
courtesy : mahendraaruna1@gmail.com
![]()
દીનદયાલને તેમનો આ વસ્તાર ગ્રાહ્ય હોત ? અથવા, ખરું પૂછો તો, આ વસ્તારને એ સોરવાયા હોત ?
વડાપ્રધાને ઇન્સ્ટિટ્યુટ ઑફ કમ્પની સેક્રેટરીઝનો સુવર્ણ જયંતીએ બોલતાં વિવેક તો સોજ્જો કીધો કે અમારી આર્થિક નીતિના હાલના તબક્કાની ટીકા હું નમ્રતાથી સ્વીકારું છું. વાજપેયી સરકારમાં પ્રધાનપદે રહેલા યશવંત સિંહાએ એમના પ્રત્યક્ષ કાર્યાનુભવને ધોરણે, પોતાના જ પક્ષની સરકારની લડખડાતી ને ખોડંગાતી આર્થિક નીતિની ટીકા કરી ત્યારે નાણાંપ્રધાન અરુણ જેટલીએ એમની એંશીમાં વરસે નોકરી માટેના અરજદાર તરીકે હાંસી ઉડાવી હતી અને પક્ષપ્રમુખ અમિત શાહે તબિયતથી આર્થિક જ્ઞાન ડહોળ્યું હતું કે આ ધિમાકત (સ્લો ડાઉન) તો ભૈ જરી ટેકનિકલ કારણસર છે (બાકી તો, એઈ બખ્ખેબખ્ખા) … જેટલીએ અને અમિત શાહે જુમલે પે જુમલાની શૈલીએ આવનારા ફૂલગુલાબી દિવસોની જિકર કરી હોય તો પણ વડાપ્રધાને આજકાલ વરતાતી આર્થિક સુસ્તીને એક વાસ્તિવિકતા તરીકે કબૂલ રાખી છે.
જો કે આટલા તત્ક્ષણ ચાપલ્ય અને ઉત્સ્ફૂર્ત દાક્ષિણ્ય સાથે આખી વાત શરૂ થયા પહેલાં જ પૂરા જેવી થઈ જાય છે; કેમ કે વડાપ્રધાને કહ્યું છે કે આ તો મૂઠીભર લોકો છે અને એમને નિરાશાના મરસિયા ગાવાનું ઠીક ફાવી ગયું છે. કદાચ એથી સ્તો, ત્યાર પછી એમને ઊંઘ પણ સારી આવતી હશે. પણ એમને એ ખ્યાલ નથી આવતો કે તેઓ મહાભારતમાં કર્ણના સારથી શલ્ય જેવા છે. શલ્ય કુશળ સારથી હશે તો હશે, પણ એમણે શક્તિ બધી રથી કર્ણને હતોત્સાહ કરતાં વેણ વણથંભ્યે બોલવામાં યોજી હતી.
આટલે સુધી વડાપ્રધાન મુસ્તાકઅલીની જેમ અડધી પીચે દડો ફટકારનારા લાગ્યા હશે એ ચોક્કસ, પણ ગુરુવારે યશવંત સિંહાએ ચુનંદા શબ્દો સાથે વળતો દાવ બરોબરનો લીધો છે: ‘હું શલ્ય નથી, ભીષ્મ છું.’ અને પછી જે ઉમેર્યું છે તે તો અડવાણી સહિતના સર્વ પર બોલતી ટિપ્પણીરૂપ છે: ‘હું ભીષ્મ છું – પણ એવો ભીષ્મ જે અર્થનીતિનાં ચીરહરણ વેળાએ સભામાં મૌન રહી શકતો નથી.’ મોદી અને સિંહા વચ્ચેનો આ વાગ્મિતાવિનિમય – જો સિંહા આટલેથી જ ખરેખાત ન અટકવાના હોય તો દેશના જાહેર મતની દૃષ્ટિએ એક ખુશકિસમતી બની રહેશે.
અત્યારે જે અઢી માણસ, શૌરીના શબ્દોમાં, વડાપ્રધાન અને પક્ષપ્રમુખ ઉપરાંત અડધું જણ તે પેલા વકીલબાબુ, સંધું ય રોડવેગજવે છે એમને આપણી આર્થિક વાસ્તવિકતાની જમીની જાણકારી કોઇકે તો આપવી રહે છે. તમે છેલ્લા મહિનાઓની તવલીન સિંહની સાપ્તાહિક કોલમકારી જુઓ. એક કુલીન એવી કારુણિકા(અને પ્રહસનિકા)ના દોરમાંથી એ ગુજરી રહી છે. નેતા તો મોદી અને મોદી જ એકમાત્ર છે એ વિશે એ આરંભથી નિ:શંક છે. કરી શકે તેવો જણ તો આ જ છે એમ તવલીન અસંદિગ્ધ શબ્દોમાં લખતાં રહ્યાં છે. પણ આર્થિક બાબતોમાં જેમની સચ્ચાઈ (અને કોમી રાજકારણ) બાબતે નેતા કેમ અસરકારક નથી (કેમ અસરકારક થવા માગતા નથી) એ મતલબની ખાસી ભદ્ર ચિંતા અને કંઇક રુદ્ર ટિપ્પણી સોનિયાશાઇ દિલ્લી દરબારથી દાઝેલાં તવલીનની સતત જારી છે.
જે દિવસે કમ્પની સેક્રેટરીઝના રાવણા વાટે વડાપ્રધાન દેશજનતાને આશ્વસ્ત કરવાનો વ્યાયામ કરી રહ્યા હતા, બરાબર એ જ દિવસે રિઝર્વ બૅંકના ગવર્નર ઊર્જિત પટેલ એમના બે માસી આકલનમાં કહેતા ટંકાયા હતા કે 2017-18 માટે 7.3ના વૃદ્ધિદરની જે ગણતરી હતી તે સુધારવી રહેશે. હવે તે 6.9 ટકાની અંદાજવી રહેશે. યશવંત સિંહા અને પી. ચિદમ્બરમ બંને પૂર્વનાણાંમંત્રીઓ તો ક્યારનાયે 5.7 ટકાનો અંદાજ આપી ચૂક્યા છે. રિઝર્વ બૅંકના સુધારેલો અંદાજ એમના ભણી ઢળતો જણાય છે.
યશવંત સિંહા ભીષ્મની ઓળખ સુધારતાં સુધારશે. દરમ્યાન, ભાજપી દોરની વ્યક્તિકેન્દ્રી તાસીર વિશે મે 2014થી દો ટૂક શબ્દોમાં કહેવા માંડ્યું છે: નેતાને સહસા સપનું આવે છે, ‘સાક્ષાત્કાર’નું સત્ જાગે છે – ઇલ્હામ કહેતાં ‘રિવિલેશન’ની આ ક્ષણોમાં એ નોટબંધી જેવું ‘ભડ પગલું’ ભરે છે. માત્ર મારે (શૌરીએ) યાદ આપવું જોઈએ કે, એમ તો, આપઘાત પણ એક બહાદુરીભર્યું પગલું ક્યાં નથી. સીલ્ડ ઇકો-ચેમ્બરમાં બેઠા અઢી જણ ખુદ સરકારી આંકડાને મોદ તળે છુપાવી દે છે અને અવશ્યંભાવી આગેકૂચનો આત્મસંતોષી ઓડકાર લે છે. નોટબંધીથી નાનાં ને મધ્યમ સાહસોના જે ‘ખસ્તા હાલ’ થયા છે એ વિશે રિઝર્વ બૅંકની ખુદની નોંધ આ ઇકો-ચેમ્બરને બહારથી અફળાઈને પાછી પડે છે. ઇકોનોમિક સર્વે, આર.બી.આઈ. સર્વે, સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયાનો હેવાલ – કશું જ નહીં વાંચતા હોય આ સાહેબલોગ, શૌરી પૂછે છે. જી.ડી.પી. આખો 3.7 ટકા થઈ ગયો છે, અને 2015-16માં ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનનો ઇન્ડેક્સ 9 ટકે હતો તે 2017ના એપ્રિલ-જુલાઇમાં 1.7 ટકે ડચકાં ખાય છે. એમને આ કશું દેખાતું નથી, કેમ કે તેઓ એકબીજાને જ સાંભળે છે, બીજાને સાંભળે મારી બલા.
શો છે, ઉપાય એમની કને. ટીકાકારને ‘હતાશ’ કહી દો – એંશીમાં અરજદાર કહી ઉતારી પાડો: આ સ્તો એમની કને રામબાણ નંબર બે છે (રામબાણ નંબર એક તો અડવાણી હસ્તક નિ:શેષ થઈ ચૂક્યું છે.) અને ટીકાકારને ઉતારી પાડવાની કરતાલ સાથે કાંસીજોડાં કિયાં તે પણ શૌરી જાણે છે. એ છે, મોટા દઇતવાદ અને ઇવેન્ટ મેનેજમેન્ટ તેમ જ ગાજોવાજો ઘમકાવી લોકને અન્યથા અંધબધિર કરી મેલવું તે. સરદારના બાવલાની કથિત ઊંચાઈમાં ધરતી પરનું લોક કિસ ગિનતી મેં … સાદો હિસાબ છે, મારા ભૈ!
એકના એક દીનદયાલને નામે અંત્યોદયનો નારો ને નેજો આ મંડળી પાસે હોય તો પણ એની સામે એમની સઘળી આર્થિક નીતિઓ એકંદરે એક નાનકડા નવશ્રીમંત વર્ગની ફરતે કેન્દ્રિત વિકાસ ઉર્ફે કોર્પોર્મેન્ટ (કોપોરેટ વત્તા ગવર્નમેન્ટ) કરતાં વિશેષ કંઈ જ નથી. દીનદયાલના ચાહકો હોંશે હોંશે યાદ કરે છે કે રાજસ્થાનમાં પક્ષ (જનસંઘ) પાસે આખા આઠ જ ધારાસભ્યો હતા ત્યારે પણ એમાંના પાંચને દીનદયાલે પક્ષખારિજ કરતાં સંકોચ કર્યો નહોતો, કેમ કે એ શૂરા પાંચ જમીનદારી-જાગીરદારી નાબૂદીમાં અવરોધની ભૂમિકાએ ઊભા હતા. સામંતવાદી પરંપરામાં જમીનદારી-જાગીરદારીનું લોકશાહી ભયસ્થાન જેને સમજાયું હતું તે દીનદયાલ આજના કોર્પોરેટ કૈવલ્યવાદમાં નિરત-પ્રમત્ત વિધાનસભ્યો અને સાંસદોને કઈ રીતે મૂલવત? એમને આ વસ્તાર ગ્રાહ્ય હોત? અથવા, ખરું પૂછો તો આ વસ્તારને એ સોરવાયા હોત?
જમીનદારી-જાગીરદારી સામે લડ્યા હોઈશું ત્યારે લડ્યા હોઈશું. પણ આજે કોર્પોર્મેન્ટના સંદર્ભે ક્યા ઊભા છીએ આપણે? આ પ્રશ્ન જો નરસિંહરાવ – મનમોહનસિંહને પૂછવો લાજિમ હતો તો આજે તો એ દૈત્યકાય પરિમાણ ધારણ કરી રહેલ છે. મનમોહનસિંહના લાભાર્થીઅો મોદીના જાનૈયા માલૂમ પડે ત્યારે યશવંત સિંહા અને અરુણ શૌરીએ ઉઠાવવા જોગ સવાલોમાં આ તો પાશેરામાં પહેલી પૂણી માંડ છે. નમો તંત્રે નાલંદામાંથી જેમને દેશનિકાલ કીધા તે અમર્ત્ય સેન સાથે સિંહા અને શૌરીએ તેમ રઘુરામ રાજને સાર્થક સંવાદમાં ઊતરવાપણું છે … કાશ, દેશજનતા તેમને એ માટે બાધ્ય કરી શકે!
સૌજન્ય : ‘નારાબાજીની અસલિયત’, “દિવ્ય ભાસ્કર”, 07 અૉક્ટોબર 2017
![]()
સંઘનો સમરસતા મંચ અને ભાજપનો અનુસૂચિત મોરચો બંને સહઅસ્તિત્વ ધરાવે છે
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતના નાગપુર ખાતેના વિજયાાદશમી વક્તવ્યના કેટલાક મુદ્દા તેમના ગુરુભાઈ અને દેશના ‘પ્રધાનસેવક’ને ચચરે એવા છે. વળી ભાગવતનું આ ભાષણ ભાજપની દિલ્હી પરિષદ અને સંઘની વૃંદાવન સમન્વય બેઠક પછી આવ્યું છે તેને કારણે ભાજપ સંઘ વચ્ચે બધું સમુંસૂતરું ન ચાલી રહ્યાનું લાગે છે.
ઇ.સ. 1925માં ‘હિંદુઓ માટે આક્રમકપણે લડી શકે’ તેવી સંસ્થારૂપે નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનો જન્મ થયો હતો. આજે એ વાતને લગભગ સવા નવ દાયકા થવા આવ્યા છે. પોતાને સાંસ્કૃિતક સંગઠન ગણતો સંઘ ઉગ્ર રાષ્ટ્રવાદનો પુરસ્કર્તા મનાય છે. ભારતીય જનતા પક્ષ તેનો રાજકીય ચહેરો છે. છતાં સંઘ અને ભાજપના સંબંધો ચર્ચાસ્પદ છે.
બલરાજ મધોકે જનસંઘ છોડતાં ‘મારી તકરાર જનસંઘનો કબજો લઈ બેઠેલાં ફાસિસ્ટ તત્ત્વો સામે છે’ એમ સ્પષ્ટ જણાવ્યું હતું. તેમને આર.એસ.એસ. દ્વારા જનસંઘમાં નીમાતા સંગઠન મંત્રીઓ સામે વાંધો હતો. પણ પોતે તો સાંસ્કૃિતક સંગઠન જ છે, તેવા સંઘના રટણ સાથે એ સિલસિલો આજે પણ યથાવત્ છે. મોરારજી દેસાઈના વડપણ હેઠળની જનતાપક્ષની સરકાર બેવડા સભ્યપદને મુદ્દે તૂટી હતી. આજે દેશના તમામ બંધારણીય પદો પર સંઘના સ્વંયસેવકો બિરાજમાન હોય તે સંઘની મોટી સફળતા છે.
આઝાદી બાદ બે વખત પ્રતિબંધિત થઈ ચૂકેલા સંગઠનની વિચારધારા લોકસભામાં પૂર્ણ બહુમતી સાથે સત્તા મેળવે તે બાબત નાનીસૂની નથી. પોતાની સરકારને મોહન ભાગવતે તેમના નાગપુર ભાષણમાં આત્મખોજ કરવા, લોકોને વધુ સાંભળવા, સત્ય હકીકતોથી વાકેફ રહેવા કહેવું પડ્યું છે. સંઘે તેની આર્થિક વિચારધારા અકબંધ રાખીને જરા જુદી રીતે સ્વદેશી રાગ આલાપ્યો છે. રાહુલ ગાંધી વર્તમાન કેન્દ્ર સરકારને સૂટબૂટની સરકાર કહે અને સંઘ સુપ્રીમો ‘માત્ર થોડાક ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડે એવી આર્થિક નીતિઓની જરૂર નથી’, એમ કહે તો તે બે બાબતો વચ્ચે ઘણું સામ્ય છે. ભારતીય મજદૂર સંઘ અને કિસાન સંઘ જેવાં સંઘનાં સંગઠનો સરકારની નીતિઓના વિરોધમાં આંદોલન કરવાના છે, ત્યારે વિપક્ષની નહીં તો પોતાની માતૃસંસ્થાની આલોચના ભા.જ.પ. નજરઅંદાજ ન કરે એ તેના હિતમાં છે.
જો કે, મોહન ભાગવતે એમના નાગપુર વક્તવ્યમાં ચીન, ગોરક્ષા, કાશ્મીર, રોહિંગ્યા મુદ્દે જે વિચારો વ્યક્ત કર્યા છે કે પછી દેશમાં વધી રહેલી અસહિષ્ણુતા, મુસ્લિમોમાં અસલામતીની ભાવના, દલિતો અને મહિલાઓ પરના અત્યાચાર જેવા મુદ્દે મૌન ધારણ કર્યું છે, તે દર્શાવે છે કે સંઘમાં કશો બદલાવ આવ્યો નથી. કેન્દ્રમાં અને દેશનાં ઘણાં રાજ્યોમાં સંઘની વિચારસરણી ધરાવતી ભા.જ.પ.ની સરકારો છે અને તેમના વહીવટમાં સર્વસમાવેશીપણું કેટલું તેવા સવાલો છે, ત્યારે સંઘનું વલણ સ્પષ્ટ થવું જોઈતું હતું. અટલ બિહારી વાજપેયીએ કહેલું કે, ‘આપણે ત્યાં રાજધર્મની અલગ વ્યાખ્યા કરવામાં આવી છે. રાજા પક્ષપાત ન કરે, ભેદભાવ ન આચરે, પોતાના પરિવારને પણ પ્રાથમિકતા ન આપે, મતનું રાજકારણ બાજુએ મૂકીને રાજધર્મનું પાલન થાય તો બધી સમસ્યાઓ ઉકલી જાય.’ 2002માં ગુજરાતમાં કે 2017માં હરિયાણામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યમંત્રીઓના રાજધર્મપાલન અંગે સંઘે જવાબ આપવો પડશે.
આર.એસ.એસ. પોતાને હિંદુ સંગઠન ગણતું હોય અને હિંદુસ્તાનમાં રહેતા તમામને હિંદુ માનતું હોય તો હિંદુઓ ખુદ પોતાના જાતભાઈઓ એવા દલિતોને કેમ અલગ ગણે છે અને તે ભેદભાવ અંગે સંઘ કેમ કશું કરતો નથી કે કરી શકતો નથી તેવા સવાલો થવાના. 2016ના માર્ચમાં રાજસ્થાનના નાગોરમાં મળેલી સંઘની પ્રતિનિધિ સભાએ સામાજિક સમરસતા પર પ્રસ્તાવ પસાર કરી હિંદુઓને સ્પષ્ટ નહીં તો નરમ ભાષામાં દોષિત માન્યા હતા. જો કે તેના મૂળમાં પૂર્વ સરસંઘચાલક બાળાસાહેબ દેવરસનાં વસંત વ્યાખ્યાનોમાં વ્યક્ત આ વિચારો છે: ‘સમાજમાં સૌહાર્દ, સામંજસ્ય અને અરસપરસ સહયોગનું વાતાવરણ ઉત્પન્ન કરવા માટે સમાનતાની જરૂર છે. દલિતો કોઈની મહેરબાની ઈચ્છતા નથી. તેઓ સમાજમાં બરાબરીનું સ્થાન માગે છે અને તે પણ પોતાના પુરુષાર્થના આધારે.’ સંઘના સર્વોચ્ચ સ્થાનેથી આવા વિચારો પ્રથમવાર જ વ્યક્ત થયા હતા. જો કે સંઘ હજુ સમાનતાને બદલે સમરસતાનું જ ગાણું ગાયે રાખે છે. મજા તો એ વાતની છે કે સંઘનો સમરસતા મંચ અને ભા.જ.પ.નો અનુસૂચિત જાતિ મોરચો બંને ભારતના રાજકીય- સામાજિક જીવનમાં સહઅસ્તિત્વ ધરાવે છે.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભા.જ.પ.ની હારનું એક કારણ સંઘસુપ્રીમોના અનામતવિરોધી વિચારો હતું. સંઘ દલિત-આદિવાસી અનામત કેટલીક શરતોએ માન્ય રાખે છે, પણ ઓ.બી.સી. અનામત અંગે એવું નથી. સંઘ વિચારક મનમોહન વૈદ્ય, સમાજના સંપન્ન વર્ગો (ગુજરાતના પાટીદારો અને અન્ય) અનામતની માગણી કરે તે સાચી દિશાનો વિચાર નથી. આવા સંપન્ના વર્ગોએ તો નબળા વર્ગોની સહાય કરવી જોઈએ. તેના બદલે તે જ જો અનામત માગે તે અનામતની મૂળભૂત ભાવનાથી વિરોધની બાબત છે, તેમ માને છે. સંઘના આ વિચારો અને ગુજરાત સહિતની ભા.જ.પ. સરકારોની પાટીદાર, જાટ, ગુર્જરને અનામત આપવાની મજબૂરી વચ્ચે સંઘે સ્પષ્ટ વલણ લીધું નથી.
સત્તા મળે છે ત્યારે સંઘ અને ભા.જ.પ. એનો હિંદુત્વ એજન્ડા સગવડપૂર્વક વિસારે પાડી દે છે અને સત્તા માટે સમાધાનો કરે છે તે હકીકત કોઈથી અજાણી નથી. સંઘે તેના ગણવેશમાં ફેરફાર કર્યો છે પણ મૂળભૂત વિચારોમાં કશું પરિવર્તન કર્યું નથી. એ સંજોગોમાં મોહન ભાગવત નાગપુર ભાષણમાં વિજ્ઞાનની જિકર કરે તે ન સમજાય તેવો કોયડો છે. ભાગવતે કહ્યું હતું કે, ‘વિજ્ઞાન સ્વીકારે તે વિચાર સાચો અને વિજ્ઞાને બતાવેલા રસ્તે આગળ વધવું જોઈએ.’ સંઘનો આ વિજ્ઞાનપ્રેમ એની કોઈ રણનીતિનો ભાગ ન હોય તો રાજી થવા જેવું છે.
સંઘે હજુ કેટકેટલું કરવાનું બાકી છે તે અટલજીએ 1983ના ઑગસ્ટમાં ‘પાંચજન્ય’ને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની હિંદુ રાષ્ટ્રની ધારણા સાથે મારો કોઈ મતભેદ નથી, પરંતુ હિંદુ શબ્દને દિવસે દિવસે સીમિત થતો જોઉં છું. હિંદુ રાષ્ટ્રને સાથે હિંદુ ધર્મ શબ્દ જોડવાથી પણ મુશ્કેલી સર્જાય છે. સંઘ રાજકીય અને આર્થિક બાબતો અંગે પણ કંઈક વધુ બોલતો થાય તેમ હું ઈચ્છીશ. સંઘ કેવું આર્થિક માળખું પસંદ કરે છે? વ્યક્તિગત સંપત્તિ બાબત એનો શું અભિપ્રાય છે? જમીનદારી નાબૂદી સંઘની દૃષ્ટિએ ઉચિત છે કે નહીં? જમીનસુધારણા અંગે ઘડાયેલા કાનૂનોનો દૃઢતાથી અમલ કરવો કે નહીં? ઉદ્યોગોના રાષ્ટ્રીયકરણ બાબત એનો શો મત છે? રાજ્ય, મૂડી(સંપત્તિ) અને શ્રમ વચ્ચે કેવો સંબંધ હોવો ઘટે?’ અટલજીના આ સવાલોના જવાબો સંઘ અને ભા.જ.પ. બંનેએ આપવાના બાકી છે. 2017ની ગુજરાતની ચૂંટણી તે માટેનું એક સારું નિમિત્ત છે.
સૌજન્ય : ‘વિરોધી વાસ્તવિક્તા’, “દિવ્ય ભાસ્કર”, 05 અૉક્ટોબર 2017
![]()

