. જ્યારે સંકટ નજીક આવશે અને ખરાખરીની પળ આવશે ત્યારે આવી ખુમારી જેણે જાળવી રાખી હશે એ પાર નીકળી જશે અને નમાલાઓ ખપી જશે.
આ પત્થરની લકીર છે અને તેમાં કોઈ મીનમેખ થવાનો નથી. જગતના તમામ પ્રતાપી લોકો પર એક નજર કરી જુઓ. એમાં બે લક્ષણો સમાન જોવા મળશે. તેઓ સ્વતંત્ર હતા અને પુરુષાર્થી હતા.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 15 ઑક્ટોબર 2023
![]()



ત્રણ ભાગમાં લખાયેલી આ નવલકથા પૂરી થતાં લગભગ ચાલીસ વર્ષ લાગ્યાં – ભાગ 1, 2 અને 3 અનુક્રમે 1952, 1058 અને 1985માં પ્રગટ થયા. વચ્ચે ‘સોક્રેટિસ’ લખાઈ. વાચકોવિવેચકોએ ખૂબ રસપૂર્વક, જિજ્ઞાસાપૂર્વક, પ્રેમપૂર્વક આટલાં વર્ષ રાહ જોઈ અને નવલકથાને એવી તો વધાવી લીધી કે ત્રણે ભાગોની અનેક આવૃત્તિઓ થઈ. 1989માં આર.આર. શેઠે કરેલી ત્રણ ભાગની સંયુક્ત આવૃત્તિનાં પણ એક ડઝનથી વધારે પુનર્મુદ્રણ થયાં.
[ઑગસ્ટ ૧૯૩૮ની કલમ-કિતાબ નોંધોમાંથી સંકલિત સામગ્રી અહીં ‘પરિભ્રમણ (નવસંસ્કરણ) ખંડ ૧’ના પૃ. ૧૬૭-૧૬૮, ૫૪૨-૫૪૫ પરથી સાભાર ઉતારી છે. ઝવેરચંદ મેઘાણી સરખા વરિષ્ઠ લેખકે, ત્યારે હજી તો ઊગીને ઊભા થતા ચોવીસેકના તરુણ સ્વાતંત્ર્યસૈનિક અને લેખક મનુભાઈ પંચોળીની આ અક્ષરછબી ક્યાં ય એમનું નામ લીધા વિના આલેખી છે. (પાળિયાદના ધરતીકંપના રાહતકાર્યમાંથી પાછા ફરતાં એ મેઘાણી કને રોકાયેલ હશે.) હજુ ‘દીપનિર્વાણ’ નવલકથા આવી નથી અને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’નાં ઓસાણ સરખાંયે નથી ત્યારે આગળ ચાલતાં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતને સ્વાયત્ત સાહિત્ય અકાદમી સંપડાવનાર દર્શકનું આ વિશેષ ચિત્ર એમના એકસો દસમા વર્ષપ્રવેશ(૧૫-૧૦-૨૦૨૩)ના ઉપલક્ષ્યમાં રજૂ કરવા સારુ અહીં પરંપરાગત પ્રમુખીયથી પરહેજ કરવું મુનાસીબ માન્યું છે. ચમત્કૃતિના પ્રલોભનવશ મથાળે લેખકનામ ગોપવ્યું છે તે દરગુજર કરવા વિનંતી. − પ્ર. ન. શા.]