5 જુલાઈ 2025ના રોજ, ઇલિનોઇસ રાજ્યના ‘Starved Rock State Park – સ્ટાર્વ્ડ રોક સ્ટેટ પાર્ક’ની મજા માણી. શિકાગોથી 93 માઈલ દૂર છે. આ પાર્ક 2,630 એકર(1,064 હેક્ટર)માં ફેલાયેલો છે. ખડક / ખીણો / જંગલથી ઘેરાયેલ છે. આ ઉદ્યાન ફોક્સ અને વર્મિલિયન નદીઓ વચ્ચે, મિસિસિપી નદીની મુખ્ય ઉપનદી, ઇલિનોઇસ નદીના દક્ષિણ કિનારે છે. અહીં વાર્ષિક બે મિલિયનથી વધુ મુલાકાતીઓ આવે છે.
પાર્કના વિઝિટર સેન્ટરમાં પાર્કના ઇતિહાસ વિશેની ટૂંકી ફિલ્મ જોઈ. આશરે 14,000-19,000 વર્ષ પહેલાં કાંકાકી ટોરેન્ટ તરીકે ઓળખાતા પીગળતા હિમન દીમાંથી પૂર આવ્યું હતું, જેના કારણે આ સ્થળની ભૂગોળ અને તેની ખુલ્લી ખડક-ખીણો બની હતી. ઉદ્યાનમાં વિવિધ વન વનસ્પતિ અસ્તિત્વ ધરાવે છે અને આ વિસ્તારમાં અનેક જંગલી પ્રાણીઓની પ્રજાતિઓ છે.
વિઝિટર સેન્ટરમાં પ્રદર્શન પણ હતું. ટ્રેઈલના રસ્તા વ્યવસ્થિત હતા. Viewing galleryમાં જવા માટે લાકડાની સીડીઓની સુંદર વ્યવસ્થા હતી. કુદરતી સૌંદર્ય અને ઇલિનોઇસ નદીના દર્શન માટેની અદ્દભુત વ્યવસ્થા હતી. વૃક્ષના શીતળ છાંયે બેસીને નાસ્તો કર્યો અને જગદીશ બારોટ અને ડો. દિનેશ ધાનાણી સાથે મિનિ રેશનલ-સભા યોજી !
સ્ટાર્વ્ડ રોક એટલે ભૂખ્યો ખડક ! આવું નામ કેમ પડ્યું હશે? યુરોપિયન સંપર્ક પહેલાં, આ વિસ્તાર મૂળ અમેરિકનોનું ઘર હતું, ખાસ કરીને કાસ્કાસ્કિયા જેઓ નદીની પેલે પાર ઇલિનોઇસના ગ્રાન્ડ વિલેજમાં રહેતા હતા. લુઇસ જોલિએટ અને જેક્સ માર્ક્વેટ આ પ્રદેશની શોધખોળ કરનાર પ્રથમ યુરોપિયન હતા, અને 1683 સુધીમાં, ફ્રેન્ચ લોકોએ નદીની સામે આવેલા મોટા રેતીના પથ્થરના ખડક પર ફોર્ટ સેન્ટ લૂઇસની સ્થાપના કરી હતી, જેને તેઓ લે રોચર (ખડક) કહેતા હતા. 20 એપ્રિલ 1769ના રોજ ઇલિનોઇસ કન્ફેડરેશનના યોદ્ધા દ્વારા કાહોકિયામાં માર્યા ગયા હતા. ઓટ્ટાવા, તેમના સાથી પોટાવાટોમી સાથે, ઇલિનોઇસ નદી કિનારે ઇલિનિવેકના એક જૂથ પર હુમલો કરીને પોન્ટિયાકના મૃત્યુનો બદલો લીધો. ઇલિનિવેક (મૂળનિવાસી) આશ્રય મેળવવા માટે ખડક પર ચઢી ગયા, પરંતુ તેમના પીછો કરનારાઓએ ખડકને ઘેરી લીધો. ખડક પરના મૂળ અમેરિકન લોકો સરેન્ડર ન થયા, ભૂખ્યા રહ્યા, મરી ગયા પણ સરેન્ડર ન થયા. આમ સ્ટાર્વ્ડ રોક એટલે ભૂખ્યો ખડક નામ પડ્યું. નિર્દયતા તો જૂઓ : જેઓ મૂળનિવાસી હતા તેમને જ ભૂખ્યા જ મરવું પડ્યું ! યુરોપિયનો પાસે બંદૂકો હતી અને મૂળનિવાસીઓ પાસે હતા તીરકામઠાં !
એ પછી ફોક્સ નદીને કિનારે ફર્યા. અહીં 1988માં, ફોક્સ વેલીના નાગરિકોએ POTTAWATOMI-પોટ્ટાવટોમી મૂળનિવાસીનું વિશાળ કદનું સ્ટેચ્યુ મૂક્યું છે. આ પ્રતીમા નીચે લખ્યું છે : “સાંભળો, કારણ કે હું ફક્ત એક જ વાર બોલું છું… જ્યારે હું ઝળહળતી ફોક્સ નદીના પાણીની સામે જોઉં છું, ત્યારે મને હજારો teepeesનો ધુમાડો દેખાય છે જ્યાં મેં એક સમયે ફક્ત સૌમ્ય prairies-પ્રેરીઝ અને શિકારથી ભરપૂર લીલાછમ જંગલો જોયા હતા: અમે પ્રકૃતિ સાથે શાંતિથી રહેવા આવ્યા હતા. અમે શિકાર અને ભોજન કર્યું. અમે લગ્ન કર્યા, બાળકોને જન્મ આપ્યો અને અમારા નિયત સમયે મૃત્યુ પામ્યા. અમારા લોકોનાં હાડકાં અહીં પૃથ્વી સાથે ભળી ગયાં. અમને આ ખીણ ખૂબ જ ગમતી હતી, ખૂબ દુઃખ સાથે અમને અમારું ઘર છોડવું પડ્યું. અમે થોડા હતા, અને વસાહતીઓ ઘણા હતા. મારા પૂર્વજોના આત્માઓએ ક્યારે ય આ મહાન ખીણ છોડી નથી, અને ક્યારેક ક્યારેક, તમે અમારા પડછાયાઓની ઝલક જોઈ શકો છો અથવા અમારી હાજરી અનુભવી શકો છો, કારણ કે અમે અમારી પ્રિય ફોક્સ નદીના કિનારે શાંતિથી ચાલતા હોઈએ છીએ. અમારી ભૂમિ છોડતી વખતે અમારી અંતિમ પ્રાર્થના એ હતી કે તમે આ ખીણને એટલો જ પ્રેમ કરો જેટલો અમે તેને પ્રેમ કરતા હતા !” મૂળનિવાસીઓની કેવી ઉમદા ભાવના ! ફોક્સ વેલીના નાગરિકોને પણ ધન્યવાદ ઘટે છે કે એમણે મૂળનિવાસી ઇતિહાસનો આદર કર્યો.
આપણે ત્યાં ગીર / જૂનાગઢ / કેવડિયા કોલોની / અમદાવાદ કે અન્ય જગ્યાએ પ્રવાસ ઉદ્યોગના વિકાસ માટે મોટી મોટી વાતો થાય છે, પરંતુ કોઈ જગ્યાએ સરખું વિઝિટર સેન્ટર ઊભું કરી શક્યા નથી. સરખા વોશરૂમની વ્યવસ્થા ઊભી કરી શક્યા નથી. ઐતિહાસિક તથ્યો સાથેનું પ્રદર્શન આપણે તૈયાર કરી શક્યા નથી. હાલ તો એ સ્થિતિ છે કે ભારતભૂમિનો ઇતિહાસ જ 2014થી શરૂ થયો છે !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર