સમાજ પછી ફિલ્મો અને બજારે ચામડીના રંગને કહેવાતી ઉચ્ચતા બક્ષવામાં મોટો ફાળો આપ્યો છે
નોબલ પુરસ્કૃત કર્મશીલ સાહિત્યકાર વોલ સોયિન્કાના દેશ નાઇજિરિયાના કાળા યુવાનો પર નોઇડામાં થયેલો હુમલો ભારતના લોકોમાં વ્યાપત રંગભેદ દર્શાવતો હોવાનું કહેવાયું. એટલે ભારતમાં કશો રંગભેદ નથી એમ કહીને પુરાવારૂપે ભાજપી સાંસદ તરુણ વિજયે ભારતમાં દક્ષિણ ભારતીય કાળાઓનો હવાલો આપ્યો. તરુણ વિજયની આ ટિપ્પણીનો દક્ષિણ ભારતના લોકોએ ભારે વિરોધ કર્યો છે.
રંગભેદ અને તેના કારણે ઊભાં થતાં પૂર્વગ્રહ અને ભેદભાવ પર કંઈ અમેરિકા-ઇંગ્લૅન્ડની જ માલિકી નથી. ભારતમાં પણ રંગ અને જાતિના કારણે ભેદભાવો પૂરતા પ્રમાણમાં જોવા મળે છે. દિલ્હી, નોઇડા, બેંગલુરુ, મુંબઈ અને અમદાવાદમાં વસતા-ભણતા આફ્રિકાના દેશોના વિદ્યાર્થીઓને તેમના કાળા રંગને કારણે ચીડવવામાં આવે, મારવામાં આવે, નીચા અને હલકા ગણવામાં આવે તેવું બનતું રહ્યું છે. ગયા વરસે દિલ્હીમાં કોંગોના એક વિદ્યાર્થીને સામાન્ય કારણસર માથામાં પથ્થર મારીને મારી નાખવામાં આવ્યો હતો. બેંગલુરુમાં રોડ અકસ્માતના બનાવને લીધે આફ્રિકી વિદ્યાર્થિનીઓ પણ હિંસાનો ભોગ બની હતી. દિલ્હી નજીકના ખડકી ગામે આમઆદમી પાર્ટીના તત્કાલીન કાયદામંત્રી સોમનાથ ભારતીએ ટોળા સાથે જઈને આફ્રિકી યુવતીઓને અડધી રાતે માર માર્યો હતો.
ભારતના જુદા જુદા શહેરોમાં આફ્રિકન દેશોના વિદ્યાર્થીઓ સાથેની આ રંગભેદી હિંસાનો તે દેશોના દિલ્હી સ્થિત રાજદૂતોએ કરેલો સામૂહિક વિરોધ તો જાહેર છે, પરંતુ યુ.પી.એ. શાસન સમયે આફ્રિકન રાજદૂતોની એક રજૂઆત ખાસ ચર્ચાઈ નથી. આ રાજદૂતોની ફરિયાદ હતી કે એરપોર્ટ પર તેમની સાથે પ્રોટોકોલ મુજબનો વ્યવહાર થતો નથી. તેમને સામાન્ય પેસેન્જરની જેમ લાઇનમાં ઊભું રહેવું પડે છે. નવાઈની વાત એ છે કે આવું પશ્ચિમના દેશોના રાજદૂતો સાથે થતું નથી. સરકાર ક્રિસમસની ઉજવણીમાં આફ્રિકી રાજદૂતોને બાકાત રાખતી હોવાની પણ ફરિયાદ ઊઠી હતી. આફ્રિકી દેશોમાં ભારત મોટા પાયે મૂડીરોકાણ કરતું હોય, આફ્રિકી વિદ્યાર્થીઓ ભારતમાં મોટી સંખ્યામાં ભણતા હોય ત્યારે ભારતમાં પ્રવર્તતા આ રંગભેદી પૂર્વગ્રહો શરમજનક છે.
ચામડીનો રંગ નહીં, માનવીના ગુણ મહત્ત્વના છે તેમ કહેવાય છે પણ વાસ્તવમાં એવું હોય છે ખરું ? આજે હોલિવુડમાં મહત્ત્વનું પદાર્પણ કરી ચૂકેલાં ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરાને રંગભેદ જેવો અનુભવ થાય તો માની શકાય ? ‘કૉફી વિથ કરણ’માં પ્રિયંકાએ કહેલું કે તેમને વિમાનમાં તેમના કાળા રંગને લીધે ભેદભાવનો અનુભવ થયો હતો. પ્રિયંકાને તે આટલું સરસ અંગ્રેજી કઈ રીતે બોલે છે એવો સવાલ સતત પૂછાય છે. તેની પાછળ પણ રંગભેદી માનસિકતા જ નથી શું? ગયા વરસે એક કૂવડ કૉમેડી શોમાં અભિનેત્રી તનિષ્ઠા ચેટર્જીને તેમના શરીરના શ્યામ રંગને કારણે ભદ્દી મજાકનો ભોગ બનવું પડેલું અને તેમણે શો અધવચ્ચેથી છોડવો પડેલો. તનિષ્ઠાને, ‘તમને જાંબુ બહુ ભાવતાં હશે?’ કે ‘બાળપણમાં કેટલાં જાંબું ખાતાં હતાં?’ એટલું પૂછીને ધરવ ન થયો તો પછી આગળ એમ પણ પૂછાયું કે ‘તમારી અટક ચેટર્જી છે એટલે તમે બ્રાહ્મણ છો?’ જવાબમાં હકાર મળ્યો તો પૂછયું, ‘તમારા મમ્મીની અટક શું છે?’ મિત્રા એવી બ્રાહ્મણ અટક સાંભળીને પ્રશ્નકર્તા કૉમેડિયન દંગ રહી ગયો. એ બાપડો માનતો હશે કે બ્રાહ્મણ કાળો હોય જ નહીં. કાળાકુબડા તો દલિત આદિવાસી પછાતો હોય. ‘ગોરા એટલે જ્ઞાતિ કોટિક્રમમાં ઊંચા’ એ જાતિવાદી માનસિકતા દેશમાં નેશનલ ટેલિવિઝન પર એકવીસમી સદીના બીજા દાયકે પણ જોવા મળે છે.
બીજી બાજુ ભારતમાં સ્ત્રી-પુરુષ સૌ કોઈને ગોરા દેખાવું ગમે છે. 2016ના આંકડા મુજબ એશિયામાં મેલ કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી આશરે 14,333 કરોડ રૂપિયાનો છે. તેનો 61 ટકા હિસ્સો ફેર સ્ક્રીન પ્રોડકટ્સનો છે. ભારતીય યુવાનો ગોરા દેખાવાના ફેરનેસ ક્રીમ લગાડવામાં થાઇલેન્ડ પછીના બીજા ક્રમે છે. આ ક્રીમની આડાઅસરની કોઈ પરવા કરતું નથી. કેમ કે, ધોળી ચામડી જ આકર્ષણનું કેન્દ્ર મનાય છે.
જેમ ગોરાપણાના દીવાના લોકો છે, તેમ તેના વિરોધી નહીં તો કમસે ક્મ ચામડીના રંગને સ્વીકારનારા પણ છે. અમેરિકાના કાળાઓએ ‘બ્લેક ઇઝ બ્યૂટીફુલ’નો નારો બુલંદ કર્યો હતો, તેમ ભારતમાં હાલ નાના પાયે થઈ રહ્યું છે. ગોરા બનાવવાના દાવા કરતાં સૌંદર્ય પ્રસાધનો સામે ‘ડાર્ક ઇઝ બ્યૂટીફુલ’નું અભિયાન ચાલી રહ્યું છે. જાણીતાં અભિનેત્રી નંદિતા દાસ આ અભિયાનનો ચહેરો છે. નંદિતા દાસને પણ પોતાની ચામડીના શ્યામ વર્ણને કારણે સહન કરવાનું થતું રહે છે. સમાજ પછી ફિલ્મો અને બજારે ચામડીના ગોરા રંગને કહેવાતી ઉચ્ચતા બક્ષવામાં મોટો ફાળો આપ્યો છે.
ઘરઆંગણે નંદિતા દાસનું સૌંદર્યના માપદંડો બદલવાનું અને ‘શ્યામ પણ સુંદર છે’ અભિયાન ચાલે છે તેમ અમેરિકામાં પણ કાળા લોકો રંગભેદ સામે સતત લડતા હોય છે. અમેરિકાની પુખ્ત લોકશાહી છતાં ગોરાઓનું વર્ણઘમંડ હજુ પૂર્ણપણે ગયું નથી. ‘વૉશિંગ્ટન પોસ્ટ’ના ‘વર્લ્ડ વેલ્યુ સર્વે’ પ્રમાણે દુનિયામાં સૌથી ઓછો રંગભેદ અને જાતિભેદ ધરાવતો દેશ તો બ્રિટન છે. જોર્ડન પછીના ક્રમે સૌથી વધુ જાતિવાદી-રંગભેદી દેશ ભારત છે. આ બ્રિટનના એક કાફેની કાળી માલિકણ નામે માર્થાને તેના રંગને લીધે ધોળા ઘરાકોનો જાકારો મળ્યો તો તેણે કાફે બહાર ‘હું શ્યામ વર્ણની છું ને કાયમ શ્યામ દેખાવાની છું. જો તમે શ્યામ લોકોથી દૂર રહેવાના હો તો મારા કાફેમાં ન આવતા’ એવી વિજ્ઞપ્તિ લગાડી દીધી. તેને કારણે ગોરાઓને નીચાજોણું થયું. અમેરિકાના વર્જિનિયાના એક ધોળા યુગલે કાળી વેઇટ્રેસને ટિપ આપી નહીં અને અપમાનિત કરી, છતાં તેણે કોઈ નફરત દેખાડ્યા વિના ફરી તેમને આવકારવાની તૈયારી દેખાડી. આ બંને ઉદાહરણો વિરોધ અને સમર્થનની અનોખી રીતો દર્શાવે છે. જો કે બેઉ રંગનું અભિમાન તોડે છે.
અમેરિકામાં રંગભેદના મુદ્દે માર્ટિન લ્યઉથર કિંગનો સંઘર્ષ, દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મન્ડેલાની લડત અને અમેરિકામાં લાગલગાટ બે ટર્મ કાળા પ્રમુખ બરાક ઓબામાનું રાષ્ટ્રપ્રમુખ થવું – જરૂર નોંધપાત્ર છે. છતાં રંગભેદ ઓબામાના શાસનકાળમાં પણ પૂરો ગયો નથી એ સમયે પણ અમેરિકી ગોરી પોલીસ કાયદાની છટકબારીઓ શોધી કાળાઓને ગોળીએ દેતી હતી. અમેરિકી કાળાઓની નાગરિક ચળવળના નેતા કર્નેલ વેસ્ટે કહ્યું હતું, ‘આપણે કાળાઓ પ્રત્યેની વર્તણૂકને કાળાઓની સમસ્યા માની બેઠા છીએ. તેને અમેરિકી તરીકે દેશની સમસ્યા માનતા નથી. તે સૌથી મોટી સમસ્યા છે.’ રંગ, જાતિ કે લિંગના નામે આચરાતા ભેદભાવો એ સમગ્ર દેશ કે સમાજની સમસ્યા છે એમ માનતા થઈશું તો જ ખરા અર્થમાં ‘વસુધૈવ કુટુંબકમ્’ કે ‘વિવિધતામાં એકતા’ સિદ્ધ થઈ શકશે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : ’કાલે હૈં તો ક્યા હુઆ’, “િદવ્ય ભાસ્કર”, 20 અૅપ્રિલ 2017
![]()


વ્યક્તિ પોતાના શબ્દસામર્થ્યથી લેખક બની શકે છે. એક લેખકનું શરીર અમુક વર્ષો પછી નાશ પામે છે, પરંતુ તેનો શબ્દદેહ-સર્જનો તેના મૃત્યુ પછી પણ જીવંત રહેતાં હોય છે અને એટલે જ લેખક મૃત્યુ પછી પણ ઘણાં વર્ષો સુધી જીવતો રહેતો હોય છે! પણ શું તમે એવા કમનસીબ સાહિત્યકારને જાણો છો, જેણે જીવતેજીવ પોતાનામાં રહેલા લેખકની હત્યા કરી દેવી પડી હોય? આ કમનસીબ સાહિત્યકારનું નામ છે – પેરુમલ મુરુગન. આ તમિલ સાહિત્યકારે પોતાની નવલકથા ‘મધોરુબગન’ માટે કટ્ટરવાદી હિન્દુ સંગઠનો અને પોતાના જ સમાજની એવી સતામણી સહેવી પડી હતી કે પોતાનું ઘર-શહેર છોડવાં પડ્યાં. કટ્ટરવાદીઓએ ધાકધમકી આપીને પુસ્તક પાછું ખેંચાવ્યું અને બિનશરતી માફી મગાવી. ઉગ્ર વિરોધ અને ધાકધમકીના ઘટનાક્રમ પછી સ્થિતિ એવી સર્જાઈ કે આખરે પેરુમલ મુરુગને એક લેખક તરીકે પોતે મૃત્યુ પામ્યા છે, એવું જાહેર કરવું પડ્યું. પેરુમલ મુરુગને 12મી જાન્યુઆરી, 2015ના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકેલી, ‘લેખક પેરુમલ મુરુગન મરી ગયો છે. એ ઈશ્વર નથી કે ફરીથી જન્મ લેશે. હવે તે ફક્ત પી. મુરુગન છે. ફક્ત એક શિક્ષક. એને એકલો છોડી દો.’
તાજેતરમાં એક સારા સમાચાર આવ્યા છે કે પેરુમલ મુરુગનને પોતાની જે તમિલ નવલકથા ‘મધોરુબગન’ માટે અનેક સતામણી સહેવી પડી હતી, હવે એ જ પુસ્તકના અંગ્રેજી અનુવાદ ‘વન પાર્ટ વુમન’ને સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પોંખવામાં આવ્યો છે. આ પુસ્તકના અનુવાદક અનિરુદ્ધ વાસુદેવનને એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. અહીં નોંધનીય બાબત એ છે કે મધોરુબગન નવલકથા આમ તો 2010માં પ્રકાશિત થઈ હતી, જે અંગ્રેજીમાં અનુદિત થઈને 2014માં ‘વન પાર્ટ વુમન’ના નામે પ્રકાશિત થયું હતું. આ પુસ્તકમાં એક નિ:સંતાન દંપતીની વ્યથા અને સમાજમાં એક સમયે ચાલતી અમુક પ્રથાઓનું વર્ણન કરવામાં આવેલું, જેની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઈ અને તેને કારણે હિન્દુત્વવાદી સંસ્થાઓએ તેનો વિરોધ શરૂ કરેલો. જો કે, દેશના બંધારણે અને ન્યાયપાલિકાએ એક લેખકની અભિવ્યક્તિની આઝાદીનું ચિરહરણ અટકાવ્યું હતું.