
e.mail : mahendraaruna1@gmail.com
![]()

e.mail : mahendraaruna1@gmail.com
![]()
અમે શ્રીનગર પહોંચ્યા એ સાંજે જમ્મુ અને કાશ્મીરના ટૂરીઝમ વિભાગના ડિરેક્ટરે અને બીજા દિવસે મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ કહ્યું હતું કે સિક્યૉરિટી વગર, એસ્ર્કોટ વગર, સરકારી કાર વગર, સરકારી અધિકારીઓ વગર શ્રીનગર, પહેલગામ, ગુલમર્ગ, સોનમર્ગ, બાલતાલ, દ્રાસ, કારગિલ કે લેહ જ્યાં ફરવું હોય ત્યાં ફરો, તમારો વાળ પણ વાંકો નહીં થાય એની ગૅરન્ટી. કોઈ પણ પ્રકારની સુરક્ષા વગર ફર્યા પછી મને તો ખાતરી થઈ કે કાશ્મીરને અને કાશ્મીરી મુસલમાનોને સુડો-નૅશનલિઝમને પ્રમોટ કરવા માટે બદનામ કરવામાં આવી રહ્યાં છે
યોગાનુયોગ એવો છે કે ચાર દિવસની કાશ્મીરની ખીણ અને કારગિલની મુલાકાત પછી આ લેખ લખવા બેઠો છું એ દિવસ બુરહાન વાણીના કહેવાતા એન્કાઉન્ટરની પહેલી વરસીનો છે. ગયા વર્ષે આઠ જુલાઈએ બુરહાન વાણી સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. સુરક્ષાકર્મીઓ માટે, સરકાર માટે અને સરકારની તરફેણ કરનારા લોકો માટે દરેક હત્યા એન્કાઉન્ટર હોય છે. સ્થાનિક પ્રજા માટે દરેક હત્યા ઠંડે કલેજે કરવામાં આવેલું ખૂન અને શહીદી હોય છે. કાશ્મીરને લાગેવળગે છે ત્યાં સુધી પાકિસ્તાન માટે આવી ઘટનાઓ રાજ્યપ્રેરિત આતંકવાદ છે અને ભારત માટે પાકિસ્તાન દ્વારા ભારતમાં નિકાસ કરાતો આતંકવાદ છે. લગભગ ત્રણ દાયકા જૂની આ પ્રૅક્ટિસ છે અને હવે વિશ્વસનીયતાનો અભાવ (ટ્રસ્ટ-ડેફિસિટ) એની ચરમસીમાએ છે.
પાકિસ્તાન ભારત વિશે શું કહે છે એની ચિંતા કરવાની જરૂર નથી. જેની પ્રતિષ્ઠા ન બચી હોય તેના સારા કે નરસા અભિપ્રાયની ખાસ કોઈ કિંમત હોતી નથી. ભારત સરકાર કાશ્મીરની સ્થિતિ વિશે, કાશ્મીરના લોકો ભારત વિશે, કાશ્મીરના લોકો ભારતની પ્રજા વિશે અને ભારતની પ્રજા કાશ્મીરીઓ વિશે શું કહે છે એનું મહત્ત્વ છે.
ભારત સરકાર જમ્મુ અને કાશ્મીર વિશે શું કહે છે એ આપણે જાણીએ છીએ. ધર્મના આધારે દેશનું વિભાજન ભારતને માન્ય નથી. ૧૯૪૭માં પણ નહોતું અને આજે પણ નથી. એટલે તો ધર્મના આધારે ઇઝરાયલની સ્થાપનાનો ભારતે વિરોધ કર્યો હતો. જમ્મુ અને કાશ્મીર ભારતનો અવિભાજ્ય હિસ્સો છે એમ પણ ભારત કહે છે. જમ્મુ અને કાશ્મીરના મહારાજા હરિ સિંહે જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ કર્યું હતું. બીજી રિયાસતોની જેમ જમ્મુ અને કાશ્મીરનું વિલીનીકરણ કેટલાક સંજોગોને કારણે સંપૂર્ણ થઈ શક્યું નથી એ જુદી વાત છે, પરંતુ રાજાએ ભારતમાં રહેવાનો નિર્ણય લીધો હતો એ હકીકત છે. આના કરતાં પણ વધારે મહત્ત્વની વાત એ છે કે શેખ અબદુલ્લાના નેતૃત્વમાં જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાએ જમ્મુ અને કાશ્મીર ભારતમાં જ રહેશે એવો ઠરાવ કર્યો હતો. જમ્મુ અને કાશ્મીરે શા માટે પાકિસ્તાનમાં ન જોડાવું જોઈએ એ વિશે પણ વિધાનસભામાં ચર્ચા થઈ હતી. મહારાજના નિર્ણય કરતાં પણ વધુ તો જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાના ઠરાવને કારણે આજે ભારત સરકાર દાવો કરી શકે એમ છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અવિભાજ્ય હિસ્સો છે. ભારત સરકારની ત્રીજી ભૂમિકા એવી છે કે ભારત સરકાર આઝાદી સિવાયની બીજી કોઈ પણ શરતે વિશે જમ્મુ અને કાશ્મીરની પ્રજા સાથે ચર્ચા કરવા અને ઉકેલ શોધવા તૈયાર છે. ભારત સરકારની ચોથી ભૂમિકા એવી છે કે સરકાર ઇન્સાનિયતના દાયરામાં રહીને કાશ્મીરિયત જળવાઈ રહે એ માટે કોઈ પણ સમાધાન માટે આતુર છે. આ ભૂમિકા જવાહરલાલ નેહરુથી લઈને નરેન્દ્ર મોદી સુધીની બધી જ સરકારોએ સ્વીકારી છે અને દોહરાવી છે.
કાશ્મીરના લોકો ભારત વિશે અને ભારતીય પ્રજા વિશે શું માને છે એનો ઉત્તર જમ્મુ અને કાશ્મીરના અલગ-અલગ પ્રદેશમાં અલગ-અલગ મળશે. અહીં માત્ર કાશ્મીરની ખીણના મુસલમાનોની જ વાત કરવાની રહે છે, કારણ કે સમસ્યા ખીણમાં છે. જો જમ્મુ અને કાશ્મીરના બધા જ પ્રદેશોની સાથે વાત કરવામાં આવે તો એક વાત સ્પષ્ટ થઈ જશે કે કાશ્મીરિયત જેવી કોઈ ચીજ પહેલાં પણ નહોતી અને આજે પણ નથી. તમને આશ્ચર્ય થશે કે પાકિસ્તાનના કબજ હેઠળના બાલ્તિસ્તાન અને એના સૌથી મોટા શહેર સ્કર્દુને લદ્દાખના લોકો જેટલા મિસ કરે છે એટલા ખીણના લોકો મિસ કરતા નથી. ખીણમાં અને ગિલગિટ અને બાલ્તિસ્તાન એમ બન્ને પ્રદેશોમાં મુસલમાનોની વસ્તી છે, પરંતુ સાંસ્કૃિતક અનુબંધ એ બન્ને પ્રદેશનું લદ્દાખ સાથે વધુ છે. કારગિલના મુસલમાનો શબ્દ ર્ચોયા વિના કહેશે કે પાડાના વાંકે પખાલીને ડામની જેમ ખીણમાં અશાંતિ સર્જાય છે ત્યારે વગર વાંકે લદ્દાખને સહન કરવું પડે છે, કારણ કે તેમને ત્યાં પહોંચવાનો ખીણ સિવાયનો બીજો કોઈ રસ્તો નથી એટલે પર્યટકો આવતા નથી. આમ કાશ્મીરિયત નામની કોઈ ચીજ અસ્તિત્વ નથી ધરાવતી એની તેમની જેમ તમને પહેલાં પ્રતીતિ થશે.
ખીણના મુસલમાનો કાશ્મીરની ખીણને માત્ર જમ્મુ અને કાશ્મીરની જ નહીં, ભારતની કલગી માને છે અને એ એક હકીકત છે. અદ્ભુત સૌંદર્ય મળ્યું છે એ પ્રદેશને અને એવો જ અદ્ભુત સાંસ્કૃિતક વારસો મળ્યો છે. કાશ્મીરી ઇસ્લામ સૂફી કે ઋષિ ઇસ્લામ છે જેમાં ધર્માંધતાનું તત્ત્વ નહીંવત્ છે. આજકાલ કાશ્મીરના મુસલમાનો કાશ્મીરી ઇસ્લામને ઝિયારતી ઇસ્લામ તરીકે ઓળખાવે છે. આ શબ્દપ્રયોગ મૂળભૂતવાદી મુસલમાનોએ આપ્યો હોય એમ મને લાગે છે. પહેલાં સવર્ત્ર કાશ્મીરી ઇસ્લામને ઋષિ કે સૂફી ઇસ્લામ તરીકે ઓળખાવવામાં આવતો હતો. આ વખતે સવર્ત્ર ઝિયારતી શબ્દ કાને પડવા લાગ્યો હતો. ઝિયારત પીરના ઓટલે કે દરગાહ પર માથું ટેકવવામાં આવે એને કહેવામાં આવે છે. શુદ્ધ ઇસ્લામિસ્ટો માટે ઝિયારત ગેરઇસ્લામિક બીદ્દત (રસ્તો ચૂકવો કે સાચો રસ્તો ન અપનાવવો) છે. તેઓ ઝિયારત કરનારા મુસલમાનોને કાચા મુસલમાન તરીકે ઓળખાવે છે. આમ મારી ધારણા એવી છે કે વહાબી કે અહલે હદીસ મૌલવીઓએ પ્રચલિત કરેલી ઓળખ કાશ્મીરના મુસલમાનોએ અનાવધાને અપનાવી લીધી છે. ખુદ જમ્મુ અને કાશ્મીરનાં મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ અમારી સાથે વાતચીત દરમ્યાન ઝિયારતી ઇસ્લામ એવો શબ્દપ્રયોગ કર્યો હતો અને કહ્યું હતું કે કાશ્મીરની આ અલાયદી ઓળખ ભારતની પ્રજા સમક્ષ રજૂ કરવી જોઈએ.
આમ કાશ્મીરી ઇસ્લામ મુસ્લિમવિશ્વમાં ઉદાર ચહેરો ધરાવે છે. કાશ્મીરના મુસલમાનો સગર્વ કહે છે કે તેમના વડવાઓએ ધર્માંતરણ કર્યું એ પહેલાં તેઓ પંડિત હતા. તેમની અટક આજે પણ સમાન છે. ભટ્ટ, ધર, મટ્ટ, વગેરે. તેઓ પંડિતો સાથે જેટલો સાંસ્કૃિતક અનુબંધ ધરાવે છે એટલો જમ્મુના, લદ્દાખના કે પાકિસ્તાનના કબજ હેઠળના ગિલગિટ કે બાલ્તિસ્તાનના મુસલમાનો સાથે નથી ધરાવતા. હજી બે દાયકા પહેલાં સુધી કાશ્મીરની ખીણમાં સ્કૂલોમાં મોટા ભાગના શિક્ષકો પંડિત હતા. શ્રીનગરમાં દલ સરોવરના કિનારે કાશ્મીરી શૈવ મતની ગાદી છે અને જાણીતા પંડિત અભિનવ ગુપ્તના નામે એક સ્મારક છે. કાશ્મીરની ખીણનો સહિયારો સાંસ્કૃિતક વારસો સમૃદ્ધ છે.
ડાઉન ટાઉન તરીકે ઓળખાતા જૂના શ્રીનગરમાં રોજા પછી ઇફતાર માટે રોટી ખરીદવા આવેલા એક યુવકે મને કહ્યું હતું કે ખીણમાંથી પંડિતો જતા રહ્યા એને કારણે કાશ્મીરને ઘણું નુકસાન થયું છે. મૂળ પ્રશ્ન કાશ્મીરની સાંસ્કૃિતક અસ્મિતાનો હતો જે હવે પંડિતો જતા રહ્યા એટલે ઇસ્લામનો કોમવાદી બની ગયો છે. પંડિતો ડરના માર્યા જતા રહ્યા, અમુક લોકોએ તેમને જતા રહેવા મજબૂર પણ કર્યા, રાજ્ય સરકારે તેમને પૂરતી સુરક્ષા નહીં આપી અને દિલ્હીની સરકારે પણ પંડિતોને ખીણમાંથી નીકળી જવાની સલાહ આપી જેથી કાશ્મીરના પ્રશ્નને કોમવાદી સ્વરૂપ આપી શકાય અને સખતાઈ કરી શકાય એમ પેલા યુવકનું આકલન હતું. આ તો જાણીતી વાત છે, પણ ઓછી જાણીતી એક વાત તેણે કહી એ નોંધવી જોઈએ. તેણે કહ્યું હતું કે તમને શ્રીનગરમાં પંડિતોનો અલાયદો મહોલ્લો જોવા નહીં મળે. તેઓ મોટા ભાગે જેલમના કાંઠે વસતા જોવા મળશે, પણ અલગ ઘેટ્ટો (મહોલ્લો) બનાવીને નહીં. કાશ્મીરની ખીણમાં ઘેટ્ટોઆઇઝેશન એ લગભગ અજાણી ચીજ છે.
જ્યાં કાશ્મીરની પોલીસના DSPની સામૂહિકપણે હત્યા કરવામાં આવી હતી એ જામિયા મસ્જિદની ઘટના પછી ત્રીજા દિવસે અને ઈદની પૂર્વસંધ્યાએ મુલાકાત લીધી હતી. એ મસ્જિદમાં એક યુવકે હજી એક મહત્ત્વની વાત કહી હતી. તેણે કહ્યું હતું કે ભારત સરકારના વલણને કારણે લોકો ગુસ્સામાં છે. ડર એ વાતનો છે કે ગુસ્સાને કારણે કાશ્મીરી મુસલમાનો અહલે હદીસ કે વહાબીઓના હાથનો શિકાર બની જાય એ પહેલાં અમને અને અમારા ઇસ્લામને બચાવી લેવો જોઈએ. આમાં અમારું તો ખરું જ, દેશનું હિત છે અને એના કરતાં પણ વધુ માનવજાતનું હિત છે.
ફારુક મિરવાઇઝ જામિયા મસ્જિદના ઇમામ છે અને હુર્રિયત કૉન્ફરન્સમાં સારી વગ ધરાવે છે. મસ્જિદથી દસેક મિનિટના રસ્તે નગીના લેકની આગળ તેમનું મકાન છે. વિચાર કર્યો કે વગર નિર્ધારિત મુલાકાતે જો મળે તો મળવું. મેં એક રિક્ષાવાળાને મિરવાઇઝના ઘરે લઈ જવા કહ્યું. તેણે નગીના લેક પછી સાવ સાંકડી અંધારી ગલીમાં રિક્ષા લીધી. આ કયો વિસ્તાર છે એ સમજવા માટે હું બન્ને તરફ જોઈ રહ્યો ત્યારે તેણે કહ્યું : સાહબ, આપ એક કશ્મીરી મુસ્લિમ કી રિક્ષા મેં બૈઠે હૈં તો ડર તો નહીં રહે હૈં? આપ ફિકર મત કીજિએ, હમ ઐસે લોગ નહીં હૈં જૈસે ચૅનલોં મેં દિખાએ જાતે હૈં. બહોત બદનામી હો રહી હૈ હમારી. હમારી લડાઈ સિયાસત સે હૈ જો હમે બેવકૂફ બના રહે હૈં, ભારત કે લોગોં સે નહીં. ભારત કે પર્યટક તો હમારી રોઝીરોટી હૈં.
હમ ઐસે નહીં હૈં જૈસે હમ મીડિયા મેં, ખાસ કરકે કુછ ચૅનલ્સ મેં બતાએ જાતે હૈં એમ દરેક કાશ્મીરી મુસલમાન તમને કહેશે. દરેક એટલે પ્રત્યેક. મોટો રંજ અને ઊંડું દર્દ તેઓ અનુભવી રહ્યા છે. કાશ્મીરની ખીણ માટે તંગદિલી કોઈ નવી વાત નથી, પરંતુ ગણતરીપૂર્વક કરવામાં આવતી બદનામી તેમના માટે નવી વાત છે. આવું તો ૧૯૮૯-’૯૫નાં વર્ષોમાં પણ કરવામાં નહોતું આવતું. અચાનક કાશ્મીરીઓને દેશના દુશ્મન તરીકે શા માટે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે એ મોટા ભાગના લોકોને સમજાતું નથી. મેં તેમને સમજાવ્યા હતા કે ઇલેક્ટ્રૉનિક મીડિયા અને સોશ્યલ મીડિયાનો ભારતના વર્તમાન શાસકો લાભ લઈ રહ્યા છે. ૧૯૮૯-’૯૫નાં વર્ષોમાં સોશ્યલ મીડિયા હતાં નહીં અને ઇલેક્ટ્રૉનિક મીડિયાની પહોંચ મર્યાદિત હતી. તેઓ કાશ્મીર અને કાશ્મીરીઓને બદનામ કરીને દેશમાં અન્યત્ર હિન્દુઓનું ધ્રુવીકરણ કરી રહ્યા છે. કાશ્મીર ઝૂડવા માટેની બૅગ છે જેના દ્વારા સુડો-રાષ્ટ્રવાદને પ્રમોટ કરી શકાય છે. બિકાઉ મીડિયા, સાઇબર સેલ, ટ્રોલ્સ, બિકાઉ કટારલેખકો, પત્રકારો આ બધું જાણીજોઈને કરી રહ્યા છે અને બેવકૂફ ભક્તો એને સત્ય માનીને બદનામીમાં વધારો કરે છે. આ આખો ખેલ સત્તા માટેનો છે અને દેશભક્તિ તો એક બહાનું છે.
તો પછી ઉપાય શું? ઉપાય છે સગી આંખે કાશ્મીરની સ્થિતિ જોઈ આવવાની અને કાશ્મીરના લોકોને મળી આવવાનું. બિકાઉ મીડિયામાં કાશ્મીરની જેવી સ્થિતિ બતાવવામાં આવે છે એની દસમા ભાગની તંગદિલી જોવા મળે તો કહેજો. બીજું, તેમનો ગુસ્સો સુરક્ષાકર્મીઓ સામે છે, પર્યટકોનો તેઓ વાળ પણ વાંકો નથી કરતા. અમે શ્રીનગર પહોંચ્યા એ સાંજે જમ્મુ અને કાશ્મીરના ટૂરિઝમ વિભાગના ડિરેક્ટરે અને બીજા દિવસે મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ કહ્યું હતું કે સિક્યૉરીટી વગર, એસ્ર્કોટ વગર, સરકારી કાર વગર, સરકારી અધિકારીઓ વગર શ્રીનગર, પહેલગામ, ગુલમર્ગ, સોનમર્ગ, બાલતાલ, દ્રાસ, કારગિલ કે લેહ (આ બધાં પર્ટટન-સ્થળો છે) જ્યાં ફરવું હોય ત્યાં ફરો; તમારો વાળ પણ વાંકો નહીં થાય એની ગૅરન્ટી. કોઈ પણ પ્રકારની સુરક્ષા વગર ફર્યા પછી મને તો ખાતરી થઈ કે કાશ્મીરને અને કાશ્મીરી મુસલમાનોને સૂડો-નૅશનલિઝમને પ્રમોટ કરવા માટે બદનામ કરવામાં આવી રહ્યાં છે. વાત ગળે ન ઊતરતી હોય તો જઈને ખાતરી કરી આવો, કોઈ વાળ વાંકો નહીં કરે એની ગૅરન્ટી. કાશ્મીરના લોકો વિશેનો તમારો અભિપ્રાય જ નહીં, ભાવ પણ બદલાઈ જશે એની પણ ગૅરન્ટી.
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’, નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 09 જુલાઈ 2017
![]()
ટૉલ્સ્ટૉય ફાર્મ અને ડેનમાર્કની ફોકસ્કૂલની વિચારધારાથી પ્રભાવિત થઈ, ‘દર્શક’ – મનુભાઈ પંચોળીએ પોતાની મૌલિક સૂઝથી, સર્ટિફિકેટ વગરના, નિશ્ચિત અભ્યાસક્રમ વગરના, નિશ્ચિત સમયગાળા વગરના, કોઈ પણ પ્રકારની પરીક્ષા અને ફી વગરના જીવનલક્ષી અને વ્યવસાયલક્ષી તાલીમી વર્ગો ચલાવીને ગામડાંઓનો સ્થાયી વિકાસ સાધવાના મનોરથ સાથે ૧૯૭૯માં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ટ્રસ્ટ સંચાલિત ‘પંડિત સુખલાલજી લોકવિદ્યાલયની’ની સ્થાપના માયધાર ગામે કરી.
પાલીતાણાથી બાવીસેક કિલોમીટર દૂર, તળાજા અને પાલીતાણા તાલુકાની સરહદોને સ્પર્શતા હજારેકની વસ્તી ધરાવતા આ નાનકડા માયધાર ગામની રમણીયતા ધ્યાન ખેંચે તેવી છે. કૅનાલનાં પાણી અને ઉદ્યમી ખેડૂતોના રોજિંદા પરસેવાથી પાંગરેલી બારેમાસની લીલોતરી, આપણી અંદર-બહાર લીલી ભીનાશ ભર્યા કરે છે. હાથી જેવી ભેંસોનાં ધણ અને તેડી લેવાનું મન થાય તેવાં ઘેટાં-બકરાંનાં ટોળાં ગમે ત્યારે આવતાં-જતાં નજરે પડે તેવો આ દૂધાળો વિસ્તાર છે. કોઠાસૂઝ અને પ્રકૃતિ પ્રત્યેના લગાવથી કોઈ ખાધે-પીધે દુઃખી નથી. પરંપરાગત અંધશ્રદ્ધા અને શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતાની ગરીબી જરૂર જણાઈ આવે! જીવનમાં વૈજ્ઞાનિક અભિગમનો અભાવ અને પરિવર્તનને સ્વીકારવાની માનસિકતા ઓછી હોવાથી આજના સમય પ્રમાણે આ ગામડાંઓ કુદરતી સ્રોતોથી ભરપૂર હોવા છતાં અને જાતમહેનત કરતાં હોવા છતાં પછાત જણાઈ આવે.
જીવનલક્ષી કેળવણી અને જાગૃતિ લાવવા દર્શકે તેમના ધ્યાનમંત્ર પ્રમાણે અહીં પણ ગામડાંઓના પરિચિત, ગમતાં તથા સ્વીકૃત એવા કાર્યક્રમોનું વિશેષ આયોજન કરીને સૌનો ભાગીદારીભર્યો સાથ મેળવ્યો. અહીંના સમર્પિત અને નિષ્ઠાવાન કાર્યકરોની અથાક અને નિજાનંદી સેવાથી માયધાર ગુજરાતમાં કેળવણીના અવૈધિક-શિક્ષણના એક નમૂનારૂપે ખ્યાતિ પામ્યું. દેશ-વિદેશના અનેક લોકો આ પ્રયોગ જોવા-સમજવા-માણવા અને પામવા આવવા લાગ્યા. કેળવણી, સંસ્કારઘડતર, વ્યવસાયલક્ષી તાલીમ, જીવનલક્ષી મૂલ્યો, ગ્રામવિકાસ, ખેતી, ગોપાલન, બાગાયત, જળસંચય, સજીવખેતી, ગ્રામ ટૅક્નોલૉજી વગેરેથી લઈને લોકોત્સવ સુધીના સફળ કાર્યક્રમોને માયધારની માયાને વ્યાપક કર્યા કરી. દર્શકના દર્શનને અનિલભાઈ ભટ્ટના સફળ નેતૃત્વ હેઠળ કાર્યરત એવી નિષ્ઠાવાન કાર્યકરોની ટૂકડીએ એક નમૂનેદાર વાસ્તવિક સ્વરૂપ બક્ષીને સૌને આકર્ષિત કર્યા.
આરંભનાં વીસેક વર્ષ સક્રિય રીતે ધબકતું રહેલું આ કેન્દ્ર પછી અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ ઊભી થતાં સર્વાંશે બંધ પડ્યું. પૂરાં ચૌદેક વર્ષ જાણે ‘કૉમા’માં રહ્યું. કેન્દ્રની નાની-મોટી સામગ્રીઓ અને કાઢી-ઉપાડી શકાય તેવાં બારી-બારણાં અને છપ્પરનાં પતરાં સહિતનો સામાન ‘દલા તરવાડી’ રાહે ઊપડી ગયો! સંસ્થાએ અથાક મહેનત અને બહુ મોટાં સ્વપ્નાં સેવીને વિકસાવેલી ફળઝાડની વાડી અને ફળદ્રુપ જમીન પણ સંજોગોવસાત્ વેચી દેવી પડી. સંસ્થાઓને પણ આયુષ્ય કે નસીબ જેવું હોય છે એ જાણે સાર્થક થયું. હવે બચી હતી પચ્ચીસેક વીઘા જેટલી જમીન અને ખંડેર જેવાં થોડાંક મકાનો. દર્શકદાદાએ જ્યાં બેસીને વિખ્યાત નવલકથાઓ લખેલી, ત્યાં ભેંસોનો નિવાસ હતો અને મકાનોનાં ધાબાં પર પણ ઘાસ ઊગી નીકળ્યું હતું. થોડીક ટેક્નિકલ મુશ્કેલીઓ જો નડી ન હોત, તો આ બધું પણ કાઢી નાખવાનો નિર્ણય તો લેવાઈ જ ગયો હતો.
આ કેન્દ્રને હવે બચેલી મિલકત કઈ રીતે વેચી શકાય, તેવી તપાસમાં માયધાર જવાનું થયું. જોગાનુજોગ એ ‘દર્શક શતાબ્દી વર્ષ’નો સમયગાળો હતો. મનમાં સહજ વિચાર આવ્યો કે આ કેન્દ્રને, એટલે કે ‘દર્શક-સ્વપ્ન’ને ફરી જીવંત કરીને તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું બીડું ઝડપવું જોઈએ. વિચારના ચમકારે સંકલ્પ મોતીડું હૃદયમાં પરોવાઈ ગયું. અને કેન્દ્રને વેચવાના આયોજનના સ્થાને હવે તેને પુનઃ ધબકતું કરવાનું આયોજન થવા લાગ્યું!
અતૂટ શ્રદ્ધા, અથાક પરિશ્રમ, દૃઢ સંકલ્પબળ, સાથી કાર્યકરોનો સહકાર વૈજ્ઞાનિક આયોજન તથા કેટલાક મુરબ્બીઓ મિત્રોની આર્થિક સહાય અને પ્રોત્સાહક હૂંફથી આ કેન્દ્રને ફરીથી ધબકતું કર્યું. લોકભારતીની પ્રથમ બૅચના વિદ્યાર્થી અને લોકભારતી અધ્યાપકમંદિરના ભૂતપૂર્વ કર્તવ્યનિષ્ઠ આચાર્ય નરેન્દ્ર દેવપાઠકનાં સુપુત્રી ભાવનાબહેને (પી.ટી.સી., બીએસ.સી., એમ.એમ.સી.એ., પીએચ.ડી.) અધ્યાપનમંદિરમાં આચાર્ય તરીકેની તમામ ફરજો પૂરી વફાદારીથી વહન કરવાનું ભેખધારી કામ યજ્ઞાર્થે સ્વીકાર્યું છે. આજે પાતુભાઈ આહિર અને તેમની કર્મઠટીમના ભાવનાબહેનનાં સીધા માર્ગદર્શનથી માયધાર ખાતે ધૂણી ધખાવીને કાર્યરત છે, તેની નોંધ લેતાં આનંદ-સંતોષની લાગણી અનુભવીએ છીએ.
બબ્બે વખત નાપાસ થયેલાં, જેના ઘરમાં કોઈ ભણેલું નહોતું, ખેતીકામમાં મોસમ વખતે શાળા છોડીને કામે જવું અનિવાર્ય હતું, પોતાની શાળાનું પરિણામ બગડે એ બીકે જેને ક્યાં ય કોઈ પ્રવેશ આપતું નહોતું, જે ફી ભરી શકે તેમ નહોતું, હજુ વાંચતાં-લખતાં જ આવડતું નહોતું, સહજ વાતચીતમાં અપશબ્દો સરળતાથી વાપરવાની ટેવ હતી, ગામ-તાલુકાનું બહારની દુનિયા જોઈ જ નથી, તેવાં બાળકોને ભણાવવાનું અમારું આ અભિયાન અમારી કસોટી પૂરતું જ રહ્યું. આ સેવાકીય માનવીય અભિગમ ધરાવતા સાહસમાં વારંવાર મદદે આવેલા દક્ષિણામૂર્તિ દેવે અમારી દરેક મુશ્કેલીઓમાં અમારું મનોબળ દૃઢ કર્યું. સમય જતાં બધું જ નિયમાનુસાર-કાયદેસર કરવા અમે એક અલગ જ ટ્રસ્ટ રચ્યું. માયધાર વિસ્તારના લોકભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓથી રચાયેલ આ લોકકલ્યાણ ટ્રસ્ટના નામે શાળા શરૂ કરી. આ બધું કલ્પનાતીત એવાં ટૂંકા ગાળામાં થયું કે આજના સંદર્ભે કોઈને પણ શંકા જાય કે ટ્રસ્ટની અને શાળાની માન્યતા આટલી ઝડપથી મળે જ કેમ? સંપૂર્ણ નિઃસ્વાર્થ, સેવાકીય, માનવીય, લોકભાગીદારીથી નિષ્ઠાપૂર્વક થતા કામને ઉપરવાળો ‘તારી નાવડીના રામજી કરે રે રખોપાં …’ ભજનભાવે મદદ કરે છે, તેવી પ્રતીતિ થઈ.
આજે નવમું અને દસમું ધોરણ ચાલુ છે. આવતા વર્ષે અગિયારમું અને પછી કસોટીવાળું બારમું!
તાજેતરમાં હૈયે હરખ ઉપજાવે તેવા બબ્બે સમાચાર મળતાં જ અત્યાર સુધીના પરિશ્રમથી કંડારેલ કેડી પર ખુદ ઈશ્વર પણ આશીર્વાદની વૃષ્ટિ કરતા હોય તેવી લાગણી જન્મી. શિક્ષણ, કૃષિ-ગોપાલન, સ્વચ્છતા, શૌચાલય, જાગૃતિ, સંસ્કારઘડતર, આરોગ્ય, જળસંચય અને જળવિતરણ, ઊર્જા વગેરે ક્ષેત્રે ટૂંકા સમયમાં થયેલી પ્રવૃત્તિઓથી પ્રભાવિત થયેલ ગ્રામજનો અને સરકારી પદાધિકારીઓએ માયધાર ગામને ભાવનગર જિલ્લાના સૌપ્રથમ ‘વૃંદાવનગામ’ તરીકે જાહેર કરીને જબરી કદર કરી છે. હવે માયધાર ગામ જિલ્લાનું ભૌતિક સુવિધાઓથી સભર એવું સંસ્કારી, સુઘડ, સુંદર, પ્રાકૃતિક અને પર્યાવરણનું જતન કરી જીવનશૈલી આચરતું એવું અનોખું ભાવાવરણ ધરાવતું ગામ બનવા જઈ રહ્યું છે.
બીજા સમાચાર એ કે શૈક્ષણિક વર્ષ ૨૦૧૬-૧૭ના એસ.એસ.સી. બૉર્ડની જાહેર પરીક્ષાનું પરિણામ જાહેર થયું અને આપણી શાળાના પ્રથમ પરિણામે જ છાતી ગદગદ ફુલાવી દીધી! ધો. ૧૦માં આપણી આ નવનિર્મિત પા-પા પગલી ભરતી શાળાનું પરિણામ ૮૫ ટકા આવ્યું છે. પાશેરમાં પહેલી પૂણી જેવો ઘાટ ઘડવા બદલ નાના-નાના બાળવિદ્યાર્થીઓના કૂમળા ગાલે વહાલથી બકી ભરીને અભિનંદન પાઠવવા દોડી જઈએ એવું થાય. દર્શક-શતાબ્દી નિમિત્તે પ્રારંભેલી આ બીજા તબક્કાની માયધાર-વિકાસયાત્રા બાહુબલી-૨ જેવી બળૂકી સાબિત થવામાં છે, માયધાર કેન્દ્ર જાણે કે ફિનિક્સ પંખીની જેમ પોતાની રાખમાંથી બેઠું થઈને ઊડવા માટે પોતાની પાંખ ફેલાવી રહ્યું છે.
આજે ઊંચી શિક્ષણ ફી અને ઊંચી ટકાવારી જ ગુણવત્તાનું અને પ્રવેશનું માપદંડ બની બેઠી છે, ત્યારે જેને કોઈ ભણાવવા તૈયાર થતું નથી. તેવાની ચિંતા – કરવા બેઠા છીએ ત્યારે ઉપરવાળાથી લઈને ગાંધીનગરવાળા અમારા આ યજ્ઞાર્થે થતા પુરુષાર્થને હકારાત્મક અભિગમથી સહાય કરશે એ જ શ્રદ્ધા અમારું પ્રેરકબળ બની રહી છે.
આજે આર્થિક ઉપાર્જન અને શહેરી ભૌતિક સુવિધાઓ મેળવવાની ઘેલછામાં બહુ મોટા પાયે ગામડાંઓમાંથી શહેર તરફ સ્થળાંતર થઈ રહ્યું છે. સાથોસાથ, ગુણવત્તાસભર શિક્ષણ મેળવવા માટે પણ શહેર તરફની દોટ વધી રહી છે. આવા સંજોગોમાં જો ગામડાંઓમાં પેદા થતો કાચો માલ ત્યાં જ પાકો કરવામાં અને ગામડાંઓમાં પણ ગુણવત્તાસભર શિક્ષણ સુવિધાઓ આપવામાં આવે, તો આ સ્થળાંતર અટકાવી શકાય. હિંદુસ્તાનના તંદુરસ્ત ભવિષ્ય માટે આ સ્થળાંતર અટકવું જરૂરી નહીં, પરંતુ અનિવાર્ય છે. દક્ષિણામૂર્તિથી ગ્રામદક્ષિણામૂર્તિ તરફની નાનાદાદાની કેળવણીયાત્રા એ આ જ વિચારધારાનું પ્રતીકાત્મક અમલીકરણ હતું. ગ્રામાભિમુખ અભિગમ ધરાવતા લોકાભિમુખ શિક્ષણ દ્વારા કેળવણીના માધ્યમથી ગામડાંઓનો સ્થાયી વિકાસ સાધવાના મનોરથ સાથે આપણા માર્ગદર્શકોએ આપણી સંસ્થાની સ્થાપના કરી છે. આપણે તેમના વારસદાર તરીકે આ યજ્ઞકાર્યને ટકાવવા-વિકસાવવાનું છે. આપણી સંસ્થાઓએ અને સાથી સંસ્થાઓએ સૌએ સાથે મળીને સહિયારા સર્વોદયલક્ષી પુરુષાર્થથી એકબીજાના સહારે આ દિશામાં કાર્યરત રહેવું એ જ આપણા જીવનની ખરી ધન્યતા છે.
વાચકોને, શુભેચ્છકોને, શિક્ષણપ્રેમીઓને, વિદ્યાર્થી-વત્સલ વડીલોને, દાતાઓને અને માયધાર સાથે થોડોકે ય ઋણાનુબંધ ધરાવતાંને વિનંતી કરવાની છે કે આપની ભાગીદારીભરી આર્થિક સહાયની અપેક્ષા રાખીએ છીએ. ખાસ કરીને શરૂ કરેલી દીકરીઓ-દીકરાઓના શિક્ષણ માટે પ્રારંભિક તબક્કે વિશેષ જરૂર છે. રોકેલા શિક્ષકોનાં વાજબી મહેનતાણાં અને સાધન-સામગ્રી માટે જો આપ સહાય કરશો, તો જેને ભણવું છે પણ અનેક કારણોસર ભણી શકતાં નથી, તેવાંની ભણતરભૂખ ભાંગી શકાશે. છેલ્લાં ત્રણેક વર્ષનો ખર્ચ અમે જાતે ભોગવ્યા પછી નિઃસંકોચપણે આ સહાય માટે ગ્રામીણ વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓને અનુભવ અને અનુબંધ આધારિત જીવનશૈલીની કેળવણી આપવા વિનંતી કરીએ છીએ. કોઈ બે કે ત્રણ દાતા મોટી રકમ આપી દે તેના કરતાં નાની-નાની રકમથી, આશીર્વાદરૂપી, ચાહતરૂપી, પારકાંને પોતીકાં બનાવવાના સંસ્કારઘડતરની ભાગીદારી ઊભી કરવા, સારાં કામમાં સારપનો ગુણાકાર કરવા વિનંતી કરવા પ્રેરાયા છીએ.
લોકભારતી, સણોસરા
આપની મદદ ‘લોકભારતી’ના નામના ચૅક/ ડ્રાફ્ટથી ભરી શકો છો. પાકી પહોંચ અને ૮૦જી(૫) સર્ટિફિકેટ મોકલી આપવામાં આવશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2017; પૃ. 13 અને 15
![]()

