
courtesy : "The NavGujarat Samay", 28 May 2016
![]()

courtesy : "The NavGujarat Samay", 28 May 2016
![]()
સંઘર્ષ સમતાનો : સ્ત્રીના સ્વતંત્ર અસ્તિત્વની લડતનાં પર્યાયરૂપ નારીવાદી કર્મશીલનું તેમના 84ના જ્ન્મદિને સ્મરણ
ગુજરાતના અસાધારણ નારીવાદી કર્મશીલ ઇલાબહેન પાઠક(1933-2014)ના ચ્યોર્યાંશીમા જન્મદિવસ નિમિત્તે આવતીકાલે એક કાર્યક્રમમાં ‘સંઘર્ષ સમતાનો’ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવશે. નારીઅભ્યાસ ક્ષેત્રના વરિષ્ઠ અધ્યાપક-સંશોધક કલ્પના શાહે લખેલા આ પુસ્તકમાં, ઇલાબહેને સ્થાપેલી ‘અમદાવાદ વિમેન્સ અૅક્શન ગ્રુપ – અવાજ’ સંસ્થાની કામગીરીનું વિહંગાવલોકન છે.
‘અવાજ’ની સ્થાપના ઇલાબહેને 1981માં કરી. જોતજોતામાં તો આ સંગઠન સ્ત્રીઓ પરના અન્યાય-અત્યાચાર વિરુદ્ધની ચળવળ અને સ્ત્રીના સ્વતંત્ર અસ્તિત્વ-વ્યક્તિત્વ માટેની મથામણના પર્યાય સમું બની ગયું. અલબત્ત તે પહેલાં પણ ઈલાબહેન નારીગરિમા અંગે જાગૃત હતાં. ‘ગૉડેસ ફિગર્સ ઇન ઇન્ડિયન મિથોલૉજિ : અ ફેમિનિન પર્સ્પેક્ટિવ’ વિષય પર સંશોધન કરીને ડૉક્ટરેટ મેળવનારાં ઇલાબહેન અમદાવાદની શ્રી એચ.કે. આર્ટસ્ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક હતાં. પહેલેથી જ વિદ્યાર્થીઓને જુદા પ્રકારે વિચાર કરવા, સ્ત્રીઓના દૃષ્ટિકોણથી બાબતોને તપાસવા પ્રેરતાં.
સિત્તેરના દાયકાના પાછલાં વર્ષોમાં ઇલાબહેને અશ્લિલ કે દ્વિઅર્થી સંવાદોથી સ્ત્રીઓનું અભદ્ર નિરૂપણ કરતાં ગુજરાતી નાટકો સામે ઝુંબેશ ઉપાડી. વિદ્યાર્થિનીઓ અને સમવિચારી નાગરિકો સાથે શરૂ કરેલ ‘અવાજ’એ પ્રારંભિક તબક્કામાં જાહેરખબરો, મીડિયા અને પાઠ્યપુસ્તકોમાં સ્ત્રીના હીનચિત્રણ સામે ચળવળો કરી. અશ્લિલ પોસ્ટરો પર કાળો રંગ ચોપડાયો, ‘પુત્રકામેષ્ટિયજ્ઞ’ નામના નાટકનું આકાશવાણી પરનું પ્રસારણ બંધ રહ્યું. સતત રજૂઆતોનાં પરિણામે રાજ્ય સરકારે પાઠ્યપુસ્તકોનાં સ્ત્રીવિરોધી વલણોનાં અભ્યાસ અને નિવારણ માટે ઈલાબહેનના જ વડપણ હેઠળ સમિતી નીમી.
ઇલાબહેને 1982માં અમદાવાદના કાંકરિયાના કોલસા યાર્ડમાં મજૂરી કરતી આદિવાસી બહેનોની દુર્દશાનો અભ્યાસ કરી તેમના ધોરણસરના વેતન અને વર્કિન્ગ કન્ડિશન માટે સફળ લડત ચલાવી. એટલું જ નહીં પણ આ બહેનોને આદિવાસી કલાકારીગરીના ઉપયોગથી આવક મેળવવાની વ્યવસ્થા પણ ‘અવાજે’ ઊભી કરી આપી. આવા પ્રકારની કામગીરી તેમણે 1989માં ગુજરાતમાં તમાકુનાં કારખાનાંની મહિલા કામદારો માટે પણ બજાવી. આ અંગેની અભ્યાસ સમિતિના અધ્યક્ષ તરીકે વડી અદાલતે તેમની નિમણૂક કરી હતી.
એ જ વર્ષે દક્ષિણ ગુજરાતના સાગબારા જિલ્લાની એક આદિવાસી મહિલા પર બે પોલીસોએ કરેલા બળાત્કાર સામે ન્યાયની લડત ઇલાબહેન ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ સુધી લઈ ગયાં. સર્વોચ્ચ અદાલતે આ કેસની તપાસમાં ઇલાબહેનની સહાય લીધી અને ગુનેગારોને સજા થઈ. દ્વારકાના કેશવાનંદ દુરાચાર પ્રકરણમાં ત્યાંની સંસ્થાઓને ‘અવાજ’ નો બળુકો ટેકો મળ્યો હતો. સાતેક વર્ષ પૂર્વે પાટણની એક કૉલેજની વિદ્યાર્થિની પર અત્યાચાર કરનાર અધ્યાપકોને ઓછા સમયમાં સજા અપાવી શકેલી સફળ ઝુંબેશમાં ઇલાબહેને અન્યો સાથે મોટો ફાળો આપ્યો હતો.
નેવુના દાયકામાં ઇલાબહેનનાં કામનો વિસ્તાર વધ્યો. સ્ત્રીઓ પર હિંસા, તેમનાં અપમૃત્યુ અને આત્મહત્યા અંગેનાં અભ્યાસ સાથે તે બધાંનાં નિવારણ માટે મોટા પાયે કામ શરૂ થયું. તદુપરાંત ‘અવાજ’ એ સ્ત્રીભ્રૂણહત્યા અંગે રાજ્યભરમાં જાગૃતિ જન્માવી. તેના માટે માહિતી, સંશોધન, જાતતપાસ, સતત સજગતા, સમૂહ માધ્યમો જેવાં અનેક માર્ગે વ્યૂહરચના કરી. દારૂબંધીના કાયદાના કડક અમલીકરણની બાબતમાં પણ ‘અવાજ’ ખૂબ સક્રિય રહ્યું છે. ગરીબ વસ્તીઓમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા માટે તેની કાર્યકર બહેનોએ ખૂબ જોખમો ઊઠાવીને પ્રયત્નો કર્યા છે. તદુપરાંત દારૂબંધીનો કાયદો હળવો કરવાની કોઈ પણ હિલચાલના અણસાર મળે એટલે ઇલાબહેન અચૂક સક્ષમ રજૂઆત કરતાં. પોલીસ અને તંત્રવાહકો સ્ત્રીઓ સામેના ગુનામાં સંવેદનશીલતાથી કામ લે તે માટે ‘અવાજ’એ પોલીસ સાથે કાર્યશાળાઓ પણ કરી હતી.
ન્યાય અને શાંતિપૂર્ણ સમાજની રચનામાં નગરિકની રાજકીય સામેલગીરીની અનિવાર્યતા જાણીને, રાજકારણનો છોછ નહીં રાખનાર ઇલાબહેન 1987માં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પણ લડ્યાં હતાં. કોમવાદની સામે લડત આપવા માટે ગુજરાતમાં નવમા દાયકાના આરંભે શરૂ થયેલા સેક્યુલર લોકશાહી આંદોલન (મૂવ્હમેન્ટ ફૉર સેક્યુલર ડેમૉક્રસી- એમ.એસ.ડી.) મંચના સ્થાપકોમાંના એક ઇલાબહેન બાબરી મસ્જિદ ધ્વંસ પછી વધુ સક્રિય બન્યાં હતાં. મંચના કાર્યક્રમોમાં તેમણે ‘અવાજ’ને પણ સાંકળી લીધી. જો કે સંસ્થાનું બાપુનગરનું સંકુલ તો 1986 ના કોમી રમખાણોમાં મુસ્લિમ બહેનોને વેઠવી પડેલી હાડમારીને પરિણામે શરૂ થયું હતું. હિંસાચારના ત્યાર પછીના બધા તબક્કામાં તે બહેનો માટેનો મોટો આધાર બન્યું. ગોધરાકાંડને પગલે ફાટી નીકળેલ સંહારનો ભોગ બનેલી મહિલાઓ માટે ‘અવાજ’ એ કરેલાં કામનાં પાંચ પાસાં છે − રાહત, રોજગાર, રજૂઆત, બાળશિક્ષણ અને મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન. એ વખત ભૂકંપગ્રસ્તોના પુનર્વસનનું કામ પણ ચાલુ હતું. રાધનપુર તાલુકાના છેવાડાના ગામોમાં સાડા ચારસોથી વધુ ઘરો ‘અવાજ’ થકી બંધાયાં હતાં. રાપર અને સમીમાં પણ ‘અવાજ’ની શાખાઓ છે.
અલબત્ત, ઇલાબહેનનું કામ એ માત્ર ‘અવાજ’ પૂરતું મર્યાદિત ન હતું. વડોદરાના બેસ્ટ બેકરી કેસને રિ-ઓપન કરાવવામાંધારાશાસ્ત્રી ગિરીશ પટેલ, પ્રકાશ ન. શાહ અને અન્યોની સાથેના એમ.એસ.ડી.ના એક ટેકીલા લડવૈયા ઇલાબહેન હતાં. એમ.એસ.ડી.ના અને માનવ અધિકાર દિન માટેનાં ધરણાં, દેખાવ, સંમેલન, માનવસાંકળ જેવા દરેક કાર્યક્રમમાં એ પૂરો સમય જોડાયેલાં રહેતાં. એવાં જ એક કાર્યક્રમની મંજૂરી નહીં હોવા છતાં તે કરવા માટે નવમી માર્ચ 2012 ના રોજ ઇલાબહેને અટકાયત વહોરી હતી – ઓગણ્યાસી વર્ષની ઉંમરે. તેના પહેલાંના વર્ષે દિવાળીમાં પોલીસે તેમને મણિપુરના પાટનગર ઇમ્ફાલમાં પકડ્યાં હતાં. ત્યાં ઇલાબહેન બાર વર્ષથી ઉપવાસ પર ઊતરેલાં સત્યાગ્રહી ઇરોમ શર્મિલાને મળવા માટે નૅશનલ અલાયન્સ ફૉર પીપલ્સ મૂવમેન્ટસ (એન.એ.પી.એમ.) સંગઠનની ઝુંબેશમાં દુર્ગમ રસ્તે ચાલતાં ગયાં હતાં.
આવું ચાલવાનું ઇલાબહેને માર્ચ 2011માં મહુવા આંદોલન દરમિયાન પણ કર્યું હતું. શરૂઆતના તબક્કાની એક રેલીમાં પોલીસે મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો ત્યારે ઇલાબહેને વિરોધ ઉપરાંત અનેક સ્તરે કરેલી અસરકારક રજૂઆત કરી. તે પછી આંદોલન દરમિયાન પોલીસનું મહિલાઓ સાથેનું વર્તન બની શકે તેટલું ધોરણસરનું બન્યું. ઇલાબહેને ગાંધીઆશ્રમ પાસે ધરપકડ વહોરી હતી. ગાંધીજીના સ્ત્રીઓ વિશેના વિચાર તેમ જ સાદગી અને સ્વાશ્રયનાં મૂલ્યોમાં તેમને ઊંડી શ્રદ્ધા હતી. ગાંધી વિચાર અને સર્વોદય વિચારને વરેલી ગુજરાત લોકસમિતિમાં ચુનીભાઈ વૈદ્ય સાથે વીસેક વર્ષથી પૂરી નિષ્ઠાથી કાર્યરત હતાં. સમિતિએ ઊપાડેલી જળ-જંગલ-જમીન માટેની લડતોમાં તે પોતાની બુદ્ધિશક્તિ કામે લગાડતાં.
વિમેન્સ ઇન્ટરનૅશનલ લીગ ફૉર પીસ ઍન્ડ ફ્રીડમ(વિલ્ફ) થકી ઇલાબહેને ભારતની મહિલાઓની સમસ્યાઓની વિશ્વસ્તરે રજૂઆત કરવાનું કામ કર્યું હતું. વિલ્ફના નેજા હેઠળ ઓરિસ્સાના કંધમાલની કોમી હિંસાનો ભોગ બનેલી મહિલાઓની દુર્દશાનો અભ્યાસ કરીને સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. જિંદગીના છેલ્લા મહિનામાં કેમુથેરાપિની પીડા વચ્ચે પણ તેમણે ‘પૌરુષેય સમાજ’ના દુરાગ્રહો અને પકડ વિશે તેમ જ લઠ્ઠાકાંડ સંદર્ભે જાહેર હિતની અરજી પરના ‘કેવળ નિરાશા’ આપનારા ચુકાદા વિશે લેખો કર્યા હતા.
ખૂબ ઊર્જા અને ધૃતિ ધરાવતાં નેત્રી ઇલાબહેન જીવનને ચાહનાર, માણનાર પ્રેમાળ વ્યક્તિ હતાં. ચિત્રો, ચૉકલેટ, આઇસ્ક્રીમ, ચટાકેદાર વાનગીઓ, રસોઈ, હિંચકો, ઊંધિયું વગેરેના તે શોખીન હતાં. લુણાવાડા રાજ્યના દિવાન પિતાના પુત્રી ઈલા એક જમાનામાં ઘોડેસવારી કરતાં, અને પછીનાં વર્ષોમાં જીપ પણ ચલાવી લેતાં. સ્ત્રીની એક વ્યક્તિ હોવાની – પુરુષસમોવડીના સાપેક્ષ માપદંડ અને માનદંડથી નિરપેક્ષ વ્યક્તિ હોવાની – સમજ સમાજમાં સર્વત્ર લઈ જવાની ઇલાબહેનની મથામણ હતી. તેનો સાચો ખ્યાલ તેમનાં પુસ્તકો અને ‘અવાજ’ના કામના અભ્યાસ પરથી જ મળી શકે. પાર્શ્વ પ્રકાશને બહાર પાડેલાં તેમનાં ‘નારીવાદીની કલમે’, ‘નારીવાદીની નજરે’, ‘નારીવાદીનું આકલન’ અને ‘નારીવાદીનું મનોમંથન’ પુસ્તકોમાં હજારેક પાનાંનું અભ્યાસ અને કર્મસિદ્ધ વાચન છે.
ઈલાબહેન હતાં ત્યારે ક્યાં ય મહિલાઓને અન્યાય-અત્યાચારનો સામનો કરવો પડે તો ગુજરાતને ‘અવાજ’ યાદ આવે. અત્યારે ભાગ્યે કોઈ છે કે જે – વાસનાભૂખ્યા પુરુષો, દારુડિયા પતિ, લોભી સાસરિયા, તેમની માગ મુજબ માના પેટમાંની દીકરીને પાડી નાખતા દાક્તરો, કામાંધ આસારામો, ધર્માંધ હુમલાખોરો, નારીદેહને વિપણન-વેચાણ માટે મૂકતું બજાર – આ બધાંથી બચવા માટે લડવા માગતી બહેનોને સાથ આપે.
25 મે 2016
++++++
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 27 મે 2016
![]()

ફિલ્મનું એક દૃશ્ય છે, જેમાં ગટર સાફ કરતાં મૃત્યુ પામનાર સફાઈ-કામદારનો કેસ લડી રહેલ એક વકીલ કામદારની પત્નીને પોતાની કારમાં એની ઝૂંપડીએ મૂકવા જઈ રહ્યો છે. કાર ચાલુ છે. વચ્ચે વકીલનું ધ્યાન પડતાં તે કામદારની પત્નીને સીટ-બેલ્ટ બાંધવા કહે છે. બોલકી આંખવાળી કામદાર પત્ની ચૂપચાપ સીટ-બેલ્ટ બાંધે છે.
ક્ષણ નાની છે પણ એ દર્શકના મનમાં એક અણિયાળો પ્રશ્ન ખડો કરી દે છે-કાર ચલાવનારની સેફ્ટીનો આપણા દેશમાં જેટલો વિચાર થાય છે, એટલો વિચાર ગંદી અને જોખમી ગટરોમાં કામ કરનાર સફાઈકામદારની સુરક્ષાનો થાય છે ખરો ?
મરાઠી કલાકારો, ફિલ્મકારો, વાર્તાકારો, નાટ્યકારો તેમની સામાજિક સભાનતા અને સામાજિક મુદ્દાઓ પ્રત્યેના ઝુકાવ માટે જાણીતા છે. ઘણી વાર સામાજિક સમસ્યા પ્રત્યે તેમનો અભિગમ અત્યંત વાચાળ, પ્રચારાત્મક અને કંટાળાજનક પણ બની જતો હોય છે, પરંતુ કોર્ટમાં એમ બનતું નથી. કારણ? કોર્ટની વાસ્તવિક માવજત. અન્ડરટોન જાળવવાની યુવા દિગ્દર્શક ચૈતન્ય તામણેની સૂઝ ને પરિસ્થિતિઓને જ બોલતી રાખવાનો તેમનો આગ્રહ.
ફિલ્મ બે સમાંતર ટ્રૅક પર ચાલે છે. એક છે કોર્ટરૂમનાં દૃશ્યો ને બીજું કોર્ટકેસ સાથે જોડાયેલા વકીલો અને જજની અંતરંગ જિંદગી.
કોર્ટરૂમ દૃશ્યોમાં આપણા દેશની ન્યાયવ્યવસ્થાનો સ્થાપિત હિતો કેવો દુરુપયોગ કરે છે, એનું બયાન છે. કેસ એક સફાઈ કામદારના મોત અંગેનો છે, જે પોલીસે આત્મહત્યાના કેસ તરીકે દર્જ કરેલ છે ને આત્મહત્યાને ઉત્તેજન આપવા માટે નારાયણ કામ્બલે નામના લોકકવિ-ગાયકની ધરપકડ કરવામાં આવે છે, જેને ૧૮૬૪ના જૂના કાયદાને આધારે ઘણું વેઠવું પડે છે. કારાવાસ વેઠવો પડે છે. જામીન મળતાં નથી. તેમના વકીલ વિનય વોરા પોતાની રીતે લડતા રહે છે. એક પછી એક તારીખો અપાય છે. બોગસ સાક્ષીઓ રજૂ થાય છે. છેવટે કામદારની પત્નીની જુબાની બાદ અને સાક્ષી બોગસ હોવાનો ઘટસ્ફોટ થયા બાદ નારાયણ કામ્બલેને છોડવામાં આવે છે. દરમિયાન, પાંસઠ વર્ષના નારાયણ કામ્બલેની તબિયતને જેલવાસના કારણે ઘણું જ નુકસાન થાય છે. વળી, નિર્દોષ ઠર્યા હોવા છતાં તોતિંગ દંડ થાય છે એ તો લટકામાં.
પોલીસ-કાયદો-વકીલો ભેગા મળીને છેવાડાના માણસને ઓર હાંસિયામાં ધકેલવા માટે કાર્યરત છે ને શાસનવિરોધી અવાજને દબાવવા માટે તેના પર કેવી ‘સૉફ્ટ વાયોલન્સ’ આચરવામાં આવે છે, તેનો આ ફિલ્મમાં એક નીડર આલેખ જોવા મળે છે .
બીજો ટ્રૅક છે વકીલોની અંતરંગ જિંદગી. વિનય વોરા નારાયણ કામ્બલેના પક્ષે લડતા વકીલ છે. વિનયસંપન્ન ઘરના પણ એક જાગૃત નાગરિક છે. છેવાડાના માણસ માટેની તેમની નિસબત સાચૂકલી છે, પરંતુ અંગત જીવનમાં તેઓ એકાકી છે. દીકરાને જીવનમાં ઠરીઠામ જોવા ઇચ્છતાં ટિપિકલ ભારતીય માબાપથી દૂર તે એકાકી જીવન ગાળે છે. ક્યારેક શરાબ પણ પીએ છે. પ્રોસિક્યુશન વકીલ (ગીતાંજલિ કુલકર્ણી) પ્રશ્નો નહીં પૂછનારા ને ગતાનુગતિકમાં રાચનારા (કન્ફર્મિસ્ટ) છે. કાયદાના ચોપડે લખ્યું એ બ્રહ્મવાક્ય એમ માનનારાઓમાંના છે. નારાયણ કામ્બલે જેવા લોકો તેમના માટે માથાનો દુખાવો છે, કિન્તુ કોર્ટની બહાર તેઓ એક મધ્યમવર્ગી ગૃહિણી છે. કોર્ટથી ઘેર જઈ તે પરિવાર માટે રસોઈ બનાવે છે. પતિના ડાયાબિટીસનું ધ્યાન રાખે છે. રજાના દિવસોમાં કુટુંબ સાથે મરાઠી નાટકો જોવા જાય છે. ટૂંકમાં, સામાન્ય મધ્યમવર્ગની વર્કિંગ-હાઉસવાઇફ જેવી એમની જિંદગી છે. ને છેલ્લે આવે છે જજ(પ્રદીપ જોશી). જજ સ્વાભાવિક રીતે ઉચ્ચ-મધ્યમવર્ગીય પરિવારના મોભી છે. મિત્રવર્તુળમાં પ્રતિષ્ઠિત છે. પોતાના એક મિત્રને તેઓ પુત્રના મૂંગાપણાને દૂર કરવા આંકડાશાસ્ત્ર અને રંગીન સ્ટોનનો સહારો લેવા કહે છે. જે બતાવે છે, કે અતિ-શિક્ષિત હોવા છતાં તે કેટલા અંધવિશ્વાસુ છે.
ફિલ્મની વખાણવાલાયક બાબત એ છે કે વકીલ-જજોની અંતરંગ જિંદગીને પ્રસ્તુત કરીને સહેજ પણ બોલકા બન્યા વિના ભારતની ભીષણ આર્થિક અસમાનતાને લેખક-દિગ્દર્શકે ખોલી આપી છે. ક્યાં આ જજો ને વકીલોની આરામી જિંદગી ને ક્યાં પેલા ગટર સાફ કરનારા સફાઈકામદારને મળતા જીવલેણ સંજોગો !
આ બે સમાન્તર પાટા સિવાય ફિલ્મની એક ત્રીજી ધારા છે લોકકવિ-ગાયક નારાયણ કામ્બલેના કવનની મળતી આછી ઝલક, જેમાંથી કળા એ કેવળ મનોરંજન કે આનંદનું જ નહીં પરંતુ અન્યાયના પ્રતિકારનું ય સબળ માધ્યમ છે, એવો સૂર વ્યક્ત થતો રહે છે.
અરે, એક ગીતમાં તો કામ્બલે ત્યાં સુધી કહે છે કે કળાને નામે સૌન્દર્યનો બકવાસ ચાલે છે. અને સત્યનો અવાજ ખોવાઈ ગયો છે. જો આ જ કળા હોય, તો અમને કળાકાર કહેશો નહીં. બીજા એક ગીતમાં તેઓ સત્તાસ્થાને બિરાજેલા લોકો મૉલ કલ્ચરને પ્રતાડિત કરી કેવી રીતે પોતાનું શાસન જમાવે છે, એની વાત થઈ છે.
આમ, નારાયણ કામ્બલેના પાત્ર ને તેમનાં ગીતો દ્વારા સૌન્દર્યને નામે પલાયનવાદી (escapist) વૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેતા અને સર્વત્ર વ્યાપી રહેલા અન્યાય-શોષણ સામે આંખ આડા કાન કરતા સર્જકોને સૂક્ષ્મપણે ચાબૂક ફટકારવામાં આવી છે. વળી, પોતાની ફિલ્મ પણ, કળાનો અન્યાયના પ્રતિકાર માટેનો આવો જ સાધન તરીકેનો ઉપયોગ છે, એમ નારાયણ કામ્બ્લેના ગીતોથી દિગ્દર્શકે સૂચવી દીધું છે.
ફિલ્મનાં ટેક્નિકલ પાસાંઓ અંગે વાત કરવાની આ લખનારની વિશેષ યોગ્યતા નથી છતાં અગાઉ કહ્યું એમ એની એકદમ વાસ્તવિક લાગતી માવજત એનું જમા પાસું છે. અગાઉ ઘણા દિગ્દર્શક આમ કરી ચૂક્યા છે, પરંતુ આ ફિલ્મમાં આ કામ અત્યંત સફળતાપૂર્વક થયું છે. જાણે કોર્ટરૂમમાં કોઈ કૅમેરા મૂકી દીધો હોય ને કોઈ પણ સભાનતા વગર શૂટિંગ થયું હોય એવી સ્વાભાવિકતા આખી ફિલ્મમાં વણાયેલી છે. કોર્ટના નિયમો, ગતિવિધિઓ, પદ્ધતિઓ, એની રોજિંદી ઘરેડ બધું આપણને ઘેરી વળે છે ને એનો અમલદારશાહી અને અમાનવીય ચહેરો આપણી સામે પ્રગટ થયા કરે છે, એય અત્યંત અસરકારક રીતે. છતાં, ફિલ્મ ક્યાંક શિથિલ થઈ ગઈ હોય એવું લાગે છે. ખાસ કરીને વકીલ -જજની અંતરંગ જિંદગીવાળા ભાગમાં થોડું ઍડિટિંગ કરી શકાયું હોત. ત્યાં કેટલાંક બિનજરૂરી દૃશ્યો અને વિગતો અકળાવે છે. અંત પણ લંબાઈ ગયો એમ લાગે છે.
ફિલ્મના દિગ્દર્શક ચૈતન્ય તામણેને અને નિર્માતા વિવેક ગોમ્બર થિયેટરના સમયના સાથીઓ છે. જૂના મિત્રો છે. નિર્માતા વિવેક ગોમ્બર ડિફેન્સના વકીલની મુખ્ય ભૂમિકા પણ ભજવે છે. ગોમ્બરના કહેવા પ્રમાણે આ સંપૂર્ણપણે તામણેનો નિર્ણય છે. પોતે ક્યારે ય કાસ્ટિંગમાં દખલ કરી નથી. ફિલ્મના મોટા ભાગના કલાકારો અને મુખ્ય ટેક્નિશિયનો પ્રિપ્રોડકશનની સઘન તાલીમમાંથી પસાર થયા છે, જેમાં ‘જય ભીમ કોમરેડ’ જેવી ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ જોવી, રાજકીય ઍક્ટિવિસ્ટને મળવું, એમના ઘરની મુલાકાત લેવી વગેરેનો સમાવેશ થાય છે. વળી, ફિલ્મની વાસ્તવપૂર્ણ માવજત માટે પણ તેમની તૈયારી અત્યંત વિશેષ છે. કોર્ટની અસંખ્ય મુલાકાતો, તામણેના આર્કિટેક્ટમિત્ર દ્વારા થયેલું કોર્ટના વાતાવરણનું પુનઃનિર્માણ, સાવ નાની ભૂમિકાઓ માટે પણ જુનિયર આર્ટિસ્ટનો આગ્રહ, ડીપ ફોકસ શોટ્સ, એક સીનને એક જ ઍંગલથી ઝડપવાની રીત … વગેરેએ ફિલ્મની વાસ્તવિક છતાં સુઘડ એવી બનાવટમાં મહત્ત્વનો ફાળો ભજવ્યો છે. ફિલ્મના નિર્માણમાં તમ્હાને-ગોમ્બરને અનેક મુશ્કેલીઓ નડી છે, જેમાં આર્થિક ભંડોળથી માંડીને કોર્ટમાં ફોટોગ્રાફ લેવાની મનાઈ હોવાની વ્યવસ્થાગત તકલીફોનો સમાવેશ થાય છે. પરંતુ ફિલ્મને જોતાં તેમની મહેનતને જોસ્સો રંગ લાવ્યો હોય એવો સંતોષ સૌ કોઈને થાય છે. વળી, દિગ્દર્શક ફક્ત ૨૭ વર્ષના હોઈ ઇન્ડિપેન્ડન્ટ સિનેમાના વિલાતા જતા ક્ષેત્રમાં કશુંક નક્કર પ્રદાન કરશે, એવી આશા બંધાય છે.
ટિકિટબારી પર કોર્ટે કેવું પ્રદર્શન કર્યું છે, એ જાણવામાં આવ્યું નથી, પરંતુ ફિલ્મ ફૅસ્ટિવલમાં એને ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે .. નૅશનલ ઍવૉર્ડ ઉપરાંત તે વેનિસ, હોંગકોંગ, મુંબઈ, સિંગાપોરના આંતરરાષ્ટ્રીય ફિલ્મ-ફૅસ્ટીવલ્સમાં પુરસ્કૃત થઈ છે, જે યુવા નવોદિત દિગ્દર્શક માટે એક મોટી સિદ્ધિ છે. તામણેને અને ગોમ્બર બંને માટે આ પ્રતિસાદ આશ્ચર્યજનક છે. ડર સાથે આશા રાખીએ કે તામણેને ઇન્ડિપેન્ડન્ટ સિનેમાના સાવ બિન-પ્રોત્સાહક વાતાવરણમાં વન-ફિલ્મ -વન્ડર ન બની રહે.
બાકી આજે અત્યંત મર્યાદિત સુખાકાંક્ષી અને ભોગવાદી જીવનમાં રાચી રહેલા અનેક મધ્યમવર્ગી- ઉચ્ચ વર્ગી મલ્ટીપ્લેક્સ ઑડિયન્સ માટે ‘કોર્ટ’ ફિલ્મ લાંબા સમય સુધી ઊંઘ ઉડાડી નાખનારા ઍલાર્મ જેવી છે. વેકઅપ કૉલ જેવી. શરત એક જ છે : જો – તેઓ – ફિલ્મ – જુએ – તો.
e.mail : sagarshah259@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2016; પૃ. 11-12
![]()

