ભારતના કેટલાક બૌદ્ધિકો પણ ઘાતક રાષ્ટ્રવાદની પકડમાં આવી ગયા હોવાનો વધુ એક દાખલો એક પ્રકાશનશ્રેણીને લગતા અત્યારના વિવાદ વિશે વાંચતાં મળે છે. આપણા પ્રાચીન સાહિત્યના અંગ્રેજી અનુવાદની એક ગ્રંથમાળા ‘મૂર્તિ ક્લાસિકલ લાઇબ્રેરી ઑફ ઇન્ડિયા’ નામે બહાર પડી રહી છે. જાણીતા સખાવતી ઉદ્યોગપતિ એન.આર. નારાયણમૂર્તિના હાર્વર્ડમાં અભ્યાસ કરી રહેલા પુત્ર રોહને આ ગ્રંથશ્રેણી માટે હાર્વર્ડ યુનિવર્સિટીને 5.2 મિલિયન ડૉલરનું દાન આપ્યું છે. તેના ઉપક્રમે સંસ્કૃત સહિત દસ ભારતીય ભાષાઓનાં પ્રાચીન સાહિત્યના મૂળ પાઠ અને અંગ્રેજી અનુવાદની પાંચસો ખંડની ગ્રંથમાળાનું આયોજન છે. તેમાંથી કુલ પાંચેક હજાર પાનાનાં દસ પુસ્તકો ગયાં બે વર્ષ દરમિયાન બહાર પડી ચૂક્યાં છે. તેમાં તુલસી રામાયણ, બુલ્લે શાહની રચનાઓ, અબુલ ફઝલના અકબરનામા, બૌદ્ધ કવયિત્રીઓનાં પદ્ય ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ દુષ્કર કાર્યના મુખ્ય સંપાદક તરીકે અમેરિકન વિદ્વાન શેલ્ડન પોલૉકની વરણી અંગે વિવાદ ચાલ્યો છે. કોલંબિયા યુનિવર્સિટીના સંસ્કૃત અને ફિલોલૉજીના અધ્યાપક પોલૉકને ૨૦૧૦માં પદ્મપુરસ્કાર મળેલો છે.
તેમને સંપાદકપદેથી હઠાવવા માટે તાજેતરમાં દેશના એકસો બત્રીસ વિદ્વાનોએ ફાઉન્ડેશનને અરજી કરી છે. તેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ ટેક્નોલૉજી(આઈ.આઈ.ટી.)ના બત્રીસ અધ્યાપકો ઉપરાંત સંસ્કૃત કે ભારતીય વિદ્યાઓના વિદ્વાનો છે. ભારતના પૂર્વચૂંટણી-કમિશનર ગોપાલસ્વામી ઉપરાંત કેટલાક સનદી અધિકારીઓ પણ અરજીના ટેકેદારો છે. ગુજરાતમાંથી સ્વામીનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનના માધવપ્રિયદાસ છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(જેએનયુ)ના અંગ્રેજીના વિખ્યાત અધ્યાપક-વિવેચક મકરંદ પરાંજપેએ અરજી પર સહી કરનાર તરીકેની ભૂમિકા સ્પષ્ટ કરતો લેખ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’(૨૧/૩)માં લખ્યો છે. સ્વપન દાસગુપ્તાએ લખ્યું ‘ઇફ વિ ડોન્ટ સેવ સંસ્કૃત, વ્હાય સ્ટૉપ ફૉરિનર્સ?’ (ટાઇમ્સ,૩/૪).
સલીલ ત્રિપાઠીએ આ વિવાદનાં લેખાંજોખાં કરી, વિદ્યાજગત માટે તેની અશોભનીયતા બતાવી એક વિકલ્પ પણ સૂચવ્યો છે (લાઇવ મિન્ટ, ૨૪/૩). ગ્રંથકાર્ય શરૂ થયા પછી પાંચેક વર્ષે તેના સંપાદક સામે સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. તેનું દેખીતું કારણ તો જેએનયુના મુદ્દે પોલૉકે ભારત સરકારના દમન અને લડાયક રાષ્ટ્રવાદ વિરોધી ભૂમિકા લીધી તે છે. પોલૉક સામેની અરજીમાં નોંધવામાં આવ્યું છે કે પોલૉક ‘દેશની એકતા અને અખંડિતતા માટે અનાદર’ ધરાવે છે. પરાંજપે તેમને ડાબેરી વિચારસરણીવાળા ‘હિન્દુફોબ’ ગણાવે છે. બીજો એક વાંધો એ મતલબનો ઉઠાવવામાં આવ્યો છે કે પોલૉકે ચારેક વર્ષ પહેલાં એક અભ્યાસપત્રમાં સાઉથ એશિયાના જ્ઞાન કરતાં પશ્ચિમના જ્ઞાનને માનવજાત માટે વધુ લાભકારી ગણાવ્યું હતું. જો કે આ આરોપ સંશોધનપત્રના સગવડિયા, અવિચારી, અધકચરા અને પૂર્વગ્રહદૂષિત વાંચન તેમ જ અર્થઘટનથી કરવામાં આવ્યો હતો, તે પોલૉકના તરફેણદારોએ સાબિત કરી આપ્યું. આરોપ જે ફકરાને ટાંકીને કરવામાં આવ્યો હતો તેમાં ખરેખર તો સાઉથ એશિયાના જ્ઞાનની પશ્ચિમે કરેલી ઉપેક્ષા સામે પોલૉકે સવાલ ઉઠાવ્યો છે. તેના પહેલાના હિસ્સામાં તેમણે વ્યાકરણ, રસમીમાંસા અને નાટ્યશાસ્ત્ર જેવા ભારતીય પ્રદાનની મહત્તા સમજાવી છે.
વાંધાનો અન્ય એક મુદ્દો એવો છે કે એક બિનભારતીય વિદ્વાનને આ કામ સોંપવામાં ભારતીય વિદ્યાજગતનું અપમાન છે. બિલ ગેટસ્ફાઉન્ડેશન અમેરિકન સાહિત્યસંસ્કૃિતનું કામ કોઈ ચીની વિદ્વાનને સોંપે, તો અમેરિકનોને કેવું લાગે, એવો અત્યારની દુનિયામાં તો ખાસ બાલિશ ગણાય તેવો સવાલ પણ ઊભો કરવામાં આવ્યો છે. સલિલ કહે છે કે આવા પ્રકારનો ગ્રંથસંગ્રહ કરવામાં ભારતીયોને કોઈએ અટકાવ્યા નથી. પછી તે પૂછે છે : ‘ભારતીય અક્ષરસાહિત્યનું અર્થઘટન માત્ર ભારતીયો જ કરી શકવાના હોય એવા માહોલવાળી દુનિયા તો ભયંકર હોય. શેક્સપિયરના નાટક ‘ઑલ્સ વેલ ધૅટ ઍન્ડ્સ વેલ’ના, સુનિલ શાનબાગે કરેલા ગુજરાતી અર્થઘટનનો અંગ્રેજો વિરોધ કરે એવું બને ખરું ? કટોકટીનો અણસાર આપતી અને તેની ટીકા કરતી ‘સૉક્રેટિસ’ નવલકથા ૧૯૭૫માં લખનાર મનુભાઈ પંચોળી-દર્શકને ગ્રીક સાક્ષરો અટકાવે એવું બને ખરું ?’ પોલૉકની હકાલપટ્ટી માટે, સભ્ય અને વિદ્વત્તાપૂર્ણ ભાષામાં લખાયેલી અરજીમાંનો જીર્ણમત, અતિરાષ્ટ્રવાદ અને સંકુચિતતા હાસ્યાસ્પદ હોવાની સાથે ચિંતાજનક પણ છે. વળી એમ પણ થાય કે અઢારમી સદીના વિલિયમ જૉન્સથી લઈને અત્યારના વિલિયમ ડાર્લિમ્પલ સુધીનાનું શું કરીશું? એવો ય વિચાર આવે કે આ ખંડપ્રાય દેશમાં ભાગ્યે જ ક્યાંક ચાલતી દેવભાષાની જીર્ણતા અને ઉપેક્ષાનું સાંપ્રતકાળના સંદર્ભે શું કરીશુ?
જી.એ. તરીકે ઓળખાતા મરાઠી સાહિત્યના જાણીતા વાર્તાકાર ગુરુનાથ આબાજી કુલકર્ણી (૧૯૨૩-૮૭) તેમના ચાહકો-અભ્યાસીઓ માટે એક કોયડો રહ્યા છે. તેમના નવ સંગ્રહોની વાર્તાઓમાં ક્રૂરતા અને શોક, દૈવ અને દંતકથા, અપાર્થિવ અને અગોચર, ગૂઢ અને રમ્ય જેવાં તત્ત્વો વાચક પર છવાઈ જાય છે. વિવેચકોએ જી.એ. અને કાફકા તેમ જ બોર્જેસ વચ્ચે સામ્ય જોયાં છે. ધારવાડની કૉલેજના અંગ્રેજી સાહિત્યના આ અધ્યાપકે વિલિયમ ગોલ્ડિંગની ‘લૉર્ડ ઑફ ધ ફ્લાઇઝ’ ઉપરાંત અમેરિકન લેખક કૉનરૅડ રિચ્ટરની પાંચ નવલકથાઓનો અનુવાદ કર્યો છે. ‘કાજળમાયા’ વાર્તાસંચય માટે ૧૯૭૩માં મળેલા કેન્દ્રિય સાહિત્ય અકાદમીના પુરસ્કાર અંગે વિવાદ થતાં તેમણે ઇનામી રકમ અને પ્રવાસખર્ચ સહિત પુરસ્કાર પાછો આપ્યો હતો. પોતાનો ઠીક મોટો વાચકવર્ગ ઊભો થયો હોવા છતાં જી.એ. હંમેશાં લોકોથી સાવ અળગા રહેવાનું પસંદ કરતા. અપરિણીત અંગત જીવન વિશે કોઈને માહિતી ન મળે તેની પૂરી તકેદારી રાખતા. એટલે તેમના જીવનનાં રહસ્યો ઉકેલવામાં ચાહકો-અભ્યાસીઓ સતત મથતા રહ્યા છે. એકંદરે બિનઅંગત એવાં સાહિત્યિક-વૈચારિક પત્રોનાં ચાર સંચયો અને સંપર્કમાં આવેલા માણસોનાં સંભારણાં થકી તેમના વ્યક્તિગત જીવન પર પ્રકાશ પાડવાની કોશિશો ચાલતી રહી છે. આવી જ એક જંગમ કોશિશ વિ.ગો.વડેર નામના અભ્યાસીના ‘અર્પણપત્રિકાંતૂન જી.એ. દર્શન’ (રાજહંસ પ્રકાશન, પુણે, રૂ.૪૦૦) નામના પુસ્તકમાં મળે છે. જી.એ.એ નવ કથાસંગ્રહો માતા, પિતા, ત્રણ મામા, ત્રણ બહેનો, એક માશી એમ તેમના પરિવારની વિવિધ વ્યક્તિઓને અર્પણ કર્યા છે. તેમાંથી દરેક પર વડેરે એક-એક પ્રકરણ લખ્યું છે. સહુથી લાંબું પ્રકરણ ‘રમલખુણા’ નામનો વાર્તાસંગ્રહ, જે વતન બેળગાવ અને તેમાં વસતા જી.એ. પરનો છે. કુલ ત્રણસો નેવું પાનાંમાં જી.એ.ના ભેદી જીવનનો ચિતાર આલેખાયો છે. તેના માટે લેખકે ૨૦૦૬થી આઠેક વર્ષ છ-સાત હજાર કિલોમીટરનો પ્રવાસ કરી પચીસેક ગામોની સો વ્યક્તિઓની મુલાકાત લીધી છે. સંશોધકે પોતાના પ્રિય લેખકના માનવસંબંધોની કરેલી શોધયાત્રાની બહુ રસપ્રદ વિગતો પ્રસ્તાવના અને પરિશિષ્ટોનાં પાંત્રીસ પાનાંમાં છે. આ પૂર્વે અરધા તપની આવી જ મહેનતથી વડેરે ‘જી.એં.ચી કથા પરિસરયાત્રા’ નામના ગ્રંથનું સહલેખન પણ કર્યું છે.
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2016; પૃ. 10 અને 12
![]()


(એમ.એન. રોયે સને ૧૯૩૧થી ૧૯૩૬ના પોતાના જેલ સમય ગાળામાં જે જુદા જુદા વિષયો પર પોતાના ચિંતનાત્મક લેખો લખ્યા હતા, તેમાંનો અગત્યનો લેખ ભારતની રાજકીય આઝાદી પછી સામાજિક અને સાંસ્કૃિતક આઝાદી કેવી રીતે પ્રાપ્ત કરવી તે હતો. ઉપરના લેખની વિગત પ્રો. જયંતી પટેલ અને પ્રો. દિનેશ શુક્લ દ્રારા અનુવાદ કરેલ પુસ્તકના પ્રથમ પ્રકરણમાંથી લીધેલા છે. પુસ્તકનું મૂળ અંગ્રેજી નામ Essence of Royism by Prof. G.D. Parekh અને ગુજરાતીમાં તેનું નામ “રોય વિચાર દોહન” છે. ગુજરાતી પુસ્તકનું પ્રકાશન – યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજય, અમદાવાદ ૩૮૦ ૦૦૬, કરેલ છે. − બિપીનભાઈ શ્રોફ, તંત્રી, “માનવ વાદ”.)
ભારતના લોકોની જે નાની લઘુમતી સામાજિક અને સાંસ્કૃિતક રીતે તેમ જ સમયાનુક્રમે વીસમી સદીમાં જીવે છે, તેમાંના લોકો પણ પ્રત્યાઘાતી, આક્રમક રાષ્ટ્રવાદને પોષક એવા બહુજન સમાજના માનસના જબરજસ્ત દબાણ હેઠળ નમતું જોખે છે. આપણે એ રખે ભૂલીએ કે આવી ઝનૂની આક્રમક રાષ્ટ્રીયતા એ જાતિ અગર વંશીય ધિક્કારની જ એક પ્રકારની અભિવ્યક્તિ છે. અને એમ એક અર્થમાં તે લઘુતાગ્રંથિનો (ઇનફ્યોરિટી કોમ્પલેક્સ) જ આવિષ્કાર છે. …… ભારતમાં પ્રવર્તતી સામાજિક મનોદશા હજુ મધ્યયુગી છે. તો બીજી બાજુએ ફીક્કા પડતા મૂડીવાદી આદર્શો, આધુનિક શિક્ષીત ભારતવાસીને પણ આ મધ્યયુગી સામાજિક મનોદશા ભેદીને બહાર આવવાનું મજબૂત કહેવાય એવું કોઈ પ્રોત્સાહન પૂરા પાડતા નથી. દેશના લોકો આ સંક્રાંતિ સમયના સ્વતંત્રતાના ખ્યાલ વચ્ચે ત્રિશંકુની જેમ ઝોલા ખાય છે. જેઓ આધુનિક સભ્યતાને એક અનિષ્ટ ગણતા હોય, તેમને લોકશાહી સમાજવાદના માનવીય મૂલ્યો પણ કોઈ અપીલ કરી શકતા નથી. આવા લોકોની સ્પષ્ટ માન્યતા હોય છે કે જે અનિષ્ટ (આધુનિક સભ્યતા) છે તેમાંથી કશું સારું નીકળી શકવાનું નથી ……..