મિત્રો,
સભામાં જાતે હાજર રહી શકતો નથી, એ માટે ક્ષમા ચાહી, જે વ્યક્તિનિરપેક્ષ અને મર્યાદિત વિરોધથી પર એવી વ્યાપક અને વિધેયાત્મક ખેવના આપણને સહુને આજે સાંકળે છે, એ વિશે બે-એક વાત આ પત્રથી કરું.
સાહિત્યના સરકારી તેમ જ બિન-સરકારી સત્તાઓ સાથેના સંબંધ વિશેની એક સમજણ આજે આપણને સહુને સાંકળે છે. આ સમજણ શી છે? પ્રજાની સાહિત્ય અંગેની બધી સંસ્થાઓનું સંચાલન એ પ્રજાના લેખકો અને વાચકો, કલાકારો અને ભાવકો ભેગા મળીને, અંગત કે જૂથગત સત્તાલાલસાથી ઉપર ઊઠીને, આપસૂઝથી અને આપસમાં સંવાદ-વિવાદ વડે કરે, એ રીત સાહિત્યગત તેમ જ પ્રજાગત સર્જકતા માટે જરૂરી છે, એવી કંઈક એ સમજણ છે. એ સંચાલન સંસ્થાગત સત્તાજૂથ વડે કે રાજ્યસત્તા વડે, સીધી કે આડકતરી રીતે થાય, એમાં સાહિત્યનું જ નહીં, આખા સમાજનું અહિત છે. સાહિત્યની સંસ્થાઓ માટે ફંડ જોઈએ. એ ફંડ આપનારું કોઈ પણ, સંસ્થા-સંચાલનનો દોર પોતાના હાથમાં રાખે, પોતાની પસંદગીના સંચાલકોને નીમે, તો એ સંસ્થા પ્રજાની કૌવતભરી સર્જકતાનું જતન કરનારી જગ્યા ન બની શકે કે રહી શકે. સાહિત્યની જાતે કશુંક શોધતી સર્જનાત્મક પ્રવૃત્તિ તો પ્રજાએ પોતાની આંતરસૂઝ કેળવવા માટે ખોલેલી કોઢ કે વર્કશોપ છે, એમાં એને પોતાની મેળે કામ કરવા દેવાય, એ રાષ્ટ્ર, રાજ્ય, સમાજ ત્રણે માટે સારું, બલકે જરૂરી છે. ગુજરાત સાહિત્ય અકાદમી જેવી સંસ્થાના અધ્યક્ષપદે સરકાર કોઈની નિમણૂક કરે, એ વાત એ સંસ્થા માટે, સરકાર માટે, અને નિમણૂક પામનાર માટે ગરિમાભંગ કરનારી છે. સાહિત્ય અને સમાજ માટે તો મૂળગામી રીતે વિઘાતક છે, પછી ભલે બેઉ ડાળીઓ ઉપર પ્રજાના પૈસે રંગબેરંગી લાઇટોનાં તોરણ લટકાવાય. વિરોધ આ વિઘાતકતા સામે છે. આ વિરોધ કોઈ એક વ્યક્તિ સામે નથી કે નથી કોઈ અન્ય વ્યક્તિની તરફદારી કરનારો. એ વ્યક્તિનિરપેક્ષ અને વ્યાપક વિરોધ છે, એટલે તો એ આખા ગુજરાતમાં, બલકે ગુજરાતીભાષી સમાજમાં ફેલાતો જાય છે.
ખેદની વાત તો એ છે કે ગુજરાતી સાહિત્ય પરિષદના ઘણા સત્તાવાળાઓ આ સરકારી હસ્તક્ષેપમાં સીધા સામેલ થયા છે અથવા થોડે આઘેથી એનું સમર્થન કરે છે. આવું કેમ થયું? વિચારતાં જણાય કે સાહિત્યની આવી, સમાજે સ્થાપેલી સંસ્થાના સભ્યો વચ્ચે પણ આજે કૃપા કરનાર અને કૃપાપાત્ર થનાર વચ્ચે હોય એવો આંતરિક સંબંધ ઘર ઘાલી ગયો છે. એવો સંબંધ એ સંસ્થા માટે જ નહીં, સમાજ માટે ય કેવો જોખમી નીવડે. કેમ કે એવો સંબંધ સંસ્થાને તાબેદારીમાં લેતી ઓલિગાર્કી કે ટોળકીશાહીમાં પરિણમે. એવી ઓલીગાર્કી સંસ્થાગત શાસકો કે સંસ્થાગત શાસિતો, બેમાંથી એકે માટે ગરિમાપ્રદ કે સર્જકતાપોષક ન નીવડે.
પ્રજાને માટે તો એ ભારે નુકસાન કરનાર સ્થિતિ બને. ગુજરાત સાહિત્ય અકાદમીમાં અધ્યક્ષની સરકાર દ્વારા સીધી નિમણૂક થાય, અને એને ગુજરાતી સાહિત્ય પરિષદની ઓલીગાર્કી ટેકો આપે, એ આજની હકીકત છે. એ હકીકતનો સમાન વિરોધ સમગ્રપણે થાય, એમાં એ વિરોધની સચ્ચાઈ રહી છે. બન્ને સંસ્થાઓ ગુજરાતની પ્રજાની સ્વાયત્ત સર્જકતાનો મહિમા કરવામાં, એને પોષણ આપવામાં પરસ્પર સ્પર્ધા કરે, એ કરવાજોગું કામ છે, બન્ને સંસ્થાઓ આત્મરતિગ્રસ્ત કૃપાળુઓ અને કીર્તિલોલૂપ, ધનલોલૂપ કૃપાવાંછુઓનો સંયુક્ત અડ્ડો ન બની રહે, એ જોવાનું કામ ગુજરાતની પ્રજા અને એ પ્રજાએ ચૂંટેલી સરકારનું સહિયારું અને તાકીદનું કામ છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2015; પૃ. 03
![]()


૧.૧ ગુજરાત સરકારે, નવો ઠરાવ કરીને, નિયમોમાં અનુકૂળ ફેરફાર લાવીને, નિવૃત્ત સાંસ્કૃિતક સચિવ ભાગ્યેશ જ્હાને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે સીધા જ નિયુક્ત કરી દીધા, એમાં લોકશાહી પ્રણાલીનું તેમ જ સાહિત્યસમાજનું ગૌરવ સચવાયું નથી – એવા વાંધા સાથે આ નિયુક્તિ સામે ઊહાપોહ થયો. ઊહાપોહ અને વિવાદ ‘નિરીક્ષક’ના પાને શરૂ થયા (ને હજુ ચાલે છે). ‘નવગુજરાત સમય’માં (ને અન્યત્ર) પણ ઉભયપક્ષી મંતવ્યોવાળા કેટલાક લેખો પ્રગટ થયા. વળી, ગુજરાતી સાહિત્ય પરિષદની કાર્યવાહક સમિતિએ આ અ-સ્વાયત્તતાના વિરોધમાં, ‘સ્વાયત્તતાના મૂળ (૭-૪-૨૦૧૫ પહેલાંના) માળખાને પુનઃસ્થપિત’ કરવાનો આગ્રહ રાખતો ઠરાવ કર્યો. બીજી બાજુ, સરકાર-નિયુક્ત અધ્યક્ષે નિમંત્રણપત્રો મોકલીને કેટલાક સાહિત્યકારોના એક માર્ગદર્શક મંડળની રચના કરી. એમાં સાહિત્ય પરિષદના કેટલાક ભૂતપૂર્વ અને સામ્પ્રત હોદ્દેદારો (પ્રમુખો, ઉપપ્રમુખ, મંત્રી, સભ્ય) પણ છે. નિમંત્રિતોમાંથી એક નરોત્તમ પલાણે એ નિમંત્રણ ન સ્વીકાર્યું.
ઉમાશંકર જોશીએ સરકારી ગુજરાત સાહિત્ય અકાદમીના સન્માનનો સવિનય અસ્વીકાર કર્યો અને સ્વાયત્ત અકાદમીની દિશામાં આપણે ત્યાં ઊહ ને અપોહનો આરંભ થયો. આગળ ચાલતાં ૧૯૯૩માં દર્શકના યોજકત્વમાં સ્વાયત્ત અકાદમી શક્ય બની એ તો હવે ઇતિહાસવસ્તુ છે. ૨૦૦૩માં સ્વાયત્ત અકાદમીના સુષુપ્તીકરણની પ્રક્રિયા શરૂ થઈ અને એપ્રિલ ૨૦૧૫માં ઊંટની પીઠ પરના છેલ્લા તણખલા પેઠે પરબારી અધ્યક્ષનિયુક્તિ આવી પડી તે સાથે ઉમાશંકર-દર્શકનાં આંદોલનવર્ષોનું વળી વળીને સ્મરણ થવું સ્વાભાવિક હતું અને છે. વચગાળાનાં વર્ષોમાં પણ કંઈક ટીકાવચનોથી માંડીને, હાલની અધ્યક્ષનિયુક્તિથી આગમચ ૨૦૧૪માં અસહયોગની મંદ પણ મક્કમ શરૂઆત થઈ ત્યારથી ઉમાશંકર જાણે આપણી વચ્ચે હાજરાહજૂર અનુભવાતા રહ્યા છે.