વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે હવે અંદાજે સો દિવસ બચ્યા છે, પાંચેક દિવસ આમતેમ. છેલ્લી ત્રણ મુદ્દત(૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪)નો ચૂંટણી કાર્યક્રમ ખાસ ફેરફાર વિના અપનાવવામાં આવશે તો આવતા વર્ષે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં ચૂંટણી જાહેર થશે, અને એ પછી, પરીક્ષાખંડમાં જેમ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક અને ગાઈડ બાજુએ મૂકી દેવાનું કહેવામાં આવે છે, એમ નરેન્દ્ર મોદીની સરકારને કહેવામાં આવશે કે હવે કોઈ નવી યોજનાઓ કે નવા નિર્ણયો જાહેર કરવાનાં નથી. તમારે જે કરવું હતું અને તમારાથી જે થઈ શક્યું એ પૂરું થયું. હવે નાગરિકો નક્કી કરશે કે સત્તાસ્થાને તમને પાછા બેસાડવા કે નહીં.
શેના આધારે નાગરિકો તમને પાસ કે નાપાસ કરશે? તમારા કામકાજના આધારે એવો એક આદર્શ જવાબ લોકતંત્રમાં આપવામાં આવે છે, પણ એવું હંમેશાં બનતું નથી. વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું એમ લોકતંત્ર ખૂબ ખરાબ શાસનતંત્ર છે, પરંતુ જગતમાં જેટલાં શાસનતંત્રો ઉપલબ્ધ છે એમાં એ શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ એ અર્થમાં છે કે એમાં નાગરિકને પોતાનો મત વ્યક્ત કરવાનો મોકો મળે છે, પછી ભલે મતને ખરીદવામાં આવતો હોય કે ખોટી રીતે પ્રભાવિત કરવામાં આવતો હોય. શુદ્ધ અર્થમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી હજુ સુધી તો કોઈ લોકશાહી દેશમાં યોજાતી હોય એવું જોવા મળ્યું નથી.
તો શું વિચારતા હશે નરેન્દ્ર મોદી પોતાના હાથે ખર્ચાયેલા સાડા ચાર વરસ વિષે અને હાથમાં બચેલા સો દિવસ વિષે? ભક્તો અને નિંદકો સામસામાં ધબધબાટી બોલાવે છે, રાજકીય સમીક્ષકોએ નરેન્દ્ર મોદીના અને તેમની સરકારના કામકાજનું મૂલ્યાંકન કરવાનું શરૂ કરી દીધું છે, આવતી સામાન્ય ચૂંટણીમાં શું થશે એની સંભાવનાઓ ચર્ચવામાં આવી રહી છે, છેલ્લા સો દિવસમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ શું કરી શકે એના અંદાજ માંડવામાં આવી રહ્યા છે; પરંતુ નરેન્દ્ર મોદી પોતે શું વિચારતા હશે? જે દિવસે લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં એ ૧૬મી મે ૨૦૧૪ની સાંજની એ મોમેન્ટ અને આજે ૨૦૧૮ના ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયાની ઊંધી ગણતરીમાંની એક મોમેન્ટ!
શું એ પળ હતી! ૧૯૮૪ પછી ત્રીસ વરસે પહેલીવાર કોઈ રાજકીય પક્ષને લોકસભામાં સુખેથી શાસન કરી શકાય એવી સ્પષ્ટ બહુમતી મળી હતી. સંસદીય લોકતંત્રમાં પ્રતિનિધિગૃહમાં બહુમતી હોવાનો મોટો મહિમા છે. શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી એવી સ્થિતિથી બચી શકાય છે. સારું શાસન આપવા ઈચ્છનારાઓ બહુમતી માટે વલખાં મારતા હોય છે, પણ ભારતનાં સમાજકારણે એવું સ્વરૂપ અપનાવ્યું કે ત્રીસ વરસથી કોઈ રાજકીય પક્ષને બહુમતી નહોતી મળતી. આઝાદી પછી શિક્ષણનો પ્રસાર થયો, એને કારણે ભારતીય પ્રજામાં અસ્મિતાકીય ઓળખો વિકસવા લાગી અને પરિણામે તેની અસર ભારતીય સમાજના તાણા-વાણા ઉપર થઈ. ભારતીય સામાજિક તાણા-વાણા ઘટ્ટ થવાની જગ્યાએ ઊલટાં ઢીલાં પડવા માંડ્યાં. ૧૯૮૯માં કૉન્ગ્રેસે આંતરિક રીતે વિભાજિત થયેલા ભારતમાં બહુમતી ગુમાવી દીધી અને એ પછી કોઈ રાજકીય પક્ષને બહુમતી નહોતી મળતી, તે છેક ૨૦૧૪ સુધી.
તો પછી ૨૦૧૪માં જાદુ કેમ થયો? અટલ બિહારી વાજપેયી જેવા વિરાટ કદના નેતા જે નહોતા કરી શક્યા એ નરેન્દ્ર મોદી કેમ કરી શક્યા? અચૂક નરેન્દ્ર મોદી આ વિષે વિચારતા તો હશે જ અને જો ન વિચારતા હોય તો તેઓ મોટી ભૂલ કરે છે. ઈમેજ મેકઓવરનું અમેરિકન એજન્સીઓને સોંપવામાં આવેલું કામ, પ્રશાંત કિશોર જેવા માર્કેટિંગ મેનોની લેવામાં આવેલી સેવા, પ્રોડક્ટ વેચનારું અને વર્તુળો ભેદતું ભેદતું છેલ્લા સ્માર્ટફોનધારી નાગરિક સુધી પ્રોડક્ટને પહોંચાડનારું મજબૂત સાયબર સેલ, અઢળક પૈસા, અનુકૂળ મીડિયા, કહેવાતા ગુજરાત મોડેલને સફળતાનાં સર્ટિફિકેટ આપનારાઓ, છેક બૂથ લેવલ સુધીની અમિત શાહે વિકસાવેલી ઈલેકશન વિનિંગ મશીનરી વગેરે બહુમતી સુધી પહોંચાડનારાં આનુષંગિક પરિબળો છે; મુખ્ય પરિબળો નથી.
કોઈ એક જણસ હતી એટલે વેચી શકાઈ પણ એ જણસ કઈ હતી? વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદી પોતે? ના. નરેન્દ્ર મોદી એવા કોઈ ગાંધીજી જેવા તપસ્વી નથી કે જેની સુવાસ આપોઆપ લોકો સુધી પહોંચી જાય. જો એમ હોત તો ઉપર ગણાવ્યાં એ માધ્યમોની જરૂર ન પડી હોત. ભારતમાં ૯૦ ટકા પ્રજા અભણ હતી અને છાપાંઓ નહોતી વાંચતી ત્યારે ગાંધીજી છેલ્લા માણસ સુધી પહોંચી શક્યા હતા એનું કારણ તેમની તપસ્વિની સુગંધ હતી. ગાંધીજીને ક્યાં લોકો સુધી પહોંચવા માટે માધ્યમોની જરૂર પડી હતી ! તો શું જાદુગર હુડીનીના ખાલી પિટારા જેવી સાવ આભાસી જણસ હતી? ના, એ વાત પણ સાચી નથી. નરેન્દ્ર મોદીના નિંદકો આમ કહે છે, પરંતુ એ સંપૂર્ણ સત્ય નથી. આભાસ પેદા કરવામાં આવ્યો હતો એ વાત સાચી, પરંતુ એ નક્કર જણસને વિરાટ તરીકે રજૂ કરનારો અભાસ હતો. સાવ આભાસી ઓછાયો નહોતો, કોઈ એક નક્કર ચીજનો ઓછાયો હતો.
તો કઈ એ ચીજ હતી? નરેન્દ્ર મોદી વિચારતા જ હશે અને જો ન વિચારતા હોય તો તેમણે વિચારવું જોઈએ. એકલા જાનૈયાઓએ વરરાજાને માંડવે નહોતા પહોંચાડ્યા. તેમણે તો વરરાજાનાં ઓવારણાં લેતાં ગીતો ગાવાનું અને અને વિરોધીઓને ફટકારતાં ફટાણાં ગાવાનું કામ કર્યું હતું, માંડવે તો નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા અને વિરાટ રાષ્ટ્રીય સ્વયંવરમાં પ્રજાનું મન જીતી લીધું હતું. એમાંથી ૧૬મી મે ૨૦૧૪ની સાંજની એ અનુપમ પળ પ્રગટી હતી. એ સાંજ સાવ શૂન્યમાંથી નહોતી પ્રગટી. શૂન્યમાંથી કશું જ પ્રગટ નથી થતું એને માટે કોઈક પદાર્થ જોઈએ. તો ક્યાં છે એ પદાર્થ? ખોવાઈ ગયો, હાથમાંથી સરકી ગયો કે પછી જાણીબૂજીને કે ભૂલભૂલમાં ક્યાંક મુકાઈ ગયો અને સાવ ખોટા પદાર્થથી રમવા લાગ્યા? નરેન્દ્ર મોદી સાડા ચાર વરસ પહેલાનાં ૧૬મી મેની સાંજના એ મનોહર દૃશ્યને યાદ કરીને શું વિચારતા હશે! સંતોષ? ગ્લાનિ? કે પછી નવી કીમિયાગીરી?
વિચારો. આવતીકાલે ચર્ચા આગળ લઈ જશું.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 21 ડિસેમ્બર 2018
![]()


આમ તો મહારાષ્ટ્રમાં ગયાં પચીસેક વર્ષમાં હજારો ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ હકીકત એટલા માટે પણ વધુ આક્રોશજનક લાગે છે કે આ એ રાજ્ય છે કે જેમાં, દેશના ઇતિહાસમાં ખેડૂતોની દુર્દશા વિશે સંભવત: સહુથી પહેલી વાર સક્રિય ચિંતન કરનાર કર્મશીલ મહાત્મા જોતીરાવ ફુલે (1827-1890) થઈ ગયા. જોતિરાવે આધુનિક પદ્ધતિથી ખેતી કરી,ખેડૂતોના પ્રશ્નો અંગે અંગ્રેજ સરકાર સમક્ષ રજૂઆતો કરી અને ‘શેતકર્યાચા અસૂડ’ (ખેડૂતનો ચાબૂક) નામનાં તેમનાં પુસ્તકમાં ખેડૂતોની દુર્દશાનો ચાબખાં જેવી ભાષામાં ચિતાર આપ્યો. જોતીરાવ આમ તો દલિતોની અસ્મિતાના ઉદ્દગાતા અને ડૉ.બાબાસાહેબ આંબેડકરના એક ગુરુ તરીકે વંદનીય ગણાય છે. સવર્ણ વર્ગો દ્વારા દલિત વર્ગો પ્રત્યે બતાવાતા અમાનવીય ભેદભાવો અને પુરોહિત વર્ગના વર્ચસ્ વિરુદ્ધ તેમણે ચળવળ ચલાવી. દલિત કન્યાઓ માટેની પહેલી શાળા તેમણે 1842માં પૂનામાં ચલાવી. તેના પહેલાં શિક્ષક અને આચાર્ય જોતિરાવનાં પત્ની સાવિત્રીબાઈ હતાં, જેમણે અનેક મુશ્કેલીઓ વચ્ચે દલિતોનાં શિક્ષણનો વ્યાપ વધાર્યો. પૂના યુનિવર્સિટી નામ કોઈ પણ વિવાદ વિના ઑગસ્ટ 2014થી સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટી પાડવામાં આવ્યું તે સાવિત્રીબાઈની મહત્તા બતાવે છે. ફુલે દંપતીએ પીડિત સ્ત્રીઓના આધાર માટે અને સ્ત્રી-પુરુષ સમાનતાની દિશામાં પણ અનેક કામ કર્યાં. જોતિરાવે પ્રગતિશીલ વિચારોના પ્રસાર માટે પત્રિકાઓ, પુસ્તકો અને અહેવાલો લખ્યાં છે. ‘દીનબંધુ’ સામયિક થકી પત્રકારિતા કરવા ઉપરાંત મિલમજૂરો માટેની ચળવળમાં પણ સાથ આપ્યો છે. તેમણે શૂદ્ર ગણાતા લોકોને અધિકારો માટે જાગૃત કરવા અને તેમને પુરોહિતોની ગુલામીમાંથી મુક્ત કરવા ‘સત્યશોધક સમાજ’ નામનાં સંગઠનની 1873માં સ્થાપના કરી. ખેડૂતોની સ્થિતિમાં સુધારા માટેના કરેલા અથાક પ્રયત્નો મહાત્મા ફુલેનાં જીવનકાર્યનું અગત્યનું પાસું છે.
ફુલેના ‘શેતકર્યાચા અસૂડ’(1883) પુસ્તકના ઉઘાડની પંક્તિઓ બહુ જ જાણીતી છે : ‘વિદ્યે વિના મતિ ગેલી, મતિ વિના નીતિ ગેલી, નીતિવિના ગતિ ગેલી !/ ગતિ વિના વિત્ત ગેલે, વિત્તાવિના શૂદ્ર ખચલે, ઇતકે અનર્થ એકા અવિદ્યેને કેલે.’ (વિદ્યા વિના મતિ ગઈ, મતિ વિના નીતિ ગઈ, નીતિ વિના ગતિ ગઈ ! ગતિ વિના વિત્ત ગયું, વિત્ત વિના શૂદ્રો તૂટ્યા, આટલા અનર્થો એક અવિદ્યાએ કર્યા). પુસ્તકની શરૂઆતમાં ફુલે ખેડૂત વર્ગ તરફની આભડછેટ અને ખેડૂતોના પેટા વર્ગો વિશે લખે છે. પ્રસ્તાવનાના છેલ્લા મુદ્દા તરીકે ફુલે એ મતલબનું લખે છે કે દુનિયાના બધા દેશોના ખેડૂતો કરતાં હિન્દુસ્તાનમાંના અજ્ઞાની, અને ભોળી ઇશ્વરશ્રદ્ધા રાખાનારા ખેડૂતોની સ્થિતિ પશુઓથી પણ બદતર થઈ છે. પહેલાં પ્રકરણમાં પુરોહિત વર્ગ શૂદ્ર ગણાતાં ગામડાંના ખેડૂત સમૂહને તેની આખી જિંદગી જાતભાતનાં કર્મકાંડ કરાવીને કેવી રીતે છેતરે છે તેનું વિગતે વર્ણન છે. ત્યાર પછીનાં પ્રકરણમાં જોતીરાવ ખેડૂતોની પાયમલીના કારણો આપે છે. પેશવાઓની પડતી પછી ખેડૂતોની સૈનિકો તરીકેની ભરતીમાં ઘટાડો થયો. રાજ્ય અને લશ્કરનાં ગૌણ કામોમાં જોતરાયેલા ખેડૂતો ખેતી તરફ પાછા વળ્યા અને જમીનના નાના હિસ્સા પડ્યા. ઓછી જમીનને કારણે પરિવાર દીઠ પાક ઓછો, ઓછી આવક અને ઓછાં પોષણનું ચક્ર ચાલ્યું. વારંવાર દુકાળ પડ્યા અને શાહુકારો તેમ જ સરકારી અધિકારીઓનો જુલમ વધતો ચાલ્યો. જંગલખાતાનું ગૌચરો પરનું દબાણ, અંગ્રેજોની વ્યાપારનીતિ, સરકારી અધિકારીઓની જડતા અને અનીતિ તેમ જ ભ્રષ્ટ ન્યાયવ્યવસ્થા જેવાં પરિબળોની પણ જોતીરાવ છણાવટ કરે છે. આ બધાંને કારણે ખેડૂતોનાં બેહાલ થયેલાં જીવતરનાં વ્યથિત કરે તેવાં શબ્દચિત્રો લેખકે ચોથા પ્રકરણમાં આપ્યાં છે. ‘અસૂડ’ના આખરી પ્રકરણમાં ખેડૂત અને ખેતીના સુધારા માટે જોતીરાવ અનેક સૂચનો આપે છે. તેમાંથી કેટલાક આ મુજબ છે : ગાય-બળદની યોગ્ય પેદાશ અને ઉછેર, નાના બંધોનું લશ્કર દ્વારા બાંધકામ, નહેરોના કામમાં ખેડૂતોની સામેલગીરી, જળસ્રોતના નકશાની રચના, કુવાઓનું ખોદાણ, ઊંચી ઓલાદનાં ઘેંટા બકરાની પેદાશ અને પાલન, ખેડૂતોનાં સંતાનોને સુથારીકામ-લુહારીકામ જેવાં હુન્નરની તાલીમ અને ખેતી માટેની શાળાઓ. ઉપલા વર્ગો અને સરકાર ખેડૂતો માટે શું કરી શકે તે માટેનાં સૂચનો છે. શાસનવ્યવસ્થાની સક્રિય સંવેદનશીલતા પર ફુલે ખૂબ ભાર મૂકે છે.
પારસી રંગભૂમિનાં ગીતો એટલે ખડખડાટ હાસ્ય, રમૂજવૃત્તિ અને નિખાલસતા. એમાં ઠઠ્ઠા-મશ્કરી પણ ભળે. પારસી રંગભૂમિના જ્ઞાતા ડૉ. રતન માર્શલ નોંધે છે એમ પારસીઓની રમૂજવૃત્તિનું કારણ એમના ધર્મમાં પલાયનવાદ(એસ્કેપિઝમ)નો અભાવ. એમનો ધર્મ સંસારનો ત્યાગ ન કરતા સંસારમાં જ રહીને સીધા માર્ગે, મર્યાદામાં રહી જીવનનો આનંદ માણવાનું કહે છે. તેઓ માને છે કે જે જીવ યોગ્ય માર્ગે જીવન જીવે એ ઈશ્વર-અહુરમઝદની સૃષ્ટિ રચના અને એના સંચાલન કાર્યમાં સહાય કરે છે. કદાચ આથી જ પારસીઓમાં જીવનનો સાચો આનંદ અને પોતાના આનંદ તેમ જ સુખસાધન સંપત્તિમાં બીજાને ભાગીદાર બનાવીને માણવાની વૃત્તિ સવિશેષ જોવા મળે છે.
યઝદીભાઈએ પારસી રંગભૂમિને અઢળક નાટકો આપ્યાં છે. ૮૨ વર્ષની વયે પણ નાટ્ય ક્ષેત્રે કાર્યરત યઝદીભાઈ ૬૦-૭૦ વર્ષ પહેલાંના જમાનાની વાત કરતાં કહે છે, "એ વખતે મનોરંજનના કોઈ સાધનો ન હોવાથી લોકો નાટક-ચેટક પ્રત્યે ખૂબ આકર્ષાતા. નાટ્યક્ષેત્રે મારો પ્રવેશ પણ બહુ નાટકીય હતો. મારા પિતા કેમ્બે ઇન્સ્ટિટ્યૂટ નામની વાણિજ્ય સંસ્થા ચલાવે, જેમાં એકાઉન્ટ્સ, ટાઈપ રાઇટિંગ બધું શીખવાડે. એનું વાર્ષિક સ્નેહ સંમેલન એકવાર યોજાયું હતું, જેમાં એમણે એક નાટક કરવાનું હતું. રિહર્સલ તો ઘરમાં જ ચાલે. એ જોવા અમે બધા બેસીએ. પિતાજીએ એમના ફાધર એટલે કે મારા દાદાને આ સ્નેહ સંમેલનમાં આવવા નિમંત્રણ આપ્યું હતું. દાદાને મારા ઉપર ખૂબ પ્રેમ એટલે એમણે કહ્યું કે આ નાલ્લા યઝદીને નાટકમાં ઊતારો તો હું જોવા આવીશ. પપ્પાને હવે છૂટકો નહોતો એટલે નાટકમાં આવતા રાસલીલાના એક દૃશ્યમાં મને કૃષ્ણ તરીકે ઊભો રાખી દીધો. મારે બીજું કંઈ કરવાનું નહોતું. કૃષ્ણની જેમ ફક્ત પગ ક્રોસ કરીને ઊભા રહેવાનું અને હાથમાં વાંસળી ઝાલી રાખવાની. રાસલીલામાં બધા હૃષ્ટપુષ્ટ છોકરાઓ હતા. છોકરીઓનો વેશ પણ છોકરાઓ જ ભજવે ને એવી ધમધમાટી બોલાવે કે દાંડિયા તૂટી જાય. એટલે એમને બાવળના દાંડિયા પકડાવવામાં આવ્યા હતા. બસ પછી તો એ બધા એવા ધમ ધમ પગ પછાડી ગોલ ગોલ ફરીને રાસલીલા કરવા માંડ્યા કે મારા તો ક્રોસ કરેલા પગ ખૂલી ગયા અને હું તો વાંસળી પકડીને ઊભો જ રહી ગયો. રાસ પૂરો થયો ને બધાં સ્ટેજ પરથી જતાં હતાં ત્યારે એમના પગ ભીના થયા. બધા સમજી ગયા અને મશ્કરી કરી બોલવા લાગ્યા કે આ કૃષ્ણે જ ‘લીલા’ કરી લાગે છે. ખરે જ હું એવો ડરી ગયો હતો કે પૂછો નહિ! આવો હતો મારો પહેલો પરફોર્મન્સ!