સાવ કોરી પાટી. એ કોરી પાટી પર અક્ષર કોરવા માટે એક બાજુએ બંધારણ છે અને બીજી બાજુ નાગપુર છે. તેઓ ક્યાંથી અક્ષરજ્ઞાન મેળવશે એ તો સમય બતાવશે. એક દલિત આંબેડકર હતા જેમણે દલિત તરીકેના ડંખ ભૂલીને ‘આઇડિયા ઑફ ઇન્ડિયા’ને બંધારણમાં મઢવાનું કામ કર્યું હતું. એક દલિત નારાયણન હતા જેમણે આંબેડકરની પરંપરાને આગળ વધારી હતી. હવે જોઇએ રામનાથ કોવિંદ કલંક લગાડે છે કે કલગી
ભારતના અત્યાર સુધીના રાષ્ટ્રપતિઓમાં સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપતિ કોણ એવો સવાલ જો મને પૂછવામાં આવે તો હું ક્ષણભર પણ વિચાર કર્યા વિના એક દલિતનું નામ આપું. એ દલિત હતા કે. આર. નારાયણન્. કેરળના એક દલિત પરિવારમાં તેમનો જન્મ થયો હતો, હરિજન સેવક સંઘની શાળામાં તેઓ ભણ્યા હતા, ભણવામાં અત્યંત બ્રાઇટ નારાયણન્ને ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી સ્કૉલરશિપ મળી હતી અને તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં ડૉક્ટરેટ કરવા ગયા હતા. લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સના વડા વિશ્વપ્રસિદ્ધ રાજનીતિશાસ્ત્રજ્ઞ હેરોલ્ડ લાસ્કી હતા. નારાયણન્ ડૉક્ટરેટ કરીને ભારત પાછા ફરતા હતા ત્યારે લાસ્કીએ ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુને પત્ર લખ્યો હતો કે આ યુવકનો સરકાર ઉપયોગ કરે; તેઓ અત્યંત ખંતીલા, બુદ્ધિમાન અને મૂલ્યનિષ્ઠ માણસ છે.
એ પછી જે બન્યું એ ઇતિહાસ છે. નારાયણને સરકારી નોકરી કરી હતી અને એ પછી કૉન્ગ્રેસમાં જોડાઈને કેન્દ્ર સરકારમાં પ્રધાન તરીકે કામગીરી બજાવી હતી. તેમની સૌથી મોટી યશકલગી રાષ્ટ્રપતિપદ હતું. હોદ્દાની દૃષ્ટિએ નહીં, હોદ્દાની પ્રતિષ્ઠા જાળવવાની અને વધારવાની દૃષ્ટિએ. સંપૂર્ણપણે બંધારણનિષ્ઠ. તેમના કાર્યકાળમાં તેમણે બંધારણની જોગવાઈઓની અવગણના થવા દીધી નહોતી. કોઈ પ્રશ્ન વિશે જાહેરમાં બોલ્યા વિના કે જાહેરમાં બાખડ્યા વિના તેમણે સરકારના કાન આમળ્યા હતા. તેમના કાર્યકાળમાં ગુજરાતમાં ગોધરા અને અનુગોધરા ઘટનાઓ બની હતી અને રાષ્ટ્રપતિએ ત્યારે અટલ બિહારી વાજપેયી સરકારની નીંદ હરામ કરી નાખી હતી. બિહાર સરકારને ડિસમિસ કરવાના સરકારના પ્રસ્તાવને પણ તેમણે પાછો મોકલ્યો હતો.
રાષ્ટ્રપતિ પાસેથી બંધારણીય અપેક્ષા એવી છે કે તેઓ દેશના અંતરાત્માના અવાજ (કૉન્શ્યસ કીપર) તરીકે અને બંધારણના રખેવાળ તરીકે કામ કરે. ભારતના પહેલા દલિત રાષ્ટ્રપતિ આ ફરજ બજાવવામાં તેમના પુરોગામીઓ કરતાં સવાયા સાબિત થયા હતા. તેઓ ભારતના પહેલા રાષ્ટ્રપતિ હતા જેમણે લોકસભાની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. રાષ્ટ્રપતિ તટસ્થતા બતાવવા માટે મતદાન નથી કરતા. નારાયણને કહ્યું હતું કે તેઓ પહેલા નાગરિક છે અને પછી રાષ્ટ્રપતિ છે. ભારતના નાગરિક હોવું એ તેમની બંધારણદત્ત પ્રાથમિક ઓળખ છે અને બાકીની ઓળખ હોદ્દાની રૂએ મુદત પૂરતી મેળવેલી હોય છે. તટસ્થતાની આડે નાગરિકત્વ નથી આવતું જો બંધારણની સમજ હોય અને એના માટે નિષ્ઠા હોય.
એની સામે ભારતનાં પહેલાં મહિલા રાષ્ટ્રપતિ નામે પ્રતિભા પાટીલ કેવાં હતાં એ આપણે જાણીએ છીએ. નામ સાંભળીને મનમાં કોઈ આદર જ પેદા ન થાય, બલકે રંજ થાય કે આટલાં નાનાં માણસોને રાષ્ટ્રપતિભવનમાં મોકલવામાં આવશે તો દેશનું શું થશે? કૉન્ગ્રેસે તેમને રાષ્ટ્રપતિ બનાવ્યાં એ અનુકૂળ નંબરની દાદાગીરી હતી. અમારી પાસે નંબર છે અને અમે રાજુલાના પાણાને પણ રાષ્ટ્રપતિ બનાવી શકીએ છીએ, જાઓ થાય એ કરી લો. ભારતીય જનતા પાર્ટીએ કોઈ રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ઘોષિત કર્યા એ આવી ઘટના છે. દેશના ૯૫ નાગરિકોએ નામની જાહેરાત કરવામાં આવી એ પહેલાં તેમનું નામ નહીં સાંભળ્યું હોય. મને તો શંકા છે કે તેમનું નામ અમિત શાહે વડા પ્રધાનને કે વડા પ્રધાને અમિત શાહને સૂચવ્યું હશે ત્યારે તે બેમાંથી એકે તે કોણ છે એવો સવાલ કર્યો હોય તો આશ્ચર્ય નહીં.
તેઓ દલિત છે. (પૂર્ણવિરામ. ફુલસ્ટૉપ.) બસ, ઓળખ પૂરી થઈ. તેઓ ભારતીય જનતા પાર્ટીની દલિત સેનાના અધ્યક્ષ હતા. દલિતોના કોઈ પ્રશ્ને આંદોલન તો ઠીક છે, બોલ્યા હોય એવું પણ યાદ નથી. તેઓ બે મુદત માટે રાજ્યસભાના સભ્ય હતા, પરંતુ રાજ્યસભામાં કોઈ દહાડો મોઢું ખોલ્યું હોય એવું પણ યાદ નથી. તેઓ અલાહાબાદની વડી અદાલતમાં અને સર્વોચ્ચ અદાલતમાં પ્રૅક્ટિસ કરતા હતા એમ કહેવામાં આવે છે, પરંતુ વકીલ તરીકે કોઈ મોટો ખટલો જીત્યા હોય કે અદાલતમાં લોકોના (લોકોના જવા દો, દલિતોના) હિત માટે લડ્યા હોય એવી કોઈ જાણકારી નથી. તેઓ ઉત્તર પ્રદેશમાંથી એક વાર લોકસભાની અને એક વાર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને બન્ને વખત તેમનો પરાજય થયો હતો. બીજે તો ઠીક, તેમના વતનના રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ તેમનો દલિત નેતા તરીકે ક્યારે ય ઉપયોગ કરવામાં આવ્યો નથી જે બતાવે છે કે તેમનો દલિતો સાથે અને દલિતોના પ્રશ્નો સાથેનો સંબંધ નહીંવત્ છે.
રામનાથ કોવિંદ ૭૧ વરસના છે. આવું મૂલ્યવાન રતન યોગ્ય સમય માટે અત્યાર સુધી ઢાંકીને રાખવામાં આવ્યું હતું એવી કોઈ દલીલ કરે તો આશ્ચર્ય ન પામતા. પ્રતિભા પાટીલ કમસે કમ જાણીતાં તો હતાં. આ તો સાવ અજાણ્યું રતન છે. નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ પાસે નંબર છે અને એ ધારે તેને રાષ્ટ્રપતિ બનાવી શકે છે. હા, એક વાત બનશે. તેઓ દેશની જનતાની કોઈ પણ પ્રકારની મોટી અપેક્ષા વિના રાષ્ટ્રપતિભવનમાં પ્રવેશશે. આજના યુગમાં આ પણ સિદ્ધિ છે. સાવ કોરી પાટી. એ કોરી પાટી પર અક્ષર કોરવા માટે એક બાજુએ બંધારણ છે અને બીજી બાજુ નાગપુર છે. તેઓ ક્યાંથી અક્ષરજ્ઞાન મેળવશે એ તો સમય બતાવશે. એક દલિત તરીકે તેઓ ભારતના પ્રત્યેક નાગરિક માટે પૂજનીય ડૉ. આંબેડકરને અનુસરશે તો દેશ પર મોટો ઉપકાર થશે. એક દલિત આંબેડકર હતા જેમણે દલિત તરીકેના ડંખ ભૂલીને ‘આઇડિયા ઑફ ઇન્ડિયા’ને બંધારણમાં મઢવાનું કામ કર્યું હતું. એક દલિત નારાયણન્ હતા જેમણે આંબેડકરની પરંપરાને આગળ વધારી હતી. હવે જોઈએ રામનાથ કોવિંદ કલંક લગાડે છે કે કલગી.
વાચકોના મનમાં કદાચ સવાલ થતો હશે કે હજી તો રામનાથ કોવિંદને ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે તો અત્યારે જ તેમને ભાવિ રાષ્ટ્રપતિ માનીને લેખ કેમ લખ્યો છે? આનું કારણ એ છે કે જો કોઈ અસાધારણ ઘટના ન બને તો કોવિંદનો રાષ્ટ્રપતિભવનમાં પ્રવેશ નિશ્ચિત છે. ચૂંટણી લગભગ એકપક્ષીય છે. રહ્યો સવાલ દલિતને રાષ્ટ્રપતિ બનાવીને દલિતોને રીઝવવાનો તો નિસ્તેજ માણસને સત્તા વિનાના હોદ્દા પર બેસાડી દેવાથી દલિતો રાજી થઈ જાય એવું બનતું નથી. જો એમ હોત તો કે. આર. નારાયણન્ના કારણે ૧૯૯૮ અને ૧૯૯૯ની લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસનો વિજય થવો જોઈતો હતો. નારાયણન તો પાછા દલિતો ગવર્ લઈ શકે એવા તેજસ્વી હતા.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 21 જૂન 2017
![]()


માન્ચેસ્ટરના મારા સાડા ત્રણ દાયકાના રહેવાસ દરમ્યાન, મેં ઘણું મેળવ્યું. પારાવાર પ્રવૃત્તિઓમાંથી ખોબલા ભરીને આનંદ મેળવ્યો અને જીવનને સંતૃપ્ત કરે તેવા અનેક અનુભવો મેળવીને સમૃદ્ધ થઇ. એ શહેરના પાદરને છેલ્લી વખત છોડતાં પહેલાં ત્યાંના કેટલાક યાદગાર સ્થળોની મુલાકાત લીધી. ખાસ કરીને માન્ચેસ્ટરના પોતને મજબૂત અને વિશિષ્ટ સ્વરૂપ આપવામાં મહિલાઓનો શો ફાળો રહ્યો, તે વિષે તપાસ-સંશોધન કરતાં કેટલીક હસ્તીઓ વિષે સામાન્ય માહિતી હતી તેને આધારે જે તે સ્થળોની યાત્રા કરી તેમના પ્રતિ ઋણ અદા કરવાનું નક્કી કર્યું, જેના પરિપાક રૂપે આ લખાણ વાચકો સમક્ષ આવે છે.
નવલકથા અને ટૂંકી વાર્તાઓનાં લેખિકા તરીકે પ્રસિદ્ધિ પામેલ એલિઝાબેથ (ઈ.સ. 1810-1865) એક દિલચસ્પ વ્યક્તિત્વ ધરાવનાર સન્નારી હતાં. તેમની નવલકથાઓ વિક્ટોરિયન સમયના સમાજના જુદા જુદા સ્તરના લોકોનાં જીવનની ઝાંખી કરાવતી, ખાસ કરીને ગરીબ પ્રજાની કઠણાઈઓનું આબેહૂબ વર્ણન કરતી, જેથી સાહિત્યકારો તેમ જ સમાજશાસ્ત્રીઓ તથા ઇતિહાસવિદોને એ રચનાઓ ખૂબ રસપ્રદ લગતી. ‘મેરી બાર્ટન’, ‘ધ લાઈફ ઓફ શાર્લોટ બ્રોન્ટે,’ ‘ક્રાનફર્ડ’ ‘નોર્થ એન્ડ સાઉથ’, અને ‘વાઇવ્સ એન્ડ ડોટર્સ’ સહુથી વધુ લોકપ્રિય નવલકથા બનેલી.
દુનિયામાં સમયાંતરે કેટલીક એવી હસ્તીઓ પેદા થતી હોય જેનો જોટો જડવો મુશ્કેલ હોય છે. એમલીન પેંકહર્સ્ટ એમાંનાં એક હતાં તે નિ:શંક છે. તેમનો જન્મ 15 જુલાઈ 1858 મોસ સાઈડ માન્ચેસ્ટર ખાતે અને મૃત્યુ 14 જૂન 1928. આ સાત દાયકાની મઝલ દરમ્યાન તેમણે બ્રિટનને શું શું આપ્યું એ જોઈએ તો દંગ થઇ જવાય. એમલીનના જન્મ બાદ તેમનો પરિવાર માન્ચેસ્ટર નજીક સાલફર્ડ રહેવા લાગ્યો જ્યાં એક નાનો ધંધો શરૂ કરવા ઉપરાંત તેમના પિતા સાલફર્ડની સીટી કાઉન્સિલમાં સક્રિય સેવા આપતા અને થિયેટરના માલિક હોવા ઉપરાંત શેક્સપિયરનાં નાટકોમાં અભિનય પણ કરતા, જેની પ્રેરણા લઈને એમલીને પોતાની રાજકીય અને સામાજિક ચળવળોને આકાર આપેલો તેમ કહી શકાય.
તેમાંનાં એક, તે Elizabeth Wolstenholme Elmy એલિઝાબેથ વોલ્સ્ટનહોમ: (1833-1914). પોતે ધનવાન કુટુંબમાં જન્મેલ. કન્યા શિક્ષણ માટે આગ્રહ સેવતાં અને કન્યાઓ માટે પ્રાથમિક શિક્ષણ આપતી એક શાળા શરૂ કરેલી. પહેલાં એમ મનાતું કે પુરુષોને સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ થાય તો એ સ્ત્રીઓનો દોષ હોય, તેથી બધી સ્ત્રીઓ પર શંકા કરીને પકડતા, સરકારી હોસ્પિટલમાં ચેપનો ભોગ બનેલ સ્ત્રીઓને પૂરી મૂકતાં અને તેને એ સિફિલિસ રોગથી મુક્ત કરવા મરક્યુરી અપાતું. આવા અન્યાયનો સામનો કરવા સ્ત્રીઓ રાજકારણી મંતવ્યો ધરાવતી થઇ અને તે માટે સખત પગલાં ભરતી થઇ. એલિઝાબેથ વોલ્સ્ટનહોમ અન્ય સ્ત્રીઓ અને સાથીઓના સહકારથી Contegious disease act કાયદો ઘડાવવામાં સફળ થયાં અને સરકારે ઉપર વર્ણવ્યો તેવો સ્ત્રી વિરોધી કાયદો પાછો ખેંચવો પડ્યો.

