
હેમન્તકુમાર શાહ
અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં ગઈ કાલે રવિવારે યોજાયેલી એક માલધારી ચિંતન શિબિરમાં ભાષણ આપતાં જણાવેલા મુખ્ય મુદ્દા :
(૧) ૧૯૪૫ પછી દુનિયામાં લગભગ ૧૨૦ દેશો આઝાદ થયા. એમાંથી એક પણ દેશમાં આઝાદ થતાંની સાથે લોકશાહી આવી નહોતી. માત્ર ભારતમાં જ લોકશાહી આવી તેનું કારણ કાઁગ્રેસ છે. કાઁગ્રેસ કે જવાહરલાલ નેહરુને તાનાશાહી લાવતાં કોઈ રોકી શકે તેમ નહોતું. છતાં લોકશાહી આવી કારણ કે ગાંધી, નેહરુ, સરદાર અને આંબેડકર લોકશાહીમાં માનતા હતા. ભારતની લોકશાહી એ કાઁગ્રેસની દેણ છે, એને ટકાવવા માટે લડત આપવી એ આપણા સૌની ફરજ છે.
(૨) બજાર એકદમ નિર્દય છે. જેની પાસે પૈસા હોય, બજાર એનો જ ભાવ પૂછે છે. ખિસ્સામાં પૈસા ન હોય તો બજાર તમને મારી નાખશે. તો શું જે “અમે ભારતના લોકો”એ આ ભારત બનાવ્યું છે એમાં ગરીબોએ મરી જવાનું? કે પછી સરકારે એમની કાળજી રાખવાની? સરકાર એમની દરકાર રાખે એને કોઈ ભેટ ન કહેવાય, એ તો સરકારની ફરજ છે.
(૩) સરકારની આ ફરજ બંધારણમાં પ્રકરણ ચારમાં લખવામાં આવી છે. ગરીબો, વંચિતો, મહિલાઓ, વિકલાંગો, વૃદ્ધો, બાળકોની દરકાર સરકારે લેવાની છે એમ એ પ્રકરણમાં લખવામાં આવ્યું છે.
(૪) એમાં એમ પણ લખવામાં આવ્યું છે કે બહુ થોડા લોકોના ખિસ્સામાં બહુ બધા પૈસા ભેગા થઈ જાય નહીં. માલેતુજાર લોકોનું ધનીપણું ઓછું કરવું એ સરકારનું કામ છે.
(૫) આપણા જે અધિકારો બંધારણમાં લખેલા છે તે સૌથી મહત્ત્વના છે. લોકમાન્ય તિલકના એ શબ્દો હંમેશાં યાદ રાખો કે “સ્વતંત્રતા એ મારો જન્મસિદ્ધ અધિકાર છે.” આ સ્વતંત્રતા બંધારણ આપતું નથી, આપણે જાતે ભારત નામનું રાજ્ય બનાવીને એના બંધારણમાં આપણી સ્વતંત્રતા લખી છે. આપણે મનુષ્યો છીએ માટે આપણને સ્વતંત્રતા છે જ, એ સરકારો છીનવી ન લે તેની આપણે નિરંતર કાળજી રાખીએ.
(૬) સરકારને સવાલ પૂછવો અને જવાબ મેળવવો એ આપણો હક છે. લશ્કર પણ સરકારનો ભાગ છે. એટલે એને પણ સવાલ પૂછી શકાય. લશ્કર કંઈ પવિત્ર ગાય નથી. સરકારના ૫૦.૬૫ લાખ કરોડ રૂપિયાના બજેટમાં લશ્કરનું બજેટ ૬.૮૧ લાખ કરોડ રૂપિયાનું છે. સૌથી વધુ બજેટ એનું જ છે. એ મારા, તમારા, આપણા સૌના પૈસા છે. એટલે ઉરી, પુલવામા અને પહેલગામ જેવી ઘટનાઓ વિશે અને તેનો પ્રતિકાર કેવી રીતે કેટલો થયો એને વિશે સવાલો પૂછવાનો આપણને સૌને અધિકાર છે.
(૭) ૧૯૯૯-૨૦૦૦માં ગુજરાતમાં ૨૬ લાખ પરિવારો ગરીબ હતા. અત્યારે સરકાર ૭૦ લાખ પરિવારોને દર મહિને પાંચ કિલો મફત અનાજ આપે છે. ગરીબી કેટલી બધી વધી! શું આને વિકાસ કહેવાય?
(૮) સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ન્યાય અને વ્યક્તિનું ગૌરવ લોકશાહીમાં સ્થાપવા માટે આપણે ભારત બનાવ્યું છે કે જેનો આજે જે નકશો છે તે તેના પાંચ હજાર વર્ષના ઇતિહાસમાં કદી નહોતો. આ ભારત કંઈ આપણે ગુલાબજાંબુ ખાવા નથી બનાવ્યું!
તા.૨૨-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


કવિ નાનાલાલ, નરસિંહરાવ દિવેટિયા, ઝવેરચંદ મેઘાણી, મંજુલાલ મજમુદાર જેવા ચાર ચાર અગ્રણી સાક્ષરોએ એક જ પુસ્તકની પ્રસ્તાવના લખી હોય, અને તે પણ માત્ર ‘શુભેચ્છા’ દર્શાવતી, એક-બે પાનાંની નહિ, પણ પુસ્તકના વિષયની તલસ્પર્શી ચર્ચા કરતી, એવું બને? હા, એક પુસ્તકની બાબતમાં તો બન્યું જ છે. એ પુસ્તક તે શાંતિ ચૂનીલાલ બરફીવાળા સંપાદિત ‘રાસકુંજ.’ ગુજરાતના રાસ-ગરબાનો આટલો મોટો, આટલો વ્યાપક, આટલો વ્યવસ્થિત સંચય તેનાથી પહેલાં પ્રગટ થયો નહોતો અને તેના પછી પણ પ્રગટ થયો નથી. આ પુસ્તકના પહેલા ભાગની કુલ ત્રણ આવૃત્તિ પ્રગટ થઇ હતી, અને ત્રણે આવૃત્તિની પ્રસ્તાવના જુદા જુદા સાક્ષરોએ લખી હતી. રાસકુંજની પહેલી આવૃત્તિ ૧૯૨૮માં પ્રગટ થઇ હતી, અને એ જમાનામાં તેની ૨૦૦૦ નકલ છપાઈ હતી, જે માત્ર છ મહિનામાં વેચાઈ ગઈ હતી. તેમાં કુલ ૬૪ કવિઓની ૧૭૩ કૃતિઓ સમાવવામાં આવી હતી. આ સંપાદનની એક આગવી વિશિષ્ટતા છે તેમાં કરેલી કૃતિઓની ગોઠવણી. પહેલી પંક્તિ કે લેખકના નામના અકારાદિ ક્રમે નહિ, પણ જુદા જુદા ઢાળોના ગુચ્છ બનાવીને તેમાં કૃતિઓને ગોઠવી છે. જેમ કે ‘વહેલા આવજો હો લાલ’ એ ગીતના ઢાળની છ કૃતિઓ અહીં છે. આવા લગભગ ૭૫ જુદા જુદા ઢાળ સંપાદકે તારવ્યા છે. આ આવૃત્તિમાં સૌથી વધુ કૃતિઓ – ૨૮ – કવિ નાનાલાલની છે. પુસ્તકના આરંભે તેમનો ફોટો મૂક્યો છે. તેના મથાળે લખ્યું છે : ‘રાસયુગના અધિષ્ઠાતા’ અને નીચે લખ્યું છે : ‘મહાકવિ શ્રી ન્હાનાલાલ દલપતરામ.’ આ આવૃત્તિમાં લગભગ વીસ પાનાંની કવિ નાનાલાલની પ્રસ્તાવના છે. તેમાં કવિએ કહ્યું છે : “રાસ એટલે ગુજરાતણની સર્વોત્તમ રસકલા. રાસમાં તો ગુજરાતણનો સકલ રસાત્મા છે.” પછી તેમણે નરસિંહ મહેતાથી શરૂ કરી ૧૯૧૦માં પોતાનો પહેલો રાસ સંગ્રહ છપાયો ત્યાં સુધીના મુખ્ય મુખ્ય કવિઓના રાસની અછડતી ચર્ચા કરી છે. નાનાલાલ માટે સહજ નહિ એવી નમ્ર રીતે તેઓ કહે છે : “સુંદર મનોહારી રાસોનો ઉમંગ ઉછાળતો ઉપાડ એમાં નથી. મારા રાસથી મારી રસભાવના હજી તો પરિતર્પાઈ નથી.” ‘રાસકુંજ’ પહેલાં પ્રગટ થયેલા બીજા કેટલાક રાસસંગ્રહો વિષે પણ તેમણે લખ્યું છે. આ આવૃત્તિ માટે નાનાલાલે માત્ર પ્રસ્તાવના જ લખેલી એવું નહોતું. બીજી ઘણી રીતે પણ સંપાદકને તેઓ મદદરૂપ થયા હતા. પોતાની પ્રસ્તાવનામાં સંપાદક લખે છે : “શ્રી ન્હાનાલાલ કવિએ કરેલા ઉપકારો યોગ્ય શબ્દોમાં દર્શાવવા અશક્ય છે. પ્રસ્તાવના લખી રાસકુંજને અલંકૃત કરી છે એ મદદ તો સૌ કોઈ જાણે એવી છે. પણ રાસકુંજની હસ્તપ્રત બારીકાઈથી તપાસી જઈ છપાવવામાં કાળજીપૂર્વક અથઇતિ દેખરેખ રાખી, સંગ્રાહિકાની ખામીઓ ને તેની હઠીલાઈ ભણી દુર્લક્ષ કરી, નિઃસ્વાર્થ મદદ તેમણે આપી ન હોત તો જે સ્વરૂપે રાસકુંજ પ્રગટ થાય છે તે સ્વરૂપે એ કદાપિ પ્રગટ થાત નહિ.”