
courtesy : "The Hindu", 28-10-2015
![]()

courtesy : "The Hindu", 28-10-2015
![]()
આપણે મુક્ત વાતાવરણમાં શ્વાસોચ્છ્વાસ લઈ શકીએ એ માટે ઘણા લોકો કિંમત ચૂકવતા હોય છે એની ઘણી વાર તો આપણને જાણ પણ નથી હોતી, પરંતુ જો જાણ થાય તો એની કદર કરતાં શીખવું જોઈએ

ગુલઝાર અને પાકિસ્તાની કવયિત્રી ફહમીદા રિયાઝ
સાહિત્યકારો અને સર્જકોએ વધતીજતી અસહિષ્ણુતા સામે માન-સન્માન પાછાં કરીને અવાજ ઉઠાવ્યો છે એ જોઈને સરકાર અને શાસક સંઘપરિવાર હેબતાઈ ગયાં છે. કેન્દ્રસ્થ અકાદમીના અવૉર્ડ પામેલા થોડાઘણા નહીં, ભારતની વિવિધ ભાષાના ૩૩ જેટલા સાહિત્યકારોએ અવૉર્ડ પાછા કર્યા છે. રાજકીય વિરોધીઓની અને ઝોલાવાલા સેક્યુલર કર્મશીલોની ઉપેક્ષા થઈ શકે છે, પરંતુ સાહિત્યકારોની અવગણના થઈ શકતી નથી. એક તો ૩૩નો આંકડો કોઈ નાનો નથી અને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો અવૉર્ડ મામૂલી નથી. એ જ્ઞાનપીઠ પછીનો બીજા ક્રમનો પ્રતિષ્ઠિત અવૉર્ડ છે અને એ અવૉર્ડ મેળવનારા સાહિત્યકારો માણસ તરીકે ગમે એવા હોય, સર્જક તરીકે પહેલી હરોળના હોય છે. દરેક ભાષાની વિચારનારી અને વાંચનારી પ્રજાનો પોતપોતાની ભાષાના સર્જન અને સર્જકો સાથે અનુબંધ હોય છે. ભારતની ભાગ્યે જ કોઈ મહત્ત્વની ભાષા બચી હશે જેના કોઈ ને કોઈ સર્જકે અવાજ ન ઉઠાવ્યો હોય. આ યાદીમાં છેલ્લે ગુલઝારસાહેબ ઉમેરાયા છે અને યાદી વિસ્તરી રહી છે.
જે લોકો રોજિંદી રાજકીય બાબતોમાં રસ લેતા નથી એવા લોકો જ્યારે મોઢું ખોલે ત્યારે એની ગંભીરતા વધી જતી હોય છે. લોકોને સમજાવા લાગે છે કે જરૂર ક્યાંક કશુંક ખોટું થઈ રહ્યું છે. શું બની રહ્યું છે એની જો લોકોને આછીપાતળી જાણ હોય તો એની ગંભીરતા સમજાવા લાગે છે. વળી એ તો દેખીતી વાત છે કે પ્રજા સાવધાન થવા લાગે એ શાસકોને ગમતું નથી. ડર રાજકીય હરીફોનો નથી હોતો, એની સાથેનાં રાજકીય સમીકરણો પરસ્પરના સ્વાર્થ મુજબ બદલાતાં રહે છે. ડર પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ્સનો કે કર્મશીલોનો પણ ખાસ નથી હોતો, કારણ કે તેમનું તો કામ જ ઊહાપોહ કરતા રહેવાનું છે. એ અસંતુષ્ટ જમાત છે જે સંતાપ વ્યક્ત કર્યા કરે છે અને તેમના સંતાપમાં ઘણી વાર તટસ્થતા પણ નથી હોતી, પરંતુ એ સંતાપનો સૂર જ્યારે સર્જક કાઢતો થઈ જાય ત્યારે એની ગંભીરતા વધી જતી હોય છે.
સર્જક અને ભાવકનો તાર એવો કોઈક રહસ્યમય રીતે જોડાયેલો હોય છે કે એની અવગણના થઈ શકતી નથી. એટલે જો તમે વીતેલી સદી પર અને સમકાલીન યુગ પર નજર કરશો તો ધ્યાનમાં આવશે કે જગતભરમાં સરમુખત્યારોએ અને જુલમી શાસકોએ સૌથી વધુ જુલમ સર્જકો પર કર્યા છે. જે રાજકીય હરીફ છે અને સત્તાનો દાવેદાર છે એના કરતાં પણ વધુ જુલમ સર્જકો પર ગુજારવામાં આવે છે, કારણ કે પેલો આંખ ખોલી આપવાનો ગુનો કરે છે અને એ પણ રહસ્યમય સર્જનાત્મકતા સાથે. ફાસીવાદ વિશેનાં દસ પુસ્તકો જે ન કહી શકે એ ચાર્લી ચૅપ્લિનની એક નાનકડી મૂંગી ફિલ્મ ‘ધ ગ્રેટ ડિક્ટેટર’ કહી શકે. ૨૦મી સદીના મહામેધાવી બટ્રાર્ન્ડ રસેલની ઉપેક્ષા થઈ શકે, પરંતુ અલ્પશિક્ષિત ચાર્લી ચૅપ્લિન વધારે મોંઘા પડે. આ સર્જક અને ભાવક વચ્ચેના અનુબંધનો તાર અત્યંત રહસ્યમય હોય છે અને ખબર નહીં કેટલો પણ કલ્પના બહારનો વિસ્ફોટક હોય છે. એટલે તો પાબ્લો નેરુદા, ચાર્લી ચૅપ્લિન, ઍલેક્ઝૅન્ડર સોલ્ઝેનિત્સિન, ઍન્ડ્રેઇ તાર્કોવ્સ્કી, ઝફર પનાહી, એમ. એફ. હુસેન જેવા સર્જકોને હેરાન કરવામાં આવ્યા છે કાં દેશવટો આપવામાં આવ્યો છે.
ફહમીદા રિયાઝ નામની પાકિસ્તાની કવયિત્રીએ માત્ર બસો શબ્દોમાં એક કવિતા રચીને આપણને એવી શિખામણ આપી છે જે આ લખનાર સંખ્યાબંધ લેખોમાં પણ કહી શક્યો નથી. ખાસ આપણા માટે હિન્દુસ્તાની ભાષામાં લખાયેલી કવિતા કહે છે:
તુમ બિલકુલ હમ જૈસે નિકલે, અબ તક કહાં છુપે થે ભાઈ
વહ મૂરખતા, વહ ધામડપન (ફૂવડપણું), જિસમેં હમને સદી ગંવાઈ
આખિર પહૂંચી દ્વાર તુમ્હારે, અરે બધાઈ! બહુત બધાઈ!
ભૂત ધરમ કા નાચ રહા હૈ
કાયમ હિન્દુ રાજ કરોગે?
સારે ઉલ્ટે કાજ કરોગે?
અપના ચમન તારાજ કરોગે?
તુમ ભી બૈઠે કરોગે સોચા,
પૂરી હૈ વૈસી તૈયારી
કૌન હૈ હિન્દુ કૌન નહીં હૈ, તુમ ભી કરોગે ફતવે જારી
વહાં ભી મુશ્કિલ હોગા જીના, દાંતોં આ જાએગા પસીના
કુછ ભી નહીં પડોસ સે સીખા? ક્યા હમને દુર્દશા બનાઈ
કુછ ભી તુમકો નઝર ન આયી?
(આ તો એ કવિતાનો અંશ છે. આખી કવિતા ઇન્ટરનેટ પર જોવા મળશે અને એ વાંચવા જેવી છે)
આ ફહમીદા રિયાઝે પણ અંતરાત્માને જાગતો રાખવાની કિંમત ચૂકવી છે. જેના વિશે આપણને ચેતવણી આપવામાં આવી છે અને જેણે ઝનૂની ઇસ્લામિસ્ટોને છૂટો દોર આપ્યો હતો એ જનરલ ઝિયા ઉલ હકના સમયમાં તેમણે દેશવટો ભોગવવો પડ્યો હતો. ૧૯૮૧થી ૧૯૮૮માં જનરલ ઝિયા ઉલ હકનું રહસ્યમય મૃત્યુ થયું ત્યાં સુધી ફહમીદા રિયાઝ દિલ્હીમાં રહેતાં હતાં. એક સરમુખત્યારને એક કવિયત્રીનો ડર લાગતો હતો. ગૂંગળામણની ભાષા હોય છે જે સર્જકો આબાદ પકડી પાડતા હોય છે. તેમનો અવાજ સરમુખત્યારોના પ્રચંડ અવાજ કરતાં અનેકગણો બુલંદ હોય છે.
આપણે મુક્ત વાતાવરણમાં શ્વાસોચ્છ્વાસ લઈ શકીએ એ માટે ઘણા લોકો કિંમત ચૂકવતા હોય છે એની ઘણી વાર તો આપણને જાણ પણ હોતી નથી, પરંતુ જો જાણ થાય તો એની કદર કરતાં શીખવું જોઈએ.
ને જાણ પણ હોતી નથી, પરંતુ જો જાણ થાય તો એની કદર કરતાં શીખવું જોઈએ.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 27 અૉક્ટોબર 2015
http://www.gujaratimidday.com/features/columns/creators-sound-are-much-more-audible-than-dicttor
![]()
જેમને હસ્તક એનો વિધિવત ભોગવટો છે એ સૌ અક્ષરકર્મીઓમાં થોડુંકે આત્મકૌવત જોઈએ ને …
સરકાર અને જન-પ્રતિનિધિઓ વચ્ચે સંવાદ જરૂરી છે : સરસંઘચાલક મોહન ભાગવતના વિજયાદશમી સંદેશના આ અંશને કેવી રીતે જોગવશું, વારુ. બે વરસ પર નહોતો એવો એક વિશ્વાસ દેશ આજે અનુભવી રહ્યો છે, એવી ભાગવતની ધ્રુવપ્રતીતિ છે. જો કે આ વિશ્વાસ કોઈ સ્થાયી બાબત નયે હોય, અને સ્વાભાવિક જ તે પુન:પુન: સાધ્ય કરતા રહેવાપણું છે એવી પણ એમને ખબર છે. કદાચ, એથી જ એ સંવાદ પર ભાર મૂકે છે.
જોગાનુજોગ જુઓ, આ સંવાદગાન ત્યારે છેડાઈ રહ્યું છે જ્યારે વડાપ્રધાનના દફ્તરમાંથી ઉર્દૂ સાહિત્યસેવી મુનવ્વર રાણા જોગ અરસપરસ વાતચીત માટેનું કહેણ પહોંચ્યું છે. રાણા એ ખરા ઇલમી અને ખરા શૂરા પૈકી છે જેમણે અકાદેમીનાં માનઅકરામને પાછા વાળવામાં સાર્થકતા જોઈ છે. નહીં કે વડાપ્રધાનનું નિમંત્રણ એમને નહીં ગમ્યું હોય, પણ છે તો પાછા જાગૃતવિવેક જણ એટલે એમણે વળતી એવી લાગણી પ્રગટ કરી છે અમે સૌ સાથે મળીએ.
જો કે, સંવાદ જેનું નામ એ ચોક્કસ જ એક દોહ્યલો પદારથ છે-ખાસ કરીને વડાપ્રધાન મોદીના કિસ્સામાં, કેમ કે એમનો વિશ્વાસ અને એમનો એકંદર દારોમદાર જાહેર સભામાં સંબોધનના સંમોહન પર છે. એમની શૈલી, એમનો મિજાજ, ‘ટૉકિંગ ટુ’ના નહીં એવાં અને એટલાં ‘ટૉકિંગ ઍટ’નાં છે. ભાગવત તો જનપ્રતિનિધિઓ સાથેેના સંવાદની વાત કરે છે. ચુંટાયેલાઓ વચ્ચે આવો વહેવાર બેલાશક જરૂરી છે. પણ તે સ્તરેય જો ટાંચુ પડતું હોય તો બાકીનું તો કાચું ને કાચું જ છે. ‘મનકી બાત’નો એકતરફી તખતો આપણા જણને ખાસો ગોઠી ગયેલ છે. પણ આ સંવાદમુદ્દો સામે છેડેથીયે જરી તપાસ અને ઊહાપોહ માગી લે છે. કલબુર્ગીની નિર્ઘૃણ હત્યા સબબ અકાદેમીના છેડેથી, સર્વોચ્ચ સ્તરેથી શોકસંવેદનાપૂર્વકની કોઈક સાર્થક પહેલ થવી જોઈતી હતી. અકાદેમી સ્તરે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી એ માટેની રજૂઆત અનવરત જારી હતી. પણ અધ્યક્ષ તિવારી એને કાન આપતા નહોતા. કેમ કે એમણે ‘આંખ આડા કાન’માં નિજનું મોચન શોધી લીધું હતું. જો ત્યારે સંવાદનો દોર શરૂ થયો હોત તો, બને કે, આમ રાજીનામાંના દોરની નોબત ન આવી હોત.
સવાલ આ છે, સરકાર માત્રની પ્રકૃતિમાં-અને હાલ સત્તારૂઢ વિચારધારાકીય માનસિકતામાં-સાર્થક સંવાદનો અવકાશ વાસ્તવમાં કેવોક છે. મહેશ શર્મા એમના જાહેર ઉદ્દગારોમાં અને અરુણ જેટલી એમની બ્લોગકારીમાં લેખકોના મુદ્દે શું કહીશું – ‘ચાલુ પડી ગયા હતા’ અને બાકી હતું તે સેનાખાસખેલ વી.કે.સિંહ જે રીતે પડમાં પધાર્યા હતા, તે પછી મોદીની મોળી અને મોડી બુંદ પહેલ કોઈ હોજનો અવેજ બની શકે એવો આશાવાદ જરી સાહસ માગી લે છે. અહીં લોકશાહીમાં અનિવાર્યપણે અપેક્ષિત બહુસ્તરીય અને બહુપરિમાણી સંવાદનો સવાલ પ્રસ્તુત બને છે. આ સંવાદ માત્ર સરકાર અને જનપ્રતિનિધિઓ એમ પાંચસાતદસ હજાર ચુંટાયેલી મંડળી વચ્ચે જ હોવાપણું નથી. ઠામોઠામ, જગોજગ દ્વિમાર્ગી વાતચીતને સતત અવકાશ ન હોય તો પાંચ વરસે આવતી ચૂંટણી બેમતલબ બની રહે છે. સંવાદની બહુસ્તરીય ને બહુપરિમાણી જરૂરત જોતાં જેમ શાસકીય સ્તરે તેમ અન્ય સ્તરે પણ સ્વાયત્ત સંસ્થાઓની જરૂરત લોકતંત્રમાં પ્રમાણવામાં આવે છે.
પણ સ્વાયત્ત સંસ્થાઓને મામલે આજની તારીખે દેશનું ચિત્ર કેવુંક છે? બે દાખલા બસ થઈ પડશે. ગુજરાત સરકારની ચૂંટણીચાંઉ પેરવી વિશે હમણાં જ ગુજરાત હાઇકોર્ટે પૂરતું કહ્યું છે એટલે જીવદયાને ધોરણે એમાં નહીં જઈએ. પણ આ ચુકાદામાં સ્વાયત્ત, રિપીટ, સ્વાયત્ત ચૂંટણી પંચની કેવી છવિ ઉપસે છે. આ સ્વાયત્ત પંચ રાજ્ય સરકારનું પઢાવ્યું આજે એમ કહે છે કે અબઘડી ચૂંટણી માટે તખતો તૈયાર છે, અને એ જ હજુ આગલે દહાડે એમ પણ કહી શકે છે કે રાજ્યમાં ચૂંટણીના સંજોગો નથી.
2002માં રક્તિમ રોકડી વાસ્તે લાલાયિત ગુજરાત સરકાર અબઘડી ચૂંટણી ઈચ્છતી હતી ત્યારે લિંગ્દોહના નેતૃત્વમાં પંચે પોતાની સ્વાયત્ત મુદ્રા, તત્કાળ ચૂંટણીસંજોગો નથી એવા સ્પષ્ટ મત સાથે, અંકિત કરી જાણી હતી. ત્યારે કેન્દ્ર અને રાજ્યની સરકારો એક જ છાવણીની હતી તે છતાં લિંગ્દોહે પંચની સ્વાયત્તતા બરકરાર રાખી હતી. અને આજે? જવા દો, બોલવા જેવું રહ્યું છે પણ શું.
છતાં, પંચમાં તો માનો કે ઉપરનું માળખું બાદ કરતાં નીચેનું તંત્ર ચાલુ સરકારી નોકરિયાતોએ ભરેલું હોય છે. પણ સ્વાયત્ત અકાદેમીને તો એવાં કોઈ બંધન નથી. તે કેમ પોતાને ઍસર્ટ ન કરી શકે? સમજાતું નથી. કદાચ સ્વાયત્તિનાં જે રસકસ, એનું જે રૂધિરાભિસરણ અને એનાં જે ચયઅપચય તે કેવળ બંધારણજીવી કે નકરા કાનૂનવશ હોઈ શકતાં નથી. જેમને હસ્તક એનો વિધિવત ભોગવટો છે એ સૌ અક્ષરકર્મીઓમાં થોડુંકે આત્મકૌવત જોઈએ ને … બાકી તો આપણ સહુ કલમઘસીટુ, સદેહે અક્ષરવાસી!
નાગરિકને નાતે સરકારની ચિંતા કરીએ, જરૂર કરીએ-પણ અક્ષરકર્મીને નાતે આપણી જાતતપાસ પણ જારી રાખીએ, જરૂર જારી રાખીએ. ગુજરાત છેડેથી તમે જુઓ ગણેશ દેવી અને અનિલ જોશી જેવા અવાજો ઊઠ્યા. એક સહીઝુંબેશ પણ થઈ. જરૂર રૂડું થયું. પણ સહસા ઉઠેલી આ રાષ્ટ્રીય હિલચાલે ગુજરાતમાં ઘોર સરકારીકરણનો જે દોર હજુ થોડા મહિના પર જ શરૂ થયો હતો એને વિશે સક્રિય પ્રતિકારમાં સામેલ થવાપણું જોયું નહોતું. ભાઈ, ગામમાં આપણે સૌ ‘ક્યારેકટર’ હોઈએ છીએ અને એકબીજા અંગે ‘ઊંચા અભિપ્રાય’ ધરાવતા આસામી હોઈ શકીએ છીએ … પણ બાઈ સ્વાયત્તતા, તે સાહિત્યની સધવા, એની દાઝ જરીક તો સાથે મળીને જાણીએ.
સરકારી પ્રાણીઓ કહે છે કે લેખકોની આવીતેવી હિલચાલો પાછલે બારણે કે ભળતે રસ્તે રાજકારણ રૂપ (પોલિટિક્સ બાય અધર મીન્સ) છે. સામે છેડેથી, કોઈક અભિપ્રાય આપવાનો કે સ્ટેન્ડ લેવાનો પ્રસંગ આવે ત્યારે ‘મારે અને રાજકારણને શું’ એવી શુદ્ધસાહિત્યમુદ્રા સવાર થઈ જાય છે. એક અક્ષરસેવીને બધી બાબતોમાંથી બધી વખત અભિપ્રાયથી કે અન્યથા સંડોવાવાનું જરૂર ન કહીએ. પણ જે ઈલાકો સુવાંગ એનો જ છે એમાંયે તે ભલાભાઈ ભોળાભાઈ લૂગડાં સંકોરભાઈ બની રહે એ દશા કાં તો પ્રામાણિક પણ વ્યામોહની છે, કે પછી કેવળ પલાયનની. કલબુર્ગીની હત્યા હો કે દાદરીની કથિત ગો ઘટના અગર ગુજરાતની સરકારી અકાદમી પેરવી : આપણે એના ઓશિંગણ રહીશું કે એમણે અક્ષરકર્મીઓની આગઆગવી ઓળખ પ્રગટ કરી, અને વ્યાપક નાગરિકતાને ઝંઝેડી.
પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે
e.mail : prakash.nirikshak@gmail.com
સૌજન્ય : ‘સ્વાયત્તતાનો સંઘર્ષ’, “દિવ્ય ભાસ્કર”, 24 અૉક્ટોબર 2015
http://www.divyabhaskar.co.in/news/ABH-useless-democracy-without-meaningful-dialogue-5149503-NOR.html
![]()

