
courtesy : "The Indian Express", 19 July 2016
![]()

courtesy : "The Indian Express", 19 July 2016
![]()
શહીદ ભગતસિંહનું ઘર પંજાબના નવાં જિલ્લાના ખટકર કલા ગામમાં આવેલું છે. ઈ.સ. ૨૦૦૮માં તેમની જન્મ-શતાબ્દીના પ્રસંગે તત્કાલીન સરકારે જિલ્લાનું નામ નવા શહેરમાંથી બદલીને શહીદ ભગતસિંહ કર્યું હતું. જો કે, આજે પણ નવા શહેર નામ જ ચલણમાં છે. પંજાબમાં તેને ટૂંકમાં એસ.બી.એસ. (શહીદ ભગતસિંહ) જિલ્લો લખાય છે, આને કારણે જિલ્લાનું નામકરણ કરવાનો ઉદ્દેશ જ માર્યો ગયો છે.
જિલ્લા મુખ્યમથકથી શહીદ ભગતસિંહનું ગામ ખટકર કલા, લગભગ તેર કિલોમીટરના અંતરે આવેલું છે. મુખ્ય સડકથી આપણે જેવા ગામ તરફ વળીએ, ત્યાં જ શહીદ ભગતસિંહ સ્મારકનું વિશાળ પરિસર આવેલું છે. અહીંના ભવનમાં ભગતસિંહ જ નહીં, પરંતુ દેશના દરેક રાજ્યના શહીદોનાં ચિત્રો અને વિગતો તેમ જ સ્મૃિતચિહ્નો મુકાયેલાં છે. આની બરાબર સામે ‘ઇન્કલાબ ઝિંદાબાદ’નો નારો ગજવતા ભગતસિંહની આદમકદની પ્રતિમા નજરે ચડે છે. આ પ્રતિમાનું અનાવરણ ઈ.સ. ૧૯૮૦માં થયું હતું. જો કે, સ્મારક હજુ અધૂરું પડ્યું છે. સ્મારકના દરવાજામાં પ્રવેશતાં જ સામે શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની ધાતુમાંથી બનાવાયેલી વિશાળ ચહેરાવાળી મૂર્તિઓ જોવા મળે છે.
સ્મારકની ડાબી તરફથી અંદર જતાં જ દીવાલો પર શહીદો અને તેમના પરિવારોનાં ચિત્રો પ્રદર્શિત કરાયાં છે. આમ તો દરેક રાજ્યના શહીદોનાં ચિત્રો છે, છતાં પંજાબ, બંગાળ અને ઉત્તર પ્રદેશના શહીદોનાં ચિત્રોનું પ્રમાણ વધારે છે. શહીદ સ્મારકની દીવાલોના મધ્ય ભાગમાં કાચનાં મોટાં-મોટાં શો-કેસ છે, જેમાં શહીદો દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓ અને પુસ્તકો વગેરે પણ પ્રદર્શિત કરાયાં છે. ભગતસિંહના હાથે લખાયેલા પત્રો અને લેખ વગેરે અહીં જોવા મળે છે. અહીં ભગતસિંહ અને તેમના સાથીઓએ ઍસેમ્બલીમાં ફેંકેલા બે બૉમ્બ પણ જોવા મળે છે. દીવાલો પર શહીદોનાં ચિત્રોની સાથે-સાથે એ સમયે અખબારોમાં શહીદો અંગેના છપાયેલા સમાચારો પણ પ્રદર્શિત કરાયા છે. આ બધી વસ્તુઓમાં શહીદોને ફાંસી અપાયા પછી જારી કરાયેલા શહીદોનાં મૃત્યુનાં પ્રમાણપત્ર મનને બહુ વિચલિત કરી દે છે. આ પ્રમાણપત્રોમાં, જલિયાંવાલા બાગ હત્યાકાંડના સૂત્રધાર જનરલ ડાયરને ઇંગ્લૅન્ડ જઈને ભરઅદાલતમાં ગોળી મારી દેનારા શહીદ ઉધમસિંહના મૃત્યુનું પ્રમાણપત્ર પણ છે. મૃત્યુનું સૌથી વધારે વિચલિત કરનારું પ્રમાણપત્ર ભગતસિંહનું છે. તેની ભાષા અત્યંત અમાનવીય છે. તેમને નિર્ધારિત સમય કરતાં વહેલા, સાંજે ફાંસી આપી દેવાયેલી અને રાતોરાત શહીદોના શરીરને પોલીસવાળા દ્વારા સતલુજ નદીના કિનારે અગ્નિદાહ આપી દેવાયેલો.
આ પ્રમાણપત્રમાં લખ્યું છે, ‘અહીં ખરાઈ કરવામાં આવે છે કે ભગતસિંહને મૃત્યુની સજા ફરમાવાઈ હતી, જેનું યોગ્ય રીતે અમલીકરણ કરી દેવાયું છે અને ભગતસિંહને કાયદા મુજબ જ્યાં સુધી મોત ન થયું ત્યાં સુધી ગળેથી લટકાવાયા હતા. લાહોર સેન્ટ્રલ જેલમાં સોમવારે ૨૩ માર્ચના દિવસે, ૧૯૩૧માં સાંજે સાત વાગ્યે શરીરને એક કલાક સુધી લટકાવાયેલું રખાયું હતું. મેડિકલ ઑફિસરે જીવ બચ્યો નથી, એવું પ્રમાણિત ન કર્યું, ત્યાં સુધી તેના શરીરને નીચે ઉતારાયું નહોતું. કોઈ દુર્ઘટના, ભૂલ અને કોઈ બીજી અણધારી ઘટના નથી થઈ.’ આ પ્રમાણપત્ર અંગ્રેજીમાં ટાઇપ કરેલું છે. વળી, એમાં જેલના સુપરિન્ટેન્ડન્ટે ખાલી જગ્યામાં નામ અને તારીખ વગેરે ભર્યું છે અને નીચે પોતાના હસ્તાક્ષર કર્યા છે.
આ સ્મારકભવનમાં શહીદ-સ્મારકના બનનારા ભવનની એક પ્રતિકૃતિ પણ રાખવામાં આવી છે. નિર્માણાધીન સ્મારકનું બે માળનું અધૂરું ભવન ઊભું છે, જેમાં લોખંડની ભવ્ય ડિઝાઇન બનાવાયેલી છે. મને લાગ્યું કે આ અધૂરું ભવન આપણા દેશના અધૂરા સપનાં જેવું જ નથી? આ સપનું કોઈ પણ પક્ષનું ચૂંટણીનું વચન નથી બનતું.
ભગતસિંહના ગામમાં પ્રવેશતાં જ બગીચામાં પથ્થરનો પગથિયાંવાળો મંચ અને શ્રોતાઓને બેસવા માટેની વ્યવસ્થા જોવા મળે છે. આ જગ્યાએ દેશભરના લેખક, કલાકારો અને નાટ્યકર્મીઓ શહીદ ભગતસિંહના જન્મદિવસે કાર્યક્રમોનું આયોજન કરે છે.
ખટકર કલા ગામના છેવાડે સૌથી પહેલાં શહીદ ભગતસિંહનું ઈંટોથી ચણાયેલું ઘર દેખાય છે. આ ઘરની સામે એક બહુ મોટું બૉર્ડ લગાડેલું છે, જેમાં ગુરુમુખીમાં શહીદ ભગતસિંહના પરિવારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘરના પ્રાંગણમાં પ્રવેશતાં જ એક નાનું બૉર્ડ મળે છે, જેના પર ગુરુમુખીમાં લખેલું છે – શહીદ ભગતસિંહ કા જદ્દી ઘર, એટલે કે પૈતૃક ઘર. ઘરના મુખ્ય દરવાજાની સામે એક નાનકડી કૂઈ કે નાનકડો કૂવો છે. ઘરના વચ્ચેના મોટા ખંડમાં લાકડાનો એક નવ ખાનાંવાળો પુસ્તક રાખવાનો કબાટ રખાયેલો છે. આ વિશાળ ખંડમાં કાથી અને જાડા સૂતરમાંથી ગૂંથેલી ખાટલીઓ પણ રાખેલી છે, સાથે-સાથે થોડાં જૂના સમયમાં વપરાતાં ઘરકામનાં વાસણો પણ રખાયેલાં છે. મોટા ખંડની ડાબી અને જમણી બાજુ બીજા બે ખંડ છે, જેમાં પણ રસોડાનાં જૂના જમાનાનાં પિત્તળ અને તાંબાનાં વાસણો રાખેલાં છે. મોટા ખંડની જમણી બાજુના ખંડમાં લોખંડનું એક મોટું ટબ છે, જેની બન્ને બાજુ હૅન્ડલ લગાવાયેલાં છે. તથા લોખંડની બાલટી વગેરે રખાયેલા છે. આ ત્રણેય ખંડ પછી ઉપર ધાબે જવા માટેનાં ઇંટનાં પગથિયાં નજરે પડે છે.
અહીં ઘર-ગૃહસ્થીની અતિ જરૂરી વસ્તુઓ સિવાયની કોઈ દેખાડાની વસ્તુઓ ઘરમાં નથી. સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે, ઘરમાં પુસ્તકોનાં ત્રણ કબાટનું હોવું. આજે કેટલાના ઘરે પુસ્તકો ભરેલાં કબાટ જોવા મળે છે? ભગતસિંહને શહીદ ભગતસિંહ બનાવનારી શક્તિ આ કબાટોમાં રહેલાં પુસ્તકોમાં જ ક્યાંક છુપાયેલી છે. તેમણે જેલવાસ દરમિયાન પણ વાચન-લેખન છોડ્યું નહોતું. આ વાત તેમણે પોતાના પિતાને લખેલા પત્રોમાંથી સ્પષ્ટ થાય છે.
આઠમી એપ્રિલ, ૧૯૨૯માં ઍસેમ્બલીમાં બૉમ્બ ફેંકાયા અને બૉમ્બ ફેંક્યા પછી કોઈ પણ વિરોધ કર્યા વિના પોલીસને ગિરફ્તારી આપી દીધેલી. દિલ્હી જેલમાંથી પોતાના પિતાજીને ૨૬ એપ્રિલ, ૧૯૨૯ના રોજ મોકલેલા પત્રમાં લખ્યું છે, ‘‘તમે જો મળવા આવો, તો એકલા જ આવજો, બેબે જી(માતા)ને સાથે ન લાવતા. વગર કારણે તે રડી પડશે અને મને પણ થોડું દુઃખ થશે. ઘરની તમામ બાબતોની તમારી સાથેની મુલાકાતથી જાણ થઈ જશે. હા શક્ય હોય તો ‘ગીતારહસ્ય અને નેપાલિયનની જીવનગાથા’, જે તમને મારાં પુસ્તકોમાંથી મળી જશે અને એ ઉપરાંત અંગ્રેજીની અમુક સારી નવલકથાઓ લઈ આવજો.’’
શહીદ ભગતસિંહના ઘરથી પાછા ફરતાં દેશપ્રેમની ભાવના પણ આપણી સાથે-સાથે આવે છે. આપણા દેશમાં ધાર્મિક પ્રવાસો વધી ગયા છે. શું દેવ-દેવીઓના આ ધાર્મિક પ્રવાસોમાં દેશપ્રેમ અને ક્રાંતિકારી શહીદોનાં સ્મારકોને પ્રવાસમાં સામેલ ન કરી શકાય?
શહીદ ભગતસિંહે ફાંસી પર ચડવાના થોડા સમય પહેલાં લખ્યું હતું કે ‘‘જ્યારે અટકાવની સ્થિતિ લોકોને પોતાના સકંજામાં જકડી લે છે, ત્યારે કોઈ પણ પ્રકારનાં પરિવર્તન કરતાં તેઓ ખચકાય છે. આ જડતા અને નિષ્ક્રિયતાને તોડવા માટે એક ક્રાંતિકારી સ્પિરિટ (સાહસ) પેદા કરવાની જરૂર હોય છે. નહિતર પતન અને બરબાદીનું વાતાવરણ છવાઈ જતું હોય છે. લોકોને ભરમાવતી પ્રતિક્રિયાવાદી શક્તિઓ લોકોને ખોટા માર્ગે લઈ જવામાં સફળ થાય છે, આનાથી માણસની પ્રગતિ અટકી જાય છે અને તેમાં અટકાવ આવી જાય છે. આ સ્થિતિને બદલવા માટે જરૂરી છે કે ક્રાંતિની ભાવના તાજી કરવામાં આવે, જેથી માણસાઈના આત્મામાં એક હરકત પેદા થાય.’’
(સપ્રેસ)
(ડૉ. કશ્મીર ઉપ્પલ નિવૃત્ત પ્રાધ્યાપક છે.)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2016; પૃ. 16-17
![]()
સાંપ્રતસમયમાં સંઘર્ષ થઈ રહ્યો છે બે ‘ભારત-ભાષ્ય’ વચ્ચે. પ્રાચીન સમયથી પ્રસ્થાપિત સમાવેશક ભારતની સામે સમરસ ભારતનું ઘર્ષણ છેલ્લાં બે વર્ષથી સંઘર્ષનું સ્વરૂપ લઈ રહ્યું છે. સમાવેશક ભારત માને છે સત્ય સહસ્રમુખી છે અને સમરસ ભારત માને છે સત્ય એકમુખી છે. અનેકાંતવાદની સામે એકાંતિવાદ!
જ્યારથી સંઘપરિવારની, ભાજપની સરકારે, સત્તાનાં સૂત્રો હસ્તગત કર્યાં ત્યારથી સમરસ ભારતનું નિર્માણ કરવા કટિબદ્ધ વર્ગ પોતાનું ભાષ્ય અર્થાત્ હિંદુત્વ-ભાષ્યને એકમાત્ર ભાષ્ય માને છે. આ હિંદુત્વ-ભાષ્યમાં સમાજના વૈવિધ્યનો નહીં, પરંતુ એકવિધતાનો મહિમા કરવામાં આવી રહ્યો છે. આ ભાષ્યમાં ભારતીય સંસ્કૃિત એટલે કેવળ હિંદુ-સંસ્કૃિત. જો ભારતમાં સદીઓથી વસતા કે વિકસેલા અન્યોન્ય ધર્મો કે પંથો – ઈસાઈ, ઇસ્લામ, આદિ – સહિયારી સંસ્કૃિતની, સમાવેશક સંસ્કૃિતની વાત માંડે તો આ હિંદુ-સંસ્કૃિતવાદીઓ સમરસતાની વાત માંડી અન્યને પોતાની આગવી પરંપરા કે આગવો રંગ અળગાં કરવાનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સૂચવે છે.
હિંદુ-સંસ્કૃિતની દુહાઈ દેનારા જે હિંદુ પરંપરાની કે હિંદુધર્મની માંડણી કરે છે, તે ખરેખર તો પરંપરાનું અત્યંત સંકુચિત ભાષ્ય છે. ઋગ્વેદથી જ શરૂ કરીએ તો તેમાં સત્યને વિપ્રો બહુધા વદે છે, તેવું ઉચ્ચારવામાં આવે છે ત્યારે અનેકાંતવાદનો કે બહુવિધતાનો જ મહિમા થાય છે. મહાભારતમાં પણ આ જ ઉપદેશ ધેનુની એટલે કે ગાયની ઉપમા દ્વારા ઘોષિત થાય છે : ‘ભિન્ન-ભિન્ન રંગોવાળી ગાયો હોય, પણ તેઓના દૂધનો રંગ તો એક જ હોય, તેવું જ ધર્મવૈવિધ્ય છે, પણ પરમ તત્ત્વ તો એક જ છે.’
મધ્યકાળની ભક્તિ-પરંપરા વારંવાર ભજનમાં, પદમાં કે દોહામાં અનેકાંતવાદનો જ પુરસ્કાર કરે છે. આધુનિક યુગમાં શ્રીમદ્ રાજચંદ્ર એક દોહરા દ્વારા આ પ્રાચીન પરંપરાને વ્યક્ત કરે છે :
ભિન્ન-ભિન્ન મત દેખિયે, ભેદ દૃષ્ટિનો એહ,
એક તત્ત્વના મૂળમાં, વ્યાખ્યા માનો તેહ.
શ્રીમદ્ રાજચંદ્રને ગુરુ ગણતા ગાંધીજી પણ ‘સર્વધર્મસમભાવ’ને કેન્દ્રવર્તી બનાવી નરસિંહ મહેતાએ પ્રબોધેલી ‘સમદૃષ્ટિ’ને ચરિતાર્થ કરે છે. ઋગ્વેદથી આરંભી ગાંધીજી સુધી જે પરંપરા અખંડ રહી છે, તેનાથી વિપરીત હિંદુત્વવાદીઓ અત્યારે ‘ભારતમાતા કી જય’ તથા ‘ગૌમાતા’ના સીમિત દાયરામાં ધર્મપરંપરાને સાંકળી ભારત-ભાષ્યને સંકીર્ણ બનાવી રહ્યા છે.
હિંદુત્વવાદીઓમાં જે સંગઠનો હિંસાનો પુરસ્કાર કરવામાં નાનમ નથી સમજતાં તેમણે છેલ્લાં બે વર્ષમાં દાભોલકર, પાનસરે તથા કલબુર્ગી જેવા બુદ્ધિશાળીઓ તથા રૂઢિભંજકોની હત્યા કરી છે તે જાણીતું છે. હિંસાનો માર્ગ અપનાવનાર એ વીસરી ગયા કે ભારતમાં પ્રાચીન સમયથી બુદ્ધિવાદ તથા ભૌતિકવાદની પરંપરા રહી છે, તેમ જ તેના પક્ષધરો સાથે વાદ-વિવાદ થયા છે પણ તેમને વીંધી નાંખવામાં નથી આવ્યા. બે હજાર વર્ષ પૂર્વે પણ લોકાયતની કે ચાર્વાકની પંરપરા હતી જેને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર તર્કપ્રધાન દર્શન તરીકે નોંધે છે. આ તર્કપ્રધાન પરંપરા ભૌતિકવાદી હતી તેમ જ તેમાં આત્મા કે પરમાત્મા કે પરલોકનો સ્વીકાર નહોતો પણ ઇહલોકનો જ સ્વીકાર હતો. આ દાર્શનિક પરંપરાનો ઉલ્લેખ આઠમી સદીમાં ચિતોડના મહાન જૈન આચાર્ય હરિભદ્ર તેમના ‘ષડ્દર્શન સમુચ્ચય’માં વિગતવાર કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો લોકાયત કે ચાવાર્કનું દર્શન જે ભૌતિકવાદનું દર્શન ગણાય છે, તે ભારતીય પરંપરાનું અભિન્ન અંગ રહ્યું છે. અલબત્ત, એ નાસ્તિક દર્શન ગણવામાં આવ્યું છે.
આજે જે વિચારકો કે સાહિત્યકારો નાસ્તિક કે સંદેહવાદનો પુરસ્કાર કરે છે, તેઓ મૂર્તિપૂજાનો વિરોધ પણ કરે છે. છેલ્લાં બે વર્ષોમાં મૂર્તિપૂજાના વિરોધીઓને પણ હિંદુત્વવાદીઓ નિશાન બનાવે છે, ત્યારે એ ભૂલી જાય છે કે ભારતની ધર્મપરંપરામાં સાકારવાદની સાથે નિરાકારવાદ પણ સમાંતરે વહેતો રહ્યો છે. મધ્યકાળના ભક્તિ-આંદોલનમાં કબીર અને નાનક નિરાકાર પરમ તત્ત્વનો મહિમા કરે છે અને ધર્મ તથા જાતિના ભેદભાવને નકારે છે. ગુજરાતમાં રવિ-ભાણની સંતપરંપરા આ જ સંદેશ આગળ લઈ જાય છે, તેમની અલખ વાણીમાં. પરંતુ હિંદુત્વને પક્ષધારો માત્ર સાકારવાદનો ડગલે ને પગલે આક્રમક પ્રચાર કરીને મધ્યકાળના ભક્તિ-આંદોલનમાં પાયામાં જે વ્યાપકતા રહેલી છે. તેનો છેદ ઉડાવી દે છે.
સંત રવિદાસ તેમના એક પદમાં કહે છે :
‘પતપ તીરથ વેદપુરાણને શું પઢવાનું કામ!
સઘન જોગ કલ્પના છૂટી સઘળે સરખા સામ!
સંતવાણી અનુસાર ઘટઘટમાં રામ વ્યાપેલા છે, પરંતુ હિંદુત્વવાદીઓ તો અયોધ્યામાં રામમંદિર બનાવવા છેલ્લા ત્રણ દાયકાથી પાસાં નાંખી રહ્યાં છે! ગાંધીજીએ રામનામનો સદાય મહિમા કર્યો અને જીવનભર રટણ કર્યું, પરંતુ એમની પ્રાર્થનામાં ‘રઘુપતિ રાઘવ રાજા રામ’માં ‘ઈશ્વરઅલ્લા તેરો નામ’ ગવાય ત્યારે એમના ભારત-ભાષ્યનું જ સમૂહગાન થાય છે.
ભારતનાં છેલ્લાં દોઢસો વર્ષ ઉપર દૃષ્ટિપાત કરીએ છીએ, ત્યારે એ વિડંબના નજરે પડે છે કે રાષ્ટ્ર, રાષ્ટ્રીય અને રાષ્ટ્રવાદ શબ્દો પ્રચલિત થયા બ્રિટનના પ્રભાવને લીધે, પરંતુ તેને ચરિતાર્થ કરવા માટે બે વિરોધી વિચારધારાઓ પ્રગટી. કૉંગ્રેસના નામકરણમાં ‘રાષ્ટ્રીય’ શબ્દ આવે છે અને સંઘના નામકરણમાં પણ ‘રાષ્ટ્રીય’ શબ્દ આવે છે. પરંતુ કૉંગ્રેસનો રાષ્ટ્રવાદ સંસ્થાનવાદ સામેના પ્રતિઘોષને વ્યક્ત કરે છે, જ્યારે સંઘનો રાષ્ટ્રવાદ ધર્મ સાથે સાંકળીને હિંદુ રાષ્ટ્રવાદ બની રહે છે. આજે જ્યારે સંઘ-પરિવારના સમર્થકો અન્ય ધર્માનુયાયીને રાષ્ટ્રદ્રોહી કે દેશદ્રોહી કહી પાકિસ્તાન જવાનું કહે છે, ત્યારે ભારતનું સંકીર્ણ ભાષ્ય વ્યક્ત થાય છે. એ વીસરી શકાય તેવું નથી કે કૉંગ્રેસનો કે રાષ્ટ્રીય મહાસભાનો જન્મ ઓગણીસમી સદીના નવમા દાયકામાં થાય છે અને રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘનો જન્મ તેનાં ચાલીસેક વર્ષ પછી વીસમી સદીના ત્રીજા દાયકામાં થાય છે. આજના કૉંગ્રેસપક્ષને અંગે તેની ઘટતી જતી લોકપ્રિયતા અંગે ચર્ચા થઈ શકે છે, પરંતુ તેના પાયામાં જે ભારત-ભાષ્ય, અનેકાંતવાદી ભાષ્ય રહેલું છે તે આજે પણ વિવિધ રીતે પ્રગટે છે. સંઘ-પરિવાર ઇતિહાસને મરોડવા કટિબદ્ધ છે અને પરિણામે ‘સહિષ્ણુ’ તથા ‘અસહિષ્ણુ’નો વાદ-પ્રતિવાદ તાજેતરમાં થયો અને થતો રહેશે.
અનેકાંતવાદી ભારત-ભાષ્ય સાંપ્રત સમયમાં પણ અણધારી રીતે કે દિશાએથી વ્યક્ત થયા કરે છે, તેનું ઉદાહરણ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિના ડિસેમ્બર, ૨૦૧૫ના વક્તવ્યમાં પ્રગટ થાય છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી તીરથરામ ઠાકુરે એમના ભાષણમાં જણાવ્યું કે ‘મેં ગીતા સંસ્કૃતમાં નથી વાંચી, પરંતુ ઉર્દૂ અનુવાદમાં વાંચી છે અને આ અનુવાદ મુસલમાન વિદ્વાને કરેલો છે.’ શ્રી ટી.એસ. ઠાકુરના આ વક્તવ્યમાં ભારતની અનેકાંતવાદી પરંપરા થોડાક શબ્દોમાં જ ખીલી ઊઠે છે.
આગામી વર્ષોમાં સમાવેશક ભારતના પક્ષધરો અને સમરસ ભારતના પુરસ્કર્તાઓ વચ્ચેનો સંઘર્ષ વધુ ને વધુ તીવ્ર બનશે તેવા એંધાણ વરતાય છે. સંઘ-પરિવાર સત્તાધારી બન્યો તે પછી સાંસ્કૃિતક ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે તેમ જ માધ્યમો દ્વારા જે પહેલ થઈ રહી છે, તે સૂચવે છે કે સત્તા અને સંસ્કૃિતનું નવું સમીકરણ રચાઈ રહ્યું છે. સમાવેશક ભારતના પક્ષધરો સામે પડકારો એ છે કે તેઓ સંયુક્ત રૂપે સામનો કરે છે અને અનેકાંતવાદી પરંપરાને અખંડ રાખે.
e.mail setumail@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2016; પૃ. 05 & 07
![]()

