ધૂઆંધાર અમેરિકન લેખક અર્નેસ્ટ હેમિંગ્વે(The Sun Also Rises, A Farewell to Arms, For Whom the Bell Tolls, The Old Man and the Sea)નો આ ઇન્ટરવ્યૂ, પેરિસ રિવ્યુ સામાયિકમાં, ૧૯૫૮માં આવ્યો હતો. નવોદિત લેખકોને ગમશે :

સવાલ: તમે ક્યારે લખો છો? તમારું કોઈ નિશ્ચિત શેડ્યુલ ખરું?
હેમિંગ્વે: હું કોઈ પુસ્તક કે વાર્તા પર કામ કરતો હોઉં, તો સૂરજનું પહેલું કિરણ ફૂટે ત્યારે લખું છું. ત્યારે કોઈ ડિસ્ટર્બ ના કરે. લખેલું ફરીથી વાંચવાનો પણ સમય રહે. બપોર સુધી લખું.
સવાલ: તમે ચાલુમાં જ રિ-રાઈટિંગ કરો કે બધું લખાઈ જાય પછી?
હેમિંગ્વે: હું એ જ દિવસે રિ-રાઈટ કરું છું. પૂરું થઇ ગયા પછી ફરી એકવાર જોઈ લેવાય. પ્રૂફમાં પણ એક ચાન્સ રહે. આ બધા ચાન્સ બહુ ઉપકારક છે.
સવાલ: રિ-રાઈટિંગ કેટલુંક હોય?
હેમિંગ્વે: ડિપેન્ડ્સ. 'ફેરવેલ ટુ આર્મ્સ'નો અંત, એ છેલ્લો પેરેગ્રાફ, મેં ઓગણચાલીસ વખત લખ્યો હતો.
સવાલ: લખવાના ટેકનિકલ પ્રોબ્લેમમાં અટવાયા હતા?
હેમિંગ્વે: શબ્દો બરાબર સૂઝતા ન હતા.
સવાલ: કઈ જગ્યાએ લખવાનું સારું ફાવે? અમ્બોસ મુન્ડોસ હોટેલ તમને બહુ ફાવે છે.(હવાના-ક્યુબાની આ હોટેલમાં હેમિંગ્વે સાત વર્ષ રહ્યા હતા.)
હેમિંગ્વે: અમ્બોસ મુન્ડોસ તો બેસ્ટ છે. આ ખેતર ( હેમિંગ્વે, ઇન્ટરવ્યુ વખતે, સ્પેનમાં હતા) પણ સરસ છે. પણ મેં બધે જ લખ્યું છે. મેં જાતભાતની પરિસ્થિતિમાં લખ્યું છે. બસ આ એક ટેલિફોન અને મુલાકાતીઓ હેરાન કરે.
સવાલ: લખવા માટે ઈમોશનલ સ્ટેિબલિટી જરૂરી છે? તમે એકવાર મને કહ્યું હતું કે તમે પ્રેમમાં હો ત્યારે જ ઉત્તમ લખી શકો છો. આ સમજાવશો?
હેમિંગ્વે: શું સવાલ છે. આ પૂછવા માટે પૂરા માર્ક્સ. લોકો તમને એકલા છોડી દે અને ખલેલ ના પાડે, તો લખી શકાય. અથવા તમે જાડી ચામડીના હો તો લખી શકો. પણ સૌથી શ્રેષ્ઠ તો પ્રેમમાં હો ત્યારે જ આવે. મારે ઝાઝું નથી કહેવું.
સવાલ: તમે હવે બીજા લેખકોની કંપનીમાં બહુ હોતા નથી.
હેમિંગ્વે: આ જરા ગુંચવાડાવાળું છે. લખવામાં તમે ઊંડા ઊતરો પછી એકલતા જોઈએ. ઉત્તમ અને જૂના દોસ્તો મરી ગયા છે. અમુક દૂર થઇ ગયા છે. લખવામાં જ સમય એટલો જાય છે કે હળવું-મળવું પાપ લાગે.
સવાલ: તમારા ગમતા લેખક ક્યા? તમે જેમનામાંથી શીખ્યા હો.
હેમિંગ્વે: માર્ક ટ્વેઇન, સ્ટેન્ધાલ, બાચ, તુર્ગનેવ, તોલ્સતોય, દોસ્તોયેવેસ્કી, ચેખોવ, એન્ડ્રુ માર્વેલ, જોન ડોન્ને, મોપાસાં, કિપલિંગ, થોરો, કેપ્ટન મર્યત, શેક્સપિયર, મોઝાર્ટ, ક્વેવેડો, દાંતે, વર્જીલ, ટીંટોરેટ્ટો, હીરોનીમસ બોસ, બૃઘેટ, પટનીર, ગોયા, જીઓટ્ટો, ઝાનેન, વાન ઘોઘ, ગૌગીન, સાન જુઅન દે લા ક્રુઝ, ગોન્ગોરા–બધાને યાદ કરીશ તો આખો દિવસ જશે.
સવાલ: તમારા મનમાં આખી વાર્તા પહેલેથી નક્કી હોય?
હેમિંગ્વે: ક્યારેક હોય, અને કયારેક લખતા જાવ તેમ બનતી જાય, બદલાતી જાય.
સવાલ: નવલકથામાં પણ એવું જ હોય? કે પછી આખો પ્લાન નક્કી જ હોય?
હેમિંગ્વે: 'હુમ ધ બેલ ટોલ્સ'માં રોજ મુસીબત રહેતી હતી. મેં નક્કી કર્યું હોય કે હવે પછી શું થશે, પણ લખવા બેસું અને નવું કૈંક આવી જાય.
સવાલ: તમે એક પુસ્તક પરથી બીજાં પુસ્તક પર સરળતાથી શિફ્ટ થઇ જાવ કે પછી એક પૂરું કરો પછી બીજું શરૂ કરો?
હેમિંગ્વે: તમારા આ સવાલોના જવાબ આપવા મેં મારા સિરીયસ કામમાં ખલેલ પાડી છે એ બતાવે છે કે હું સ્ટુપીડ નથી. હું એક કામ સાથે બીજું કામ કરી શકું છું. ડોન્ટ વરી.
https://www.facebook.com/raj.goswami.31
![]()


તમે રે તિલક રાજા રામના.. ગીત વિશે ગતાંકમાં લખેલા લેખ પછી અનેક વાચકોના અભિનંદન માટેના ફોન કોલ્સ અને મેસેજ આવ્યા. પણ દરેકને પ્રશ્ન હતો કે ‘મારી આંખે કંકુના સૂરજ’ ગીત વિશે ક્યારે લખશો? મેં કહ્યું, "હા ભાઈ હા, એના વિશે તો લખવું જ પડે ને! પરંતુ, આંખે કંકુના … ગીત એવું છે કે એ લખ્યા પછી રાવજીનાં બીજાં કોઈ ગીતની વાત ના થઇ શકે. ગળે ડૂમો બાઝ્યો હોય, હૈયું બોઝિલ હોય અને કલમ અટકી ગઈ હોય ત્યારે બીજાં કયાં ગીતની કથા માંડવી? એટલે પહેલાં જ તમે રે તિલક…ની વાત કરી દીધી. આજે હવે આંખે કંકુના સૂરજની વાત લખતાં પહેલાં જ ઉદાસી ઘેરી વળી છે. કાવ્યનો એક એક શબ્દ એક એક અશ્રુનો મોહતાજ છે. જિંદગીની સફરમાં છેલ્લું સ્ટેશન છે મૃત્યુ. મૃત્યુની ગમગીની વ્યક્ત કરતું આનાથી કરુણ ગીત મેં નથી સાંભળ્યું. આ ગીત જેટલી વાર વાંચ્યું, સાંભળ્યું કે ગાયું છે ત્યારે અશ્રુધારા અટકી નથી. એ કમાલ છે ગીતના શબ્દોની, કારુણ્યસભર રાગ શિવરંજનીના સ્વરોની, અજિત શેઠના સ્વરાંકનની અને ભૂપિન્દર સિંહના ઘેરા અવાજની. અતુલ દેસાઈ, રાસબિહારી દેસાઈ અને ભૂપિન્દર સિંહ એ ત્રણેયના અવાજમાં આ ગીત સાંભળ્યું છે. ત્રણેય સ્વરાંકનો સરસ છે, પરંતુ ભૂપિજીના ઘેરા અવાજનું દર્દ કે પછી રાગ શિવરંજનીના સ્વરો, એ જે હોય તે, પણ હલબલાવી મુકે છે, રડાવી દે છે. શબ્દો અને સંગીત બન્ને હૃદયની આરપાર નીકળી જાય એવાં!
આ ગીતમાં લગ્ન અને મૃત્યુની વાત સમાંતરે ચાલે છે. જીવન હજુ તો શરૂ જ થયું છે અને મોત માથે ભમી રહ્યું છે! કાવ્યનો નાયક પરિણીત યુવાન છે. મૃત્યુને પ્રત્યક્ષ જોતાં જ એને પહેલો વિચાર પત્નીનો આવે છે. પત્નીનું સૌભાગ્યચિહ્ન કંકુનો ચાંદલો. એ ચાંદલો પોતાની ‘આથમતી’ આંખે ભૂંસાઈ જતો કવિને દેખાય છે. પત્નીના વૈધવ્યનું સાક્ષાત્ દર્શન થાય છે. યુવા વયે પત્નીનું વૈધવ્ય, ભુસાંતો ચાંદલો એ હૃદય વલોવી દેનારી ઘટના છે. લગ્નમાં થતી તૈયારીની જેમ જ કવિ મૃત્યુને શણગારવાની વાત કરે છે : ‘મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો, રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!’ આ ‘વીરા’ શબ્દનું અર્થઘટન નિશીથ ધ્રુવ નામના એક ભાવકે સરસ કર્યું હતું એ અહીં યાદ આવે છે. મન્ના ડેનું ગીત લાગા ચુનરી મેં દાગ આપણે સૌ જાણીએ છીએ. એમાં એક પંક્તિ આવે છે, વો દુનિયા મેરે બાબુલ કા ઘર, યે દુનિયા સસુરાલ … એટલે કે પરલોક એ તો મારું પિયર છે. ત્યાં તો ઈશ્વર વસે છે. એટલે અહીં કવિએ વીરા શબ્દ છે પ્રયોજ્યો છે એ માતા પિતા કે ભાઈ સમાન ઈશ્વરની જ વાત હોઈ શકે. આખી જિંદગી વેદના સાથે જીવ્યા છતાં કવિ અહીં જીવનને શણગારે છે! કવિ કહે છે: ‘પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા, ડૂબ્યા અલકાતા રાજ, ડૂબ્યા, મલકાતા રાજ’. પીળો રંગ અહીં પાનખરનો રંગ છે, જિંદગી ખરી પડવાનું પ્રતીક છે, જ્યારે લીલો રંગ વસંતનો, યૌવન અને જિંદગીનો રંગ છે. ભરજુવાનીમાં હણહણતા ઘોડા જેવી શક્તિઓ ક્ષીણ થઈને ડૂબી રહી છે. હણહણતા ઘોડા યૌવનનું પ્રતીક છે. સોનેરી સપનાંઓ જોયાં પહેલાં જ પૂરાં થઈ ગયાં છે. આયુષ્યની પાનખર આંગણે આવી ગઈ છે. કવિ આગળ કહે છે: મને રોકે પંછાયો એક ચોકમાં, અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો, મને વાગે સજીવી હળવાશ. આ પડછાયો પત્નીનો છે જે પતિને રોકી રહ્યો છે. પતિની વિદાય વેળાએ મૃત્યુને અટકાવવા ઊભો થયેલો પત્નીનો હાથ અધવચ્ચે જ અટકી જાય છે. ઝાંઝરની ઘૂઘરીઓનો રણકાર પણ ચોકમાં આવી એને રોકે છે ત્યારે મૃત્યુને પણ એ સજીવી હળવાશ ભોંકાઈ હશે. લગ્નજીવનનો હજુ તો આરંભ છે, કેટકેટલાં ઓરતાં બાકી છે, પણ મૃત્યુનો ઓછાયો એ સપનાંને ટૂંપી રહ્યો છે. છેલ્લા શ્વાસ લઇ રહેલી વ્યક્તિને અંતિમ ક્ષણોમાં સૌથી વધારે દુ:ખ સ્વજનોથી વિખૂટા પડવાનું થતું હોય છે. વ્હાલસોયી કાવ્યનાયિકાના ગળે ડૂમો ભરાઈ ગયો છે, આઘાતને કારણે પગ નથી ઊપડતા. એ રોકી રહી છે પ્રિયજનને …! મૃત્યુના મહોત્સવનું આ કાવ્ય મૃત્યુના દર્દને ય ખુમારીપૂર્વક ગળે લગાડે છે. શું અદ્દભુત કલ્પનો પ્રયોજ્યા છે કવિએ આ કવિતામાં! અહીં કલ્પનો છે, સંવેદના છે, હૃદયમાંથી ઊભરતી ટીસ છે. આ એક જ મૃત્યુ ગીત રાવજી પટેલને અમર કરવા માટે પૂરતું છે.
આ ગીતના સ્વરાંકન વિશે અજીત શેઠના પુત્ર અભિજિત શેઠ જણાવે છે કે "આંખે કંકુના સૂરજ આથમ્યા’ કેસેટનું રેકોર્ડિંગ થઇ રહ્યું હતું ત્યારે હું પપ્પાના આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. આ ગીતને રેકોર્ડ કરતાં ત્રણ દિવસ લાગ્યા હતા, કારણ કે ગીતના આરંભમાં શરણાઈનો જે ટુકડો છે એ પપ્પા જે પ્રકારે ઇચ્છતા હતા એવો આવી રહ્યો નહોતો. શરણાઈ વાદક પાસે કેટલી ય વાર રિહર્સલ કરાવ્યું તો ય એમને ધાર્યું પરિણામ તો ના જ મળ્યું. ગીત ધ્યાનથી સાંભળો તો શરણાઈનો પનો જરાક ટૂંકો જણાઈ આવે છે. છેવટે ત્રીજા દિવસે મોડી રાત્રે ત્રણ વાગે પપ્પાએ ટેક ઓકે કર્યો હતો. બીજા અંતરામાં વાઈબ્રોફોન સ્હેજ મોડું શરૂ થયું હતું. આ બંને ક્ષતિઓ ગીત તમે ધ્યાનથી સાંભળો અને સંગીત જાણતા હો તો ઓળખી શકો. અલબત્ત, ભૂપિજીએ પૂરી તૈયારી કરીને આ ગીતમાં જાન રેડી દીધો હતો. એ પોતે આ ગીતથી એવા પ્રભાવિત થઈ ગયા હતા કે એમણે પોતે આ ગીતમાં ગિટારના સ્ટ્રોક્સ વગાડયા છે.
