દેશમાં કેટલાંક હિન્દુ સંગઠનો કોઈ ને કોઈ મુદ્દે હિંસા ફેલાવવાનું કામ કરે છે. જેમ કે ગૌહત્યા, ગૌમાંસ વગેરે. જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે, ત્યારથી આવાં સંગઠનોને વધુ બળ મળ્યું છે.
ઉત્તરપ્રદેશમાં દાદરીમાં મોહમ્મદ દાખલાક તથા હજારીબાગમાં પણ બે લોકોની ગાયના નામે હત્યા કરવામાં આવી અને હમણાં પહેલી એપ્રિલના રોજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બહ રોડ, અલવર પાસે દિવસના ભાગમાં તથાકથિત ગૌરક્ષકના એક જૂથે હરિયાણા રાજ્યના નૂહ જિલ્લાના જસવંતપુરા ગામના પહલુખાન અને તેમના પરિવારના લોકોની અમાનવીય રીતે પિટાઈ કરી. તેમાં પહલુખાનનું ત્રણ તારીખે મૃત્યુ થયું છે, એક દીકરાની આંખ અને કાનમાં વધારે ઈજા થઈ છે અને ગામના બીજા એક ભાઈની સ્થિતિ ઘણી નાજુક છે.
પહલુખાન અને ગામના બીજા લોકો જયપુરમાં દર અઠવાડિયે ભરાતા સરકારી પશુમેળામાં ગયા હતા. તેમાંથી તેમણે પાંચ ગાય અને છ વાછરડી ખરીદી હતી. ગાયો ખરીદવા માટે પાસેના ગામના શાહુકાર પાસેથી વ્યાજે નાણાં લાવેલા. તેમાંથી ગાયો ખરીદી હતી. ગાય ખરીદી તેની રસીદ પણ હોય છે. તે પણ તેમની પાસે હતી. ઉનાળામાં ભેંસનું દૂધ ઓછું થઈ જાય છે અને રમઝાન મહિનો હવે શરૂ થવાનો હતો. રમઝાન મહિનામાં દૂધની અછત વધારે હોય છે, તેથી નવી ગાયો ખરીદવા ગયા હતા. એટલે આ મામલો કાયદેસર ગાયની ખરીદી અને પશુપાલન સાથે જોડાયેલો હતો પણ બની બેઠેલા ગૌરક્ષકો પહેલાં પૈસા લૂંટી લેતા હોય છે અને પછી હિંસા શરૂ કરે છે. આ કિસ્સામાં પણ તેવું જ કર્યું. ગાયો ભગાડી ગયા. બેમાંથી જે ગાડીનો ડ્રાઇવર હિન્દુ હતો, તેને જવા દીધો.
આ પ્રસંગને ૨૦ દિવસ થયા હોવા છતાં પરિવારને તેમનાં ગાય, પૈસા અને બીજો જે સામાન લૂંટી ગયા છે તે પાછો મળ્યો નથી. બધાની સારવાર પણ ખાનગી હૉસ્પિટલમાં જ થયેલી. તેનો ખર્ચ પણ વધારે છે.
સરકાર તરફથી હજી સુધી કોઈની અટકાયત કરવામાં આવી નથી કે નથી પહલુખાનના પરિવારને કોઈ જાતનું સંરક્ષણ કે મદદ મળ્યાં. અમે ‘સર્વસેવા સંઘ’ તરફથી જોધપુરનાં આશાબહેન બોથરા સાથે અલવર ગયાં. ત્યાં સ્થાનિક લોકો સાથે મુલાકાત કરીને પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કર્યો.
આઝાદીની લડાઈ વખતે તે લોકો મુશ્કેલીમાં પાકિસ્તાન ના ગયા, તે બધાને અલવર-રાજસ્થાન અને હરિયાણાનાં કેટલાંક ગામોમાં વસાવ્યા. તે વિસ્તારને મેવાત કહેવાય છે અને ત્યાંના મુસ્લિમોને મેવુ કહે છે. બધા ખેતી અને પશુપાલનના વ્યવસાયથી જોડાયેલા છે. ભણતરનું પ્રમાણ નહીંવત્ છે. અહીંથી આઝાદીની લડાઈમાં ૪૫૦ લોકો શહીદ થયા હતા.
પહલુખાનના ઘરે શોકનું વાતાવરણ હતું. તેમનાં મા અંગૂરી- બેગમ અને તેમનાં પત્ની ખૂબ દુઃખી હતાં. તેમની દીકરીઓ, દીકરાઓ પણ ભયમાં છે. તેમના પૈસા પણ ગયા અને માણસ પણ જાય ત્યારે કેવું વીતે? અમે ગામના બીજા ભાઈ અસલમ સુલતાનને મળ્યા. તેમની સ્થિતિ પણ ઘણી દયનીય છે. આવે સમયે તેમને થોડા સહારાની જરૂર હોય છે. થોડો વખત તેમની સાથે રહેવાથી પણ તેઓને સારું લાગતું હોય છે.
પીડિતોને ન્યાય અપાવવા માટે ભૂમિ-અધિકાર આંદોલન અને કિસાન સંઘર્ષસમિતિ, એન.એ.પી.એમ. તરફથી તા. ૧૯મીએ દિલ્હીમાં દેખાવોનો કાર્યક્રમ રાખ્યો હતો. તેમાં પણ ભાગ લીધો.
અલવરથી નૂહ, પહલુખાનના ગામ જતાં-જતાં રસ્તામાં જે ગામો આવતાં હતાં, તે ગામોમાં બધી વસતિ મુસ્લિમોની. કોઈ ગામમાં જઈને લોકોને મળવાની ઇચ્છા થઈ. ડ્રાઇવરને કહ્યું, પણ તે તો માને જ નહીં. મેવુના ઘરે જવાય જ નહીં. અમે અલવરથી નીકળતાં હતાં, ત્યારે આશાદીદીના એક સગાએ કહ્યું, તમે બે બહેનો એકલી જ જાઓ છો? મેવાત બહુ ખતરનાક છે, કેવી રીતે જશો? પણ અમને વાંધો નહોતો. આખરે એક ગામમાં રોકાયાં. સૌથી પહેલું જે ઘર હતું ત્યાં બહેન કપડાં ધોતી હતી. અમને જોયાં એટલે આવ્યાં ને પૂછ્યું. અમે તો સાવ અજાણ. બે હિન્દુ બહેનો. કોઈ કારણ વગર મુસ્લિમ પરિવારના ઘરના આંગણે ઊભાં રહ્યાં. તરત ખાટલો પાથર્યો. અલકમલકની વાતો થઈ. આડોશપડોશનાં બીજાં બહેનો ભેગાં થયાં. પછી તો ભાઈઓ પણ ભેગા થયા. પહલુખાનની વાત થઈ. ૩૫ કિલોમીટર દૂર પહલુખાનનું ઘર, છતાં કોઈને આ હત્યાની વાતની ખબર નહીં. છાપાં આવે નહીં, ટી.વી. હોય તો સમાચાર સાંભળે નહીં. જો કે, અમારા જવાથી તેઓને ખૂબ સારું લાગ્યું. કેટલીયે વાર બેઠાં, અમને પણ ઊઠવાનું મન ન થાય અને તેઓને પણ અમને જવા દેવા નહોતાં. પછી તો જમીને જ જવાનું એવો આગ્રહ. આખરે અમે ઊભાં થયાં. એક બહેનને તો થાય કે ઘરમાંથી શું આપું? હાથબનાવટની કેટલીયે વસ્તુ લઈ આવ્યાં, ઘણી ના છતાં તેમનું માન જાળવવા એક રિબિન લીધી. થોડા જ સમયમાં કેટલો પ્રેમ મળ્યો! અમે તો અભિભૂત થઈ ગયાં. આવો આપણો દેશ. ના પરિચય, ના ધર્મ આડે આવ્યો.
પાછા વળતા ડ્રાઇવરને પૂછ્યું કે, બોલો, કંઈ થયું? હવે તે પણ અમારી વાત સાથે સહમત થયો. દૂરથી સાંભળેલી વાતો ઉપર વિશ્વાસ ન કરતાં નજીક જઈએ તો સાચો પરિચય થાય. પ્રેમ જ પ્રેમ. આ વિશ્વાસ આપણે પાછો સંપાદિત કરવાનો છે.
E-mail : gujaratloksamiti@yahoo.co.in
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2017; પૃ. 07
![]()


મનીષા દેસાઈ મૂળ ભારતીય ને વલસાડી. વખતોવખત ભારત આવે ને કંઈક ને કંઈક સંશોધનાત્મક પ્રકલ્પ હાથ ધરીને આંતરરાષ્ટ્રીય માપદંડથી વાસ્તવિકતાને મૂલવવાનો પ્રયત્ન કરે. એમાં પણ વિશેષ નારીવાદી દૃષ્ટિકોણ રહે. તેમનું "Subaltern Movement in India: Gendered Geographies of Struggle against Neoliberal Development" પુસ્તક તાજેતરની ત્રણ ચળવળને નજીકથી જોઈ, સમજી તેનાં વિવિધ પાસાંને નજર સમક્ષ રાખીને નારીવાદી દૃષ્ટિકોણથી તૃણમૂલ સ્તરે સમજ કેળવીને વાસ્તવિકતાને મુખર કરે છે. આ ત્રણ ચળવળ છે : (૧) નાર-પાર આદિવાસી સંગઠન (૨) મહુવા ખેતીવાડી પર્યાવરણ બચાવો સમિતિ અને (૩) માછીમાર અધિકાર સંઘર્ષસમિતિ પ્રેરિત જન આંદોલનો. આ ત્રણે ચળવળ દક્ષિણ ગુજરાત-વનાંચલ, સૌરાષ્ટ્રઃ મેદાની વિસ્તાર અને કચ્છના બંદર વિસ્તારને આવરે છે, એટલે અહીં યોગાનુયોગે પૂરું ગુજરાતનું ચિત્રણ છે. આ ચળવળો ગાંધીવિચાર પ્રેરિત, પ્રજાસમાજવાદી, સમાજવાદી, નારીવાદી અને પર્યાવરણવાદી સંગઠનો અને નેતાઓ દ્વારા સ્ત્રી-પુરુષ-આબાલવૃદ્ધ સૌને સાંકળીને સ્થાપિત હિતોને પડકારે છે અને કેટલેક અંશે સારી સફળતા પણ હાંસલ કરે છે. કાયદાકીય રસ્તો, જનવાદી સંગઠિત દેખાવો ને સંઘર્ષ સાથે તળજમીની પરિવર્તનશીલ બદલાવના કારણે બહુપાંખિયા જંગ માટેની ચુસ્ત રણનીતિને દર્શનાંકિત કરે છે. એક બાજુ સ્થાપિત હિતો ધરાવતી સરકારી નીતિની જાળ છે, નફાના હેતુથી બજારલક્ષી રસ ધરાવતી નિરમા જેવું ઉદ્યોગગૃહ છે, તો પાવરપ્લાન્ટ માટે સક્રિયતા છે, જે અનુક્રમે આદિવાસીઓ, ખેડૂતો, માછીમારોની પરંપરાગત, વાસ્તવિક જિંદગીને અસરકર્તા તો બને જ છે, સાથે એમને મૂળિયાં સમેત ઉખેડવાની સ્થિતિમાં મૂકવાની ત્રેવડ પણ ધરાવે છે.
કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ચોર્યાસી વર્ષની સફળ અને સુફળ જિંદગીમાં અનેક જુદાં જુદાં ક્ષેત્રો ખેડ્યાં એટલું જ નહીં, તેમાં અસાધારણ સફળતા પણ મેળવી. મુનશી એમના જમાનાના એક પ્રખર અને ખ્યાતનામ ધારાશાસ્ત્રી હતા. યુનિવર્સિટી ઓફ બોમ્બેમાં વિવિધ પદે રહી તેના કામકાજમાં મહત્ત્વનો ભાગ ભજવનાર કેળવણીકાર હતા. ૧૯૧૫ની હોમરૂલની ચળવળથી માંડીને ૧૯૪૭ સુધીની દેશની આઝાદી માટેની લડતમાં સક્રિય ભાગ લેનાર અગ્રણી સેનાની હતા. આઝાદી પહેલાં મુંબઈ રાજ્યની અને આઝાદી પછી કેન્દ્રની સરકારમાં એમણે પ્રધાન તરીકે મહત્ત્વની કામગીરી બજાવી. ભારત સરકારના પ્રતિનિધિ તરીકે હૈદરાબાદના મુક્તિ સંગ્રામની જવાબદારી હિંમત અને કૂનેહપૂર્વક પાર પાડી. ઉત્તર પ્રદેશ જેવા દેશના સૌથી મોટા રાજ્યના ગવર્નર બન્યા. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતરમાં મુનશીનું પ્રદાન અત્યંત મહત્ત્વનું છે. ચક્રવર્તી રાજગોપાલ ચારીએ સ્થાપેલા સ્વતંત્ર પક્ષના તેઓ ઉપપ્રમુખ હતા. તેમણે ગુજરાત સાહિત્ય સંસદ અને ‘ગુજરાત’ સામયિકની સ્થાપના કરી. ૧૯૨૬થી ૧૯૫૭, લગભગ વીસ વર્ષ સુધી તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદનું પાલન, પોષણ અને સંવર્ધન પોતાની રીતે કર્યું. ૧૯૩૮માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી અને તે પછીનાં તેત્રીસ વર્ષમાં તેની પ્રવૃત્તિઓનો અસાધારણ વિસ્તાર કર્યો.
અમદાવાદ નેશનલ બુક ફેર, ૨૦૧૭ દરમ્યાન આજે આપણે મુનશીની નવલકથા ‘ગુજરાતનો નાથ’ને યાદ કરીએ છીએ તે એક રીતે જોતાં તેના જન્મ દિવસની ઉજવણી બરાબર છે. કારણ ગયે મહિને ‘ગુજરાતનો નાથ’ના જન્મને એક સો વર્ષ પૂરાં થયાં. હાજી મહંમદ અલારખિયાના ‘વીસમી સદી’ નામના સામયિકના એપ્રિલ ૧૯૧૭ના અંકમાં આ નવલકથાનો પહેલો હપ્તો પ્રગટ થયો હતો. એટલે કે ‘ગુજરાતનો નાથ’ના પ્રાગટ્યને ગયે મહિને સો વર્ષ પૂરાં થયાં. છેલ્લો હપ્તો માર્ચ ૧૯૧૯ના અંકમાં છપાયો. મુનશીની પહેલી નવલકથા ‘વેરની વસૂલાત’ ‘ગુજરાતી’ સાપ્તાહિકમાં ૧૯૧૩ના ઓગસ્ટથી ૧૯૧૫ના જુલાઈ સુધી હપ્તાવાર પ્રગટ થઇ ત્યારે તે મુનશીના નામે નહિ, પણ ‘ઘનશ્યામ વ્યાસ’ના કૃતક નામે પ્રગટ થઇ હતી. ત્યાર બાદ એ જ સાપ્તાહિકના ભેટ પુસ્તક તરીકે પહેલી ઐતિહાસિક નવલકથા ‘પાટણની પ્રભુતા’ પણ એ જ કૃતક નામે પ્રગટ થયેલી. ગુજરાતનો નાથ’ હપ્તાવાર છપાવા લાગી ત્યારે શરૂઆતમાં તે પણ ‘રા. ઘનશ્યામ’ના કૃતક નામે છપાતી હતી. પણ એપ્રિલ ૧૯૧૮ના અંકથી ‘રા. ઘનશ્યામ’નું નામ દૂર કરી લેખક તરીકે ‘કનૈયાલાલ મા. મુનશી, એડવોકેટ’ એમ સાચું નામ મૂકવાનું શરૂ થયું.