પ્લેન ઊડે, ઉપર ચડે, નીચે ઊતરે, ક્યારેક પડી જાય, પણ ખોવાઈ જાય એવું બને? હા, પ્લેન ખોવાયાનો પણ એક ઇતિહાસ છે …

સોનલ પરીખ
‘મને વિમાનમાં બેસતાં બીક લાગે છે’ તનુએ કહ્યું ત્યારે તેના પિતા હસી પડ્યા, ‘તને ખબર છે, વિમાનમાં બેસવામાં સૌથી ઓછું જોખમ છે.’
વાત સાવ સાચી છે. રસ્તા પર કે ટ્રેનોમાં થતાં અકસ્માતોના પ્રમાણમાં વિમાનની દુર્ઘટનાનું પ્રમાણ ઘણું ઓછું છે. પણ જે ઝડપે તે થાય છે અને જે રીતે સેંકડો માણસો પળભરમાં ખલાસ થઈ જાય છે, એ જોતાં લોકોને તેનો ડર કદાચ સૌથી વધારે લાગતો હશે. અમદાવાદમાં વિમાન ક્રેશ થયું તેની મિનિટોમાં આકાશમાં ગાઢ કાળા ધુમાડા હતા અને જમીન પર બળેલા મૃતદેહો અને કાટમાળ.
ભારતમાં સૌથી પહેલી વિમાની દુર્ઘટના 1938માં થઈ હતી. એ એર ફ્રાન્સનું વિમાન હતું. વિશ્વનો સૌથી પહેલો વિમાની અકસ્માત 1785માં આયર્લેન્ડમાં થયો હોવાનું નોંધાયું છે. 1945થી 2021 સુધીમાં સૌથી વધારે વિમાની અકસ્માત થયા હોય એવાં દેશોમાં ભારતનું નામ પણ છે. સૌથી મોટી હવાઈ દુર્ઘટના જાપાન એરલાઇન્સમાં 1985માં બની હતી જેમાં 500થી વધારે મૃત્યુ થયાં હતાં.
પ્લેન ઊડે, ઉપર ચડે, નીચે ઊતરે, ક્યારેક પડી જાય, પણ ખોવાઈ જાય એવું બને? હા, પ્લેન ખોવાયાનો પણ એક ઇતિહાસ છે. ઉત્તર એટલાન્ટિક સમુદ્રમાં આવેલા કુખ્યાત બર્મુડા ત્રિકોણમાં એક અંદાજ મુજબ વીસેક એરોપ્લેન ગુમ થઈ ગયાં છે. બર્મુડા ત્રિકોણ એ ઉત્તર એટલાન્ટિક મહાસાગરનો એક પ્રદેશ છે જે અમેરિકાના દક્ષિણપૂર્વ કિનારા, બર્મુડા અને ગ્રેટર એન્ટિલેસ (ક્યુબા, હિસ્પેનિઓલા, જમૈકા અને પ્યુઅર્ટો રિકો) ટાપુઓથી ઘેરાયેલો છે. 1945માં આ વિસ્તારમાં ત્રણચાર મહિનાના અંતરે બે વિમાનો ગુમ થયાં. છેલ્લી ઘટના 2017માં બની, જો કે એનો કાટમાળ પછીથી મળી આવ્યો હતો. નિષ્ણાતો કહે છે કે કેટલાક લેખકોએ બર્મુડા ટ્રાયેંગલને બદનામ કર્યો છે, પણ ત્યાં વિશ્વમાં સૌથી વધુ ખોવાયાની ઘટના બને છે એમ નથી. બર્મુડા ત્રિકોણમાં ગાયબ થયેલા જહાજો અને વિમાનોની ચોક્કસ સંખ્યા જાણી શકાતી નથી.
બર્મ્યુડા ટ્રાયેંગલ જેવો જ રહસ્યમય અલાસ્કા ટ્રાયેંગલ છે. એ પ્રમાણમાં ઓછો જાણીતો છે. 1970ના દાયકાની શરૂઆતથી અત્યાર સુધીમાં ત્યાં 20,000 જેટલા લોકો ગુમ થયા છે. અલાસ્કા યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનું સંભવત: સૌથી મોટું પણ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય છે. શિયાળામાં તાપમાન શૂન્યથી નીચે 11° સેન્ટિગ્રેડ થઈ જાય છે. ઉનાળામાં વધારેમાં વધારે તાપમાન 14° સે. હોય છે. અલાસ્કા ત્રિકોણ એ ઉટકિયાવિક, એનકોરેજ અને જુનેઉ વચ્ચેનો દુર્ગમ જંગલવિસ્તાર છે. ગુમ થયેલી વ્યક્તિઓના કેસ એને લીધે વણઉકલ્યા રહી જાય છે.
પણ 2014માં મલેશિયાથી બીજિંગ જતું એક વિમાન રહસ્યમય રીતે ગુમ થઈ ગયું એ ઘટનાને એવિએશન ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના માનવામાં આવે છે. આજ સુધી તેનું રહસ્ય ઉકલ્યું નથી. નેટફ્લિક્સ પર આ વિમાન ઊડ્યું ત્યારથી માંડી એનું શું થયું હશે તેની થિયરીઓ સહિત ત્રણ હપ્તાની ડોક્યુમેન્ટરી ‘એમ.એચ. 370 ધ પ્લેન ધેટ ડિસએપિયર્ડ’ છે, જે જોઈને હવાઈ સફરની અનિશ્ચિતતા અને વિશ્વમાં ચાલતા રાજકીય પ્રવાહો સાથે એના અનુસંધાન વિષે વિચાર કરતા થઈ જવાય.
ફ્લાઇટ 370 8 માર્ચ 2014, શનિવારે મલેશિયાના કુઆલાલંપુરથી ચીનના બેઇજિંગ સુધી જતી બે દૈનિક ફ્લાઇટોમાંની એક હતી. સ્થાનિક સમય અનુસાર એ રાતે 12.35ના ઊપડી સવારે 6.30 વાગ્યે બીજિંગ પહોંચવાની હતી. એ પેસેન્જર જેટ બોઈંગ 777 વિમાન હતું. તેમાં બે પાઇલટ, 10 કેબિન ક્રૂ, 227 મુસાફરો અને 14,296 કિલો કાર્ગો હતા.
રાત સ્વચ્છ હતી, હવામાન બરાબર હતું. એક વાગ્યા પછી મલેશિયાની આકાશી સીમા છોડી વિમાન આગળ વધ્યું. દોઢેક વાગ્યા સુધી વિમાન એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમના બરાબર સંપર્કમાં હતું. ત્યાર પછી સંપર્ક કપાઈ ગયો અને તે રડાર પર દેખાતું બંધ થઈ ગયું. એ વખતે તે મલેશિયા અને થાઈલેન્ડ વચ્ચે ગલ્ફ ઑફ થાઈલેન્ડ પર ઉડતું હતું. વિમાન દેખાતું બંધ થયું કે તરત મલેશિયાએ થાઈલેન્ડ, હોંગકોંગ, વિયેતનામ અને ચીનને પણ એનો સંપર્ક કરવા વિનંતી કરી. સૌ કામે લાગ્યા, સંપર્ક થયો નહીં.
અઢી વાગ્યે તેને ખોવાયેલું માની લેવામાં આવ્યું. સૌની પહેલી ચિંતા એ હતી કે મુસાફરોના પરિવારને અને મીડિયાને શું કહીશું? મુસાફરી સાડાપાંચ કલાકની હતી, એરક્રાફ્ટમાં સાત કલાક ચાલે એટલું ઈંધણ હતું – ત્યાર પછી? વિમાનમાં ચીનના મુસાફરો સૌથી વધારે (153) હતા. ભારતના પણ પાંચ મુસાફરો હતા.
તરત વિમાનો છૂટ્યાં, જહાજો દોડ્યાં. ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ હિંદ મહાસાગરથી મધ્ય એશિયા સુધી શોધ-અભિયાન શરૂ થયું. શું થયું હશે તેની અટકળો ચાલી. દરિયામાં તૂટી પડ્યું? પણ તો પછી દિવસો સુધી તેનો કાટમાળ સપાટી પર તરતો કેમ ન દેખાયો? હાઈજેક થયું? પણ તો પછી તેના કોઈ સમાચાર કેમ ન મળ્યા? જાવાનાં જંગલોમાં તૂટી પડ્યું? એક પાઈલોટ અંગત જીવનમાં મુશ્કેલીમાં હતો તો આ શું પૂર્વયોજિત પાઇલટ-પ્રેરિત સામૂહિક હત્યા – આત્મહત્યા હતી? કાર્ગોમાં 2.5 ટન ઈલેક્ટ્રોનિક્સ હતાં. એકસરે મશીનોમાંથી એ કેવી રીતે પસાર થયાં? અમેરિકાને ખબર પડી હોય કે ‘પ્રૉબ્લેમેટિક’ કાર્ગો ચીન જઈ રહ્યા છે અને એટલે એને સપડાવ્યું અને તોડી પાડ્યું?
વિમાનની શરૂઆતની શોધ દક્ષિણ ચીન સમુદ્ર પર કેન્દ્રિત હતી. ટ્રાન્સપોન્ડર બંધ થયાના થોડા સમય પછી ફ્લાઇટ 370 પશ્ચિમ તરફ વળ્યું હોવાનું નક્કી થયા પછી, શોધ-પ્રયાસો મલાક્કાની સ્ટ્રેટ અને આંદામાન સમુદ્ર તરફ ગયા. વિમાન બે ચાપ પર ક્યાં ય પણ હતું – એક જાવાથી દક્ષિણ તરફ ઓસ્ટ્રેલિયાના દક્ષિણપશ્ચિમમાં હિંદ મહાસાગરમાં અને બીજી એશિયામાં ઉત્તર તરફ વિયેતનામથી તુર્કમેનિસ્તાન સુધી ફેલાયેલી હતી. અંતિમ સંકેતોના વિશ્લેષણના આધારે, ઇનમારસેટ અને યુ.કે. એર એક્સિડેન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે (એ.એ.આઇ.બી.) તારણ કાઢ્યું કે વિમાન ઓસ્ટ્રેલિયાથી 2,500 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં હિંદ મહાસાગરના દૂરના ભાગમાં ક્રેશ થયું હશે. પણ કાટમાળ ક્યાં?
6 એપ્રિલે એક ઓસ્ટ્રેલિયન જહાજને પાર્થથી 2000 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં બોઇંગ 777ના ફ્લાઇટ રેકોર્ડર – બ્લેક બોક્સમાંથી ઘણા એકોસ્ટિક પિંગ (એક પ્રકારના સિગ્નલ) મળ્યા. રોબોટિક સબમરિનનો ઉપયોગ કરીને વધુ શોધ હાથ ધરવામાં આવી. પણ કશું મળ્યું નહીં.
કાટમાળનો પહેલો ટુકડો 29 જુલાઈ, 2015માં ફ્રેન્ચ ટાપુ રિયુનિયનના દરિયાકિનારા પર જમણી પાંખનો ટુકડો મળી આવ્યો. પછીના દોઢ વર્ષમાં ટાન્ઝાનિયા, મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા, માડાગાસ્કર અને મોરેશિયસના કિનારે કાટમાળના 26 વધુ ટુકડા મળી આવ્યા. જે સૂચવે છે કે પ્લેન તૂટી ગયું હતું, પરંતુ પ્લેન હવામાં તૂટી ગયું હતું કે સમુદ્ર સાથે અથડાતાં તે નક્કી કરી શકાયું નહીં. કેટલાક સંશોધકો નોંધે છે કે ફ્લાઇટ 370 પાણીમાં ઊભી રીતે અથડાઈ હોઈ શકે છે.
જાન્યુઆરી 2017માં મલેશિયા, ઓસ્ટ્રેલિયા અને ચીનની સરકારોએ ફ્લાઇટ 370ની શોધ બંધ કરી દીધી. એક અમેરિકન કંપની ઓશન ઇન્ફિનિટીને મે 2017 સુધી શોધ ચાલુ રાખવા માટે મલેશિયા સરકાર તરફથી પરવાનગી મળી હતી, પણ કશું આગળ વધ્યું નહીં. જુલાઈ 2018માં મલેશિયાની સરકારે ફ્લાઇટ 370ના ગુમ થવા અંગેનો અંતિમ અહેવાલ જાહેર કર્યો પણ સંશોધનો કે તપાસોથી ફ્લાઇટ 370 શા માટે ગાયબ થઈ તે નક્કી થઈ શક્યું નહીં. અમદાવાદ જેવી કોઈ દુર્ઘટના બને ત્યારે આ કિસ્સો યાદ આવે છે અને ફરી ભુલાઈ જાય છે.
યાદ આવે છે વસીમ બરેલવીની પંક્તિઓ, ‘મિલી હવાઓં મેં ઊડને કી વો સઝા યારોં, કિ મૈં ઝમીન કે રિશ્તો સે કટ ગયા યારોં … તમામ શહર હી જિસકી તલાશ મેં ગુમ થા, મૈં ઉસ કે ઘર કા પતા કિસસે પૂછતા યારોં’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 15 જૂન 2025