
courtesy : "The Deccan Chronicle; 23 April 2019
![]()

courtesy : "The Deccan Chronicle; 23 April 2019
![]()
આજે પુસ્તક-દિન
‘હું તો હવે કાળના પ્રવાહમાં વિલીન થવાનો. … હું એકવાર સરનામાવિહોણો બનીને દુનિયા છોડી જઇશ, પણ હું આ સૃષ્ટિમાં તમને મળી જતો રહેવાનો છું’. આવું કહેનાર જ્યોર્જ વ્હીટમૅને પૅરીસ નગરના તેના પુસ્તક-હાટને ઉપલે નિવાસ-મજલે છેલ્લીવાર આંખ મીંચી. અઠ્ઠાણું વરસનું પાન ખરી ગયું. પુસ્તકોના આશિકોનો દાયરો સૂનો પડ્યો. જ્ઞાનરસજગતના એક મોવડીએ ડિસેમ્બરની 14મીએ અસબાબ સંકેલ્યો.
આપણને આ સૃષ્ટિમાં મળી જતા રહેવાનો કૉલ આપનાર આ જ્યોર્જ વ્હીટમૅન કોણ? પૅરિસમાં સેન નદીને એક આરે ઊભી છે દુકાન : શેક્સ્પીઅર ઍન્ડ કંપની; ફ્રેન્ચ ભાષા-સંસ્કૃતિના ધામમાં અંગ્રેજી પુસ્તકોની આ દુકાન સંકોડાઇને બેઠી છે. તેના માલિક ને ઘડવૈયા જ્યોર્જ વ્હીટમૅન. એમણે છ દાયકા સુધી પુસ્તકોની દુનિયામાં જે કામ કર્યું છે તેનું જીવતું સ્મારક એટલે શેક્સ્પીઅર ઍન્ડ કંપની. એને દુકાન તો કેમ કહેવાશે? કહીએ કે લેખકોનું, સાહિત્યના રઝળુઓનું, વાચનરસિયાઓનું આ પ્રિય ધામ, વાચનની દુનિયાની એક દંતકથા.

અમેરિકાના વતની વિજ્ઞાની પિતા સાથે એક વરસનું કિશોરજીવન જ્યોર્જે ચીનમાં વીતાવ્યું ત્યારે તેના પગે ભમરો વળગ્યો, અને વતનમાં જઇને ઝટપટ ભણતર પૂરું કરીને ઉત્તર અમેરિકા ખંડને ખૂંદવા જુવાન જ્યોર્જ નીકળી પડ્યા : પગપાળા ભટક્યા, હીચહાઇકીંગ કર્યાં, ભારખટારાઓમાં ખડકાઇને ફર્યા, માગીભીખીને ખાવું પણ પડ્યું, ક્યાંક થોડું કામ કરીને વાટખરચી રળી લઇને વળી પાછા નીકળી પડે. એવા રઝળપાટમાં એકવાર ભાઇ મેક્સિકોના અડાબીડ જંગલમાં ખોવાયા, પણ આદિવાસીઓએ આવકારો દીધો, મહેમાનને સંભાળી લીધા. પનામા દેશના એક કળણમાં ખૂંપીને માંડ બહાર નીકળ્યા. ઠેઠ હવાઇ પહોંચી ને પછી ઘરનો મારગ લીધો. લશ્કરની કામગીરી એને ભાગે આવી, અને ગ્રીનલૅન્ડ જવાનું થયું. મુરાદ હતી ખલક આખી ભમી વળવાની, પણ યુરોપમાં ભ્રમણ કરીને પછી પહોંચ્યા પૅરિસ. અમેરિકન લશ્કરીસેવાની નોકરી પૂરી કરીને બનવું તો હતું નવલકથાકાર, પણ એમને તરત સમજાયું, ‘એ આપણું કામ નહીં’. સોબોર્ન યુનિવર્સિટીમાં ફ્રેન્ચ સંસ્કૃતિનો અભ્યાસ કર્યો. એક બિસ્માર હોટેલના નાના ઓરડામાં જ્યોર્જનો નિવાસ હતો, અને તેમાં જ છતથી તળિયા સુધી પુસ્તકો ગોઠવ્યાં : પોતાનાં, કોઇએ કાઢી નાખેલાં, વિદ્યાર્થીઓ પાસેથી ખરીદેલાં જૂનાં પુસ્તકો : એ હતી કામચલાઉ લાઇબ્રેરી – પુસ્તક-ભંડાર નહીં, પુસ્તકાલય.
1951માં જ્યોર્જને નાણાનો જોગ થયો, ને એક આરબ પાસેથી મેવામસાલાની દુકાન ખરીદીને, પ્રિયતમાના નામ પરથી ‘લ મિસ્ત્રાલ’ નામે પુસ્તક-ભંડારનાં એ તોરણ બાંધે છે. ‘મિસ્ત્રાલ’ પુસ્તકોની દુકાન ઉપરાંત વાંચવા માટેની લાઇબ્રેરી પણ હતી. પુસ્તકો ખરીદવા આવતા ગ્રાહક એવો ઉષ્માવંત અનુભવ લઇને જતા કે બીજીવાર મિત્રભાવ લઇને આવતા. ‘મિસ્ત્રાલ’ જોતજોતામાં પૅરિસ નગરીના બુદ્ધિવંતોનું થાનક બની ગયું. સાહિત્યપઠનની, ગોષ્ઠીઓની મિજલસો અહીં ભરાતી. હરેક રવિવારની સાંજે દુકાનના ઉપલા મજલે ચા-મેળાવડો સહુ માટે ખુલ્લો રહેતો. હતી તો પુસ્તકોની દુકાન, પણ સ્થાપનાના થોડા મહિનામાં જ નાનું સામયિક શરૂ કર્યું જેમાં આયોનેસ્કો અને સાર્ત્ર જેવા પ્રસિદ્ધ લેખકોનાં લખાણો પ્રગટ થતાં. હજુ ખ્યાતિને દ્વારે ન પહોંચેલા બેકેટની કૃતિઓને પણ તેનાં પાનાંઓ પર સ્થાન મળતું. અણજાણ માનવીઓના સ્નેહ થકી અને લાંબા રઝળપાટો દરમિયાન વેઠેલી મુફલીસીએ જ્યોર્જના માનસ પર સામ્યવાદી રંગ છાંટ્યો. હા, સ્વભાવે નિજરંગી હતા, નોખા વિચારો ધરાવતા, તેથી ‘વિચિત્ર’ પણ ગણાયા, કેટલાકે રમૂજમાં એમને દોન કિહોતેનો અવતાર પણ કહ્યા હશે. પોતાના વાળ જાતે કાપતા નહીં પણ મીણબત્તીથી બાળતા! : ‘કેશકર્તન માટે તે કાંઇ પૈસા ખરચાતા હશે?’ બુકશોપમાં એમનો ઠસ્સો એક રાજવી જેવો. પણ એ જ માનવી કહે, ‘મારી પાસે કદી પૈસા હતા નહીં, મારે તેની જરૂર પણ નથી પડી. હું તો ભટકતો માણસ છું’. પૈસાને હાથનો મેલ ગણનાર આ માનવી હિસાબકિતાબમાં અડબંગ. અવારનવાર રોકડનો ગલ્લો ચોરાય, પણ એ પણ તત્ત્વજ્ઞાનીની જેમ ભૂલી જાય. ટેલિફોન કે ક્રેડીટકાર્ડ જેવી આધુનિક સુવિધાઓ માટે અણગમો. વ્હીટમૅન કહેતા કે “મારી પાસે જે નજીવી દુન્યવી જણશો મૂકી જવાનો એ તો થોડાં મેલાંઘેલાં મોજાં અને મજૂસમાં સાચવેલા થોડા પ્રેમપત્રો, નોત્રદામ દેવાલય જેમાંથી દૃષ્યમાન છે એ મારી પુરાણી બારીઓ, અને મારું આ ગ્રંથહાટ.”
વ્હીટમૅનના પૅરિસ-આગમન પહેલાં શેક્સ્પીઅર ઍન્ડ કંપની નામે પુસ્તક-ભંડાર હતો. સીલ્વિઆ બીચ નામે એક અમેરિકન સન્નારીની સરજત કહેવાય એવી એ દુકાન ખરેખર તો એક સાંસ્કૃતિક મથક હતું, નાનામોટા લેખકો કલાકારો જ્ઞાનરસિકોનું એ પ્રિય મિલનસ્થાન હતું. જેમ્સ જોઇસ સાહિત્યની દુનિયામાં અણજાણ નામ હતું. પછીથી એમની જગબત્રીસીએ ચડેલી નવલકથા ‘યુલીસિસ’ની હસ્તપ્રત જાણીતા પ્રકાશકો અસ્વીકારના શેરા સાથે પાછી મોકલ્યા કરતા ત્યારે, આ સીલ્વિઆ બીચે તેના પ્રકાશનનું સાહસ કરેલું. સીલ્વિઆબહેનના આ મથક પર સાહિત્યના નામવંતોનાં બેસણાં હતાં. બીજા વિશ્વયુદ્ધ વખતે નાઝીઓની ખફગીનો ભોગ બનેલી આ નારીએ દુકાનનું વિસર્જન કર્યું ને વતનની વાટ પકડી.
સાઠના દાયકામાં વ્હીટમૅન ‘લ મિસ્ત્રાલ’નું શેક્સ્પીઅર ઍન્ડ કંપની નામે રૂપાંતર કરે છે : પોતાનાં પ્રેરણાદાત્રી પુરોગામી સીલ્વિઆ બીચના આશિષ સાથે, તેના સન્માન અર્થે. 1964 શેક્સ્પીઅરની ચારસોમી જયંતીનું પણ વરસ હતું. વ્હીટમૅનની પ્રકૃતિ વેચનારની નહોતી : પુસ્તકો વેચાય એ એને ગમતું નહીં. અમુક પુસ્તકો સાથે તેની માયા એવી કે ગ્રાહકને વેચે નહીં, વાંચવા આપે! સાચા અર્થમાં દરિયાવદિલ આ મનુષ્ય દુકાને આવનારને મીઠો આવકાર આપે, કૉફી ધરે. ઉપરને મજલે પોતાના નિવાસમાં અંગત પુસ્તકાલય જોવા લઇ જાય. મોડે સુધી, અરધી રાત સુધી પુસ્તકોમાં ખોવાઇ જનાર ગ્રાહકો માટે દ્વાર ખુલ્લાં રહેતાં. સાહિત્યના રઝળુ બંદાઓ, નવલેખકો, અભ્યાસીઓ અહીં દિવસો સુધી રહી શકે એવી સગવડ : બદલામાં એમણે દુકાનમાં અમુક કલાક સેવા આપવાની. કેવી એ સુવિધા? ફાટેલાં પાગરણ, રાત પડે ને માંકડોની સેના નીકળી પડે.
મોટા લેખકો માટે થોડી ચડિયાતી વ્યવસ્થા ઉપલે મજલે. તેમાં એક ભાઇ આ રીતે રોકાય છે. જ્યોર્જ સવારે તેને માટે કૉફી-નાસ્તો આપવા જાય છે, પણ પછી કહે છે, ‘ચાલો ભઇલા, કામે ચડવાનો સમય થયો’. મિશેલ પીસેલ નામે એક સાહસિક પ્રવાસી એકવાર આવ્યા. વ્હીટમૅન કહે, “તમારી ભ્રમણકથાઓ વાંચીને મુરાદ સેવતો હતો કે ક્યારેક મળીએ.” પ્રવાસીનો જવાબ આવ્યો : “મળ્યા છીએ આ પહેલાં : વિદ્યાર્થી હતો ત્યારે અહીં આવવાનું વ્યસન હતું. અહીં વાંચેલી ચોપડીઓએ જ ‘એક્સ્પ્લોરર’ થવાનાં સપનાં આંજેલાં. અઢાર પ્રવાસકથાઓ લખીને પછી આ પ્રેરણા-થાનકને સલામ કરવા આવ્યો છું.” એક લેખિકા સંભારે છે કે, “જાતજાતનાં પીણાંઓ અને ખાદ્યો મુલાકાતીઓને ધરવાના રસિયા આ માનવીએ મારે માટે એકવાર લીંબુનું શરબત બનાવ્યું. કહે, ‘લીંબુની તાજી મંજરીઓની સોડમ આવે છે ને?’ મેં પૂછ્યું, ‘પૅરિસમાં અત્યારે લીંબુનાં લીલાં ફૂલ ક્યાંથી?’ એટલે રહસ્ય કહેતાં હોય તેમ ફોડ પાડે, ‘ના, લીલાં ફૂલની સુગંધ નથી; એ તો એવું કહીએ તો જરા કાવ્યમય લાગે.’ જ્યૉર્જે આપણે માટે આવું કાવ્યમધુર ધામ રચ્યું એ બદલ એનાં ઋણી રહેશું.”
મિસ્ત્રાલ અને શેક્સ્પીઅર ઍન્ડ કંપની, એ બે નામ એક પ્રકારના રોમાંચ સાથે લેવાતાં રહ્યાં, જ્યોર્જની સાહિત્યપ્રીતિમાં ઉમરાવદિલી છલકાતી, આ એવો માનવી હતો જેણે કવિ યેટ્સની કાવ્યપંક્તિને ગુરુમંત્ર બનાવી હતી : ‘અજાણ્યાઓને પણ અહીં આવકાર હજો – રખે ને તેમાં છૂપા વેશે દેવોનો દૂત હોય!’ છ દાયકામાં પોતાના આ ધૂણે આવનારા આવા પચાસ હજાર જાણેલા-અણજાણ સાહિત્યમાર્ગુઓને એ ઓલિયાએ સાચે જ મીઠો આવકાર આપ્યો હતો : ખરેખર દેવદૂત તો એ હતા. આપણા કવિ નિરંજન ભગત એ પુસ્તકધામની મુલાકાતનો મોંઘો-મિષ્ટ લહાવ લઇ આવ્યા છે; એમણે પોતાની મુલાકાતના સમાપનની વાત ઊર્મિસભર શબ્દોમાં કથી છે : શેક્સ્પીઅર ઍન્ડ કંપનીમાંથી વિદાય થયો તે ક્ષણે જાણે કે કોઇ તીર્થસ્થાનની યાત્રાનો અનુભવ કર્યો એવી હૃદયમાં ધન્યતા હતી.”[1] ભંડારની પુસ્તકભીડનું વર્ણન કવિ આમ કરે છે : “દાદરનાં પગથિયાં પર પણ પુસ્તકો, અરે, બાથરૂમ એ પણ પુસ્તકોનો સંચયખંડ, હાથ ધોવાની કૂંડીની આસપાસ પણ પુસ્તકો.” પત્રકાર દિલીપ પાડગાંવકરનો અનુભવ કેવો? “… મારો વસવાટ પૅરિસમાં હતો ત્યારે હું પ્રથમવાર વ્હીટમૅનને મળેલો. એ સમયે શેક્સ્પીઅર ઍન્ડ કંપની સાહિત્યકારોનું મિલનસ્થાન બની ગયેલું. વિદ્યાર્થી તરીકે હું એ તીર્થભૂમિમાં જતો-આવતો. કેટલાક જાણીતા લેખકોનો પરિચય મને ત્યાં જ થયેલો. વ્હીટમૅન પોતે પણ બીજા અનેક લેખકોની આવનજાવનની સાંભરણો કહેતા. …. સીલ્વિઆ બીચના કાળમાં કવિ આર્કીબાલ્ડ મૅકલીશ અહીં હંમેશ આવતા. કવિએ સંભાર્યું છે : ‘શેક્સ્પીઅર ઍન્ડ કંપનીવાળા રસ્તા-વળાંકે પ્રવેશ કરતો ત્યારે જાણે સ્વપ્નદ્વારે આવ્યો હોઉં એવી લાગણી થતી. વિચારતો : અરે, આન્દ્રે જીદ હજુ પરમદિવસે જ અહીં હતા, જેમ્સ જોઇસનું કાલે જ આગમન થયેલું – આ જ જગ્યાએ? અહીં જ?’
શેક્સ્પીઅર ઍન્ડ કંપનીમાં કાવ્યપઠનનાં, સાહિત્યગોષ્ઠીનાં, ગપ્પાંસપ્પાંનાં મિલનો ચાલ્યા જ કરતાં હોય. દર સોમવારે સાહિત્યપઠનનો કાર્યક્રમ કાયમી બની ગયેલો. એક રમૂજ વહેતી થયેલી કે પુસ્તકોની દુકાને કરવાનું કામ – પુસ્તકો વેચવાનું કામ – તો અહીં થતું જ નથી! આગંતુકોને જ્યોર્જ પોતાના ફ્લૅટમાં લઇ જાય, કૉફી પાય. કોઇવાર મૉજ આવી જાય તો અણધાર્યું સંધ્યાભોજન દુકાનની બહાર ફૂટપાથ પર ગોઠવી નાખે, પોતે રાંધીને જમાડે!

જીવનની ઢળતી સંધ્યાએ એણે સંસાર માંડ્યો ખરો, પણ લગ્નજીવન જલદી સમાપ્ત થઇ ગયું. શેક્સ્પીઅર ઍન્ડ કંપનીનાં સ્થાપકના નામ પરથી એકની એક પુત્રીનું નામ પણ સીલ્વિઆ રાખ્યું. એકલપંડે દીકરીને મોટી કરી. દીકરી ભણીગણીને પિતાની શાગિર્દ બની. પિતાની કેડીએ ચાલી, વારસાને સવાયો કરવા માટે મચી પડી, પુસ્તક-હાટનો કાયાકલ્પ કર્યો. જ્યાં સાહિત્યગોષ્ઠીઓ થતી, નાનાં મિલન યોજાતાં ત્યાં આ નવી સીલ્વિઆએ દર બે વરસે દેશવિદેશના લેખકોના મોટા મેળાવડાઓનાં ને પ્રવચનોનાં આયોજનો આરંભ્યાં. શેક્સ્પીઅર ઍન્ડ કંપનીએ હવે એક સાંસ્કૃતિક મથક તરીકેની જગતવ્યાપી ખ્યાતિ હાંસલ કરી, ને મોટામોટા બુદ્ધિવંતો તેના આમંત્રણનો આદર કરીને આ મેળાવડાઓમાં હોંશેહોંશે આવી પહોંચે છે. 2006ના આવા મેળાવડાનો વિષય હતો : પ્રવાસકથાઓ. ખ્યાતનામ ભ્રમણ-લેખકોએ તેમાં ભાગ લીધેલો. ‘ટાઇમ્સ લિટરરી સપ્લીમેન્ટ’ અને ‘ન્યૂ યોર્ક રિવ્યૂ ઑફ બૂક્સ’ જેવા જગવિખ્યાત પુસ્તક-વિષયક સામયિકોએ અને ફ્રેન્ચ સરકારે આ કાર્યક્રમોને સહાય કરી. 2010માં આ મેળાવડાનો વિષય હતો : જીવનચરિત્ર અને સ્મરણકથાઓ. ‘પૅરિસ રિવ્યૂ’ નામે એક ઉન્નતભ્રૂ સાહિત્ય-સામયિકની સામે સામાન્ય લેખકોનું એવું જ એક સામયિક ‘પૅરિસ મૅગૅઝીન’ નામે જ્યોર્જે આરંભેલું એ હવે સીલ્વિઆ વ્હીટમૅને નિયમિત બનાવ્યું છે. અહીં જ્યાં ગોષ્ઠીઓ યોજાય છે એ ખંડ છે તો એક પુસ્તકાલયનો : સીલ્વિઆ બીચ અને જ્યોર્જ વ્હીટમૅનના અંગત સંગ્રહનાં પુસ્તકો તો તેમાં છે જ, ગ્રેહામ ગ્રીન, સિમોન દ બુવાર અને સાર્ત્રના સંગ્રહો પણ આ પુસ્તકાલયને ભેટ મળેલાં. આ ખંડની બારી નોત્રદામ દેવળ તરફ ઊઘડે છે.
જ્યોર્જ વ્હીટમૅન સામાન્ય અર્થમાં એક પુસ્તક-વિક્રેતા, પણ એમણે પોતાના વ્યવસાયને એક અનોખું સ્વરૂપ બક્ષ્યું, ‘વેપાર’ને એક ઊંચું ગૌરવ આપ્યું. એમણે પુસ્તકોનો માત્ર વેપાર ન કર્યો, પણ પુસ્તકોનો ગુલાલ કર્યો. એ વિક્રેતા તો હતા જ, કારણ કે એ પૈસા લઇને પુસ્તક વેચતા હતા, પણ ચોપડીને એમણે સંસ્કૃતિ-સંવર્ધનનું સાધન માન્યું. પણ પુસ્તક-પ્રવર્તનની આ પ્રવૃત્તિ પાછળ પણ સમાજ-સુધારનો કોઇ બોઝીલ ખ્યાલ નહોતો; હતો માત્ર નિજાનંદનો મસ્ત ભાવ. બસ, સ્વાનંદનો એક છંદ. અને એ સહજપણાએ જ એમને એક વિશાળ અને જગતવ્યાપી પુસ્તકપ્રેમી સમુદાયની ચાહના મળી – એમની પોતાની શરતે મળી. અધરાતે નીંદરમાં જ એ ‘સરનામાવિહોણા’ બન્યા, મૃત્યુદેવના સુંવાળા ખોળામાં સમાયા, એ સમાચાર તો માત્ર શેક્સ્પીઅર ઍન્ડ કંપનીના દ્વારે અને તેની વેબસાઇટ પર ચાર લીટીમાં મુકાયા, પણ જોતજોતામાં એ દુનિયાને ખૂણેખૂણે પહોંચ્યા, અને યુરોપ-અમેરિકા અને ભારતનાં અખબારોમાં પુસ્તક-સંસ્કારના એ અનોખા પ્રવર્તક માટે અંજલિ-નોંધો લખાઇ. સાહિત્યકારો અને બુદ્ધિવંતોએ એમના એક ભેરુને ભર્યા ભાવે વિદાય આપી. એ દિવસે શેક્સ્પીઅર ઍન્ડ કંપની અપવાદરૂપે બંધ રહી. સાંજે તેના ઉંબર પર પુષ્પબિછાત થઇ, અનેકોએ અંતિમ વંદનાના શબ્દો લખીને મૂક્યા, મીણબત્તીઓ જે પ્રગટી તેમાં જાણે મૌન આરઝૂ હતી કે, “તમે વાયદો કર્યો છે ને કે ‘હું તમને આ સૃષ્ટિમાં મળી જતો રહેવાનો છું’, તો, ફરી આવજો, નવા નવા સરનામે અવતરજો, અમારાં જીવનને કાવ્યમધુર બનાવવા આ પૃથ્વી પર ફેર સંચરજો”.
[1] ‘શેક્સ્પીઅર ઍન્ડ કંપની’ લેખ, ‘સ્વાધ્યાયલોક’ (3) પુસ્તક (1997).
[‘ઉદ્દેશ’, જાન્યુઆરી 2012]
402 'SATTVA', near GREEN PARK, PHULVADI BHAVNAGAR 364 002 (GUJARAT)
![]()
મતદાનનાં કે મતદારોની ઉદાસીનતાનાં કારણોની ચર્ચા કર્યા વિના કે તેનો નીવેડો આણવાની દિશામાં કશો વિચાર કર્યા વિના, ફ્ક્ત મતદાનની પવિત્રતાનાં ગાણાં ગાયા કરવાં, એ બેટીની સલામતી પ્રત્યે ગુનાઇત ગાફ્લિયત રાખીને, બેટી બચાવોની ઝુંબેશ ઉપાડવા જેવી વાત છે. ઇચ્છનીય અને જરૂરી, છતાં અધૂરી અને અધકચરી.
ચૂંટણી લોકશાહીનો એવો કર્મકાંડ છે, જેમાં (સાચી દિશામાં થતું) કર્મ ઓછું ને કાંડનો પાર નથી હોતો. એક તરફ મતદારોને તેમના ઘરેથી મતદાન મથકે લઈ જવા માટે આગોતરા હાકોટા શરૂ થઈ જાય છે. મતદાન કેટલી પવિત્ર બાબત છે, તેનાં ગુણગાન જનહિતની જાહેરખબરો સ્વરૂપે દેખાવા લાગે છે. તત્ત્વતઃ એમાં કશું ખોટું નથી. મતદાન પવિત્ર નહીં તો પણ ઇચ્છનીય અને ફરજરૂપ તો છે જ. પરંતુ ઓછા મતદાનનાં કે મતદારોની ઉદાસીનતાનાં કારણોની ચર્ચા કર્યા વિના કે તેનો નીવેડો આણવાની દિશામાં કશો વિચાર કર્યા વિના, ફ્ક્ત મતદાનની પવિત્રતાનાં ગાણાં ગાયા કરવાં, એ બેટીની સલામતી પ્રત્યે ગુનાઇત ગાફ્લિયત રાખીને, બેટી બચાવોની ઝુંબેશ ઉપાડવા જેવી વાત છે. ઇચ્છનીય અને જરૂરી, છતાં અધૂરી અને અધકચરી. મહદ્ અંશે પ્રતીકરૂપ અને પ્રચારકેન્દ્રી.
લોકશાહીમાં મત કેવો અમૂલ્ય છે તેની કલ્પના આઝાદી અને બંધારણના અમલની સાથે જ મતનો અધિકાર મેળવી લેનાર ભારતીયોને કદાચ ન આવે. આપણા બંધારણમાં કરાયેલી ‘યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ’ (પુખ્ત વયના સૌ નાગરિકોને મતાધિકાર) અને ‘વન પર્સન, વન વોટ’(એક વ્યક્તિ, એક મત)ની જોગવાઈ કેટલી ક્રાંતિકારી છે, તે આટલાં વર્ષે સ્વાભાવિક રીતે જ વિસરાઈ ગયું છે.
અત્યારે કોઈને એવો પણ વિચાર આવે કે એક વ્યક્તિનો એક મત હોય, તેમાં વળી કયો મોટો સિદ્ધાંત છે? એ તો એમ જ હોય ને? એક વ્યક્તિને બે-ચાર મત થોડા આપવાના હોય? પરંતુ ઇતિહાસ સહેજ ઉથલાવતાં સમજાશે કે અમેરિકા અને બ્રિટન જેવા, જૂની અને મજબૂત લોકશાહી ધરાવતા દેશોમાં મહિલાઓને મતનો અધિકાર કેટલો મોડો મળ્યો. બ્રિટનમાં એકાદ સદીની લાંબી લડાઈ પછી છેક ૧૯૨૮માં ૨૧ વર્ષ કે તેથી વધુ વયની તમામ મહિલાઓને મતાધિકાર મળ્યો. અમેરિકામાં પણ મહિલાઓને એકાદ સદી સુધી સંઘર્ષ કરવો પડયો. ત્યારે તેમને બંધારણના ૧૯મા સુધારા અંતર્ગત, ૧૯૨૦માં મતાધિકાર મળ્યો. યાદ રહે, તે બંધારણમાં નિહિત કે સમાવિષ્ટ ન હતો. સુધારા દ્વારા તેને દાખલ કરવો પડયો. નોંધપાત્ર વાત એ છે કે અમેરિકામાં કાળા લોકોને (આંતરિક યુદ્ધના પરિણામસ્વરૂપે) મહિલાઓથી પચાસ વર્ષ પહેલાં, ૧૮૭૦માં મતાધિકાર મળી ગયો હતો. ત્યારે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે એ ફ્ક્ત કાળા પુરુષો અને મુક્ત કરાયેલા ગુલામ પુરુષો માટે જ છે. તેમાં સ્ત્રીઓનો સમાવેશ થતો ન હતો.
ભારતની વાત કરીએ તો, આઝાદી પહેલાં મતાધિકાર માટે અમુક સંપત્તિ હોવી જરૂરી હતી. એટલે કે ગરીબોનો મત હોઈ શકે અથવા તેમનો મત હોવો જોઈએ, એવો કોઈ ખ્યાલ ત્યારના અંગ્રેજી રાજનો ન હતો. આવો મતાધિકાર ધરાવતો ઉચ્ચ અને ઉચ્ચ મધ્યમ વર્ગ, શું ત્યારે કે શું અત્યારે, સરકારની કૃપા થકી પોતાનું હિત સાધી લેવાના પ્રયાસોમાં એટલો વ્યસ્ત અને રાજી હોય કે બાકીના લોકો ગણતરીમાં લેવાવા જોઈએ, એવું તેને પણ ન સૂઝે.
આ બધી વિગતો લક્ષમાં લીધા પછી વિચારો કે ભારતનું બંધારણ અમલમાં આવતાં વેંત, અમીર-ગરીબ, સાક્ષર-નિરક્ષર, સ્ત્રી-પુરુષ, શહેરી-ગ્રામ્ય બધાને મત આપવાનો અધિકાર મળ્યો. બીજી બાબતમાં સમાનતા આવે કે ન આવે, મતના અધિકાર બાબતે સૌ સરખા થયા. એટલું જ નહીં, સમાનતા પણ એકદમ આદર્શ બનીઃ ભલભલા અબજોપતિના મતની કિંમત પણ એક મત અને ઝૂંપડામાં રહેતાં ગરીબ માણસના મતની કિંમત પણ એક મત. આ જોગવાઈ વખતે એવું પણ કહેવાયું કે ભારતના મોટા ભાગના લોકો મતાધિકારને લાયક નથી. સાક્ષરતાનો દર સાવ ઓછો છે. આવા લોકોના હાથમાં મતનો અધિકાર આપવાથી લોકશાહીને સુકાન વગરના વહાણમાં બેસાડી દીધા જેવું થશે. એ વહાણ કિનારા સુધી નહીં પહોંચે. ખરાબે ચડશે ને નષ્ટ થશે.
પરંતુ આટલાં વર્ષોના અનુભવે જણાય છે કે જેમના વિશે અનેક આશંકાઓ હતી, એવા મતદારોના વખતમાં લોકશાહી સલામત રહી. (તેમાં મતદારોની ખાસ કશી કમાલ ન હતી. છતાં, મતદારોની જ વાત હોય ત્યારે આટલો ઉલ્લેખ કરવો પડે.) પરંતુ ભણેલા મતદારો અને હવે અધકચરું ભણેલા મતદારોના સમયમાં લોકશાહીની જે દુર્દશા થઈ છે, તે ચિંતાજનક છે. માત્ર ભણેલા જ નહીં, બૌદ્ધિક ગણાતા અને ઉચ્ચ સ્તરની વિદેશી યુનિવર્સિટીઓમાં ભણેલા લોકો પણ રાજકીય અભિપ્રાયો બાંધતી વખતે જે હદે ભરમાય છે, ભોળવાય છે, અંજાય છે કે સ્વાર્થવશ દોરવાય છે અને જે હદે સાચું સમજવાની કે સમજ્યા પછી તે સ્વીકારવાની શક્તિ ખોઈ બેઠા છે, તેમની સરખામણીમાં અભણ કહેવાતા મતદારો સારા લાગે. બહુ ડાહ્યો બહુ ખરડાય, એ કહેવતને તેમનામાંથી ઘણાએ સાચી પાડી બતાવી છે.
ઘણા વખતથી મતનાં મૂલ તો કહેવા ખાતરનાં, સૂત્રોમાં ને પ્રચારમાં જ રહી ગયાં છે. દેશમાં ખેતીનું ને ખેડૂતોનું જે થવાનું હોય તે થાય, આપણા નેતાઓ મતના મોલ (પાક) ઉતારવાનું શીખી ગયા છે. વધુમતીની અસલામતીના નામે, લઘુમતીના હિતના નામે, રાષ્ટ્રીય સુરક્ષાના બહાને કે સુપરપાવર બનવાના આંબાઆંબલી બતાવીને, સૈન્યના પરાક્રમના નામે ને કોમવાદી ઉશ્કેરણીના નામે અને આ બધા ઉપરાંત જ્ઞાતિની સંકુચિત ઓળખોની ધાર કાઢીને નેતાઓ મતનો પાક વાવે છે. તેમાં ઉશ્કેરાટ, અસલામતી, ઝાકઝમાળ, ભય, આભાસી ગૌરવ જેવાં ખાતરપાણી નાખવામાં આવે છે. તેમાંથી પેદા થતી ફ્સલનો ઊભો મોલ લણી લેવા માટે નેતાઓ આતુર જણાય છે.
તેમાં પણ છેલ્લાં થોડા સમયથી ચૂંટણીમાં નાણાંની બોલબાલાનું પ્રમાણ આસમાનને આંબી ગયું છે. પહેલાં ખેતરના ઊભા મોલ જેવી કિંમત ધરાવતા મત હવે જાણે વિધવિધ પેકિંગમાં અને આકારપ્રકારમાં બાકાયદા મોલમાં વેચાતા હોય, એવી રીતે વેચાતા થઈ ગયા છે. એ જોઈને મોટા ભાગના નેતાઓ લાળ ટપકાવે છે અને તેને ખરીદવા માટે યેનકેનપ્રકારેણ રૂપિયા એકઠા કરે છે. પાછા બેશરમ એવા છે કે પારદર્શકતાની ને કાળાં નાણાંના વિરોધની વાતો કરતાં કરતાં ચૂંટણી માટે અઢળક નાણાં ઉઘરાવે છે અને સર્વોચ્ચ અદાલતમાં બેશરમ થઈને કહી દે છે કે આ નાણાં ક્યાંથી આવ્યાં તે લોકોએ જાણવાની જરૂર નથી.
આપણા એક મતથી ક્રાંતિ થઈ જશે એવું માની લેવાની જરૂર નથી, એવી જ રીતે આપણા એક મતને નકામો ગણવાની પણ જરૂર નથી. તરફેણમાં મત આપવાની ઊલટ ન થાય, તો વિરોધમાં મત આપીને, કમ સે કમ આપણે, મતના માલિકો તો તેનું મૂલ પ્રમાણીએ.
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 ઍપ્રિલ 2019
![]()

