સરદાર વલ્લભભાઈ પટેલ પર ઇજારો સાબિત કરતા વામણા રાજકારણીઓએ વાંચવા જેવો એક પ્રસંગ અને સાથે પ્રખ્યાત “LIFE” સામયિકના ફોટોગ્રાફર Margaret Bourke-White એ લીધેલી મણિબહેન અને સરદાર વલ્લભભાઈ પટેલની તસ્વીર −

વિશેષ તસ્વીરો : http://www.oldindianphotos.in/2010/12/sardar-vallabhbhai-patel-and-his.html
અમારો નેતા
અને સરદાર ! ક્યારે ય ભારત નહોતું તેવડું મોટું ઘડનાર લોહપુરુષની તો અનેક ગાથાઅો. પણ અાજે એ બધામાં જવા અવકાશ નથી. અહીં મહાવીર ત્યાગીનું એક સંસ્મરણ ટાંકી અાપણી સ્મરણાંજલિ અર્પીશું.
એક પ્રસંગે સરદાર વલ્લભભાઈ પાસે હું ગયો હતો. ત્યારે મણિબહેનના સાડલા પર એક મોટું થીંગડું જોઈને બોલાઈ જવાયું : ‘મણિબહેન, રાજા રામનું કે કૃષ્ણનું નહોતું એવડું મોટું રાજ્ય, અશોકનુંયે નહીં કે અકબરનું નહીં અને અંગ્રેજોનું નહીં એવું અખંડ ચક્રવર્તી રાજ્ય જેમણે સ્થાપી દીધું છે એવા મોટા રાજામહારાજાઅોનેય ઝુકાવનારનાં પુત્રી થઈને અાવો થીંગડાવાળો સાડલો પહેરતાં તમને શરમ નથી અાવતી ? અમારા દહેરા ગામની બજારમાંથી નીકળો તો લોકો સમજશે કે કોઈ ભિખારણ જાય છે ને અાના-બે અાના તમારા હાથમાં મૂકશે !’ મારી મજાકથી સરદાર પણ હસ્યા અને બોલ્યા : ‘બજારમાં ઘણાં લોકો હોય છે, એટલે અાનો-બે અાનો કરતાં મોટી રકમ ભેગી થઈ જશે !’
સુશીલા નય્યર ત્યાં હાજર હતાં. તેઅો કહે, ‘ત્યાગીજી, અા મણિબહેન અાખો દિવસ ઊભે પગે સરદાર સાહેબની સેવા કરે છે, ડાયરી લખે છે, અને પાછા રોજ નિયમિત ચરખો ચલાવે છે. તેમાંથી જે સૂતર નીકળે એનાં સરદાર સાહેબનાં ધોતિયાં ને પહેરણ બને છે. તમારી જેમ સરદાર સાહેબ ખાદીભંડારમાંથી ખાદી ક્યાં ખરીદે ? અને સરદાર સાહેબનાં ઊતરેલાં કપડાંમાંથી મણિબહેન પોતાનાં કપડાં બનાવી લે છે !’
ફરી સરદાર બોલી ઊઠ્યા, ‘ગરીબ માણસની દીકરી છે. સારાં કપડાં ક્યાંથી લાવે ? એના બાપ ક્યાં કશું કમાય છે ?’ એટલું કહીને સરદારે પોતાનાં ચશ્માંનું ખોખું બતાવ્યું. વીસેક વરસનું જૂનું હશે. ચશ્માંની એક દાંડી હતી અને બીજી તરફ દોરો બાંધ્યો હતો. ત્રીસ વરસની જૂની એમની ઘડિયાળ પણ જોઈ.
કેવો અમારો એ નેતા હતો ? કેવો પવિત્ર અને ત્યાગી હતો ! એ ત્યાગ ને એ તપસ્યાની સિદ્ધિ અમે બધાં નવું નવું ઘડિયાળ કાંડે બાંધનાર દેશભક્તો ભોગવી રહ્યા છીએ.
(સૌજન્ય : “શાશ્વત ગાંધી”, પુસ્તક – 25, પૃ. 9)
![]()


[‘રીડગુજરાતી આતંરરાષ્ટ્રીય વાર્તાલેખન સ્પર્ધા : 2012’માં પ્રથમ ક્રમાંક મેળવનાર નયનાબહેન પટેલની ‘ડૂસકાંની દિવાલ’ નામની આ કૃતિ આપણે માણીશું. આધુનિક વાતાવરણ વચ્ચે ધર્મની સંકૂચિતતાઓને લીધે સર્જાતી સમસ્યાને તેમણે આ વાર્તામાં વાચા આપી છે. પરસ્પર એકબીજાને જોડતો ધર્મ વાસ્તવિકતામાં માનવીને માનવીથી દૂર લઈ જાય છે ત્યારે ડૂસકાંની દિવાલ રચાતી હોય છે. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ નયનાબહેનને ખૂબ ખૂબ અભિનંદન. લેસ્ટર(યુનાઇટેડ કિંગ્ડમ)માં રહેતાં નયનાબહેન હાલ નિવૃત્તિમાં લેખન પ્રવૃત્તિ કરી રહ્યાં છે. તેમની નવલકથા ‘કેડી ઝંખે ચરણ’ ત્યાંના “ગુજરાત સમાચાર”માં પ્રકાશિત થઈ રહી છે. 1984માં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ આયોજિત વાર્તા-સ્પર્ધામાં ‘અંત કે આરંભ’ નામની તેમની વાર્તાને બીજું સ્થાન પ્રાપ્ત થયું હતું, ત્યારથી તેઓ લેખનકલાને સમર્પિત જીવન જીવી રહ્યાં છે. લેસ્ટરમાં ‘ભગિની’ નામની સંસ્થા સ્થાપવાનું, દુભાષિયા તથા અનુવાદક તરીકે કામ કરવાનું અને “ગુજરાત સમાચાર”માં રિપોર્ટર તરીકે ફરજ બજાવવાનું પણ સેવાકાર્ય તેમણે સ્વીકાર્યું હતું. – તંત્રી ‘રીડગુજરાતી’.]