કોઈની પણ સાથે બિરાદરી એ અાંતરિક ‘જાગૃતિ’ની નિશાની છે. ‘જાગ્રત’ રહેવા માટે ખબરદાર રહેવું પડે. અહીં ‘જાગૃતિ’ (ભાવવાચક નામ) પરથી થયેલ ‘જાગ્રત’ (વિશેષણ) વપરાયાં છે. ઘણાખરાં લોકો ‘જાગૃત’ લખે છે, તે … ‘ધક્કેલ પંચા દોઢસો’ના ન્યાયે જ ચાલે, અન્યથા નહીં.
હા, ‘જાગ્રત’ પરથી તદ્દભવ નામ ‘જાગ્રતતા’ ચાલે જ; ત્યાં પણ ‘જાગૃતતા’ ન ચાલે. જો કે સંસ્કૃતમાં ‘જાગ્રત’ રૂપ ક્રિયાપદનું પણ છે જે ગુજરાતીમાં નથી. દા.ત. કઠોપનિષદનો સરસ શ્લોક છે :
उत्तिष्ठ, जाग्रत,
प्राप्य वरान्निबोधत ।
क्षुरस्य धारा निशिता दुरत्यया,
दुर्गंपथस्ततु कवयो वदन्ति ।।
[ઊઠો, જાગ્રત થઈ જાઅો ! કોઈ ઊંચી કોટિના જ્ઞાનીને મેળવી લો, કારણ કે આ જગતનો માર્ગ તો અસ્ત્રાની ધારથીયે વધુ તીક્ષ્ણ છે, એના પર ચાલવું કપરું એમ કવિઓ પણ કહે છે.]
તળપદા ભજનનુંયે સરસ વેંણ આવું જ છે :
ખબરદાર મનસૂબાજી !
ખાંડાની ધારે ચાલવાં હો જી !
સૌજન્ય : “બિરાદર”, 15 સપ્ટેમ્બર 2014, પૃ. 10
![]()


એક દિવસ મારા ઘર પાસે રાબેતા મુજબ દર્શકદાદાની ગાડી આવીને ઊભી રહી. હું દોડતો ગાડી પાસે પહોંચ્યો ત્યાં ચંપલ પહેરી લેવાનો અને પૈસા સાથે રાખવાનો ઈશારો થયો !
મૌલિક અને અનુવાદિત મળીને કુલ ૧૪ નાટક લખનાર રણછોડભાઈ ઉદયરામ દવેનો જન્મ ૧૮૩૭ના ઑગસ્ટની નવમી તારીખે નડિયાદ નજીકના મહુધા નામના ગામમાં. બાળપણમાં મહુધામાં ભવાઈના વેશો જોયેલા. બાળપણથી જ અવાજ સારો. દસેક વર્ષની ઉમ્મરે વૈજનાથ મહાદેવના મંદિરમાં શિવપાર્વતીનાં સ્તોત્રો ગાઈને તેમણે લોકોને મુગ્ધ કરેલા. પ્રાથમિક શિક્ષણ મહુધામાં લીધું. સુરતના મિસ્ટર ગ્રેહામ પરીક્ષા લેવા આવેલા ત્યારે રણછોડભાઈની તેજસ્વિતાથી પ્રભાવિત થઈ અંગ્રેજીના અભ્યાસ માટે પોતાની સાથે સુરત લઈ જવાની તૈયારી બતાવી. પણ કુટુંબીજનો બાળક રણછોડને આટલે દૂર સુધી મોકલવા તૈયાર ન થયા, એટલે રણછોડભાઈ નડિયાદ જઈ એક ખાનગી શિક્ષક પાસે અંગ્રેજી શીખ્યા. નડિયાદમાં હરિદાસ વિહારીદાસ અને મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી સાથે મૈત્રી બંધાઈ. વધુ અભ્યાસ માટે ત્રણ જણ પહેલાં ખેડા અને પછી અમદાવાદ ગયા. ત્યાં હાઇ સ્કૂલનું શિક્ષણ પૂરું કરી ‘લૉ ક્લાસ’માં જોડાયા. અમદાવાદના અભ્યાસ દરમિયાન જ કવિતા અને નિબંધો લખવાનું શરૂ કર્યું. ૧૮૫૮માં આઠ મહિના માટે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના આસિસ્ટન્ટ સેક્રેટરી તથા ‘બુદ્ધિપ્રકાશ’ માસિકના તંત્રી થયા.