જે સમાચાર આવું આવું થવાનો ડર હતો, તે આવી ગયા છે. આશા, અપેક્ષા તો એવાં હતાં કે તંત્રીમહોદય શુભેચ્છકોની લાગણી હૈયે ધરશે, પરંતુ એમ ન બન્યું. સામાન્યપણે નિયમિત ન મળતું ‘નયામાર્ગ’ સમયસર મળ્યું! તેમાં શરૂઆતના સાંપ્રતના પાનાંમાં છેલ્લી નોંધ ‘નયામાર્ગ’ને તા. ૩૧-૩-૨૦૨૦થી વિરામ આપવાની છે. વિરામ કાયમ માટે છે. વળી, ચાલુ રાખવા વિશે પત્રવ્યવહાર ન કરવાની છેલ્લી અરજ છે, તેથી આ વાત ગુજરાતના પાક્ષિક વિચારપત્રના પાને લાવવી રહી.
ગુજરાત બડભાગી છે કે એને શરૂઆતથી સારાં સામયિકો મળતાં રહ્યાં છે. તેથી વધુ સારા તંત્રીઓ મળ્યા છે. જેઓ સ્વેચ્છાએ બંધ કરવાનો નિર્ણય પણ લઈ શક્યા છે! નામ ગણાવવા બેસીએ, તો યાદી લાંબીલચક થઈ જાય. છતાં બે-ચાર નામ તો પાડી જ દઈએ. ઉમાશંકર જોશી, મહેન્દ્ર મેઘાણી, ભરત નાયક વગેરે. પુષ્પ જેમ ખરી પડે તેમ ‘મિલાપ’ બંધ કરવામાં આવેલું. ક્યારેક તંત્રીઓ થાક્યા છે, તો ક્યારેક આર્થિક વિટંબણાઓએ એમને થકવ્યા પણ છે. ‘નયામાર્ગ’ બંધ થવા પાછળ આ બંને કારણો છે. કોઈને ન પડે એટલી આરોગ્યની તકલીફો કોણ જાણે કેમ ઇન્દુભાઈ જાનીને પડી છે. તેમ છતાં, તેમણે જે રીતે કામ કર્યે રાખ્યું, એ હિંમતને દાદ દેવી પડે.
‘નયામાર્ગ’ ૧૯૮૧થી ઇન્દુભાઈ સંભાળતા હતા. તે પૂર્વે ભીખુભાઈ વ્યાસ તેના પ્રથમ તંત્રી હતા. ‘નયામાર્ગ’ના પાયામાં સનત મહેતા અને ઝીણાભાઈ દરજી. એક સમાજવાદી, બીજા ગાંધીવાદી. પાયાનાં બંને તત્ત્વો ‘નયામાર્ગ’ બંધ થાય છે, ત્યાં સુધી બરાબર જળવાયાં. ‘વંચીતલક્ષી વીકાસપ્રવૃત્તી, વૈજ્ઞાનીક અભીગમ અને શોષણવીહીન સમાજરચના માટે’ આ પાક્ષિક પ્રતિબદ્ધ રહ્યું. ગુજરાત પાસે આવું બીજું સામયિક નથી, તેથી જ દુઃખ કરવાપણું છે. ઊંઝા પરિષદે ઠરાવ્યા મુજબની જોડણીમાં તે પ્રસિદ્ધ થતું હતું. જોડણી અંગેની પુરવણીઓ તેમણે કેટલોક સમય નિયમિત છાપી. પોતાનું સામયિક બંધ કર્યા પછી મહેન્દ્ર મેઘાણીને જ્યારે કંઈક લખીને કે સંપાદિત સ્વરૂપે રજૂ કરવાનો સોલો ઊપડતો, ત્યારે ઇન્દુભાઈને તે માટે ‘નયામાર્ગ’નાં પાનાં ફાળવતાં દિલીઆનંદ અનુભવાતો. આવી ઉદારતા અન્ય સામયિકોએ કેળવી હોવાનું જાણ્યું નથી.
રોજનાં દૈનિકો વાંચવાની આપણને ચાની માફક ટેવ પડી ગઈ હોય છે. વાંચતાં જઈએ અને એ જ વાંચવા વિશે ઉકળાટ પણ ઠાલવતા જઈએ એવું લગભગ રોજ સવારે બનતું હોય છે. છૂટવું છુટાય નહીં, બીજી બાજુ સહન થાય નહીં. જાહેરાતોના મારાને તો માનો કે સહી લઈએ, પરંતુ તે પછી પણ જાણવાજોગ સમાચાર મળે નહીં, સરખી રીતે મળે નહીં, તટસ્થપણે મળે નહીં, ત્યારે ચિંતા ઘેરી બને, વધુ સંવેદનશીલ હોઈએ, તો લોહીનું દબાણ ઊંચું પણ થઈ જાય. આવા કપરા કાળમાં મારા મતે નાનાં સામયિકોની મોટી ભૂમિકા બને છે. જે લોકો આ સમજી ગયા છે, તેઓ દૈનિકો છોડીને સામયિકોના શરણે જાય છે, કેટલાક આ રસ્તો જાણતા હોવા છતાં ટેવવશ પેલું છોડી શકતા નથી, નવું અપનાવી શકતા નથી. ખરેખર, છાપાં છોડી સામયિકોને શરણે જવામાં જ ઔચિત્ય છે, એ નવો માર્ગ પણ છે.
દરેક માણસને પોતાનો સમય કપરો લાગતો હોય છે. ઓશો રજનીશ યાદ આવે છે, જેમણે કહેલું કે સતયુગ કે કળયુગ કોઈ કાળે હોતા નથી. પ્રત્યેક સમયમાં કંઈક સતયુગીન, કંઈક કળયુગીન બનતું રહે છે. આપણે શું કરીએ છીએ, તે પણ ઘણું મહત્ત્વનું બની રહેતું હોય છે. આજે મને ‘નયામાર્ગ’ મહત્ત્વનું લાગે છે જેનો કોઈ વિકલ્પ નથી. જેમ ૧૯૭૦ના દશકામાં સરદાર ખુશવંતસિંઘને સ્વેચ્છાનિવૃત્ત આઈ.સી.એસ. એ.ડી. ગોરવાલાનુ ‘ઓપિનિયન’ લાગતું હતું. સમાજ તો બુલેટ ટ્રેનની ગતિએ કોઈ એક દિશામાં ધસમસ દોડતો રહેતો હોય છે. પછી કોઈકે કહેવું પડે કે એ દિશા સાચી નથી. એ કામ કોઈક કાળે ગોરવાલાએ કર્યું, તો કોઈક કાળે ઇન્દુકુમાર જાનીએ.
સામયિકોની આવી તાતી અનિવાર્યતાના સમયે ‘નયામાર્ગ’ સંકેલો કરે છે, તે સમાચાર સ્વીકારવા ગમે તેવા નથી. એની ખાલી જગ્યા પૂરી શકે તેવું અન્ય કોઈ સામયિક ક્ષિતિજે વર્તાતું નથી તેથી, તો ખાસ ગુજરાતના વાચકો સામયિકોની ઝોળી છલકાવતા રહે, તો કદાચ ચમત્કાર બને!?
E-mail : dankesh.oza@reddiffmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2019; પૃ. 12
![]()


ઘરશાળા હાઈસ્કૂલમાં મારી શિક્ષક તરીકે નિમણૂક થઈ. તેમાં નિમિત્ત-કારણ દક્ષાબહેન હતાં. તેમને ઈ.સ. ૧૯૬૫માં ગુજરાત યુનિવર્સિટીની રિસર્ચ સ્ટડી-સ્કોલરશિપ (પીએચ.ડી.) પ્રાપ્ત થઈ, તેથી તેમણે ઘરશાળામાં શિક્ષક તરીકેની નોકરીનું રાજીનામું આપ્યું. નિયમાનુસાર પ્રથમ સત્ર સમાપ્ત થવામાં હતું. વર્ષની મધ્યમાં તેમના સ્થાને શિક્ષક મળતા ન હતા. આવા સંજોગોમાં એમ.એ.(અંગ્રેજી)ના વર્ગમાં આવતા શ્રી બિપિન પારેખ નામના ઘરશાળાના અંગ્રેજીના શિક્ષકે મને કહ્યું કે “તમે ગુજરાતીના શિક્ષક તરીકે ઘરશાળામાં આવી શકો?” મેં હા કહી. બીજે દિવસે ઘરશાળાના તે સમયના આચાર્યશ્રી મહેશભાઈ વસાવડા સાથે સ્કૂલમાં મારી રૂબરૂ મુલાકાત ગોઠવી આપી. તેમણે મને પસંદ કર્યો અને કહ્યું, “કાલે સવારે ૭.૦૦ વાગે આવો. તમારે ૧૧ ‘અ’માં તથા ૧૧ ‘બ’માં ગુજરાતી ભણાવવાનું છે. મેં કહ્યું, ‘મારી પાસે પુસ્તક નથી.’ તેમણે દક્ષાબહેનનું ઘરનું સરનામું આપ્યું, ‘આંબાવાડી, ઘોઘા-સર્કલ’. તેમની પાસેથી પુસ્તક મેળવી લ્યો અને શું ભણાવવું બાકી છે, તેની વિગત લઈ લો.” ને તે જ સાંજે દક્ષાબહેનને તેમના આંબાવાડીના નિવાસસ્થાને હું મળ્યો. પ્રથમ મુલાકાતે જ પરસ્પરને સંવાદ પસંદ પડ્યો.
કહી શકશો, આ શબ્દો ક્યારે, કોણે, લખ્યા અને છાપ્યા હશે? ૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કોન્ગ્રેસની સ્થાપના થઇ તે પહેલાં, ૧૮૭૮ના જાન્યુઆરીમાં આ શબ્દો પ્રગટ થયા હતા, સુરતથી પ્રગટ થતા માસિક ‘સ્વતંત્રતા’માં. એ માસિક શરૂ કર્યું હતું ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ નામના એક પચીસ વર્ષના નોન-મેટ્રિક યુવાને. અગાઉ મુંબઈમાં ‘આર્યમિત્ર’ અને ‘મુંબઈ સમાચાર’માં અખબારમાં કામ કરવાનો થોડો અનુભવ લીધેલો તેની મૂડી, અને કેટલાક મિત્રોનો સાથ.
કોણ હતા, આ ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ? બાપદાદાની મૂળ અટક તો હતી ‘નીમકસારી.’ અકબર બાદશાહે કુટુંબના આદિપુરુષ નારણદાસ તાપીદાસને સુરત અને ભરૂચ જિલ્લાનાં કેટલાંક ગામોમાં પાકતા નમક (મીઠા) પર કર ઉઘરાવવાનો હક્ક આપેલો. એટલે તેઓ ‘નીમકસારી’ તરીકે ઓળખાયા. પણ પછીથી કુટુંબની અટક દેસાઈ થઇ. એ કુટુંબનાં સૂર્યરામ અને પ્રાણકુંવરને ત્યાં સુરતની દેસાઈ પોળમાં ૧૮૫૩ના ઓગસ્ટની ૧૦મી તારીખે ઇચ્છારામનો જન્મ. પિતા સૂર્યરામે અંગ્રેજ સરકારના લશ્કરમાં સાત રૂપિયાના પગારે સિપાઈ તરીકેની નોકરીથી કારકિર્દી શરૂ કરેલી. પહેલા અફઘાન યુદ્ધમાં લડવા કાબુલ ગયેલા. લડાઈમાં પંદર-સોળ ઘા સામી છાતીએ ઝીલીને પાછા આવેલા. માસિક ૪૬ રૂપિયાના પેન્શન સાથે નિવૃત્ત થયેલા.
૧૮૮૦ની એક સવારે ઇચ્છારામના બાળપણના દોસ્ત મગનલાલ ઠાકોરદાસ મોદી (સુરતની એમ.ટી.બી. કોલેજ શરૂ કરવા માટે બે લાખ રૂપિયાનું દાન આપનાર. રૂના મોટા વેપારી.) ખાસ ઇચ્છારામને મળવા મુંબઈથી સુરત આવ્યા. તે વખતે ઇચ્છારામ કાનના દુખાવા અને તાવથી પીડાતા હતા. પણ તેની દરકાર કર્યા વગર મગનલાલે કહ્યું: “આમ સસરાનું ખાઈને ક્યાં સુધી પડ્યો રહીશ? ચાલ મારી સાથે મુંબઈ. અહીં બેકારીમાં સબડવા કરતાં તો મુંબઈમાં મરવું સારું.” અને મગનલાલ લગભગ પરાણે ઇચ્છારામને મુંબઈ લઇ ગયા. તાવ તો રસ્તામાં જ ઉતરી ગયો. કાનનો દુખાવો પણ ઘટી ગયો. હકીકતમાં મગનલાલને સુરત મોકલ્યા હતા એક જાણીતા વ્યાપારી અને જાહેર જીવનના અગ્રણી સર મંગળદાસ નથ્થુભાઈએ. તેઓ નવું અઠવાડિક કાઢવા માગતા હતા અને તેના અધિપતિ (તંત્રી) તરીકે ઇચ્છારામની ભલામણ થઇ હતી. આ વાત જાણતાં જ ઇચ્છારામ તો રાજીના રેડ. મુંબઈમાં કવિ નર્મદને મળ્યા, મણિલાલ નભુભાઈને મળ્યા, રતિરામ દુર્ગારામ દવેને મળ્યા, બીજા કેટલાક અગ્રણીઓને મળ્યા. સૌનો સહકાર માગ્યો. મળ્યો. નવા અઠવાડિક માટે કવિ નર્મદે નામ સૂચવ્યું: ‘ગુજરાતી.’ અને ૧૮૮૦ના જૂનની છઠ્ઠી તારીખે ‘ગુજરાતી સાપ્તાહિક’નો પહેલો અંક બહાર પડ્યો. પહેલા ચાર મહિના દર અઠવાડિયે નકલો મફત વહેંચી. છતાં પહેલા વર્ષને અંતે ગ્રાહકોની સંખ્યા ફક્ત ૧૪૫! પણ સાથોસાથ બે હજાર નકલ મફત વહેંચાતી. ઇચ્છારામ પર સુરત રાયટ કેસના વખતથી ફિરોઝશાહ મહેતાનો ઊંડો પ્રભાવ હતો. આથી ૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કોન્ગ્રેસની સ્થાપના થઇ ત્યારથી ‘ગુજરાતી’ સાપ્તાહિકનું વલણ સતત કોન્ગ્રેસ તરફી રહ્યું. એ વખતે કોંગ્રેસની તરફેણ કરતું તે મુંબઈનું એકમાત્ર પત્ર હતું.