
e.mail : mahendraaruna1@gmail.com
![]()

e.mail : mahendraaruna1@gmail.com
![]()
કોઈની પણ સાથે બિરાદરી એ અાંતરિક ‘જાગૃતિ’ની નિશાની છે. ‘જાગ્રત’ રહેવા માટે ખબરદાર રહેવું પડે. અહીં ‘જાગૃતિ’ (ભાવવાચક નામ) પરથી થયેલ ‘જાગ્રત’ (વિશેષણ) વપરાયાં છે. ઘણાખરાં લોકો ‘જાગૃત’ લખે છે, તે … ‘ધક્કેલ પંચા દોઢસો’ના ન્યાયે જ ચાલે, અન્યથા નહીં.
હા, ‘જાગ્રત’ પરથી તદ્દભવ નામ ‘જાગ્રતતા’ ચાલે જ; ત્યાં પણ ‘જાગૃતતા’ ન ચાલે. જો કે સંસ્કૃતમાં ‘જાગ્રત’ રૂપ ક્રિયાપદનું પણ છે જે ગુજરાતીમાં નથી. દા.ત. કઠોપનિષદનો સરસ શ્લોક છે :
उत्तिष्ठ, जाग्रत,
प्राप्य वरान्निबोधत ।
क्षुरस्य धारा निशिता दुरत्यया,
दुर्गंपथस्ततु कवयो वदन्ति ।।
[ઊઠો, જાગ્રત થઈ જાઅો ! કોઈ ઊંચી કોટિના જ્ઞાનીને મેળવી લો, કારણ કે આ જગતનો માર્ગ તો અસ્ત્રાની ધારથીયે વધુ તીક્ષ્ણ છે, એના પર ચાલવું કપરું એમ કવિઓ પણ કહે છે.]
તળપદા ભજનનુંયે સરસ વેંણ આવું જ છે :
ખબરદાર મનસૂબાજી !
ખાંડાની ધારે ચાલવાં હો જી !
સૌજન્ય : “બિરાદર”, 15 સપ્ટેમ્બર 2014, પૃ. 10
![]()
એક દિવસ મારા ઘર પાસે રાબેતા મુજબ દર્શકદાદાની ગાડી આવીને ઊભી રહી. હું દોડતો ગાડી પાસે પહોંચ્યો ત્યાં ચંપલ પહેરી લેવાનો અને પૈસા સાથે રાખવાનો ઈશારો થયો !
ગાડીમાં બેઠા પછી કહે, આપણે સાંઢીડા મહાદેવ દર્શને જવાનું છે. મેં કહ્યું, ‘હજુ હમણાં જ આપણે અમદાવાદથી આવ્યા, તમે થાક્યા નથી ?’ સજળ આંખે કહ્યું, ‘જો, આપણી ગૌશાળાની ગાયને ગઈ કાલે આડું આવેલું ને બીચારી છૂટતી નહોતી, દુ:ખી થતી હતી. મેં આવીને જાણ્યું કે વાછરું ને ગાય બચી ગયાં છે. મેં દર્શને જવાની માનતા માનેલી, સમજ્યો ?’ મેં કહ્યું, ‘અરે વાહ, ભગવાનને થેંક્યું કહેવા જવું છે એમ ને ?’
મંદિરે પહોંચી ઈશારાથી પૈસા માંગ્યા. મેં સોની નોટ કાઢી. તરત ડોળા ફાડ્યા, પાંચની માંગી !! પછી કહે, જો, અરુણ, આપણે પૈસાદાર નથી. ભગવાન એ બધું જાણે જ છે, એ તો ભાવનો – શ્રદ્ધાનો ભૂખ્યો છે ! ખાલી હાથે દર્શન ન કરાય એટલે આટલા તો બસ !’ વળતા મારાથી પૂછાઈ ગયું, ‘દાદા, તમે ભગવાનમાં માનો ? જોયા છે ? આ અંધશ્રદ્ધા નથી ? ગાયનું આડું તો ઢોરડૉક્ટરથી સરખું થાય ને ? વગેરે … ’
થોડીવાર થંભી જઈ કહે, ‘આ તમારા વિજ્ઞાન વર્ગમાં આપણે એક વખત ચર્ચા કરેલી કે દરેક પદાર્થ અણુ-પરમાણુનો બનેલો છે. અને પરમાણુમાં સોળેક જેટલાં સૂક્ષ્મ કણો આવેલા છે, સાચું ને ?’ મેં કહ્યું, ‘એ તો વિજ્ઞાન છે, સાબિત થયેલું છે.’
‘હવે સાંભળ તો ખરો ભાઈ, તેં સમજાવેલું કે નખ ઉપર કરોડો પરમાણુ સમાય તેટલા તે નાના છે એ પરમાણુના કેન્દ્રમાં ન્યુટૃોન અને પ્રોટોન ગાઢ રીતે જોડાયેલાં છે, ત્યારે જ્યારે ઇલેકટૃોન તેની ભ્રમણકક્ષાઓમાં ફરે છે ! હવે આ પરમાણુને તારા કોઈ વિજ્ઞાનીએ બાપગોતર જોયો છે ? ઇલેકટૃોનને ફરતો નજરોનજર જોયો છે ? એ છે અને ફરે છે તેનું અનુમાન કર્યું છે ને ?’ હું વચ્ચે કૂદી પડ્યો − ‘દાદા, દાદા સમજો, એ તો ખાસ પદ્ધતિ છે કે તમારે અનુમાનો કરવાના અને એ પ્રમાણે જો તે વર્તે તો તે અનુમાન સાચા છે તેમ સાબિત થાય ! વર્ષોની વૈજ્ઞાનિક તપશ્ચર્યા પછી એ તારણોમાંથી જેની સાબિતીઓ મળી તેને વૈજ્ઞાનિક તથ્યો તરીકે સ્વીકારાયા છે. એમ કાંઈ આડુંઅવળું ઝીકમઝીક નથી થયું !’
અને બમણા જોરથી દર્શકદાદાએ અટેક કર્યો, ‘અરે કાકા, હું એ જ પદ્ધતિથી સાબિત કરું છું કે અમે પણ ઈશ્વરના ભલે દર્શન ન કર્યા હોય, અમને તેની હયાતીના, અસ્તિત્વના તારણો પ્રમાણેના પરિણામો મળ્યા છે ! અનુભૂિત થઈ છે ! તમે ઇલેકટૃોન જોયો નથી ને મંડી પડ્યા છો ત્યારે મને ઈશ્વર બતાવો તો જ માનીએ એવું શું જોઈને ચોંટ્યા છો ? જેમ ઇલેકટૃોન નથી અને ફરતો નથી એવું જ માને તેને તમે જે કહો તેમ હું પણ ઈશ્વર નથી એમ માને તેને કહું, એ … માનવું હોય તો માનો નહીં તો થાવ દુ:ખી.’
કેવું અદ્દભુત અનુબંધિત સચોટ દૃષ્ટાંત !
દર્શક શતાબ્દીએ થયું આવું સ્મરણ.
(“કોડિયું”માંથી સાભાર)
સૌજન્ય : “બિરાદર”, 15 સપ્ટેમ્બર 2014, પૃ. 16
![]()

