આજે નિયતિને ત્યાં અમારે જમવા જવાનું હતું. અમે અમારી ટેવ મુજબ, સમયસર પહોચી ગયાં. બારણા પરનો ‘બેલ’ દબાવતાં, હસતા મુખે બારણું ખોલી નિયતિ બોલી : ‘મને હતું જ કે તમે જ હશો ! તમારા સિવાય કોઈ મારા ત્યાં ‘ઓન ટાઈમ’ આવતું નથી !’
અમારો આભાર માની, અમને એની બેઠકરૂમ સુધી કંપની આપી, બેસવાનું કહી, પૂછ્યું : ‘ડ્રીન્કમાં શું આપું, તમને ?’ મેં કહ્યું : ‘બધાને આવવા દો, પછી લઈશ.’ ‘તો ઠંડુ પાણી તો લેશોને ?’ ‘ના, પાણી તો અમે ઘેરથી પીને નિકળ્યા છીએ.’ ટી.વી. ચાલુ કરી, એ બોલી, ‘તમે આ સીરિયલ જુઓ છો ? સરસ આવે છે. તમે જુઓ અને હું જલદી જલદી તૈયાર થઈ તમને કંપની આપવા આવી જાઉં છું.’
‘તમારા મિસ્ટર દેખાતા નથી,’ મેં પૂછ્યું.
‘એ જરા થોડી વસ્તુઓ લેવા સ્ટોરમાં ગયો છે, તે આવતો જ હશે.’ કહી નિયતિ તૈયાર થવા સરી ગઈ.
એના ગયાં પછી, મેં ધર્મપત્ની તરફ જોયું. એ બોલી : ‘મને નાહકના તમે ઉતાવળ કરાવી ! મારે સાડી બદલવી હતી, પણ જવામાં મોડું થાય, અને તમે મારી ઉપર બગડો એટલે મેં સાડી પણ ન બદલી !!’ બાકીની એની ફરિયાદ એની આંખોમાં હું વાંચી ગયો.
અમે બંને ઘડીભર ચૂપ રહ્યાં. એ દરમ્યાન નિયતિ તૈયાર થઈને આવી ગઈ, અને એના મિસ્ટર પણ આવી ગયા.
થોડા મહિનાઓ પછી, નિયતિને ત્યાં ફરીથી જમવા જવાનું થયું.
ટી.વી. ચાલુ કરી, ધર્મપત્ની તૈયાર થઈ બહાર આવે, એની રાહ જોતો ચાલુ કપડાંમાં હું સમય કાપી રહ્યો હતો.
ધર્મપત્નીનો પ્રવેશ થતાં અને મને જૂનાં કપડાંમાં જોઈ એ ભડકી, ને બોલી : ‘તમે હજુ તૈયાર નથી થયા ?!’
એને આગળ બોલતાં અટકાવી મેં કહ્યું : ‘નિયતિ આપણે ત્યાં કાયમ એક કલાક મોડી આવે છે. મારી ટકોરોથી પણ એનામાં ફેર પડ્યો નથી, એટલે મેં આજે એની આંખ ખોલવા, એક નવો કિસ્સો અજમાવવાનો નિર્ણય કર્યો છે.’
પત્નીને ખુશ કરવા મેં કહ્યું : ‘તારે બીજી સાડી બદલવી હોય તો બદલી લે. આજે આપણી પાસે ઘણો સમય છે.’
‘પણ, મને પેટ ખુલ્લી વાત કરશો કે તમે શું કરવાનું વિચાર્યું છે?’
એની પાસે જઈ, કાનમાં મેં મારો કીમિયો કહ્યો.
‘ઓકે. ઓકે. હવે તમે તૈયાર થવા જશો, પ્લીઝ?’
નિયતિને ત્યાં પહોચતાં, કાયમની જેમ, બારણાનો બેલ દબાવ્યો. બારણું ખોલતાં નિયતિ બોલી : ‘તમે આજે આટલા મોડાં !! તમે તો મારે ત્યાં કાયમ નિયમિત આવનારાં. આજે ખાસ્સો કલાક મોડા છો ?! ટ્રાફિક નડ્યો કે શું?’
એના પ્રશ્નોની ઝડીઓ પડે એ પહેલાં હું બોલ્યો : ‘ચાલો, તમારી બેઠકરૂમમાં બેસીને વાત કરું.’
બેઠકરૂમમાં દાખલ થઈ, બેઠક લીધી. પત્ની પર એક નજર નાખી લઈ, મે કહ્યું : ‘કોઈ કારણ તો નો’તું, પણ જાણી બૂઝીને અમે આજે મોડાં આવ્યાં છીએ.’
મારા આ જવાબથી નિયતિની આંખના ભવા ઊંચા થતાં મે જોયા. મેં વાતને આગળ વધારતાં કહ્યું : ‘અમને થયું કે આમે ય તમારા કોઈ મિત્રો વહેલાં તો આવતાં નથી. અને અમારા કારણે તમારે કેટલી બધી ઉતાવળ કરવી પડે છે ! એટલે, અમને આજે થયું કે તમને તૈયાર થવામાં પૂરતો સમય આપીએ. અને અમારે એકલા એકલા બેસી પણ ન રહેવું પડે.’
નિયતિના મનના ભાવોમાં થતા ફેરફારોથી, એને અમારો સંદેશ પહોચી ગયો છે, એ અમે બંને વાંચી શક્યાં.
ત્યારથી, નિયતિ અમારે ત્યાં કદી મોડી પડી નથી.
(19 અપ્રિલ 2013)
e.mail : chiman_patel@hotmail.com
![]()


ગતિનો પ્રાણવાયુ અને પેટ્રોલનું ઈંધણ મને ફુલાવીને ટેટા જેવો બનાવી રહ્યાં છે. સતત ધસમસતા મારા જેવા આ બધા રક્તકણો, તેમ જ ટ્રેનો, જેટ પ્લેનો અને મહાકાય સ્ટીમરોમાં વહી રહેલા, આવા જ અનેક રક્તકણો રાષ્ટ્રની આર્થિક વ્યવસ્થાને ધમધમતી રાખી રહ્યાં છે. વિશ્વના આ સૌથી સમૃદ્ધ દેશ જેવા તગડા બનવા, દુનિયાના પ્રત્યેક રાષ્ટ્રે હોડ બકી છે. આખું માનવજગત એક ન અટકાવી શકાય તેવી દોડમાં પ્રવૃત્ત છે, અને પ્રત્યેક ક્ષણે આ દોડ જેટની ઝડપે, સતત વર્ધમાન થતી રહે છે. આ મૂશકદોડનો કોઈ અંત નજર સમક્ષ દેખાતો નથી. બધાં વિનાશની, સર્વનાશની દુર્ગમ ખીણ તરફ, પ્રચંડ ગતિએ, એકશ્વાસે, ધસમસી રહ્યાં છે. કોઈને બ્રેક લગાવવાની ફુરસદ, ઇચ્છા કે સમય નથી.
ઇતિહાસને પન્ને નોંધાયેલું છે કે ૮થી ૧૧મી સદી દરમ્યાન આરબો સાથે ભારતને સાહિત્યિક અને સાંસ્કૃિતક સંબંધ હતો. ત્યાંથી સૂફી, સંત અને ફકીરો આવ્યા. એટલે કે ઇસ્લામ સાથે હિંદુ પ્રજાને પહેલો સાંસ્કૃિતક અને સાહિત્યિક નાતો જોડાયો. તે પછી સામ્રાજ્ય વિસ્તારના ભૂખ્યા રાજાઓની ચડાઈ થઈ અને તેઓ ભારતમાં સ્થાયી થયા. ભારતમાં જેમ શક, હુણ અને કુષાણ આવેલા તેમ જ મોગલો આવ્યા. શિવાજી મોગલો સામે પોતે હિંદુ હતા માટે નહિ પણ બીજા રાજાએ પોતાના રાજ્ય પર હલ્લો કર્યો માટે લડ્યા હતા. મોગલો મુસ્લિમ હતા તેથી ભારત પર ચડી આવ્યા કે એમની સત્તા વિસ્તારની લાલસા એમને આ ફળદ્રુપ જમીન ભણી દોરી લાવી ? એમ તો ગુપ્ત, મૌર્ય અને ચાલુક્ય વંશના રાજાઓ હિંદુ હતા છતાં સામ્રાજ્ય વિસ્તારની એષણા સંતોષવા એમણે તો ઘણા જંગ ખેલેલા. અશોકે બુદ્ધ ધર્મ અંગીકાર ન કર્યો હોત તો તે એક સામ્રાજ્યવાદી અને હિંસા આચરનાર રાજા તરીકે પંકાયો હોત. કહેવાનો મતલબ એ છે કે રાજ્યો અને મહારાજ્યોના વિસ્તારની મહત્ત્વાકાંક્ષા સંતોષવા ઉપરોક્ત લડાઈઓ થયેલી, તેમાં ધર્મનું પરિબળ મુખ્ય ચાલક હોય તેમ સાબિત નથી થતું.