દિવાળીના દીવા પ્રગટ્યા છે. શેરીમાં, ઘેર ઘેર, ગોખલે, ટોડલે, એટલે કે છજાની કે વરન્ડીની કિનારે કોડિયાં ઝગમગે છે. નાના છોકરાઓની ટોળી ઊંચા રાખેલા હાથમાં જ્યોત ટમટમતા મેરાયા લઈને ઘર ઘર ઘૂમવા નીકળે છે. લલકારતી જાય છે :
આજ દિવાળી, કાલ દિવાળી, ગામના છોકરા ખાય સુંવાળી,
મેઘ મે…ઘ રાજા, દિવાળીના બાજરા…તાજા
સવારે કુંભારને ત્યાંથી મેરાયું લાવી, કપાસિયા ભરી, વાટ ગોઠવી, તેલ પૂરીને સૌએ તૈયાર રાખ્યું હોય. દિવાળીની બધી ધામધૂમ, ઝાકઝમાળ ને રીતરસમોની વચ્ચે આ હતો માત્ર નાના છોકરાઓનો પોતાનો જ નાનકડો ઉત્સવ. ધનતેરસ (કે ધણતેરશ)ના બમ્બૂડા ફેરવવામાં તો મોટા છોકરા પણ ભળે. શેરીના દરેક ઘરે મેરાયું પૂરાવવા જવાનું. આશીર્વાદ પણ શરતી આપવાનો :
ઘી પૂરે એને ઘેટ્…ટા, તેલ પૂરે એને ટેટ્…ટા
મેરાયામાં ઘી પૂરનારાને ત્યાં બેટો ને તેલ પૂરનારાને ત્યાં બેટી આવવાનું આ વરદાન!
નવા વરસને – બેસતા વરસને મળસ્કે બોદા માટલાના ઠબઠબાટ ને થાળીના ધણધણાટ પથારીમાં પડ્યા પડ્યા ઉપરાઉપરી સાંભળ્યા કરવાની અમને કેટલી ઉત્સુકતા રહેતી! ઘરનું દળદાર કાઢવાના ને લખમીજીને નોતરવાના લોકવિધિથી નવા વરસના શ્રીગણેશ થતા. એ વિધિ માટે રાખી મૂકેલું ખોખરું હાંડલું કે એવું કોઈ ભંગાર વાસણ વેલણથી ઠપકારતી ગૃહિણીઓ એક પછી એક ઘરમાંથી નીકળે. ટાઢનો ચમકારો, ક્યાંક ટમટમતાં કોડિયાંનો આછો ઉજાસ. શેરીના ચોકમાં જઈને ઠોબરું ફોડે. ઘરે પાછી વળતાં એ ઠમ ઠમ થાળી વગાડતી આવે. જતી વેળા ગણગણતી જાય :
અડઘો ફોડું, દડઘો ફોડું, કુંવારો ઘર છે એને માથે ફોડું.
બિચારો કુંવારો! પરણી ન શક્યો, ને ઘરઘી પણ ન શકે! ને વળતી વેળાએ જપતી આવે :
અળશ જાય, લખમી આવે, અળશ જાય, લખમી આવે.
− હરિવલ્લભ ભાયાણી
(જન્મ : 26 મે 1917 − અવસાન : 25 માર્ચ 2006)
સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 20 અૉક્ટોબર 2014
![]()


દિવાળી એ અંધકાર પર અજવાળાના વિજયનો ઉત્સવ છે. દિવાળીના દિવસોમાં દીપ પ્રગટાવીને આપણે અંધકાર સામે ઝીંક ઝીલવાનો જુસ્સો દેખાડીએ છીએ. જો કે, દેશ અને સમાજમાં અખંડ દિવાળી લાવવી હોય તો અજ્ઞાન, અંધશ્રદ્ધા, અસમાનતા અને અન્યાયના અંધકાર સામે જંગ માંડવો પડે. આ જંગ પ્રતિબદ્ધ માનવદીપકો વિના કેમ લડી શકાય? આજે એક એવા માનવદીપકની વાત કરવી છે, જેણે પોતાનું પ્રકાશ નામ સાર્થક કરીને મહારાષ્ટ્રના એક અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં એવો ઉજાસ ફેલાવ્યો છે, જેનો ઝગમગાટ પાવક, પ્રેરક અને પ્રોત્સાહક છે. તાજેતરમાં ડો. પ્રકાશ આમટેના જીવન અને કાર્યને રજૂ કરતી ફિલ્મ 'ડો. પ્રકાશ બાબા આમટે – ધ રિયલ હીરો' મરાઠી ઉપરાંત હિંદી અને અંગ્રેજીમાં પણ રિલીઝ થઈ છે. નાના પાટેકર અભિનીત આ ફિલ્મ સારી બની છે, પરંતુ અહીં આ ફિલ્મની નહીં, પણ એ નિમિત્તે ડો. પ્રકાશ આમટેના સાદગીભર્યા જીવન અને સંઘર્ષપૂર્ણ સેવાકાર્યની વાત કરવી છે.
વર્ષ હતું ૧૯૮૪નું. અમારા ઘરના અનિવાર્ય સભ્ય એવા મિત્ર મહેશ પરમારને બૅંકમાં નોકરી મળી હતી. મહેસાણા જિલ્લાના એક નગરમાં એમનું પોસ્ટિંગ એટલે રોજ ટ્રેનથી અપડાઉન કરવાનું. પહેલા-બીજા દિવસે જ ખબર પડી કે એમના બૅંક મૅનેજર શાહસાહેબ પણ અમદાવાદથી ટ્રેનમાં જ અપડાઉન કરે છે, એટલે પછી તો રોજનો સંગાથ થયો. ટ્રેનમાં અપડાઉન કરનારાની નિરાળી દુનિયામાં મહેશભાઈ ધીમે – ધીમે ગોઠવાઈ રહ્યા હતા. પંદરેક દિવસ બાદ ટ્રેનમાં સાંજના પાછા વળતા શાહસાહેબે નાસ્તાનો ડબ્બો મહેશભાઈ સામે ધર્યો. એક ટુકડો ભાંગ્યો ને મહેશભાઈથી સહસા બોલી જવાયું : “સર, તમારા વાઇફ આટલી પાતળી રોટલી બનાવે છે?” મહેશભાઈની આ વાત સાંભળતાં ત્યાં બેઠેલાં-ઊભેલાં સૌ હસી પડ્યાં. શાહસાહેબે ફોડ પાડ્યો : “પરમાર આ રોટલી નથી, ખાખરા છે!”