2015ના મે માસમાં માન્ચેસ્ટરના રોયલ એક્સચેન્જ થિયેટરમાં એક અનોખો પ્રયોગ મનોરંજન ક્ષેત્રે થયો. સામાન્ય રીતે કાકા-માસીનાં સંતાનો કે મિત્રો એક બીજાને ઘેર રહેવા જાય, રાત્રે સૂએ અને આનંદ આવે તેવી પ્રવૃત્તિઓ કરે તે અનુભવ્યું, જાણ્યું છે. ભારતમાં હતી ત્યારે ખાસ કરીને અમે સહેલીઓ ભેળી મળીને વ્રત કરતી ત્યારે જાગરણને નિમિત્તે અમારા ભાઈઓ અને મિત્રો અમારે ઘેર આવે, મોડી રાત સુધી જાત જાતની પોતે બનાવી કાઢેલી રમતો, અંતકડી, અને પત્તા, વ્યાપાર જેવી રમતો રમવી, જાણીતા અને પોતે તત્કાળ ઉપજાવી કાઢેલાં નાટકો ભજવવા એવું બધું કરેલું છે, પરંતુ કોઈ થિયેટર આવું ‘Sleep over’નું આયોજન કરે તે પહેલી વખત સાંભળ્યું.

લગભગ સોએક લોકોએ આ ‘Sleep over’નો લાભ લીધો. સાંજે સાત વાગે માન્ચેસ્ટરના રોયલ એક્સચેન્જ થિયેટરમાં તેઓ એકઠા મળ્યાં, જાત જાતની હસ્ત કલાકારીગરીની વસ્તીઓ બનાવી, વાર્તાઓ કહી-સાંભળી, સંગીતની સુરવાલીઓના સંગાથે સાથે લાવેલ ભાથું ખોલીને ઉજાણી કરી અને તેની એક બીજાને લ્હાણી પણ કરી. રાતે દસેક વાગે સહુ પોત પોતાની સ્લીપિંગ બેગમાં ઢબુરાઈ જવાની તૈયારી કરતા હતાં, ત્યારે Scared Sounds Women’s Choirનાં સભ્યો એ થિયેટરમાં જુદી જુદી જગ્યાએ ગોઠવાઈને અચાનક એક હાલરડું ગાવા લાગ્યાં.
બીટબોક્સર જેસન સિંગ અને Scared Sounds Women’s Choirની આર્ટિસ્ટીક ડાયરેક્ટર Beth Allen બંનેએ મળીને રચેલ એ હાલરડાના શબ્દો હતા:
Rock the cradle very gently don’y wake him, he is sleeping
Gently feeling calm
Hush now, hush now sweet
Neend aye
Wax and wane
હવે આ પાંચ લીટીના ઇંગ્લિશ હાલરડામાં, વચ્ચે એક લીટી હિન્દીમાં, ‘નીંદ આયે’ કેવી રીતે ચુપકીદીથી આવીને ગોઠવાઈ ગઈ, તે ગાનારને સમજાયું નહીં. ત્યારે જેસન સિંગે જે કહ્યું તે તેના જ શબ્દોમાં મુકું, “હું નાનો હતો ત્યારે મારી નાનીમા મને રામાયણ-મહાભારતની વાર્તાઓ કહેતાં અને પછી મારા માથા પર હાથ ફેરવીને ગાતાં, ‘બેટા, નીન્દ આયે’. મને એની એવી તો મધુર સ્મૃિત છે કે આ ઇંગ્લિશ હાલરડામાં એ એક લીટી મુક્યા વિના, મારે માટે એ અધૂરું રહી જાય. તમે બહેનો જયારે ગાઓ, ત્યારે તમારા હાથમાં નાના બાળકને હુલાવતાં હો, તે રીતે ખૂબ વહાલથી, હળવેકથી, પ્રેમથી એ ગાઓ તેમ ઈચ્છું છું.” અને જાણે જાદુ થયો હોય, તેમ સમૂહ ગાન ગાનારી સહુ બહેનો જાણે હાથમાં એક નન્હીસી જાન ઝુલાવતાં હોય તેમ એ લીટી વારંવાર દોહરાવતાં રહ્યાં. બસ, જેસન તરત સજળ આંખે અમ બહેનોના પગ પાસે આવીને લપેટાઈને બેસી જતો અને અમને સહુને તેની સાથે એની નાની ગાતી એ સમયમાં, એ ઘરમાં એ દેશમાં લઈ જતો. એ અનુભવ કંઈક અનોખો હતો.

બાળકને જન્મ સમયે અને પહેલાં પાંચ વર્ષમાં જે લાડ, પ્રેમ મળ્યાં હોય, જે હાલરડાં અને વાર્તાઓ સાંભળવા મળ્યાં હોય, તે સાત સમુન્દર પાર જાઓ, સ્વભાષા મૂકીને પરભાષાની ભોમકામાં ઘર વસાવો, પણ એ મીઠાશની તોલે આવે એવું કંઈ મળે નહીં, અને તેની અભિવ્યક્તિ કયાંક ને ક્યાંક માર્ગ શોધીને થઈ જાય તેનો આ પુરાવો છે.
માન્ચેસ્ટરના રોયલ એક્સચેન્જ થિયેટરમાં, વિવિધ ધર્મોમાં, કે પછી, એક પણ ધર્મમાં ન માનનારી પચાસેક બહેનો, સાડીથી માંડીને સ્કર્ટ અને સ્કાર્ફ પહેરીને આ હાલરડું ગાય, એવું કદાચ પહેલી વખત બન્યું હશે, પણ છેલ્લી વખત નહીં બને તેમ લાગે છે.
e.mail : 71abuch@gmail.com
છવિ સૌજન્ય : પહેલો ફોટો 'રોયલ એક્સચેન્જ થિયેટર', માંચેસ્ટરની વેબસાઈટ; બીજો ફોટો "ધ ગાર્ડિયન" દૈનિક
![]()


તિરંગાના સર્જક છે – પિંગલી વેંકૈયા, જેમનો આજે જન્મ દિવસ છે. પિંગલી વેંકૈયાનો જન્મ ૨ ઓગસ્ટ, ૧૮૭૬ના રોજ આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમની નજીક ભટાલા પેનમરુ નામના ગામમાં થયો હતો. તમિળ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા પિંગલી વેંકૈયાના પિતાનું નામ પિંગલી હનમંત રાયડુ અને માતનું નામ વેંકટરત્નમ્મા હતું. પિંગલી વેંકૈયાને આપણે માત્ર તિરંગાના સર્જક તરીકે જ નહીં પણ બહુઆયામી પ્રતિભા તરીકે પણ યાદ રાખવા જોઈએ. તેમને અનેક ક્ષેત્રોનું ઊંડું જ્ઞાન હતું. વેંકૈયાને હીરાની ખાણો વિશે એટલું જ્ઞાન હતું કે તેઓ 'ડાયમંડ વેંકૈયા' તરીકે પણ ઓળખાતા હતા તો કૃષિપેદાશના સંશોધનમાં પણ તેમનું મોટું યોગદાન હતું અને કપાસની એક જાત શોધી હોવાથી તેમને 'પત્તી વેંકૈયા' (કોટન વેંકૈયા) એવું નામ પણ મળ્યું હતું. તેમણે મછલીપટ્ટનમમાં શૈક્ષણિક સંસ્થા સ્થાપીને કેળવણીકાર તરીકે પણ નામના મેળવી હતી. તેમના વિશે બહુ ઓછી વિગતો જાણીતી છે, બાકી તેમનું પ્રતિભાશાળી વ્યક્તિત્વ આજની પેઢીને પ્રેરણા પૂરી પાડે એવું છે.
સોવિયત સંઘના પતન પછી ઘણીવાર સાંભળવા મળે છે કે ‘હવે માર્ક્સવાદ કે તેના વિચારોનો અંત આવી ગયો છે, માર્ક્સવાદનું મૃત્યુ થયું છે, માર્કસવાદની વિદાય થઈ છે અને તેની સાથે એક ‘era of error and horrors’નો અંત આવ્યો છે, ફુકુયામાએ (૧૯૯૨) તો તેથી ઇતિહાસનો પણ અંત આવી ગયો છે તેમ જણાવ્યું. માર્ક્સના વિચારો જાણે કે કોઈ ભયાનક ભૂતાવળ હોય અને તેનો અંત આવવાથી હવે જગતભરમાં ‘અચ્છે દિન’ આવી ગયા હોય તેવો વ્યાપક મત છે. અલબત્ત, સ્ટાલિન અને માઓ સહિતના અનેક સામ્યવાદી શાસકોએ સ્થાનિક લોકો ઉપર ભયાનક અત્યાચારો પણ ગુજાર્યા છે. સોલ્ઝિનિસ્તનના ‘ગુલાગ’ને કોઈ ભૂલી શકે નહીં. પરંતુ મૂડીવાદની પણ અગણિત અને લોકસમૂહો માટે ભયાનક અત્યાચારી ઘટનાઓનો ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે તે પણ ખ્યાલમાં રાખવું રહ્યું.૨ ગુજરાતમાં કહેવાતા મૂડીવાદી વિકાસના મોડલનો – સાવ ઘર આંગણાનો – દાખલો લઈએ તો મહૂવા, કાડા, બેચરાજી સર, વડોદરા ઝાલા વગેરે વિસ્તારોમાં સરકારી કાર્યશૈલીને કારણે લોકોએ અતિભારે ત્રાસ વેઠવો પડ્યો છે. પશ્ચિમ બંગાળના સિંગૂરમાંથી હાંકી કઢાયેલી તાતાની નેનો મોટરકાર બનાવતી ફેક્ટરીને ગુજરાતના સાણંદમાં સ્થાપવાના ફળ સ્વરૂપે સામાન્ય અને સ્થાનિક રહીશોએ વેઠેલા નુકસાનનો અંદાજ મેળવ્યા વગર મૂડીવાદી વિકાસના એક તરફી ગુણગાન ગાવાની પદ્ધતિમાંથી પણ નવા ઊભરેલા મૂડીવાદની આક્રમકતાની દિશાના એંધાણ મળી શકે છે.