
courtesy : "The Daily Telegraph", 10 August 2016
![]()

courtesy : "The Daily Telegraph", 10 August 2016
![]()
લોકો જ્યારે ટોળે વળે, ચાહે એ સિનેમા હોલમાં હોય, ટીવીના પડદા સામે હોય કે પછી દેશના તારણહાર સામે હોય, તાળીઓ પડવી અને તાળીઓ માટે તમાશો થવો એ બહુ સ્વાભાવિક છે. ટોળાંનો સ્વભાવ તમાશબીનનો હોય છે. તમારો રાજ્યાભિષેક થાય ત્યારે જે ટોળું વાહવાહી કરે એ જ ટોળું તમારો શિરચ્છેદ થાય ત્યારે પણ સરાહના જ કરશે. ઇતિહાસમાં જે બ્લન્ડર થયા છે તે આવી રીતે ટોળાંને ખુશ કરવામાંથી થયાં છે.
2003માં તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ બુશ અને પ્રધાનમંત્રી ટોની બ્લેરે ચિયરલીડર મીડિયા અને તમાશબીન જનતાની ચિચિયારીઓ વચ્ચે તાનાશાહ સદ્દામ હુસેનના ‘નર્ક’ ઇરાક પર ચઢાઈ કરીને જગતભરના ટેલિવિઝન સ્ક્રીન ઉપર હોળી-દિવાળીનો તમાશો કર્યો હતો. ઘણીવાર આપણને નાસમજણનું એવું ઝનૂન ચઢે છે કે એમાં લાખો લોકો હોમાઈ જાય છે, અને એમાંથી આપણે કંઈ સમજીએ તે પહેલાં નવા તમાશાની તૈયારી કરી લઈએ છીએ. દાખલા તરીકે રાષ્ટ્રપ્રમુખપદની 2016ની ચૂંટણીના પ્રબળ દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પે એની ‘કડક’ ભાષામાં એકથી વધુ વખત ત્રીજા મહાયુદ્ધના સંકેત આપ્યા છે.
બ્રિટનમાં અત્યારે પૂર્વ બ્યુરોક્રેટ સર જોન ચિલ્કોટનો એક રિપોર્ટ ચર્ચામાં છે, જે આપણી યુદ્ધપરસ્ત માનસિકતાને ઝકઝોરી નાખે તેવો છે. એક એવું યુદ્ધ જેમાં સૈનિકો સહિત અઢી લાખથી વધુ લોકો મરી ગયા હોય અને એમાં જખ્મી, વિકલાંગ, માનસિક આઘાત ઝીલી રહેલા સૈનિકો અને નાગરિકોની સંખ્યા એના કરતાં પણ વધુ હોય, જે યુદ્ધની તબાહીમાંથી ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક એન્ડ સીરિયા (આઇ.એસ.અાઇ.એસ.) નામના દુર્જેય સંગઠનનો જન્મ થયો હોય, અગર આ યુદ્ધનાં 13 વર્ષ પછી ખબર પડે કે આ યુદ્ધ તદ્દન ગલત હતું, અન્યાયી હતું અને એના ફેંસલા માટે ટોની બ્લેરને પસ્તાવો થઈ રહ્યો છે તો વિચારો કે તમારા દિલ પર શું અસર થાય?
સર જોન ચિલ્કોટે 7 વર્ષની મહેનત પછી 6,000 પાનાંનો રિપોર્ટ પેશ કર્યો છે. તેમાં 26 લાખ શબ્દો છે અને 12 વોલ્યુમ છે. સર ચિલ્કોટને એક જ મુદ્દાને છાનબીન કરવાની હતી: 2003માં ઇરાક ઉપર ચઢાઈ કરવી જરૂરી અને ઉચિત હતી? આ રિપોર્ટમાં 28 જુલાઈ, 2002ના રોજ ટોની બ્લેરે જ્યોર્જ બુશને લખેલી એક નોંધનો ઉલ્લેખ છે, જેમાં એ વાતનો સંકેત છે કે યુદ્ધ કરવાના ફેંસલા પર જલદીથી અમલ કેમ થઈ ગયો. એમાં બ્લેરે બુશને લખ્યું હતું, ‘જે થવું હોય તે થાય, હું તમારી પડખે રહીશ.’
એ વખતે પૂરી દુનિયા યુદ્ધના વિરોધમાં હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુદ્ધને લીલી ઝંડી ફરકાવવા ઇન્કાર કરી દીધો હતો. અમેરિકાએ ત્યાં પણ ધોંસ જમાવી હતી. અમેરિકાએ રાષ્ટ્રવાદના નામ પર એવું ઝનૂન પેદા કર્યું હતું કે યુદ્ધનો વિરોધ કરનારને આતંકવાદનો સમર્થક ઘોષિત કરવામાં આવતો હતો. અમેરિકન મીડિયાને જાણે તમાશો મળી ગયો હોય તેમ ભાવુકતા પેદા કરી રહ્યું હતું. દુનિયાના જનમતની ઐસી તૈસી કરીને ચેનલોએ એમની રેટિંગને જ જનમત બનાવી દીધો અને યુદ્ધના તમાશામાં સામેલ થઈ ગઈ.
ચિલ્કોટ રિપોર્ટ કહે છે કે ટોની બ્લેરે એમની જનતા સમક્ષ સદ્દામ હુસેનના સંભવિત ખતરાના નામે ગપગોળા જ પેશ કર્યા હતા. જ્યોર્જ બુશે સદ્દામ હુસેનને ‘દુષ્ટતાની ધરી’ (એક્સિસ ઑફ ઇવિલ) તરીકે ઘોષિત કર્યો હતો, જેણે પશ્ચિમી રાષ્ટ્રો સામે આતંકવાદની કમાન રચી હતી. ઇરાક સામે યુદ્ધ છેડવાનું એક ‘નક્કર’ કારણ સદ્દામ હુસેનનો સામૂહિક વિનાશના હથિયારનો કાર્યક્રમ હતો. અમેરિકી અને બ્રિટિશ સૈન્યએ સદ્દામનો ખાત્મો કર્યો તે પછી ખબર પડી કે સદ્દામ પાસે એવાં કોઈ જ હથિયાર ન હતાં.
ઇરાક યુદ્ધમાં બુશ અને બ્લેર બંને ભલે એમના દેશવાસીઓને ગુમરાહ કરતા રહ્યા હોય, પણ જંગના અસલી કારણની બધાને ખબર છે. ઇરાક યુદ્ધ પર ચોપડી લખનાર બ્રિટિશ સમાચાર પત્ર ‘ધ ઇન્ડિપેન્ડેન્ટ’નો પૂર્વ પત્રકાર જસ્ટિસ હગલર કહે છે, ‘ઇરાક યુદ્ધનું એક માત્ર કારણ તેલ હતું. 2003માં બગદાદમાં ધડાધડી થઈ તો અમેરિકાએ સૌથી પહેલાં તેલના કૂવાને સુરક્ષિત કરી દીધા હતા, કારણ કે તેલ જ ખરી તાકાત છે. જનતંત્ર અને માનવમૂલ્યોની સ્થાપનાનાં નામ પર અમેરિકા અને બ્રિટને ઇરાકમાં જે કર્યું, એ હવે દુનિયાની સામે છે. આવી ભયંકર તબાહીનો બીજો દાખલો ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળશે.’
આજે ડોનાલ્ડ ટ્રમ્પ જેની સામે ‘કડક હાથે’ કામ લેવાની ભાષા વાપરે છે અને જેણે બ્રિટનને આતંકની ગિરફ્તમાં લઈ લીધું છે તે આઇસીસ સંગઠન ઇરાકની આ તબાહીમાંથી પેદા થયું છે, એ આપણી યુદ્ધપરસ્ત માનસિકતામાં જડીને રાખવા જેવી હકીકત છે. ટોની બ્લેરે આ વાત સ્વીકારી છે. ઇરાક યુદ્ધ માટે માફી માગતી વખતે બ્લેરે કહ્યું હતું, ‘આતંકવાદી ઇસ્લામિક સંગઠનના જન્મ માટે મારા પર ઇલ્ઝામ મૂકી શકાય. અગર ઇરાક યુદ્ધ ન થયું હોત તો આજે આઇ.એસ. જેવું સંગઠન પૂરી દુનિયામાં હિંસા અને આતંકનો કહેર વરસાવતું ન હોત. સદ્દામ હુસેનને હટાવ્યા પછીની સ્થિતિનો અંદાજ મેળવવામાં ભૂલ થઈ હતી.’
જ્યોર્જ બુશ પણ ઇરાક યુદ્ધની ગલતી માની ચૂક્યા છે. ‘ડિસિઝન પોઇન્ટ’ નામની ચોપડીમાં બુશે લખ્યું છે, ‘ઇરાક યુદ્ધમાં ઘણી ભૂલો થઈ હતી. મારા કાર્યકાળના અંતિમ દિવસોમાં મારી હાલત એવી હતી જાણે હું એક ડૂબતા જહાજનો કપ્તાન હોઉં.’ બુશની વિદેશ મંત્રી રહી ચૂકેલી મૈડલીન અલબ્રાઇટ પણ એક સ્થાને લખે છે, ‘ઇરાક યુદ્ધ અમેરિકાની સૌથી મોટી ભૂલ હતી, જેનાં ફળ આપણે હજુ ય ભોગવી રહ્યાં છીએ.’
જંગમાંથી ઊભરેલું ઇરાક અંતિમવાદી સુન્ની સમૂહ આઇ.એસ.ના કબજામાં આવી ગયું છે. 2003થી ઇરાક અને સીરિયામાં જે ભયાનક સ્થિતિ નિર્માણ થઈ તેમાંથી બચવા લોકો પલાયન થઈ રહ્યા છે અને આઇ.એસ. એ અસ્થિરતામાં પગદંડો જમાવી રહ્યંુ છે. દુનિયાભરમાંથી જે ઇલાકામાંથી સૌથી વધુ શરણાર્થી નીકળી રહ્યા છે, તેમાં ઇરાક અને સીરિયા મોખરે છે. 2003માં બુશ અને બ્લેરે એક ‘સમસ્યા’નું ‘સમાધાન’ લાવવા ખાતરી આપી હતી. આપણે એ ખાતરીમાં તણાઈ ગયા હતા. આજે એ સમાધાન નવી સમસ્યા બની ગયું છે, અને ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી બુશની જ ભાષામાં ‘સમાધાન’ની વાત કરે છે.
બુશથી લઈને ટ્રમ્પ સુધીની જો બીજી કોઇ નિષ્ફળતા હોય તો એ છે કે લીડરોના સ્તર ઘટી રહ્યા છે. ઇરાક યુદ્ધ વખતે બુશ અને બ્લેર માનવતા અને એમના દેશવાસીઓના મસીહા તરીકે ઊભર્યા હતા. એ વખતે એમણે કેવી ભવ્ય વાતો કરી હતી એ યાદ છે? સર ચિલ્કોટના રિપોર્ટ પછી આજે બંને સામે ‘યુદ્ધ અપરાધી’ તરીકે કામ ચલાવવાની માગણી થઈ રહી છે. આપણને એમાં રસ ન પડે, કારણ કે સામાન્ય જનમાનસ તો ઝનૂનમાં જ જિંદગીનો અહેસાસ કરે છે, વિવેકબુદ્ધિમાં નહીં.
આપણા લીડરો જો શ્રેષ્ઠ અને લાયક હોય તો એ આપણામાં ભાવનાનાં પૂર પેદા ન કરે, પણ સારા-નરસાનો ભેદ પારખવાની સમજ આપે.
ઇરાક યુદ્ધમાં દુનિયાની શાંતિ તો જોખમાઈ જ, સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન જેવા ‘માથાના ફરેલા’ લીડરોનો ઉદય થયો તે બોનસમાં.
ઘણીવાર આપણી સામે એવી સ્થિતિ આવી જાય છે કે આપણે એનાં મૂળમાં જવાની હિંમત અને કાબેલિયત ગુમાવી દઈએ છીએ. આવી દરેક સ્થિતિમાં લીડરો અને મીડિયા આરપારની લડાઈનાં સમાધાન આપતાં રહે છે. આપણે આવી ગોળીઓ ગળતા પણ રહીએ છીએ. સર ચિલ્કોટનો રિપોર્ટ આપણી આ સમજને ઝકઝોરે તેવો છે. ઘણીવાર આંધળા ઝનૂનથી લેવાયેલા નિર્ણય દુનિયાને બહેતર બનાવવાને બદલે કેવી રીતે બદતર બનાવે એના સાક્ષાત્ સાક્ષી બુશ અને બ્લેર છે.
ઇતિહાસ હર મોડ ઉપર કંઇક શીખવાનો અવસર પૂરો પાડે છે. આપણે એ અવસરને તક ગણીએ છીએ કે તમાશો એના પર ભવિષ્યના ઇતિહાસનો આધાર રહે છે.
સૌજન્ય : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 07 અૉગસ્ટ 2016
https://www.facebook.com/permalink.php?story_fbid=1647581552236564&id=1379939932334062&substory_index=0
![]()
અંધેરી નગરી અને ગંડુ રાજા
આ વાર્તા નથી. આ દુનિયામાં આવો માણસ હરે–ફરે છે. તેમનું નામ હતું : ‘મિ. રે લા–શપેલ.’ તે મારા બૉસ હતા. પ્લાસ્ટિક કલર કંપનીના પ્રેસિડન્ટ હતા. હું તે કંપનીમાં ટૅકનિકલ ડાયરેક્ટર હતો.
૧૯૯૮ના એપ્રિલમાં એક દિવસે સવારે તે મારી ઑફિસમાં ધસી આવ્યા. તેમના હાથમાં તે દિવસનું ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ હતું. તેમણે તે પેપર મારા ટેબલ પર પછાડ્યું. ‘વોટ ઈઝ ધીસ? આ શું છે?’ મને કાંઈ સમજ ન પડી. મને કહે કે, ‘પેપર વાંચ.’ પહેલા પાના પર મોટા અક્ષરે ન્યુઝ હતા કે ‘ઈન્ડિયાએ રાજસ્થાનના રણમાં અણુધડાકો કર્યો.’ પછી મારા પ્રેસિડન્ટ ઉછળીને બોલ્યા, ‘તમે ઈન્ડિયનો તમારા મગજમાં સમજો છો શું? એટમબોમ્બ ફોડ્યો એટલે અમારી બરોબરના થયા? તમે સાબિત શું કરવા માંગો છો?’ મેં ખૂબ નમ્રતાથી કહ્યું કે, ‘આ એટમબોમ્બ ફોડવામાં મારો હાથ નથી અને જો ઈન્ડિયન ગવર્નમેન્ટને સલાહ આપું તો ત્યાં કોઈ મારું સાંભળે પણ નહીં.’ તે બોલ્યા કે, ‘મિસ્ટર, શનિવારનું ડીનર કેન્સલ.’
આ ડીનરની વાતમાં એમ હતું કે માર્ચના અંતમાં ગૂડી પડવાને દિવસે મારી દીકરી પરણી હતી. તેમાં મિસ્ટર અને મિસીસ લા–શપેલ નહોતાં આવી શક્યાં. તો મેં તેમના કુટુમ્બ સાથે મારા કુટુમ્બનું ડીનર એક ફ્રેન્ચ રેસ્ટોરાંમાં ગોઠવ્યું હતું. આ ગાંડા માણસે ઈન્ડિયાએ અણુ વિસ્ફોટ કર્યો તે મારા માથે ઢોળ્યું અને મારો વાંક કાઢીને ડીનર કેન્સલ કર્યું. ‘તસ્કર ખાતર પાડતાં – ચોર દબાયા ચાર’ જેવો ઘાટ થયો. ઈન્ડિયન ગવર્નમેન્ટમાં મારું ચાલતું હોત તો તે બોંબ રે લા–શપેલના માથે જ ફોડાવત.
હવે આ માણસ કેટલો પાગલ છે તે તો મને પહેલે દિવસે મારા જોબ ઈન્ટરવ્યુ વખતે જ સમજાઈ ગયું હતું. મારો ઈન્ટરવ્યુ લેવા જનરલ મેનેજર અને પ્રેસિડન્ટ બેઠા હતા. હું જેવો તેમની ઑફિસમાં ગયો કે મિ. લા–શપેલ ઊભા થઈ ગયા. ‘ઓહ, માય ગોડ ! યુ આર વેરી હેન્ડસમ. આઈ લાઈક યોર પર્સનાલિટી,’ તેણે બાજુમાં બેઠેલા જનરલ મેનેજર મિ. ફીલ પેટનને કહ્યું કે, ‘મિ. પેટન, તમને આ માણસ ગમ્યો? મને તો બહુ જ ગમ્યો છે. એને નોકરીમાં રાખી દો.’ ટૅકનિકલ ડાયરેક્ટરની પોસ્ટ માટે આવું કેટલાને બન્યું હશે? મારા હાથમાં જાત જાતનાં સર્ટીફિકેટ્સ હતાં, કેરેકટર રેફરન્સીસ હતા. મિ. રે લા–શપેલને કશાની જરુર ન લાગી. તેમને મારો દેખાવ ગમી ગયો. તેમને મારી પર્સનાલિટી ગમી ગઈ. મેં મનોમન મારા મા–બાપને ‘થેન્ક યુ’ કહ્યું. આવું મારા જીવનમાં બીજી વાર બન્યું. પહેલી વાર, મારી પત્નીને પરણતાં પહેલાં જોવા ગયો હતો. ત્યારે બન્યું હતું.
મિ. લા–શપેલે તેમની સેક્રેટરીને અને સ્ટાફની બીજી બે ત્રણ છોકરીઓને બોલાવીને પુછ્યું કે, ‘આ માણસ હેન્ડસમ છે ને ! એને નોકરીમાં લીધો છે.’ મને પોતાને સંકોચ થતો હતો. ઈન્ટરવ્યુમાં કેવા કેવા સવાલ પૂછાશે વગેરે વિચારોથી પરસેવો થતો હતો. અને અહીં તો આ નાટક ! અને હૈયામાં ઠંડક થઈ ગઈ. હકીકતમાં તો મારે તે દિવસે જ સમજી લેવા જેવું હતું કે અહીં તો ‘ટકે શેર ભાજી; ટકે શેર ખાજા છે.’
તેમનો દીકરો અમારી કંપનીમાં સેલ્સમેન હતો. તેની સાથે મારે ઘણી વખતે ટૅકનિકલ મદદ માટે ટ્રાવેલીંગ કરવી પડતી હતી. અને મારી મદદથી તેને ચાર પાંચ સારા ઓર્ડર પણ મળ્યા હતા. તે મારો મિત્ર બની ગયો હતો. એક વખતે કોઈ કારણસર તેને અમારા પ્રેસિડન્ટ ખૂબ વઢ્યા. અને બે વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ. તે આખી ઑફિસે સાંભળ્યું–જોયું. પછી તે મારી ઑફિસમાં આવ્યા અને પોતાના દીકરા વિશે મને કહેવા લાગ્યા કે, ‘તેં એને ચડાવી માર્યો છે.’ ત્યારે મેં તેમને સમજાવ્યા કે ‘અમારા હિન્દુઓમાં કહેવાય છે કે છોકરાં તો બોલે; પણ બાપે તેમને માફ કરી દેવાં જોઈએ.’ તે વાત તેમને ગમી ગઈ અને ત્યાર પછી તે હમ્મેશાં મારી સાથે જાત જાતની હિન્દુ ફિલોસોફીની વાતો કરવા આવતા. મઝાની વાત એ હતી કે હું જનરલ મેનેજરને રિપોર્ટીંગ કરતો હતો. પણ પ્રેસિડન્ટ સીધા મારી ઑફિસમાં કામ સિવાયની વાતો કરવા આવી જતા. શરૂઆતમાં મને કે કોઈને આ વાત નહોતી સમજાતી. પછી મારા બોસ મિ. ફીલ પેટન મને લા–શપેલ સાથે શી શી વાતો થઈ તે પૂછતા. અને હું તેમને સાચું કારણ આપતો કે મિ. લા–શપેલ મારા કુટુમ્બ વિશે પૂછપરછ કરતા હતા. અને મારા બૉસ મને શંકાની નજરે જોતા અને કહેતા કે તારી વાત મને સાચી નથી લાગતી; પણ તું કહેતો હોય તો તારી વાત સાચી માનીશ.
હવે વિચારવા જેવી વાત એ હતી કે આવી મોટી કંપનીના પ્રેસિડન્ટને આમ ગપસપ કરવાનો સમય મળે ખરો? કંપનીનું ૪૮ મીલિયન ડૉલરનું સેલ હતું. અને સોથી વધુ માણસો કામ કરતા હતા. મને લાગતું કે કંપની જનરલ મેનેજર મિ. પેટન ચલાવતા અને પ્રેસિડન્ટ જલસા કરતા હતા.
અમેરિકન ફૂટબોલના એક કાળા પ્લેયર, ઓ. જે. સિમ્પ્સને પોતાની ગોરી પત્નીનું ખૂન કર્યું હતું. તેનો કેસ ચાલતો હતો. અમેરિકન પ્રજાનો મત તો આ વિષય પર વહેંચાયલો હતો. ગોરા માનતા કે તે ખૂની છે; જ્યારે કાળા અમેરિકનો તેને નિર્દોષ માનતા. જે દિવસે એ કેસનો કોર્ટમાં નિર્ણય આવવાનો હતો, તે દિવસે મિ. લા–શપેલ સવારે મારી ઑફિસમાં આવ્યા. મને કહે કે, ‘તને આ કેસ વિશે શું લાગે છે.’ મેં તેમને કહ્યું કે, ‘સિમ્પ્સન નિર્દોષ જાહેર થશે.’ મારી દૃષ્ટિએ કારણ તો બહુ સીધું હતું. અમેરિકાની કોર્ટમાં તેને ગુનેગાર સાબિત કરવો હોય તો દરેક જ્યુરીનો નિર્ણય એક સરખો હોવો જરૂરી હતો. હવે તેમાં બે કાળા જ્યુરી હતા! જે કદી કાળા કેદીને ગુનેગાર ન ગણે. એટલે ગુનેગાર છૂટી જાય. અને થયું પણ તેમ જ. ઓ. જે. સિમ્પ્સન નિર્દોષ જાહેર થયો.
એટલે મિ. લા–શપેલ ગુસ્સે થયા. તે પોતે ગોરા અમેરિકન હતા. અને મને કહે કે, ‘તને ક્યાંથી ખબર પડી કે તે છૂટી જશે?’ તમે માનશો કે ઓ. જે. સિમ્પ્સન નિર્દોષ છૂટ્યો તો તેમાં મારો હાથ હતો? હવે આ માણસને કેવી રીતે જીતાય ! કદાચ કંપનીમાં કોઈ ટૅકનિકલ પ્રોબ્લેમ ઊકેલી ન શકું તો મને જૂતા મારો, ગણીને એક સો; પણ આવી વાહિયાત વાતો પર મારા પર ચીઢાય તેનું શું? પછી મેં નક્કી કર્યું કે : ‘સિંહનું મોઢું સૂંઘવા કરતાં શિયાળની જેમ કહી દેવાનું કે મને શરદી થઈ છે.’
હવે આ પ્રેસિડન્ટની બીજી ઘણી બધી વિચિત્ર બાજુઓ હતી. અમે બે, કોઈ ટૅકનિકલ પ્રેઝન્ટેશન માટે સાથે એર ટ્રાવેલીંગ કરતા. ત્યારે મારું લગેજ એ ઊંચકી લે ! જાતે મારી કૉફી બનાવી આપે ! તેમની સાથે કોઈ રેસ્ટોરાંમાં ડ્રીંક પીતા હોઈએ તો તમારે એ જેટલા પૅગ પીએ એટલા ફરજિયાત પીવા પડે! હા, તેમનો કાયદો હતો કે રેસ્ટોરાંમાં એ પોતે ખુરશીમાં બેસે પછી જ સ્ટાફ બેસે. જો એમની સાથે ટેનીસ રમતા હો તો તે જ જીતવા જોઈએ. જો ભૂલથી તમે જીતો તો પાછા મર્યા !
ટૂંકમાં, તમારા માથા પર બે–ધારી તલવાર લટકતી હોય. મને પોતાને પગાર સરસ હતો અને કંપનીની બધી ટૅકનિકલ મુશ્કેલીઓમાં મને ઊંડી સમજ હતી. તેથી નોકરી છોડવાનું બહુ મન નહોતું થતું. હવે બીજી ન સમજાય તેવી વાત એ હતી કે તે એક ઈન્ડિયન, હરનિશને તે પસંદ કરતા હતા; પરંતુ તેમને ઈન્ડિયા નહોતું ગમતું! બીજા ઈન્ડિયનો પણ નહોતા ગમતા !
તેમાં મારા કમનસીબે, કોઈ ઈન્ડિયને તેમની કારને પોતાની કાર ભટકાડી – અથવા તો એમ કહેવાય કે મિ. લા–શપેલની કાર કોઈ ઈન્ડિયનની કાર સાથે અથડાઈ. વાંક કોનો? ત્યારે કહે કે હરનિશનો. આવ્યા સીધા બીજે દિવસે મારી ઑફિસમાં. ‘તારા ઈન્ડિયનોને કાર ચલાવતા પણ નથી આવડતી. ઊંટગાડી ચલાવો, ઊંટગાડી!’ મને કહેવાનું મન તો થઈ ગયું કે : ‘અમે ઈન્ડિયનો તમારી કંપનીઓ તો ચલાવવાનું જાણીએ છીએ, એટલું ઓછું છે ?’
આ માણસથી છુટવાનું મેં નક્કી કરી નાખ્યું અને મેં પહેલી તકે તે નોકરીમાં રાજીનામું આપી દીધું. તો બીજે દિવસે સવારે મારી ઑફિસમાં આવીને કહે કે, ‘તમે ઈન્ડિયનો તમારા મગજમાં સમજો છો શું? તમારા વિના મારી કંપની બંધ પડી જશે?’
મેં તેમને જવાબ તો ન આપ્યો; પણ મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે ભારત એટમબોંબ ફોડે તો સારું અને તે પણ મિ. લા–શપેલના માથા પર !
લખ્યા તારીખ : 15th May, 2016
4-Pleasant Drive, Yardville, NJ-08620 – USA Email : harnishjani5@gmail.com
સૌજન્ય : “સન્ડે ઈ.મહેફીલ” – વર્ષઃ બારમું – અંકઃ 354 – August 07, 2016
![]()

